શનિવાર, 27 નવેમ્બર, 2010

એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પ્હોંચતા જ પાછું વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને

– મનોજ ખંડેરિયા

સુવાક્ય

આવક પ્રમાણે નહિ,
પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.

– રત્નસુંદરવિજયજી

ઓનબીટ

બુદ્ધિ એક પ્રસાધન (કોસ્મેટિક્સ) છે અને પ્રસાધનનું કામ છે સંતાડવાનું...

- નિત્શે

ગુજરાત સમાચાર ઓફબીટ - અંકિત ત્રિવેદી માંથી

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

સુખ એટલે – મોહમ્મદ માંકડ

સુખની વ્યાખ્યા કોઇ એ આ રીતે આપી છે : “સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા.”

સુખ વિશે આવી માતબર, આવી સુદંર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી કોઇ વસ્તુ હોય તો તે આવી જ કોઇક વસ્તુ હોઇ શકે. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. છતાં જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઉંડો અનુભવ પણ થાય છે એને એ અનુભવ એટલો બધો નક્કર હોય છે કે એના માટે એ ફરી ફરી ને ઝંખ્યા કરે છે.

પરંતુ જેના માટે એ આટલું ઝંખે છે એ સુખ ખરેખર એને કોઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેમ છે ખરું ? તત્વનું ચિંતન કરનારા કેટલાક વિદ્વાનો માને છે – માનવીનું જીવન સંપૂર્ણપણે દુઃખમય જ છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.

બીજી તરફ કેટલાક ચિંતકો માને છે કે , જીવનની દરેક ક્ષણ સુખથી જ ભરેલી હોય છે, પરંતુ માનવી એનો અનુભવ કરવાને બદલે ભુતકાળનાં સ્મરણોમાં અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાઇને વર્તમાનની અમુલ્ય ક્ષણોને વેડફી નાખે છે. એટલે, જે માણસ સંપુર્ણપણે વર્તમાનની ક્ષણોમાં જ જીવે છે તે આનંદ અને સુખનો અનુભવ કરી શકે છે. તેનુ જીવન પુરી રીતે સુખમય હોય છે. જોકે, સામાન્ય રીતે કોઇ પણ માનવી માટે આ રીતે જીવવાનુ શક્ય હોતું નથી. માણસ પોતાના ભૂતકાળની પકડમાંથી અને ભવિષ્યની કલ્પનાઓમાંથી પૂરી રીતે છૂટી શકતો નથી. એટલે સામાન્ય રીતે, સામાન્ય માણસનું જીવન સુખ અને દુઃખની ઘટમાળ જેવું હોય છે.

આવી સ્થિતિમાં તે વધુમાં વધુ સુખ કઇ રીતે પ્રાપ્ત કરી શકે, સુખદુઃખની ઘટમાળમાંથી દુઃખની ક્ષણોને કઇ રીતે ઓછી કરી શકે, સુખની ક્ષણોને કઇ રીતે માણી શકે એજ વિચારવાનુ રહે છે અને એનો વિચાર કરતી વખતે સુખ એ ખરેખર શું છે,કઇ રીતે પ્રાપ્ત થઇ શકે છે, એ બાબતમાં માણસે કઇ રીતે વર્તવુ જોઇએ એનો નિર્દેશ સુખ વિશેની ઉપરની વ્યાખ્યામાં આપેલ છે.

“સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા”

આ નાનકડું વાક્ય સુખ વિશે ઘણી મહત્વની વાતો કહે છે. પહેલું તો સુખ એ પ્રાપ્ત થઇ શકે એવી વસ્તુ છે. પરંતુ એ કોઇ તૈયાર વસ્તુ નથી. તમારે એનુ સર્જન કરવું પડે છે. એનો કાચો માલ- રો મટીરિયલ- તમારી પાસે છે, પરંતુ એ ફૂલોમાંથી ગજરાનું સર્જન તમે કરો ત્યારે જ તમને સુખનો અનુભવ થાય છે અને એ સર્જન તમારે કલાત્મક રીતે કરવાનુ છે. જેટલી કલા તમે તેમાં રેડી શકો એટલું વધુ સુખ, વધુ આનંદ તમે પામી શકો. જાપાનમાં છોકરીઓને ફૂલોની ગોઠવણી શીખવવામાં આવે છે. એ જ રીતે માણસ પણ પોતાની પાસે જે હોય તેને વિવિધ પ્રકારે ગોઠવીને તેમાંથી વિવિધ પ્રકારનો આનંદ માણી શકે છે.

ઉપર્યુક્ત વ્યાખ્યા કહે છે કે, તમારે માત્ર તમારી પાસે જે ફૂલો હોય એની જ ગોઠવણ કરીને સૌંદર્ય ઉત્પન્ન કરવાનું છે અને આનંદ માણવાનો છે. આમાં ‘તમારી પાસે જે ફૂલો હોય’ એ શબ્દો બહુ અર્થસભર છે. એમાંથી મુખ્ય બે વાત આપણે શીખવાની છે. એક તો, આપણી પાસેનાં ‘ફૂલો’ નો જ વિચાર આપણે કરવાનો છે. ફૂલો સિવાય પણ આપણી પાસે ઘણું હોવાનું – કચરો હોવાનો, કાંટા હોવાના- પરંતુ તેનો ઉપયોગ આપણે કરવાનો નથી. આપણે તો માત્ર ફૂલોમાંથી જ ગજરો બનાવવાનો છે. સુખ પામવા માટે આપણે માત્ર, આપણી પાસે જે કાંઇ સારું છે, સુખ ઉત્પન્ન કરી શકે તેવું છે, એને જ અલગ તારવી લેવાનું છે અને એમાંથી જ ગજરો બનાવવાની કોશિશ કરવાની છે. આપણા દુઃખો નો, કડવાશનો, આઘાતોનો વિચાર કર્યા કરવાનો નથી. જો સુખી થવુ હોય તો માત્ર ‘ફૂલો’ નો જ વિચાર કરવાનો છે અને બીજી વાત એ છે કે એ ‘ફૂલો’ પણ ‘તમારી પાસે જે હોય’ એના ઉપર જ મદાર રાખવાનો છે.

સામાન્ય રીતે માણસ પોતાની પાસે જે નથી હોતું એના વિચારો કરીને જ દુઃખી થાય છે. દુઃખની ઉત્પત્તિમાં માણસના મનનું આ વલણ બહુ મોટો ભાગ ભજવે છે. મારી પાસે એક કાર છે, પરંતુ મારા પાડોસી પાસે ત્રણ ચાર કાર છે. મારી પાસે સરસ મકાન છે, પરંતુ મારા ભાગીદાર પાસે બે મકાન છે. પરિણામે હુ દુઃખી છું. મારી કારમાં બેસતી વખતે મારા પાડોશીની સ્થિતિ મને ખટકે છે. મારા રેડિયોગ્રામ પર હું સંગીતનો આનંદ માણી શકતો નથી. મારાં ઘરમાં મને નિરાંત મળતી નથી, કારણ કે બીજાના બે બંગલાનો ભાર મારા હૃદય પર ખડકાઇ જાય છે.

આપણી પાસે સુખી થવા માટે પૂરાં સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ કે ઉપભોગ કરવાને બદલે આપણે બીજાઓ પાસે કેટલું વધારે છે તેનો જ વિચાર કરીએ છીએ અને એ વિચારો આપણું સુખ હરી લે છે.

અને જે પાડોશી, જે સગાંવહાલાં, જે ભાગીદાર વિશે વિચારીને આપણે દુઃખી થતા હોઇએ છીએ એ લોકોને કોઇક બીજી વસ્તુઓની ખોટ પીડા આપતી હોય છે. દરેક માનવી પોતાની પાસે જે નથી હોતું તેના વિચારો કરીને જ દુઃખી થાય છે.

આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જેમાં દરેક માણસ વધુ ને વધુ ઝડપથી દોડી રહ્યો છે. બીજા કરતાં તે આગળ નીકળી જવા માગે છે, પરંતુ પોતે ક્યાં જઇ રહ્યો છે તેની તેને ખબર નથી. જીવનની એવી દોડમાં તે ફસાયો છે, જેમાં દોડ્યા વિના તેને છૂટકો જ નથી. અનેક વસ્તુઓ તે પ્રાપ્ત કરતો જાય છે અને ખડકતો જાય છે – પૈસા, આબરુ, એવૉર્ડ, સુખસગવડનાં સાધનો, પણ એનો ઉપભોગ કરવાની એને નવરાશ નથી. જે કાંઇ એ કરે છે એ દોડતાં દોડતાં જ કરે છે અને ‘દોડ’ ના એક ભાગ રૂપે જ કરે છે. પરિણામે સુખસગવડનાં જે સાધનો – જે ફૂલો – એણે એકઠાં કર્યાં હોય છે એ કરમાતાં જાય છે, વાસી થઇ જાય છે, બેકાર બની જાય છે; એમાંથી કોઇ પુષ્પગુચ્છ સર્જન થઇ શકતું નથી. અને એટલે તેને કોઇ આનંદ, કોઇ સુખ પણ મળી શકતું નથી.

કારણ કે સુખ તો એ ફૂલોમાંથી કલાત્મક રીતે પુષ્પગુચ્છ તૈયાર કરવાની ક્રિયામાં રહેલું છે. સુખ એ કોઇ નિષ્ક્રિય વસ્તુ નથી. એના માટે માણસે પોતે સક્રિય બનવું પડે છે.

‘અન્ના કેરેનીના’ માં ટૉલ્સ્ટૉયે લેવીનના સુખનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે. કિટી સાથેના એના લગ્નની વાત નક્કી થઇ છે અને લેવીન સુખી સુખી થઇ ગયો છે. જ્યાં એ નજર કરે છે ત્યાં સુખ એને ઉભરાતું દેખાય છે. આકાશ વધુ આસમાની બની ગયું છે. પક્ષીઓ વધારે મીઠાશથી ગાય છે. ઘરડો દરવાન એની સામે વધારે પ્રેમથી નજર કરે છે. બધું જ જાણે બદલાઇ ગયું છે. આખી કુદરત ઉપર બધી જગ્યાએ સુખ જાણે છાઇ ગયું છે.

રશિયન ભાષામાં એક કહેવત છે: There is no sickness in man, there is sick man. આ વાત બિમારી કરતાં સુખને વધુ લાગુ પડે છે. માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. આપણા જીવનની અમુક સ્થિતિ ચોક્કસપણે દુઃખદાયક હોય છે. પ્રિયજનનું મૃત્યુ, બિમારી, લગ્નવિચ્છેદ કે પ્રેમવિચ્છેદ, અપમાન, છળકપટ, દગો આપણને સૌને દુઃખ આપે છે; પરંતુ સ્વસ્થ પ્રકૃતિનો માણસ સમય વીતતાં તેમાંથી મુક્ત થઇ શકે છે. બાળક જન્મે છે એ સમયે માતા સાથે એને જોડતી નાળ કાપી નાખવામાં આવે છે. એ ક્રિયા એને અત્યંત પીડા આપે છે. એટલે પીડા સાથે જ માણસ જન્મે છે, છતાં સમય વીતતાં એ પીડા એ ભુલી જાય છે. સુખી થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ પોતાની ભુતકાળની પીડા ભુલી જવી જોઇએ.

સુખ ભુતકાળને યાદ કરવામાં નથી. જે કાંઇ પોતાને મળ્યું નથી એનો અફસોસ કરવો નકામો છે. સુખ ભવિષ્યની યોજનાઓમાં પણ નથી. કારણ કે ભવિષ્ય વિશે કશું જ નક્કી કહી શકાતું નથી. આપણી પાસે જે ન હોય એનો વિચાર કર્યા કરવો અથવા તો એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એમાંથી સુખ મેળવવાની ઇસ્છા કરવી એ નિરર્થક છે. ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા આપણને આપણી પાસે વર્તમાનની જે અમૂલ્ય ક્ષણો છે એનો ઉપભોગ કરતાં રોકે છે. મનનું એવું વલણ જ આપણને દુઃખી કરે છે. જે કાંઇ મેળવવાની ઇચ્છા હોય એ મળે ત્યારે એનો ઉપભોગ કરવાનું વલણ રાખવું ; પણ અત્યારે તો આપણી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની ક્રિયા ચાલુ રાખવી અને એ ક્રિયા કલાત્મક હોવી જોઇએ, અકલાત્મક નહિ. કારણ કે અકલાત્મક – નકારાત્મક ક્રિયાઓ સુખ આપી શકતી નથી અને એક વાત યાદ રાખવા જેવી છે, સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી. કારણ કે જીવન પોતે જ સતત સક્રિય છે.

બુધવાર, 17 નવેમ્બર, 2010

પ્રાર્થના સમર્પણનું સરનામું છે

નવું વર્ષ ઊજવી રહ્યાં છીએ. જુના થઈ ગયેલાઓને આ દિવસો સાજા સમા, તાજા-માજા કરવાના દિવસો છે. આ દિવસો આત્માને ઢંઢોળવાના દિવસો છે. નવા વર્ષને વ્હાલથી વધાવવાના અને પ્રાર્થના કરીને આત્મવિશ્વાસ વધારવાના દિવસો છે. આપણે પણ એ પ્રાર્થનાઓમાં આપણા માણસપણાને મમળાવીએ...
*
જેવો છું એવો આવીને ઊભો છું. ઊભો ઊભો રાહ જોઉં છું તારી. તું આવે તો પ્રતીક્ષા પુરી થશે અને સ્મરણ શરૂ થશે. અને સ્મરણ વચ્ચેના સમયમાં તારું મળવું પાણી પર તરતા દિવડા જેવું ઝલમલ હશે તો ચાલશે... પ્રાર્થના તારા હોવાનું આશ્વાસન છે...
*
સ્તુતિ કે મંત્ર બોલીને તને લજવાનો મહાવરો આ દુનિયાને હસ્તગત છે. હું પણ એમા સામેલ છું. પણ તને કવિતા લખીને ઊજવવો છે. તું મારી પરીક્ષા કરે છે. હું તારી પ્રતિક્ષા કરું છું. આપણો પ્રાસ મળે છે એટલી જ સહજ રીતે શ્વાસ પણ મળે છે. જોને, ધબકારા મારા નામે છે અને એમાં સંભળાય છે તારો અવાજ... એ અવાજ જ પછી કવિતાનો લય બને છે... પ્રાર્થના મારું પળેપળનું ચિંતન-મનન છે...
*
તું વાયદો આપીને ફરી જાય છે ત્યારે મૃત્યુને મઝા પડે છે. વેરાઈ ગયેલી ક્ષણોને ભેગી કરીને મને સોંપવાને બદલે તું વેરણ છેરણ રાખે છે. દુઃખમાં તારું સ્મરણ તીવ્ર હોય છે એ સાચું પણ સુખમાં તારો ઉત્સવ ઊજવીને તારામાં રમમાણ રહું છું એનાથી તો તું પણ વાકેફ છે... પરીઓની કથાઓમાં જે પ્રસંગ વણવાનો બાકી રહી જાય છે એ પછી જીવન બને છે અને પ્રાર્થના અજવાળાનું અનુસંધાન સપ્રમાણ જાળવી રાખે છે. પ્રાપ્તિની ચરમસીમાએ પ્રાર્થનાનો આસ્વાદ આપણો સ્વભાવ બની જાય છે.
નવા વર્ષનો પ્રારંભ કરાવ્યો છે તે! એને કાયમ ઝગમગતું પણ તું જ રાખજે! અમારી નિષ્ફળતાઓ બીજાની સફળતા બને છે. એમાં પણ અમે ખુશ જ છીએ. ઈર્ષા કરનારાઓને અમારી માણસાઈની ખબર નથી! તારી પ્રાર્થનામાંથી અમે આ શિખ્યા છીએ. એ લોકો તારી પ્રાર્થના કરે છે પણ શિખવાનું બાકી રહી ગયું છે. ખાલી માણસ વધારે બોલતો હોય છે. ભરેલો માણસ યોગ્યતા પ્રમાણેનું બોલે છે. તારી પ્રાર્થના અમે બોલવા અને મૌન રહેવાની વચ્ચે શાંત થઈ જવા માટે કરીએ છીએ... અમારી નિખાલસતા અમારી પ્રાર્થના જ છે...
*
પાસે રહેલા બે દિવડાઓનું અજવાળું ઝઘડતું નથી. કે હું વધારે પ્રજ્ળું છે કે તું કેમ વધારે પ્રજળે છે? બે દિવાઓ આવું કરતા હોત તો ઇશ્વરનો જીવ બળતો હોત! માણસો હુંસાતુંસીના વરસાદમાં એકબીજાને કાદવ ઊડાડીને ઘૂળનું સગપણ પાકું કરતા હોય છે! પ્રાર્થના સમર્પણનું સરનામું છે. પ્રાર્થના પ્રેમનું ખ.સ્. છે.
*
તું અમને મળવા આવે ત્યારે અમારી પાસે સમય હોય એવું કરજે! અમે પ્રાર્થનામાં તને સમજાવવા માંગીએ છીએ કે અમે તને મળી શકીએ એટલો સમય અમારા કામમાંથી તું અમને આપજે. અમે અમને મળવા માંગીએ છીએ. અમારે બઘું જ તારી ઉપર થોપી દેવું નથી. કોઈ એવું જે વડીલની જેમ વ્હાલ કરે... મિત્રની જેમ ઉંમર પ્રમાણે પ્રેમ કરે... બાળકની જેમ જીદ કરીને પોતાનો હક્ક બતાવે એવા અમારા અંશને કહેવું છે. અને કહેતા કહેતા થઈ જાય છે પ્રાર્થના... મરજીવા દરિયામાંથી પાછા ફરે ત્યારે હાથમાં મોતી હોવા જ જોઈએ એવું ક્યાં જરૂરી છે. મોતી શોધવાનો આનંદ પણ ચહેરાની ચમકમાં વર્તાય ત્યારે નિસ્બતનો પરચો મળે છે... પ્રાર્થનાનું અંતઃકરણ એ સાચી દિશાનું વાતાવરણ છે.
*
હું એકલો પડવા માંગુ છું. એકલો પડીને સૌની સાથે રહેવા માંગું છું. ઘરની બારીઓએ મને શિખવાડ્યું છે કે આકાશનો ખપ પણ જરૂર પૂરતો જ કરવો. બારણું વાખેલું ન રાખવું, આપણને કહ્યાં વગર કોઈ આવી શકે ત્યારે અધખૂલેલું રાખવું...! સામેવાળાને આપણું બારણું અધખૂલેલું છે એની ખબર ક્યાંથી પડે? એણે પહેલાં તો ઉંબરા સુધી આવવું પડશે. આ ‘આવવું’ ઊત્સવ બની જાય ત્યારે પ્રાર્થના પરમતૃપ્તિનો અહેસાસ બને છે.
*
નવા વર્ષમાં એક જ પ્રાર્થના કરું છું કે મારી પ્રાર્થના માયકાંગલી કે ઓશિયાળી ન હોવી જોઈએ. એમાં તને મળવાનો મીઠો અજંપો હોવો જોઈએ. એમાં ગઝલની ખુમારી હોવી જોઈએ. પંખીઓ જે ભાષા બોલવા માટે સદીઓથી ટહુકા કરે છે એ ભાષા મારી પ્રાર્થનાને આવડવી જોઈએ. મારી પ્રાર્થના વિશ્વના મંગળ માટેના કોરસનો એક અને એકાકાર સ્વર હોવી જોઈએ. ઇશ્વરનો ફોટો હોય છે. આપણી કલ્પનાનું રેખાચિત્ર એમાં ભાગ ભજવે છે. પ્રાર્થનાનો ફોટો તો આપણા હૃદયની શાંતિ છે. પ્રાર્થનામાં તું જડી જ જાય એવું જરૂરી નથી. પ્રાર્થનામાં કોઈને જડવાનું નથી હોતું! આપણા માણસ-પણાને શોધવાનું હોય છે. પ્રાર્થના ટેરવાને ઊગેલી કૂંપળ છે.. શબ્દોમાં નદીઓનું ખળખળ છે... કાનોમાં સંભળાતું ઝળહળ છે... આપણે જેમાં ભીંજાઈ નથી શકતા એ વાદળ છે... પ્રાર્થના જીવનનું અંજળ છે... તારી ગેરહાજરી અમારી પ્રાર્થના બને એ પહેલાં તારું સ્મરણ અમારું વાતાવરણ બને એ જ અમારી ઇચ્છા... ફળિયાના દિવડાઓ રુંવાડા પરની પ્રાર્થના બને પછી તારી સાથે વાત...!

ઓનબીટ

પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી પરવરદિગાર ક્યાં?

- શાહબા

મંગળવાર, 16 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

‘ચંદ્ર સ્ત્રી જેવો છે. એ પૃથ્વીથી આવવું જોઈએ, તેથી વઘુ નજીક આવે છે- અને માણસને દીવાનો બનાવીને દૂર સરકી જાય છે!’
- વિલિયમ શેક્સપીયર

શનિવાર, 13 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

સંવત બદલાય છે,
પણ સંબંધ નહિ !
(સુરેશ કોઠારીની પંક્તિઓ સંગાથે હેપી ન્યુ ઈયર!)

આવો !

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું
તમે ધગધગ ધૂણીના અંગાર:
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

- મકરન્દ દવે

શુક્રવાર, 12 નવેમ્બર, 2010

સુવાક્ય

તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી.
બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.
-હક્સલે

બુધવાર, 10 નવેમ્બર, 2010

બુધવાર, 3 નવેમ્બર, 2010

સંઘર્ષ અને સિદ્ધિનો જીવતો જાગતો મહામાનવ

ઓબામા કહે છે ‘ખૂબ ભણો. ભણવાનો કોઈ વિકલ્પ નથી અને પછી કશું જ ઈમ્પોસિબલ નથી. હંમેશાં ઊંચી પસંદગી જ કરો. નાની વાતથી ઓડકાર ન ખાઈ જાઓ.’

રોશની રુકેગી નહીં
હર અંધેરે કી યાત્રા
રોશની કી તલાશ હૈ
કબ તક રોકોગે ધૂપ
વહ કીસી ભી મોડ સે
દરાર સે, ઝરોખે સે ઝરકર કહીં સે ભી
ભીતર આ જાએગી
કિતની રોકોગે આગ
વહ કીસી ભી કોને સે
કોઈ રાસ્તા ન હોને સે
ગાંવ સે, જમીન સે, મિટી સે, બીજ સે
જંગલ કે બીચ સે, રાખ કી દીવાર ફાડકર
ઉડતી ચલી આએગી

- કવિ ગિરિજાકુમાર માથુર

એક ઉર્દૂ શાયરી છે, હજારો સાલ નરગિસ અપની બેનુરી પર રોતી હૈ, બડી મુશકિલ સે હોતા હૈ, ચમન મેં દીદાવર પૈદા. ઉર્દૂ શાયર ઈકબાલની આ શાયરી ભારતમાં આજકાલમાં આપણા પરોણા બનવાના છે તે મહામાનવ બરાક ઓબામાને લાગુ પડે છે. લગભગ સવા બસો વર્ષના અમેરિકાની ડેમોક્રસીના ઈતિહાસમાં બરાબર બે વર્ષ પહેલાં એક કાળી ચામડીનો માણસ નામે બરાક ઓબામા પ્રમુખ તરીકે ચૂંટાયો. તેને માત્ર દસ મહિનાના શાસનમાં નોબેલ પ્રાઈઝ મળ્યું છે. તમે જો બરાક ઓબામાની જીવનકથા સાંભળો તો તમને શાયર અકબર ઈલાહાબાદીનો શેર યાદ આવશે.

સદમે ઉઠાયે, રંજ સહે, ગાલિયા સુની
લેકિન ન છોડા કૌમ કે ખાદિમને અપનાં કામ

શબ્દશ: બરાક ઓબામાએ ગોરા લોકોની ગાળો સાંભળી છે. ૨૦૦૪માં જ્યારે ઓબામાની મિત્ર અને કોંગ્રેસ વુમન જાન શાકોવસ્કી વ્હાઈટ હાઉસમાં પ્રમુખ જ્યોર્જ બુશને મળવા ગઈ ત્યારે ઓબામા અમેરિકન સેનેટના ઉમેદવાર તરીકે ઊભા હતા. જાન શાકોવસ્કીએ તેનાં ફ્રોક ઉપર ‘ઓબામા’નું પ્રચાર-બટન પહેર્યું હતું. જ્યોર્જ બુશે તે જોઈને કહ્યું ‘ઓસામા બીન લાદેન’ને છાતીએ કેમ લઈને ફરે છે? તો મેડમ જાને કહ્યું ‘ના એ ઓબામા છે-બરાક ઓબામા. તો જ્યોર્જ બુશે કહ્યું કે ‘ના હું તેને જાણતો નથી!’ તદ્દન જુઠ્ઠાડો. પણ મેડમ જાને સંભળાવી દીધું. ‘હા ભલે તમે ઓબામાને જાણતા નથી પણ થોડા વરસોમાં તેને જરૂર જાણશો...’ આજે જ્યોર્જ બુશે ઓબામાનાં ગુણગાન રોજ તેના ઘરે અખબારમાં જોવા પડે છે.

પરંતુ આપણે બરાક ઓબામા માબાપથી ત્યજાઈ ગયેલા અને કાળી ચામડીના માણસ તરીકે લગભગ ‘ઝૂંપડપટ્ટી’માંથી વ્હાઈટ હાઉસ સુધી કેમ પહોંચ્યા તેની સંઘર્ષકથા જો તમે વારંવાર કદાચ સાંભળી હશે તોય ફરી કહેવાની છે. એક પ્રસંગથી વાત શરૂ કરીએ. સ્કૂલના ગોરા છોકરા ઓબામાને ચોકલેટ બતાવતા અને ઓબામા હાથ લંબાવે તો ગોરો છોકરો તેના હાથમાં જીવતો જીંધો (શ્રીમ્પ) પકડાવતા. એક અદી નામના ગોરા મિત્રે જ ઓબામાની ટિંગાટોળી કરી અને નજીકના તળાવના કાદવમાં ખૂબ ખરડ્યા હતા.

આવા ખૂબ અનાદર અને અપમાનોનો ઓબામાએ સામનો કરેલો. પણ બરાક ઓબામા તેને ગાંઠ્યા નહોતા. તેને અફસોસ માત્ર એ વાતનો હતો કે તેને જન્મ દઈને માત્ર થોડા જ વર્ષમાં પિતાએ ત્યજી દીધા. તેના કાળા રંગના પિતા સાથે લગ્ન કરનારી અમેરિકન ગોરી છોકરી હજી ઓબામાના પિતાને પરણી નહોતી તે પહેલાં ગર્ભવતી થઈ. તે ગર્ભમાં બરાક ઓબામા હતા. એ માતાએ પણ ઓબામાના પિતા સાથે લગ્ન કરી છુટાછેડા લઈ બીજા લગ્ન કરીને ઓબામાને થોડો વખત રાખી છોડી દીધા.

માબાપ છતાં ઓબામા માબાપ વગરના બન્યા અને અમેરિકામાં તેના માતૃપક્ષનાં દાદા-દાદી સાથે ઊછર્યા. વિધાતાએ ઓબામાના કિશોરપણા ઉપર એટલો અત્યાચાર કર્યો કે ઓબામાને તરછોડ્યા છતાં ઓબામા તેમનાં માબાપને મળવા ગયા ત્યારે બન્ને યુવાનીમાં જ મરણ પામેલાં.

આમ છતાં ઓબામા ભણતા રહ્યા. ખૂબ વાંચતા રહ્યા. જ્યારે ત્રીજા ધોરણમાં ઓબામા ભણતા હતા ત્યારે ૪૧ વર્ષ પહેલાં સ્કૂલમાં તેમણે એક નિબંધ લખ્યો ત્યારે તેણે લખેલું કે હું એક દિવસ મારા દેશનો પ્રમુખ બનીશ! આટલી લાચાર હાલત, તરછોડાયેલા બાળક જ નહીં પણ સતત કાળી ચામડીના માણસ તરીકે અવહેલના પામેલા બરાક ઓબામા ઊંચી મહત્વાકાંક્ષા રાખતા હતા! ઓબામાના મિત્ર કાકુગાવા કહે છે કે તેને ગોરા છોકરા તિરસ્કારતા હતા તેનો અફસોસ નહોતો.

માતાપિતાએ તેને ત્યજી દીધેલા તે તેના જીવનની મોટી પીડા હતી. ૧૪ની વયે તે સ્કૂલની બાસ્કેટબોલની ટીમના કેપ્ટન થયા અને જીત્યા પણ ખરા પરંતુ ત્યારે પણ તે ગોરી માતાના પુત્ર હતા અને કાળા પિતાના પુત્ર હતા એટલે તે ઘરના કે ઘાટના નહોતા. ભયંકર એકલતા ભોગવતા હતા. આવી માનસિક યંત્રણા થકી ફ્રસ્ટ્રેટ થઈ (નાસીપાસ) થઈ તે શરૂમાં સિગારેટ પીતાં થયા પછી બિયર પીતાં થયા. પછી ગાંજો પીવા માંડ્યા હતા. કમાલ જોઈ લો કે ગાંજા અને કોકેન-ચરસની લતે ચઢેલા ઓબામા વિધાતાની કૃપાથી અને આત્મબળથી વ્યસનમાંથી છુટી ગયા.

નવ વર્ષની વયે ઓબામાએ જોયું કે કાળા રંગની યુવતીઓ જે ગોરાથી તરછોડતી તે બધી અનેક રસાયણો વાપરીને ગોરી થવાના ફોગટ ફાંફાં મારતી હતી. તેની કથા ઓબામાએ પીડાસહિત ‘લાઈફ’ મેગેઝિનમાં લખેલી. ઓબામા મુસ્લિમ પિતાના પુત્ર હતા પણ જુદી જુદી સ્કૂલો બદલી તેમાં મુસ્લિમો જે મોટા ભાગે લગભગ ગોરા હતા તેની સાથે પણ ભળી શકતા નહીં. મુસ્લિમો તેને ક્રિશ્વિયન ગણતા! મુસ્લિમો તેને મુસ્લિમ ગણતા નહીં. ક્રિશ્વિયનો તેને ખ્રિસ્તી ગણતા નહીં. બરાબર છે. તે માનવધર્મી છે.

તમારા જીવનમાં તમે કેટલી સ્કૂલો બદલી છે? ગોરી માતા સાથે થોડો સમય ઈન્ડોનેશિયા રહેલા. ઓબામા ૫ અને ૬ની ઉંમરે હોનોલુલુની કિંડરગાર્ટન સ્કૂલમાં ભણ્યા. તે પછી ઈન્ડોનેશિયાના જાકાર્તાની સંત ફાન્સીસી આસીસી કેથોલિક સ્કૂલમાં ભણ્યા. પાછા હોનોલુલુ આવીને ૧૨મા સુધી અમેરિકન સ્કૂલમાં ભણ્યા. ૧૮ની ઉંમરે ઓકિસડન્ટલ કોલેજમાં (લોસ એન્જલસ) ભણ્યા પછી કોલંબિયા યુનિ. અને છેલ્લે ૧૯૯૧માં હાર્વડ લો કોલેજમાં ભણીને કાયદાના સ્નાતક થયા. આ તમામ કોલેજોમાં તેઓ સ્કોલરશિપ લઈને ભણેલા. બરાક ઓબામા માત્ર કાળા લોકો કે ગોરા લોકોને થતા સામાજિક અન્યાય માટે લડવા જ વકીલ બન્યા હતા.

ઓબામાએ તેની પીડા વ્યક્ત કરી તે તમારામાંથી ઘણાએ અનુભવી હશે. ભાઈ, માબાપ અને ખાસ કરીને પ્રેમી, પ્રેમિકા કે પતિ કે પત્ની તરફથી કોઈ તરછોડાય છે ત્યારે તેને ઓબામાએ વાપરેલાં બે વાક્યો હૈયામાં વાગે છે. ઓબામાએ કહેલું ‘હું ગરીબ હતો. કાળો હતો. તેનો અફસોસ નહોતો. ‘ઈટ વોઝ માય કવેસ્ટ ટુ બીલોંગ.’ હું કોઈનો નહોતો. મારું પોતાનું આત્મીય કહેવાય તેવું કોઈ નહોતું. મિશેલ રોબિન્સનને પરણ્યા ત્યારે તેને લાગ્યું કે જગતમાં નિયંતાએ તેને એક ચાહનારું પાત્ર આપ્યું છે.

નાઉ આઈ બીલોંગ ટુ મિશેલ. ‘એન્ડ અલ્ટિમેટલી ઓન ફિફ્થ નવેમ્બર ૨૦૦૮’ના દિવસે આખા અમેરિકાનો પ્રમુખ બન્યા અને અમેરિકાના વિરાટ લશ્કરનો કમાન્ડર ઈન ચીફ બન્યા, પણ એ પહેલાં તેમણે અનેક અપમાનો સહન કરેલાં. કદાચ તેમણે પંજાબી કવિ ‘પાશ’ની (અવતાર સિંઘ સંધુ) શાયરી વાંચી હશે:

તુફાન કભી માત નહીં ખાતે
તુફાન કા દમ કભી ભી તૂટતા નહીં
વહ ઉમસ (ઉમંગ-શક્તિ) બહુત ગહરી થી
જહાં એ તુફાનને જનમ લિયા

એક નાનકડી વાત છે પણ મજેદાર છે. પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઓબામા ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ૨૦૦૮માં તે સિગારેટ પીતા હતા. ઘણા લોકોએ તેને સિગારેટ છોડવા કહ્યું. કારણ કે અમેરિકન યુવા પ્રજાને સિગારેટ પીનારો પ્રમુખ કદાચ ખપે નહીં. ઓબામાએ સ્વીકાર કર્યો કે તેણે યુવાનીમાં સિગારેટ છોડવા ખૂબ જ મહેનત કરી, પણ પછી પત્ની મિશેલએ શરત કરી કે પ્રમુખપદની આખરી ચૂંટણી વખતે તેણે સિગારેટ છોડવી જ પડશે. ઓબામાએ વચન આપ્યું કે વ્હાઈટ હાઉસ પહોંચતા પહેલાં હું સિગારેટ છોડી દઈશ. જોકે ઓબામા કદી જ હેવી સ્મોકર નહોતા.

સિગારેટ છોડવા ‘નિકોરેટ’ નામની બનાવટી તમાકુયુક્ત દવા પણ લેતાં. આખરે તેણે ધૂમ્રપાન વિરુદ્ધ ભાષણ આપવાનું થયું. તેમાં જણાવવાનું હતું કે અમેરિકામાં દર વર્ષે ૪ લાખ અમેરિકનો ધૂમ્રપાન થકી થતાં રોગથી મરે છે. તે ભાષણ આપતા પહેલાં સિગારેટ છોડી.આજે પણ અમેરિકામાં દરરોજ (૨૪ કલાક) ૧૦૦૦ ટીનેજરો નવા સ્મોકર થાય છે અને ૮૦ લાખ અમેરિકનો ધૂમ્રપાન થકી રોગમાં જીવે છે.

આ નાનકડી ટેવને માફ કરો તો બરાક ઓબામા જીવનનાં સંઘર્ષમાંથી ઘણા ગુણો કેળવી શક્યા. તેમની સહિષ્ણુતા અપરંપાર છે. કોઈ પણ મુશ્કેલ હાલતમાં જીવવાની ટેવ છે. તેમની ચૂંટણી દરમિયાન ઘણા તેમને ઈશુનો અવતાર-મસીહા પણ કહેતા. પરંતુ ઓબામાને તો એક સામાન્ય માણસ તરીકે હજી પણ જીવવું છે. સામાન્ય બનીને એપ્રિલ ૨૦૦૯માં પ્રમુખ તરીકે લંડન ગયા ત્યારે તેમના સિનિયર સલાહકારને બોલાવીને કહ્યું આ પ્રમુખપદની સિક્યુરિટી અને ઈંગ્લેંડની રાણીનું માનપાન એ બધાથી હું કંટાળ્યો છું.

ચાલો, આપણે સિક્યુરિટી સર્વિસથી છટકીને લંડનની ગરીબ માણસોની ગલીઓમાં જઈએ! લાખ વાતો છે જેનાં ગાડાં ભરાય તેમ છે પણ દિવ્ય ભાસ્કરના યુવા વાચકો બરાક ઓબામાનાં થોડાંક જીવનસૂત્રો સાંભળો (૧) ડ્રીમ બિગ-હંમેશાં ઊંચા સપનાં રાખો. મેં બચપણમાં પ્રમુખ થવા ઈચ્છેલું (૨) રોડ્ઝ ડોન્ટ ડિફાઈન ડેસ્ટિનેશન-અર્થાત્ તમારી સામેના ખરબચડા રસ્તાને પાર કરી જાઓ. ખાડા, ટેકરા-અવરોધોને ગાંઠો નહીં (૩) ખૂબ ભણો. ભણવાનો કોઈ વિકલ્પ નથી અને પછી કશું જ ઈમ્પોસિબલ નથી. હંમેશાં ઊંચી પસંદગી જ કરો. નાની વાતથી ઓડકાર ન ખાઈ જાઓ.

દિવ્ય ભાસ્કર તા ૩૧/૧૦/૨૦૧૦
ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,


બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા ?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઇ ઝંખનામાં ?
લઇ રૂપ મનનું આમ પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહીને વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.


- અશોકપુરી ગોસ્વામી

મંગળવાર, 2 નવેમ્બર, 2010

રોજ એવું થાય, એવું થાય કે

રોજ એવું થાય, એવું થાય કે

આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું

પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજજાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું

કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ
રોમેરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું... બસ ફરફરું

ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
માર નીડમાં
ક્યારે ય ના પાછો ફરું

- રમેશ પારેખ

આખા ને આખા માણસની કેળવણી

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.

એક જમાનામાં ચરખા પર સૂતર કંતાતું હતું. આજે ઘટમાળના ચરખા પર માણસ કંતાઈ રહ્યો છે. વ્યક્તિત્વના ટુકડા પડવા લાગે ત્યારે માણસ છિન્નભિન્ન થઈ જાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ‘ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા’ યુદ્ધ, પ્રદૂષણ અને ત્રાસવાદ દ્વારા માનવજાતને પજવી રહ્યા છે. દુનિયા આજે એવી કેળવણીની શોધમાં છે, જે ખંડિતને અખંડિત બનાવે, જે પૃથકને અખિલ બનાવે અને જે તૂટેલું હોય એને જોડી આપે. આજની કેળવણી કેવળ મસ્તિષ્કને ધ્યાનમાં રાખનારી છે. કેળવણીમાં અખિલાઈની આરાધના થવી જોઈએ. ગાંધીજીએ જીવનનાં અલગ ખાનાં નહોતાં પાડ્યાં. ડૉ. ઝાકિર હુસેને પોતાના રિપોર્ટમાં નઈ તાલીમને ‘સમગ્ર વ્યક્તિત્વની સાક્ષરતા’ (લિટરસી ઑફ ધ હોલ પર્સનાલિટી) તરીકે પ્રમાણી હતી. ગાંધીજીએ નઈ તાલીમને પોતાના જીવનની ‘સર્વોત્તમ ભેટ’ તરીકે ઓળખાવેલી. જીવન અને શિક્ષણ વચ્ચેના છૂટાછેડા આજની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં છે. ગ્રીક પુરાણકથામાં અડધા અશ્વ અને અડધા માનવ એવા અશ્વમાનવ (હયવદન યાને સેન્ટોર)નો ઉલ્લેખ થયો છે. આજના યંત્રારૂઢ માનવી પાસે અશ્વનું શરીર છે અને માનવીનું ડોકું છે. યંત્ર માનવવત થતું જાય છે અને માનવ યંત્રવત થતો જાય છે.

નઈ તાલીમનું ગુરુત્વમધ્યબિંદુ રેંટિયો નથી, પણ સત્ય છે. રેંટિયો ઉપકરણ છે અને આદરણીય ઉપકરણ છે. ગમે તેટલું ઉપકારક હોય તોય કોઈ ઉપકરણ શાશ્વત ન હોઈ શકે. અમુક સદીમાં એ યુગાનુકૂલ હોઈ શકે છે. સત્ય સ્વભાવે શાશ્વત છે. ગાંધીજી અમર છે કારણ કે એમને સત્યનો સથવારો હતો. શું બુનિયાદી નિશાળનો શિક્ષક મહાત્મા બની શકે ? ભલે ન બને. એનાથી જૂઠું બોલાઈ જાય ત્યારે જો એને આખો દિવસ ખટકો રહે તો પણ બસ છે. ભૂલ તો સૌ કરે છે, પરંતુ ભૂલ થઈ જાય પછીનો ખટકો બડો મૂલ્યવાન છે. ગાંધીજી જેવા સત્યવાદી ન બનાય તો તે ક્ષમ્ય છે, પરંતુ શિક્ષકને જો ‘ખટકોદીક્ષા’ પ્રાપ્ત થાય તો એનો પ્રભાવ પડશે. કવિ સુન્દરમની ક્ષમાયાચના સાથે શિક્ષકે કહેવાનું છે : ‘હું શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !’

વર્ગખંડમાં આખો ને આખો શિક્ષક પ્રવેશે છે ખરો ? કે પછી એના વ્યક્તિત્વનો એકાદ ટુકડો જ વર્ગખંડમાં પ્રવેશે છે ? બાળકો તો આખા ને આખા બેઠા છે ! જે ખંડિત હોય તેનો પ્રભાવ અખંડિત પર શી રીતે પડે ? કોઈ શિક્ષક પ્રશ્નપત્ર ફોડી શકે ? જે કામ માટે આપણને પગાર મળે છે તે કામ પૂરી નિષ્ઠાથી કરવું એ તો સાવ નોર્મલ બાબત ગણાય. કામચોરી એટલે જ દાણચોરી અને દાણચોરી એટલે જ દિલચોરી ! આપણે ગાંધીજી નથી બનવાનું. આપણે જે ‘છીએ’ તે જ બનવાનું છે. બધું જ ફરજિયાત હોય એવી બુનિયાદી નિશાળ પણ આદર્શ જેલ બની શકે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણના આધારે ટકેલી છે. કેળવણી શિક્ષક પ્રત્યેના આદરણીય આકર્ષણ પર નભેલી છે. એ આકર્ષણ દિવ્ય છે. રાજાજીએ કહેલું કે શિક્ષણ તો ‘ચેતનાની ખેતી’ છે. નિષ્પ્રાણ કે મંદપ્રાણ શિક્ષક સમાજનો શત્રુ છે. નિશાળ તો ‘ગ્રામમાતા’ છે. સ્મિત ગુમાવી બેઠેલો નિર્જીવ શિક્ષક ચેતનાની ખેતી કરી શકે ? સ્મિતનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જાણવું કે કોઈ આદર્શ આપણા સહજ, નિર્મળ આનંદને કચડી રહ્યો છે. સાચા શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી અંદરથી રહસ્યમય ખેંચાણ અનુભવે છે.

વર્ષો પહેલાં આચાર્ય કૃપાલાનીએ ‘બેઝિક એજ્યુકેશન : ધ લેટેસ્ટ ફેડ’ પુસ્તક લખેલું. એના મુખપૃષ્ઠ પર ટ્રેક્ટરની પાછળ દોડતા બળદનું ઠઠ્ઠાચિત્ર હતું. પુસ્તકમાં કૃપાલાનીજીએ કેળવણીમાં થતા ‘શબ્દોના જુલમ’ની વાત કરેલી. આજના માહિતીપ્રધાન શિક્ષણે એ જુલમમાં વધારો કર્યો તેથી પ્રતિક્રિયા રૂપે નવું સૂત્ર વહેતું થયું : ‘ભાર વગરનું ભણતર.’ માહિતી એ જ્ઞાન નથી અને જ્ઞાન એ શાણપણ નથી. ઈન્ટરનેટ શાણપણ ન આપી શકે. શાણપણનો સંબંધ ‘અંતરનેટ’ સાથે છે. ગુરુદેવે પ્રાર્થના કરી હતી : ‘અંતર મમ વિકસિત કરો.’ હૃદયની કેળવણી એ જ તો કેળવણીનું હૃદય છે. આજે શિક્ષણમાંથી હૃદયની બાદબાકી થઈ ગઈ છે. સન 1912માં મેડમ મેરિયા મોન્ટેસોરીએ કલાકો સુધી વર્ગમાં પાટલી પર ચોંટી રહેતાં નાનાં બાળકોને ‘ટાંકણી પર ટિંગાડી રાખેલાં પતંગિયાં.’ સાથે સરખાવેલાં. નિશાળો રળિયામણી બને તો જ શિક્ષણ આનંદમય બને. બધું જ્યાં ફરજિયાત હોય ત્યાંથી આનંદ ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સામ્યવાદી સમાજોમાં ચાલતી નિશાળોમાં કાર્લમાર્કસ વિદ્યાર્થીઓના માથા પર ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવતો. બધા વિષયોના અભ્યાસક્રમમાં માર્કસને પરાણે ઘુસાડી દેવામાં આવતો. આવું મહાત્મા ગાંધી માટે કરવાનું જરૂરી નથી. ગાંધીની સુગંધ આપણા પ્રચારની ઓશિયાળી નથી. લોકો વાતવાતમાં પૂછે છે : ‘એકવીસમી સદીમાં ખાદીનું ભવિષ્ય શું ?’ મારો જવાબ છે : ‘એકવીસમી સદીમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સાઈકલનું ઉત્પાદન વધ્યું તેનું કારણ શું ? તમે મહુડી જાવ તો ત્યાં મળતી ગરમ ગરમ ગોળપાપડી જરૂર ખાજો. શું ચોકલેટના આક્રમણ સામે આરોગ્યદાયિની ગોળપાપડી ટકી શકશે ? શું કોકાકોલાના આક્રમણ સામે છાશ ટકી શકશે ? શું એટમિક રીએક્ટર સામે ગોબરગેસ ટકી શકશે ? હા, જરૂર ટકી શકશે. એલોપથીની સાથેસાથ આયુર્વેદનો વ્યાપ પશ્ચિમના દેશોમાં ખાસો વધ્યો છે. ઈસબગૂલ, હરડે અને આમળાનું મહત્વ વધતું જ રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ વધે તેની સાથોસાથ ધ્યાન અને યોગના ઉપકારો ઝટ સમજાય છે. ખાદી ફરજિયાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સમક્ષ ખાદીનું ઈકોલોજીકલ સૌંદર્ય પ્રગટ થાય તો ખાદી પહેરવાનું કહેવું જ ન પડે. ગાંધીજીના જીવનમાં એટલાં તો આકર્ષક તત્વો પડેલાં છે કે નવી પેઢી એમના પ્રત્યે જરૂર ખેંચાય. ગાંધીજી પ્રભાવશાળી ન હતા, એમની સત્યસાધના પ્રભાવશાળી હતી. જૂઠનો જથ્થો ઘટે તો જ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય. માર્કેટ અને મેનેજમેન્ટના પાયામાં પણ જૂઠ હોય તે ન ચાલે. વકીલાતમાં પણ જૂઠ ન ચાલે. રાજકારણમાં પણ અસત્યની બોલબાલા હોય તે ન ચાલે. શિક્ષણમાં તો જૂઠ ટકી જ ન શકે. માણસે મહાત્મા નથી બનવાનું. માણસે ‘માણસ’ બનવાનું છે. માણસના ટુકડા પડે તે યોગ્ય નથી. શિક્ષણ એટલે અખિલાઈની આરાધના.


– ગુણવંત શાહ