સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

પ્રેમઃમાંહ્યલાનીમાવજત

બધાની સાથે હોવા છતાં પોતાનાથી દૂર રહેવું એ દુનિયા છે. બધાની સાથે હોવા છતાં પોતાની સાથે રહેવું એ કલા છે. ઘણોખરો સમય બીજાના ફોન ઉપાડવામાં, ગપ્પા-ગોષ્ઠી, બાંધેલા સંબંધની માવજત કરવામાં વપરાઇ જાય છે. આ બધામાં ગુંગળાઇ જાય છે પ્રેમ! ફુગ્ગાની અંદરની હવાને જે રીતે બાળકની ઊછળકૂદનો ધક્કો વાગે છે એમ આપણા પ્રેમને ગુંગળામણની હવામાં જીવવું પડે છે. પ્રેમ લખવાનો, વાંચવાનો કે કોઇ એક વ્યક્તિના અધિકારનો વિષય નથી. એ તો દરેક સંબંધના ઋણાનુબંધની કુંડળી છે. પ્રેમ હશે તો સંબંધનું કોઇપણ નામ આપોઆપ સચવાઇ જશે. પ્રેમ સંબંધની રૃએ નક્કી થાય છે પણ પ્રેમ રૃએ સંબંધ છતો નથી થતો!

વરસાદી દિવસોની ભીનાશ છે પ્રેમ પાસે. વરસાદ આવે છે ત્યારે યાદ આવે છે પ્રેમ! અને પ્રેમમાં પડીએ છીએ ત્યારે બધા જ દિવસો વરસાદી બની જાય છે. ખાલી ફોટો ફ્રેમમાં લગાડવાનો બાકી રહી ગયેલો ફોટો હસવા માંડે છે. પાણી આપણી ગમતી વ્યક્તિ પીવે અને તરસ આપણી બુઝાય છે. વાત થયા વગર વાત થાય છે. વાત થયા પછી પણ વાતો અધુરી રહી જાય છે. અરીસો ગમતી ક્ષણોને આવકારતું બારણું બની જાય છે. ગમતો ચહેરો જોવા માટે આંખો બંધ નથી કરવી પડતી. બધામાં બધું જ ગમવા માંડે છે. જવાબદારીનું ભાન થવા માંડે છે. ઊંમર કરતા નાના થઇ જવાય છે. કવિતાઓ સાચી લાગવા માંડે છે. મિત્રોને મળતી વખતે એક જ વાતની ચર્ચા થવા માંડે છે. ફેસબુકની ઢગલાબંધ ફ્રેન્ડસ્ રીક્વેસ્ટમાં પોતાની ગમતી રીકવેસ્ટની રાહ જોવાય છે. પ્રેમ ઉંમર પ્રમાણે પોતાનું કામ કરે છે.

સપનામાં દેખાતી પરીઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. પિકચરની દરેક સ્ટોરીમાં પોતાની life દેખાય છે. પ્રેમનો સ્કેચ જીવનની આછી પાતળી આઉટલાઇન વડે આજીવન કંડારાઇ જાય છે એવું ચિત્ર બનાવે છે. આ ચિત્ર દરેકને પોતાની આંખોથી જુદું જુદું દેખાય છે. તમે બીજાને એના વિશે કહી શકો છો. તમારી કહેવાની વાતો રસપ્રદ બની શકે છે પરંતુ નખશિખ વર્ણન અધુરુ રહી જાય છે. S.M.S. ની બદલાયેલી ભાષા પ્રેમને આભારી છે. ચેટીંગની આંગળીઓ હથેળીઓના સ્પર્શનું અનુસંધાન બને છે. પ્રેમ નવી આબોહવાને સર્વપ્રથમ આવકારે છે.

પ્રેમને રૃટીન નથી ગમતું. એટલે જ એને વર્તમાનમાં રસ પડે છે. ચઢતા ક્રમમાં પ્રેમ ગોઠવાય છે ખરો પણ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હોય છે. પ્રેમને કરચલીઓ નથી નડતી! એને તો સુગંધનો છાંયડો ધબકારાના વનમાં ખિલવવો હોય છે. તમે પ્રેમમાં પડો છો પછી તમારું અસ્તીત્વ પ્રેમમય બને છે. કૃષ્ણને એટલે જ ભગવાન પછી પણ પ્રેમી તરીકે સ્વીકારી લેવાય છે. ચાંદની ગુલાબની પાંકડીઓ પર થાક ખાય છે ત્યારે ગમતો ચહેરો આકાશમાં ઊગે છે. એને કરમાઈ કે આથમી જવાનો ભય નથી લાગતો! પ્રેમ ગમે તેટલો વૃધ્ધ થાય આપણા સપનાનો ચહેરો ક્યારેય ઘરડો નહીં થવા દે! આંખોની ચમક આપણા પ્રેમને આભારી છે. ફરિયાદ નથી ગમતી પ્રેમને! એટલે જ સ્મૃતિને વાગોળે છે ત્યારે ખંડિત થયેલા સંબંધોને પણ ડંખ મારવાનું એને નથી ગમતું! પ્રેમ ખોટો હોઇ જ ના શકે. કેવળ પ્રેમને સાબિત કરવા મથતો સંબંધ એની ઉપર 'હાવી' થવા માંગતો હોય છે.

પ્રેમની પરિભાષા બદલાઇ ગઇ છે. 'ચીક' અને 'ડૂડ વાળી પેઢી સમજીને ઊતાવળ નથી કરતી! પ્રેમમાં તરત પડે છે! ગઇકાલ અને આવતીકાલના હિંચકાની વચ્ચે એનો પગ ઠેસ બને એ પહેલાં ઠોકર બને છે. એ પોતાને જાતને સંભાળતા આપોઆપ શિખે છે એટલે જ એને છોલાઇ જવાની મઝા આવે છે. એને પ્રેમ ઉપર ઓછો, મિત્રો ઉપર વધારે વિશ્વાસ મૂકવાનું મન થાય છે.

વિચારીને મૂલ્યાંકન કરીને ટાઇમ ટેબલ પ્રમાણે વર્તીને પ્રેમમાં નથી પડાતું. નવી પેઢીને આ વાતની ખબર છે એટલે 'મઝા' નામના શબ્દનો ઉપયોગ વારંવાર ખોટી રીતે થાય છે.

પ્રેમ કેવો છે? એનો જવાબ કેવી રીતે આપી શકાય? પ્રેમ ખુલ્લા આકાશ નીચે જીવતા બે અલગ અલગ શહેર જેવો છે. ફેસબુક પર બ્લોગ લખનારો દરેક જણ કવિ હોય છે તેમ જ પ્રેમમાં પડનારો દરેક જણ દુનિયા કરતા અલગ હોય છે! પ્રેમ ચશ્માના નંબરને નહીં આરપારની દ્રષ્ટિને જોવે છે. બધી જ દિશાઓ એક તરફી કરી આપે છે. ફોટાને ફ્રેમની જરૃર નથી પડતી. આપણે દુનિયાના 'ખાસ' વ્યક્તિ બની જઇએ છીએ. બીજા બધા જ કામમાં કંટાળો આવે છે. મળવાની મુલાકાતો પહેલાંનો અને પછીનો સમય SMS માં વિતે છે. મળતી વખતે બોલવા જેવું બધું જ બાજુ પર રહી જાય છે. વરસાદ મોસમનો એક ભાગ છે એવું નથી લાગતું! આપણી માલિકીનો બની જાય છે. અક્કડ રહેતો ચહેરો મરમાળું સ્મિત આપે છે. હોઠોને મૌન મળવા આવે છે. ચૂપકીદી ખુલાસાઓનો સામનો કરે છે. સાંજ ગમવા માંડે છે. સંગીતનું સરનામું શોધતા શોધતા કાન લટાર મારે છે અણસારાની આંગળી ઝાલીને... પ્રેમને હારવાનો શોખ હોય છે એટલે મૃત્યુને જીતાડે છે. મૃત્યુ સંબંધનું પણ હોઇ શકે છે. પ્રેમ હારીને મૃત્યુની અદબ જાળવે છે. મૃત્યુ જન્મદિવસથી લઇને અનંત સુધી સપનું ઓઢાડીને આપણને તેડીને ચાલી નીકળે છે... મૃત્યુ નિશ્ચિત છે માટે પ્રેમ શાશ્વત છે... ઈશ્વરની ગેરહાજરીમાં માણસ તરીકે જીવાડવાનું મોટું કામ કરે છે પ્રેમ... અનંતની ચરમસીમા નક્કી નથી કરી શકાતી. શિખર અને ખીણ પાસપાસે જ હોય છે...

ઓનબીટ

''દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે''
મરીઝ

ઓફબીટ - અંકિત ત્રિવેદી


રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

નામ વગરના સંબંધો

કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે.

સંબંધ વિશે અનેક લોકોએ અનેક ગણું લખ્યું છે. એક વિચારકે લખ્યું છે: 'સંબંધોની બાબતમાં સૌથી મોટો પડકાર ત્યારે ઊભો થાય છે, જ્યારે લોકો બીજી વ્યક્તિ પાસેથી કશુંક ને કશુંક મેળવવા માટે સંબંધ બાંધે છે. (એ 'મેળવવું' ભૌતિક પણ હોઇ શકે અને લાગણી વિષયક પણ હોઇ શકે.) ખરેખર કશું મેળવવાનો નહીં, પણ કશુંક 'આપવા'નો હેતુ હોય તે સંબંધો જ દ્રઢ ભૂમિકાએ ઊભા રહી શકે છે.'

જ્યારે લોકો સામેની વ્યક્તિમાં શું ખૂટે છે તેના વિશે જ વિશેષ સભાન બને છે ત્યારે સંબંધોના સંદર્ભમાં સમસ્યા ઊભી થાય છે. સંબંધના પાયામાં વિશ્વાસ મહત્વનો ભાગ ભજવે છે. જો સામેની વ્યક્તિ પર પૂરો વિશ્વાસ મૂકવામાં આવે તો તે વ્યક્તિ આપણને પોતાનું શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કરે છે. માર્ટિન વોલ્સ નામના વિચારકે કહ્યું છે: 'જો તમે બીજાઓની સારી બાજુઓ તરફ ધ્યાન આપશો તો તમારી અંદર રહેલી ઉત્તમ બાજુઓ પણ આપોઆપ પ્રગટ થવા લાગશે.'

માણસ જ્યારે માત્ર પોતાની જાતને જ સર્વશ્રેષ્ઠ માની લે છે ત્યારે એ સંબંધોમાં નિષ્ફળ જાય છે, એ જિંદગીમાં કશું નવું શીખી પણ શકતો નથી. દરેક માણસ બીજા માણસ પાસેથી કશુંક ને કશુંક નવું શીખી શકે છે. તમે બીજી વ્યક્તિ માટે પૂર્વગ્રહ રાખીને જ ચાલશો તો સાચા સંબંધની કોઇ ગુંજાશ રહેશે નહીં. કોઇએ કહ્યું છે: 'દરેક માણસ એક નવો દરવાજો હોય છે. તમે એમાં પ્રવેશ કરીને કોઇ ભિન્ન દુનિયાને જોઇ શકો છો.' એવા જ મતલબનું બીજું એક સુવાક્ય છે: 'તમારી આસપાસનું બધું જ અને તમારી આસપાસ રહેલા બધા જ લોકો તમારા શિક્ષક બની શકે છે.'

મધર ટેરેસા સંબંધને સમસ્તના સંદર્ભમાં જોવાની શીખ આપતા કહ્યું છે: 'તમે જગતના વિશાળ પરિપ્રેક્ષ્યમાં દાખલ થાઓ અને તમને જે માણસો મળે તે બધાને પ્રેમ કરવા લાગો. તમારી હાજરી માત્રથી એવો ઉજાસ ફેલાવો કે બીજા લોકોના હૃદયના દીવા આપોઆપ પ્રકાશિત થઇ ઊઠે.' કેટલાક સંબંધો માત્ર એકાદ નાનીસૂની ઘટનાથી પણ જિંદગીભર આપણી સાથે રહે છે. મારા નાનપણમાં ગાભાભાઇ નામના દેરાસરના પૂજારી હતા. અમે તે વખતે દેરાસરની શેરીમાં રહેતાં હતાં. ગાભાભાઇ સાથે અમારો કૌટુંબિક નાતો જરાસરખો પણ નહોતો, છતાં કોણ જાણે કેમ એ મને ખૂબ વહાલ કરતા.

બોલતા કશું નહીં, એમના ચહેરા પરથી પણ એમનો મારા પ્રત્યેનો વિશેષ ભાવ કળી શકાતો નહીં. એ એમનો વહાલભર્યો સંબંધ દર્શાવવા મારા માટે દરરોજ એક ફળ સાચવી રાખતા. હું શાળાએથી પાછો આવતી વખતે દેરાસર પાસેથી પસાર થતો હોઉં ત્યારે એ તે ફળ મને આપતા. આ એમનો દૈનિક ક્રમ હતો. હું એમને કદી વીસરી શક્યો નથી. બીજો એક પ્રસંગ યાદ આવે છે. એક રજાના બપોરે આપણા ગઝલસમ્રાટ અમૃત ઘાયલ ભુજમાં મારે ઘેર આવી ચઢ્યા. તે વખતે તે ભુજમાં નોકરી કરતા હતા. મને કહે, બહાર ચાલ. અમે ભરબપોરે ભુજના નાકા બહાર ગયા. તડકામાં ચાલતા રહ્યા. એ ખૂબ ઉદાસ હતા.

એક બહારની મોટી સંસ્થાએ મુશાયરાના સંદર્ભમાં એમને રુચે નહીં તેવું વર્તન એમની સાથે કર્યું હતું. એ આડીઅવળી વાતો કરતા રહ્યા. પછી એમને અકળાવનારી ઘટના વિશે વાત કરવા લાગ્યા. મારે માત્ર સાંભળવાનું હતું. મને કહ્યું: 'હું કોઇની પાસે હળવો થવા માગતો હતો.' મને લાગે છે એ ખરેખર હળવા થઇ શક્યા હતા. હળવા થવા માટે મનની વાતો કરવી અને તે વાતોને સમભાવપૂર્વક સાંભળવી એ પણ સંબંધની મોટી સમજ છે. પ્રખ્યાત નગારા(નોબત) વાદક સુલેમાન જુમ્માને મારા પર પ્રેમ હતો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પર રોકોર્ડિંગ માટે આવ્યા હોય ત્યારે ખાસ સમય કાઢીને મારી સાથે વાતો કરવા બેસતા. મારી નાની બહેનના લગ્નપ્રસંગે મેં એમને મુરબ્બી અતિથિ તરીકે નિમંત્રયા હતા. આવ્યા. માંડવામાં બેઠા, પણ તરત નારાજ થઇ ગયા. તે વખતે બીજો એક ઢોલી ઢોલ વગાડતો ત્યાં બેઠો હતો. સુલેમાન બાપાએ મને કહ્યું: 'તેં મને ઢોલ સાથે લાવવાનું કેમ કહ્યું નહીં?' હું કલ્પી જ શક્યો નહીં કે આવો મોટો કળાકાર મારી બહેનના માંડવામાં ઢોલ વગાડવા માગતો હતો.

આવા અને એ પ્રકારના બીજા કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. કશી જ અપેક્ષા વિનાના સંબંધોમાં, લોહીના સંબંધોમાં આવી જતી, લોહીની ખારાશ હોતી નથી. એ સંબંધોમાં સ્વાર્થને સ્થાન હોતું નથી. એ સંબંધો માત્ર હોય છે. એવા કારણ વિનાના સંબંધો હોય છે. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે. વાર્તાકાર ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો 'એ સંબંધો ખરાબની ગંધ આવે એટલા બધા સારા હોય છે.'


ડૂબકી, વીનેશ અંતાણી

શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

લર્ન ફ્રોમ લાઇફ : વિશ્વ એ જ આપણું વિદ્યાલય....

5SPECT1.gif‘થ્રીઇડિયટસ’ની નબળી ગુણવત્તાથી જેટલું આશ્ચર્ય થયું એટલું એની પ્રચંડ સફળતાથી નથી થયું. પાત્ર લેખન કોને કહેવાય, એની પણ ખબર ન હોય એવા સમાજને ગુણવત્તા કરતા ગુણની કદર વઘુ છે, એ તો શાળા- કોલેજો- કોચિંગ કલાસોમાં સદાકાળ ઝૂલતા હાઉસફુલના પાટિયાથી જ નક્કી થઇ જાય છે! ‘થ્રી આઇ’માં જે કંઇ ઉત્તમ, સારૂં, રસપ્રદ અપનાવવા જેવું છે, એ બઘું દેખીતી રીતે ચેતન ભગતની ‘ફાઇવ પોઇન્ટ સમવન’ પરથી પ્રેરિત છે. પણ આ દેશમાં વાચકો કરતાં પ્રેક્ષકોની સંખ્યા અનેકગણી છે. એટલે સ્તો ‘મૂળ વાર્તાનું ૫% પણ અમે નથી લીઘું’ એવું હડહડતું જૂઠાણું બોલનારા સર્જકોની સદાચારના ઉપદેશવાળી ફિલ્મો ચાલી જાય છે. બરાબર છે. ઢોંગી બાબાઓ અને નાલાયક નેતાઓને ચલાવી લેતાં દેશમાં આની નવાઇ જ હોવી જોઇએ.

નવાઇ તો એ પણ ન લાગવી જોઇએ કે પુસ્તકની દુનિયામાં જે-તે સમયે ‘ફાઇવ પોઇન્ટ સમવન’ અને ફિલ્મોની દુનિયામાં ‘થ્રી ઇડિયટસ’ને અસાધારણ સફળતા શી રીતે મળી? કારણ સાફ છે. જે હાઇવે પર એક પણ રેસ્ટોરાં ન હોય, ત્યાં કોઇ કવોલિટી હોટલ ખૂલે તો ધમધોકાર જ ચાલવાની છે. મૂળભૂત રીતે દાયકાઓથી સતત પ્રજાનો રેઢિયાળ, જડ, વાહિયાત અને નકામી શિક્ષણ પદ્ધતિ (ખરેખર તો પરીક્ષા પદ્ધતિ) પ્રત્યેનો હતાશામિશ્રિત રોષ વધતો જ જાય છે. ડિજીટલ યુગમાં મિડિયા એકસપ્લોઝન પછી તો આ એજયુકેશન સીસ્ટમની કથળતી તબિયતનો બ્લડ ટેસ્ટ આસાનીથી થઇ શકે છે. બધા જ શિક્ષણ પદ્ધતિ બદલાવવાની મસમોટી વાતો કર્યા કરે છે, પણ સમખાવા પૂરતી યે એ બદલાવી બતાવતા નથી. પછી ભારત છોડીને ભાગી જનારા નોબલ પ્રાઇઝ વિનર વિજ્ઞાનીનો લીંબડજશ ખાવા હરખપદૂડા થાય છે, અને ખુદ વડાપ્રધાને કબૂલ કરવું પડે છે કે આપણે ત્યાં શિક્ષણમાં મૌલિકતા, સંશોધન, રસ-રૂચિની ખીલવણી, સંદર્ભ સાહિત્યનું વાંચન આવું કશું જ નથી, ફકત વેપારી માનસની તુમારશાહી (રેડ ટેપિઝમ) છે!
એટલે જ વાત એફપીએસની જેમ અસરકારક રીતે કહેવાઇ હોય કે થ્રીઆઇની માફક નફાકારક રીતે કહેવાઇ હોય, કાળી કોટડીમાં બંધ કેદીને તાજી હવાની લ્હેરખી આકર્ષે, તેમ શિક્ષણમાં ક્રાંતિની વાતો લોકોના હૃદયને સ્પર્શી જાય છે. એક સમયે ગુંડાઓ સામે લડતો અમિતાભ ગમી જતો હતો તેમ જ! બધા જ એજયુકેશન સીસ્ટમથી ત્રસ્ત છે, છતાં કોઇ એ છોડતું નથી. કિતાબ કે સિનેમામાં તો કાલ્પનિક વાત છે. પણ આ નાચીઝ બદતમીઝે તો એ દાયકાઓ અગાઉ જીવી બતાવી છે. શાળાએ ગયા વિના (એટલે જ વઘુ સારી રીતે!) ભણવાનું, કોલેજને ચેલેન્જ આપી મસ્તીથી ડિગ્રી મેળવવાની !
* * *
માણસ ભણે છે શા માટે?
હાથીના દાંતની માફક આપણે ત્યાં આ સવાલના બે જવાબો હોય છે. ચાવવાના અને દેખાડવાના. દેખાડવાના જવાબોમાં માતા સરસ્વતીની જ્ઞાનસાધનાથી લઇને ગાંધીજી- વિવેકાનંદ- આઇન્સ્ટાઇન સુધીના કવોટેશન્સ આવી જાય છે. ચાવવાનો જવાબ છેઃ કારકિર્દી બનાવવા. મતલબ પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા.
વેલ, આ વાત સ્વીકારો તો પણ ભણતર એ ઘડતર સાથે જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષણ એટલે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની પ્રક્રિયા. એજયુકેશન મીન્સ નેચર પ્લસ નયેર. પ્રતિભાને પ્રભાવશાળી બનાવવાની પ્રક્રિયા. લાઇફ સ્કિલ્સ યાને જીવનજરૂરી કૌશલ્યો અને ‘સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ’વાળી વેલ્યૂ સીસ્ટમના મૂલ્યો શીખવા, સમજવા, કેળવવાની પ્રક્રિયા. પસંદગીની પુખ્તતા પામવા નવું નવું શીખવાનું સતત રહેતું કુતૂહલ! મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભુ ચાવલા સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં એક સરસ વાત કહી હતી. કોઇ કશું બનવા માંગે તો એ બહુ કરી શકતો નથી. પણ જો એ મન લગાવીને કશુંક કરવા લાગે તો ધીરે ધીરે પરિસ્થિતિ આપોઆપ એને કશુંક બનાવી દે છે!

આવું જ શિક્ષણ- કેળવણીનું છે. જો એ સાચી અને સારી રીતે પાર પડે, અને વ્યકિત સજજ બને તો સફળતા આપોઆપ મળવાની! સકસેસ ઇઝ બાયપ્રોડકટ! પણ આપણે જોઇએ છીએ કે ગોખણપટ્ટીથી મળતા માર્કસના ફુગાવા પછી પણ આપણી પાસે જેટલા ટોપર્સ, ડિગ્રીહોલ્ડર્સ છે, તેટલા સકસેસફુલ પીપલ નથી! કયોં? કેમ બધા જ એમબીએ સફળ મેનેજર નથી હોતા? બધા જ ડોકટર એકસરખા એકસપર્ટ નથી બનતાં? બધા જ એમએપીએચડી સર્જક નથી હોતા? ફોર એકઝામ્પલઃ ગુજરાતી અખબારો- મેગેઝીન્સના કોઇ સફળ માલિકો, સંચાલકો, તંત્રીઓ કે કટારલેખકો ભાગ્યે જ જર્નાલિઝમનો કોર્સ કરીને સફળ થયા છે. અને ટોચના ઉદ્યોગપતિઓની પહેલી પેઢી જવલ્લે જ બિઝનેસ મેનેજમેન્ટ ભણવા ગઇ છે!


મતલબ, કશુંક કયાંક ખૂટે છે. શાળામાં અપાતું શિક્ષણ અને કોલેજમાં અપાતી કેળવણી પૂરતી નથી! આસપાસ નજર કરો તો કેટલાય પરીક્ષાઓમાં સારા માર્કસે પાસ થયેલા ભણેશરી છોકરા - છોકરાઓ કાળની કસોટીમાં વારંવાર ભૂંડે હાલ નાપાસ થતા રહેતા દેખાશે! લાખ્ખો રૂપિયા ખર્ચીને બેસ્ટ કોર્સ કરાવ્યા પછી પણ ભાવિ નાગરિકો પાયાની કેટલીક બાબતો શીખ્યા હોતા નથી! શિખર ચણાઇ જાય છે, પણ ઓટલા વગર મંદિર બને કઇ રીતે! પછી એવું બને કે સૂર્યમાં રહેલા હિલિયમ વાયુની ખબર હોય પણ સૂરજનો તાપ લાગે ત્યારે કેવી છાશ કે લીંબુ પાણી પીવું તેની ગતાગમ ન હોય! (અમસ્તી કંઇ પ્રોફેશનલ જોબ માટે કંપનીઓ માર્કશીટનો ભરોસો કર્યા વિના પર્સનલ ઇન્ટરવ્યૂ રાખે છે?)


અપવાદો જરૂર હશે- પણ આપણા મસમોટાં થોથાંઓ ધરાવતા પ્રખર વિદ્વાનોએ તૈયાર કરેલા સિલેબસ ભણાવતા શાળા- કોલેજોના શિક્ષણમાં જન્મજાત ન આવડી શકે, અને સમાજમાં ટકવા માટે અનિવાર્ય હોય એવી કેટલીય બાબતોને ભણાવવામાં- કેળવવામાં જ આવતી નથી! સાઇન થીટા અને પૂર્ણ આંતરિક પરાવર્તન શીખીએ, ઘટતા જતા સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત અને બહુવ્રીહિ સમાસ શીખીએ.... પણ કેટકેટલું આ બધા કરતાં વહેલું અને પહેલું જરૂરી આપણે શીખતા નથી! (જે શીખો છો, એ સાવ નકામું છે એમ નહિં પણ જે કામનું છે એ તો કયાંય છે જ નહિં!)


જેમ કે, કચરો વાળતા-પોતાં કરતાં શીખવવાનો કોઇ સિલેબસ નથી. કપડાં ધોવા- સૂકવવા (એમાં ય ઊનના હોય તો જુદી રીત હોય ને રેશમી હોય તો અલગ પદ્ધતિ હોય) શીખવાડવાના વર્ગો નથી. દીવો લાંબો સમય ચલાવવો હોય તો વાટ કેવી રાખવી એની તાલીમ મળે છે કયાંય? અનાજ- કરિયાણું- શાકભાજી -ફળો ખરીદતા અને સાચવતા શીખવવામાં આવે છે? ફકત સ્કૂલ- કોલેજના ‘ફોર્મલ એજયુકેશન’થી કંઇ ચોપડી પર પૂંઠુ ચડાવતા, ટોયલેટ- બાથરૂમ સાફ કરતાં, ફૂલોની માળા- તોરણ બનાવતા, ફયુઝ સાંધતા, રસોઇ બનાવતા, વઘાર કરતાં, ઇન્મટેકસ રિટર્ન ફાઇલ કરતાં, રેલવેનું ટાઇમટેબલ જોતાં, એરપોર્ટ પર ચેકઇન કરતા, બેન્કમાંથી ડ્રાફટ કઢાવતા, પંચાંગ જોતાં, કપડાંને ગડી કરતા, ચાદર પાથરતા, બૂટપોલિશ કરતાં, ટપકતો નળો બંધ કરતાં, પંચરવાળુ ટાયર બદલાવતા, નકશો જોતાં, દીવાલો પર રંગ કરતાં, સ્વબચાવ માટે લાઠી- રિવોલ્વર ચલાવતા કે કરાટે જેવી માર્શલ આર્ટસનો પ્રયોગ કરતાં આવડે છે?


જીમ્નેશિયમના સ્ટ્રેચિંગ- કાર્ડિયોવસ્કયુલર જેવી એકસરસાઇઝના પેપર્સ છે? ઘોડેસવારી કે ડ્રાઇવિંગના માર્કસ મળે છે? સોપારી કાતરતા કે દીવાલમાં ખીલી નાખતા ફાવે છે? દોરીમાં ગાંઠ પાડતા કે છોડ ઉછેરતા આવડે? શેવિંગ કે વેકિસંગ કોઇ સ્કૂલ કોલેજના સિલેબસનો હિસ્સો હોઇ શકે? ઇમેઇલ એકાઉન્ટ ખોલતા કે સર્ફંિગ કરતા શીખવાડાય? શેરડીનો સાંઠો છોલતાં કે માંડવીના ઓળા શેકતા કયાં શીખવાનું? શાકભાજીની છાલ ઉતારવાની હોય કે હિસાબોની નોંધ લખવાની હોય, અરજીમાં બાયોડેટા લખવાનો હોય કે ડિજીટલ કેમેરામાં ફોટોગ્રાફી કરવાની હોય, મોબાઇલના એસએમએસ કે કાગળોના ફેકસ- આમાનું કશું શાળા- કોલેજના વર્ગખંડોમાં ભણાવાય છે ખરૂ?


જરા વિચારજો. શું અહીં લખી એ બાબતો આપણે ત્યાં જીંદગી જીવવા માટે જરૂરી નથી? અરે, અનિવાર્ય છે. ડગલે ને પગલે ઉપયોગમાં આવે તેવી છે. ક્ષેત્રફળ કે ઘનફળ, અર્થવિસ્તાર કે સૂર્યમાળા કરતાંય આ ‘લાઇફ સ્કિલ્સ’ની આવશ્યકતા વઘુ હોય છે. પણ ભાગ્યે જ આમાંની કોઇ વાત સ્કૂલ- કોલેજમાં શીખવાડાયા છે, અભ્યાસક્રમમાં સમાવાય છે. જયારે જવાબદાર નાગરિકની વાત તો જવા દો, અસ્તિત્વ ટકાવવા માટે પણ આ બઘુ આવડવું ફરજીયાત જેવું છે.


અને આ બઘુ લોકો શીખી પણ જતાં હોય છે. પણ ઘરમાંથી. દોસ્તો પાસેથી, જોઇ જોઇને. અનુભવે ‘ટ્રાયલ એન્ડ એરર’ મેથડથી ઘડાઇને. જરૂર પડે (કૂકિંગ, ડ્રાઇવિંગ વગેરે) કયારેક પ્રાઇવેટ કોચિંગ લઇને...! મુદ્દો એ છે કે સ્કૂલ- કોલેજમાં ભણાવાતું ન હોય એવું ય ઘણું બઘું છે, જે આપણે શીખતા હોઇએ છીએ. એટલે શાળા- કોલેજના માર્કસ કે ડિગ્રીમાં જ સર્વાંગી વિકાસ કે સંપૂર્ણ જ્ઞાન હોય એમ માની લેવું એ ભયાનક ભ્રમ છે!


માર્ક ટ્વેઇન નિશાળે ગયા નહોતા. અને મજાકમા એમ કહેતાં કે ‘હું શાળાએ ન ગયો. કારણ કે શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પહોંચાડે એમ ઇચ્છતો નહોતો!’ આ લખનારને પણ સદ્દનસીબે આવો જાતઅનુભવ છે. સમગ્ર પ્રાથમિક શિક્ષણ કોઇ અભ્યાસક્રમ વિના માતા-પિતા અને કુદરત પાસેથી ઘેર લેવામાં જે ફાયદાઓ થયા છે, તેની હેસિયતથી તો આ કલમ, આ જબાન, આ દિમાગ ચાલે છે. સ્કૂલ નહોતી. પણ શિક્ષણ હતું. કેળવણી હતી. લાદી પર ચીતરાયેલા આંકડાઓ પર ઠેકડા મારીને અંક શીખવાના રહેતાં. કોમિકસ વાંચીને હિન્દી અને ફિલ્મ સ્ટાર્સના ઇન્ટરવ્યૂઝ વાંચીને અંગ્રેજી આવડયું. જેમ્સ વોટનું વરાળ એન્જીન સ્ટેશને જઇને નિહાળ્યાના આનંદ પછી એના પ્રયોગ વિશે વાંચવાનું રહેતું. પૂંઠા વચ્ચે પેન્સિલ ભરાવી, ફરતે ગોળાકારમાં ચોંટાડેલી ચિત્રપટ્ટીઓથી ‘ઘરગથ્થુ’ બાયોસ્કોપને સીડી-રોમ ગણવાનું હતું. પોપટને પુસ્તકમાં ચીતરાયેલો નહિં, પણ ઘરની પાળીએ મગફળી ખાતો જોઇને લીલા રંગના પીંછા અને લાલ રંગની ચાંચની માહિતી મેળવવાની રહેતી. કવિતાઓ માર્કસ માટે નહિં, મોજ માટે વાંચવાની- લલકારવાની હતી અને ટેકસ્ટ બુકમાં કયાંય ન હોય એવી વિજ્ઞાનની સાહસની કથાઓ વાંચી વાંચીને ‘વિષય પ્રવેશ’ કરવાનો હતો! એટલે અજ્ઞાનીઓના ટોળામાં જ્ઞાની થવાનું દુઃખ લલાટે લખાયું, અને એટલે જ આ ‘દેશની નરી આંખે ન દેખાતી ફોલ્ટલાઇન ફોર્માલિટીના અભાવે ઝટ જડી ગઇ છે!


મોટેભાગે માતા-પિતાઓ માની લે છે કે સંતાનનું સારા કોર્સમાં, સારી સ્કૂલમાં એડમિશન થયું કે ઇતિ સિદ્ધમ્! પાઠય પુસ્તકોના ભણતરની બહાર પણ જે ઘડતર છે, તેનું શું? શિક્ષિત ડિગ્રી હોલ્ડર્સને ટ્રાફિકની તો શું પાર્કંિગની પણ સેન્સ નથી હોતી! કારણ કે એવું કંઇ તો એ યાદ રાખીને ભણ્યા જ નથી! નાગરિક શિસ્તની વાત તો જવા દો, પણ સુશિક્ષિત માનવીનું મૂળભૂત લક્ષણ કહેવાય, એ કમ્યુનિકેશન પણ કયાં બીંબાઢાળ ઔપચારિક શિક્ષણમાં શીખવાડાય છે? શૈક્ષણિક સંસ્થાઓ આપણે ત્યાં વકતૃત્વ સ્પર્ધાઓ કરે છે, પણ વકતૃત્વકળા શીખવાડતા નથી! પબ્લિક સ્પીકિંગ તો જવા દો, ફોન પર કેમ વાત કરવી... કેવી રીતે અજાણ્યા માણસનો એપ્રોચ કરવો... કેમ સારા શ્રોતા બનવું, કેવી રીતે મુદ્દાસર પત્ર લખવો- એ ય કયાં એકઝામ- સિલેબસનો ભાગ છે?! સવાલો પૂછવાની સ્વતંત્રતા અને એ પેદા કરવાની જીજ્ઞાસા જેવી બુનિયાદી બાબત જ ભણતરનો ભાગ નથી, ત્યાં દિવ્યતા તો ઠીક, ભવ્યતાનું ય શું ચણતર થાય?


એક સિમ્પલ એકઝામ્પલ. કોલેજકાળમાં હોર્મોન સીઝનના પ્રતાપે લગભગ દરેક યુવક- યુવતીઓ પ્રેમમાં પડે છે. (હા, પ્રગટ બહુ ઓછા કરે છે!) આકર્ષણના આટાપાટાની અસર ઘણી વખત વૈચારિક પરિપકવતા કે કાયમી કારકિર્દી પર પડે છે. છતાંય, સંબંધોની વાતો કયાંય શિક્ષણમાં શીખવાડાય છે ખરી? એ તો સરવાળા- બાદબાકી જેવું જ ‘બેઝિક નોલેજ’ છે. અને તારૂણ્ય શિક્ષણ કહેવાતું ‘સેકસ એજયુકેશન’ તો એનું પહેલું પગથિયું છે, એકમાત્ર કે છેલ્લું પગથિયું નથી! છતાં ય એ અંગેની સઘળી તાલીમ જીંદગીના અનુભવો જ આપે છે, એકેડેમિક એજયુકેશન નહિ! અરે, બિઝનેસ લેટર્સ આપણે જે ઊંમરે કોલેજોમાં શીખવાડીએ છીએ, ત્યાં ખરી જરૂર તો લવલેટર્સ શીખવાડવાની હોય છે! પ્રેમપત્રો (ઓકે ઓકે ઇમેઇલ, એસએમએસ બસ!) લખતાં કઇ યુનિવર્સિટી શીખવાડે છે?


એક મજાની પંકિત હતીઃ નકશાડાળ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજ લીલા! જો વર્તમાન ગોખણપટ્ટીના થિઅરોટિકલ શિક્ષણને અપ્રાકૃતિક ઇમારત કહો તો યે, એનો તો નકશો જ ઢંગધડા વગરનો, અઘૂરો છે એવું નથી લાગતું?

શેકસપિયરે અંગ્રેજી સાહિત્યની અને ગાલિબે ઉર્દુ સાહિત્યની ડિગ્રી કયાંથી લીધી? અનુભવ. વિસ્મય, જગતના આ બે મહાન શિક્ષકો છે. જે અભ્યાસ ક્રમમાં નથી, એ કિતાબો, ફિલ્મો , ઇન્ટરનેટ, મેગેઝીન્સ, દોસ્તો, માહોલમાંથી મેળવી શકાય છે. આપણે ત્યાં બધા જ ‘ભણે’ છે. ‘શીખે’ છે કેટલા?

ફાસ્ટ ફોરવર્ડ ઃ


‘જે હું ભણ્યો છું, એ ભૂલાઇ ગયું છે, જે હું જાણું છું, એ યાદ રહી જાય છે!’ (ચાર્લ્સ ટેલીરેન્ડ)

- જય વસાવડા

"સ્પેકટ્રોમીટર" 08 જાન્યુઆરી 2010

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

ડેસ્ટિનીને સ્વીકારવી જ પડે છે

નિયતિ
તારી ન હે નિયતિ!
ચાલ કળી શકું હું
-કવિ સુરેશ દલાલ
(‘‘એકાંત’’ : તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૬૬)

કરતાં હો સો કિજીયે ઓર ન કિજીયે કગ, માથું રહે શેવાળમાં ઊચા રહે બે પગ. આ કહેવત કાગડો બીજા જળપક્ષીની નકલ કરવા ગયો અને દુ:ખી થયો તે અંગેની છે. જળપક્ષી ગુલાંટ મારીને સંસ્કાર પ્રમાણે સમુદ્રનાં પાણીમાંથી ગમે તેમ કરી માછલી પકડી લે છે. એક કાગડો તળાવમાં આ પક્ષીની નકલ કરવા ગયો અને પછી કાદવમાં ખૂંપી ગયો. માનવી જયારે રાજકારણમાં આવે કે સામાજિક નેતા બને કે વેપારી બને ત્યારે તેણે ડિગ્નિટી જાળવવી જોઈએ.

અગર તો તેના સ્વભાવ પ્રમાણે જ કુદરતી વર્તન કરવું જોઈએ. વરુણ ગાંધી રાજકારણમાં હજી મોઢામાં દૂધ ગંધાય છે ત્યાં આવ્યો અને નેહરુ જેવો લાંબો ડગલો પહેરીને ભાષણ ભરડવા માંડયો. એમ ડ્રેસ પહેરવાથી ડિગ્નિટી મળતી નથી. સિસેરોએ કહેલું કે વ્હોટ ઈઝ ડિગ્નિટી વિધાઉટ ઓનેસ્ટી? જો તમારામાં પ્રમાણિકતા ન હોય તો ડિગ્નિટીની મહત્તાની, ગરિમાની, પ્રતિષ્ઠા કે ઠાઠમાઠની કોઈ કિંમત નથી. ખાસ તો માણસે પોતાના કુદરતી સ્વભાવ પ્રમાણે જ વર્તવું જોઈએ. બાળાસાહેબ ઠાકરે જેવા જ કડવાં ભાષણ તમારે આપવાં હોય તો તેના જેવું ‘‘પ્રમાણિક’’ બનવું જોઈએ. મનમાં જે હોય તે બોલી નાખવામાં પણ બહાદુરી જોઈએ.

ખરેખર તો મારે તમને આજે બે પુસ્તકોની વાત કરવી છે. એક પુસ્તકનું નામ છે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’- મેન્સ ન્યુ ડાયલોગ વિથ નેચર. તેના લેખક ડો. પ્રિગોજાઈન ઈલ્યા મૂળ રશિયામાં જન્મેલા. પોતે બેલ્જિયન રસાયણ વિજ્ઞાની બન્યા હતા. તેમને ૧૯૭૭માં નોબેલ પ્રાઈઝ મળેલું. તેમાં મોટે ભાગે વિજ્ઞાનીઓને સમજાય તેવું આ પુસ્તક છે પણ તેમાં આપણી જેવા માટે, રાજકારણી માટે અને વેપારી માટે પણ ઉપયોગી વાતો છે.

વૈજ્ઞાનિક રીતે ડો. ઈલ્યા પુરવાર કરવા માગે છે કે જગતમાં કેઓસ- અંધાધૂંધી થયા જ કરે છે. તમને લાગે કે તમે અસ્તવ્યવસ્ત થઈ ગયા ત્યાં જ કુદરતી પરિબળો તમારી સ્થિતિઓને મનોબળ પ્રમાણે બધું ઠીકઠાક કરી નાખે છે. ટૂંકમાં જયારે તમને બધું જ વેરવિખેર લાગે અને સર્વત્ર અંધારું લાગે ત્યારે જ કુદરતી નિયમ પ્રમાણે બધું ઠરીઠામ થાય છે. ઘીને ઘડે ઘી પડી રહે છે. પરંતુ તે દરમિયાન તમારે કુદરતી રીતે વર્તવું જોઈએ અને કેટલીક ઘટના તો અનિવાર્ય છે તે સ્વીકારી લેવું જોઈએ.

આજ પાકિસ્તાનમાં તો કેઓસ છે જ. અસ્તવ્યસ્તતા, વિશૃંખલતા અને દુર્વ્યવસ્થા છે જ. પણ ત્યાં કુદરતી પરિબળો કામ કરશે જ. ઓર્ડર આઉટ ઓફ કેઓસ પુસ્તકમાં જે વાત લખી છે તે પ્લીઝ મૂળ અંગ્રેજીમાં લખવા દો:

This book projects science into todays revolutionary world of instability, disequilibrium and turbulence. In so doing it serves the highest creative function-it helps us create fresh order.

આ આખું વાકય સમજવા જેવું છે. લેખક ડો. ઈલ્યા કહેવા માગે છે કે આ પરિવર્તન- અભિમુખ જગત કે ક્રાંતિકારી જગત આજે અસ્થિર દેખાય છે. ઠેર ઠેર અસમતુલા છે. ટબ્ર્યુલન્સ છે. ઉકળાટ છે. ઉફાંદ છે. પણ તે તમામ ઉકળાટ અને અસ્તવ્યસ્તતામાંથી કંઈક નવું સર્જાશે. તેમાંથી જ કંઈક નવી વ્યવસ્થા થશે. અને... અને... મહાભારત પણ રચાય તો પછી પણ બધું જ નષ્ટ થઈને નવું સર્જાશે.

સ્વતંત્રતા પછી ભારત માટે પણ ઘણા પિશ્ચમના લોકો માનતા હતા કે ભારતનાં દક્ષિણનાં રાજયો છૂટાં પડી જશે. આસામ- બંગાળ છૂટાં પડશે.- આમ થશે, તેમ થશે. આવું જ આપણા અંગત જીવનમાંય બને છે. પણ તે દરમિયાન માણસે તેના કુદરતી સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પહેલાંનો ક્ષત્રિય- ક્ષત્રિય જ થઈને લડવા તૈયાર રહેતો. વણિક વેપાર જ કરતો. ક્ષત્રિય કાંઈ વાણિયાવૃત્તિ કરી શકે નહીં. બ્રાહ્મણે શિક્ષણના ક્ષેત્રમાં રહેવું જોઈએ. આજે તે વેપારી બનવા માંડયા છે. આજે તકલીફ એ છે કે સ્વભાવ પ્રમાણે કોઈ વર્તતું નથી. અને ઘણા મહાત્માના ઉપદેશો સાંભળે છે પણ માનવીની જે ડેસ્ટિની હોય છે, જે નિર્માણ હોય છે તે જ થાય છે. તેમાં મીનમેખ નથી. એટલે ‘‘અર્જુનોએ’’ ભગવાં કપડાં પહેરીને સંન્યાસી થવાનો વિચાર ન કરવો. અર્જુને અર્જુન બનીને લડવું જ પડે છે.

બીજું પુસ્તક મહાન ફ્રેંચ ફિલસૂફ, ચિંતક, રાજકારણી અને સમાજશાસ્ત્રી વોલ્તેયર વિશે છે. ૩૧૫ વર્ષ પહેલાં પેરિસમાં જન્મેલા વોલ્તેયરની વાત હું અગાઉ કરી ગયો છું પણ આજે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ના પુસ્તકમાં વિજ્ઞાની લેખક ડો. ઈલ્યાએ વોલ્તેયરનો ઉલ્લેખ કર્યોછે તે ખૂબ જ પ્રાસંગિક અને ૨૧મી સદીના માણસે સમજવા જેવો છે.

વોલ્તેયરે ફ્રેંચ ભાષામાં ‘‘ડિકશનેયર ફિલોસોફિક’’ નામનું પુસ્તક લખેલું તેનો અનુવાદ ડિકશનરી ઓફ ફિલસૂફીમાં થયેલો અને તેમાં વોલ્તેયરે ઘણી સાફ સાફ વાતો કહેલી. આ પુસ્તકમાં ઘણી જ ઉપયોગી વાતો કરેલી છે. પણ તેમાં ‘‘ડેસ્ટિની’’ વિશેનું પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. કેટલાક લોકો ‘‘ડેસ્ટિની’’માં માનતા નથી. ડેસ્ટિની એટલે જરા ઊંડા અર્થ લઈએ તો માત્ર પ્રારબ્ધ નહીં પણ ડેસ્ટિની એટલે નિયતિ, ભવિતવ્યતા અને હોનહાર. દિવ્ય તત્ત્વે નિર્માણ કર્યું હોય તે.

ખરેખર તમારા હાથમાં આ ડિકશનરી ઓફ ફિલસૂફીનું પુસ્તક આવે તો ડેસ્ટિની વિશેનાં સુવર્ણ વાકયો વોલ્તેયરે લખ્યાં છે તે વાંચવા જેવાં છે. કેટલાક મગજની મથામણ પછી સમજાય તેવાં સૂત્રો છે. દા.ત. ધ પ્રેઝન્ટ ઈઝ પ્રેગ્નન્ટ વિથ ધ ફયુચર... ઈવેન્ટસ આર લિંકડ વન વિથ અનધર બાય એન ઈન્વિન્સિબલ ફેટાલિટી.

અર્થાત્ વર્તમાનના ગર્ભમાં જ ભાવિ છુપાયેલું છે. ભવિષ્યની જે ઘટનાઓ- બનાવો છે તે બધાં જ એકમેક સાથે સંકળાયેલાં છે. તમે જે ધબડકા કે છબરડા કે વાનરવેડા કે છીનાંખવા કે અળવીતરાં કામ કર્યાં હોય તે તત્કાળ ભુલાઈ જાય કે છુપાઈ જાય પણ કદી તેની અસર કે પ્રભાવ નષ્ટ થતાં નથી. ભવિષ્યમાં કોઈ ને કોઈ વાત તમારાં કર્મોતમને જવાબ દઈ જાય છે. તમને મરણતોલ માર પડે છે- અપરાજય કે અદમ્ય ઘાતકતા સાથે (ઈન્વિન્સિબલ ફેટાલિટી) તમને ન્યાય મળે છે. આ જન્મે નહીં- તો પછીના જન્મે.

kanti_bhatt‘‘ડેસ્ટિની’’ અર્થાત્ ભવિતવ્ય હોય તે થવાનું જ છે. તેમાં મીનમેખ નથી તેવી વોલ્તેયરની વાતને કવિ હોમરે ૮મી કે ૯મી સદીમાં તેના મહાકાવ્ય ‘‘ઈલિયડ’’ની કથામાં સમર્થન આપ્યું છે. એક ફેંકાયેલો રાજા રાજયમાં પાછો ફરે છે. આ મહાકાવ્યમાં જુદા જુદા હીરો કે વિલનની બહાદુરી, નબળાઈ, જય- પરાજયની વાતો હોય છે. રાજાની રાણી તેના સરદાર સાથે આડો વ્યવહાર કરે છે એવી તમામ વાતો હોમરના કાવ્યમાં છે. હોમરના મહાકાવ્યમાં કેટલીક વિરોધાભાસી વાતો અને વિચારો હોય છે પણ હોમર એક વાત અફર રીતે કહે છે- આખરે માનવીએ ડેસ્ટિનીને સ્વીકારવી પડે છે.

વોલ્તેયર કહે છે કે ડાહ્યો માણસ હંમેશાં ડેસ્ટિનીને સ્વીકારી લે છે. તમે ઇંગ્લેંડનો ઈતિહાસ જાણો છો. ચાલ્ર્સ પહેલાનું માથું વાઢીને બીજા લોકો સત્તા ઉપર આવેલા. ઘણા ડાહ્યા લોકો કહે છે કે રાજા ચાલ્ર્સે ક્રોમવેલ અને બીજા તેના ડઝનેક સાથીદારને પતાવી દીધા હોત તો રાજા ચાલ્ર્સે જાન ખોવો ન પડત. પરંતુ ડેસ્ટિની કહે છે કે ચાલ્ર્સે મરવાનું જ હતું. શું મિલિટરીના કમાન્ડરો બહુ જ સત્તાવાન હોય છે? તમે જનરલ ઝિયાથી માંડીને મુશર્રફની ડેસ્ટિની જોઈ છે. ડેસ્ટિની સામે મિલિટરી બળ ચાલતું નથી.

વોલ્તેયર આપણને સરસ વાત કરે છે. ઓહ મારા વહાલા જેન્ટલમેનો! આપણને હંમેશાં કોઈ ને કોઈ પેશન થવાનો જ. સત્તાની, ધનની, સુંદરીની લાલસા થવાની જ. તમને કેટલાક લોકો માટે કે તમારી વિચારણામાં પૂર્વગ્રહો બંધાશે જ. એ પૂર્વગ્રહો માટે તમે પસ્તાશો નહીં કે તેવી વાસના-લાલસા-કામનાથી ડરશો નહીં. શું કામ? જેન્ટલમેન! એ તમારી ડેસ્ટિની છે.

આ લેખની પણ ડેસ્ટિની હતી કે આ ટાંકણે જ સ્વામી ધર્મબંધુનો રાજકોટ નજીકના ફ્રાંસલા આશ્રમથી ફોન આવ્યો. મેં તેમને અટકાવીને કહ્યું, મને કોઈ નિયતિનો (ડેસ્ટિની) સચોટ દાખલો આપો. તેમણે કહ્યું નિયતિનાં ઉદાહરણો રામાયણમાં ભરપૂર છે. રામચંદ્રજી વનવાસમાં હતા ત્યારે લક્ષ્મણને કહ્યું ‘‘મારા જેવો આ પૃથ્વી પર પાપ કરવાવાળો બીજો કોઈ હશે તે વાત હું માની શકું નહીં.’’ લક્ષ્મણ તો ગળગળો થઈને ભ્રાતૃભાવ સાથે કહે છે કે ‘‘આવું કેમ કહો છો? હું તમારી સાથે સતત રહ્યો છું. મેં તમને કદી દુષ્કર્મ કરતા જોયા નથી.’’ જવાબમાં રામચંદ્રજી કહે છે કે ‘‘નિશ્ચય હી મૈને પૂર્વ જન્મ મેં બૂરા કામ કિયા હોગા... નહિતર મારે રાજસિંહાસન છોડીને વનવાસ જવું પડે? પિતાનું મૃત્યુ જોવું પડે? સીતાનું અપહરણ થતું જોવું પડે અને લક્ષ્મણ જેવા વીર યોદ્ધાને ઘાયલ થયેલો જોવો પડે...?’’

આવી જ વાત નાગાર્જુનની છે. રસતંત્રસારમાં લખ્યું છે કે એક રાજા નાગાર્જુનને તેમના પ્રધાન બનાવવા ઈરછતા હતા. આ નાગાર્જુન વિશે ૨૧મી સદીની નવી-જૂની પેઢીએ જાણવું જોઈએ. તે વિદર્ભ પ્રદેશના બ્રાહ્મણ હતા. બૌદ્ધ ધર્મને ફિલસૂફીનું રૂપ તેમણે આપેલું. ઉપરાંત તે મોટા ઔષધશાસ્ત્રી હતા. તેણે ભારતમાં ઘણા લોકોને બૌદ્ધધર્મ પાળતા કર્યા. તેમાં રાજાઓ પણ હતા. નાગાર્જુનની વાતો આજે માનવી પડે તેવી છે.

‘‘માત્ર નીતિ પાળવાથી જ તમે પુનર્જન્મમાંથી મુકત થતા નથી. નિર્વાણ મેળવવા આ જન્મમાં ઘણું કરવું પડે છે. દાન, શીલ, શાંતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા એટલા ગુણો વડે આત્માને પૂર્ણતાએ પહોંચાડવો પડે છે.’’ આ વાત તો ઠીક. મને કે તમને ધારો કે પૂર્વજન્મમાંથી મુકત થવાનો કોઈ નાદ જ ન હોય તો બીજી એક નાગાર્જુનની વાત માનવા જેવી છે. તેમણે કહેલું ‘‘વિષ્ણુ, શિવ, કાલી વગેરે દેવદેવીની ઉપાસના સાંસારિક ઉન્નતિ માટે કરવી જોઈએ!’’ આ નાગાર્જુનને જયારે પ્રધાન બનાવવાની વાત થઈ ત્યારે રાજાને સ્પષ્ટ કહ્યું ‘‘હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણની ફરજ તેના જ્ઞાન દ્વારા બીજાને શિક્ષણ આપવું અને મારે તો ખાસ ઔષધ પ્રયોગ અને બૌદ્ધ ધર્મના પ્રચાર અંગેની ફરજ બજાવવી જોઈએ. મારી આવી જ નિયતિ છે. મારા પ્રારબ્ધમાં માત્ર સેવા છે. પ્રધાનપદું નથી!

હવે આપણે ‘‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’’ પુસ્તકમાં ફિલસૂફ વોલ્તેયરે કહેલી વાતને ટાંકી છે તે શું હતી તે જોઈએ. તેમણે કહેલું કે એવરીથિંગ ઈઝ ગવન્ર્ડ બાય ઈમ્મ્યુટેબલ લોઝ, એવરીથિંગ ઈઝ પ્રી-એરેન્જડ... એવરીથિંગ ઈઝ એ નેસેસરી ઈફેકટ. અર્થાત્ દરેક ઘટના કે ચીજ અફર નિયમો થકી જ નિયિંત્રત છે, દરેક વસ્તુ અગાઉથી ગોઠવાયેલી જ હોય છે, જે બનવાનું હોય તે બને છે. દરેક ચીજની તત્કાળ કે ગમે ત્યારે અસર થાય છે. કેટલીક ઘટનાઓ જરૂરી છે અને અનિરછનીય હોય છે પણ તે બન્નેને સ્વીકારવી જ પડે છે.

- કાંતિ ભટ્ટ

"ચેતનાની ક્ષણે" ભાસ્કર તા.૦૫/૦૪/૨૦૦૯

શેર

ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ
પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર

- ચિનુ મોદી “ઇર્શાદ”

તમે કેટલાં લકી છો?

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

છેલ્લો સીન:
Everyone knows how to count but very few know ‘what to count?’

- કૃષ્ણકાંત ઉનડકટ

રોક સકો તો રોક લો

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

સફળ વ્યક્તિ એ છે, જેણે ઊંડી મનોવૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક સમજ કેળવી છે. આજના ઘણા સફળ બિઝનેસમેન સફળતા મેળવવા પોતાના અજાગૃત મનનો સાચો ઉપયોગ કરવા પર ભાર આપે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જાણે એ પહેલેથી જ પૂરો થઇ ગયો હોય! એની સાકાર તસવીર જોઇને અને પ્રાર્થનાનું પરિણામ અનુભવીને એમનું અર્ધજાગૃત મન એ પ્રોજેક્ટ પૂરો કરી દે છે.

કોઇ પણ ઘ્યેયની સ્પષ્ટ કલ્પના કરી શકો, તો એ ચીજ ચોક્કસ તમને મળી શકે. આ ચીજ તમને અર્ધજાગ્રત મનની ચમત્કારી શક્તિ દ્વારા એવી રીતે મળી જશે જેના વિશે તમે કશું નથી જાણતા.

ત્રણ પગલાં

સફળતાનું સૌથી મહત્વનું અને પહેલું પગલું છે જે કાર્ય તમને ગમતું હોય એને શોધવાનું અને એ કરવાનું. એવું કાર્ય જેને તમે પ્રેમ કરતા હો. ભલેને આખી દુનિયા તમને સફળ માનતી હોય પણ તમે પોતે જો મનગમતું કામ નહીં કરતાં હો તો શક્ય છે કે તમે જાતને સફળ ન માનો. કામ ગમતું હોવાથી તે કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય છે. કોઇ યુવતીને મનોચિકિત્સક બનવાની ઇચ્છા છે તો ડિપ્લોમા કરીને સર્ટિફિકેટ દીવાલ પર ટાંગી લેવાથી જ કામ નથી પતી જતું. એ ક્ષેત્રમાં આગળ આવવા માટે એ સેમિનારોમાં ભાગ લેશે અને મગજ તથા એની પ્રવૃતિઓનો અભ્યાસ કરતી રહેશે. એ પોતાનાં ક્ષેત્ર સંબંધિત વિવિધ સામયિક વાંચશે. બીજા શબ્દોમાં કહીએ તો એ સતત નવું નવું જ્ઞાન મેળવતી રહેશે. એનું કારણ છે કે એ દર્દીઓનું હિત તેના માટે સૌથી વધારે મહત્વનું છે.

શક્ય છે કે આ વાંચીને તમે વિચારમાં પડી જશો કે હું તો પહેલું પગલું નહીં ભરી શકું, કારણકે મને તો ખબર જ નથી કે હું શું કરવા ઇચ્છું છું. મને ખબર જ નથી કે મને કયું કામ ગમે છે, એવું કોઇ ક્ષેત્ર છે ખરું જેને હું પ્રેમ કરું છું?

તમારી સ્થિતિ આવી હોય તો આ રીતે પ્રાર્થના કરો: મારા અજાગૃત મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યાએ પ્રકટ થાઓ... આ પ્રાર્થનાને ધીમે ધીમે, પોઝિટિવ રીતે અને પ્રેમથી મન સમક્ષ દોહરાવતા રહો. તમે આસ્થા અને વિશ્વાસ રાખશો તો કોઈને કોઈ સ્વરૂપમાં તમને ચોક્કસ જવાબ મળશે.

સફળતાનું બીજું પગલું. કાર્યની કોઇ વિશિષ્ટ શાખા પર ઘ્યાન કેન્દ્રિત કરવું અને એમાં ઉત્કૃષ્ટ બનવાની ઇચ્છા રાખવી. માનો કે કોઇ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને પોતાના વ્યવસાય તરીકે પસંદ કરે છે, તો પછી એણે પોતાનું પૂરેપૂરું ઘ્યાન એના પર કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાનો બધો સમય તથા શક્તિ એણે પસંદ કરેલા ક્ષેત્ર પર જ કેન્દ્રિત કરવાં જોઇએ. જે-તે ક્ષત્રમાં એકસપર્ટ આ રીતે બનાય. ઉત્સાહને લીધે એ પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરશે, બીજા કરતાં વધારે જાણવાની કોશિશ કરશે. જેમ તેમ આજીવિકા રળવી એવી વ્યક્તિના દ્રષ્ટિકોણ અને આ દ્રષ્ટિકોણમાં બહુ મોટો વિરોધાભાસ છે. ‘જેમતેમ આજીવિકા કમાઇ લેવી’ તે સાચો અભિગમ નથી. તમારાં લક્ષ્ય ઊંચાં, ઉદ્દાત અને પરોપકારી હોવાં જોઇએ.

ત્રીજું પગલું. તમારે એ ચોક્કસ નક્કી કરી લેવું જોઇએ કે તમારી સફળતા સ્વકેન્દ્રી ન રહી જાય. તમારી ઇચ્છા સ્વાર્થી ન હોવી જોઇએ. એનાથી સમાજને પણ લાભ થવો જોઇએ. સર્કિટ પૂરી થવી જોઇએ. તમે ફક્ત તમારા લાભ પૂરતું જ કામ કરો છો તો તમે આ સર્કિટ પૂરી નથી કરી રહ્યા. શક્ય છે કે દુન્યવી નજરે સફળ લાગતા હો, પણ જીવનમાં તમે જે શોર્ટ ક્ટ અપનાવ્યો છે એ આગળ જઇને તમને સીમિત કરી દેશે.

સાચી સફળતાનાં પગલાં

તમે કહેશો: એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી.

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું.

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો.

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે.
...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

સફળતાની ટેક્નિક

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

બેશક તમે તમારાં કૌટુંબિક જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઇચ્છો છો. તમે તમારી પસંદગીનાં કામ કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઇચ્છો છો. તમે સુંદર ઘર અને સારી એવી સંપત્તિ ઇચ્છો છો કે જેથી તમે સુખચેનથી રહી શકો. જીવનને એક વ્યવસાય ગણો તો તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છો. તમે જે કરવા ઇચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા માગો છો, એની કલ્પના કરી સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો.

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

યાદ રાખો, ધરતી કે આકાશમાં કોઇ એવી શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. (ડો. મર્ફી ‘ધ પાવર ઓફ યોર સબકોન્સિયસ માઇન્ડ’ પુસ્તકના લેખક છે)

કેટલાક નિયમ

- સફળતાના વિચારમાં સફળતાનાં બધાં તત્વ સામેલ છે. સફળતા શબ્દ પૂર્ણ વિશ્વાસ સાથે દોહરાવો. આ રીત અર્ધજાગૃત મન તમારા પર સફળ થવા માટે દબાણ લાવશે.
- તમે શાંત, સુખી અને ખુશ હો અને તમારું પ્રિય કામ કરી રહ્યા હો તો તમે સફળ છો.
- તમે ખાસ ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનો અને એના વિશે કોઇ બીજી વ્યક્તિ પાસેથી વધુ જાણવાની કોશિશ કરો.
- સફળ વ્યક્તિ સ્વાર્થી નથી હોતી. જીવનમાં તેઓ ચોક્કસપણે બીજા માનવીઓની સેવા કરવા માગે છે.
- તમે કોઇ ઉદ્દેશની નક્કર કલ્પના કરો. તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમને બધી આવશ્યક વસ્તુઓ મેળવી આપશે.

સાફલ્ય, ડો. જોસેફ મર્ફી
આહ જીદગી ૦૬/૦૨/૨૦૧૧

પેરિસથી પોંડિચરીઃ શ્રીમાતાજીની યોગયાત્રા

- ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે!
- ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી.

હીં કોઈ હિંદુ યોગી રહે છે ?'
'ના રે, અહીં તો કોઈ યોગી સાધના કરતો હોય એવું અમારા ધ્યાનમાં નથી.'
'તો તો પછી આ ચૂંટણીનું કામ પતી જાય પછી મારે બીજે તપાસ કરવી પડશે.'
'કેમ ?'
'મારી ઈચ્છા સાચા યોગીને મળવાની છે. હિંદ એ તો સાધનાની ભૂમિ છે. આધ્યાત્મિક દેશ છે. અહીં તો ઘણા પ્રખર યોગીઓ સાધના કરી રહ્યા હશે.'
'હા, એ ખરી વાત છે. પણ એ માટે તો તમારે હિમાલયમાં શોધ કરવી પડશે.'
પોંડિચેરીમાં ચૂંટણી લડવા માટે આવેલા પોલ રિશારે સાચા યોગીને મળવા માટે ઘણાની સાથે પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી આશાસ્પદ જવાબ મળ્યો નહીં. તે સમયે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ ઇંડિયા તરફથી ચૂંટણીઓ યોજાતી અને તેમાં ચૂંટાઈને આવનારને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં સ્થાન મળતું. પોલ રિશારની ઈચ્છા પોંડિચેરીમાંથી ચૂંટણી જીતીને પેરિસની ચેમ્બર ઓફ ડેપ્યુટીમાં મેમ્બર થવાની હતી. એટલે તેઓ ઈ.સ. ૧૯૧૦ની મધ્યમાં ફ્રેન્ચ ઇંડિયા-પોંડિચેરીમાં આવ્યા હતા. તેમને યોગવિદ્યા અને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ હતો. તેમનાં પત્ની મીરાં રિશાર લલિતકલાઓ, યોગવિદ્યા અને ગુહ્યવિદ્યામાં પારંગત હતાં. હિંદમાં જો કોઈ સાચા યોગીનો મેળાપ થઈ જાય તો પત્નીને સાધનામાં ઘણી સહાય મળી શકે અને પોતાને પણ અનેક બાબતોમાં સાચું માર્ગદર્શન મળી શકે એ હેતુથી તેઓ યોગવિદ્યામાં પારંગત પુરુષને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
એક દિવસ ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય ઝીર નાયડુએ તેમને કહ્યું ઃ 'આપ કહો છો તેવા યોગીની તો મને ખબર નથી, પણ ઉત્તરમાંથી એક રાજદ્વારી પુરુષ અહીં આવેલા છે. તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી. તેઓ યોગસાધના કરી રહ્યા છે. આપ એમને મળશો તો આપને જરૃર આનંદ થશે.'
'શું તેઓ મને મુલાકાત આપશે ખરા ?'
'હું પ્રયત્ન કરી જોઉં.'
અને ઝીર નાયડુએ પોલ રિશારની એ યોગી સાથે મુલાકાત ગોઠવી આપી. એ યોગી હતા અંતરના અવાજને અનુસરીને રાજકારણના ક્ષેત્રનું સર્વોચ્ચ સ્થાન છોડી દઈને એકાંતસાધના માટે પોંડિચેરીમાં આવેલા શ્રીઅરવિંદ ઘોષ. તે સમયે તેઓ બેચાર શિષ્યો સાથે શંકરચેટ્ટીના મકાનમાં રહેતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. શ્રીઅરવિંદની મુલાકાતથી રિશાર અત્યંત પ્રભાવિત થઈ ગયા, અને તેમણે એક વાર નહીં પણ શ્રી અરવિંદની બે વાર મુલાકાત લીધી. તેમણે પોતાના પુસ્તક 'લાઈટ ઓવર એશિયા'માં શ્રીઅરવિંદને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે, 'એમને લઈને પૂર્વની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતા થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.'
ચૂંટણીનું કામ પૂરું થયું અને તેઓ હિંદમાં પોતાને મળેલા આ મહાન યોગીની સિદ્ધિઓની વાત પત્નીને કહેવા પેરિસ પહોંચી ગયા. જોકે જે હેતુ અનુસાર તેમને હિંદમાં આવવાનું થયું હતું, એ હેતુ સિદ્ધ થયો ન હતો. તેઓ કાઉન્સિલની ચૂંટણી તો હારી ગયા, પણ અંતરની ચૂંટણીમાં સાચા નેતાની વરણી કરવામાં તેઓ સફળ નીવડયા હતા.
એમનાં પત્ની મીરાં કંઈ સામાન્ય સ્ત્રી નહોતાં. તેઓ અનેક પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિઓનાં સ્વામિની હતાં. ધનાઢ્ય બેંકરને ત્યાં જન્મેલાં મીરાં નાનપણથી જ અનોખાં હતાં. તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારથી જ ધ્યાન તેમને સહજ હતું. ચાર વર્ષના બાળકને તે વળી ધ્યાન અને સમાધિની શી ખબર હોય! છતાં નાનકડી મીરાં પોતાના માટે બનાવેલી પીઠવાળી ખુરશી પર બેસતી અને કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જતી. તેને જાતજાતના રંગો અને આકૃતિઓ દેખાતાં અને એ વિષે બધાંને પૂછતાં કોઈ સાચો જવાબ મળતો નહીં. એ તો બાળમાનસના તરંગો છે એમ કહીને સહુ વાત ઉડાવી દેતાં. સાત-આઠ વર્ષની વયે તો મીરાંને ફોન્તેબ્લનાં જંગલોમાં ફરતી વખતે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ થવા લાગ્યો. જંગલનાં વૃક્ષો, પશુપક્ષીઓ સાથે ચેતનાની તદ્રૂપતાની અનુભૂતિ એવી તો સઘન હતી કે જાણે મીરાં પોતે જ એ વૃક્ષ હોય એવું તેને લાગતું. અને તે એટલે સુધી કે વૃક્ષ પર ફરતી ખિસકોલીઓ અને પક્ષીઓ મીરાંના શરીર પર ફરવા લાગતાં ! વયના વધવાની સાથે એની આંતરિક અનુભૂતિઓનો વ્યાપ વિસ્તરતો ગયો. સૂક્ષ્મ દર્શનો વધુ ને વધુ ગહન થતાં ગયાં. બાર વર્ષની વયે તો તેણે ગુહ્ય વિદ્યાનો અભ્યાસ પણ શરૃ કર્યો હતો. આ બાર અને તેર વર્ષના ગાળામાં તેને પ્રત્યેક રાત્રિએ એવો અનુભવ થતો કે જાણે તેની ચેતનાનો એક સુવર્ણરંગી ઝભ્ભો આખાય વિશ્વ પર લંબાતો જાય છે. અને એના આશ્રય તળે આવનારાઓ દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદિત બનીને પાછા જાય છે. આ અનુભવ સતત એક વર્ષ સુધી થતો રહ્યો. અને તેને એવું લાગતું કે જાણે રાત્રિમાં થતું આ કાર્ય જ એનું સાચું કાર્ય છે. દિવસની સઘળી પ્રવૃત્તિઓ રાત્રિના આ કાર્યની સરખામણીમાં નીરસ લાગતી.
મીરાંને રોજરોજ થતી આધ્યાત્મિક અનુભૂતિઓ, સહજ ધ્યાનાવસ્થા અને જગતમાં તેણે કંઈક મહાન કાર્ય કરવાનું છે તેની અંતરમાં થતી રહેતી સતત પ્રતીતિ, આ બધાંને પરિણામે તેની પ્રકૃતિ અત્યંત ગંભીર બની રહેતી. તે તેના સમવયસ્ક સહાધ્યાયીઓની જેમ ટોળપ્પાં અને હસીમજાકમાં આનંદ લેનારી નહોતી. તેને દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જતી જોઈને તેનાં માતાને સતત ચિંતા થયા કરતી. આ વિષે એમણે તેને એકવાર કહ્યું પણ ખરું, 'તું આમ આવી ગંભીર કેમ રહે છે, જાણે કે આખાય જગતના દુઃખનો ભાર તારે ઉઠાવવાનો ન હોય!'
'હા મા, સાચી વાત છે તમારી.' અત્યંત ગંભીર બનીને ત્યારે મીરાંએ કહેલું ઃ 'મારે જ એ ભાર ઉઠાવવાનો છે.'
'તું તે કેવી પાગલ જેવી વાત કરે છે.'
પણ ભૌતિક સુખસમૃદ્ધિમાં રાચતાં માતા-પિતા ક્યાં જાણતાં હતાં કે પુત્રીના અંતરમાં કેવો દિવ્ય અગ્નિ પ્રજ્વળી રહ્યો છે! સોળ વર્ષની વય સુધીમાં તો મીરાંએ અભ્યાસની સાથે સાથે સંગીત, નૃત્ય અને ચિત્રકલા જેવી લલિત કલાઓનો અભ્યાસ કરી લીધો. પણ તેના અંતરની ભૂખ શમાવે તેવી વિદ્યાની પ્રાપ્તિ હજુ તેને થઈ નહોતી. આ માટે તેણે બૌદ્ધધર્મનો અભ્યાસ પણ કર્યો. છતાં તેનાથી પણ તેના અંતરની શોધ પૂરી ન થઈ. એ દરમિયાનમાં કોઈએ એના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફ્રેન્ચ અનુવાદ મૂક્યો અને કહ્યું, 'આમાં જે શ્રીકૃષ્ણ છે, તેને અંતર્યામીના પ્રતીક તરીકે માનજો અને આનો અભ્યાસ કરજો. તમને એમાંથી ઘણી સહાય મળશે.'' અંતરની પૂર્ણતા માટે આતુર એવી મીરાંએ ગીતામાં નિરૃપેલી તમામ સાધના માત્ર એક જ મહિનામાં સિદ્ધ કરી લીધી. પોતાની સાધના વિષે વાત કરતાં તેમણે પાછળથી આશ્રમનાં બાળકોને જણાવ્યું હતું કે, 'અઢાર અને વીસ વર્ષની વચ્ચે મેં ભાગવત ચેતના સાથે જાગૃત અને સ્થિર ઐક્ય પ્રાપ્ત કરી લીધું હતું. અને એ બધું પણ મેં જાતે જ. કોઈની પણ મદદ લીધા વગર, એટલે સુધી કે કોઈ પણ પુસ્તકની મદદ લીધા વગર કર્યું હતું.'
મીરાંને ગહન ધ્યાનાવસ્થામાં નીરવતા અને શાંતિની અનુભૂતિ થતી રહેતી, અનેક પ્રકારનાં સૂક્ષ્મ દર્શનો થતાં, કેટલાંય તેજોમય રૃપો અને આકૃતિઓ દેખાતાં. અસંખ્ય ગુરુઓનાં દર્શન થતાં. કેટલાય ગુરુઓ તેમને નિદ્રાવસ્થામાં જ્ઞાાન પણ આપતાં. આ વિષે તેમણે પાછળથી જણાવેલું, 'મારી નિદ્રાવસ્થા દરમિયાન કેટલાક ગુરુઓ તરફથી મને જ્ઞાાન આપવામાં આવ્યું હતું. તેમાંના કેટલાકને પછી હું સ્થૂળ ભૂમિકા ઉપર પણ મળી હતી.' પરંતુ સૂક્ષ્મ દર્શનોમાં આવતાં આ બધા ગુરુઓમાં એક આકાર વધુ ને વધુ સ્પષ્ટ બનતો જતો હતો. તે સમયે મીરાં હિંદ વિષે કે એના તત્ત્વજ્ઞાાન વિષે વિશેષ જાણતાં ન હતાં. છતાં ધ્યાનમાં આવતાં અને સતત માર્ગદર્શન આપતાં રહેતાં એ ગુરુને શ્રીકૃષ્ણ કહેવાની એમને પ્રેરણા થઈ. તેઓ ચિત્રકાર હતાં. એમણે એ શ્રીકૃષ્ણનું એક ચિત્ર પણ દોરી લીધું. ત્યારથી તેઓ પ્રત્યક્ષ રૃપે એ ગુરુનાં દર્શન માટે પ્રતીક્ષા કરતાં રહ્યાં. અને તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હતાં.
ધ્યાનાવસ્થા દરમિયાન મીરાંને અનેક પ્રકારનાં પ્રતીકો દેખાતાં. તેમાં એક કમળનું પ્રતીક વધુ ને વધુ સ્પષ્ટ થતું દેખાતું. ઉપર અને નીચે આવેલા બે ત્રિકોણની વચ્ચે બનતા ચતુષ્કોણમાં પાણીની વચ્ચે એક ખીલેલું કમળ દેખાતું. આ કમળનું પ્રતીક કોઈ ગુહ્ય સંકેત પ્રગટ કરી રહ્યું હતું. પરંતુ એ પ્રતીક કયું રહસ્ય પ્રગટ કરે છે, તે તેને સમજાતું ન હતું. પરંતુ તેણે એ ચિત્ર પણ દોરી લીધું હતું. અને તેને અંતરમાં એવું પ્રતીત થયા કરતું કે આ ચિત્રનું રહસ્ય પ્રગટ કરનાર કોઈક તો આ પૃથ્વી ઉપર ક્યાંક જરૃર હશે. અને જે કોઈ એ ગૂઢ લિપિ ઉકેલી આપશે એ જ એના યોગમાર્ગના ગુરુ હશે. પણ હજુ સુધી એ ચિત્રની પ્રતીકાત્મક ભાષા ઉકેલનાર કોઈ મળ્યો ન હતો.
આધ્યાત્મિક જગતમાં કામ કરવા માટે સૂક્ષ્મ જગતનાં પરિબળો ઉપર પણ અંકુશ હોવો જોઈએ. ચેતનાની સૂક્ષ્મ ક્રિયાઓ અને આંદોલનો પ્રત્યેની સભાનતા પણ હોવી જોઈએ. એ માટે ગુહ્યવિદ્યાનો અભ્યાસ કરી તેમાં પારંગતતા મેળવવી જરૃરી છે એમ જણાતાં મીરાંએ અલ્જિરિયામાં રહેતા પ્રખર ગુહ્યવિદ થેઓ અને તેમનાં પત્ની પાસે બે વરસ રહીને અભ્યાસ કર્યો. શ્રીમતી થેંઓ પણ મહાન ગુહ્યવિદ હતાં. થેંઓ દંપતી પાસે રહીને મીરાંએ સૂક્ષ્મ જગતમાં કામ કરવાની તાલીમ મેળવી ગુહ્ય જગતનાં સત્ત્વો પર અંકુશ મેળવવાની વિદ્યા પ્રાપ્ત કરી. આવી અદ્ભુત સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી લીધી હોવા છતાં પણ થેંઓએ તેમને કહ્યું, 'આ કંઈ તારી સાધનાની અંતિમ સિદ્ધિ નથી, તારી સાધનાની આ કંઈ પૂર્ણાહુતિ નથી. તારી સર્વોચ્ચ સિદ્ધિ હજુ બાકી છે, અને તે મારા દ્વારા નહીં પણ તારા ગુરુ દ્વારા થશે.'
પરંતુ આવડી વિશાળ પૃથ્વીના પટ પર એ ગુરુને શોધવા ક્યાં ? ક્યારે મળશે એ શ્રીકૃષ્ણ? મીરાંનું અંતર એ મહાન ગુરુનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્કંઠ થઈ જતું. પરંતુ ભૌતિક રૃપે ગુરુની શોધ હજુ પૂર્ણ થઈ શકી નહોતી. એ ગાળામાં મીરાંની પ્રભુ સાથેના તાદાત્મ્યની ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તે ઊંડા ધ્યાનમાં લીન થઈ જતી. આ ધ્યાનાવસ્થા દરમિયાન તેને અનેક આંતરિક અનુભૂતિઓ થતી રહેતી. ધ્યાન સમાપ્ત થયા પછી આ અનુભૂતિઓને તે પ્રાર્થનારૃપે ડાયરીમાં લખી રહેતી, જે પાછળથી 'પ્રાર્થના અને ધ્યાન'ના પુસ્તક રૃપે પ્રગટ કરવામાં આવી છે.
ચૂંટણી હારીને હિંદમાંથી આવેલા પોલ રિશારે પત્નીને કહ્યું ઃ
'આ કમળનું ગુહ્ય પ્રતીક હું મારી સાથે હિંદમાં લઈ ગયો હતો અને એનો ઉકેલ મળી ગયો.'
'હેં ! ઉકેલ મળી ગયો ! કોણ છે એ મહાયોગી ?' મીરાંની આંખો આનંદથી ચમકી ઊઠી.
'એ તો છે માત્ર આ યુગના જ નહીં, પણ ભવિષ્યનાય યુગપુરુષ. કેવી શાંત, સૌમ્ય અને નિર્મળ મુખમુદ્રા છે એમની! અને આંખો તો જાણે આ જગતનું કંઈ જોતી જ નથી. પેલે પારના જગતનાં દ્રશ્યો જોવામાં જ ખોવાયેલી ન હોય! અને વાણી તો એવી અમૃતમય કે જાણે સાંભળ્યા જ કરીએ. હું તો એ માટે એમને બે વખત મળ્યો. અને અનેક પ્રકારના વાર્તાલાપો એમની સાથે કર્યા. દરેક બાબતમાં શું એમનું અગાધ જ્ઞાાન છે! એમની તોલે જગતનો કોઈ માણસ ન આવી શકે. અને આધ્યાત્મિક જગતના તો એ પૂર્ણજ્ઞાાતા છે. સાધનાની સર્વોચ્ચ ભૂમિકાઓ એમણે પાર કરી લીધી છે. જોજો ને એક દિવસ એવો આવશે કે જ્યારે સમગ્ર વિશ્વ એનાં ચરણોમાં ઝૂકશે.' કહેતાં કહેતાં જ જાણે એ યુગપુરુષની મૂર્તિ એમની સામે જ ખડી થઈ ગઈ હોય એમ રિશાર સ્થિર થઈ ગયા.
પતિને આટલા ઉત્સાહથી વાત કરતા જોઈને મીરાંને યાદ આવી ગયા ધ્યાનમાંના એ શ્રીકૃષ્ણ. કેમ કે એ જાણતી હતી કે ફ્રાન્સના મહાન ચિંતક અને મનીષી ગણાતા રિશાર કંઈ સામાન્ય વ્યક્તિથી પ્રભાવિત થાય તેમ નહોતા. અને એટલે જ એ મહાપુરુષ કોણ હશે અને એમણે આ પ્રતીકનો શો ઉકેલ આપ્યો તે જાણવા એ ઉત્સુક બની.
'એ મહાયોગીનું નામ છે શ્રીઅરવિંદ ઘોષ. એમણે આ ચિત્ર હાથમાં લીધું, ધ્યાનથી જોયું અને પછી તુરત જ કહ્યું. આ કમળનું પ્રતીક એ તો પ્રભુના સ્પર્શ વડે ખુલ્લી થતી ચેતનાનું દ્યોતક છે.' આ ચિત્રના પ્રત્યેક અંગ વિષે એમણે કહ્યું ઃ 'આ નીચે ઊતરતો ત્રિકોણ એ સત્, ચિત્ અને આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ એ જડ તત્ત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૃપે પ્રગટતી અભીપ્સાના પ્રત્યુત્તરનું પ્રતીક છે. બંને ત્રિકોણનું મિલન અ વચલો ચતુષ્કોણ; એ પૂર્ણ આવિર્ભાવ છે. તેના કેન્દ્રમાં રહેલું કમળ એ પરમાત્માનો અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૃપતાનું, સૃષ્ટિનું પ્રતીક છે.'
'ગુહ્ય પ્રતીકનો આટલો સચોટ અર્થ ! તો તો એ જ હોઈ શકે મારા સાધનાપથના ગુરુ ! એ જ હોઈ શકે ચિત્રમાં અંક્તિ કરેલા શ્રીકૃષ્ણ !' મીરાંનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું અને એની નજર સામે તરવરી રહી એ ભવ્ય આકૃતિ, જેનું એણે ધ્યાનાવસ્થામાં અનેકવાર દર્શન કર્યું હતું. ત્યારથી એ ભારત આવવા ઉત્સુક બની પણ એ અવસર મળ્યો એને ચાર વર્ષ બાદ.
ઇ.સ. ૧૯૧૪માં પોલ રિશારને ફરી પોંડિચેરીમાં આવવાનું થયું. આ વખતે તેઓ એકલા ન હતા; મીરાં રિશાર પણ તેમની સાથે હતાં તેઓ માર્ચ મહિનામાં દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળ્યા. હજુ તો પોંડિચેરી દસ દરિયાઈ કિલોમીટર દૂર હતું ત્યાં તો મીરાંને એક તેજોમય વાતાવરણનો સ્પર્શ થયો. જાણે એ વાતાવરણ એને ઉંચકી લેતું ન હોય ! સૂક્ષ્મ જગતની જ્ઞાાતા મીરાંને એ સમજતાં વાર ન લાગી કે એ તો શ્રી અરવિંદની પ્રખર સાધનાના પરિણામે દૂર દૂર સુધી ફેલાયેલું એમનું આભાચક્ર હતું. એ આભાચક્રનો એમને સતત અનુભવ થતો હતો.
મીરાં અને પોલ ૨૯મી માર્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે શ્રી અરવિંદને મળવા ગયા, 'અરે, આ જ તો છે એ શ્રીકૃષ્ણ, જે ધ્યાનમાં આવીને સહાય કરતા હતાં, જે સાધનામાં માર્ગદર્શન આપતા હતા એ જ આકૃતિ, એ જ રૃપ !' મીરાંએ જેવા શ્રી અરવિંદને જોયા કે એક જ ક્ષણમાં ઓળખી લીધા અને તેના અંતરે પ્રતીતિ કરાવી આપી કે હવે પછી એમની સાધનાના સુકાની આ જ મહાગુરુ છે. તેનું હૃદય અસીમ આનંદની અનુભૂતિ કરવા લાયું પણ એમણે મુખથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં. બસ તેઓ તો ગુપચુપ શ્રી અરવિંદના ચરણ આગળ બેસી ગયા, અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને મન શ્રીઅરવિંદ સમક્ષ ખુલ્લું મૂકી દઈને પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પોતાની સઘળી આધ્યાત્મિક સિદ્ધિઓ, પોતાનું સઘળું જ્ઞાાન, નવા જગતના નિર્માણ માટેની પોતાની સર્વ યોજનાઓ માટે, અરે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. જાણે પોતે કશું છે જ નહિ એવા નવજાત શિશુ જેવા બની રહ્યા. શ્રીઅરવિંદનું પ્રથમ દર્શન જ એમના હૃદયમાં સંપૂર્ણ પ્રતીતિ કરાવી ગયું કે, હવે પ્રભુનું સામ્રાજ્ય જરૃર સ્થપાશે.
શ્રીઅરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી મળી ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાાનને વિખેરી નાંખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે. તેમનું ભારત આવવાનું સાર્થક થઈ ગયું. હવે એમને બીજે કયાંય જવાની જરૃર જ ન રહી. આમ ભૌતિક રીતે એમની યાત્રા સમાપ્તિ થઈ ગઈ પણ આંતરિક રીતે શ્રીઅરવિંદ સાથે આધ્યાત્મિક જગતમાં યાત્રાની નવેસરથી શરૃઆત થઈ.
આમ પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં અર્પણ કરીને તેઓ કોરા પૃષ્ઠ જેવા બની રહ્યાં તેમના અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહેલું કે, આવું આધ્યાત્મિક સમર્પણ એમણે કોઈનામાં ય જોયું ન હતું. આવું સમર્પણ તો કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. શ્રીઅરવિંદે પણ એમને પોતાની યોગશક્તિ તરીકે સ્વીકાર્યા, તે સમયે તો તેઓ પોંડિચેરીમાં ફક્ત અગિયાર મહિના જ રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે તેમને પેરિસ પાછા જવું પડયું. ત્યાર બાદ છ વર્ષ પછી ૧૯૨૦ના એપ્રિલમાં તેઓ ફરી પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. તે પછી તેઓ ક્યારેય પોંડિચેરી છોડીને ગયા ન હતા. શ્રી અરવિંદની સેવા કરવી, એમના આદેશનું પાલન કરવું અને એમના પૂર્ણયોગને વ્યવહારુ ભૂમિકા ઉપર ઉતારવો એ જ એમનું જીવનકાર્ય બની રહ્યું. આ વિષે એમણે જણાવેલું ઃ 'હું શ્રીઅરવિંદને મળવા હિંદમાં આવેલી. શ્રીઅરવિંદ સાથે રહેવા માટે હું હિંદમાં રહી ગઈ. એમણે જ્યારે દેહ છોડયો ત્યારે એમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું અને એ કાર્ય છે સત્યની સેવા કરીને, અને માનવજાતિને પ્રકાશ આપીને પ્રભુના પ્રેમનું શાસન ઝડપથી સ્થપાય તેમ કરવું.'
૯૬ વર્ષ સુધી તેઓ દેહમાં રહ્યા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે થોડા શિષ્યો સાથે શ્રી અરવિંદ રહેતા હતા. વ્યવસ્થિત આશ્રમ જેવું કશું ન હતું. પૃથ્વી ઉપર જો પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત સાધનાની પણ જરૃર છે. પ્રભુના શાસનની અભિપ્સા સેવતો બળવાન સમૂહ પણ હોવો જરૃરી છે, યોગના સત્યોનો મનુષ્યના રોજિંદા જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે જીવનનો ત્યાગ નહીં પણ જીવનનો સ્વીકાર કરવો જરૃરી છે, એમ જણાવતા અભિપ્સુ માણસોને સાધના કરવા માટે ત્યાં રહેવાની મંજૂરી મળવા લાગી અને એમ શ્રી અરવિંદ આશ્રમ વિસ્તરતો ગયો અને ત્યાં પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ.
શરુઆતમાં શ્રી અરવિંદ 'મ' આગળ અટકીને પછી મીરાંનું ઉચ્ચારણ કરતા, અને એથી શિષ્યોને આશ્ચર્ય થતું પણ ત્યારે શ્રી અરવિંદ મીરાં નહીં પણ મધરનું ઉચ્ચારણ કરવા તત્પર હતા. પણ કદાચ શિષ્યોની ચેતના એ સ્વીકારવા તૈયાર નહીં હોય એથી અટકી જતા અને પછી મીરાં બોલતા. આ વિષે તેમના શિષ્ય નલીનકાંત ગુપ્ત લખે છે કે 'શ્રી અરવિંદે આ મધર શબ્દ ક્યારે ઉચ્ચાર્યો, કયા ખાસ દિવસે, કઈ શુભ ઘડીએ, તેની કોઈનેય ખબર નથી... પણ એ પરમ ક્ષણે જ આ સ્થૂળ પૃથ્વી ઉપર માનવની બાહ્ય ચેતનામાં શ્રી માતાજીની સ્થાપના થઈ હતી. આમ શ્રી માતાજીમાં પોતાની સઘળી શક્તિનું નિરૃપણ કરીને આશ્રમની સઘળી વ્યવસ્થા અને શિષ્યોની સાધના સર્વ પ્રકારની જવાબદારી એમને સોંપીને શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકારી લીધો અને અતિમનસના અવતરણની ગહન સાધનામાં ડૂબી ગયા. ચોવીસ વર્ષ સુધી કરેલી એ ભગીરથ તપશ્ચર્યાના પરિણામે શરીરની સ્થૂળ ભૂમિકા ઉપર અતિમનસ શક્તિનું અવતરણ શક્ય બન્યું. એ માટે શ્રી અરવિંદે પોતાના દેહનો આધાર આપ્યો અને ઇ.સ. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે એમણે દેહત્યાગ કરી દીધો. પરંતુ શરીરના કોષોમાં અતિમનસ શક્તિના પ્રકાશને સક્રિય કરવાની સાધના શ્રી માતાજીએ ચાલુ રાખી અને તેના પરિણામે મનથી ઉપરની એ અતિમનસ શક્તિ શરીરના કોષોમાં સક્રિય બને એ શક્યતા સિદ્ધ થઈ શકી, એટલું જ નહીં પણ એ રસ્તે જનાર માટે શ્રી માતાજીએ સૂર્યપ્રકાશિત પથ પણ કંડારી આપ્યો.
આમ શ્રી માતાજી પેરિસથી પોંડિચેરી આવ્યા અને જગતને શ્રીઅરવિંદનો પૂર્ણયોગ મળ્યો. શ્રીઅરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાાન સર્વને માટ સુલભ બન્યું. અને એ માટે માનવજાત યુગો સુધી શ્રીમાતાજીની ઋણી રહેશે.

- જ્યોતિબહેન થાનકી


હ્રદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
રમેશ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

– રમેશ પારેખ

ઝિંગ થિંગ !

‘નમ્રતા એટલે સિફતથી છૂપાવેલું અભિમાન !’
(નસીમ નિકોલસ તાલેબ)

અનાવૃત - જય વસાવડા

આસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ

આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે.

ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

ટેક્નોલોજી સગવડસુંદરી બનીને આવી છે, પરંતુ તેની પાછળ પાછળ તાણાસુરની હેરાનગતિ પણ આવી પહોંચી છે. પરિણામે ઇશ્વરનું ભવિષ્ય ખાસું ઊજળું છે. આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બંને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બંને નિષ્ફળ જઇ રહ્યા છે. ઇશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.

મનુષ્ય જ્યારે તર્કવિવેક પાળે ત્યારે સમાજને રેશનલિસ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાવિવેક પામે ત્યારે સમાજને ભક્ત મળે છે. કહેવાતો રેશનલિસ્ટ પણ જુઠો, બેઇમાન અને બદમાશ હોઇ શકે છે. કહેવાતો ભક્ત પણ દંભી, લુચ્ચો અને ખતરનાક હોઇ શકે છે. મનુષ્યતાનો ખરો માપદંડ સત્ય છે. પ્રત્યેક મનુષ્યનો જેમ બુદ્ધિ-અંક (I.Q.) હોય છે, તેમ સત્ય-અંક (S.Q) પણ હોય છે.

જુઠાબોલા રેશનલિસ્ટથી અને જુઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.

ઝઘડો બે જુઠા માણસો વચ્ચે હોય છે. આપણે ત્યાં સજ્જનને ‘સીધી લીટીનો માણસ’ કહેવાનો રિવાજ છે. આપણું હોવું (બીઇંગ) વિવાદાસ્પદ નથી. આપણું ન હોવું પણ વિવાદાસ્પદ નથી. જે વિવાદાસ્પદ છે તે ક્ષુલ્લક છે. સત્યનું ન હોવું અસંભવ છે. તર્ક સત્યનો સગો ભાઇ છે. આપણે ત્યાં તર્કને ઋષિ કહ્યો છે.

(તર્કો વૈ ઋષિ:)કોઇ પુષ્પ ઇશ્વરભક્ત નથી હોતું, છતાંય પુષ્પનું હોવું ઇશ્વરમય જણાય છે. કોઇ વૃક્ષ નમાજ નથી પઢતું, છતાંય પ્રત્યેક વૃક્ષ અલ્લાહની ઇબાદત કરતું હોય એમ ધ્યાનસ્થ જણાય છે. સૂર્યને થેંક યૂ કહેવાનું ફરજિયાત નથી, પરંતુ આપણે જો આભારની ભીની લાગણી સાથે એને નીરખીએ, તો આપણું જ મનુષ્યત્વ એક વેંત ઊંચું જાય એમ બને. આકાશની વિશાળતા આપણને વિશાળતાની દીક્ષા આપે, તો તેમાં ઇશ્વર ક્યાં નડ્યો? શું કોઇ નાસ્તિક રામાયણ કે ગીતા કે ઉપનિષદ વાંચી શકે ખરો? ગ્રીસમાં કોઇ એમ નથી પૂછતું કે, ‘ઇલિયડ અને ઓડીસી જેવાં મહાકાવ્યો વાંચીએ, તો રેશનલિસ્ટ મટી જઇએ?’ માકર્સવાદી નાસ્તિક એવા સામ્યવાદી નેતા એસ.એ.ડાંગે વેદના પંડિત હતા.

એમનું પુસ્તક વેદસમયમાં કોમ્યુન્સ અંગે હતું, તે સુરતના જશવંત ચૌહાણે મને આપ્યું હતું. એ પુસ્તક ઘરમાં હજી સચવાયું છે. શું નાસ્તિક માણસ ધ્યાન કરે ખરો? બુદ્ધ અને મહાવીર સંનિષ્ઠ નિરીશ્વરવાદી હતા. બંને મહામાનવોએ ધર્મનો પ્રસાર કર્યો હતો. બુદ્ધે એ માટે ‘ધર્મચક્રપ્રવર્તન’ શબ્દ પ્રયોજ્યો હતો. નાસ્તિકતાનું સૌંદર્ય આસ્તિકતાના સૌંદર્યથી જરાય ઊતરતું નથી. ઝેનપંથ એટલે જ ધ્યાનપંથ. સાંખ્ય મતના પ્રવર્તક કપિલ પોતે મહાન નિરીશ્વરવાદી હતા. કૃષ્ણ ગીતાના દસમા અધ્યાયમાં પોતાની વિભૂતિઓ ગણાવે તેમાં કહે છે, ‘સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું.’ (સિદ્ધાનાં કપિલો મુનિ:) ભારતમાં નાસ્તિક પરંપરા રામ અને કૃષ્ણ પહેલાંની છે.

નાસ્તિકો આપોઆપ ‘રેશનલ’ બની જતા નથી. આસ્તિકો આપોઆપ બિન-રેશનલ બની જતા નથી. ‘ધર્મ’ નામની ચીજ આસ્તિક-નાસ્તિક વિવાદથી પર છે. ‘ધર્મ’ની સંકલ્પના સંસ્થાગત ધર્મો (હિંદુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, શીખ, યહૂદી ઇત્યાદિ)થી પર છે. ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે.

આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:) ટ્રાફિકધર્મની જેમ જ ‘અતિથિધર્મ’ પંથપ્રપંચથી સર્વથા પર છે. એ જ રીતે માતૃધર્મ, પિતૃધર્મ, સમાજધર્મ અને સેવાધર્મને કોઇ ધર્મના લેબલ સાથે વળી શી લેવાદેવા? કોઇ નાસ્તિકને ધર્મવિરોધી કે અધ્યાત્મવિરોધી કહેવા એમાં વિવેકની બાદબાકી થઇ જતી જણાય છે.

આસ્તિકો તો ભગવાનના ઓઠા હેઠળ પણ અપ્રામાણિક બની શકે, પરંતુ નાસ્તિકોએ તો પ્રામાણિક બનવું જ પડે. કોેઇ રેશનલિસ્ટને અપ્રામાણિકતામાં આળોટતો જોઉં ત્યારે મનને વધારે ખલેલ પહોંચે છે. એની પાસે જઇને કોઇ આસ્તિકે પૂછવું જોઇએ, ‘ભઇલા! તું વળી અમારાં અનિષ્ટો કેમ સ્વીકારી બેઠો?’ કોઇ પણ નાસ્તિક આપોઆપ ‘બૌદ્ધિક’ બની જાય એવા વહેમમાં રહેશો નહીં. તેમનામાં પણ ઝનૂન, અંધશ્રદ્ધા, પંથપ્રપંચ, વિતંડાવાદ અને મિથ્યાભિમાન જેવાં બધાં જ અનિષ્ટો જોવા મળે છે.

આમ બને છે કારણ કે તેઓ માણસ છે અને માણસમાત્ર અપૂર્ણ છે. ખરી વાત એ છે કે અપૂર્ણતા તો મનુષ્ય હોવાની સૌથી તગડી સાબિતી છે. ‘ઝનૂની રેશનલિસ્ટ’ એ વદતોવ્યાઘાત (oxymoron) છે. કેટલાક રેશનલિસ્ટો ક્યારેક કટ્ટરતાને પનારે પડે ત્યારે ઝનૂની બનીને મંડી પડે છે. તેઓએ મુલ્લા-મહંત-પાદરી પાસેથી આવી કુટેવ ઉછીની ન લેવી જોઇએ. બન્યું છે એવું કે રેશનલિસ્ટો ક્યારેક તર્કવિવેક નથી જાળવતા અને ભક્તો ક્યારેક શ્રદ્ધાવિવેક નથી જાળવતા.

શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રદ્ધાશૂન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રદ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રદ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રદ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રદ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રદ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.

શું કહેવાતો શ્રદ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે? એ વાતમાં દમ નથી. શ્રદ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રદ્ધા જીવનને વિવેકહીન બનાવે છે.

સોક્રેટિસ કાયમ બુદ્ધિ (ઇન્ટેલેક્ટ) અને શ્રદ્ધા (ફેઇથ)નો ભેગો મહિમા કરતો હતો. સ્તાલિન અને માઓ ઝેડોંગ જેવા તકાઁધ નાસ્તિકોએ લાખો માણસોની કતલ કરાવી હતી. શું કત્લેઆમ કદી ‘રેશનલ’ હોઇ શકે? આવી જ કત્લેઆમ ધર્મના નામે (ક્રુસેડ અને જેહાદ) પણ થઇ છે. બંનેમાં વિવેક ગેરહાજર હતો. વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.

માનવીના અસ્તિત્વને પુષ્પ, નદી અને વૃક્ષના અસ્તિત્વનો રંગ લાગી જાય તો બેડો પાર! સત્ય, પ્રેમ, નેકી, કરુણા અને માનવતા વિનાની નાસ્તિકતા વેરાન રણ જેવી અને આસ્તિકતા વમળના વન જેવી હોય છે. સત્યના સેતુ પર અપૂર્ણ માનવી ઊભો છે. અપૂર્ણ હોવું એ તો આપણો મૂળભૂત માનવીય અધિકાર છે. સત્યના સેતુ પર માનવી, કેવળ માનવી જ હોય છે.

પાઘડીનો વળ છેડે

બેઠ કબીરા બારીએ,
સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે,
ફાધર, બામણ, શેખ!- રમેશ પારેખ

(‘છાતીમાં બારસાખ’ કાવ્યસંગ્રહમાંથી)

Divya bhasker,16-1-2011