શનિવાર, 20 ઑગસ્ટ, 2011

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો) ભાગ ૨


‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’
(ગતાંકથી)
હવે શ્રીઅરવંિદ માટે જેલ એ જેલ ન રહી. પણ એ જેલ તેમના માટે યોગાશ્રમ બની ગઈ. આ વિષે તેમણે લખ્યું છે; ‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
હવે ભગવાને પણ અંગ્રેજોની એ જેલમાં આવીને ચમત્કાર સર્જ્યો. શ્રીઅરવંિદને પોતાના ઘરેથી કપડાં અને પુસ્તકો મંગાવવાની મંજૂરી મળી. એમને પીવાના પાણી માટેનું માટલું મળ્યું. પણ આ બઘું મળ્યું ત્યારે તો તેમણે પોતાની જાત સાથે ઘોર યુદ્ધ કરીને તરસને જીતી લીધી હતી, એકાંતને પણ જીતી લીઘું હતું. જેલના ડૉક્ટર ડાલી અને સુપ્રીન્ટેન્ડન એમર્સનને પણ વગર ગુનાએ જેલનાં આકરાં કષ્ટોને ચૂપચાપ સહન કરતા અને એકાંત ઘ્યાનમાં મગ્ન રહેતા શ્રી અરવંિદ પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેઓ દરરોજ શ્રીઅરવંિદ પાસે આવતા અને વાતો કરતા. ડૉક્ટર ડાલીએ શ્રીઅરવંિદને કોટડીની બહાર ખુલ્લા ચોગાનમાં ફરવાની પરવાનગી મેળવી આપી. તેથી પછી તેઓ અર્ધા કલાકથી બે કલાક સુધી ખુલ્લામાં ફરવા લાગ્યા. ઘરેથી મંગાવેલા બે પુસ્તકો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા અને ઉપનિષદ આવી જતાં તેમનો પણ ગહન અભ્યાસ તેઓ કરવા લાગ્યા. તેઓ જ્યારે ખુલ્લામાં ચાલતા ત્યારે ગીતા અને ઉપનિષદોના મંત્રોનું સતત રટણ કરતા રહેતા. માત્ર રટણ જ નહીં, પણ એ મંત્રોના સત્યનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. અને પછી તો એમને સર્વત્ર પરમાત્માના જ દર્શન થવા લાગ્યા.
ઉત્તરપાડામાં આપેલા વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જોયું કે મારી ચોતરફ ઊભેલી જેલની ઊંચી ઊંચી દિવાલો એ કંઈ દિવાલો ન હતી. એ તો વાસુદેવ પોતે મને ઘેરીને ઊભા હતા. ચોકમાં હું જે વૃક્ષ નીચે ચાલતો હતો, તે કંઈ વૃક્ષ નહોતું, મેં જોયું કે આ વૃક્ષ વાસુદેવ પોતે જ છે અને મારા ઉપર છાયા ઢાળી રહ્યા છે. મેં કોટડીના સળિયા અને બારણાની જાળી તરફ નજર નાંખી અને ત્યાં પણ મેં વાસુદેવને જોયા. નારાયણ પોતે જ મારી રક્ષા કરતા, મારા ઉપર પહેરો ભરતા ત્યાં ઊભા હતા. હવે મને સૂવા માટે આપેલા ખરબચડા ધાબળા ઉપર હું સૂતો ત્યારેપણ હું અનુભવવા લાગ્યો કે શ્રીકૃષ્ણના બાહુઓ, મારા સુહૃદ અને પ્રિયતમના બાહુઓ મને વીંટળાઈ વળ્યા છે. પ્રભુએ મને જે ગહન દ્રષ્ટિ આપી તેનો પહેલો ઉપયોગ આ જોવાનો હતો. હું જેલના કેદીઓને, ચોરોને, ખૂનીઓને, ઉઠાઉગીરોને જોવા લાગ્યો અને મને ત્યાં સર્વત્ર વાસુદેવ દેખાવા લાગ્યા.’ હવે શ્રીઅરવંિદનું સમગ્ર જગત બદલાઈ ગયું. હવે તેમને માટે જેલ એ જેલ ન રહી. એકાંત સજા પ્રભુની સમીપ લાવનાર બની રહી. તેમને ખાતરી થઈ ગઈ કે ભગવાન એમને સાક્ષાત્કાર કરાવવા માટે જ જેલમાં લઈ આવ્યા છે.
હવે ભગવાને એમની સમક્ષ જેલજીવનના એકાંતનું રહસ્ય ખોલ્યું કે, ‘જે બંધનો તોડવાનું બળ તારામાં નહોતું, તે બંધનો તારે ખાતર અને તારે બદલે મેં તોડી આપ્યાં છે. મારી એવી ઇચ્છા નહોતી અને આશય પણ નહોતો કે તું એ બંધનમાં પડ્યો રહે. મારે તારી પાસે એક બીજું કાર્ય કરાવવાનું છે, એ માટે હું તને અહીં લાવ્યો છું. એ કાર્ય તું જાતે શીખી શકે તેમ નથી, એ હું તને શીખવીશ. મારે મારા કાર્ય માટે તને તૈયાર કરવાનો છે.’ આમ પ્રભુએ પોતે જ શ્રીઅરવંિદ સમક્ષ એમની ધરપકડ પાછળના કારણને પ્રગટ કર્યું. બધી જ બાહ્ય જંજાળોથી મુક્ત, જનસમાજથી અલિપ્ત અને બીજી કોઈપણ પ્રવૃત્તિ ન હોય એવી સંપૂર્ણ નિવૃત્તિની સ્થિતિમાં ભગવાનને શ્રી અરવંિદ જેલની એકાંત કોટડી સિવાય બીજે ક્યાં મળવાના હતા ? એ એકાંત કોટડીમાં ભગવાન હવે શ્રીઅરવંિદ સમક્ષ હંિદુ ધર્મના ગહન રહસ્યો દિનપ્રતિદિન પ્રગટ કરવા લાગ્યા. આ વિષે પણ તેમણે ઉત્તરપાડાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, ‘હવે દરરોજ મારા ચિત્તમાં, મારા હૃદયમાં, મારા દેહમાં હંિદુધર્મના સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને એ સત્યો મારા માટે જીવતા જાગતા અનુભવો બની રહ્યા. મારી સામે એવી વસ્તુઓ પ્રગટ થઇ જેના ખુલાસા ભૌતિક વિદ્યા આપી શકે નહીં.’’
શ્રીઅરવંિદ ગહન સાધનામાં ડૂબી ગયા. કોર્ટમાં મુકદમો ચાલી રહ્યો હોય, ત્યારે પણ તેઓ ઘ્યાનમાં જ ડૂબેલા રહેતા. બ્રિટિશ સરકારે તેમની વિરૂઘ્ધ ચારસો જેટલા પુરાવાઓ અને બસ્સો છ જેટલા ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હતા. શ્રીઅરવંિદનો બચાવ કરવા માટે કોઇ બાહોશ વકીલ ન હોવાથી કેસનો ચુકાદો તેમની વિરૂઘ્ધમાં જાય તેવી પૂરી શક્યતા હતી. પણ તેમના બચાવ માટે દેશબંઘુ ચિત્તરંજનદાસ આવી પહોંચ્યા. તેમણે પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રાત-દિવસ એક કરીને શ્રીઅરવંિદના કેસના કાગળિયાં તૈયાર કર્યા. શ્રીઅરવંિદને થયું કે તેઓ તેમને માહિતી આપી વાકેફ કરે તો દેશબંઘુને સરળતા રહેશે. આથી તેઓ મુદ્દાઓ લખાવવા બેઠા, ત્યારે ફરી ભગવાને એમના અંતરમાં કહ્યું ઃ ‘‘આ બધાં કાગળિયાં બાજુએ મૂકી દે. તારા વકીલને સલાહ આપવાનું કામ તારું નથી. એ હું કરીશ. આ માણસ તારી આસપાસ બિછાવાયેલી જાળમાંથી તને મુક્ત કરશે. નિર્ભય રહેજે. જે કાર્ય માટે હું તને જેલમાં લાવ્યો છું. એના તરફ જ ઘ્યાન આપ.’’ એ પછી શ્રી અરવંિદે કેસ અંગે વિચાર પણ કર્યો નહીં. અને ગહન સાધનામાં ડૂબી ગયા. એકાંત કોટડીમાં હોય કે ચોકમાં ટહેલતા હોય કે કોર્ટના કોલાહલોની વચ્ચે હોય કે પછી શક્તિથી ઉછળતા ક્રાન્તિકારી યુવાન કેદીઓની વચ્ચે હોય, પણ તેમના ઘ્યાન અને સાધના અવિરત ચાલતાં રહ્યાં.
ઘ્યાનમાં એમને અનેક સૂક્ષ્મદર્શનો થવા લાગ્યાં. ઘ્યાનમાં એમને પંદર દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો અવાજ માર્ગદર્શન આપતો રહ્યો. સ્વામી વિવેકાનંદે એમને બુઘ્ધિજન્ય વિચાર અને પ્રજ્ઞા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. જેલમાં તેમણે અગિયાર દિવસના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસથી તેમની શક્તિમાં ઘટાડો થયો ન હતો, પણ દસ પાઉન્ડ વજન ઘટી ગયુ હતું. બીજીવાર તેમણે પોંડિચેરીમાં ત્રેવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસના આ અનુભવો દ્વારા એમણે જાણી લીઘું હતું કે આઘ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસની ઉપયોગીતા ઘણી જ મર્યાદિત છે. જેલના નોકરે તેમને કોટડીમાં જમીનથી અઘ્ધર રહેલા જોયા હતા અને તેણે બધાંને વાત કરી હતી. તેથી દેશભરમાં એ વાત પ્રસરી ગઇ હતી કે ‘અરવંિદબાબુ જમીનથી અઘ્ધર રહે છે.’ પાછળથી આ વિષે પ્રશ્ન પૂછાતાં શ્રી અરવંિદે પોતે જ જણાવ્યું હતું કે, ‘‘તે વખતે મારી સાધના ખૂબ સઘનપણે પ્રાણની ભૂમિકા પર ચાલતી હતી. હું ઘ્યાનમાં બેઠો હતો. મને પ્રશ્ન થયો કે ઉત્થાપન જેવી શારીરિક સિદ્ધિઓ શક્ય છે ખરી? થોડીવારમાં મેં મારું શરીર એવી રીતે ઊંચકાયેલું જોયું કે હું મારા પોતાના સ્નાયુઓના પ્રયત્નથી એ પ્રમાણે ઊંચકી શકું નહીં. શરીરનો એક ભાગ (ધૂંટણ) જમીનને જરાક અડકેલો હતો અને બાકીનું શરીર ભીંતની સામે ઊંચકાયેલું હતું. જેલમાં એવા અસાધારણ અનુભવો મને થયા હતા.’’
શ્રીઅરવંિદને જેલમાં માનવમન અને પ્રાણમાં ઊઠતા શંકા, વિરોધ અને ઈન્કારના સઘળા પરિબળો ઉપર વિજય મેળવવો પડ્યો. તે માટે તેમને ઘણા પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર પણ થવું પડ્યું. જ્યારે તેમણે પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપી દીધી ત્યારે પ્રભુએ એમને માનવમનની સાંકડી સીમાઓમાંથી ઉપર ઉઠાવીને વૈશ્વિક ચેતનામાં તદ્રુપ કરી દીધા ને પોતાના ભાવિ કાર્ય માટે સજ્જ કરી દીધા. શ્રીઅરવંિદને જેલમાં લાવવાનો ભગવાનનો હેતુ પૂર્ણ થયો અને પછી તેમના કેસમાં બઘું જ આશ્ચર્યકારક રીતે બદલાવા લાગ્યું. ચિત્તરંજનદાસને ક્યાંય ક્યાંયથી એવી એવી માહિતીઓ મળવા લાગી કે જે શ્રીઅરવંિદની તરફેણમાં હોય. તેમનો કેસ નીચલી સેશન્સ કોર્ટમાંથી ઉપલી સેશન્સ કોર્ટમાં ગયો. અને ત્યાં ન્યાયાધીશ બ્રીચ ક્રોફ્‌ટ હતા, જેઓ કેમ્બ્રિજમાં શ્રીઅરવંિદના સહાઘ્યાયી હતા અને શ્રીઅરવંિદની બુઘ્ધિ પ્રતિભાને સારી રીતે ઓળખતા હતા. શ્રી અરવંિદનો કેસ ચાલ્યો. ચિત્તરંજનદાસ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા કેમકે તેમના મુખમાં એક પછી એક એવા શબ્દો આવતા હતા કે જેમનો તેમણે ક્યારેય વિચાર સુઘ્ધાં કર્યો ન હતો. તેઓએ ભરચક કોર્ટમાં રણકતા અવાજે, હૃદયંગમ વાણીમાં શ્રી અરવંિદ વિષે જે વાણી ઉચ્ચારેલી તેમાં શ્રીઅરવંિદના વિરાટ વ્યક્તિત્વનું સ્પષ્ટ ચિત્ર પ્રગટી રહ્યું હતું. તેમણે કહ્યું, ‘‘આથી મારે આપની સમક્ષ એ કહેવાનું છે, કે એમના જેવો પુરુષ, જેમના ઉપર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે કેવળ આ અદાલતની સમક્ષ જ નહીં, પરંતુ માનવ ઈતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. જ્યારે આ વાદવિવાદના પડઘા શમી ગયા હશે, આ ઉત્પાત અને આંદોલનો પૂરાં થઇ ગયાં હશે, તેઓ સ્વયં પણ મૃત્યુ પામીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હશે, ત્યાર પછી પણ ઘણા લાંબા સમય બાદ એમને દેશપ્રેમના કવિ તરીકે, રાષ્ટ્રવાદના પયગંબર તરીકે, અને માનવતાના ચાહક તરીકે બિરદાવવામાં આવશે. તેઓ જ્યારે આપણી વચ્ચે નહીં હોય, ત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ દૂરસુદૂરના સાગરપારના પ્રદેશોમાં પણ એમની વાણીના પડઘા પડતા હશે અને તે ફરી ફરીને સંભળાતી હશે.’’ ખીચોખીચ ભરેલી કોર્ટમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી શાંતિમાં જ્યારે આ વાણી વિરમી ગઇ ત્યારે કોર્ટમાં એક સન્નાટો છવાઇ ગયો. ન્યાયાધીશ બ્રીચક્રોફટ પણ સ્તબ્ધ બની ગયા. આ કેસમાં શ્રીઅરવંિદની વિરૂઘ્ધમાં હતું, તે બઘું તરફેણમાં પલ્ટાઇ ગયું. ન્યાયાધીશે એમના ઐતિહાસિક ચુકાદામાં શ્રીઅરવંિદને નિર્દોષ જાહેર કર્યા. ૫મી મે ૧૯૦૮ના રોજ જેલમાં ગયેલા શ્રીઅરવંિદ ૬ઠ્ઠી મે ૧૯૦૯ના રોજ પૂરા એક વરસ બાદ જેલમાંથી બહાર નીકળ્યા. જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’

- જ્યોતિબેન થાનકી
ગુજરાત સમાચાર તા.૧૪/૦૮/૨૦૧૧ 

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો)

શ્રીઅરવંિદે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા.
શ્રીઅરવંિદને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું.

૧લી મે શુક્રવારનો એ દિવસ હતો. શ્રી અરવંિદ ‘વંદે માતરમ’ના કાર્યાલયમાં બેસીને કામ કરી રહ્યા હતા, ત્યાં શ્યામસુંદર ચક્રવર્તી આવ્યા ને શ્રીઅરવંિદના હાથમાં તાર મૂકીને કહ્યું ઃ ‘‘જરા આ વાંચી જાઓ તો.’’ શ્રીઅરવંિદે એ તાર વાંચીને બાજુએ મૂકી દીધો. તેમાં મુઝફરપુરમાં બોંબ પડ્યો અને બે ગોરી મહિલાઓના મૃત્યુ થયાં એ વાત જણાવી હતી. પણ શ્રી અરવંિદને આ વાત સાથે કોઈ જ નિસ્બત નહોતી, તેથી તેઓ પોતાના કાર્યમાં પૂર્વવત્‌ મગ્ન થઈ ગયા. અંગ્રેજી વર્તમાનપત્ર એમ્પાયરમાં પણ સમાચાર આવ્યા હતા કે પોલિસ કમિશ્નર આ બોંબકેસ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ઓળખતા હતા અને તેઓને પકડીને તેમની સાથે કડક હાથે કામ લેશે તેમ જણાવ્યું હતું. શ્રીઅરવંિદને આ સમાચાર સાથે પણ કંઈ લેવાદેવા ન હતી, આથી તેમણે ઘ્યાન આપ્યું ન હતું.
તે રાત્રે તેઓ પોતાના ઘરમાં સૂતા હતા. વહેલી સવારે એમના બહેન સરોજિની હાંફળાફાંફળા એમના ઓરડામાં ધસી આવ્યાં અને બોલી ઊઠ્યા, ‘‘ઓરોદા, ઓરોદા’’ શ્રી અરવંિદ જાગીને બેઠા થયા ત્યાં તો તેમનો આખો ઓરડો સિપાહીઓ અને પોલિસ સુપ્રીટેન્ડન્ટથી ભરાઈ ગયો. તેઓ કંઈ પૂછે એ પહેલાં તો તેમના કાને કરડો અવાજ સંભળાયો ‘‘કોણ છે, અરવંિદ ઘોષ ?’’
‘‘કેમ શું છે? હું છું અરવંિદ ઘોષ.’’
‘‘પકડી લો એને અને દોરડાથી બાંધી દો. જોજો નાસી ન જાય.’’ ‘‘પણ શા માટે મને પકડવામાં આવે છે? શું તમારી પાસે કંઈ વોરંટ છે?’’ સુપ્રીન્ટેન્ડન્ટે વોરંટ બતાવ્યું. તેમાં બોંબ ફેંકવાના આરોપસર તેમની ધરપકડ કરવાની વાત હતી. આ જોઈને શ્રી અરવંિદને આગલા દિવસના તારની અને સમાચારની વાત યાદ આવી ગઈ. જેના વિષે તેઓ કશું જ જાણતા ન હતા છતાં વોરંટને તાબે થયા વગર બીજો ઉપાય પણ નહોતો. પોલીસોએ શ્રીઅરવંિદના હાથમાં લોખંડની હાથકડી પહેરાવી દીધી અને તેમને મજબુત દોરડાથી બાંધી દીધા. ગોરો સુપ્રીન્ટેન્ડન્ટ ક્રેગન જાણે કોઈ ખતરનાક ગુનેગારને પકડી લીધો હોય એમ વિજયી સ્મિત ફરકાવતો પોલિસોને ઘરની તલાશી માટેના હુકમો આપવા લાગ્યો. સાડા છ કલાક સુધી ઘરની તલાશી લેવામાં આવી. ઘરની એક એક વસ્તુને ફંફોસવામાં આવી. અસંખ્ય પત્રો, કાગળો, પેટીઓ કબજે કરવામાં આવ્યાં. એક પૂંઠાના ખોખામાં રાખેલી દક્ષિણેશ્વરની માટીને પણ બોંબ બનાવવાની સામગ્રી માનીને તે પણ લઈ લીધી!
શ્રીઅરવંિદને લાલબજારની ચોકી પર બીજા માળના એક ઓરડામાં રાખવામાં આવ્યા. ત્યાં પોલિસ કમિશ્નરે કડક સૂચના આપી કે ‘આ માણસ સાથે બીજા કોઈને રહેવા દેવા નહીં, અને તેની સાથે કોઈને વાત કરવા દેશો નહીં.’ શ્રીઅરવંિદના જેલ જીવનની કપરી સાધનાની શરૂઆત અહીંથી જ થઈ ગઈ. વંદેમાતરમમાં આવતા શ્રી અરવંિદના લેખોએ લોકોના હૃદયમાં માતૃભૂમિ માટે બલિદાન આપવાની ભાવના જાગૃત કરી હતી. આથી બ્રિટિશ સરકાર કોઈપણ ભોગે ભારતના લોકો સાથેનો એમનો સંપર્ક તોડી નાંખવા ઈચ્છતી હતી. તેમના આગ ઝરતા લખાણોનો એક એક શબ્દ બ્રિટિશ સરકારના અત્યાચારો, અન્યાયોને પ્રગટ કરતો હતો છતાં તેઓ એવી સિફતથી લખતા કે એ રાજદ્રોહી લખાણ છે, તેમ કોઈ સાબિત કરી શકે નહીં પણ આ બોંબકાંડમાં શ્રીઅરવંિદને મુખ્ય સૂત્રધાર માનીને તેમને લોકસંપર્કથી અળગા કરવાની તક બ્રિટિશ સરકારે ઝડપી લીધી અને શ્રીઅરવંિદના જીવનનો એક નવો જ અઘ્યાય શરૂ થયો. ખૂનનો આરોપ, પોલિસ કમિશ્નરોની કઠોર વર્તણૂંક, શારીરિક કષ્ટો, માનસિક યાતનાઓ, માનવમનને પાગલ કરી મૂકે તેવું ભેંકાર એકાંત, આ અઘ્યાય સાથે જોડાયેલું હતું, જે સ્પષ્ટ રીતે દેખાતું હતું અને અનુભવાતું હતું, પરંતુ આ અઘ્યાયના પેટાળમાં જે જડાયેલું હતું, તેની તો તે સમયે શ્રીઅરવંિદને પોતાને પણ કોઈ જ ખબર ન હતી.
શ્રીઅરવંિદને જેલજીવનની કઠોરતાના અનુભવો અહીંથી જ થવા લાગ્યા. માંડ માંડ હાથ-મોઢું ધોઈ શકાય એટલું જ પાણી તેમને આપવામાં આવ્યું અને ખાવામાં ઊતરી ગયેલા દાળભાત! માંડ માંડ બે કોળિયા ખાધા પણ પછી તો મોઢામાં કંઈ નાંખી શકાયું નહીં. સવારનું પેટ ખાલી હતું, તે ખાલી જ રહ્યું. આમ ત્રણ દિવસ અહીં વીતાવવા પડ્યા પણ પછી સાર્જન્ટને દયા આવતાં ચા અને રોટી ખાવા આપ્યાં, પણ એય પૂરતાં નહોતાં. ત્યાંથી તેમને અલીપુરની જેલમાં લઈ જવામાં આવ્યા. તે સમયે તેમને એક સંબંધી મળ્યા અને કહ્યું ઃ ‘‘હવે તમને કદાચ એકાંત કેદ મળે તો તમારે ઘરે કંઈ સંદેશો આપવો છે ?’’ આ સમયે પણ શ્રી અરવંિદ શાંત અને સ્થિર હતા. તેમણે કહ્યું ઃ ‘‘કહેજો, મારી કોઈ ચંિતા ન કરે, મારી નિર્દોષતા સાબિત થઈ જશે.’’
હવે શ્રીઅરવંિદને અલીપુર જેલની નવ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા. આ ઓરડીમાં એક પણ બારી ન હતી પણ લોઢાના સળિયાવાળી એક જાળી હતી. જાણે પાંજરૂ જ જોઈ લો. કોટડીની બહાર એક પાકો ચોક હતો તે પછી ઈંટોની ઊંચી ઊંચી દિવાલો હતી. કોટડીઓની હારની બહારની સામે લાકડાનો એક મોટો દરવાજો હતો એ દરવાજામાં માણસની આંખની ઊંચાઈએ નાનાં નાનાં ગોળ કાણાં હતાં, જેમાંથી પહેરાવાળા કેદીની હિલચાલ જોઈ લેતાં. ઓરડીમાં આપેલા સામાનમાં પિત્તળનો એક વાટકો ને થાળી, પાણી ભરવા માટે લોખંડનું એક પીપ, ઓઢવા પાથરવા માટે ખરબચડા બે ધાબળા, શૌચ માટે ડામરથી રંગેલી બે ટોપલીઓ, આથી વિશેષ કશું જ નહીં.
શ્રીઅરવંિદે ‘કારાવાસની કહાની’ નામના પોતાના પુસ્તકમાં જેલજીવનની આ સમૃદ્ધિ વિષે બહુ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તેમણે પોતાના વાટકાને બ્રિટિશ સિવિલિયનની ઉપમા આપતાં વર્ણવ્યું છે કે જેમ બ્રિટિશ સિવિલિયન, ન્યાયાધીશ, કલેક્ટર, પોલિસ અમલદાર, મ્યુનિસિપાલિટીનો પ્રમુખ, શિક્ષક, ધર્મોપદેશક ફાવે તે બની શકે એ જ રીતે મારો પ્રિય વાટકો પણ હતો, તે ભેદભાવ રાખવામાં કંઈ સમજતો નહીં. જેલમાં આવતાં વેંત જ મેં તે વાટકાથી હાથપગ ધોયા, તેમાં પાણી લઈને મોઢું ધોયું અને નાહ્યો. થોડીવાર પછી જમવા બેઠો, ત્યારે એ જ વાટકામાં મને દાળ-શાક આપવામાં આવ્યા. પછી એ જ વાટકામાં મેં પાણી પીઘું. આવી જાતની અમૂલ્ય ચીજ જેનાથી સર્વ કામ થઈ શકે એ તો અંગ્રેજ સરકારની જેલમાં જ સંભવિત છે. આ વાટકો સાંસારિક બાબતમાં ઉપયોગી થવા ઉપરાંત મારી યોગસાધનાનું એક કારણરૂપ પણ હતો. સૂગ છોડાવવા માટે આવો મદદગાર કે ઉપદેશક ક્યાંથી મળી શકે? કેમકે શૌચ માટે પાણી લેવા પણ આ જ વાટકાનો એક મહિના સુધી ઉપયોગ કરવો પડ્યો હતો.
જેલમાં ચોવીસ કલાક માટે માત્ર એક જ ડોલ પાણી આપવામાં આવતું હતું. નહાવું, શૌચ જવું, વાસણ માંજવા- આ બઘું આટલા પાણીમાં જ કરવું પડતું ! ઉનાળાની ભયંકર ગરમીમાં લોખંડના પીપમાં ભરેલું પાણી ઉકળી જતું અને એ જ પાણીથી તરસ છીપાવવાની હતી!! તરસ છીપવાને બદલે વધી જતી! જેલમાં મળતો ખોરાક પણ કંઈ આસ્વાદ્ય ન હતો. જાડા મોટા ચોખાનો ભાત, એ પણ માટી, કાંકરા, મકોડા, વાળ, વગેરે જાતજાતના મસાલાથી ભરપુર. ફિક્કી દાળ, જેમાં મોટો ભાગ પાણીનો જ હોય. અને ઉબાઈ ગયેલા ઘાસ અને પાંદડાનું શાક. જેલના ખોરાક વિષે શ્રીઅરવંિદ લખે છે; ‘માણસનું ભોજન આવું બેસ્વાદ અને અસાર પણ બનાવી શકાય છે, તે મને અગાઉ બિલકુલ માલુમ ન હતું. કાળું કોલસા જેવું ભાજીનું શાક જોઈને તો હું હેબતાઈ જ ગયો. બે કોળિયા ખાઈને માનપૂર્વક તેને નવગજના નમસ્કાર કર્યા.’
ખરબચડી છોવાળી કોટડીમાં સૂવું એ પણ એક સજા જેવું જ હતું ! સૂવા માટે તેઓ એક કામળો પાથરતા અને બીજાનું ઓશીકું બનાવતા. ઉનાળાની અસહ્ય ગરમીમાં કામળા પર સૂવું એટલે તપાવેલા લોઢાની પથારી પર સૂવા જેવું હતું. જ્યારે વરસાદ આવે ત્યારે ઠંડકનો અનુભવ થતો પણ થોડીવારમાં એ અનુભવ પણ કષ્ટદાયક બની જતો. કેમકે વરસાદના પાણીથી કોટડી ભીની થઈ જતી, તેમાં પાણી ભરાઈ જતું. જો પવન હોય તો ઘૂળ, પાંદડા, ઝાંખરા ઊડી ઊડીને સળિયાની ઝાળીમાંથી અંદર આવીને પાણી પર તરવા લાગતા. એ સમયે શ્રી અરવંિદ ભીનો થઈ ગયેલો કામળો લઈને એક ખૂણામાં બેસી રહેતા. જ્યાં સુધી કોટડીની છો સૂકાય નહીં ત્યાં સુધી તેમને આમ જ બેસી રહેવું પડતું.
શ્રીઅરવંિદને તો એકાંદ કેદ હતી. આથી બીજા કોઈ કેદીઓ સાથે તેઓ વાતચીત કરી શકતા નહીં. જેલના પહેરેદારો, ડૉક્ટરો કે દારોગા સિવાય તેમને બીજા કોઈને મળવાનું થતું નહીં. શરૂઆતમાં તો એમની પાસે વાંચવા માટે એક પણ પુસ્તક ન હતું. સાથી કેદીઓ નહીં, પુસ્તક નહીં, કોઈ સાથે વાતચીત કરવાની નહીં. બંધ કોટડીમાં જાળીમાંથી દેખાતો આકાશનો એક નાનકડો ટુકડો, સામે દેખાતું લીમડાનું એક માત્ર વૃક્ષ. સાંભળવાના પહેરેગીરોના જોડાના ઠપઠપ અવાજ, અને તન અને મનને ભીંસી નાખે તેવું ભયંકર એકાંત. ઓરડીની અંદર દ્રષ્ટિ કરીને સ્થિર થવું મુશ્કેલ અને બહાર પણ એનું એ જ જોવાનું ! શ્રી અરવંિદને એકાંદ કેદનો અનુભવ થોડા દિવસમાં જ થઈ ગયો ! એ વિષે જણાવતાં તેઓ લખે છે કે, ‘મને સમજાઈ ગયું કે આ જાતના કેદખાનામાં પાકટ અને વખણાયેલી બુદ્ધિ પણ કેમ બહાર મારી જાય છે. માણસ થોડા જ દિવસોમાં ગાંડા જેવો થઈ જાય છે. પણ તે સાથે મને એમ પણ લાગ્યું કે આ જાતની એકાંદ કોટડીમાં જ માણસને ભગવાનની અપાર દયાનો અનુભવ કરવાનો અને તેની સાથે એકતા અનુભવવાનો દુર્લભ અવસર પણ મળે છે.’
શરૂઆતમાં તો શ્રીઅરવંિદનું મન બળવો કરવા લાગ્યું હતું. એ સમયે ઉનાળાના લાંબા લાંબા દિવસો પસાર કરવા માટે વિચાર કરવા સિવાય બીજું કોઈ કાર્ય જ ન હતું. વિચારો પણ કેટલાક કરવા ? પરંતુ પછી તેમણે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા. આ અનુભવ વિષે તેઓ જણાવે છે કે, ‘મારા સમગ્ર અંતરમાં એક એવી શક્તિ વ્યાપી ગઈ કે મારું આખું શરીર શીતળ થઈ ગયું. મારા બળતા હૈયામાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થયો. જેમ એક બાળક નિષ્ફિકર થઈને પોતાની માની ગોદમાં સૂઈ જાય છે, તે પ્રમાણે હું જગદંબાની ગોદમાં સૂવા લાગ્યો અને તે દિવસથી મારા જેલના બધા દુઃખોનો અંત આવ્યો.’ જોકે જેલમાં કંઈ સ્થિતિ બદલાઈ ન હતી. પણ શ્રીઅરવંિદના મનની સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે જેલના દુઃખો તેમને સ્પર્શી શકતાં ન હતાં. હવે તેઓ બાહ્ય દુઃખોથી મુક્ત થઈ એકાંતમાં, મનની પેલે પારના રહસ્યો જાણવા લાગ્યા. હવેજેલમાં લઈ આવવાનો ભગવાનનો હેતુ સ્પષ્ટ રીતે તેઓ જાણી શક્યા. ભગવાને તેમને માનવદુઃખોનો, ક્રૂરતાનો અનુભવ કરાવ્યો. બીજું, તેમને એકાંતવાસમાં રહેવાની ટેવ પડાવી અને ત્રીજું, તેમને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું. અને તેના પરિણામે ભગવાન વાસુદેવને જાતે જ ફરી એકવાર કારાગારમાં આવવું પડ્યું !!

- જ્યોતિબહેન થાનકી
ગુજરાત સમાચાર તા.૦૭/૦૮/૨૦૧૧

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

દોસ્તી એટલે આંસુ અને હાસ્યનો સંબંધ



બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી - મરીઝ

એક મિત્ર બીજા મિત્રને મળ્યો અને પૂછયું કે “કેમ છો?” બીજા મિત્રએ કહ્યું કે “મજામાં!” મિત્રે પછી કહ્યું, “ચાલ હવે સાચી વાત કર!” અને પછી દિલના બધા જ દરવાજા ખૂલી જાય છે, વાતો વહેતી રહે છે, દિલનો ભારે ખૂણો ધીમે ધીમે હળવો થતો જાય છે, ક્યારેક હોઠ મલકે છે અને ક્યારેક આંખો ભીની થાય છે. છેલ્લે જે હોય છે એ માત્ર અને માત્ર દોસ્તી હોય છે!

દોસ્તી લોહીનો સંબંધ નથી. દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે. જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે. મિત્ર એટલે એવી વ્યક્તિ જેને કોઈ પણ વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડતી નથી, જેને કહેવું પડતું નથી કે કોઈને આ વાત કરતો નહીં. દોસ્ત સાથેનો સંવાદ એટલે એવી જાહેર વાત જે કાયમ ખાનગી રહે છે. તમારો એવો મિત્ર કોણ છે જેને તમારી બધી જ વાત ખબર છે? મિત્ર એટલે એવી વ્યક્તિ જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે! દોસ્ત મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે. ક્યારેક પ્રેમની, ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની, ક્યારેક લફરાંની, ક્યારેક દર્દની અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો એ દોસ્તીની લક્ઝરી છે.

ગામ માટે જે રાજુ હોય છે એ દોસ્ત માટે રાજ્યો હોય છે, મનોજ મનીયો હોય છે, હરેશ હરિયો હોય છે, પરેશ પરિયો હોય છે, રીટા રીટાડી અને ગીતા ગીતુડી હોય છે. દોસ્તીમાં લિંગભેદ નથી. બે છોકરાની દોસ્તી, બે છોકરીના બહેનપણા કે એક છોકરા અને એક છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપમાં ભેદ પાડવો અઘરો છે. દોસ્ત એટલે એવી વ્યક્તિ જેને તુંકારે અને ગાળ દઈને બોલાવવાનો અધિકાર હોય. દોસ્તને આગ્રહ કરવો પડતો નથી અને દુરાગ્રહનો અવકાશ નથી. દરેક સંબંધમાં કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે, પણ દોસ્તી એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગરનો સંબંધ. દોસ્તીને કંઈ જ નડતું નથી. મોભા, દરજ્જા, અમીરી, ગરીબી અને બીજા બધાથી દોસ્તી પર છે.

દોસ્તી કોઈ શરત વગર શરૂ થાય છે. દોસ્તીનાં કોઈ જ કારણ હોતાં નથી. તમારા મિત્ર વિશે તમે વિચારજો કે એ શા માટે તમારો મિત્ર છે? તેનો જવાબ એક જ હશે, બસ એ મિત્ર છે. દોસ્ત વિશે કહેવાય છે કે એ એક એવું ઋણાનુબંધ છે, જેમાં કોઈ બંધન નથી.

દોસ્તી તૂટે ત્યારે ઘણું બધું તૂટે છે.  એક વૃદ્ધનો મિત્ર અવસાન પામ્યો ત્યારે તેણે કહ્યું કે “હવે મને તુંકારે કહેવાવાળું કોઈ ન રહ્યું. હવે હું ખરેખર એકલો પડી ગયો.” ફિલ્મ ‘ફિઝા’માં ગુલઝારે લખેલું એક ગીત છે. ન લેકે જાઓ, મેરે દોસ્ત કા જનાજા હૈ. જગાઓ ઉસકો, ગલે મિલ કે અલવિદા તો કરો, યે કૈસી રૂખસદ હૈ, યે ક્યા સલીકા હૈ? ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ...

આ જ ગીતની બીજી એક કડી છે : ઉલઝ ગઈ હૈ કહીં સાંસ ખોલ દો ઉસકી, લબો પે આઈ હૈ જો બાત પૂરી કરને દો, અભી ઉમ્મીદ ભી જિંદા હૈ, ગમ ભી તાજા હૈ... ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ... ગમે એટલી વાતો કરીએ તોપણ મિત્ર સાથેની વાતો ખૂટતી નથી. દોસ્ત સાથે હોય ત્યારે રાત ટૂંકી થઈ જાય છે અને વાત લાંબી થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ રિમેન્સ ફ્રેન્ડ્સ.

બે મિત્રની વાત છે. એક મિત્રને નોકરી માટે બીજા શહેરમાં જવાનું થયું. એ ગયો. બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર જાણે આખું શહેર તેની સાથે લઈ ગયો. તેના એક વગર લોકોથી ખીચોખીચ ભરેલું આ નગર કેમ ખાલી લાગે છે. એ એક નથી તો કેમ બધું ભારે લાગે છે. હવે સાંજ સવાલ લઈને આવે છે કે કોની સાથે વાત કરું? પાનનો ગલ્લો અને ચાની કીટલી હવે જૂનાં સ્મરણોની ખોતરાતી વેદના થઈ ગયા છે. લોંગ ડ્રાઈવ વખતે ટૂંકા લાગતા રસ્તા રાતોરાત જાણે લાંબા અને સૂના થઈ ગયા છે. મિત્ર સાથે હોય ત્યારે માણસ બાળક હોય છે, મારો મિત્ર ગયો અને મારામાં જીવતું બાળક પણ અચાનક મોટું થઈ ગયું. તું હતો ત્યાં સુધી ખબર ન હતી કે તું શું છે, પણ હવે તું નથી ત્યારે સમજાય છે કે તું શું હતો!

આપણે ભલે એવી વાતો કરીએ કે મિત્ર જાય પછી થોડો સમય આવું લાગે, પણ મિત્ર વગર એક ખાલીપો સતત કનડતો રહે છે. ગુજરાતી શાયર મરીઝના મિત્રનું મૃત્યુ થયું ત્યારે તેણે લખ્યું કે, પતિ મરી જાય તો પત્ની વિધવા કહેવાય, પત્ની મરી જાય તો પતિ વિધુર કહેવાય, પણ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? મરીઝે જવાબ આપ્યો ન હતો, પણ જવાબ આપ્યો હોત તો કદાચ એવું હોત કે એને ખાલીપો કહેવાય, એને એકલતા કહેવાય, એને શૂન્યાવકાશ કહેવાય! ભર્યુંભર્યું જંગલ જાણે અચાનક રણ થઈ જાય અને તાપ લાગવા માંડે, વગર દોડયે હાંફ ચડે અને કડકડતી ઠંડીમાંયે બાફ લાગે!

દોસ્ત એ છે જે તમને પગથી માથા સુધી ઓળખે છે અને છતાંયે તમને પ્રેમ કરે છે. મિત્રને મિત્રની દરેક ખામી, તમામ ઊણપ અને બધા જ અવગુણની ખબર હોય છે છતાં એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. હા, મિત્ર કંઈ ખોટું કરે ત્યારે દુઃખ થાય છે, પણ અંતે તો એ મિત્ર જ રહે છે. એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે વો મેરા દોસ્ત હૈ સારે જહાં કો હૈ માલૂમ, દગા કરે વો કિસીસે તો શર્મ આયે મુજે... મિત્ર ઘણી વખત કફોડી હાલતમાં મૂકી દે છે અને છતાંયે જે સંબંધમાં કંઈ ફર્ક પડતો નથી એ દોસ્તી છે. મિત્રના દરેક દોષ કોરે મૂકીને મિત્ર મિત્રને પ્રેમ કરે છે. એટલે જ કહે છે કે, સગાંઓ શરતી પ્રેમ કરે છે, પણ મિત્ર એકતરફી પ્રેમ કરે છે!

દાનવીર કર્ણ અને દુર્યોધન મિત્ર હતા. કર્ણ જ્ઞાની હતા. દુર્યોધનના દોષ તેને ખબર ન હોય એ માની ન શકાય. એક વખત કર્ણને કહેવાયું કે દુર્યોધન દુષ્ટ છે છતાં તમારો મિત્ર છે? કર્ણે કહ્યું કે મને એટલી જ ખબર છે કે એ મારો મિત્ર છે! મિત્ર કહ્યા પછી એ કેવો છે એ ગૌણ બની જાય છે.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાતો જગજાહેર છે. પછી શામળિયો બોલ્યો, તને સાંભરે રે... સુદામા કહે છે કે મને કેમ વિસરે રે... બધી વાત સાચી પણ છેક તાંદુલ લઈને સુદામા આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મુશ્કેલીમાં છે? દોસ્તની ગરીબાઈનો અંદાજ તેને અગાઉ કેમ ન આવ્યો? કે પછી ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે?

હા, બધા જ મિત્રો એક સરખા નથી હોતા. કેટલાંક ‘તાળી મિત્રો’ હોય છે, કેટલાક ‘થાળી મિત્રો’ હોય છે અને કેટલાંક ‘ખાલી મિત્રો’ હોય છે! એવું કહેવાય છે કે, સંકટ આવે ત્યારે મિત્રો પણ મોઢું ફેરવી લે છે! આ વાત સાચી નથી, કારણ કે જે મોઢું ફેરવી લે છે એ મિત્રો હોતાં જ નથી, એ તો તકસાધુઓ હોય છે! આવા મિત્રો તો વહેલા ઓળખાઈ જાય એ જ સારું છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે. દુનિયા પાગલ છે કે, આવો દિવસ ઊજવે છે. વિચાર કરો કે ફ્રેન્ડશિપ ડે ન હોય તો દોસ્તી ન ટકે? આવા વાહિયાત અને બકવાસ કન્સેપ્ટની ખરેખર કેટલી જરૂર છે એ પ્રશ્ન છે અને રહેશે, કારણ કે દોસ્તી માટે કોઈ એક દિવસ ન હોય, દોસ્તી માટે તો આખું આયખું હોય. દોસ્તી છેલ્લા શ્વાસ સુધી જીવતી રહે છે અને શ્વાસ ખૂટી જાય પછી પણ દોસ્તી હવામાં લહેરાતી રહે છે.

મિત્ર મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો પોતાની હોય છે. ઈશ્વરે જ્યારે જિંદગી બનાવી હશે ત્યારે માણસને સુખ આપવા દોસ્તીની થોડીક ક્ષણો અલગ તારવી હશે. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એક-બે ફ્રેન્ડ જ હશે, કારણ કે ફ્રેન્ડ્સનાં ટોળાં ન હોય. દોસ્તી હંમેશાં વન-ટુ-વન હોય છે. પ્રેમ કદાચ વન-ટુ-ઓલ હોઈ શકે, પણ દોસ્ત તો એક જ હોય છે, જે સૌથી નજીક હોય છે. એક મિત્ર હોય ત્યારે આખી દુનિયા ભરેલી લાગે છે અને આવા મિત્ર પાસે જ માણસ ‘ખાલી’ અને ‘હળવો’ થઈ શકતો હોય છે. દરેક પાસે આવો મિત્ર હોય છે, તમારી પાસે પણ છે. એ તમારી નજીક તો છે ને? ન હોય તો નજીક બોલાવી લો, કારણ કે એ સુખ છે, એ સારું નસીબ છે અને એ જ સાચો સંબંધ છે.

 મોબાઇલની ફોનબુકમાં હોય છે એ બધા મિત્રો નથી હોતા, ફેસબુકની તમારી યાદી જોઈ જજો, એમાં કેટલાં ખરેખર મિત્ર છે? સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે. તમારા દિલના એ હિસ્સાનું જતન કરજો, કારણ કે દિલનો એ હિસ્સો જ જિંદગીને ધબકતી રાખે છે...

છેલ્લો સીન
મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો.
- ગેટે

મેઘદૂત : સાવન અને સેક્સની ભારતીય સંસ્કૃતિ !

ભારતીય સંસ્કૃતિના પ્રાચીન કાળની કમનસીબી એ છે કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ના આખા ભૂતકાળમાંથી ખણખોદિયાઓએ માત્ર ‘શિવમ્’નું જ મહિમાગાન કર્યું છે. આજની આખી એક પેઢી ભારતીય પ્રાચીનતા એટલે ભોગવિલાસવિરોધી શુષ્ક ભક્તિ એવું માનતી થઇ જાય- એ પાપકૃત્યમાં તેઓ સફળ થયા છે. આખી મોડર્ન જનરેશન ‘ઇન્ડિયન કલ્ચર’ના નામથી ભડકીને વેસ્ટર્નાઇઝેશનના ખોળે જતી રહી છે. જયારે જયારે સેકસના ખુલ્લાપણાંની વાત આવે, ત્યારે અચૂકપણે ‘પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ’નો જયઘોષ થાય છે. એકીસાથે હસવા અને રડવા જેવી આ વાત છે!
પ્રિય હિન્દુસ્તાનીઓને કોણ સમજાવે કે કામકળાનું ઉદ્દગમસ્થાન જ ભારત હતું! ભારતીય ધાર્મિક સાહિત્ય કે શિલ્પોમાં પણ શૃંગારના ફૂવારા નહિં, ધોધ ઠલવાયેલા છે- પણ મૂળ ગ્રંથો આખા વાંચવાની કયાં કોઇ તસ્દી લે છે? મુક્ત કામાચારનાં ધામ અમેરિકા નહી, પણ આ દેશમાંથી જ પહેલીવાર ‘ઇરોટિક’ સાહિત્ય જગતને મળેલું- જે હજુ પણ એવરગ્રીન છે. પણ ભારતીય સંસ્કૃતિમાં મૈથુન (શારીરિક સંબંધ)નું જે માઘુર્ય ‘અનાવૃત’ થયું છે- એનો આજની તારીખે મુકાબલો કદાચ ફ્રેન્ચ- મેકસિકન- ઇટાલીયન સોફટપોર્ન ફિલ્મો સિવાય ન થાય!
સીઝન સાવનની છે. વાયરા વરસાદી છે. મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસું ચોમેર બેઠું છે. વર્ષાઋતુમાં જો ભારતીય નાગરિકને સંસ્કૃત સાહિત્ય યાદ ન આવે, તો નુકસાન એને પોતાને જ છે! એમાંય મેગાહિટ છેઃ મેઘદૂત. માત્ર મહાકવિ કાલિદાસની રમણીય રચનામાં તરબોળ થઇ જૂઓ- હજુ સુધી પૃથ્વી પર સાવન અને સેકસનું આવું કલાસિક કોમ્બિનેશન થયું નથી!
મેઘદૂતની મજા એના વરસાદી વાતાવરણના અદ્દભૂત શબ્દ ચિત્રોમાં છે પણ એ પડતાં મૂકીને ‘એક દૂજે કે લિયે’ બનેલા નાયક- નાયિકાની વિરહવેદના પર ઘ્યાન આપો તો એમાં ‘પ્રવાસવિપ્રલંભ શૃંગાર’ છલોછલ દેખાય! વરસાદ નીતરી ગયા પછીના ગુજરાતના ડામર રોડ પર જેમ ઠેર ઠેર પાણીના ખાબોચિયાં દેખાય, એમ આખા કાવ્યમાં ચોમેર સેકસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે.
‘મેઘદૂત’માં કવિતાનો પ્લોટ જ જાણે રોમાન્સની પરાકાષ્ઠા છે! દેવતાઇ અંશો ધરાવતી યક્ષ જાતિ શિવજીના સાંનિઘ્યમાં કૈલાસ પર્વત પાસેની અદ્દભૂત અલકાપુરીમાં રહે છે. એક યક્ષનું કામ પોતાના સ્વામી કુબેર (દેવતાઓનો ખજાનચી) માટે સવારે પૂજાના કમળપુષ્પ લઇ આવવાનું છે! પણ એ માટે વહેલા ઉઠીને પોતાની પ્રિયાના પડખાંનો ત્યાગ કરવો પડે, માટે યક્ષ રાતના જ કમળ તોડી આવે છે. એ બીડાયેલા કમળમાં રાત્રે કેદ ભમરો કુબેરને ડંખ મારે છે. (કયા કહને!) ત્યારે ફરજચૂકનો ખ્યાલ આવતાં કુબેર યક્ષને ૧ વર્ષ માટે દક્ષિણ ભારતના રામગિરિ પર્વત પર એકાંતવાસનો શ્રાપ આપે છે. દાંપત્ય જીવનમાં ગુલતાન પ્રેમી-પ્રેયસી વિખૂટાં પડે છે. ‘દિન ગુજરતા નહીં, કટતી નહીં રાતે’ વાળી ટિપિકલ બોલીવૂડ સિચ્યુએશનમાં એકબીજાની સ્મૃતિથી અને પુનઃ મિલનની આશામાં દિવસો કાઢે છે. કાલિદાસ લખે છે- આમ તો જુદા પડવાથી જ મૃત્યુ પામ્યા હોત… પણ ફરી મળવાનું છે, એટલે બંને જીવતા રહ્યા!
આઠ મહિનાની જુદાઇ માંડ માંડ સહન કર્યા પછી પોતાની પ્રિય પત્નીને સંદેશો કહેવડાવવા માટે વ્યાકૂળ યક્ષ અંતે કાળાં વાદળોની ફોજથી વરસવા માટે સજજ મેઘને પોતાનો દૂત બની ‘મેસેજ’ ફોરવર્ડ કરવાની વિનંતી કરે છે. યક્ષનો ‘લવ એસ.એમ.એસ.’ સ્વીકારનાર મેઘને યક્ષ કુદરત-માનવના ભવ્ય વર્ણનથી નવડાવી દે છે. આહાહા, શું વર્ણન છે! કાશ, ભગવા કપડાંની દીક્ષાને બદલે કાલિદાસની કૃતિઓના માર્કેટિંગથી ભારતની પહેચાન પરદેશોમાં બની હોત! સ્થળ સંકોચને લીધે થોડીક બાદબાકી સાથે (પણ એકેય શબ્દના ઉમેરા વિના) મેઘદૂતનું પ્રકૃતિવર્ણન બાજુએ મૂકી બારિશ અને બિસ્તરનો રસભરપૂર ઝલક વાંચીને જાતે જ નક્કી કરો ભારતીયતાના શૃંગાર વૈભવનું ગૌરવ!
કાવ્યની શરૂઆતના જ ‘ઇન્ટરવલ’ પહેલાંના ‘પૂર્વમેઘ’માં યક્ષ મેઘને મેસેજ લઇ જવાની વિનંતી કરે છે, ત્યારે જ કવિ ટકોર કરે છેઃ કામાતુર માનવી ભાન ભૂલી જાય એમાં શી નવાઇ? વાણી કે કાન વિનાના નિર્જીવ મેઘને સજીવ ગણીને યક્ષ વિનંતી કરવા લાગે- એ જ બતાવે છે કામાગ્નિનો દાહ! એક જમાનામાં ભારતમાં એક સ્ત્રી વઘુ પુરૂષોને કે એક પુરૂષ વઘુ સ્ત્રીઓને ભોગવે એ અસામાન્ય નહોતું (બલ્કે સામાન્ય હતું!) એવા દાખલા દશરથથી દ્રૌપદી સુધી મશહૂર છે. માટે યક્ષ મેઘાને કહે છે કે મારી પત્ની ‘એકસ્વામીત્વ’માં માનતી હોઇને મારા વિયોગથી વઘુ દુઃખી છે- બીજું કોઇ એના જીવનમાં નથી! મેઘદૂતમાં ‘મુક્ત’ ભારતીય સંસ્કૃતિના નિર્દેશો પારિજાતના ફૂલની જેમ ઢગલા મોંઢે વિખરાયેલા છે. બગલીઓના ઉદાહરણથી ‘ગર્ભાધાનોત્સવ’ (ગર્ભાધાન થાય, એ સમાગમનો અવસર) ઉજવવાની વાત છે!

વરસાદને સેકસ સાથે મેળવીને કાલિદાસે એવી એવી ઉપમાઓ આપી છે કે એ જેમની તેમ આજે કયાંક રજૂ કરો તો ‘વિકૃત ભેજાંનો વિદેશી’ જાણીને સમાજ કાં જેલ, કાં પાગલખાના ભેગા કરી દે! જેમ કે, મેઘ ‘સ્નિગ્ધવેણી’ યા ને સ્ત્રીના કેશ જેવો કાળો અને સુંવાળો છે! મેઘના આગમનથી વીજળી થતી જોઇને નારીઓ વારંવાર આંખો મીંચે છે અને ખોલે છે, માટે સ્ત્રીઓના ‘નેત્રવિલાસ’નું પાત્ર બનનાર વરસાદ ભાગ્યશાળી છે! આમ્રકૂટ (આજનો અમરકંટક?) પર્વત પીળી પાકેલી આંબાની ડાળથી છવાયેલા પર્વત હોઇ ને એના શિખર ઉપર વરસાદી વાદળો સ્થિર થશે, ત્યારે શ્યામ ટોચ અને ફરતે ઉપસેલી ગૌર ગોળાઇને લીધે એ પૃથ્વીના સ્તન જેવો લાગશે એમ યક્ષ મેઘને કહે છે! માર્ગમાં આવતી વેત્રવતી નદીના વહેવાનો અવાજ કામક્રીડાના ઘ્વનિ જેવો ઉત્તેજક ગણીને મેઘને એ નદીનું પુરૂષ સ્ત્રીનું ચુંબન લે, એવી તીવ્રતાથી જળપાન કરવાનું કહેવાયું છે! વિદિશા નગરી પાસેના પર્વત પર મેઘને આરામ ફરમાવવાની વિનંતી થઈ છે. કેમ?
કારણ કે, ત્યાં પહાડી કુંજલતાઓથી ઘેરાયેલી ગુફાઓમાં વડીલોથી અકાંત શોધી નગરના ઉત્તેજીત યુવકો ગણિકાઓ સાથે આનંદ કરતા હશે, તેમના શરીર પરના ચંદન વગેરેની સુગંધથી એ સ્થળો મઘમઘતા બન્યા હશે!ઉજ્જૈની પાસેની નિર્વિન્ધ્યા નદીને તો રીતસર કામિનીરૂપે કલ્પી લીધી છે! એના પર હારબંધ ઉડતા પંખીઓ ને એનો કટિબંધ, એના વહેવાના અવાજને એના ઝાંઝર અને એમાં વરસાદના ટીપાં પડવાથી બનતા વર્તુળાકાર વમળને એની નાભિ ગણાવીને પાછા કવિ લખે છે : પ્રિયજનને જોઈ એનું ઘ્યાન ખેંચવા અટકતી લટકતી મંદ ચાલે સ્ત્રી વસ્ત્રોને રમાડતાં પેટ અને નાભિ ખુલ્લા કરી આમંત્રણ આપે, ત્યારે પુરૂષે સ્ત્રીના આ વગર બોલ્યે થતા વિલાસો સમજીને એના અંતરને તૃપ્ત કરવું જોઈએ. લજ્જા જેનું ભૂષણ છે એવી પ્રકૃતિએ શરમાળ નારી એના મનોભાવ બોલીને નહિ, પણ ચેષ્ટાઓથી જ જણાવે છે! મેઘે પોતાની પ્રેયસી જેવી નદીઓને વરસાદથી તૃપ્ત કરી દેવી જોઈએ, કારણ કે જે સ્ત્રી ભોગો ભોગવતી નથી એ અકાળે જ વૃઘ્ધ થાય છે!
માશાલ્લાહ! જાણે શૃંગારનો જામેલો એકરસ વરસાદ! આખા મેઘદૂતમાં જાતીયતાના તાણાવાણા એવા ગુંથાયેલાછે કે જુદા પાડવા જતાં રોમાંચનું વસ્ત્ર ચિરાઈ જાય! સિપ્રાનદીના પવન માટે શું વિશેષણો છે? જુઓ : જેમ આખી રાતના ‘રતિશ્રમ’ (કોનવેન્ટિયા બાબાબેબીલોગ, રતિક્રીડા એટલે એકટ ઓફ ઓર્ગી, જાતીય સમાગમ)થી થાકેલી શય્યાસંગિનીનો થાક પુરૂષ એના માથે હળવેથી હાથ ફેરવીને ઉતારે,એમ સિપ્રાની લ્હેરખીઓ થાક ઉતારતો મૃદુ સ્પર્શ કરે છે! સુંદર સ્ત્રીઓને નીરખીને જોવાની ક્રિયાને ધન્યભાગ્ય ગણતા કવિ વળી મેઘને ઉજ્જૈન નગરની ‘લલિતવનિતા’ (લાવણ્યમયી સ્ત્રીઓ)ના વાળની સુગંધ અને એમના મેંદી, અળતા, કંકુ ચોળેલા પગલાંની છાપ સુઘ્ધાં મનમાં ભરી લેવાની તાકીદ કરે છે! આખી રાત પતિ બહાર વીતાવેતો પરોઢે આવે, એવી એકલી સૂનારી પત્નીને ખંડિતા કહેવાય છે. આવી ખંડિતાઓને પતિદેવો રિઝવતા હોય, ત્યારે ઉગતા સૂરજની આડે ન આવવા વરસાદને વિનંતી થાય છે! તો ગંભીરા નામની એક નદીને તો સંકોચને લીધે હૃદયની લાગણી અભિવ્યકત ન કરનારી (મનમાં ભાવે ને મૂંડી હલાવે) અનુરકતા નાયિકા કહીને કાલિદાસે મેઘદૂતનો સેકસીએસ્ટ શ્વ્લોક ફટકાર્યો છે.
                નદીમાં ગેલ કરતી માછલીઓ જાણે વરસાદને આંખથી ‘ઈશારો’ કરે છે. નદીનો પ્રવાહ એના ભીના વસ્ત્રો છે, શ્વેત તટ જાણે એના ઉન્નત નિતંબો છે. ઉત્તેજીત સુંદરી ઢીલાં કરેલા વસ્ત્રોને પુષ્ટ નિતંબ પરથી સરકવા દે છે, પણ એને હાથથી પકડી રાખવાનું નાટક કરે છે. જેનો કમરથી નીચેનો દેહ અનાવૃત હોય, એવી અનુકુળ ઈચ્છાવાળી સ્ત્રીને કામરસનો સ્વાદ ચાખેલો કોણ રસિકજન છોડે? હંઅઅઅ….પરફેકટ ટ્રુથ.
અને બે વોચ જેવી ન્હાતી નખરાળીઓની સિરિયલ્સ કે શાવરબાથના ઉદભવતી સદીઓ પહેલા કાલિદાસે વરસાદમાં સ્નાન કરવા માંગતી યૌવનાઓનું કેવું કાવ્યાત્મક વર્ણન કર્યું છે! ગ્રીષ્મ ઋતુની ગરમીને લીધે અકળાયેલી અપ્સરા જેવી દેવતાઓની સ્ત્રીઓ કૈલાસ ઉપર શિવપૂજન કરવા જાય ત્યારે વાદળોને નિહાળે છે. પોતાના હાથના કંગનમાં જડેલા ધારદાર હીરાથી એ વાદળોમાં છેદ કરીને જળધારામાં સ્નાન કરે છે!
‘મેઘદૂત’ માં યક્ષની સંગિની કૈલાસ યાને હિમાલયમાં આવેલી અલકાનગરીમાં છે. કાલિદાસે અહી પણ નર નારીના ચિત્રો સજીવન કર્યા છે. બરફાચ્છાદિત ધવલ કૈલાસપુરૂષના ખોળામાં ગંગાનદીરૂપી રેશમી વસ્ત્ર પહેરેલી અલકા બેઠી છે. અલકાનગરીના મહેલો પર ગોરંભાતા વાદળો એનો અંબોડો, અને એમાંથી વરસતો ‘સ્નોફોલ’ એના વાળમાં ગૂંથેલા મોતીની સેર છે! આ અલકાનગરીની મણિજડિત અગાસીઓમાં પુરૂષો રૂપાંગના યુવતીઓને પડખે લઈને, એમના હાથથી મદહોશ મદિરા પીને ગમ્મત કરે છે. પ્રિયતમના સ્પર્શસુખથી સર્જાતી ઉત્તેજનાથી સ્ત્રીઓના વસ્ત્રોની ગાંઠ આઆઆપ ઢીલી થઈને સરકી જાય છે. ત્યારે ચપળતાથી કામી પુરૂષ એ વસ્ત્રને દૂર કરી અનેક અંગો પર હાથ ફેરવે છે. અને વારંવાર ચુંબનથી જે કામિનીના હોઠ બિંબફળ જેવા લાલ થયા છે એ અધરરસનું પાન કરે છે! આ જ વખતે બાજુમાં રહેલા તેજસ્વી રત્નોનો ઝગમગાટ નાયિકાના નગ્ન દેહને અજવાળે છે! તેથી એ શરમથી બહાવરી બનીને શણગાર માટે રાખેલા કંકુની મૂઠ્ઠી ભરી, એ રત્નો ઉપર નાખીને તેજ ઓલવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે!
વોટ એન ઈમેજીનેશન! જરા આ પ્રસંગચિત્રનું મનમાં વિઝયુઅલ વિચારો. કોઈ રિમિકસ મ્યુઝિક વિડિયો પણ તેની આગળ પાણી ભરશે! અશ્વ્લીલતા અને ઉન્મત્ત શ્રૃંગાર વચ્ચે જે કરોળિયાના તાર જેવી ભેદરેખા છે, તે આ અદભુત કળાત્મક કલ્પનાશકિત જ છે! કવિએ તો વરસાદ આવે ત્યારે અદ્રશ્ય રીતે તેનો ભેજ દીવાલ પરના ચિત્રો બગાડી નાખે, એ સહજ વૈજ્ઞાનિક ઘટનાના નિરૂપણ પણ ‘જેમ કોઈ કામી નર વ્યભિચારના ઈરાદે લપાતો છૂપાતો આવીને બિલ્લી પગે ભાગી જાય, એમ પ્રવેશતો મેઘ’ એવું લખીને કર્યું છે! યક્ષે સંદેશ પંહોચાડવા માટે મેઘને અલકાનગરી અને પોતાની પ્રિયાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. આ અલકાનગરી કેવી રીતે ઓળખવી?
              જવાબ મળે છે : ‘ચંદ્રકાંત’ નામનો દિવ્યમણિ ચંદ્રના કિરણો જેવો શીતળ ગણાય છે. અલકામાં રાત્રિનો પહેલો પ્રહર મદમસ્ત સમાગમમાં વીતાવ્યા પછી સ્ત્રીઓ થાક અને આસકિતની અગન શમાવવા મઘ્યરાત્રિએ ચંદ્રકાંત મણિનું (કહો કે, આજના એ.સી.નું) સેવન કરે છે. આમ તો આ સ્ત્રીઓ ફૂલ જેવી કોમળ છે. પણ પ્રિયજનના અંગનો સ્પર્શ અમૃત જેવો લાગતો હોઈને શ્વાસ હાંફી જાય, એવું દ્રઢ આલિંગન આપે છે.
નગરીમાં પ્રભાત થાય ત્યારે રસ્તાઓ પર મંદારવૃક્ષના ફૂલો વેરવિખેર પડેલા દેખાય કેમ? કારણ કે, રાતના ‘અભિસારિકા’ યાને પિયુને મળવા જતી શણગારસજ્જ સુંદરીઓ ઉતાવળે ચાલતી હોય છે. ત્યારે તેના કેશમાંથી મંદારના પુષ્પો ખરી જાય છે. માર્ગ પર ઠેરઠેર કાનમાં પહેરેલા સોનાના આભૂષણો પણ વેરાયેલા રહે છે. પીન પયોધરો યાને સુઘટ્ટ સ્તનમંડળ પર અથડાવાથી કંઠમાં લટકતા મોતીહારના દોરા તૂટે છે. અને મોતી છૂટ્ટા પડીને રસ્તા પર દડી ગયા છે! નગરની ચંચળ નારીઓ માત્ર નેણ નચાવીને ધનુષ્યમાંથી છૂટતાં બાણ કરતાં પણ વઘુ ધારદાર તીર છોડી શકે છે. અનંગ (કામદેવ)ની મદદ વિના માત્ર અંગથી જ ધાર્યા નિશાન પાડી શકે છે. આ સ્ત્રીઓના અંગનો સ્પર્શ કરાવી વૃક્ષો ખીલવવાના ઉત્સવો યોજાય છે. યક્ષની સંગિનીએ આવા હેતથી આંગણે એક વૃક્ષ ઉછેર્યું છે. યક્ષના ઘરની નજીક જ એક ‘ક્રીડાશૈલ’ જેવી (લવર્સ પાર્ક?) વાવ છે, જયાં કલકલ વહેતા પાણીના નાદ અને સુગંધી પવનો, હંસ – ભમરાના ગુંજારવ વચ્ચે યુગલો આવીને નિત્ય સહવાસ માણે છે.
‘મેઘદૂત’ના ઈન્ટરવલ પછીના ઉત્તરમેઘમાં અલકાનગરીની આવી ઈરોટિક વિગતો પછી પિયાવિરહણી સ્ત્રીની વિરહવેદનાના લક્ષણો છે. એ ભલે યક્ષની પત્ની છે, પણ પતિ-પત્ની થવાથી જ કંઈ આવું ઉત્કટ સામીપ્ય ન મળે! બંને એકબીજાના પ્રેમમાં મશગુલ પ્રિયતમ-પ્રેયસી છે, લગ્નબંધન ન હોય તો પણ! યક્ષ પોતાની સ્વીટહાર્ટનું વર્ણન કરતાં એ તપાવેલા સુવર્ણ જેવો ગોરો વાન ધરાવે છે, એમ કહે છે. શિયાળામાં હૂફ અને ઊનાળામાં ગરમી આપી એવા સુપુષ્ટ શરીર અને ફૂટડા ગાત્રોવાળીએ નાજુક નમણી નારી બહુ ઊંચી કે બહુ નીચી નથી. ઝીણી કળી જેવા હોઠ, માણેક જેવા ચમકતા દાંત, ગોળ અને ઉંડી નાભિ, અત્યંત પાતળી કમર, ઉંચા વિશાળ ‘કુંભ’ જેવા વક્ષઃ સ્થળ.. જે ઉરોજોના ભારને લીધે કમર સ્હેજ લચી જાય છે અને વળી ઘાટીલા વર્તુળાકાર નિતંબોના વજનને લીધે મલપતી ચાલે ચાલનારી એ સ્ત્રી પદ્મિની છે!
જો કે યક્ષ મેઘને ચેતવે છે કે મારી યાદમાં રડી રડીને એ સૂકાઈ ગઈ હશે. ઓળ્યા વિનાના વિખરાયેલા વાળે એનો ચહેરો ઢાંકી દીધો હશે. બળતા હૈયામાંથી સતત નીકળતા નિસાસાઓએ એના હોઠ ચૂકવીને ઝાંખા કરી નાખ્યા હશે! બહુ ભપકાદાર સજાવટ વિના એ વ્હાલાની યાદમાં વીણા વગાડતી હશે. પણ આંસું વીણાના તાર પર ટપકતાં હોઈને બરાબર સુર નહિ નીકળતા હોય! (કયા બાત હૈ!) ઉંબરા પર ફૂલ મુકીને જુદાઈના દિવસો ગણતી એ પ્રેયસીને આમ તો નીંદર જ નહિ આવતી હોય….
..પણ ઉંઘે તો સ્વપ્ન આવે, અને કમસેકમ સપનામાં તો વિખૂટા પડેલા સાથીનો સમાગમ થાય, એટલે છાતી પર કાલ્પનિક બાહુપાશમાં હાથ બીડીને એ રમણી સુતી હશે. દિવસ તો પસાર થતો હશે, પણ અગાઉ સાથે ગાળેલી રાત્રિઓની મોજ સ્મૃતિરૂપે સતાવીને એની રાત્રિ પર બોજ બનતી હશે. સૂકાયેલી લટો એની કોમળ ત્વચાને ખૂંચતી હશે. મેઘને એને ઓળખવાની નિશાની આપતા યક્ષ કહે છે કે કમરબંધ જેવા આભૂષણોનો ત્યાગ કર્યો હોઈને એની જંઘા (સાથળ) અડવી હશે. પતિનો સંદેશ વાહક વરસાદ નજીક આવતા શુભ શુકન રૂપે ડાબી જાંઘ ફરકશે- જે શય્યાસાથીના નખોડિયા વિનાની કેળાના ગર્ભ જેવી માંસલ અને ઉજળી હશે. રતિક્રીડા પછીનો વિરામ લેવા યક્ષ એ અંગને મૃદુ સ્પર્શથી દબાવી હળવો થતો હોઈને એને એ બરાબર યાદ છે. યક્ષ મેઘને હળવેથી જૂઈના ફૂલો પવનમાં ઉડાડી, ભીનાશની સુગંધ વાળો વરસાદી વાયરો લહેરાવી એને જગાડવા વિનંતી કરે છે. વીજળીના ચમકારાથી એને ડરાવ્યા વિના મેઘે ગર્જનાથી ‘સ્વામી સુહૃદ’ (પતિનો મિત્ર) તરીકે સંદેશો સંભળાવવાનો છે. પિયુના અભાવમાં પ્રિયતમાને એના શબ્દો પણ મિલન જેવા લાગે!
સંદેશો પોતાના ભરથારનો જ છે- એની ખાતરી માટે યક્ષ નિશાની પણ માદકતાથી છલોછલ આપે છેઃ હું કોઈ સામાન્ય વાત પણ બીજાની હાજરીમાં જાણે ગૂઢ રહ્સ્ય હોય એમ એના કાનમાં કહેતો, અને એ બહાને એના હોઠને સ્પર્શી ચુંબન દેતો આ સ્વીટ સિક્રેટ માત્ર યુગલ જ જાણતું. યક્ષના સંદેશામાં વરસાદની રોમેન્ટિક ઋતુ એકલા કેવી રીતે કાઢવી એનો સંતાપ છે. પર્વત પરની કુદરતના એકેએક દ્રશ્યમાં પોતાની પ્રેયસીને શોધવાનો વ્યર્થ તલસાટ છે. નાયિકાના નગરની દિશામાંથી આવતો પવન પણ એના દેહને સ્પર્શીને આવ્યો હોઈને એને ભેટવાનો થનગનાટ છે.
પ્રેમ ભોગવ્યા વિના (સંયમ કે બ્રહ્મચર્ય પાળીને) ખતમ થવાને બદલે વધીને મહાકાય પર્વતરૂપ બને છે, એ વાસ્તવિકતા પર અંગૂલિનિર્દેશ કરીને કાલિદાસ પુનઃ મિલનની આશા સાથે મેઘદૂત પુરૂં કરે છે!
બોલો! વિશ્વસાહિત્યને ઠોકરે ચડાવે એવી પ્રતિભાવાળા કાલિદાસોનું આ છે અસલી રંગીન ભારત! મેઘદૂત જેવી રસિક કૃતિઓ વિઝ્યુઅલ મનોરંજન વિનાના જમાનામાં કલમથી સર્જાઈ, એ તો ધન્ય! પણ વિચારો કે આ ભાતીગળ ભારતના સમાજે એને માણ્યું અને સાચવ્યું! બાકી, આજે અશ્લીલતા અને સંસ્કારોના નામે આજે એની હોળી કરવામાં આવી હોત!

ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો

પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે સઘન અહંકારને લઈને પ્રેમના જગતમાં પ્રવેશ કરે છે તો સ્વાભાવિક છે કે નિષ્ફળ થઈ જાય છે.

રહિમન મૈન તુરંગ ચઢિ, ચલિબો પાવક માહિં| પ્રેમપંથ ઐસો કઠિન, સબ કોઈ નિબહત નાહિં||

પ્રસિદ્ધ કવિ રહિમ કહે છે કે જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ ઘોડા પર બેસી એમાંથી પસાર થાય એવો જ કઠિન પ્રેમપંથ છે, એટલે એને બધા નથી નિભાવી શકતા. રહિમની સાથે આપણે સૌ સંમત થઈશું, કેમકે આપણો અનુભવ પણ એ જ છે. પ્રેમ એ તત્વ છે જેના વિશે વિશ્વમાં સૌથી વધુ રચના થઈ છે. કવિતા, વાર્તા, નવલકથા, ફિલ્મ, ચિત્ર - બધાં પ્રકારનાં સર્જન પ્રેમ ફરતે થયાં છે અને થાય છે. પ્રેમ તમામ સર્જકોને હંમેશાં પ્રેરણા આપતો રહ્યો છે, પરંતુ તમે કદી વિચાર કર્યો છે કે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે જેના માટે દરેક માણસ તરસે છે, પણ બધા એ કરી કે મેળવી શકતા નથી.

એટલે એક યા બીજાં સ્વરૂપે પ્રેમનાં સપનાં જોઈ-બતાવી સંતોષ મેળવી લે છે. પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે અહંકાર સાથે પ્રેમજગતમાં પ્રવેશ કરે છે ત્યારે સ્વાભાવિકપણે જ નિષ્ફળ જાય છે.

પ્રેમને માટે શબ્દપ્રયોગ છે : પ્રેમમાં પડવું - ફોલિંગ ઈન લવ. પ્રેમમાં પડવાનું શા માટે હોય છે? આ સુંદર ઘટનાને પડવાનું લેબલ શા માટે લગાડાય છે? આ અને આવા શબ્દો બુદ્ધિના દ્રષ્ટિકોણથી ઊપસી આવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેમ થાય છે હૃદયમાં અને માણસ જીવે છે મગજથી. શરીરમાં મગજ હોય છે ઉપર અને હૃદય હોય છે નીચે, એટલે કહે છે ‘પડવું’. વળી માનસિક રીતે પણ પ્રેમનો અનુભવ પડવા જેવો જ હોય છે.

કોઈના પર દિલ આવી ગયું હોય તો એવું લાગે છે જાણે કેળાંની છાલ પર પગ લપસીને પડી ગયા. તમારી બુદ્ધિ કહે છે કે તમે તો સમજદાર માણસ હતા, આવી નાદાની ક્યાં કરી બેઠા? પ્રેમની નાદાનીથી બુદ્ધિજીવી માણસ બચીને રહે છે, કેમકે પ્રેમમાં એની સ્વાયત્તતા ખોવાઈ જાય છે, પોતાપણું ખોવાઈ જાય છે. એને લાગે પોતે બીજાનો ગુલામ બની ગયો છે. હવે તમે એ પુરુષ કે સ્ત્રી વગર રહી શકતાં નથી. એ વ્યક્તિ તમારી હવે અનિવાર્યતા બની ગઈ. એના વગર તમને ખૂબ મુશ્કેલી લાગશે, જીવવું વ્યર્થ લાગશે, એકલતા લાગશે, ખાલીપણું અનુભવાશે.

એક અર્થમાં તમને જેને માટે પ્રેમ થયો એ વ્યક્તિ તમારી માલિક બની ગઈ અને કોઈ તમારું માલિક બની જાય એ ‘ઇચ્છનીય’ લાગણી તો નથી જ. આમ, પ્રેમના બધા જ સંબંધો દુ:ખમાં, કલેશમાં લઈ જાય છે. અલબત્ત, આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. એના માટે ‘પ્રેમમાં પડવું’ શબ્દપ્રયોગ વપરાતો નથી. એને આપણે કહીશું, પ્રેમમાં હોવું - બીઈંગ ઈન લવ. એનો સ્વભાવ મૈત્રીનો છે. આ પ્રેમનું વર્ણન કરતાં ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાચો પ્રેમી મંદિરના બે સ્તંભ જેવો હોય છે.

બહુ જ પાસે પણ નહીં, કેમ કે એ બહુ નજીક હોય તો મંદિર પડી જાય. તે જ પ્રમાણે, બહુ દૂર પણ નહીં, કેમકે એ અંતર બહુ વધે તોય મંદિર પડી જાય. સાચા પ્રેમી એકબીજાંથી ન તો બહુ નજીક હોય છે, ન બહુ દૂર. થોડું અંતર વચ્ચે જરૂર રાખે છે, જેથી બન્નેની સ્વતંત્રતા જીવિત રહે અને એકમેકની સીમામાં અકારણ હસ્તક્ષેપ ન થાય.

ઓશોએ પ્રેમનાં ત્રણ સ્તર કહ્યા છે –

પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે.

ઘ્યાન , અમૃત સાધના