શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

'વાંચો' એટલે?

             ચારેબાજુ હમણાં 'વાંચો', 'વાંચો' અને 'વાંચો'નો નારો ચાલી રહ્યો છે. સૂત્રપ્રિયોને એ સૂત્ર ગમી ગયું છે. એ નિમિત્તે નગરે નગરે ભાષણ કરવા ઉત્સુકોને મોકો મળી ગયો છે અને કેટલાક પોતે જ વાંચનવીર છે અને બીજા વાંચતા જ નથી એ ગુરુગ્રંથિ સાથે ગોષ્ઠીઓમાં પડી ગયા છે. પ્રશ્ન એ છે કે 'વાંચો' એટલે શું? કયા પ્રકારનાં પુસ્તકો વાંચવાં જોઇએ? 


         પુસ્તક વાંચી નાખ્યા પછી શું? કોરું વાંચન પરિણામગામી બની શકે? 'ના' જો ઉત્તર હોય તો પરિણામ માટે શું કરવું પડે? અંદરના બદલાવ માટે કેવા પ્રકારનું વાંચવું જોઇએ? કોઇકે નિર્ધારિત કરી આપેલાં પુસ્તકો? અન્યની રુચિને અનુકૂળ પુસ્તકો? કે પછી પોતાનાં રસ-રુચિ પ્રમાણેનાં, અંદરની અનિવાર્યતા પ્રમાણેનાં પુસ્તકો વાંચવાં જોઇએ? વળી આવાં અભિયાનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતાં હોય? જેલો પૂરતાં હોય? કે કોઇક સંસ્થાના નેજા હેઠળ થોડાક માણસો એકઠા થતાં હોય તો તેમનાં પૂરતાં હોય?

           પ્રશ્નો તો હજી આગળ પણ છે. જે ખરેખર પોતાની જાતને 'વાંચતો'માં લેખે છે એ શું વાંચે છે? કટારો લખવા? દલીલબાજી કરવા? અન્યોને થોડીક ચબરાકીભરી વાતો કરી આંજી નાખવા? શું 'વાંચવું' એવાઓને માટે સિધ્ધિ - પ્રસિધ્ધિ માટે છે? ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમવર્ગમાં પોતાની જાતને સ્થાપવા માટે? સાથે એ પણ પ્રશ્ન છે કે સાવ ઓછું વાંચનાર, નહિવત્ વાંચનાર કેટલાક ઉત્તમ પુરુષો જોવા મળે છે એ વિશે કયો ખુલાસો? વાંચે તે જ શ્રેષ્ઠ? કે વિચારે તે શ્રેષ્ઠ? બીજી તરફ ઘણું ઘણું વાંચીને બેઠેલાં હોય છતાં તેમની બદમાશીનો આંક કાઢવા બેસીએ તો ઘણો ઊંચો જાય એવાઓ માટે વાંચન વિફળ કેમ રહ્યું? આ અને આવા સંખ્યાતીત પ્રશ્નો વાંચવા વિશે કરી શકાય. આ સર્વ પ્રશ્નોના ઉત્તરો પણ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોવાના. વાંચનનું અભિયાન ચલાવનારાઓ આ બધા પ્રશ્નો નથી જાણતા તેમ નહિ પણ આપણે કહેવું જોઇએ કે આવી ચેતનાગત બાબતોને ગણિત સાથે જોડવા જેવી નથી.

      અને અભિયાન ચલાવવું જ હોય તો જેલોની સાથે મહેલોમાં પણ ચલાવો. અર્થાત્ શ્રેષ્ઠી વર્ગમાં, ઉદ્યોગપતિઓમાં, રાજકારણીઓમાં. જીવન વિશેની નાની સમજની જરૃરિયાત તો ત્યાં છે. જેલની સજા ભોગવનારાઓમાંથી કેટલાક નિર્દોષ હોય છે, કેટલાક પશ્ચાત્તાપના પાવન ઝરણામાં ઝબકોળાતા રહ્યા હોય છે પણ પેલો રાજકારણી, ઉદ્યોગપતિ કે મહેલમાં રહેનાર તો ખોટું કૃત્ય કર્યા પછી લજ્જા અનુભવતો નથી, પ્રજાની આંખે સદા પાટા જ બાંધતો રહે છે. વાચન જો માનવીમાં પરિવર્તન લાવી શકતું હોય એ માનતી હોઇએ તો 'વાંચન કે વાંચો'નું અભિયાન ત્યાંથી શરૃ કરવા જેવું છે. વાચન માણસને વિનયી, વિવેકી, શાણો અને સત્યપ્રિય બનાવે એ નેમ હોવી જોઇએ. અન્યથા ગમે તેવું વાંચન માણસને વધુ દુષ્ટ બનાવી રહે એનાં દ્રષ્ટાંતો આજના સમાજમાં બહુ દૂર ખોળવા જવું પડે તેમ નથી. વાક્વીરોની કમી નથી. સત્યને અસત્યમાં અને અસત્યને સત્યમાં ખપાવી દેનારા આપણી આસપાસ નિરંતર કસરતો કરતા હોય છે. પ્રજાના એક વર્ગનો તેવાઓને ટેકો પણ સમયે સમયે મળી રહેતો હોય છે.


           હકીકત તો એ બનવી જોઇએ કે વાંચવું એ માત્ર વાંચવું ન બનવું જોઇએ. એ નિમિત્તે આપણે ચારે તરફનું સાફસૂથરું જોતા થવું જોઇએ. વસ્તુના મર્મ સુધી પહોંચવું જોઇએ. નીતિ, ધર્મ કે સત્ય આખરે શું છે? સંસ્કાર- વિનય- સંસ્કૃતિ- પ્રેમ વગેરે શું છે? એ સર્વ વાંચનમાંથી પામતા જવાનું છે અને પામીને તે પ્રમાણે આપણા ભીતરને પણ પરિવર્તિત કરતા રહેવાનું છે. વાંચવું એટલે વિશ્વને અને એની ઘટનાઓને અંદર પ્રવેશ કરાવવો, તેના સારાસાર વિશે વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી. અને ત્રીજે તબક્કે એવી સમજ જ પછી આપણું વ્યક્તિત્વ કે અસ્તિત્વ બની રહે. કહો કે એક દીક્ષિત-શિક્ષિત વ્યક્તિ. જે પોતાને અને અન્યને પણ સમજવા સતત પ્રયત્નશીલ રહે. એવું નિરામયી વ્યક્તિત્વ અન્યોથી જુદું પડી જાય. વાંચનશીલતા એ છેવટે સંસ્કારશીલતાનો ને એમ માનવતાનો પર્યાય બની રહે એ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઇએ.


           ઉપર ઉપર વરખ લગાડવાથી કશું દળદળ ફીટાતું નથી. ઘણું વાંચીને ગમાર રહેનારા છે. સાચી વાત તો એ છે કે આપણી ચોમેર વાતાવરણ જ એવું વિધાયકરૃપે રચાતું આવે કે માણસને વાંચવાનું મન થાય, વાંચીને વિચારવાનું મન થાય, વિચારીને તેનો અમલ કરવા સંકલ્પબધ્ધ બને. આપણે ત્યાં તો પરિસ્થિતિ જ સાવ અવળી છે. મૂલ્યોનાં બધાં જ પ્રકારનાં ધોવાણોની જ્યાં હોડ બકાતી હોય ત્યાં આવો સૂત્રપ્રેમ કેટલો કારગત નીવડે? અને સૂત્ર પણ કઇ વ્યક્તિના હૈયામાંથી જન્મ્યું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે ને?
- પ્રવીણ દરજી ( ક્ષણ-ક્ષણાર્ધ, ગુજરાત સમાચાર ,૧૭/૮/૨૦૧૦ )

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન, 
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન. 
-  નિદા ફાઝલી
એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!
બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.
સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું - ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.
સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.
જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.
સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું ઈન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.
એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.
સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.
માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.
સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.
સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી ચિંતનની પળે પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે. એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને? તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.
દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા, ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે. ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
છેલ્લો સીન
મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

લિંકનના સુવિચારો


- જીવનભર કાંટા દૂર કરીને, જ્યાં પણ ફૂલ ઊગી શકે તેમ હોય ત્યાં તે છોડ વાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.
- હું કોઈનો ગુલામ થવાનું પસંદ ન કરતો હોઉં તો મારે કોઈના માલિક થવાનું પસંદ ન કરવું જોઈએ.

- જો શાંતિ ચાહતા હો તો લોકપ્રિયતાથી દૂર રહો.

- પગ મૂકતી વખતે યોગ્ય જગ્યાએ મૂકો છો કે નહીં તેની ખાતરી કરો. પછી મક્કમ થઈને ઊભા રહો.

- કોર્ટ કજિયા નિવારવાનો પ્રયત્ન કરો. પાડોશીઓ વચ્ચે સુલેહ કરાવવાનું પસંદ કરો. વકીલોએ સુલેહ કરાવીને શાંતિ સ્થાપવાનું કામ કરવું જોઈએ. તોપણ એમની વકીલાત સારી રીતે ચાલશે.

- ચારિત્ર્ય વૃક્ષ જેવું છે. પ્રતિષ્ઠા એનો પડછાયો છે. છતાં આપણે પડછાયાનો જ વિચાર કરીએ છીએ.

- પોલિટિશિયનો (રાજકારણીઓ) ધારે છે એ કરતાં લોકો સત્યની વધુ નજીક હોય છે.

- જ્યારે કોઈને હું મારો મિત્ર બનાવું ત્યારે હું શું એક શત્રુનો નાશ નથી કરતો?

- એવા નિશ્ચય સાથે આપણે ખડા છીએ કે લોકોની, લોકો દ્વારા ચાલતી, લોકો માટેની આ સરકારનું આ રાષ્ટ્ર ધરતી ઉપરથી નાશ ન પામે. (વિશ્વવિખ્યાત ગેટિસબર્ગના પ્રવચનમાંથી)

- અમેરિકા જો પોતે પોતાનો વિનાશ નહીં કરે તો બહારની કોઈ શક્તિ તેનો નાશ નહીં કરી શકે.



ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

વોરન બફેટની કીમતી સલાહ




હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
          વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

          આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

          વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

          વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

          ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે.


- દેવેન્દ્ર પટેલ (રેડ રોઝ) 11/12/2011