શનિવાર, 7 જુલાઈ, 2012

wall paper 15




પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

– અનિલ જોષી


રવિવાર, 20 મે, 2012

ઝિંગ થિંગ !

ઝિંગ થિંગ !
કૂટ, ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ, ફાગ
હોત સયાને બાવરે, નવ કોર ચિત્ત લાગ !
 
લોકસાહિત્યનો આ અદ્ભુત દૂહો કરે છે કે નવ બાબતો એવી છે જે આવે ત્યારે ભલભલા ડાહ્યા માણસો પાગલ થઇ જાય. ઝેર, ગુસ્સો, નવજાત બાળક, સૌંદર્ય દેખાડતો અરીસો, પ્રેયસી, વ્હાલું આપ્તજન, રાતનો અંધકાર, દુઃખ અને વાસંતી ફાગણનો ખુમાર !

જય વસાવડા અનાવૃત ૧૧/૩/૨૦૦૯

ગુરુવાર, 3 મે, 2012

ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ




કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

- ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ... નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું? કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારે 'કોમ્પ્રોમાઈઝ' કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું? માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું નેપણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસ 'માય ડે' ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિને 'માય ડે' ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસ 'માય ડે' છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હું 'માય ડે' ને શા માટે બગાડું?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાં 'માય ડે' કયો છે? આપણે દુનિયાભરના 'ડે' ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈ 'ડે' નથી હોતો એટલે એ 'બર્થ ડે'ને 'માય ડે' માની લેતો હોય છે. 'બર્થ ડે' એ આપણા જન્મનો દિવસ છે અને 'માય ડે' એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ... આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજ 'માય ડે' લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું

આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો? કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમે 'માય ડે' ઊજવવાનું શરૂ કરો છો?
 
છેલ્લો સીન
પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
- હેલી બર્ટન
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   29/4/2012

wall paper 14


શુક્રવાર, 20 એપ્રિલ, 2012

ગુરુવાર, 12 એપ્રિલ, 2012

ડિવાઇડર પરનો છોડ

 ડિવાઇડર પરનો છોડ

વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?
હું રોડ વચાળે ઊભેલા ડિવાઇડર પરનો છોડ.

મનેય થાતું, પંખી આવે,
ખૂબ ટહુકે, માળો બાંધે,
જરા ગોઠવી તણખલાઓ
મારી અંદર કશુક સાંધે;
(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

ચરણ ચાલવા, જીભ બોલવા,
ક્યા છે કોઈ દિલાસો?
કંટાળું તોય માણસ માફક
ખાઈ શકું ના ફાંસો;
તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પુરા થાશે કોડ?

- અનિલ ચાવડા

આપણા બધા ના જીવન ની મનોહસ્થિતિ  ડિવાઈડર પરના છોડ જેવીજ હોય છે. ડિવાઈડર એટલે એક એવી રેખા જે બે ભાગ પાડે છે કે જેના વડે બે ભાગ માં રસ્તો વિભાજીત થાય છે.આપણે પણ એવીજ રેખા પર ઉભેલા વિકાસ પામવાની મહત્વાકાંક્ષા સેવતા એક છોડ જ છીએ.

કવિશ્રી અનીલ ચાવડા એ  જીવન ના મેનજમેન્ટ ને પૂરે પૂરું પોતાની રચના માં સમાવાનો સફર પ્રયાસ કરેલ છે.દરેક માનવી ને અમુક કોડ હોયજ છે,કોડ ઈચ્છા એ જ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું પીઠબળ પૂરું પડે છે. મારા મતે તો જરૂરિયાત પણ ઈચ્છાનું જ એક સંતાન છે, તેથી ઈચ્છા કોડ એજ આવિષ્કાર ની જનની છે.

આપણા દરેકને પણ છોડની જેમ વૃક્ષ બની ને ખીલવાનું,વૃદ્ધિ પામવાની, પ્રગતી કરવાની, ઉચા આકાશે આંબવાની એક છુપી ઈચ્છા હર હંમેશ ધબકતી રહેતી હોય છે.

હા, ઈચ્છા છે વૃદ્ધિ કરવાની, પ્રગતી કરવાની, પરંતુ પોતાના એક માટે નહિ. કવિ કેવા સરસ શબ્દો દ્વારા એ ઈચ્છા રજુ કરે છે. " મનેય થાતું, પંખી આવે, ખૂબ ટહુકે, માળો બાંધે, "  મારી વૃદ્ધિ, પ્રગતી, જોયને કોય આવે, મારામાં માળો બાંધે રહે ખુબ ટહુકે આંનદ કરે કિલ્લોર કરે પોતે પણ પ્રગતી કરે.આગળ કવિ બહુજ સરસ વાત મુકે છે."જરા ગોઠવી તણખલાઓ  મારી અંદર કશુક સાંધે;"  તેમના જીવન માંથી પણ હું કંઈક શીખી મારા જીવન માં કઈ ખામી હોય, તો તેને ભરવા પ્રયત્ન કરું, સાંધુ તેની પાસેથી મેળવું(પણ).

ભગવદ્ગોમંડળ માં "પણ" નો એક અર્થ ઇંદ્રનો એ નામનો એક શત્રુ. આપણા જીવનમાં "પણ" વિષે એવુજ છે. શત્રુ ને જેમ ક્યારે આવીને ઉભો રહી જાય તેથીજ કવિ તેની ખાસ કૌશમાં મુક્યો છે."(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,"  ગીતામાં જેમ આર્જુનો રથ ભગવાને બને સેનાની વચ્ચે રાખેલ તેમ આપણે પણ  એક વિભાજન રેખા પર ઉભા છીએ, માનીલીધેલા સત્ય અસત્યની ,માનીલીધેલા ધર્મ અધર્મની ,પણ કવિ તો કહે છે કે પહેરેદાર બની ઉભો છે બંને બાજુ નો રોડ આજ કાલ જેટલું અસત્ય અને અધર્મ ધાતક છે તેટલું જ માની લીધેલ સત્ય અને ધર્મ ધાતક છે. બંને બાજુ થી પહેરેદારો ઉભા કરી દેવામાં આવે છે.

રચના માં આગળ કવિ માણસની વ્યથા વર્ણવે છે."ચરણ ચાલવા, જીભ બોલવા, ક્યા છે કોઈ દિલાસો ?" માણસ પાસે ચાલવા ચરણ છે, બોલવા જીભ છે. પરંતુ પોતાની સ્વતંત્રતા ક્યાં છે. આપણે પણ છોડ ની જેમ લાચાર છીએ. આગળ કવિ એ માણસ ઉપર જોરદાર વ્યંગ કર્યો છે. "કંટાળું તોય માણસ માફક  ખાઈ શકું ના ફાંસો;"  આત્મા હત્યા એ સોથી શરમ જનક બાબત છે. દુ;ખ અને કંટાળો તો દરેક જીવને આવતો હોય છે. પરંતુ માણસ  એકજ એવો જીવ છે. કે જે આત્મહત્યા કરે છે કે તેના વિશે વિચારે છે. કોય પણ સમસ્યાનું આત્મહત્યા કોઈ ઉપાય ના હોય શકે.આત્મહત્યાતો કાયર માણસનું કામ છે. કવિ આ બાબત માં જોરદાર ચાબખા મારે છે.આથી જ કવિ આગળ કહે છે. "તુટક તુટક જીવતર એમાં લાખો છે તડજોડ;"  આ જીવન તૂટક તૂટક છે ક્યાંક દુ;ખ નો ખારોધુધ દરિયો વહે છે તો ક્યાંક સુખ ની સરવાણી વહે છે.

બહુ સુંદર રચના કવિશ્રી અનીલ ચાવડા ને લાખ લાખ અભિનંદન .

 કવિશ્રી અનીલ ચાવડા ની કવિતા નો આસ્વાદ 
પ્રથમ પ્રયત્ન  

મંગળવાર, 10 એપ્રિલ, 2012

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો


મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશીર બદ્ર

          સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

          આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

         એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

          પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની - નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

          પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

          એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

          માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક - બે વખત કે પાંચ - દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

         પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ટેકન ફોર ગ્રાન્ટેડલેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

          માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા - અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

         લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?
 
છેલ્લો સીન :
આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
-જ્યોર્જ એલિયટ 
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ  9/4/2012

રવિવાર, 1 એપ્રિલ, 2012

ઓ રામજી! બડા સુખ દીના …..

‘‘પ્રાચીન ભારતની બે મહાગાથાઓ ‘રામાયણ’ અને ‘મહાભારત’નો કદાચ સેંકડો વર્ષો સુધી આકાર ઘડાતો રહ્યો છે. તેમાં અનેક સુધારા – વધારા પણ થતા રહ્યા છે. એનો સંબંધ ભારતીય આર્યોના ઉષાકાળ સાથે છે. હું એવા બીજા કોઈ પુસ્તકોને જાણતો નથી, જેની જનમાનસ પર સતત આટલી ઉંડી અસર રહી હોય – સિવાય કે આ બે મહાગ્રંથ. કોઈ અજાણ્યા દૂરના ભૂતકાળમાં રચાયા હોવા છતાં એ ભારતીય પ્રજાના જીવનનો ધબકાર છે. એનો મૂળ સંસ્કૃત પાઠ તો મુઠ્ઠીભર પંડિતો સિવાય કોઈ જાણતું નથી, પણ એના મુકત અનુવાદો અને એમાંથી પ્રેરિત કૃતિઓથી દંતકથાઓ અને પરંપરાઓ એવી ફેલાઈ છે કે લોકજીવનના વસ્ત્રનું વણાટ બની ગઈ છે.

એની સાંસ્કૃતિક વિકાસની અસર મહાસમર્થ વિદ્વાનથી સાવ અભણ ગામડિયા સુધી છે. કદાચ એમાં (રામાયણ – મહાભારતમાં) ભારતની આટલી વિભાજીત, વૈવિઘ્યપૂર્ણ અને જ્ઞાતિના સ્તરમાં વહેંચાયેલી પ્રજા એક કેમ છે, એનું રહસ્ય છે. એણે પ્રજાને એક વીરનાયકોના વ્યકિતત્વ અને નૈતિક જીવનની સર્વમાન્ય પશ્ચાદભૂમિ (બેકગ્રાઉન્ડ) આપી છે. મારા બચપણની જૂનામાં જૂની યાદો આ મહાકાવ્યોની વાર્તાઓ મારી મા કહેતી, એમાં સચવાયેલી છે. જેવી રીતે યુરોપ – અમેરિકાના બાળકોને પરીકથાઓ અને સાહસકથાઓ યાદ રહેતી હોય છે.

હું માનતો નથી કે આ વાર્તાઓના વાસ્તવિકતામાં સાચી હોય એ વાતને બહુ મહત્વ આપી હું એની સાથે જોડાયો હોઉં. એમાંના ઘણા જાદૂઈ અને અંધશ્રઘ્ધાપૂર્ણ તત્વો સાથે હું સંમત પણ નથી. પણ એ મારા કલ્પનાવિશ્વમાં મને સાચી લાગે છે. મારા મનમાં (પશ્ચિમના ઘણા સાહિત્યની) અવનવી અસરો છતાં ભારતીય મિથક (માયથોલોજી – પ્રાચીન માન્યતાઓ / સાહિત્ય / પુરાણકથાઓ) ની આવી અમીટ છાપ હોય, તો હું અનુભવી શકું છું કે ખાસ કરીને અશિક્ષિત લોકોના મનમાં આ પ્રાચીન મિથકની કેવી અસર હશે! આ અસર નૈતિક અને સાંસ્કૃતિક (મોરલી એન્ડ કલ્ચરલી) બંને રીતે સારી છે, અને આ કથાઓના સૌંદર્ય કે કલ્પનાશીલ પ્રતીકોનો નાશ કરવાનું કે ફગાવી દેવાનું હું ધિક્કારું છું!’’
(જવાહરલાલ નહેરૂ. સોનિયા ગાંધીના દાદાસસરાના પ્રત્યેક ભારતીયે વાંચવા જેવા પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ના ચોથા પ્રકરણના બારમા ખંડમાં, ૧૯૪૪)
*
‘‘સામાન્ય રીતે કાવ્યના બે વિભાગ પાડી શકાય. કોઈ કાવ્ય એકલા કવિની કથા હોય છે, જયારે કોઈ જનસમૂહની કથા હોય છે…. બીજા પ્રકારના કવિ એવા હોય છે, જેમની રચના દ્વિરા એક સમગ્ર દેશ, એક સમગ્ર યુગ પોતાના હૃદયને, પોતાની અનુભૂતિને વ્યકત કરી તેને મનુષ્યમાત્રની ચિરંતન મિલકત બનાવી દે છે આ બીજા પ્રકારના કવિ મહાકવિ કહેવાય છે. સમગ્ર દેશ વા સમગ્ર જાતિની સરસ્વતી એમના દ્વારા પ્રગટ થાય છે…. રામાયણ – મહાભારત તો જાણે જાહનવી અને હિમાચલની માફક ભારતના જ છે. વ્યાસ અને વાલ્મિકિ તો નિમિત્તમાત્ર છે. વસ્તુતઃ વ્યાસ અને વાલ્મીકિ તો કોઈના નામ નહોતા એ તો નામની ખાતર રાખેલા નામ છે… કવિ પોતાના જ કાવ્યના અંતરાલમાં એટલો બધો લુપ્ત થઈ ગયો છે.

આઘુનિક કોઈ કાવ્યમાં આટલી વ્યાપકતા જણાતી નથી… ભાષાનું ગાંભીર્ય, છંદનું મહાત્મય અને રસની ગંભીરતા ગમે તેટલા હોય, તથાપિ તે દેશનું ધન નથી, પુસ્તકાલયનું ભૂષણ માત્ર છે… ભારતની ધારાએ પણ બે મહાકાવ્યમાં પોતાની કથા અને સંગીતને સંઘર્યા છે… હું એટલું તો નક્કી કહી શકું કે ભારતવર્ષે રામાયણ – મહાભારતમાં પોતાનું કંઈ પ્રગટ કરવું બાકી રાખ્યું નથી. અને તેથી જ સૈકા પર સૈકા વહી ગયા છે. છતાં રામાયણ – મહાભારતનો સ્ત્રોત ભારતવર્ષમાં લેશમાત્ર પણ ક્ષીણ થતો નથી. ગાંધીની દુકાનની માંડીને રાજાના પ્રાસાદ (મહેલ) પર્યંત સર્વત્ર તેમને સરખું સન્માન મળે છે. ધન્ય છે તે કવિ યુગલને (વ્યાસ – વાલ્મીકિ) જેમની વાણી સો સો પ્રાચીન શતાબ્દીનો કાંપ સતત લઈ આવી ભારતવર્ષની ચિત્તભૂમિને આજ પણ ફળદ્રુપ કરે છે.

આ જોતાં, રામાયણ – મહાભારતને કેવળ મહાકાવ્ય કહે ચાલશે નહિ. તેઓ ઈતિહાસ પણ છે. ઘટનાઓનો ઈતિહાસ નહિ. કારણ કે, તેવો ઈતિહાસ તો અમુક સમયને અવલંબીને હોય છે. રામાયણ – મહાભારત તો ભારતવર્ષનો ચિરકાલનો ઈતિહાસ છે. અન્ય ઈતિહાસો કાળે કાળે બદલાયા છે. પણ આ ઈતિહાસ બદલાયો નથી… આ જ કારણથી રામાયણ – મહાભારતની સમીક્ષા અન્ય કાવ્યની સમીક્ષાથી ભિન્ન ધોરણે કરવી જોઈએ.

આદિકાંડના પ્રથમ સર્ગમાં વાલ્મીકિએ પોતાના કાવ્યને યોગ્ય નાયક કેવો હોવો જોઈએ એ નક્કી કરી, અનેક ગુણોનો ઉલ્લેખ કરી નારદને પૂછયું કે ‘કયા એક જ નરમાં સમગ્ર ગુણોની લક્ષ્મી મૂર્તિમંત થઈ છે? ત્યારે નારદે કહ્યું ‘એવો ગુણયુકત પુરૂષ તો દેવતાઓમાં પણ હું દેખતો નથી. પણ જે નરચંદ્રમામાં એ સઘળા ગુણો છે, તેની કથા સાંભળો’ રામાયણ તે નરચંદ્રમાની કથા છે… મનુષ્ય જ પોતાના ગુણે કરીને દેવતા થયો છે. મનુષ્યનો જ અંતિમ આદર્શ સ્થાપવા માટે ભારતના કવિએ મહાકાવ્ય રચ્યું છે… રામાયણની ખાસ ખૂબી એ છે કે તેણે એક ગૃહસ્થીને જ અત્યંત મોટી કરી બતાવી છે… આવા પ્રકારના વ્યકિત – વ્યકિત પરત્વેના અને મુખ્યત્વે કરીને ગૃહસંબંધો કોઈ પણ દેશના મહાકાવ્યમાં વર્ણનને યોગ્ય વિષય મનાયા નથી. આથી કેવળ કવિનો નહિ, પણ ભારતવર્ષનો પરિચય થાય છે. ગૃહ અને ગૃહધર્મ એ ભારતવર્ષને કેવા મહત્વના છે, એ આ વાત પરથી સમજાશે. આપણા દેશમાં ગૃહસ્થાશ્રમને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું.

હું માત્ર આટલી જ વાત જણાવવા માંગુ છું કે વાલ્મીકિના રામચરિત્રની કથાને વાચકવર્ગે કેવળ કવિનું કાવ્ય માનવું નહિ, તેને ભારતવર્ષનું રામાયણ સમજવું… એટલું સ્મરણમાં રાખવાનું છે કે, કોઈ ઐતિહાસિક ગૌરવવાર્તા નહિ, પણ પરિપૂર્ણ મનુષ્યનું આદર્શ ચરિત્ર સૂણવાની ભારતવર્ષે આકાંક્ષા કરી હતી… ભારતવાસીને રામ, લક્ષ્મણ, સીતા જેટલા સત્ય લાગે છે, તેટલા તેના ઘરના માણસો પણ તેને સત્ય લાગતા નથી.’’
(રવિન્દ્રનાથ ટાગોર, ‘રામાયણના પાત્રોની સમાલોચના’ ગ્રંથની પ્રસ્તાવનામાંથી, ૧૯૦૩)
*
‘‘રામઘૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતા રામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ?… રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલા છે. જેટલા ઊંડા જાઓ તેટલા વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરના અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યકિતઓ માને છે વળી તે લોકો માને છે કે દશરથના પુત્રરૂપે ઈશ્વર પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુકિત મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા છે કે તેમને છૂટાં પાડવા અસંભવિત છે. હું તો બધા નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો, છતાં સર્વશકિતમાન ઈશ્વર જ છે…’’
(મહાત્મા ગાંધીજી, હરિજનબંઘુ, ૧૯૪૬)
*
‘‘મને રામકથા ખૂબ જ ગમે છે. તેમાં લડાઇ છે- જેટલી ભયાનક હોઇ શકે એટલી ભયાનક લડાઇ છે. પણ એ દેશ જીતવાની કે કોઇનું રાજય પડાવી લેવા માટેની લડાઇ નથી. રામકથા એ રાજકથા નથી, સમાજકથા છે. આપણું ઘર એ આપણી અયોઘ્યા છે. રામાયણમાં આવતા બધા જ પાત્રો આપણી આ સંસારકથામાં છે- રામથી રાવણ સુધી, જટાયુથી હનુમાન સુધી, મંથરાથી મંદોદરી સુધી… એટલે રામકથા કોઇ એક ધર્મની નથી. કોઇ એક દેશની નથી, કે કોઇ એક કાળની નથી.’’
(રમણલાલ સોની, મૃત્યુ પૂર્વેના અંતિમ ગ્રંથમાં, ૨૦૦૬)
* * *

રીડર બિરાદર, નેચરલી અહીં જે કંઇ પીરસવામાં આવ્યું છે, એ સિલેકટેડ એડિટેડ વર્ઝન છે! (નહિં તો આપણી આ વાતચીતની જગ્યા જ કયાંથી રહે?) પણ આ એવા શબ્દો છે, જે ઘ્યાનથી વાંચવા- સમજવાથી તાજેતરમાં ચાલતા ઘણાં કન્ફયુઝનનું વાસ્તવિક અને વ્યવહારિક સોલ્યુશન મળી શકે. આ કોઇ તિલકધારી, ખેસધારીની રામ-હનુમાનના નામે થયેલી નારાબાજી નથી. આ વૈચારિક ‘ચક્કાજામ’ છે. મોરારિબાપુ જેવા કોઈ મરમીને મજા પડે તેવો. નગીનદાસ સંઘવી સરીખા કોઇ સંશોધક પંડિત માટેનો !

એકસાથે એટલા બધા મુદ્દાઓ ફૂટી નીકળ્યા છે કે બધાની અંદરોઅંદર ભેળસેળ થઇ ગઇ છે. રામનું ઐતિહાસિક અસ્તિત્વ કે તેનો અભાવ કંઇ ભારતમાં પહેલીવાર ચર્ચામાં આવ્યા છે, એવું નથી. અત્યાર સુધી એ સંશોધકોનો વિષય હતો, અચાનક એ રાજકારણને લીધે કોમનમેનના ખોળામાં આવી પડયો છે. અને આપણે લોકો પોતે મૂળ પ્રાચીન ટેકસ્ટનો નિષ્પક્ષ અભ્યાસ કરવાની ફુરસદ કે દાનત કશું જ ધરાવતાં નથી. માટે રામાયણ / મહાભારત કે વેદ-પુરાણ અંગેની આપણી સમજ પોપ્યુલર બની ગયેલી કહાનીઓ અને એના લેખકો-વકતાઓએ પોતપોતાની રીતે કરેલા સગવડિયા (અને મોટેભાગે સંતુલિત નહીં એવા અહોભાવમંડિત આદર્શવાદી) અર્થઘટનોમાંથી જ આવે છે. એમાં પાસ્ટ વઘુ, પ્રેઝન્ટ ઓછું અને ફયુચર નહિવત હોય છે.

જગતની કોઇપણ સરકાર અદાલતમાં ઇશ્વરના અસ્તિત્વના કેસ ચલાવી શકવાની નથી. જીસસ સન ઓફ ગોડ હોવાના કે મોહમ્મદસાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાના કાનુની પુરાવા કયાં છે? આઘુનિક અમેરિકન ચલણમાં રાષ્ટ્રીય મુદ્રાલેખ છાપવામાં આવે છે : ઇન ગોડ વી ટ્રસ્ટ! (સરખામણીએ ભારતનો મુદ્રાલેખ વઘુ વૈજ્ઞાનિક છેઃ સત્યમેવ જયતે!) ઇંગ્લેન્ડના બ્લુ બેકગ્રાઉન્ડના રાષ્ટ્ર ઘ્વજમાં દેખાતા ત્રણ લાલ ક્રોસ સેન્ટ એન્ડ્રુ, સેન્ટ પેટ્રિક, સેન્ટ જયોર્જના છે! ઇસ્લામિક દેશોમાં તો ‘ફેઇથ’ (શ્રદ્ધા) એ જ ફેકટ (સત્ય) છે!
ગુંચવાડો એ છે કે અસ્તિત્વના સિદ્ધ પ્રમાણો શોધવા હોય તો પણ ખ્રિસ્તી- ઇસ્લામ ધર્મના હજુ પણ મળે છે, કારણ કે એ પ્રમાણમાં નવા છે. હજાર-બે હજાર વર્ષ પહેલાંના ઘણાં અવશેષો પૃથ્વી પર બચ્યા છે. ડિટ્ટો જૈન, બૌદ્ધ ધર્મ. પણ સનાતન (હિન્દુ) ધર્મ આ બધાથી વઘુ જૂનો છે. કાળના પ્રવાહમાં એના ખાસ પુરાવા બચ્યા નથી. વળી, એની મૂળભૂત આદત જ ડોકયુમેન્ટેશન પ્રત્યે ઉદાસીનતાની છે. સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે.

માટે રામ કે કૃષ્ણ, ભારતમાં સાબિતી નહિ, પણ સ્વીકૃતિનો જ વિષય રહ્યો છે. કાકાસાહેબ કાલેલકર કહેતા એમ ભારત માટે આ બે જ ‘રાજા’ છે. બાકીના રાજાઓ પણ એમના સેવક છે! સરદાર પટેલે ભારતના રજવાડાંઓનુ એકીકરણ શરૂ કર્યું ત્યારે ત્રાવણકોરના મહારાજાએ ‘મારૂં રાજય તો ભગવાન પદ્મનાભનું છે, અને હું તો ભરતની જેમ એનો કેરટેકર રખેવાળ છું, એટલે મારાથી જોડાણના દસ્તાવેજ પર સહી કેવી રીતે થાય?’ એવું ગતકડું ચલાવ્યું હતું!

એક ફિલ્મની સ્ટોરી પણ બીજા દિવસે દોસ્તોને સંભળાવો. એમાં બે ચાર વાકયો / પ્રસંગોમાં ફેરફાર થઇ જાય છે. તો હજારો વર્ષો પહેલાં રચાયેલી કોઇ કૃતિમાં કેટલા પરિવર્તનો આવતા જાય! પ્રાચીન ભારતમાં મનગમતા પાત્રોને લઇ પોતપોતાના દ્રષ્ટિકોણથી વાત મૂકવાનો / ટીકા કરવાનો / જાતીયતાનો છોછ નહોતો. (ધાર્મિક લાગણી દુભાવાના પ્રતિબંધો તો અર્વાચીન ભારતની ખાસિયત છે!) માટે કેટલાય પુરાણોમાં એકબીજાથી વિરોધાભાસી લાગે એવી રીતે રામકથા કહેવાઇ છે. (સેમ્પલઃ શિવપુરાણ મુજબ હનુમાન શિવપુત્ર છે). વળી રામકથાના રસને લીધે ભાસથી ભવભૂતિ, કાલિદાસથી ભોજ સુધીના અનેક સમર્થ સંસ્કૃત શબ્દશિલ્પીઓએ એમાં પોતપોતાના રંગો ભેળવીને એની જુદી જુદી ‘રિમેક’ કરી છે. એ ઉપરાંત વળી સમયાંતરે મૂળ રામાયણ કરતા વધુ લોકપ્રિય એવા ‘રામચરિતમાનસ’ની ‘રિ-મેક’ની માફક જેમ જે-તે સ્થળકાળના આગવા (અને એકબીજાથી અલગ) રામાયણો બનતાં ગયા છે.

ભુશંડી રામાયણ, અનંદ રામાયણ, અદ્દભૂત રામાયણ, ચંપૂ રામાયણ, અઘ્યાત્મ રામાયણ જેવા અટપટા રામાયણો રચાયા છે. કોઇમાં હનુમાન રામના ભાઇ છે, કોઇમાં સીતા મંદોદરીની દીકરી છે! જૈન રામાયણોમાં જૂના વાસુદેવ હિન્ડી મુજબ લક્ષ્મણ રાવણને મારે છે. સંખ્યાબંધ જૈન રામાયણોની જેમ અઢળક બૌદ્ધ રામાયણો રચાયા છે. બૌદ્ધ ભિખ્ખુઓના ફેલાવા સાથે એ બધા અગ્નિ એશિયાના ઇન્ડોનેશિયાથી ચીન- જાપાન સુધી પહોંચ્યા. લોકવાર્તાની જેમ એમાં કેટલુંય ફરી ગયું. કોઇમાં રામ-સીતા, ભાઇ-બહેન થઇ ગયા! થાઇલેન્ડ- મ્યાનમારમાં તો રાજાઓના નામ રામ હતાં! થાઈલેન્ડની પૂર્વ રાજધાની જ અયુથયા હતી ને એરપોર્ટ પર જ રામ-રાવણના શિલ્પો કોઈ આસ્તિક ગણાઇ જવાના સ્વદેશી છોછ વિના છે ! ઉપરાંત ભારતના રાજયેરાજયના બેસુમાર રામાયણો છે!

ગુજરાતીઓને કદાચ ખબર પણ નથી કે આવા અડાબીડ જંગલ વચ્ચે શકય એટલું ગાળીચાળી મુળ શુદ્ધ રામાયણ પ્રગટ કરવાનું કામ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીએ ૧૯૫૪માં શરૂ કર્યું, અને દેશ-વિદેશના વિદ્વાનોના વિચારવિમર્શ પછી ૨૪ વર્ષે સંશોધિત આવૃત્તિના ૭ તોસ્તાન ગ્રંથો પ્રગટ થયા હતાં. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ ઓફ બરોડાએ પાંચ હજાર પાનાના સાત કાંડો ફકત અઢીસો રૂપિયામાં વેંચ્યા હોવા છતાં, કોઇ વાંચતુ નથી! હવે એ મળતા ય નથી. (રામપારાયણોમાં કે મંદિરોમાં કરોડો ખર્ચનારા ગુજરાતી ધનકુબેરોએ આવા જ્ઞાનયજ્ઞમાં કાણી કોડીનું ય દાન આપ્યું નહોતું!) બે હજાર જેટલી રામાયણની હસ્તલિખિત પોથીઓમાં ચકાસી ૮૬ અધિકૃત, જૂની પોથીઓ વડોદરા એકઠી કરવામાં આવી હતી. ૪૫ પોથી દેવનાગરીમાં હતી. દુનિયાની સૌથી જૂની હસ્તલિખિત પોથી ઇ.સ. ૧૦૨૦ની કાઠમંડુ (નેપાળ)ની હતી.
એમાંથી જે એકસમાન નીકળે એ જુદુ તારવ્યું, બાકીનાની શૈલી-વ્યાકરણ સાહિત્યિક, સાંયોગિક અને ઐતિહાસિક સંદર્ભમાં ચકાસણી થઇ. અક્ષરેઅક્ષર પર ઝીણવટપૂર્વક કામ કરીને વાલ્મીકી રામાયણનો મુળ પાઠ અને એમાં થયેલા ફેરફારોની નોંધો સહિત આ લગભગ સત્તાવાર રામાયણ પ્રકાશિત થયું છે. એનું મહાત્મ્ય કેવળ ધાર્મિક નથી એ સંસ્કૃત ભાષા, નામ, ક્રિયાપદ, વિશેષણ અને જે તે કાળની અસરોનો પણ દસ્તાવેજ છે. ૨૩૦૦-૨૪૦૦ વર્ષ પહેલાં પાણિનીના ‘અષ્ટાઘ્યાયી’ વ્યાકરણ ગ્રંથમાં વર્ણવાયેલા નિયમો બહારના ‘આર્ષપ્રયોગો’ વાલ્મીકી રામાયણમાં હોઇને એ ઓફિશ્યલી અઢી હજાર વર્ષ કરતાં જૂનું છે. (આ વાત ગ્રંથની છે, રામ જો થયા હોય તો એથી પણ જૂના હોઇ શકે છે!)

પણ આવી શાસ્ત્રીયતાની પિંજણમાં દિમાગ દોડે છે. ભારતીય પ્રજાના દિલમાં તો રામ એટલે વસેલા છે કે એની સૃષ્ટિ માત્ર કાલ્પનિક લાગતી નથી. એમાં એને પોતાના પારિવારિક જીવન, આદર્શ સંસ્કારોની ઝંખના તથા અશુભ પર શુભના વિજયનું ‘આઇડેન્ટીફિકેશન’ થાય છે. આ પ્રક્રિયા કાયદાપોથી કે પ્રયોગશાળાથી સમજાવી શકાય તેમ નથી.

ત્રણ દાયકા પહેલાં આવેલી ‘શોલે’ ફિલ્મનો ગબ્બર જો હયાત હોય એવું ઘરઘરાઉ ચરિત્ર બની જતો હોય, તો રાવણદહન કમસેકમ ત્રીસ દાયકાઓથી દશેરાએ થતું આવે છે! વીસમી સદીમાં સર્જાયેલા મીકી માઉસ કે ડોનાલ્ડ ડકના પાત્રોના ઘર બતાવતા ડિઝનીલેન્ડમાં ટોળા ઉમટતાં હોય તો રામાયણની વાનરસેનાનું બે-ચાર મિલેનિયમથી ‘બ્રાન્ડિંગ’ થતું આવે છે. શેરલોક હોમ્સ કે કેપ્ટન જેક સ્પેરો કે અનારકલી કે અલાઉદ્દીન કે હેરી પોટર કે ટારઝન જેવા પાત્રો ઇતિહાસમાં કયાંય દેખાતા નથી. પણ એવી સરસ રીતે લખાયા કે દર્શાવાયા છે કે એ ખરેખર હયાત હોય એવું માનવા મન લલચાય છે. ક્રિસમસમાં છવાઇ જતાં સાન્તાકલોઝનું કોઇ ઐતિહાસિક તો શું, ધાર્મિક અસ્તિત્વ પણ નથી, છતાં કોર્ટમાં એને પડકારવામાં આવે ત્યારે બાળમાનસની આશા અને શ્રદ્ધાની જીત દર્શાવતી ‘મિરેકલ ઓન થર્ટી ફોર્થ સ્ટ્રીટ’ની ફિલ્મની બબ્બે આવૃત્તિઓ અમેરિકામાં સુપરહિટ થઇ છે!

રામ-કૃષ્ણ નામના ‘લાર્જર ધેન લાઇફ’ વ્યકિતત્વોના જીવનના પ્રસંગોમાં કલ્પનાની રંગોળી પુરીને ગ્રંથો રચાયા હશે? ‘દા વિંચી કોડ’ જેવી નવલકથાની માફક ભાષા-ભૂગોળની વિગતો સાચી અને વાસ્તવિક લાગતા મૂળ પાત્રો અને પ્લોટ કાલ્પનિક એવી રીતે આ મહાકાવ્યો બન્યા હશે? વી ડોન્ટ નો. આ બધી જ કેવળ ભગવાનની વાણી – કહાણી છે અને પરમ સત્ય છે, એવી બેવકૂફીમાં મૂળ વાતના તલસ્પર્શી અભ્યાસ પછી મન માનતું નથી. આ બધી નરી વાહિયાત કવિતા છે, એવું એની અસર અને જે તે કાળની સાપેક્ષે સાહિત્યની અજોડ ગુણવત્તા જોતાં કહી શકાતું નથી!

જર્મનીમાં દેવની જેમ પૂજાતા કવિ ગૂથે (ગટે)ને વિવેચકોએ કહ્યું કે વાંચવામાં બહુ પ્રેરક, મનોરંજક, સુંદર લાગે એવી રોમન કથાઓ (ટાઈટન,વીનસ, હરકયુલીસ વગેરે) ખરેખર શંકાસ્પદ રીતે જૂઠી છે – ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’
કોઇ શક?

જય રામજી કી! રામ રામ ત્યારે…


ફાસ્ટ ફોરવર્ડ
 યાવત્‌ સ્થાસ્યંતિ ગીરયઃ સરિતઃ ચ મહિતલે
તાવત્‌ રામાયણકથા લોકેષુ પ્રચરિષ્યતિ
(વાલ્મીકિ રામાયણ, બાલકાંડઃ સર્ગ-૨, શ્વ્લોક ૩૬-૩૭)

ભાવાર્થ: ધરતી પર પહાડો અને નદીઓ રહેશે ત્યાં સુધી લોકોમાં રામાયણની કથા ફેલાતી જ રહેશે.

  - જય વસાવડા (સ્પેકટ્રોમીટર)

ગુરુવાર, 29 માર્ચ, 2012

સોમવાર, 12 માર્ચ, 2012

માનવને માનવ સાથે જોડતી સુવર્ણ કડી પુસ્તક વાંચન

યુરોપ-અમેરિકામાં લાઇબ્રેરીઓ તેમજ અમુક પુસ્તક ભંડારો બંધ થવા માંડ્યા છે. અમેરિકામાં વાંચન સતત ઓછું થઇ રહ્યું છે. ‘બોર્ડર’ બુક સ્ટોરના અમેરિકામાં ૧૨૪૯ બુક સ્ટોર હતા. તેણે ૧.૨૯૩ અબજ ડોલરનું દેવાળું કાઢયું છે.

ફૂલ જ્યારે ખીલતું હોય ત્યારે ફૂલના છોડને કોઇ કહે કે તેની પાંદડી આવડી જ લાંબી-પહોળી હોવી જોઇએ? તેનો રંગ આવો જ હોવો જોઇએ? અને એ ફૂલની સુગંધ માત્ર બગીચાના માલિકને જ આવવી જોઇએ? જો આવો હુકમ થાય તો એ ફૂલ બરાબર વિકસી શકે? ખીલી શકે? એ રીતે તમે જ્યારે કોઇ વ્યક્તિને અને ખાસ તો તમારા બાળકોને તમારા જમાના પ્રમાણે વિચારવાનું કહો ત્યારે બાળકોનો વિકાસ રુંધાઇને અટકે છે.

અમેરિકામાં રાલ્ફ મેકસવેલ લૂઇસ નામના એક કર્મગુરુ થઇ ગયા. તેમણે પોતાનું તખલ્લુસ ‘વાલીડીવાર’ રાખેલું કારણ કે તેમાં તે ક્રાંતિકારી વિચારો રજૂ કરતા. ઉપદેશકો, પાદરીઓ, દાઢીવાળાઓ અને ભારતમાં ઘણા પોતાને વિદ્વાન માનતા બાપુઓને આ વિદ્વાને માનવીની સ્વતંત્ર વિચારશક્તિને ગૂંગળાવતા જોયા. તેમણે ‘વ્હીસ્પરિંગ ઓફ સેલ્ફ’ નામનું સુંદર પુસ્તક લખેલું તેની લાખો નકલો વેચાઇ. તે કહેતા કે:

He who interrupts my thoughts and impose theirs, they interrupt my life.

સાદી ભાષામાં વાલીડીવાર કહેતા કે ‘મારા વિચારોને ન રુંધો. એમ કરવા જતાં તમે મારું જીવન રુંધશો. ખાસ કરીને તમે બાળકોની ઉપર તમારા વિચારો ન લાદો.’ તેઓ વાંચનને બહુ મહત્વ આપતા. તેના કેટલાક સૂત્રો લેખને અંતે આપીશ, પણ આપણે દિવાળી અને નવા વર્ષે આજે જે એક મોટો જબ્બર વેડફાટ કરીએ છીએ તેના તરફ ધ્યાન દોરું છું.

મારા ઝાંઝમેર ગામે મારા પિતા શિક્ષક અને ગ્રામપંચાયતના સંચાલક હતા. દર નવા વર્ષે ખેતીની મજૂરી કરીને કમાતી રૂડીબાઇ અમારા ઘરે સુખડી (ગોળપાપડી) બનાવીને લાવતી અને પિતાને તેમ જ અમને ખવડાવતી. ભારતના ગામડામાં અષાઢ-શ્રાવણ મહિનામાં શું થતું? ખેતરોમાં વાવણી થઇ જાય. થોડું ભણેલા ખેડૂતો નવરા થઇ જાય એટલે અમારી ગ્રામ પંચાયતની લાઇબ્રેરીમાં વાર્તાના પુસ્તકો વાંચવા લઇ જાય.

૯ વર્ષની વયે હું પંચાયતની લાઇબ્રેરીનો બાળ લાઇબ્રેરિયન હતો. ખેડૂતોને ટૂંકી વાર્તા કે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો આપતો. પુસ્તકો વાંચવાથી કલ્પનાશક્તિ ખીલે છે અને તમને વાચકને બદલે લેખક થવાનું પણ મન થાય છે. ત્યારે ગામડામાં ઉષ્માભર્યો જનસંપર્ક હતો. દિવાળી કે બેસતા વર્ષે આજે R ૧૦૦૦ થી ૧૦,૦૦૦ના મોંઘાદાટ ફેશનેબલ નૂતનવર્ષભિનંદન કાર્ડ ખરીદીને યંત્રવત્ મોટા લિસ્ટ પ્રમાણે પોસ્ટ કરીએ છીએ.

અગર તો ટેલિફોનથી યંત્રવત્ ‘હેપ્પી ન્યુ યર’ કે હેપ્પી દિવાળીનું ઉષ્માહીન અને કોઇ વ્યક્તિગત સંપર્ક વગરનું અભિવાદન પતાવી દઇએ છીએ. આજે માનવનો માનવ સાથેનો સંસ્પર્શ છૂટી ગયો છે. બાળકો કમ્પ્યૂટરને વળગ્યાં છે. ભાગ્યે જ કોઇ વાંચે છે પણ તેના હાથમાં પુસ્તક પકડાવી દો તો તે જરૂર વાંચે છે. આજે નાના શું થયું છે. ૨૧મી સદીના બાળકોએ, મોટા સૌએ પુસ્તકો વાંચવાનું છોડી દીધું છે. યુરોપ-અમેરિકામાં લાઇબ્રેરીઓ તેમજ અમુક પુસ્તક ભંડારો બંધ થવા માંડ્યા છે.

તમે જો અમેરિકા જતા હો તો ત્યાં ‘બોર્ડર્સ’ ગ્રૂપના ઠેર ઠેર પુસ્તક ભંડારો હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેના પુસ્તકો કોઇ ખરીદતું નહોતું. અમેરિકામાં વાંચન સતત ઓછું થઇ રહ્યું છે. ‘બોર્ડર’ બુક સ્ટોરના અમેરિકામાં ૧૨૪૯ બુક સ્ટોર હતા. બોર્ડર બુક સ્ટોર હું ન્યુયોર્ક જાઉં ત્યારે મારે માટે યાત્રાધામ જેવું હતું. ત્યાંના કોફી શોપમાં બેસો, પુસ્તકો ખરીદો કે ન ખરીદો પણ વાંચવા મળે. આ બોર્ડર બુક સ્ટોરે ૧૬-૦૨-૨૦૧૧ના રોજ દેવાળું કાઢયું છે. તેણે ૧.૨૯૩ અબજ ડોલરનું દેવાળું કાઢયું છે.

એક જમાનામાં જગતભરના ટુરિસ્ટોને પુસ્તકો વેચીને તેમજ બીજા દેશમાં બુક સ્ટોર ખોલીને ‘બોર્ડર્સ’ની આવક ૨.૮ અબજ ડોલર હતી પણ કોઇ પુસ્તક વાંચતું જ નથી તેનું શું?મારા સાત માળના બિલ્ડિંગમાં બાળકોને રમવા માટે મેદાન તો નથી જ. મુંબઇના કોઇ પણ બિલ્ડિંગમાં રમતના મેદાનની વાત જવા દો પણ લાઇબ્રેરી રાખવાનું તો કોઇને સૂઝતું જ નથી.

મોટાભાગના ગુજરાતીઓને પુસ્તકો જરૂર વાંચવા છે પણ કોઇ આપી જાય તો વાંચે છે. ઇંગ્લેન્ડમાં મોહસીન હમીદ નામના પુસ્તકપ્રેમીએ એમના પુસ્તકની હજારો નકલો મફત વાંચવા લોકોને ઘરે ઘરે જઇ આપેલી. લોકો વાંચતા. અમેરિકા તો ૨૧મી સદીમાં ધન અને કીર્તિ પાછળ વંઠી ગયું છે. ‘વન-નેશન અન્ડર થેરપી હાઉ ધ હેલ્પીંગ-કલ્ચર ઇઝ ઇરોડીંગ એન્ડ સેલ્ફ રિલાયન્સ હેઝ ગોન.’

આ પુસ્તક ડૉ. સેલી સેટલ નામની ડોક્ટરે લખ્યું છે. તેણે લખ્યું છે કે અમેરિકનો પાસે ખૂબ ધન છે છતાં લાગણીને દ્રષ્ટિએ દુ:ખી દુ:ખી છે. દરેક અમેરિકન કોઇને કોઇ માનસિક ચિકિત્સક પાસે જાય છે કે કાઉન્સેલિંગ કરાવે છે. અરે નાના બાળકો પણ હવે ૮ થી ૯ વર્ષની વયે પુસ્તકો વાંચવા જોઇએ તેને બદલે બિચારાને માનસિક ચિકિત્સકો પાસે મોકલાય છે. સ્કૂલોમાં લાઇબ્રેરી નથી. તેમને ટીચર્સ મિકેનીકલી હોમવર્ક (ઘર લેસન) કરવા આપે તે હોમવર્ક પણ ત્રણ ગણું થયું છે. વયસ્કોને નોકરી ગુમાવવાનો ભય વધ્યો છે.

ન્યુયોર્કમાં ત્રાસવાદીઓ ૧૧-૯-૨૦૦૧ના રોજ ટાવરો પાડ્યા પછી સૌ આજે હજી ભયભીત છે. ‘ગ્રીફ કાઉન્સેલર્સ’, ‘ટ્રોમેટોલોજિસ્ટો’, ‘ઇમોશનલ ઇન્ટિલજન્સ કોચિંગ’ અને બીજા બનાવટી માનસિક રોગોના થેરપીસ્ટ-ચિકિત્સકો ફૂટી નીકળ્યા છે. ‘થેરપીઝર્સ’ નામનો નવો શબ્દ અમેરિકામાં ૨૧મી સદીમાં પ્રચલિત થયો છે. આ માનસિક ચિકિત્સાવાદમાં સાઇકીએટ્રિસ્ટો અઢળક કમાય છે. સસ્તો, સરળ અને ઘરગથ્થુ ઇલાજ એક જ છે કે બાળકો વાંચે-મોટેરાં વાંચે. પુસ્તક મોટો સાયકીએટ્રિસ્ટ છે.

મને ભય લાગે છે કે ૨૧મી સદીના બાળકે વાંચવાનું છોડી દીધું છે તેમ પછી ચિત્રો દોરવાનું છોડી દેશે. અખબારને પણ કોઇ હાથ અડાડશે નહીં પણ ઇઝરાયલના તેલઅવીવ શહેરમાં એક મ્યુઝિયમ છે ત્યાં કોલ્હાપુરની એક ચિત્રકાર યુવતી સ્વાતિ આર. મહેતાને બોલાવી તેણે દોરેલાં તંત્રવિદ્યાના ચિત્રોનું વન વુમન પ્રદર્શન રાખેલું. તંત્રવિદ્યાના આ ચિત્ર ઘણી રેસ્ટોરાંમાં જોવા મળે છે. ઇઝરાયલ હજી પુસ્તક અને કલાને મહત્વ આપે છે.

આજે આપણા બાળકો ટી.વી. અને કમ્પ્યૂટરમાં ખોવાઇ ગયા છે. જો બાળકો નહીં વાંચે તો તેની કલ્પનાશક્તિને પછી તે વેપાર-ધંધામાં હોય કે કળામાં પ્રવીણ થવું હોય તો તેને વેગ ક્યાંથી મળશે? ગામડામાં બારોટો આવતા, વાર્તાઓ કહેતા અને વાર્તા સાંભળવા સમૂહમાં બેસતા. નવા વર્ષે સૌ ગામડાં કે શહેરમાં ઘેર ઘેર જઇને રૂબરૂમાં વર્ષાભિનંદન કરતા.

આજે કરોડો રૂપિયાના આ ગ્રિટિંગ કાર્ડને જે તુરંત પસ્તીના ઢગલામાં જાય છે તેને બદલે મિત્રોને પુસ્તકો ખરીદીને ભેટ મોકલાય તો કેમ? મારા ગામના ચોરામાં લાઇબ્રેરી હતી. સામુહિક વાંચન થતું. બાવાઓ હિમાલયથી આવતા. અમને ધાર્મિક વાર્તાઓ કહેતા. ‘ફ્રેન્ચ ગોસ્પેલ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ૧૫મી સદીમાં ફ્રાન્સના ગામડામાં બાઇઓ ચરખા કાંતતી. એક બાઇથી કાંતણ થતું નહોતું તે બીજી બાઇઓને તેના ગામની લાઇબ્રેરીમાંથી પુસ્તકો ખોળી ખોળીને તેની વાર્તા સંભળાવતી.

અમેરિકામાં કાળા રંગની સ્ત્રીઓ જ્યારે ભણતી થઇ ત્યારે શેકસપિયરની વાર્તા સમૂહમાં વાંચતી. ઇંગ્લેન્ડમાં જ્યારે જૂના ઢબની કાંતણ મિલો જ હતી ત્યારે કેટલીક પુસ્તકપ્રેમી મિલોમાં મિલનું ભૂંગળું વાગે તે પહેલા મજૂરો આવી જતા. મિલની શાળો શરૂ થાય તે પહેલાં -મિલનું ભૂંગળું વાગે તે પહેલાં એક પુસ્તકપ્રેમી બાઇ કામદારોને પુસ્તકો વાંચી સંભળાવતી. મિલનો માલિક વાર્તા સાંભળનારાને ચા પીવડાવતો. ઠેર ઠેર મિલોમાં આ રીડિંગગ્રૂપ્સ રચાયેલા.

આજે આવી કલ્પના કરવી મુશ્કેલ છે. બાળકોની મમ્મીઓ કીટ્ટી પાર્ટી યોજી જંકફૂડની હાટડીમાંથી હાનિકારક તૈયાર વાનગી મગાવે છે. જો મોડર્ન મમ્મી ન વાંચતી હોય તો બાળક ક્યાંથી વાંચે? બ્રિટનમાં યુદ્ધવિરોધી કવિતા લખનારા વિખ્યાત કવિ જે ૮-૯-૧૮૮૬માં જન્મેલા હતા તે યુદ્ધ વિરોધી કવિતા લખતા. ઇંગ્લિશ કંટ્રી લાઇફ (ગ્રામીણ જીવન) વિશે લખતા તે કવિ સીગ ફ્રાયડ સસુન (SIEG FRIED SASOON) કવિ કેમ થયા? યુદ્ધમાં બે વખત સોલ્જર તરીકે ઘવાયા છતાં જીવતા કેમ રહ્યા? વાંચન થકી. ખાસ વાત તો એ છે કે ઉપર જે રીડિંગ-ગ્રૂપની વાત લખી છે તે વાંચન મંડળીઓમાં કવિ સસુનની માતાને બોલાવાતી. તે રોમેન્ટિક વાર્તાઓ કહેતી. કવિ શેલીના કાવ્યોની ચર્ચા કરતી. સીગ ફ્રાયડ સસુને યુદ્ધમાં ઘવાયેલા તેના મિત્ર સોલ્જરને પુસ્તકો પૂરા પાડીને જીવવાનો મસલાો આપ્યો હતો.

આજે મુંબઇ-અમદાવાદમાં પુસ્તકોનું વાંચન ઓછું છે. જોકે અખબારોનો ફેલાવો પણ જોઇએ તેવો વધતો નથી. ગુજરાતી માસિકો તો લગભગ મરી ગયાં છે. ‘લોકમિલાપ’, ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરે માસિકપત્રોને કોઇ યાદ કરતું નથી. રાજકોટથી એકાદ-બે માસિકો પ્રગટ થાય છે પણ ગ્રાહકોની સંખ્યા કંગાળ છે. આજે ગુજરાતી બાળકો ચાલાક થયાં છે. સ્માર્ટ થયાં છે પણ કમ્પ્યુટર જ તેમનું જ્ઞાનદાતા છે. રૂબરૂ સંપર્કને બદલે બાળકો સેલફોનના બબ્બે ‘રમકડાં’ ખિસ્સામાં રાખે છે. ઊંડી સમજ અને કલ્પનાશક્તિ તો પુસ્તકો જ આપી શકે છે. ઇંગ્લેન્ડ જેવા રીડિંગ ગ્રૂપો આજે અમદાવાદ, વડોદરા, મુંબઇના બિલ્ડિંગોમાં શરૂ થવાં જોઇએ.

આજેઁન્ટિનાના બુએનોસ એરિસ શહેરમાં ૧૭ વર્ષનો જુવાન છોકરો નામે આલ્બર્ટો મેંગુએલ એક પુસ્તક ભંડારામાં માત્ર પુસ્તકોની ધૂળ ઝાપટવાનું કામ કરતો. એ સમયે નોબેલ પ્રાઇઝ વિજેતા લેખક જયોર્જ લૂઇ આ બુક શોપમાં આવ્યા. લેખકને આંખે ઓછું દેખાતું હતું. આ આલ્બર્ટો નામના જુવાનને તેણે નોકરીએ રાખી તેના માટે પુસ્તક સંભળાવવાનું કામ સોંપ્યું. અને પછી આલ્બર્ટો મેંગુઅલ પોતે જ લેખક બની ગયો.

આજે તમને કોઇ કહે કે પુસ્તકો ન વાંચવા તે ગુનો છે તો તમે માનશો? પેબલો નેરૂડા જેવા બીજા એક નોબલ પ્રાઇઝ વિજેતાએ કહેલું કે વિદ્વાન લેખકોના પુસ્તકો ન વાંચવા તે ગુનો છે! આપણો ૧૭ વર્ષનો હીરો આલ્બર્ટો મેંગુએલ મોટો લેખક બનીને મિલીયોનેર થઇ ગયો અને કેનેડામાં વસવા ચાલ્યો ગયો.

સ્વિત્ઝર્લેન્ડના માનસશાસ્ત્રી જિન પિયોગેટે એક બાળવાર્તા લખેલી. તેની હસ્તપ્રત ઘરે મૂકીને લેખક બગીચામાં ફરવા ગયા. ત્યારે તેના બે સંતાનો બાળવાર્તાઓ વાંચી ગયા. આ કોઇ નવી વાત નથી. નવાઇની વાત એ છે કે વાર્તા વાંચીને વાર્તાને અનુરૂપ ચિત્રો બાળકોએ દોરી કાઢેલાં! સ્વિસ માનસશાસ્ત્રીએ લખ્યું છે કે જો બાળકો વાંચે તો તેની કલ્પનાશક્તિ ખીલવીને પોતાની આગવી દુનિયા પેદા કરી શકે છે.તો? લાખ વાતની એક વાત આ દિવાળીએ વર્ષાભિનંદનના મોંઘા કાર્ડને બદલે કોઇ પુસ્તકની ભેટ મિત્રોને મોકલો.

બ્રિટિશ લેખક ‘વાલીડીવાર’ના કેટલાક સુવર્ણ સૂત્રો

(૧) અમેરિકામાં એક અભ્યાસ થયો તો માલુમ પડ્યું કે અમેરિકાના બાળકો બહારથી ખૂબ ‘ભરેલા ભરેલા’ હતા પણ અંદરથી સાવ ખાલીખમ. ઓન્લી રીડિંગ એન્ડ નોલેજ કેન ફીલ ધેટ વેકયુમ. બાળકોનો ખાલીપો પુસ્તક ભરી દે છે.

(૨) વાલીડીવારે કહેલું કે એ માણસ કેટલો બધો અજ્ઞાન છે કે જે પોતાની જાતને જ જાણે છે. ખરેખર તો જે ચારેકોરની દુનિયા જાણે છે તે જ ખરો જ્ઞાની છે.

(૩) પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવો તે હીરા જેવું હોય છે. હીરાને જેટલા પાસા પાડો તેટલો તે હીરો બ્રિલિયન્ટ બને છે. તે બ્રિલિયન્સી (ચળકાટ) માત્ર વાંચનથી આવે છે.

(૪) જગતમાં ઠેર ઠેર છુપાયેલા રત્નો જેવું જ્ઞાન પુસ્તકોમાં પડ્યું છે. પણ તેને ખોદી કાઢવું જોઇએ. એ કંઇ ડસ્કિ કેબલવાળાથી નહીં મળે. લાઇબ્રેરીમાંથી મળશે!

કાન્તિ ભટ્ટ

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

પીપા ભગતનું હળવુંખમ અધ્યાત્મ,


જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું!

            કોઇપણ વાચકને ઝટ ન સમજાય અને વળી પાંચ વાર વાંચ્યા પછી પણ ન સમજાય એવી કવિતા (કે અકવિતા) પ્રગટ કરવી એ કંઇ પ્રશંસનીય પરાક્રમ નથી. કદાચ એ કવિતા નામના પદાર્થની કુસેવા છે. અત્યંત દુર્બોધ ગદ્ય લખવાનું માનીએ તેટલું મુશ્કેલ નથી. વાચકોને બિલકુલ ન સમજાય એવી ભાષામાં લખનાર આપોઆપ વિદ્વાનમાં ખપી જાય તે તો વાચકોની ઉદારતા ગણાય. એવી ભાષામાં લખનારની માનસિક રુગ્ણતા પણ તપાસવી પડે. મૂળે આ રોગની શરૂઆત સદીઓ પહેલાં સંસ્કૃતના પંડિતોએ કરી હતી.

        
          પંડિતોને શાસ્ત્રાર્થનો જબરો શોખ હતો. પંડિતોના જ્ઞાનક્ષેત્રમાં સામાન્ય માણસને પ્રવેશની છુટ ન હતી. ભારતીય સંતોએ અને ભક્ત કવિઓએ અપાર કરુણા બતાવી અને શાસ્ત્રાર્થને બદલે સત્સંગનો મહિમા વધાર્યો. આ એક એવી ક્રાંતિ હતી જેની શરૂઆત કદાચ જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાએ કરી હતી. આવતા ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન નરસૈંયાની નગરી જૂનાગઢમાં યોજાવાનું છે.
તેમાં એક બેઠક ‘ભાષાકીય કટોકટી’ પર યોજાવાની છે. દુનિયાની બીજી કોઇપણ ભાષામાં પ્રભાતિયાં રચાયાં નથી. પ્રભાતિયાંની પંક્તિએ પંક્તિએ ઉપનિષદ ટપકે છે. ઊંડું તત્વજ્ઞાન આટલી સરળ ભાષામાં! આદરણીય મોરારિબાપુ પરિષદમાં પૂરા સમય માટે ઉપસ્થિત રહેવાના છે. પરિષદનો પ્રારંભ પ્રભાતિયાંના ગાનથી ભલે થતો.

          સંત તુકારામના ગામ દેહૂ જવાનું થયું ત્યારે આગ્રહપૂર્વક પાસે આવેલી ઇન્દ્રિયાણી નદીનાં દર્શને ગયો. ગામના બ્રાહ્નણોએ સંત તુકારામે રચેલા અભંગને ઇન્દ્રિયાણી નદીમાં પધરાવી દેવાની ફરજ પાડી હતી. નદીમાં પધરાવેલી પોથી જળમાં વિલીન થઇ, પરંતુ લોકજીભે તુકારામની પંક્તિઓ જીવતી રહી તેથી આજે પણ તુકારામના અભંગ જીવંત છે. પંડિતાઇ સાથે સદીઓથી જોડાઇ ગયેલી ‘અકરુણા’ આજના કેટલાક સાહિત્યકારોનો સથવારો છોડવા તૈયાર નથી.

          તુકારામનું ઘર હજી જળવાયું છે અને તુકારામના વંશજોને મળવાનું પણ બનેલું. તુકારામના ઘરના એક પાટિયા પર લખ્યું છે : ‘ઉમરાજ બી. મોરે, એડ્વોકેટ.’ ગામના મંદિરમાં સંત તુકારામના હસ્તાક્ષરમાં લખાયેલા અભંગની હસ્તપ્રત પણ જોવા મળી હતી. તુકારામ જ્ઞાતિએ કણબી હતા. અબ્રાહ્નણ એવો તુકારામ ઉપદેશ આપે તેથી બ્રાહ્નણો તેમના પર તૂટી પડ્યા. રાંદેરના લોકસેવક શ્રીકાંત આપટેજીએ ‘સંત તુકારામ’ નાટક તૈયાર કરેલું અને તે જમાનામાં ટિકિટ પણ રાખેલી.

          એ નાટકમાં તુકારામના દીકરા મહાદુ (મહાદેવ)નું પાત્ર મેં ભજવેલું. એ નાટક ટિકિટના પૈસા ખર્ચીને જોનારા કેટલાક લોકો હજી રાંદેર-સુરત વિસ્તારમાં જીવે છે. જૂનાગઢને સમાંતર એવી આ ક્રાંતિ મહારાષ્ટ્રના દેહ ગામમાં થઇ હતી. નરસૈંયા અને તુકારામ વચ્ચે એક તફાવત હતો. નરસૈંયો ભણવામાં ઠોઠ હતો, જ્યારે તુકારામ વિદ્યાર્થી તરીકે હોશિયાર હતા, એવું કેદારનાથજીએ નોંધ્યું છે. સંતોની કરુણાએ સમાજને સત્સંગ દ્વારા બચાવી લીધો છે. તુલસીદાસજી ઊંચા ગજાના પંડિત હતા, તોય એમને કોઇએ ‘પંડિત તુલસીદાસ’ નથી કહ્યા. તેઓ ‘સંત તુલસીદાસ’ જ કહેવાયા. ‘રામચરિતમાનસ’ એમની કરુણાનો મધુર પ્રસાદ છે. પંડિત આદરણીય છે, સંત વંદનીય છે.

           થોડાક મહિનાઓ પર એક જોખમકારક પ્રયોગ કરવાનું સાહસ કર્યું હતું. ‘કુમાર’ માસિકનો હજારમો અંક પ્રગટ થયો તેનું લોકાર્પણ એક સમારંભમાં થયું. આપણા લાડકા હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રમુખ હતા અને હું અતિથિ હતો. મારા પ્રવચન દરમિયાન સુજ્ઞ શ્રોતાઓને એક એવો ‘મગજતોડ’ ગદ્યખંડ વાંચી સંભળાવ્યો, જે પાંચ વખત વાંચો તોય ન સમજાય. જે વિદ્વાને એ દુર્બોધ અને ક્લિષ્ટ ગદ્યખંડ લખ્યો હતો, તે મહાશય સભામાં ન હોય એની ખાતરી મેં કરી લીધી હતી.

          ધીમી ગતિએ અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એ ગદ્યખંડ સભામાં વાંચી સંભળાવ્યો પછી સુજ્ઞ શ્રોતાઓને પૂછ્યું : ‘કોઇને સમજ પડી?’ જવાબ મળ્યો ન હતો. પછી પ્રમુખશ્રી વિનોદ ભટ્ટને પૂછ્યું: ‘તમને કશુંક સમજાયું?’ પ્રમુખશ્રીએ લોકો સાંભળે એટલા મોટા સાદે ‘ના’ પાડી હતી. આને કહેવાય ‘ભાષાકીય કટોકટી’!
‘‘‘

          કલ્પના કરી જુઓ. કોઇ રાજા વૈરાગ્યપૂર્વક પોતાના રાજ્યનો ત્યાગ કરે ત્યારે તેની રાણીઓ એની સાથે જવા તૈયાર થાય? ઇ.સ. ૧૪૨૫માં રાજપૂતાનામાં આવેલા રોહગઢના રાજાએ રામાનંદનો ભક્તિમાર્ગ સ્વીકાર્યો ત્યારે આવી ઘટના બની હતી. રાજા (પીપાજી) રાજી ન હતા, પરંતુ ગુરુ રામાનંદે કહ્યું : ‘રાજ્યનું ઐશ્ચર્ય છોડીને તમારી સાથે સહજભાવે આવે તો તેમને રોકવાથી શો ફાયદો?’ છેવટે પીપાજીની સાથે નાનાં રાણી સીતા પણ સાથે ગયાં.

          કહેવાય છે કે પીપાજીએ સમુદ્રમાં ઝંપલાવ્યું ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પાછલું બધું જીવન દ્વારકામાં વીત્યું. કહેવાય છે કે દ્વારકાને માર્ગે ચિઘડ ભકતો એટલા ગરીબ હતા કે પોતાનાં વસ્ત્રો વેચીને પણ તેઓ પીપાભગતની સેવા કરતા. પીપાભગતે સારંગ વગાડીને અને સીતાએ નૃત્ય કરીને ભકતોને મદદ પહોંચાડેલી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી એવા આચાર્ય ક્ષિતિમોહન સેને એવું પણ નોંધ્યું છે કે: ‘દ્વારકાને માર્ગે પીપાવડ પાસે તેમનો એક મઠ છે. આ મઠ અતિથિ સેવા માટે જાણીતો છે. શીખોના ધર્મઉત્સવમાં પીપાનાં ગાન ગવાય છે. ગ્રંથસાહેબમાં તેમનાં ભજન છે.’ (‘સાધનાત્રયી’, પાન ૨૬૭).
પીપાભગતનું હળવુંખમ અધ્યાત્મ કેવું હતું? એમની પંક્તિઓ હૈયે ચોંટી જાય તેવી છે.

 પીપા પાપ ન કીજિયે,
તો પુણ્ય કિયો સો બાર!
કિસીકા કછુ ન લીજિયે,
તો દાન દિયો અપાર!

          જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું! પીપાભગતની પંક્તિઓમાં ઉપનિષદનું ઊંડાણ છે, પરંતુ સરળતા ઓછી નથી. માણસ પાપ ન કરે એટલે પુણ્ય આપોઆપ ચાલ્યું આવે! એ હરામનું કશુંય ન લે, તો તેને જ મહાદાન ગણવાનું રાખવું! પુણ્ય પ્રાપ્ત કરવા માટે ફાંફાં મારવાનાં ન હોય.

          આજની સવાર ધન્ય થઇ ગઇ! નરસિંહ મહેતા, સંત તુકારામ અને પીપાભગતનું સ્મરણ એક્સાથે થયું. આવી થોડીક સવાર જીવનમાં મળી જતી હોય, તો હાર્ટ એટેક જખ મારે છે!‘

પાઘડીનો વળ છેડે

હે શિવ! મારાં ત્રણ મોટાં પાપ
બદલ મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો,
ત્યારે ભૂલી ગયો કે : તમે સર્વવ્યાપી છો!
હું સતત તમારો વિચાર કરું છું,
કારણ કે હું ભૂલી જ ગયો કે :
તમે તો વિચારથી પર છો!
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભૂલી ગયો કે :
તમે તો શબ્દોથી પર છો!

- શંકરાચાર્ય


નિષ્ણાતો જ્યારે ભૂલે છે ત્યારે


બર્નાર્ડ શોએ એક વાર કહેલું, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે!

          આપણે ત્યાં કહેવત છે કે ‘ભણેલા ભૂલે ત્યારે ભીંત ભૂલે’ એટલે કે સામે ભીંત હોય તોપણ એમને એ ન દેખાય. અને બહુ ભણેલા હોય એ નિષ્ણાત ગણાય. નિષ્ણાતો ભૂલે ત્યારે કદાચ સામે આખું મકાન હોય તોપણ એમને નહીં દેખાતું હોય, કારણ કે એમના એ જ્ઞાનને કારણે એમને નુકસાન થાય એ કરતાં પણ વધુ નુકસાન એમના એ (અ)જ્ઞાનનો ભોગ બનનારને થતું હોય છે. સાહિત્ય અને વિજ્ઞાનમાં આના અનેક દાખલા છે. એમાંના થોડા ઉપર નજર કરીએ.
           વિજ્ઞાનની વાત કરીએ તો ગેલિલિયો ગેલીલીને થયેલા અન્યાયે એને જીવતો જ મારી નાખ્યો હતો એમ કહી શકાય. એનો ગુનો માત્ર એટલો જ હતો કે એણે કહ્યું હતું કે, સૂર્ય ફરતો નથી પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ફરે છે.

          એ વાત બાઈબલની વાતને ખોટી પાડતી હતી એટલે પાદરીઓ એની વિરુદ્ધ થઈ ગયા. બીજા કેટલાક સૂર્યપૂજકોને એ વાતમાં કોણ જાણે કેમ, સૂર્યદેવનું અપમાન લાગ્યું અને એ વાતના નિષ્ણાતોને એમાં પોતાના જ્ઞાનનું અપમાન લાગ્યું. એના એ ગુના બદલ ગેલિલિયોને મોતની સજા ફરમાવવામાં આવી, ગેલિલિયોએ માફી માંગી અને કહ્યું કે, “પૃથ્વી ફરે છે એવી મારી વાત ખોટી છે. ત્યારે એમની ઉંમર અને એમણે અગાઉ કરેલી વિજ્ઞાનની કેટલીક શોધોને લક્ષમાં લઈને એને આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને એની જિંદગીના છેલ્લા દિવસો એને house arrest  એટલે કે ઘરમાં પુરાઈ રહીને ગુજારવા દેવાની મહેરબાની કરવામાં આવી. ગેલિલિયોની લાંબી કથાનો આ માત્ર ટૂંક સાર છે.

          અને ગેલિલિયોને એકને જ નિષ્ણાતો દ્વારા અન્યાય થયો નહોતો એવા તો એક ડઝનથી પણ વધુ દાખલાઓ બન્યા છે. ફ્રોઈડ અને ડાર્વિન પણ નિષ્ણાતોના પ્રકોપથી બચી શક્યા નહોતા. ફ્રોઈડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો એમ કહીએ તો ચાલે. જે નિષ્ણાતોએ એક વાર એની પ્રશંસા કરી હતી એમણે જ એનો વિરોધ કર્યો હતો. અને ડાર્વિનનો વિરોધ કરવામાં એ વખતના પાદરીઓ જ નહીં, વિજ્ઞાનીઓ પણ હતા. ડાર્વિને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, અને આજે જેની ગણતરી ‘ઓલ ટાઈમ બેસ્ટ સેલર’માં થાય છે એ ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પ્રગટ થતાં જ હલચલ મચી ગઈ હતી. ડાર્વિનનાં કાર્ટૂનો પ્રગટ થવા લાગ્યાં હતાં. એને અને એના વડવાઓને વાંદરા બતાવવામાં આવ્યા હતા. ડાર્વિને બધું સહન કર્યું હતું. આમ છતાં, આપણે કહી શકીએ કે એ વખતે વિજ્ઞાન તરફની લોકોની દૃષ્ટિમાં ફેર પડયો હતો. ડાર્વિનના પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ડાર્વિનને મોતની સજા કરવામાં આવી નહોતી. હવે નિષ્ણાતોના છબરડાનાં થોડાં વધુ ઉદાહરણો જોઈએઃ

          ૧૯૧૪ની સાલમાં ન્યૂ યોર્કની અદાલતમાં જ્યૂરી સમક્ષ એક વકીલે કાચની એક ‘નકામી નળી’ રજૂ કરીને કહ્યું કેઃ “કાચની એક નકામી નળી છે. તેમાં ધાતુના થોડા આમ તેમ વાળેલા તાર સિવાય કશું જ નથી, છતાં તેનો શોધક કહે છે કે આ બલ્બ જેવા સાધન દ્વારા તે માણસના અવાજને આટલાંટિક સમુદ્રની પેલે પાર પહોંચાડી શકે તેમ છે. ખરેખર તો આ એક પ્રપંચ છે, ઠગાઈ છે, અને તેને કડક સજા થવી જોઈએ.”
કાચની તે નકામી નળી, એટલે આજે જેની દ્વારા સાગરપારના ફોનસંદેશાઓ પહોંચે છે અને રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરેમાં જે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જેને આપણે ‘ઓડેશન ટયુબ’ તરીકે ઓળખીએ છીએ તે વસ્તુ હતી. તેના શોધક લી ડી. ફોરેસ્ટ ઉપર ઠગાઈના આરોપસર કેસ મંડાયો હતો. સરકારી વકીલ ત્યારના જ્ઞાન-વિજ્ઞાનનો આશરો લઈને દલીલો કરતો હતો. તેના જ્ઞાન પ્રમાણે એવી નળી માનવીના અવાજનું પ્રસારણ કરી શકે તે વાત જ અશક્ય હતી. પણ તેનું જ્ઞાન ૧૯૧૪ સુધી વિકસેલ વિજ્ઞાન પર આધારિત હતું. અને લી ડી. ફોરેસ્ટ વિજ્ઞાનને ૧૯૧૪થી આગળ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. ૧૯૧૪ની સાલમાં અભ્યાસુ અને જાણકાર સરકારી વકીલના મત મુજબ લી ડી. ફોરેસ્ટ ખોટો હતો, પણ પછીના સમયમાં તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પાયોનિયર હતો.

          જ્ઞાન એટલું તો અગાધ અને અનંત છે કે ન્યુટન જેવા માણસને પણ લાગ્યું હતું કે તેની પોતાની સ્થિતિ તો માત્ર જ્ઞાનના વિશાળ મહાસાગરના કાંઠે પાંચીકા વીણતા બાળક જેવી જ હતી. જ્ઞાનનો પાયો નમ્રતામાં છે અને અજ્ઞાનનો પાયો મિથ્યા ગર્વમાં છે. છતાં વિચિત્રતા એ છે કે લગભગ બધાં જ ક્ષેત્રોમાં એવી વ્યક્તિઓ જ તમને ટોચનાં સ્થાનો સર કરીને બેઠેલી દેખાય છે.

          ઈ.સ. ૧૯૦૩માં પ્રોફેસર લેન્ગલીએ પોતાના પ્રયોગોને અંતે જાહેર કર્યું હતું કે, હવાથી વજનમાં ભારે હોય એવી કોઈ વસ્તુ ઊડી શકે નહીં. પ્રોફેસર લેન્ગલી, સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટમાં વિજ્ઞાનના નિષ્ણાત હતા અને ઉડ્ડયનના પ્રયોગો માટે અમેરિકન સરકારે તેમને મોટી સ્કોલરશિપ આપી હતી. એમણે અનેક રીતે અનેક પ્રયોગો કરી જોયા હતા અને તેના નિચોડરૂપે તે વખતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં જાહેર કર્યું હતું (દાખલા દલીલો સહિત) કે હવા કરતાં વજનદાર કોઈ વસ્તુ હવામાં ક્યારેય ઊડી શકે નહીં.
પરંતુ આ વાતની જેઓ વિજ્ઞાનીઓ ન હતા એવા બે ભાઈઓને કશી ખબર નહોતી. એ બંને ભાઈઓ માત્ર સામાન્ય સાઇકલ-મિકેનિક હતા, પણ તેમની બુદ્ધિ સામાન્ય નહોતી. તેઓ પોતાની મેળે જ, અને પોતાની વિશિષ્ટ પદ્ધતિથી જ હવામાં ઊડી શકે તેવું કોઈક યંત્ર બનાવવાનો અખતરો કરી રહ્યા હતા. અને વિદ્વાન પ્રોફેસર લેન્ગલીએ જે વર્ષે ઉડ્ડયન વિશેનો પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો તે જ વર્ષે એટલે કે ૧૯૦૩ના ડિસેમ્બર મહિનાની સત્તર તારીખે તેમણે હવા કરતાં વજનદાર ધાતુના એરોપ્લેનને હવામાં સફળતાથી ઉડાડવાનો પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો. એ ભાઈઓ ઓરવિલ રાઈટ અને વિલ્બર રાઈટને આજે સૌ કોઈ ઓળખે છે અને સરકારી પૈસે તૈયાર થયેલ પ્રોફેસર લેન્ગલીનો તર્કબદ્ધ સિદ્ધાંત ક્યાંક પસ્તીના ડૂચામાં ફેંકાઈ ગયો છે.
એવી જ રીતે મોટરકાર અને ટેલિફોન બાબતમાં પણ તે સમયના નિષ્ણાતો તદ્દન નિરાશાવાદી હતા. આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલી વાર સાઇકલ રસ્તા પર આવી ત્યારે હજારો માણસોએ તેની સામે ઊહાપોહ કરેલો અને બે પાતળાં પૈડાં ઉપર સમતોલન જાળવીને ચલાવાતા વાહનથી કેવા ભયંકર અકસ્માતો સર્જાશે તેની આગાહીઓ કરેલી. ઊહાપોહ એટલો તો ઊગ્ર હતો કે સાઇકલ ચલાવનારે પોતાને સાઇકલ ચલાવતાં આવડે છે તેવું લાઇસન્સ ફરજિયાતપણે લેવું પડતું હતું.

          કોલંબસના સમયના લગભગ બધા જ નિષ્ણાતોએ તેને કહ્યું કે પશ્ચિમ તરફ વહાણ હંકારીને પૂર્વમાં પહોંચવાની તેની વાત નરી મૂર્ખતા હતી. પણ માત્ર કોલંબસ તે માનવા તૈયાર નહોતો.
બર્નાર્ડ શોએ એક વાર એવું કાંઈક કહ્યું હતું કે, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે.

          પરંતુ જે લોકો દેડકા જેવડા હોય છે, પોતાના અલ્પ જ્ઞાનથી જેમનાં પેટ ફૂલીને ફાટી જતાં હોય છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ જેઓ જ્ઞાનની ક્ષિતિજોને પરિમિત કરવાની મિથ્યાચેષ્ટા કરવા માટે જ કરતા હોય છે, તેવાઓની કોઈ નોંધ ઇતિહાસે ક્યારેય લીધી નથી, તેમણે વિજ્ઞાન,કલા,સાહિત્ય દરેક ક્ષેત્રમાં બને તેટલું વધારે નુકસાન કર્યું છે, પણ તેવું તો બન્યા જ કરવાનું.

          જે લોકોએ હર્મન મેલવિલ જેવા જિનિયસને અંધારામાં ફેંકી દીધો હતો. બાલ્ઝાકને ‘ક્લાઉન’ કહીને હડધૂત કર્યો હતો, અને સ્ટેનધાલ જેવા મહાન લેખકને તો લેખક જ ગણ્યો નહોતો. ચિત્રકાર વાન ગોગને ગાંડો ગણ્યો હતો, પોલ ગોગેંનાં ચિત્રોની ઠઠ્ઠા મશ્કરી કરી હતી, એ બધા એમના સમયના પ્રથમ પંક્તિના નિષ્ણાતો હતા.
પરંતુ જો કોઈ તમને એવું કહેવા કે મનાવવા પ્રયત્ન કરે કે અમુક વસ્તુ બેધડક રીતે આમ જ હોવી જોઈએ, તો તેમનાં તેવાં અર્ધસત્યો પર એતબાર રાખવાની ભૂલ ક્યારેય કરશો નહીં, તેમની વાતો તર્કબદ્ધ હોઈ શકે છે, પણ સાચી હોઈ શકતી નથી,કારણ કે તેઓ પોતાના તર્કની કોટડીનાં બારણાં બંધ કરીને તેમાં પોતે જ કેદ થઈ ગયેલા કમનસીબ બુદ્ધિશાળીઓ હોય છે. અને આપણને તેઓ ક્યારેય કશું આપી શકે તેમ નથી હોતા. તેમની દયા ખાજો.

          આ લેખ વીસમી સદીના મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈનને થયેલા અન્યાયનો દાખલો આપીને પૂરો કરું છું. એમના જે સિદ્ધાંતને કારણે એમને મહાન વિજ્ઞાની ગણવામાં આવે છે એ ‘થિયરી ઓફ રિલેટિવિટી’ (સાપેક્ષવાદના સિદ્ધાંત)નો વિરોધ વર્ષો સુધી થયો હતો. એ વિરોધ કેવો હશે અને એથી આઈન્સ્ટાઈનને કેવું દુઃખ થયું હશે એની ઝાંખી એમના આ શબ્દોમાં થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે એ સિદ્ધાંતના કારણે હલચલ મચી હતી ત્યારે આઈન્સ્ટાઈન ‘સ્વીસ સિટીઝન’ હતા. એ વખતે એમણે પ્રેસને (પત્રકારોને) લખ્યું હતું, “જ્યારે લોકોએ (વાચકોએ) ‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ સ્વીકાર્યો છે ત્યારે હવે ઈંગ્લેન્ડમાં મને સ્વીસ જ્યૂ (સ્વીટ્ઝર્લેન્ડના યહૂદી) તરીકે સન્માનવામાં આવે છે અને જર્મનીમાં મને જર્મન વિજ્ઞાની તરીકે માનથી જોવામાં આવે છે, પરંતુ જો ઊલટું બન્યું હોય તે જર્મનો મને (સ્વીસ) યહૂદી ગણતા હોત અને અંગ્રેજો મને જર્મન ગણતા હોત!”
(જર્મનો યહૂદીઓને ધિક્કારતા હતા અને અંગ્રેજો જર્મનોને ગાંડિયા ગણતા હતા.)

26/2/2012 કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ


રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

સફળતા ન મળે સરળતાથી

નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના કંઈક શીખીને પાછા સજ્જ થાય એના જ સફળતા કદમ ચૂમે

આમિર ખાનની ફિલ્મ ‘ ૩ ઈડિયટ્સ’ પહેલી એવી ફિલ્મ છે જે નિષ્ફળતાને સેલિબ્રેટ કરે છે. ‘ઓલ ઈઝ વેલ’ વાળો રણછોડદાસ ચાંચડ પારંપારિક રીતે નિષ્ફળ છે. એ કોઈ રેસમાં નથી, સ્પર્ધામાં નથી, ગેમમાં નથી. એ બધા છે તેનાથી પાછળ સાવ છેલ્લે છે. હકીકતમાં જગત એને જ્યાં નિષ્ફળ ગણે છે એમાંથી જ એ પોતાની સફળતા સિદ્ધ કરે છે.

અભિનેતા અનુપમ ખેર શિમલાના મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન હતા. એમના પિતા સરકારી મુલાજીમ હતા અને પગાર વધે કે બઢતી મળે ત્યારે ઘરમાં મિજબાની થતી. અનુપમને એક કિસ્સો યાદ છે. એ કહે છે, ‘એક દિવસ પિતાજી મને ફાઈવસ્ટાર હોટેલમાં લઈ ગયા. મને એમ કે પ્રમોશન મળ્યું હશે. અમે ખાધું-પીધું પછી મેં પિતાજીને પાર્ટીનું કારણ પૂછયું. પિતાજીએ જે કહ્યું એ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો પાઠ હતો અને એના આધારે જ હું જિંદગી તરી ગયો. પિતાએ કહ્યું ‘બેટા, હું તારું દસમાનું રિઝલ્ટ જોઈને આવ્યો છું. તું નાપાસ થયો છે પણ તને નિષ્ફળતાની બીક ન લાગે એટલે આપણે આજે એ નિષ્ફળતાનું સેલિબ્રેશન કરીએ છીએ.’ ૧૯૮૨થી ફિલ્મ કારકિર્દી કરનાર આ જ અનુપમના એકપાત્રી નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ના ગયા ડિસેમ્બરમાં ૨૦૦ શો પૂરા થયા છે અને એ નાટકમાં નિષ્ફળતાના સેલિબ્રેશનની વાત છે.

સવાલ એ છે કે આપણને સફળ થવા માટે તો આખી દુનિયા ઉકસાવે છે, પણ નિષ્ફળતા આવે તો શું? આજના આ તેજ રફતારવાળા સમયમાં, ભયાનક સ્પર્ધાવાળા વાતાવરણમાં નિષ્ફળ જવું એટલે જીવન સમાપ્ત, એવું આપણને ઠસાવી દીધું છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થી પંખે લટકી જાય છે, પ્રેમભંગમાં પ્રેમી વાશી બ્રિજ પરથી કૂદી જાય છે, લગ્નમાં કંકાશ વધી ગયો છે? પતિ-બોટલ સાથે દોસ્તી કરી લે છે. નોકરીમાં ટ્રેસ આવે છે અને એક્ઝિક્યુટિવ ડ્રગ્ઝનો ડોઝ લઈ લે છે અથવા કોલગર્લનું પડખું સેવી લે છે. આ બધાને એવું લાગે છે કે દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે અને આપણે નમાલા, નકામા પાછળ રહી ગયા છીએ.

હકીકત જુદી છે. દુનિયા નિષ્ફળ લોકોથી ભરેલી છે. દરેક શહેરમાં, દરેક મહોલ્લામાં કેટલાય અનુપમ ખેર છુપાયેલા છે. નિષ્ફળતા અનિવાર્ય જ નહીં, નિયમ પણ છે. આજે પણ જેની ધજા ફરકે છે તે યશરાજ બેનરના યશ ચોપરા કહે છે કે, ‘મને સફળતા કરતાં નિષ્ફળતામાંથી ખૂબ શીખવા મળ્યું છે. અનુપમ કે ચોપરા નસીબવાળા હતા કે નિષ્ફળતા પચાવી શક્યા અને આગળ વધી ગયા. પણ એવા લાખો લોકો છે જેમને ખબર જ નથી કે નિષ્ફળતા આવે તો શું કરવું? કોઈ પણ ઘોડો (અથવા ગધેડો, એઝ ધ કેસ મે બી) રેસમાં પ્રથમ આવી શકે છે, પણ એક અચ્છો નિષ્ફળ અથવા લૂઝર એ છે જે પડીને ફરી ઊભો થાય છે.

તમે આજના અનિલ અંબાણીથી અમિતાભ બચ્ચન કે સોનિયા ગાંધીથી સાનિયા મિર્ઝાને પૂછશો તો એ કહેશે કે અમને ખરું ગણતર તો નિષ્ફળતામાંથી મળ્યું છે. આજે સફળતાના પાઠ ભણાવનારા તો ઘણા છે, પણ કમી એવા શિક્ષકો કે વાલીઓની છે જે નિષ્ફળતામાંથી કેવી રીતે ઊભા થવું, કેવી રીતે જાતને સમેટવી અને ફરીથી નિશાન કેવી રીતે તાકવું એ શીખવાડે. તમારી આજુબાજુ કેટલાય ચાવાળા, પાનવાળા હશે જે ૩૦-૪૦ વર્ષથી એ જ કામ કરે છે અને એમને હજુય હોંશ છે કે એક દિવસ તેઓ ‘મોટા’ માણસ બનશે! એવા ઘણાય યુવાનો છે જે નસીબ અજમાવવા એક ઓફિસથી બીજી ઓફિસ, એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી આંટાફેરા મારતા રહે છે. પોલીસ એમને તંગ કરે છે. હોટેલવાળો ઉધારી માગે છે. મકાન માલિક રૂમ ખાલી કરવાનું કહે છે, પાડોશીઓ હલકી કક્ષાની ગોસિપ કરે છે અને છતાંય એ લોકો હિંમત હાર્યા વગર પ્રયત્ન નામની જાદુઈ ચક્કી પીસતા રહે છે.

આવા લોકો રોજ રાત્રે નિષ્ફળ બનીને આવે છે અને સવારે ફરીથી નિશાન તાકે છે. બંધાતા મકાનનો મજદૂર હોય, ખેતી કરતો ખેડૂત હોય, કપડાંની ફેક્ટરીનો કારીગર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, બેંક કર્મચારી હોય, શેરબ્રોકર હોય કે પછી કલાકાર હોય, કરોળિયાની જેમ એ રોજ ઝાળું ગૂંથે છે અને રોજ એ હવાના ધક્કાથી તૂટી જાય છે. અશ્વેત બરાક ઓબામા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાં એમનાં ભાષણોમાં લગાતાર કહેતા હતા ‘દુનિયા પર તમારી છાપ છોડી જવી એ અઘરી બાબત છે. એ જો સરળ હોત તો બધાએ એ કર્યું હોત. પણ એવું નથી. એના માટે પ્રતિબદ્ધતા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવાની તાકાત જોઈએ. ખરી પરીક્ષા એ નથી કે તમે નિષ્ફળતાથી કેવી રીતે બચી શકો. ના, એ શક્ય નથી. પરીક્ષા એ છે કે નિષ્ફળતાથી તમે નાસીપાસ થઈ જાઓ છો કે પછી એમાંથી કંઈક શીખીને પાછા સજ્જ થાઓ છો.’

રણછોડદાસ ચાંચડ ઘોડાઓની રેસમાં નથી, કારણ કે એને નંબર-ગેમ અથવા રેસમાં રસ નથી. એ પરિણામની ચિંતા વગર પ્રેમથી, મહોબ્બતથી, ખંતથી મહેનતનો આનંદ લે છે. એટલે જ એ હસી શકે છે જ્યારે પેલો ‘ચતુર’ હંમેશાં સિરિયસ જ હોય છે. રાંચોને ખબર છે કે નંબર આવશે તો પણ રેસનો તો કોઈ અંત જ નથી. જાવેદ અખ્તર લખે છે તેમઃ

હર કિસી કા ખુશી રો ફાસલા બસ એક કદમ હૈ,

હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ! 
 

ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)2/12/2011 મુંબઈ સમાચાર




આપણે ભરોસે

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
                             
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે  ગાઈ ગાઈને કહે,
‘તારે  ભરોસે,  રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ,  -  હો ભેરુ …
                              
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે  જ  હાથે  સંભાળીએ,  -   હો ભેરુ…
                               
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે  જ  આપણે  છઈએ,  -  હો ભેરુ …. 

 - પ્રહલાદ પારેખ

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

ઘર...

જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. 
બસ થોડામાં રાજી! 
બસ થોડામાં રાજી! 
આખ્ખુંયે આકાશ અમે ક્યાં માગ્યું? 
- નાજી - નાજી! 
અમે તો બસ થોડામાં રાજી... 
આ ધરતી પર કોઈ વૃક્ષનું જોઈ લીલુંછમ હેત, 
પામ્યા પળમાં કેટકેટલા મર્માળા સંકેત! 
અવ્વલ તો મોસમની સાથે મેળવતા રહો બાજી! 
અમે તો બસ, થોડામાં રાજી... 
આ કહેતા કે કાંઈ નથી ને તે કહેતા કે ખૂબ! 
અમને જીવતર લાગ્યું અવસર જેવું આબેહૂબ! 
જીવશું થોડી સમજણ પ્હેરી, થોડાં સપનાં આંજી, 
અમે તો બસ, થોડામાં રાજી... 
- કિરીટ ગોસ્વામી 
સંતોષનું સરનામું 
જીવનમાં કેટલું બધું જીવવા જેવું છે! આ જીવવાનો અર્થ ઉંમર પ્રમાણે અને અનુભવ પ્રમાણે બદલાતો જાય છે. પરિવર્તન અને પડકાર એ જીવનના સિક્કાની એવી બાજુ છે જ્યાંથી બધી જ દશા-દિશા ખૂલતી-ઊઘડતી જાય છે. જીવનમાં કેટલું મેળવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કેવું મેળવવું એ પણ આપણે જ નક્કી કરવું પડે છે. કેવી રીતે મેળવવું એ સહુથી પહેલાં નક્કી કરવાનું હોય છે. આપણી મહત્ત્વાકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓ આકાશ જેટલી હોય એ સ્વાભાવિક છે. અનંતને છેવાડો નથી હોતો. સમજુ માણસ એટલે જ થોડામાં રાજી રહીને ઘણું બધું જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. કોની પાસે માંગવું એ પણ અગત્યનું છે અને કેટલું રાખવું એ વધારે અગત્યનું છે. 
કવિ એટલે જ અહીંયાં થોડામાં રાજી રહેવાની વાત કરે છે. વળી કુદરત પાસે પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. બહાર ફરવા જવાનાં સ્થળોમાં આપણને હમેશાં મોબાઈલનાં નેટવર્ક વગરનાં કુદરતી સ્થળો ગમતાં હોય છે. એનું કારણ એક જ છે કે આપણે ખૂબ થાકીએ છીએ ત્યારે આપણા થાક ઉપર જે મર્માળુ હેત ફરકાવે છે એ કુદરત છે. એને ફૂલોની ભાષામાં બોલતાં આવડે છે. એને છાંયડાનો કક્કો ઘૂંટતા આવડે છે. આપણે મુસાફર જેવા છીએ એની ખબર સમજણા થયા ત્યારથી પડી છે. પણ વટેમાર્ગુને ક્યાં વિસામો લેવો એની સમજણ જાતે જ પડવી જોઈએ. કેટલું બધું જાણીએ છીએ અને અજાણ્યા રહી જઈએ છીએ. કેટલું બધું સમજીએ છીએ અને બેખબર બની જઈએ છીએ. આટલું ભાન છે એનાથી વધારે શું જોઈએ? 
'જીવન' ભગવાનના અવસરનું બીજું નામ છે. સંબંધીને ત્યાં પ્રસંગ હોય ત્યારે આપણને કેટલો બધો હરખ થાય છે. આપણે કેવા એ પ્રસંગમાં જોડાઈ-જોતરાઈ જઈએ છીએ. આપણું જીવન એ ઇશ્વરના ઉત્સવમાં સહભાગી થવા માટે આપણને મળેલું છે. થોડીક સમજણ હોય અને થોડીક સપનાં જોવાની બેચેની હોય તો જીવનને વધારે સારી રીતે સજાવી શકાય છે. ઘરનું ફર્નિચર વરસો પછી મરામત માંગે છે. નવા વિચારો-ધીરજથી કેળવાયેલી સમજણ એ જીવતરના મરામતનો ઉકેલ છે. થોડામાં રાજી રહેતાં આવડે તો વધારે મળશે ત્યારે છકી જવાનું મન નહિ થાય. સ્થિતપ્રજ્ઞાનાં લક્ષણો ધર્મશાસ્ત્રોએ સારું અને સાચું જીવવા માટે આલેખ્યાં છે. એનો સરળ અનુવાદ કવિ કિરીટ ગોસ્વામીએ કરેલો છે. 
જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. આપત્તિ સામે લડવાની તૈયારી કરવી એના કરતાં આપત્તિ સાથે યારી કરવી વધારે સારી... ''જે દર્દ જેનું એની મને સારવાર છે'' આ વાત પીડાથી લઈને દુઃખતી રગ સુધી સાચી પડી શકે છે. સવાલ એ છે કે તમે કયા એપ્રોચથી એને સમજી શકો છો. જીવનના હકારની આ કવિતા રાતોરાત બધું જ કમાઈ લેવા મથતા આપણા જીવને સંતોષનું સરનામું આપે છે.


 - અંકિત ત્રિવેદી (જીવનના હકારની કવિતા 5/2/2012)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

બંધબેસતી પાઘડી ઓઢી લેવાની છૂટ છે!


જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે
લખવા સિવાય મને બીજું કશું આવડતું નથી. મારા એક નજીકના મિત્રે મને કહ્યું કે “દુઃખમાં હોઈએ ત્યારે દુઃખ ન વધે એવું લખવું.” અહીં લખેલા પ્રસંગો વાંચીને કોઈને દુઃખની લાગણી તો નહીં જ થાય એમ હું માનું છું.
ખ્ત ગુજરાતમાં જુદા જુદા પ્રકારના ખેડૂતો છે. એમાં પાટીદાર અને દેસાઈ બે જાણીતા છે. દેસાઈ વિશે હું બહુ જાણતો નથી, કારણ કે નાગરથી માંડીને અનેક કોમમાં દેસાઈ છે અને એ બધા ખેડૂતો હોય એમ લાગતું નથી. અહીં લખેલી વાત અકબરના જમાનામાં બની છે. એ વાતમાં સત્ય કેટલું હશે એની ખબર નથી, કારણ કે અકબર વિશેની જે વાતો પ્રચલિત છે, એમાંની આ પણ એક છે.
ગુજરાતના અફઘાન બાદશાહો પાસેથી અકબરે ગુજરાત જીતી લીધું પછી એ અમદાવાદ આવ્યો ત્યારે હુકમ કર્યો કે જેમને અઘાટ જમીન મળી હોય એમણે દસ્તાવેજો બતાવવા. નહીં બતાવે એની જમીન ખાલસા કરવામાં આવશે. ઘણા લોકોએ દસ્તાવેજો બતાવ્યા. એમાંના ઘણા ખરા તાંબાના પતરા ઉપર લખેલા હતા, પરંતુ એક દેસાઈએ કહ્યું કે એની પાસે દસ્તાવેજ નથી. એની પાસેની જમીન પાંચ પેઢીથી એની પાસે છે અને એના દસ્તાવેજોની નકલ દિલ્હીમાં છે. સૂબાએ અકબરને વાત કરી. એણે કહ્યું કે, “દિલ્હીમાં કઈ જગ્યાએ ક્યાં છે, એ કહો તો તપાસ કરવામાં આવશે.”
દેસાઈએ કહ્યું, “જહાંપના, આપને મળેલા દિલ્હીના તખ્તનો જે દસ્તાવેજ તાંબાના પત્રમાં છે એની પાછળ જ મારી જમીનનો દસ્તાવેજ છે.” એ સાંભળતાં જ અકબર હસી પડયો અને એ દેસાઈ પાસે હતી એટલી જ બીજી જમીન એને ઈનામમાં આપી.
(આમાં સમજવાનું એ છે કે રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, જે કોઈ જીતી શકે એ તખ્ત ઉપર બેસી શકે છે અને એ તખ્ત કોઈ પાસે રહેતો નથી. મુઘલો પાસે ચારસો જેટલાં વર્ષો શાસન રહ્યા પછી પણ એ ચાલ્યું ગયું. અંગ્રેજોએ છીનવી લીધું અને એમની પાસેથી પણ એ ચાલ્યું ગયું. કોઈ કાયમી પૃથ્વીપતિ છે જ નહીં.)
* અકબરની જ એક બીજી વાત.
અમદાવાદમાં અકબરનો મુકામ હતો ત્યારે કાઠિયાવાડના એક નાના ગામમાંથી એક વૃદ્ધા અકબર પાસે ફરિયાદ કરવા આવી. એની ફરિયાદ હતી કે એના જુવાન દીકરાએ એને માર મારનાર એક ધનવાન વિરુદ્ધ જમાદારને ફરિયાદ કરી તો જમાદારે એને જ મારી મારીને કોટડીમાં પૂરી દીધો. ફોજદારને ફરિયાદ કરી તો એણે એ સાંભળી નહીં. બાદશાહ અમદાવાદ આવ્યા છે એવું સાંભળીને એ એમને ફરિયાદ કરવા આવી હતી. અકબર એની વાત ધીમેથી સાંભળી રહ્યો હતો. એ જવાબ આપે એ પહેલાં જ અકબરને નમન કરીને એક દરબારીએ વૃદ્ધાને કહ્યું, “બાદશાહ સલામત દિલ્હીમાં રહે છે. એ આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન આપે તો બીજું કામકાજ કરી જ ન શકે.” રાજદરબારમાં હંમેશાં ચમચાઓ હાજર હોય જ છે.
માજી દાઝેલાં હતાં. એમણે કહ્યું, “હું ક્યાં કહું છું કે બાદશાહ સલામત આવું નાનું કામ કરે. દિલ્હીમાં બેઠાં બેઠાં એમનાથી પોતાની વસતીની ફરિયાદ ઉપર ધ્યાન ન આપી શકાતું હોય તો જે કોઈ ધ્યાન આપી શકે એને ગાદી આપી દે.”
હાજર હતા એ બધા સડક થઈ ગયા!
બાદશાહ અકબરે સૂબાને કહ્યું, “માજીના દીકરાને તાત્કાલિક જ છોડી દેવાનો હુકમ કરો. જમાદાર અને ફોજદારને એના હોદ્દા ઉપરથી દૂર કરીને આકરામાં આકરી સજા કરો અને આ ઘરડી સ્ત્રી જીવે ત્યાં સુધીના એના ભરણપોષણની વ્યવસ્થા કરો. આવી ફરિયાદ ફરીથી આવવી ન જોઈએ.”
(દરેક રાજકર્તાઓએ આ વાત યાદ રાખવા જેવી છે. લોકોની વાજબી ફરિયાદ જો એ સાંભળી ન શકે, અમલદારો અન્યાયી વર્તન કરે, તો વહેલા મોડા એનો ભોગ રાજકર્તાએ જ બનવું પડે છે.)
* આજકાલ ફતવાઓ વિશે બહુ લખાય છે. અહીં હું એક ફતવાની વાત કરું છું. લોકો જેમાંથી પીવાનું, નહાવાધોવાનું પાણી ભરતા હતા એ કૂવાઓ હવે લગભગ નકામા થઈ ગયા છે. હવે નળ અને ડંકી થઈ ગયાં છે. આ ફતવાની વાત મસ્જિદમાં અને બીજી જગ્યાએ કૂવા હતા ત્યારની છે.
એક કૂવામાં એક ગલૂડિયું પડી ગયું અને માણસોને એની ખબર પડી ત્યારે તો એ મરી ગયું હતું. એનું શરીર ફૂલીને ફાટી ગયું હતું. પાણીમાં ગંધ આવવા માંડી હતી. લોકો મૌલવી પાસે ગયા અને એ પાણી પાક ક્યારે થઈ શકે એ માટે પૂછયું.
મૌલવીએ કહ્યું કે,”એ કૂવામાંથી બધું જ પાણી કાઢી નાખવાથી કૂવાનું પાણી પાક થઈ જશે. એ વખતે પાણી ખેંચવા માટે એન્જિનનો ઉપયોગ થતો નહોતો. ઘડાથી પાણી ખેંચવામાં આવતું હતું. એટલે લોકોએ ઘડે ઘડે કરીને કૂવામાંથી બધું પાણી ખેંચી લીધું, નવી સરવાણીઓ આવી ને કૂવો ભરાઈ ગયો, પરંતુ કૂવાના પાણીમાંથી ગંધ દૂર ન થઈ. લોકોએ મૌલવી પાસે જઈને વાત કરી એટલે મૌલવીએ ફરી પાણી ઉલેચી લેવાનું કહ્યું. ફરી પાણી ઉલેચી લીધું, ફરી કૂવો ભરાવા લાગ્યો. પાણીમાંથી ગંધ દૂર ન થઈ તે ન જ થઈ. મૌલવીને નવાઈ લાગી. એમણે પ્રશ્ન કર્યો, “કૂવામાંથી મરી ગયેલાં ગલૂડિયાને તો કાઢયું છે ને કે પાણી જ ઉલેચ્યા કરો છો?”
હાજર હતા એ લોકો એક બીજા સામે જોવા લાગ્યા. ગલૂડિયું તો કોઈએ કૂવામાંથી કાઢયું જ નહોતું.
(રાજકારણ કે સમાજમાંથી મૂળ ગંદકી દૂર કર્યા વિના એને શુદ્ધ કરવાની ચર્ચા એ માત્ર એકબીજા ઉપર દોષ ઢોળવાથી વિશેષ કશું જ નથી.)
* આજે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો થાય છે, ત્યારે રાજકર્તાઓને ઉપયોગી થાય એવી એક વાત, શેખ સાદીના બુસ્તાન (બોસ્તાન)માંથી અહીં નોંધું છું.
ઈરાનનો શહેનશાહ દારાયસ એક વાર શિકારે ગયો હતો ત્યારે એના કાફલાથી છૂટો પડી ગયો. એને જોઈને એક માણસ દોડતો એના તરફ આવ્યો. દારાયસને થયું કે એને એકલો જોઈને એના તરફ આવનાર માણસ દુશ્મન જ હોવો જોઈએ. તરત જ પોતાના ધનુષ ઉપર તીર ચડાવીને એણે પણછ ખેંચી આવનાર માણસે બૂમ મારી “હું દુશ્મન નથી. મને મારશો નહીં. હું તો તમારા ઘોડાઓનો રખેવાળ છું અને આ વીડમાં એને ચરાવું છું.”
દારાયસે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરી, હસીને કહ્યું, “ઈશ્વરે તને બચાવ્યો નહીં તો આજે તું મારા તીરનો ભોગ બની જાત.”
એ માણસ શહેનશાહના ઘોડાઓનો મુખ્ય રખેવાળ હતો. એણે હાથ જોડીને કહ્યું, “શહેનશાહ, માફ કરજો, પરંતુ જે રાજા પોતાનો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એ જાણી ન શકે તે જરૂર ખત્તા ખાય છે. આપે મને ઘણી વાર જોયો છે અને ઘોડાઓ વિશે પૂછપરછ કરી છે. છતાં આપ મને ઓળખી ન શકયા. આપના હજારો ઘોડામાંના દરેક ઘોડાને હું ઓળખી શકું છું.
એ સાંભળી દારાયસ વિચારમાં પડી ગયો ઘોડાના રખેવાળની વાત ખોટી નહોતી.
(જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે.)
શેખ સાદીનાં બે વિખ્યાત પુસ્તક ‘ગુલિસ્તાન’ અને ‘બુસ્તાન’ (બોસ્તાન)માં સામાન્ય માણસથી લઈને રાજકર્તાઓ, દરવેશો, ઉમરાવો અને ગરીબો બધાને ઉપયોગી થાય એવી કથાઓ અને કાવ્યો છે. એની વાત ક્યારેક કરીશું.
* હવે હું એક ખેડૂતની વાત કરું છું.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના પિતા ખેડૂત હતા. એમને સ્થળાંતર કરવાનું હોવાથી પોતાનું ખેતર વેચી નાખવાની એમણે જાહેરાત કરી. સારા ગ્રાહકની રાહ જોવા લાગ્યા, પરંતુ એવો ગ્રાહક તરત મળ્યો નહીં એટલે એ પોતાનું ખેતર ખેડવા લાગ્યા.
એમને ખેતર ખેડતાં જોઈને એક માણસે પૂછયું, “કાકા, તમે ખેતર વેચી નાખવા માંગો છો એ વાત સાચી છે?”
“હા” ખેતર ખેડતાં ખેડતાં એમણે માથું હલાવ્યું.
“તો પછી ખેતર ખેડવાની મહેનત શા માટે કરો છો?”
પ્રમુખ લિંકનના પિતાએ કહ્યું, “હું ખેતર વેચવાની વાત મારા ખેતરને કહેવા નથી માંગતો.”
(આ વાત ઘણું કહી જાય છે. પ્રમુખ લિંકનમાં એમના પિતાનો આ ગુણ બરાબર ઊતર્યો હતો. પોતાના સામે આવેલું કામ એ ક્યારેય કર્યા વિના છોડતા નહોતા.)
* હવે મેં સાંભળેલી એક કાગડાની વાત.
એક પ્રદેશમાં એક વાર દુષ્કાળ પડયો. દુષ્કાળમાં પશુ પક્ષીઓ પણ મરવા લાગ્યાં. એ વખતે એક કાગડાએ એક શિવાલયમાં મુકામ કર્યો. દુષ્કાળમાં પણ ભારતના માણસો ધર્મ કર્મ કરવાનું છોડતા નથી. લોકો મંદિરમાં જતા અને કોઈ ને કોઈ ખાવાનું કે રોકડ મૂકી જતા. કાગડો એ ખાવાનું ખાઈને જીવવા લાગ્યો.
ઉનાળો પૂરો થયો. વરસાદ થયો. દુષ્કાળ પૂરો થયો. હવે કાગડો અકળાવા લાગ્યો. હવે મંદિરમાં રહીને ટુકડા ખાવાની જરૂર નહોતી. દરરોજ એ ભગવાનની મૂર્તિ પર ચરકવા લાગ્યો. એને હતું કે ભગવાન એના ઉપર નારાજ થશે તો એ બહાને એનો આશરો છોડીને પોતે ઊડી જઈ શકશે, પરંતુ એવું બન્યું નહીં એટલે એક દિવસ મંદિરમાં કોઈ નહોતું ત્યારે એણે ભગવાનને કહ્યું, “હું રોજ તમારા ઉપર ચરકું છું એટલે તમને નહીં ગમતું હોય એ હું જાણું છું. તમે મને શાપ આપો તો હું અહીંથી જવા માંગું છું.”
“અરે, કાગડાભાઈ” ભગવાને કહ્યું, “તમે ચરકો છો એ તો મને ગરમ હૂંફાળું લાગે છે.”
“એમ? મારું ચરક તને ગરમ લાગે છે?” કાગડાએ કહ્યું, “તો હવે જેનું ચરક ઠંડું લાગે એને બોલાવજે” એમ કહીને એ ઊડી ગયો.
(આ બાબતમાં વિશેષ કશું લખવાની જરૂર નથી. જેને આ બંધબેસતું લાગે એણે એ ઓઢી લેવું, અને પોતાની જાતને સુધારવા જેવું લાગે તો સુધારવી. જેને ન લાગે એનું શું કહી શકાય?)
-

કેલિડોસ્કોપ  મોહમ્મદ માંકડ


બુધવાર, 18 જાન્યુઆરી, 2012

જે.કે. રોલિંગ સફળતાનો ‘શબ્દ’કોશ


જે.કે. રોલિંગ હેરી પોટર સિરિઝની વાર્તાના શબ્દો લખી આજે સફળતાનો શબ્દકોશ બની ચૂક્યાં છે. પણ એમની સફળતા ભારે સંઘર્ષપૂર્ણ છે

સફળતાની બધી વ્યાખ્યાઓ પોતાની તરફેણમાં કરી દેનારાં જોની રોલિંગ એક સમયે બેકારી ભથ્થું મેળવી ગુજરાન ચલાવતાં જ્યારે આજે તેમની સંપત્તિ ૫૩૦ મિલિયન પાઉન્ડ છે! બ્રિટનની એ સૌથી ધનાઢય મહિલા પૈકીની એક છે. જોકે આ સફળતા રાતોરાત નથી મળી. એમને એ માટે ઘણો સંઘર્ષ કરવો પડયો છે.

આખું નામઃ જોની કે રોલિંગ
જન્મ તારીખઃ ૩૧ જુલાઈ, ૧૯૬૫









તેમની જિંદગી પર એક નજર...

* તેમનો જન્મ બ્રિટનના ગ્લુચેસ્ટશાયર ખાતેના યાટેમાં ૧૯૬૫માં થયેલો. તેમના પિતા પિટર જેમ્સ અને માતા એની રોલિંગ હતાં. નાનપણથી જ તેમને કાલ્પનિક (ફેન્ટસી) કથાઓ લખવાનો શોખ હતો. એ નાનપણમાં પોતાની નાની બહેનને પોતે ઘડી કાઢેલી વાર્તાઓ સંભળાવતી. યુવાનીમાં નાની દીકરીને બાબાગાડીમાં સૂવડાવીને સૂઈ રહે એટલી વારમાં વાર્તા લખતી.

* આજે તેમનાં પુસ્તકો બાઈબલ પછી સૌથી વધુ વંચાતાં પુસ્તકો ગણાય છે. તેમનાં પુસ્તકોની ૯૫ દેશોમાં, ૬૫ ભાષામાં ૪૦ કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.    

* ૧૯૯૫માં તેમણે પોતાની પોટર સિરિઝની પહેલી બુક ‘હેરી પોટર એન્ડ ફિલોસોફર્સ સ્ટોન’ પોતાના જુનવાણી ટાઈપરાઈટર પર લખેલી. બારેક પ્રકાશકોએ આ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈને રિજેક્ટ કરી દીધેલી. આખરે બ્લૂમ્સબરી પબ્લિકેશને એક વરસ પછી માંડમાંડ પુસ્તક છાપવાની તૈયારી બતાવી. બ્લૂમ્સબરીના ચેરમેને એ વાર્તાનું પહેલું ચેપ્ટર પોતાની આઠ વર્ષની દીકરી એલિસ ન્યૂટનને વાંચવા આપેલું. તેને પસંદ પડયું એટલે તેઓ છાપવા માટે તૈયાર થયા. અલબત્ત, પ્રકાશકે તેમને સલાહ આપેલી કે આવી ચોપડીઓ લખવામાં બહુ પૈસા મળે એવી અપેક્ષા રાખશો નહીં, બીજી નોકરી શોધી લેજો.

* પહેલી આવૃત્તિમાં પહેલા ભાગની એક હજાર નકલો છપાયેલી જેમાં ૫૦૦ તો લાયબ્રેરીમાં ગયેલી. આજે એ પહેલી આવૃત્તિ એન્ટિક ગણાય છે અને એક નકલની કિંમત જાણકારો ૧૬૦૦૦ ડોલરથી ૨૫૦૦૦ ડોલર વચ્ચે આંકે છે. બાદમાં એ પહેલા ભાગને ચિલ્ડ્રન્સ બૂક ઓફ ધ યરનો એવોર્ડ મળેલો.

* તેમણે એક્સટર યુનિર્વિસટીમાં ફ્રેંચ સાથે બીએ કર્યું છે.

* ૧૯૯૦માં માન્ચેસ્ટરથી લંડન જતી વખતે ટ્રેઈન ચાર કલાક મોડી પડી ત્યારે તેમને સૌથી પહેલાં હેરી પોટર લખવાનો વિચાર આવેલો.

* ૧૯૯૨માં રોલિંગ પોર્ટુગલ શિફ્ટ થયાં અને ત્યાં અંગ્રેજી ટીચર તરીકેની જોબ શરૂ કરી. ત્યાં જ તેમણે ટીવી જર્નલિસ્ટ જોર્ગ આર્ન્સ્ટ સાથે લગ્ન કર્યાં. ૧૯૯૩માં તેમને એક દીકરી જન્મી અને એ જ વર્ષે તેમના પતિથી અલગ પડી ગયાં. એ પછી તેઓ પોતાની નાનકડી દીકરી સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં શિફ્ટ થઈ ગયાં.

* પહેલી નવલકથા પછી લખાણ ચાલુ રાખવા માટે તેમને સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલ તરફથી ગ્રાંટ મળેલી.
* નાનપણમાં એલિઝાબેથ ગોજની નવલકથા ‘ધ લિટલ વ્હાઈટ હાઉસ’ તેમની ફેવરિટ વાર્તા હતી.

* પહેલી બુકમાં લેખક તરીકે નામ જે.કે. રોલિંગ રખાયેલું, કેમ કે જોની રોલિંગ રાખે તો કદાચ બાળકો મહિલા લેખિકાને વાંચવાનું પસંદ ન કરે એવો તેને ડર હતો. બાદમાં પહેલી બૂક વાંચીને એક વાચકે પત્ર લખ્યો જેનું સંબોધન હતું ‘ડિયર સર.. ‘ કેમ કે તેને લાગેલું કે જે.કે. રોલિંગ કોઈ પુરુષ લેખક હશે.

બાયોગ્રાફી-  સંદેશ સંસ્કાર પૂર્તિ  ૮/૧/૨૦૧૨

દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે


હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
 
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

- બરકત વીરાણી ‘બેફામ’

          જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો? તેમ થશે તો? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘નેચરલ લાઇફ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી, જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે? ના, આપણને ખબર નથી, તો પછી સતત ડરવાનું શા માટે?
અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે, કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડગમગો નહીં, કારણ કે આપણે તેની સાથે જ તો જીવવાનું છે.
          એક ફિલોસોફરે સરસ વાત કરી છે. માણસ એટલા માટે દુઃખી છે, કારણ કે તે સંપૂર્ણ અસલામત વિશ્વમાં સતત સલામતી શોધતો ફરે છે. એ સલામતી શોધી પણ લે છે અને પછી પાછો એ જ સલામતીની અસલામતી અનુભવે છે.
             એક યુવાન હતો. તેને સતત એવું થતું કે મને એક એવી વ્યક્તિ મળે જે મને ખૂબ જ પ્રેમ કરે. તેને એક યુવતી સાથે પ્રેમ થયો. તેને થયું કે હું જે ઇચ્છતો હતો એ મને મળી ગયું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. ધીમે ધીમે યુવાનને ડર લાગવા માંડયો કે મારો પ્રેમ મારાથી છીનવાઈ જશે તો? હું પાછો એકલો થઈ જઈશ તો? મારી પ્રેમિકા મને દગો દેશે તો? તેને થયું કે મારી આ મૂંઝવણ હું મારી પ્રેમિકાને જ કહું.
એક દિવસ તેણે આ વાત પ્રેમિકાને કરી. પ્રેમિકાને પૂછયું, કે તું મને આખી જિંદગી પ્રેમ કરીશને? પ્રેમિકા ખડખડાટ હસવા લાગી. પ્રેમિકાએ કહ્યું, મને ખબર નથી. આ પર્વતની ખીણમાં આપણે બેઠાં છીએ, ઉપરથી કોઈ મોટો પથ્થર હમણાં પડે અને હું મરી જાઉં તો? તને કાલની ખબર છે કે તું કાલે મારી સાથે હોઈશ? તો પછી આખી જિંદગીની ચિંતા શા માટે કરે છે? મને તો એટલી ખબર છે કે હું અત્યારે તારી સાથે છું અને તને પ્રેમ કરું છું. તું અત્યારે તારી સાથે નથી. તું આજમાં નથી. તું આવતી કાલમાં જીવે છે. આવતી કાલ જે તદ્દન અનિશ્ચિત છે, આવતી કાલ જે તદ્દન અસલામત છે. આજમાં જીવ. અત્યારે જીવ. ડર હટાવી દે. હવે પછીની ક્ષણની ખબર નથી અને તું આખી જિંદગીની ચિંતા કરે છે. આવું જ કરતો રહીશ તો તું ક્યારેય તારી સાચી જિંદગી જીવી નહીં શકે. કાલની મને ખબર નથી, કાલની મને ચિંતા પણ નથી. મને માત્ર એટલી ખબર છે કે અત્યારે હું છું, અત્યારે જેટલો પ્રેમ થાય એટલો પ્રેમ તને કરી લઉં.
            કેવું છે? કાલની ખબર નથી અને આપણે ‘ગેરંટી’ અને ‘વોરંટી’ શોધતા ફરીએ છીએ. બીમારીની ખબર નથી અને મેડિકલ ઇન્સ્યુરન્સ લીધે રાખીએ છીએ. કાલની ખબર નથી અને જીવનનો વીમો ઉતારીએ છીએ. એનો મતલબ એવો નથી કે કોઈ પ્લાનિંગ જ ન કરવું. પ્લાનિંગ કરવું જ જોઈએ, સલામતી વિચારવી પણ જોઈએ, છતાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અસલામતીથી ડરવાનો કોઈ જ મતલબ નથી. અને હા, ગમે તેવી અસલામતીમાં પણ જિંદગી ટકવાની જ છે. સવાલ માત્ર એટલો ચિંતનની પળે જ હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે સમજીએ છીએ.
                માણસને કઈ કઈ વાતનો ડર લાગે છે? ઘરનો, પ્રેમનો, સંબંધનો, જિંદગીનો અને નોકરી અથવા ધંધાનો. મજાની વાત એ છે કે આમાંથી કશું જ નિશ્ચિત નથી. આપણે એક વસ્તુ મેળવીએ છીએ અને પછી તેને પકડી રાખીએ છીએ. આપણે એટલા માટે જ પકડી રાખીએ છીએ, કારણ કે આપણને ડર છે કે એ આપણા હાથમાંથી છટકી જશે. એ છટકી જાય તો માણસ કંઈ જ કરી શકતો નથી, છતાં તેને જકડી રાખે છે.
માણસ સતત સલામતી માટે મથતો રહે છે. સલામતીની ચિંતામાં એ સરખું જીવતો પણ નથી. મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મારાં સંતાનોને કંઈ થઈ જશે તો?મારો દીકરો કે દીકરી પરીક્ષામાં ફેઇલ થશે તો?મારી દીકરીને સારું ઠેકાણું નહીં મળે તો?અરે, માણસ તો ત્યાં સુધી ડરતો રહે છે કે મારે કાલે વહેલી સવારે ટ્રેન કે ફ્લાઇટ પકડવાની છે એ હું મિસ કરી દઈશ તો?સવારે વહેલું ઉઠાશે નહીં તો? મોબાઇલમાં મૂકેલો એલાર્મ સવારે નહીં વાગે તો? મને કંઈક થઈ જશે તો? આ બધાંમાંથી કંઈ નિશ્ચિત નથી તો પણ આપણે ડરતાં રહીએ છીએ ને.
                   કાર્લ યુંગ નામના વિદ્વાને કહ્યું છે કે, માણસની વ્યાખ્યા દરેક માણસે સમજવી જોઈએ. માણસને તો ક્યારેય બદલવું હોતું જ નથી, પરંતુ માણસ એ માત્ર માણસ નથી. માણસ એટલે માણસ અને તેના સંજોગો. માણસ ભલે ન બદલે પણ સંજોગો તો બદલતા રહેવાના જ છે. સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે. તમે તમારા સંજોગોને તમારાથી દૂર ન કરી શકો. સંજોગો એકસરખા રહેવાના જ નથી. આપણે સંજોગોની કલ્પના અને સંજોગોની શક્યતાઓ વિચારીને જિંદગીને જીવવાની મથામણ કરતાં રહીએ છીએ અને સંજોગો બદલીને સાવ જુદાં જ રૂપે સામે આવી જાય છે. એટલે જ કહેવું પડે કે જિંદગી જીવવી હોય અને જિંદગીને પ્રેમ કરવો હોય તો સંજોગોથી ડરો નહીં પણ સંજોગો સ્વીકારો. જિંદગી પ્રશ્ન આપે છે, એ પ્રશ્નનો જવાબ પૂરો કરીએ ત્યાં જિંદગી આખું ક્વેશ્વન પેપર જ બદલાવી નાખે છે.
                માણસ આખી જિંદગી પ્લાનિંગમાં વિતાવે છે. માણસ પાસે કાલનું પ્લાનિંગ છે, માણસ પાસે આખી જિંદગીનું પ્લાનિંગ છે. માણસ પાસે માત્ર અત્યારનું પ્લાનિંગ નથી, અત્યારે કેમ જીવવું એ તેને ખબર નથી, કારણ કે એ કાલના પ્લાનિંગમાં જ અટવાયેલો છે, એવી કાલ જેની કંઈ જ ખબર નથી.
               માણસ જ આખી જિંદગી અસલામતી અને અનિશ્ચિતાથી ડરતો અને ફફડતો રહે છે. કેટલાક લોકો તો જિંદગીથી એટલા બધા ડરી જાય છે કે એ આપઘાત કરવાનું વિચારવા લાગે છે કે આપઘાત કરી લે છે. તમને ખબર છે, માણસ સિવાય કોઈ જ જીવ ક્યારેય આપઘાત કરતો નથી. તમે કોઈ પક્ષીને ગળે ફાંસો ખાતા જોયું છે? કોઈ પશુએ ઝેર પીને જીવ દીધાનું તમે સાંભળ્યું છે? ઝરણાંનો રસ્તો બંધ કરી દો તો એ છલકીને બાજુમાં નવો રસ્તો કરી વહેવા લાગે છે. માત્ર માણસ જ અટકી જાય છે. એ એવું માનવા લાગે છે કે હવે કોઈ રસ્તો જ નથી. રસ્તો તો હોય જ છે, આપણે આપણી આંખો અને બુદ્ધિ બંધ કરી દઈએ છીએ એટલે આપણને રસ્તો દેખાતો કે સૂઝતો નથી.
                અસલામતીથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને એ ઉપાય એવો છે કે અસલામતીથી ક્યારેય ડરવું નહીં. યાદ રાખો કંઈ જ સલામત નથી. આપણે જે સલામતી શોધી કે ગોઠવી છે એ સનાતન નથી. માત્ર અસલામતી જ સનાતન છે. માત્ર સલામતી પાછળ ન દોડો, અસલામતીને સ્વીકારો. કોઈ સંજોગથી થથરી ન જાવ, કોઈ વાતથી ડરી ન જાવ. તમે છો તો બધું છે. જે બદલાય છે એ માત્ર એક પરિસ્થિતિ હોય છે, જે ફરીથી બદલાવાની હોય છે.
                 દરેક માણસ જાણે છે કે આપણું ધાર્યું કંઈ થવાનું નથી, છતાં દરેક માણસ સતત એવું જ ઇચ્છતો અને કરતો રહે છે કે પોતાનું ધાર્યું થાય. કંઈ જ આપણા ‘કંટ્રોલ’માં નથી, છતાં આપણે બધું જ ‘કંટ્રોલ’ કરવું હોય છે અને આ ‘કંટ્રોલ’ની ઉપાધિમાં આપણે આપણા પરથી જ ‘કંટ્રોલ’ ગુમાવી દઈએ છીએ. સ્વીકારી લો કે કંઈ જ સલામત નથી, અસલામતીથી દુઃખી ન થાવ. આજમાં જીવો, અત્યારે જીવો, આ ક્ષણ તમારી છે અને તમે એ ક્ષણના છો? આપણે સમયથી ભાગી અને તેનાથી આગળ નીકળી જવાનો ખોટો પ્રયાસ કરતા રહીએ છીએ અને કાલની ચિંતામાં જીવીએ છીએ. મજા અત્યારે છે, આનંદ આ ક્ષણે છે, સુખ તમારી પડખે છે. જે અસલામતી લાગે છે એ અણસમજ છે. ડરતાં રહેશો તો ક્યારેય જિંદગી જીવી નહીં શકો. કોઈ વાતનો અફસોસ ન કરો, કોઈ વાતની ચિંતા ન કરો. જિંદગી જેવી છે એવી ખુલ્લા દિલે જીવો, તો જ જિંદગી જીવવાની મજા આવશે.


છેલ્લો સીન
જીવન એટલે માણસનો એવી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માગે છે.
-  સ્વામી વિવેકાનંદ

 ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2012

પ્રાર્થના

સ્વામી વિવેકાનંદ
જયારે મેં પ્રભુ પાસે શક્તિ માગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જયારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા

જયારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુ:ખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જયારે મેં અઢળક સંપતિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જયારે મેં આશીર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરવા શીખવ્યું

પ્રભુ એ મને જે જોયતું હોય એ કાંઈ ના આપ્યું
તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી

- સ્વામી વિવેકાનંદ