સોમવાર, 14 ઑગસ્ટ, 2017

સમસ્યા એટલે શું ?

અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. આ અંતર જેટલું લાંબુ તેટલી સમસ્યા મોટી. મારો મિત્ર મથુર મ્યુનિસિપાલીટીની સ્થાનિક ચૂંટણીમાં અમારા વૉર્ડમાંથી ચૂંટાઈ ન શક્યો છતાં નિસાસા નાખતો હતો, ‘અરેરે હું મંત્રી ક્યારે બનીશ ?’ મથુરનો દીકરો દામોદર નથી પૂરતું ભણ્યો, નથી કોઈ કામ ધંધો કરતો, નથી નાકે-ચહેરે નમણો છતાં કોઈ સ્વરૂપવાન, સંસ્કારી અને શિક્ષિત યુવતી સાથે સગપણ થાય તેમ ઈચ્છે છે.
મારા મિત્ર સુરેશે તેના જીવનનો પ્રસંગ વર્ણવેલો જે જાણીને મને આનંદ થયો. સુરેશ કહે, ‘મારા પિતાશ્રી બુદ્ધિમાન ખરાં. અમે ભણતાં ત્યારે અમારા કલાસમાં મધુ નામની એક વિદ્યાર્થીની ભણતી. એ ખૂબ સુંદર હતી. તેનો પરિવાર અમારા પાડોશમાં જ રહેતો, મધુના પિતા બૅન્કમાં મૅનેજર હતા. અમારા બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. વર્ગમાં ભણતાં મોટા ભાગના યુવકો મધુ સાથે પોતાનું જીવન જોડાય એવું ઝંખ્યા કરતા. હું પણ આમ જ વિચારતો. મારા પિતાએ મને પૂછયા વગર મારા મનની વાત ન જાણે ક્યાંથી જાણી લીધી. તેમણે મને એકવાર ડ્રોઈંગરૂમમાં બોલાવ્યો. ખૂબ પ્રેમથી સમજાવીને કહ્યું, “તું જો એન્જિનિયર થઈ જા તો તારું સગપણ મધુ સાથે થઈ શકશે.” મેં પ્રયાસ કર્યો પણ એ પરિવાર કોઈ એન્જિનિયર યુવક સાથે મધુનું સગપણ કરવા ઈચ્છે છે. હું અમસ્તો અમસ્તો વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજીમાં હોંશિયાર હતો, સારા નંબરે પાસ થતો હતો. જગતના ચોકમાં મારી લાયકાત સિદ્ધ કરવા હું મેદાન પડ્યો.
રાત-દિવસ પરિશ્રમ કર્યો. જ્યાં કંટાળતો, થાકતો ત્યાં મધુનું મુખ દેખાતું અને મને પ્રેરણા આપતું. “મારા માટે માત્ર આટલો ભોગ તમે નહિ આપો.” કઠોર પરિશ્રમ હંમેશા પરિણામ લાવે જ. મારી એન્જિનિયર થવાની ઝંખના જ મારો માર્ગ બની. એમાં મધુની પ્રેરણા ભળી. હું ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યો. પિતાએ વચન પાળ્યું. મધુ સાથે મારા ધામધૂમથી લગ્ન થયા. પરણ્યાની પહેલી રાત્રે હું મધુને મળ્યો. જેની વર્ષોથી પ્રતિક્ષા હતી, એ મિલનની ઘડી આવી પહોંચી. મારું હૈયું જોરથી ધબકવા લાગ્યું. મધુ સમક્ષ ઊભા રહી મેં બે હાથ જોડ્યા. મધુએ મારા હાથ પકડી લીધાં અને કહ્યું : “અરે, અરે, આ શું કરો છો ?” મેં કહ્યું, “ના, મધુ તારો ઉપકાર હું જીવનભર ભૂલી શકું તેમ નથી. તારે લીધે જ હું એન્જિનિયર થઈ શક્યો છું. માત્ર તારી પ્રેરણાથી.” મધુના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે કહ્યું, “પરંતુ મેં તો એવી પ્રેરણા તમને કદી આપી નથી.” મેં કહ્યું, “એન્જિનિયર યુવાન સાથે સગપણ કરવાની તારા પરિવારની અને તારી ઈચ્છાએ મને પ્રેરણા આપી.” મધુ કહે, “પણ એન્જિનિયર પતિ સાથે જીવન વિતાવવાની વાત મેં કદી વિચારી પણ નથી.” મારી નવાઈનો પાર ન રહ્યો. મેં કહ્યું, “તો તો મારા પિતાજીએ મને બનાવ્યો.” મધુ કહે, “શું એન્જિનિયર બનાવ્યા ?” મેં કહ્યું, “એ બનાવવા મને બનાવ્યો.” મેં મધુને વિગતવાર વાત કરી ત્યારે મધુ ગંભીર થઈ ગઈ. તેણે પૂછયું, “તો પછી તમે નહોતું જણાવ્યું કે એમ.એ થયેલી યુવતી સાથે જ હું તો જીવન જોડવા માંગુ છું ?” મેં કહ્યું, “ના, ભાઈ, મને કાંઈ ખબર નથી, મારી એવી કોઈ અપેક્ષા નહોતી.” હવે બંનેને ખાત્રી થઈ ગઈ કે બંનેને બનાવવામાં આવ્યા છે. પ્રથમ બેય રોષે ભરાના પછી આટલી શૈક્ષણિક લાયકાત મેળવવામાં કેટલા હેરાન-પરેશાન થયા તેની એકબીજાને માંડી વાત કરી. છેવટે વિચાર્યું વડીલોએ જે કાંઈ કર્યું તે બંનેના હિત માટે કર્યું છે. એટલે વળી ખુશ થયા.

સવારમાં બંને દાદરથી નીચે ઉતરતાં હતાં ત્યારે બંનેના પિતા ચર્ચા કરતાં હતાં કે, “આ ખબર પડશે ત્યારે શું થશે ?” બંની એકી સાથે કહ્યું : “કાંઈ નહિ થાય. અમે નકકી કર્યું છે કે આપને બન્નેને આ વાતની ખબર પડવા જ ન દેવી.” અને આખો પરિવાર ખડખડાટ હસી પડ્યો.
કાર્યનું મૂલ્યાંકન એ કરવા પાછળના ઉદ્દેશ પરથી થાય છે. વડીલોનો ઉદ્દેશ્ય ઉમદા હતો એમ નક્કી થયું અને કાર્ય જે થયું તે તો ઉત્તમ છે જ એ સૌએ સ્વીકાર્યું. પરિવારમાં પ્રસન્નતા પ્રસરી રહી. બંન્નેની અપેક્ષા વાસ્તવિકતામાં બદલી અને સમસ્યા પૂર્ણ થઈ.
સન્યાસીના જીવનમાં અપેક્ષા નથી હોતી. તેથી સમસ્યા પણ નથી હોતી, એટલે જ સ્વામી રામતીર્થ કહેતાં, “મૈ શહેનશાહો કા શહેનશાહ હૂં.” એટલે જ સિકંદરને ડાયોજીનસ કહી શક્યો કે, “મારે કાંઈ નથી જોતું. માત્ર દૂર ખસીને ઊભો રહે, જેથી દેવોની કૃપા જેવો સૂર્યનો પ્રકાશ મારા દેહ પર પડી શકે.” એટલે જ ભગવાન બુદ્ધને ભિક્ષુક કહેનાર કરોડપતિ શ્રેષ્ઠીને ભગવાન બુદ્ધે કહ્યું હતું, “કાશ ઐસા હોતા.”
ઘરના ઘરનો ત્યાગ કરી વિશાળ વૈભવી આશ્રમો જે ઊભા કરી શક્યા છે. પુત્ર-પુત્રીઓને તજી દઈ શિષ્ય-શિષ્યાઓનો વિશાળ વર્ગ જે મેળવી શક્યા છે. પોતાના વાહનો છોડી જનહિતના વિશાળ કાર્યને પહોંચી વળવા જેમને અવિરત વિમાની પ્રવાસો કરવા પડે છે. સંપત્તિનો ત્યાગ કરવા છતાં દાનરૂપે સંપત્તિ સ્વીકારવાની જેમને ફરજ પડી છે એવા મહાનુભાવોની સમસ્યા અને સામાન્ય સંસારીની સમસ્યામાં ઘણો તફાવત હોય છે. માનવી જેટલો મોટો તેટલી તેની સમસ્યા મોટી. નાના માનવીની સમસ્યા પોતાના ઘર પૂરતી હોય છે. જ્યારે મોટાની સમસ્યા આખા સમાજને આવરી લે છે અને અશાંતિ સરજે છે.
ચીનના મહાત્મા કન્ફયુશિયને વિશ્વ શાંતિનો માર્ગ બતાવ્યો છે. “હૃદયમાં નિર્મળતા હશે તો ચારિત્ર્યમાં સુંદરતા આવશે. ચરિત્ર સુંદર હશે તો ઘરમાં સંવાદિતા આવશે. ઘરમાં સંવાદિતા હશે તો રાષ્ટ્રમાં વ્યવસ્થા આવશે અને રાષ્ટ્રો વ્યવસ્થિત હશે તો વિશ્વમાં શાંતિ આવશે.” જનતાની આ અપેક્ષા છે જ્યારે વાસ્તવિકતા શું છે ? મનમાં દુર્જનતા, ચારિત્ર્યમાં હિનતા, ઘરમાં વિસંવાદિતા, રાષ્ટ્રોમાં અવ્યવસ્થા, રાષ્ટ્રોમાં અરાજકતા અને વિશ્વમાં અશાંતિ. આ છે વાસ્તવિકતા.
વાસ્તવિકતાનું તટસ્થાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો તેમાં પણ આનંદ રહેલો છે.
પરભાતનો પહોર હોય, લીંટાવાળો લેંધો અને ફાટેલું ગંજીફરાક પહેરી, ચશ્માંના કાચ પર ફરતી કીડીને છાપું ખંખેરીને દૂર કરવાનો વ્યર્થ પ્રયાસ પતિ કરતો હોય, છાપાંવાળો છાપું સુપ્રત કરી બીલ લેવા ઊભો હોય, રાતના દૂધમાંથી પોતાના હાથે ડાહ્યા થઈને બનાવેલી ચા ફાટી ગઈ હોય, મોંઘા પાડના ચા-ખાંડ બગાડ્યાનું દુ:ખ મનમાંથી જાતું ન હોય, ચા વગર દિવસની શરૂઆત થઈ હોય, બાથરૂમમાં ખુલ્લો રહી ગયેલો નળ દેશની જળસંપત્તિને અવિરતપણે વહાવી રહ્યો હોય. “ઘરનાને મારી પડી નથી.” આ ભાવ ઘૂંટાઈ ઘૂંટાઈને ભાવના બની ચૂક્યો હોય, શાળામાં પરિક્ષા ચાલતી હોવાથી આઠ વાગ્યા પહેલાં પહોંચવાનું હોય, કર્મચારીઓની કઠિનાઈઓને નહિ સમજી શકનાર હેડમાસ્તરની અળખામણી આકૃતિ નજર સામે તરવરતી હોય, ગરમ પાણીના અભાવે ‘ભલે શરદી થાય’ આમ વિચારી મોચીની રીસે કાંટામાં ચાલતો પતિ ઠંડે પાણીએ ખંખોર્યું ખાઈને બહાર નીકળતો હોય એ જ વખતે સમય સૂચકતા વાપરી પોતાના માટે જુદા રાખેલ દૂધમાંથી પત્ની ગરમાગરમ ચાનો કપ પતિ સામે ધરી અને એટલું જ કહે, “આટલા દુ:ખી થયા એના કરતાં મને ઉઠાડી ન દેવાય?” તો પતિ “તારે સમજીને વહેલાં ઊઠી જવું ન જોઈએ ?” આવો પતિપ્રશ્ન નહિ કરે, ઉતાવળમાં એ જુદી જુદી ડિઝાઈનના પરંતુ એક જ કલરના મોજા પહેરીને રવાના થશે. એક વાગ્યે બંને પરિક્ષાઓ પૂરી કરી શાળાનું કામકાજ પતાવી બદલામાં મળેલ પેપરોના બંડલો ઉપાડી ઘરે પાછો ફરશે. હાથ-મોં ધોઈ પથારીમાં આડો પડશે અને હાથમાં છાપું લઈ આદેશ આપશે. “જમવાની તૈયારી કરો.” થાળી તૈયાર થશે, પતિને જાણ કરવામાં આવશે. અર્ધું વાંચ્યા પછી પતિને ખબર પડશે કે પક્ષમાં પડેલી તિરાડના સમાચારવાળું છાપું કાલનું છે એટલે એ તરતજ બાજુ પર મુકી જમવાનું શરૂ કરશે.
ખ્યાતનામ સાહિત્યકાર ડૉ. સમરસેટ મોમ કહેતાં, “કોઈપણ ઉદ્દેશ સિદ્ધ કરવા સીધો પ્રયાસ ન કરવો, પરંતુ એવું કોઈ જુદું કાર્ય જ ઉપાડવું જેથી ઉદ્દેશ સુધી પહોંચી શકાય. દાખલા તરીકે કીર્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો માનવતાના કોઈપણ કાર્યમાં લાગી જાવ. ચૂપચાપ જાતને ખપાવી દયો. કીર્તિ એની મેળે આવી પડશે. હાસ્યકારો બેકારીની સમસ્યા હલ કરવા કદી સીધો પ્રયાસ નથી કરતાં એ સમસ્યાને અકબંધ રાખી માત્ર તેમાંથી હાસ્ય સર્જવાનો પ્રયાસ કરે છે. એ હાસ્યનું રોકડમાં રૂપાંતર થાય છે અને બેકારીની સમસ્યા હલ થાય છે.
અમેરિકાના જગવિખ્યાત હાસ્યકાર અને હાસ્યલેખક માર્ક ટવેઈને જીવનની વ્યથામાંથી વીણી લીધેલું હાસ્ય પોતાના પ્રવચનો દ્વારા દુનિયાના જુદાજુદા દેશમાં (ભારતમાં પણ) રજૂ કર્યું. માર્ક ટવેઈનનાં સાંભળેલા પ્રવચનો શ્રોતાઓ માટે જીવનના સુખદ સંસ્મરણો બની ગયા, લોકો ખુશ થયા અને સાઈઠ વર્ષની ઉંમરે સર્જાયેલો સાંઈઠ હજાર ડૉલર જેટલો દેણાનો પ્રશ્ન સરળતાથી ઉકલી ગયો.
થાકી ગયા પછી ચાલનારને માલિક મદદ કરે છે.

– શાહબુદ્દિન રાઠોડ