હવે
જ્યારે યોગની પૉપ્યુલરિટી સતત વધી રહી છે ત્યારે તંત્રશાસ્ત્રમાંથી આવતા ચક્રના
કન્સેપ્ટ વિશે તમે થોડુંઘણું તો વાંચ્યું-સાંભળ્યું હશે જ. ચક્ર શું છે, એનો
વૈજ્ઞાનિક આધાર શું છે, શરીરનાં સાત ચક્રો વિશે જાણવું શું કામ
મહત્ત્વનું છે અને ચક્ર પ્રત્યેની સભાનતા અને સાધના કેવા ચમત્કારો સરજી શકે છે આ
બધા જ પ્રશ્નોના તર્કબદ્ધ જવાબ મેળવવાના પ્રયત્નો કરીએ આજે
વેદ-ઉપનિષદને
આપણે ત્યાં શ્રુતિ સાહિત્ય કહેવામાં આવે છે. ધ્યાન દરમ્યાન ઋષિમુનિઓએ દિવ્ય
આકાશવાણી દ્વારા સાંભળેલી વાતો વેદમાં સમાવાઈ. એટલે જ વેદને અપૌરુષ્ય પણ કહે છે.
સેંકડો વર્ષ સુધી આપણે ત્યાં જ્ઞાનનું વહન કરવાની પરંપરામાં શ્રુતિનું ઘણું
મહત્ત્વ રહ્યું. લોકો સાંભળી શીખતા અને યાદ રાખતા. યાદશક્તિ જ એટલી પ્રબળ હતી.
પાત્રવાન શિષ્યના કાનમાં ગુરુ જ્ઞાન આપતા. ગુરુ-શિષ્ય પરંપરામાં આ રીતે અનેક
સીક્રેટ્સનું પણ વહન થતું. જોકે પછી ધીમેધીમે યાદશક્તિ ક્ષીણ થતી ગઈ. જ્ઞાનના
અમૂલ્ય વારસાનું સંવર્ધન કરવા માટે લેખનની આવશ્યક્તા ઊભી થઈ. ચક્ર અને કુંડલિનીનો
કન્સેપ્ટ ગુરુ-શિષ્યની પરંપરાને કારણે વધુ સ્પ્રેડ થયો. કુંડલિની અને ચક્રની થિયરી
એ તંત્ર શાસ્ત્રનો હિસ્સો છે. બેઝિકલી તંત્રશાસ્ત્રએ એનર્જી સિસ્ટમ પર ખૂબ ફોકસ
કર્યું છે. એનર્જી સિસ્ટમને યોગિક ભાષામાં પ્રાણઊર્જા સાથે સાંકળી શકાય. ઉપનિષદો
કહે છે કે આ બ્રહ્માંડમાં પ્રાણ સિવાય કંઈ છે જ નહીં. ચક્ર પ્રાણઊર્જાનું સ્ટોરહાઉસ
છે. માત્ર ભારતની તાંત્રિક અને યોગિક પરંપરામાં જ નહીં; ચક્રનો ઉલ્લેખ ચાઇનીઝ, તિબેટીયન અને જૅપનીઝ પરંપરામાં પણ હજારો
વર્ષોથી છે. હવે એને થોડુંક નજીકથી સમજવાની કોશિશ કરીએ.
ચક્ર શું છે?
ઉપનિષદોની જેમ જ ક્વૉન્ટમ ફિઝિક્સનો સિદ્ધાંત કહે છે કે આ
વિશ્વમાં જે પણ કંઈ છે એ બધું જ એનર્જી છે. એનર્જીનો નાશ નથી થતો એ પણ વૈજ્ઞાનિકો
કહેતા આવ્યા છે. જ્યાં એનર્જી છે ત્યાં સતત ગતિ છે. એનર્જી અને ચક્રના કનેક્શનને
ઊંડાણપૂર્વક સમજીએ એ પહેલાં એના ભાવાર્થ પર નજર કરીએ. સંસ્કૃત વ્યુત્પત્તિનો શબ્દ
છે ચક્ર. ચક્રનો સામાન્ય અર્થ એટલે પૈડું અથવા તો એવું કંઈક જેનો આકાર ગોળ છે, સુદર્શન ચક્રને યાદ કરી લો. કંઈક એવું જે સતત ફરી રહ્યું છે. આ સંદર્ભે
આંતરાષ્ટ્રીય સ્તરે જાણીતા યોગ એક્સપર્ટ અને ચક્ર તથા કુંડલિની પર ઊંડો અભ્યાસ
કરનારા ડૉ. ગણેશ રાવ કહે છે, ‘તંત્રમાં ચક્રને વર્લપુલ તરીકે જોવામાં
આવે છે, (વર્લપુલ એટલે કે ઘુમરી અથવા વમળ)
યોગવિજ્ઞાન માને છે કે આપણી ગ્રોસ બૉડી પર આપણા સૂક્ષ્મ શરીરનો ઊંડો પ્રભાવ પડે
છે. આ સૂક્ષ્મ શરીર એટલે શું? એટલે કે આપણી પ્રાણિક ઊર્જા. જેમ શરીરની
નસોમાંથી લોહી વહે છે એમ સૂક્ષ્મ શરીરની દૃષ્ટિએ નાડીઓમાંથી (એનર્જી ચૅનલ્સ)
પ્રાણઊર્જાનું વહન થાય છે. ચક્ર આ જ પ્રાણઊર્જાનું સ્ટોરહાઉસ મનાય છે. પ્રાણ
ઊર્જામાં વિક્ષેપ ઊભો થાય ત્યારે વ્યક્તિ અસ્વસ્થ થવા માંડે છે. ચક્ર નામના
સ્ટોરહાઉસમાં સ્ટોર થયેલી પ્રાણ ઊર્જા પછી મબલક પ્રમાણમાં શરીરના વિવિધ અવયવો સુધી
પહોંચે છે.’
શરીરરચનામાં બંધ બેસે છે
ચક્રને તમે અત્યારની અવેલેબલ સ્કૅનિંગ પદ્ધતિમાં જોઈ નથી
શકતા એટલે જ એ રહસ્યનો વિષય મનાય છે. બની શકે કે આવનારા સમયમાં વિજ્ઞાન આ સૂક્ષ્મ
શરીરને પણ જોઈ શકે એવી શોધ કરી દે. જેમ અત્યારે ઑરા સ્કૅનિંગ દ્વારા આપણા સૂક્ષ્મ
શરીરની લેયરને આપણે જોઈ શકીએ છીએ પરંતુ શરીરની અંદર વહેતી પ્રાણઊર્જા અને એના
માળખાને સ્કૅન કરી શકે એવી શોધમાં અવકાશ છે. ડૉ. ગણેશ કહે છે, ‘ચક્રનું ફિઝિયોલૉજિકલ કનેક્શન આપણને મળે છે. ચક્રની ઉપલબ્ધ માહિતીને ફિઝિકલ
બૉડી સાથે કોરિલેટ કરીએ તો એનો આપણી શરીર રચના સાથે અદ્ભુત સુમેળ પણ દેખાય છે, જે તર્કબદ્ધ છે. જેમ કે પ્રત્યેક ચક્ર આપણી કોઈક ને કોઈક અંતઃસ્રાવી ગ્રંથિ
સાથે સંકળાયેલું છે. એનર્જી સાયન્સ જે નાડીની વાત કરે છે એને આપણે આપણા શરીરમાં
પ્રસરેલી નર્વ્સ સાથે કનેક્ટ કરી શકીએ એમ છીએ. જેમ કે મૂલાધાર ચક્રની વાત કરીએ તો
એ સેક્સ ગ્લૅન્ડના સ્થાન પર છે. સ્વાધિષ્ઠાન ચક્ર પ્રોસ્ટેટ ગ્લૅન્ડ સાથે
સંકળાયેલું છે. મણિપુર ચક્ર ઍડ્રિનલ ગ્લૅન્ડ સાથે સંકળાયેલાં છે. અનાહત ચક્ર થાઇમસ
ગ્લૅન્ડ સાથે સંકળાયેલું છે. વિશુદ્ધિ ચક્ર એ થાઇરૉઇડ અને પૅરાથાઇરૉઇડ ગ્રંથી સાથે
સંકળાયેલું છે. આજ્ઞા ચક્ર પિનિઅલ ગ્લૅન્ડ સાથે સંકળાયેલું છે. દરેક ચક્રના
ગુણધર્મો પણ આ ગ્રંથિની કાર્યપ્રણાલી સાથે લાગતા-વળગતા છે. આ પ્રત્યેક ચક્ર અમુક
ફ્રીક્વન્સીમાં ગતિ કરે છે અથવા તો વાઇબ્રેટ થાય છે. આ સ્પંદનમાંથી ધ્વનિ નિર્મિત
થાય છે. આ સાઉન્ડ એટલે જે-તે ચક્રનો બીજ મંત્ર. આપણે જ્યારે કહેતા હોઈએ કે ચક્ર
સ્ટોરહાઉસ છે તો દેખીતી રીતે શરીરના જે-તે હિસ્સામાં પ્રાણઊર્જાનું ડિસ્ટ્રિબ્યુશન
અહીંથી જ થતું હોય. આવાં આપણા શરીરમાં અસંખ્ય ચક્રો છે જેમાંથી કેટલાક મત પ્રમાણે
૧૦૮ મહત્ત્વનાં છે તો કેટલાક મત મુજબ ૧૧૪ ચક્ર મહત્ત્વનાં છે. જોકે આ ૧૦૮માંથી
એનર્જીને ઉર્ધ્વતા તરફ લઈ જતી કુંડલિની ઊર્જાને ઉજાગર કરવા માટે છ ચક્ર મોસ્ટ
ઇમ્પોર્ટન્ટ છે જે તમારી કરોડરજ્જુ પર સ્થિત છે.’
ચક્રની
વાત કરતા હોઈએ ત્યારે નાડીની વાત કરવી મહત્ત્વની છે. ભૂતકાળમાં આપણે નાડીની
વિસ્તારપૂર્વક વાત કરી ચૂક્યા છીએ. સેંકડો નાડીમાંથી ઇડા, પિંગલા અને સુષુમ્ણા નાડી મહત્ત્વપૂર્ણ મનાય છે જેમાંથી સુષુમ્ણા નાડી સુષુપ્ત
અવસ્થામાં છે. જ્યારે પ્રાણઊર્જા સુષુમ્ણામાંથી પણ પાસ થાય છે ત્યારે ચક્રભેદન થાય
અને કુંડલિની જાગ્રત થાય, જેના વિશે આપણે આવનારા દિવસોમાં
વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ. અત્યારે ચક્રની બાબતમાં આ નાડીઓનો શું રોલ છે એ
વિશે ડૉ. ગણેશ કહે છે, ‘શરીરને પ્રાણઊર્જાથી ઊર્જાવાન રાખનારી આ
ત્રણેય નાડીઓ માટે આ છ ચક્ર જંક્શન સમાન છે. મૂલાધાર ચક્રથી આ ત્રણ નાડી શરૂ થાય
છે, જેમાં સુષુમ્ણા મધ્યમાં સુષુપ્ત છે પરંતુ
બીજી બે નાડીઓ સર્પાકારે આ ચક્રના ફરતેથી પસાર થાય છે.’
બ્રેઇન સાથે કનેક્શન
એક તરફ જ્યાં આપણે કહેતા હોઈએ કે છ
ચક્રમાંથી પ્રત્યેક ચક્ર એક અંતસ્રાવી ગ્રંથિને રિપ્રેઝન્ટ કરે છે એનો અર્થ એ પણ
થાય કે એનું બ્રેઇન સાથે કનેક્શન છે,
કારણ કે અંતસ્રાવી
ગ્રંથિઓને હૅન્ડલ કરવાનું કામ આપણા શરીરની હેડ ઑફિસ એટલે કે મસ્તિષ્કના જ કેટલાક
હિસ્સાઓ કરે છે. એ વિશે વધુ વાત કરતાં ડૉ. ગણેશ કહે છે, ‘બિલકુલ. કોઈ પણ ચક્રને ઍક્ટિવ કરવાના અથવા તો એની કાર્યક્ષમતા વધારવાના
પ્રયાસો તમે કરો છો એની અસર તમારા વ્યવહારમાં,
તમારી ફીલિંગ્સ
અને ઇમોશન્સ પર બાકાયદા દેખાય છે; કારણ કે ચક્રની સાથે બ્રેઇનનો અમુક
હિસ્સો પણ સ્ટિમ્યુલેટ થાય છે. હજી પણ બ્રેઇનનો બહુ જ થોડો હિસ્સો આપણે વાપરી
રહ્યા છીએ. જોકે ગુરુની નિગરાણીમાં ઉચિત સાધના સાથે ચક્રોને પુષ્ટ કરવાની દિશામાં
અને એને જાગ્રત કરવાની પ્રોસેસમાં આગળ વધો તો તમારા બ્રેઇનના અત્યાર સુધી ડૉર્મન્ટ
એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં રહેલા હિસ્સાઓને તમે ઍક્ટિવ કરી શકો છો. બની શકે કે એ
આખી ક્રિયામાં કેટલીક એવી બાબતો તમે કરવા માંડો,
જાણવા માંડો અને
અનુભવવા માંડો જેને સામાન્ય લોકો ચમત્કાર માને. બ્રેઇનના બધા જ પાર્ટ જો ઍક્ટિવ
હોય તો કદાચ દૈવી શક્તિ લાગે એવા અનેક પાવર્સ વ્યક્તિમાં આવી શકે છે. આ જ કારણ છે
કે સામાન્ય લોકોમાં ચક્ર અને કુંડલિનીની વાતો રહસ્યમય અને ફૅસિનેટિંગ લાગે છે.
જોકે યોગની સાધનામાં આ પ્રકારની સિદ્ધિઓને ગૌણ માનવામાં આવી છે અને એને માત્ર
યોગિક સાધનામાં તમે સાચી દિશામાં છો એના માઇલસ્ટોન તરીકે જોવાનું જ આહ્વાન
કરવામાં આવ્યું છે, કારણ કે સિદ્ધિઓમાં અટવાઈ ગયા તો વ્યક્તિ
સમાધિ અવસ્થા સુધી ન પહોંચી શકે અને યોગનું ધ્યેય તો સમાધિ જ છે.’
થોડાંક વધુ ઇન્ડિકેશન્સ
દરેક ચક્રને રંગ,
બીજમંત્ર, તત્ત્વ, પ્રાણ,
અમુક પાંખડીઓ
યુક્ત કમળ સાથે સાંકળવામાં આવ્યાં છે. ડૉ. ગણેશ કહે છે, ‘સાધના દરમ્યાન ચક્રની થ્રી-ડી ઇમેજ યોગીઓએ પોતાની આત્મિક આંખોથી જોઈ હોવી
જોઈએ. એના પરથી જ એની સાથે અમુક રંગ,
સિમ્બૉલ, બીજ મંત્ર વગેરે જોડવામાં આવ્યા. જેમ કે પ્રત્યેક ચક્ર એક કમળના ફૂલ સાથે
સંકળાયેલું છે. માત્ર હિન્દુ જ નહીં પણ ઘણાં ધર્મશાસ્ત્રો કમળને મહત્ત્વપૂર્ણ
સિમ્બૉલ માને છે. એનું એક કારણ એ છે કે કમળનું ફૂલ જ એકમાત્ર એવું ફૂલ છે જેના
અસ્તિત્વના ત્રણ ભાગ ત્રણ અલગ-અલગ સ્થિતિમાં રહે છે જે અધ્યાત્મની દુનિયામાં
જુદા-જુદા ગુણોને રિપ્રેઝન્ટ કરે છે. જેમ કે એનું મૂળ કિચડમાં છે જે આપણી અંદર રહેલા
અજ્ઞાનરૂપી અંધકારનું પ્રતિનિધિત્વ કરે છે. કમળની દાંડી પાણીમાં છે જે અજ્ઞાનના
અંધકારને દૂર કરવાની, નિર્મળ થવાની આપણી ઇચ્છાનું પ્રતિનિધિત્વ
કરે છે અને સંપૂર્ણ ખીલેલી, જળમાંથી બહાર આવેલી છતા જળકમળવત રહેલી
કમળની પાંખડી આત્મજ્ઞાનને સૂચવે છે. પ્રત્યેક કમળની પાંખડીઓની સંખ્યા જુદી-જુદી
છે. પ્રત્યેક ચક્ર પંચમહાભૂતના એક તત્ત્વને રિપ્રેઝન્ટ કરે છે. ચક્રને આ પ્રકારના
સિમ્બૉલિઝમમાં બાંધવાનું એક કારણ કે તમે ચક્રને વિઝ્યુઅલાઇઝ કરી શકો. તમે એમાં
ઊંડા ઊતરી શકો, એનો ઝીણવટપૂર્ણ અનુભવ લઈ શકો.’
(પ્રિય વાચક મિત્રો, હવે આવતા અઠવાડિયે મુખ્ય સાત ચક્ર કયાં,
એનું સ્થાન કયું
છે, એના ગુણો શું, ચક્રને ઍક્ટિવ કરવા માટેના અભ્યાસો કયા હોઈ શકે એ વિશે વિગતવાર વાત કરીશું.)
(સાભાર ,મિડ ડે - રુચિતા શાહ તા. ૧૧/૦૨/૨૦૨૧ )