લેબલ શાહબુદ્દીન રાઠોડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શાહબુદ્દીન રાઠોડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 14 ઑગસ્ટ, 2017

સમસ્યા એટલે શું ?

અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. આ અંતર જેટલું લાંબુ તેટલી સમસ્યા મોટી. મારો મિત્ર મથુર મ્યુનિસિપાલીટીની સ્થાનિક ચૂંટણીમાં અમારા વૉર્ડમાંથી ચૂંટાઈ ન શક્યો છતાં નિસાસા નાખતો હતો, ‘અરેરે હું મંત્રી ક્યારે બનીશ ?’ મથુરનો દીકરો દામોદર નથી પૂરતું ભણ્યો, નથી કોઈ કામ ધંધો કરતો, નથી નાકે-ચહેરે નમણો છતાં કોઈ સ્વરૂપવાન, સંસ્કારી અને શિક્ષિત યુવતી સાથે સગપણ થાય તેમ ઈચ્છે છે.
મારા મિત્ર સુરેશે તેના જીવનનો પ્રસંગ વર્ણવેલો જે જાણીને મને આનંદ થયો. સુરેશ કહે, ‘મારા પિતાશ્રી બુદ્ધિમાન ખરાં. અમે ભણતાં ત્યારે અમારા કલાસમાં મધુ નામની એક વિદ્યાર્થીની ભણતી. એ ખૂબ સુંદર હતી. તેનો પરિવાર અમારા પાડોશમાં જ રહેતો, મધુના પિતા બૅન્કમાં મૅનેજર હતા. અમારા બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. વર્ગમાં ભણતાં મોટા ભાગના યુવકો મધુ સાથે પોતાનું જીવન જોડાય એવું ઝંખ્યા કરતા. હું પણ આમ જ વિચારતો. મારા પિતાએ મને પૂછયા વગર મારા મનની વાત ન જાણે ક્યાંથી જાણી લીધી. તેમણે મને એકવાર ડ્રોઈંગરૂમમાં બોલાવ્યો. ખૂબ પ્રેમથી સમજાવીને કહ્યું, “તું જો એન્જિનિયર થઈ જા તો તારું સગપણ મધુ સાથે થઈ શકશે.” મેં પ્રયાસ કર્યો પણ એ પરિવાર કોઈ એન્જિનિયર યુવક સાથે મધુનું સગપણ કરવા ઈચ્છે છે. હું અમસ્તો અમસ્તો વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજીમાં હોંશિયાર હતો, સારા નંબરે પાસ થતો હતો. જગતના ચોકમાં મારી લાયકાત સિદ્ધ કરવા હું મેદાન પડ્યો.
રાત-દિવસ પરિશ્રમ કર્યો. જ્યાં કંટાળતો, થાકતો ત્યાં મધુનું મુખ દેખાતું અને મને પ્રેરણા આપતું. “મારા માટે માત્ર આટલો ભોગ તમે નહિ આપો.” કઠોર પરિશ્રમ હંમેશા પરિણામ લાવે જ. મારી એન્જિનિયર થવાની ઝંખના જ મારો માર્ગ બની. એમાં મધુની પ્રેરણા ભળી. હું ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યો. પિતાએ વચન પાળ્યું. મધુ સાથે મારા ધામધૂમથી લગ્ન થયા. પરણ્યાની પહેલી રાત્રે હું મધુને મળ્યો. જેની વર્ષોથી પ્રતિક્ષા હતી, એ મિલનની ઘડી આવી પહોંચી. મારું હૈયું જોરથી ધબકવા લાગ્યું. મધુ સમક્ષ ઊભા રહી મેં બે હાથ જોડ્યા. મધુએ મારા હાથ પકડી લીધાં અને કહ્યું : “અરે, અરે, આ શું કરો છો ?” મેં કહ્યું, “ના, મધુ તારો ઉપકાર હું જીવનભર ભૂલી શકું તેમ નથી. તારે લીધે જ હું એન્જિનિયર થઈ શક્યો છું. માત્ર તારી પ્રેરણાથી.” મધુના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે કહ્યું, “પરંતુ મેં તો એવી પ્રેરણા તમને કદી આપી નથી.” મેં કહ્યું, “એન્જિનિયર યુવાન સાથે સગપણ કરવાની તારા પરિવારની અને તારી ઈચ્છાએ મને પ્રેરણા આપી.” મધુ કહે, “પણ એન્જિનિયર પતિ સાથે જીવન વિતાવવાની વાત મેં કદી વિચારી પણ નથી.” મારી નવાઈનો પાર ન રહ્યો. મેં કહ્યું, “તો તો મારા પિતાજીએ મને બનાવ્યો.” મધુ કહે, “શું એન્જિનિયર બનાવ્યા ?” મેં કહ્યું, “એ બનાવવા મને બનાવ્યો.” મેં મધુને વિગતવાર વાત કરી ત્યારે મધુ ગંભીર થઈ ગઈ. તેણે પૂછયું, “તો પછી તમે નહોતું જણાવ્યું કે એમ.એ થયેલી યુવતી સાથે જ હું તો જીવન જોડવા માંગુ છું ?” મેં કહ્યું, “ના, ભાઈ, મને કાંઈ ખબર નથી, મારી એવી કોઈ અપેક્ષા નહોતી.” હવે બંનેને ખાત્રી થઈ ગઈ કે બંનેને બનાવવામાં આવ્યા છે. પ્રથમ બેય રોષે ભરાના પછી આટલી શૈક્ષણિક લાયકાત મેળવવામાં કેટલા હેરાન-પરેશાન થયા તેની એકબીજાને માંડી વાત કરી. છેવટે વિચાર્યું વડીલોએ જે કાંઈ કર્યું તે બંનેના હિત માટે કર્યું છે. એટલે વળી ખુશ થયા.

સવારમાં બંને દાદરથી નીચે ઉતરતાં હતાં ત્યારે બંનેના પિતા ચર્ચા કરતાં હતાં કે, “આ ખબર પડશે ત્યારે શું થશે ?” બંની એકી સાથે કહ્યું : “કાંઈ નહિ થાય. અમે નકકી કર્યું છે કે આપને બન્નેને આ વાતની ખબર પડવા જ ન દેવી.” અને આખો પરિવાર ખડખડાટ હસી પડ્યો.
કાર્યનું મૂલ્યાંકન એ કરવા પાછળના ઉદ્દેશ પરથી થાય છે. વડીલોનો ઉદ્દેશ્ય ઉમદા હતો એમ નક્કી થયું અને કાર્ય જે થયું તે તો ઉત્તમ છે જ એ સૌએ સ્વીકાર્યું. પરિવારમાં પ્રસન્નતા પ્રસરી રહી. બંન્નેની અપેક્ષા વાસ્તવિકતામાં બદલી અને સમસ્યા પૂર્ણ થઈ.
સન્યાસીના જીવનમાં અપેક્ષા નથી હોતી. તેથી સમસ્યા પણ નથી હોતી, એટલે જ સ્વામી રામતીર્થ કહેતાં, “મૈ શહેનશાહો કા શહેનશાહ હૂં.” એટલે જ સિકંદરને ડાયોજીનસ કહી શક્યો કે, “મારે કાંઈ નથી જોતું. માત્ર દૂર ખસીને ઊભો રહે, જેથી દેવોની કૃપા જેવો સૂર્યનો પ્રકાશ મારા દેહ પર પડી શકે.” એટલે જ ભગવાન બુદ્ધને ભિક્ષુક કહેનાર કરોડપતિ શ્રેષ્ઠીને ભગવાન બુદ્ધે કહ્યું હતું, “કાશ ઐસા હોતા.”
ઘરના ઘરનો ત્યાગ કરી વિશાળ વૈભવી આશ્રમો જે ઊભા કરી શક્યા છે. પુત્ર-પુત્રીઓને તજી દઈ શિષ્ય-શિષ્યાઓનો વિશાળ વર્ગ જે મેળવી શક્યા છે. પોતાના વાહનો છોડી જનહિતના વિશાળ કાર્યને પહોંચી વળવા જેમને અવિરત વિમાની પ્રવાસો કરવા પડે છે. સંપત્તિનો ત્યાગ કરવા છતાં દાનરૂપે સંપત્તિ સ્વીકારવાની જેમને ફરજ પડી છે એવા મહાનુભાવોની સમસ્યા અને સામાન્ય સંસારીની સમસ્યામાં ઘણો તફાવત હોય છે. માનવી જેટલો મોટો તેટલી તેની સમસ્યા મોટી. નાના માનવીની સમસ્યા પોતાના ઘર પૂરતી હોય છે. જ્યારે મોટાની સમસ્યા આખા સમાજને આવરી લે છે અને અશાંતિ સરજે છે.
ચીનના મહાત્મા કન્ફયુશિયને વિશ્વ શાંતિનો માર્ગ બતાવ્યો છે. “હૃદયમાં નિર્મળતા હશે તો ચારિત્ર્યમાં સુંદરતા આવશે. ચરિત્ર સુંદર હશે તો ઘરમાં સંવાદિતા આવશે. ઘરમાં સંવાદિતા હશે તો રાષ્ટ્રમાં વ્યવસ્થા આવશે અને રાષ્ટ્રો વ્યવસ્થિત હશે તો વિશ્વમાં શાંતિ આવશે.” જનતાની આ અપેક્ષા છે જ્યારે વાસ્તવિકતા શું છે ? મનમાં દુર્જનતા, ચારિત્ર્યમાં હિનતા, ઘરમાં વિસંવાદિતા, રાષ્ટ્રોમાં અવ્યવસ્થા, રાષ્ટ્રોમાં અરાજકતા અને વિશ્વમાં અશાંતિ. આ છે વાસ્તવિકતા.
વાસ્તવિકતાનું તટસ્થાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો તેમાં પણ આનંદ રહેલો છે.
પરભાતનો પહોર હોય, લીંટાવાળો લેંધો અને ફાટેલું ગંજીફરાક પહેરી, ચશ્માંના કાચ પર ફરતી કીડીને છાપું ખંખેરીને દૂર કરવાનો વ્યર્થ પ્રયાસ પતિ કરતો હોય, છાપાંવાળો છાપું સુપ્રત કરી બીલ લેવા ઊભો હોય, રાતના દૂધમાંથી પોતાના હાથે ડાહ્યા થઈને બનાવેલી ચા ફાટી ગઈ હોય, મોંઘા પાડના ચા-ખાંડ બગાડ્યાનું દુ:ખ મનમાંથી જાતું ન હોય, ચા વગર દિવસની શરૂઆત થઈ હોય, બાથરૂમમાં ખુલ્લો રહી ગયેલો નળ દેશની જળસંપત્તિને અવિરતપણે વહાવી રહ્યો હોય. “ઘરનાને મારી પડી નથી.” આ ભાવ ઘૂંટાઈ ઘૂંટાઈને ભાવના બની ચૂક્યો હોય, શાળામાં પરિક્ષા ચાલતી હોવાથી આઠ વાગ્યા પહેલાં પહોંચવાનું હોય, કર્મચારીઓની કઠિનાઈઓને નહિ સમજી શકનાર હેડમાસ્તરની અળખામણી આકૃતિ નજર સામે તરવરતી હોય, ગરમ પાણીના અભાવે ‘ભલે શરદી થાય’ આમ વિચારી મોચીની રીસે કાંટામાં ચાલતો પતિ ઠંડે પાણીએ ખંખોર્યું ખાઈને બહાર નીકળતો હોય એ જ વખતે સમય સૂચકતા વાપરી પોતાના માટે જુદા રાખેલ દૂધમાંથી પત્ની ગરમાગરમ ચાનો કપ પતિ સામે ધરી અને એટલું જ કહે, “આટલા દુ:ખી થયા એના કરતાં મને ઉઠાડી ન દેવાય?” તો પતિ “તારે સમજીને વહેલાં ઊઠી જવું ન જોઈએ ?” આવો પતિપ્રશ્ન નહિ કરે, ઉતાવળમાં એ જુદી જુદી ડિઝાઈનના પરંતુ એક જ કલરના મોજા પહેરીને રવાના થશે. એક વાગ્યે બંને પરિક્ષાઓ પૂરી કરી શાળાનું કામકાજ પતાવી બદલામાં મળેલ પેપરોના બંડલો ઉપાડી ઘરે પાછો ફરશે. હાથ-મોં ધોઈ પથારીમાં આડો પડશે અને હાથમાં છાપું લઈ આદેશ આપશે. “જમવાની તૈયારી કરો.” થાળી તૈયાર થશે, પતિને જાણ કરવામાં આવશે. અર્ધું વાંચ્યા પછી પતિને ખબર પડશે કે પક્ષમાં પડેલી તિરાડના સમાચારવાળું છાપું કાલનું છે એટલે એ તરતજ બાજુ પર મુકી જમવાનું શરૂ કરશે.
ખ્યાતનામ સાહિત્યકાર ડૉ. સમરસેટ મોમ કહેતાં, “કોઈપણ ઉદ્દેશ સિદ્ધ કરવા સીધો પ્રયાસ ન કરવો, પરંતુ એવું કોઈ જુદું કાર્ય જ ઉપાડવું જેથી ઉદ્દેશ સુધી પહોંચી શકાય. દાખલા તરીકે કીર્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો માનવતાના કોઈપણ કાર્યમાં લાગી જાવ. ચૂપચાપ જાતને ખપાવી દયો. કીર્તિ એની મેળે આવી પડશે. હાસ્યકારો બેકારીની સમસ્યા હલ કરવા કદી સીધો પ્રયાસ નથી કરતાં એ સમસ્યાને અકબંધ રાખી માત્ર તેમાંથી હાસ્ય સર્જવાનો પ્રયાસ કરે છે. એ હાસ્યનું રોકડમાં રૂપાંતર થાય છે અને બેકારીની સમસ્યા હલ થાય છે.
અમેરિકાના જગવિખ્યાત હાસ્યકાર અને હાસ્યલેખક માર્ક ટવેઈને જીવનની વ્યથામાંથી વીણી લીધેલું હાસ્ય પોતાના પ્રવચનો દ્વારા દુનિયાના જુદાજુદા દેશમાં (ભારતમાં પણ) રજૂ કર્યું. માર્ક ટવેઈનનાં સાંભળેલા પ્રવચનો શ્રોતાઓ માટે જીવનના સુખદ સંસ્મરણો બની ગયા, લોકો ખુશ થયા અને સાઈઠ વર્ષની ઉંમરે સર્જાયેલો સાંઈઠ હજાર ડૉલર જેટલો દેણાનો પ્રશ્ન સરળતાથી ઉકલી ગયો.
થાકી ગયા પછી ચાલનારને માલિક મદદ કરે છે.

– શાહબુદ્દિન રાઠોડ

ગુરુવાર, 18 જૂન, 2015

જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના વિદ્યાર્થી ભાઈઓએ એ દિવસે પહેલાં આખું શાળાનું મકાન ઝાટકી ઝાટકીને બાવાંજાળાં પાડીને સાફ કરી નાખ્યું, એટલું જ નહીં પણ ટોમ સોયરનની જેમ ડોલમાં ચૂનો લઈ ધોળી પણ નાખ્યું. મને વિદ્યાર્થી ભાઈઓ માટે મન થયું. મને થયું, માત્ર ભીંતો પણ અપશબ્દ લખવાવાળા વિદ્યાર્થીઓ નથી, દીવાલો સાફ કરવાવાળા પણ છે.પાનને ગલ્લે બેસી રહી સમય બગાડતા વિદ્યાર્થીઓ જ માત્ર નથી, સવારમાં વહેલા ઊઠી કસરત કરનારા પણ છે. નદી જ્યારે બે કાંઠે વહેવા માંડે છે, તેમાં પ્રચંડ પૂર આવે છે ત્યારે નબળા કાંઠા ઝીંક ઝીલતા નથી. નદી કાંઠા તોડીને વહેવા માંડે છે. અત્યારે આ જ હાલત છે. યુવાનીના ધસમસતા પૂરને કાબૂમાં રાખવા માટે ક્યારેક ઘરના, શાળાના કે સમાજના કાંઠા નબળા પડે છે અને પ્રચંડ પૂર જેમ વિનાશ વેરે છે તેમ યુવાનીનું પૂર પણ સંયમ, સંસ્કારિતા અને વિવેકના કાંઠા મજબૂત ન હોય તો વિનાશ વેરે છે. 

મને પહેલી જાન્યુઆરી, ઓગણીસ સો એકસઠથી ડાયરી લખવાની ટેવ છે. એમાં હું દર વર્ષે શરૂઆતમાં ખૂબ સારી રીતે વ્યવસ્થિતપણે જીવું છું, પણ પછી ઉત્સાહ ઓસરતો જાય છે પછી અને એ જ જૂની ઘરેડમાં અર્થ વગરનું જીવન- પહાડ પરથી એક જ ધોરિયામાં વહેતું પાણી, ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી ત્યાંથી જ હવે તેમ એ જ રીતે - જીવનમાં પહાડ માથે પડી ગયેલા વૃત્તિઓના ધોરિયામાં જીવનધારા વહેવા માંડે છે. ધોરિયા ઊંડા ઊતરી ગયા પછી બદલવા મુશ્કેલ છે. 

હું દર વર્ષે ત્રણ યાદીઓ તૈયાર કરું છું. અત્યંત મહત્ત્વનાં કરવાનાં કાર્યો, જેમાં સર્વિસ, પરિવારની જવાબદારી વગેરે આવે છે. બીજી યાદી, સમય મળ્યે કરવાનાં કાર્યો જેમાં હાસ્ય, કાવ્ય, પ્રેરણાદાયી પ્રસંગો, ચિંતનકણિકાઓના વ્યવસ્થિત સંગ્રહ તૈયાર કરવાનાં કામોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદી ન કરવાનાં કાર્યોની બનાવું છું, જેમાં તમાકું ન ખાવી, જિંદગીના ભોગે સંપત્તિ મેળવવા પ્રયાસ ન કરવો. સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય ન કરવું વગેરે આવે છે. ઘણા જેમ ત્રણ જોડી ચશ્માં રાખે છે, એક દૂર જોવામાં એક નજીકથી જોવાનાં અને ત્રીજી જોડી ઉપરનાં બંને ખોવાઈ જાય તો ગોતી કાઢવા માટેનાં. અમુક વળી બાથરૂમમાં ત્રણ નળ રાખે છે. એક ગરમ પાણીનો, એક ઠંડા પાણીનો અને એક પાણી વગરનો - જેને ન ના'વું હોય તેમના માટે. હું ત્રણ યાદી વ્યવસ્થિત બનાવું છું અને ડાયરીમાં નોંધ કરું છું. કોઈ વાર યાદ રાખવા માટે જેમાં નોંધ કરી હોય તે ડાયરી જ ખોવાઈ જાય છે. 

અનેરા ઉત્સાહમાં નવું વર્ષ શરૂ થાય છે, પછી થોડા સમયમાં યાદીઓની ભેળસેળ મંડે છે થાવા. ન કરવાનાં કાર્યો થવા માંડે છે. મહત્ત્વનાં રહી જાય છે. સમય મળ્યે કરવાનાં કાર્યો માટે સમય જ મળતો નથી. ડિસેમ્બર આવતાં આવતાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે અને વળી હું વ્યવસ્થિત થવા પ્રયાસ કરું છું. ડાયરી પરથી એટલી ખબર પડે છે, શું નક્કી કર્યું હતું અને શું શું ન થઇ શક્યું. જેમ હર્બટ સ્પેન્સરે કહ્યું છે, 'માનવી ઇતિહાસથી એટલું જ શીખ્યો છે કે માનવી ઇતિહાસમાં કાંઇ શીખ્યો નથી.' 

આ વખતે પણ અનેરા ઉત્સાહથી મેં ડિસેમ્બરના અંત પહેલાં પ્રથમ તો 'આશિયાના'ની સફાઈ શરૂ કરી. મારી પત્ની સાબિરાએ કહ્યું. "મારે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો છે. મેં મજાક કરી, તો પછી પાછળ રહેશે શું?" 

હું સાબિરા, સાબિદ અને અફઝલ સાફસૂફીમાં લાવી પડ્યાં. મારા રૂમમાં માત્ર જરૂર પૂરતી જ વસ્તૂ રહેવા દઈ બાકી બધું બહાર કાઢી નિકાલ કરી નાખ્યો નકામી પણ આકર્ષક વસ્તુઓ જેને હું રાખી પણ નહોતો શકતો અને બહાર ફેંકવાની હિંમત પણ નહોતો કરી શકતો એ બધું ફેંકી દીધું. ત્યાગમાં આનંદ સમાયેલો છે! સવારના પહોરમાં માત્ર મળત્યાગ માણસ કરે છે તોપણ કેટલી હળવાશ અનુભવે છે! આમ જ જો સંસારના મળનો ત્યાગ થાય તો કેટલી શાંતિ મળે ! બિનજરૂરી પરિગ્રહ આમ તો એક પ્રકારનો મળ જ છે ને ? હું મસ્કત ગયો. નાગરદાસ માનજીની બાતબર જૂની પેઢીના સ્ટોરમાં દાખલ થયો. આ પેઢીના સંચાલકો મને ઓળખી ગયા. મને આદરસત્કાર કરી આવકાર્યો, રોક્યો. ચા-પાણી-નાસ્તા માટે ઘેર લઈ ગયા. મેં સ્ટોરમાંથી કરેલી ખરીદીમાં પણ ડિસ્કાઉન્ટ આપ્યું, ઉપરાંત એક કિમતી લાલ બેગ ભેટ આપી. પહેલાં માત્ર પચાસ રૂપિયાની બેગમાં હું કપડાં મૂકી મારી સીટ નીચે રાખી નિરાંતે ઊંઘી જતો હતો. આ બેગ મળ્યા પછી ફેરફાર એ થયો કે પહેલાં બેગમાં મારા કપડાં સચવાતાં, હવે હું બેગ સાચવું છું. 

બેફામ સાહેબે કહ્યું છે : નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં મોતી ભર્યા છે, છતાંયે સમંદરનાં ખારાં જીવન થઈ ગયાં છે. માનવી પાસે જે છે તે મહત્ત્વનું નથી, જે છે તેનો કેવો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે. 

છરી તો સર્જન પણ ચલાવે છે અને છરી તો ગુંડા પણ ચલાવે છે, પરંતુ એક જિંદગી આપવા માટે છે જ્યારે એક જિંદગી લેવા માટે હોય છે. 'પોટેટો ઈટર્સ' ચિત્રના વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને કોઈએ પૂછ્યું, તમે બીજા ચિત્રકારો કરતાં સારાં ચિત્રો દોરવાની સ્પર્ધા કરવા માટે ચિત્ર દોરો છો? વાન ગોગે કહ્યું, 'મને બીજા ચિત્રકારોનો ખ્યાલ પણ નથી. હું તો મારી જાત સાથે સ્પર્ધા કરું છું. જેવો છું તેનાથી સારો બની શકું?' 

યુદ્ધના મેદાનમાં સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યનું સૈન્ય સજ્જધજ થઈ ગોઠવાયું હતું. મહાઅમાત્ય ચાણક્ય અન્ય અધિકારીઓ સાથે સૈન્યનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા. સમ્રાટ ખુદ મહાઅમાત્યને માહિતી આપતા હતા, પાયદળ, હયદળ, ગજદળ, શસ્ત્રો વગેરેની. આ સાંભળ્યા પછી ચાણક્યે પૂછ્યું, '' આ બધું તો ઠીક, પણ આ યુદ્ધ જીતશું જ એવો આત્મવિશ્વાસ સૈન્યમાં છે?'' સમ્રાટ ચંદ્રગુપ્ત જવાબ ન આપી શક્યા. તેમણે કહ્યું : ''એ તો કેમ કહી શકાય?' ચાણક્યે કહ્યું, 'સફળતા માટે. આત્મવિશ્વાસ જરૂરી છે.' ચાણક્યમાં આત્મવિશ્વાસ હતો, જુલિયસ સીઝર નૌકાસૈન્યને ઇંગ્લેન્ડની ધરતી પર ઉતારી પ્રથમ હુકમ કર્યો, 'તમામ હોડીઓ બાળી નાખો.' હોડીઓ બાળી નાખવામાં આવી. એ બતાવી જુલિયસ સીઝરે કહ્યું, 'હવે આપની પાસે ઇંગ્લેન્ડ જીતવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.' જુલિયસ સીઝરની જીત થઈ. આજે પણ લંડનમાં રોમન વોલ છે, રોમન સ્થાપત્ય છે. રોમનોની અસર ઘણાં ક્ષેત્રમાં જણાઈ આવે છે. 

મધદરિયે ભયંકર તોફાન થયું હોય, વહાણ સપડાયું હોય, ભાંગીને ભુક્કો થઈ ગયું હોય, યાત્રીઓ, નાવિકો, મુસાફરો ભયાનક આપત્તિમાં આવી પડ્યા હોય, લાકડાના એકાદ ટુકડાને પકડી કોઈ પ્રવાસી તરી રહ્યો હોય, તેના ખિસ્સામાં લાખોની કિંમતનાં અણમોલ મોતી હોય, દૂર દૂર કિનારે નાળિયેરીનાં વૃક્ષો નજરે પડતાં હોય, કિનારે પહોંચ્યા પછી તે મોતીના લાખો રૂપિયા ઊપજવાના હોય પણ જો પ્રવાસી આત્મવિશ્વાસ ગુમાવી બેસે તો? કિનારે પહોંચી ન શકે. આત્મવિશ્વાસ વગર બધું વ્યર્થ છે. 

આ સંદર્ભે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય જોઇએ : 'જીવનમાં જે ભૂલો તમે કરી છે તે ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા?' અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું? નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું શું?

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૧૪/૦૬/૨૦૧૫ )

શુક્રવાર, 12 જૂન, 2015

જ્ઞાની સમજીને આચરણ કરે છે, અજ્ઞાની જે આચરણ કરે છે એને સાચું માને છે

આ જગતમાં જ્ઞાની પુરુષો ખૂબ સ્વસ્થતાથી જીવે છે, કારણ કે તેઓ સમજીને, વિચારીને, જે સાચું હોય તેનું આચરણ કરતા હોય છે. જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે, કારણ કે તેઓ જે આચરણ કરે તેને સાચું માનતા હોય છે. 

એક પિતાને ત્રણ પુત્રો હોય તેમાં જે સૌથી વધુ સમજદાર હોય તે સૌથી વધુ દુ:ખી હશે. નાના ભાઈને ભણાવવાની, બહેનને પરણાવવાની, પરિવારના સભ્યોની જીવન જરૂરિયાતની તેને ચિંતા હશે. બાકી તમાકુપાન ગલોફે ચડાવી, બીડીની સટ મારી પોતાનું ખમીસ મિત્રોને સોંપી અંડરવેર વરાણીએ સિનેમાથિયેટર પર સ્ટન્ટ ફિલ્મની ટિકિટ લેવા ભીડમાં જે મર્દાનગી બતાવતો હોય તેને કાંઈ ચિંતા ન હોય. પિતા વૃદ્ધ થયા છે, હવે બધુ ઢસરડો કરી શકે તેમ નથી. સંયુક્ત કુટુંબના ગાડાના આ બેલને હવે આંબલીને છાંયે બેસીને આરામ કરવાની જરૂર છે. નીરણની જરૂર છે. વીતી ગયેલી જિંદગીના અતીતને હવે તો તેને વાગોળવા દ્યો. આવું ભાન મૂર્ખાના પુત્રને નથી હોતું. અમારે મથુરનો દીકરો દામોદર આવો મૂર્ખ હતો : જે આચરણ કરતો તેને સાચું માનતો. 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો પણ દામોદર ભણે તો ને? એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો, ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી ભટકાડીને બારણાં તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો, અલીફ-બે-પે-તે શીખે થે વહી કુરાન પઢને કો, અલીફ-બે-પે-તે તો કુરાને શરીફ પઢવા માટે શીખ્યા હતા, કખગઘનું ભણતર તો સુવાક્યો લખવા માટે ભણ્યા હતા. એબીસીડી શેલી અને કીટ્સનાં કાવ્યો વાંચવા શીખ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યાં નહીં. 

એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો હરિભાઇને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદર નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો હવે મગન પણ વિઠ્ઠલ માથે પછાડો તો ઘોબો ન પડે તેવો. મગન કહે, "હું પહેલો દરવાજામાંથી નીકળું" અને દામોદર કહે, "વાતમાં માલ શું છે?" 

બંને વાદે ચડ્યા પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોભમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું "બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે કે "હું પહેલો નીકળું." તે બાપા, એમ કોઈને મારગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું." મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, "તું ઘરે જા લાવ તપેલી. હું ઊભો રહું છું." મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, "તારો બાપ ભલેને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાધિ લે, પણ ઘી તો ઘરે સળગાવવું'તું." દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે. તેમાં ઘી જરૂરી નથી એટલે તે પાછો દરવાજે આવ્યો અને અને બોલ્યો. "બાપા હવે તમે ઘી લઈ ઘરે જાઓ, હું અહીં ઊભો છું. " ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો. 

આવો ઉદ્દંડ, તોફાની, માર ખાઈખાનૈ કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ ૯-ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો,આંખોમાં કોઈ શરારત - કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, "કેમ મોડો આવ્યો ?" દામોદરે કહ્યું "સાહેબ, રાંધવામાં મોડું થઇ ગયું." મેં કહ્યું, "તારે રાંધવાનું કામ કરવું પડે છે ?" દામોદરે કહ્યું, "હા, સાહેબ." મેં કહ્યું, "હા સાહેબ," મેં કહ્યું, "પણ શા માટે? તારી બા નથી રાંધતાં?" મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. "સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી મા મને મૂકીને ચાલી ગઈ." મેં કહ્યું, "અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું?" દામોદર કહે, "દાઝી જવાથી, અહીં દવાખાને લઇ ગયા. પછી રાજકોટ લઇ ગયા, પણ સાહેબ મારી માતા ન બચી શકી." આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો. પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું, "મરતાં કરતાં તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, "હા મો કહ્યું "બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે." 

દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અને બંને રડ્યા, દામોદર નવમા ધોરણમાં છઠ્ઠે નંબરે પાસ થયો અને એસ.એસ.સીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું, માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલાઈ અને વર્તન બદલાઈ ગયું. પરંતુ વિઠ્ઠલના પુત્ર મગનના જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટી, તેથી તે એમનો એમ રહ્યો, વિઠ્ઠલની જેમ જ. 

અમારા ગામમાં વીર વિક્રમની વાતો એટલી વિઠ્ઠલની વાતો. એ વખતે વિઠ્ઠલ હજી વાંઢો, પીળા હાથ નહીં થયેલા.કન્યાની તલાશમાં વિઠ્ઠલે આજુબાજુની ભોમકા ધમરોળી નાખેલી, પણ ક્યાંય મેળ પડેલો નહીં. વિઠ્ઠલનું રડ્યુંખડ્યું બધું કન્યાપ્રાપ્તિના પ્રયાસમાં ખર્ચ થઈ જતું. વિઠ્ઠલની લગ્નોત્સુક અવસ્થાનો લાભ લઈ કોઈ ચા પી જતું, કોઈ પાન-સિગારેટનો જલસો મારી જતા, કોઈ વળી મોટી લાલચમાં નાસ્તાનો વેત કરતા તો અમુક તો વિઠ્ઠલને આંબા-આંબલી દેખાડી દૂરના ગામના ભાડાના આવવા-જવાના પૈસા મેળવી પોતાનાં કામ કરી આવતા. અમારો પણ આમાં સમાવેશ થતો, પણ એક દિવસ અમે જરાક વધુ પડતી મશ્કરી કરી નાખી. અમે ભેગા થઈ પ્રથમ તો વિઠ્ઠલને સમજાવ્યો. "જો વિઠ્ઠલ, સગપણ થશે કે તરત જ જાડી જાન જોડવી પડશે. કન્યાવાળા ઉતાવળ કરશે, એટલે આપણાથી આનાકાની નહીં થાય, જાનમાં ગામના પ્રતિષ્ઠિત માણસો જોશે જે કાયમ બધાના ફુલેકામાં હોય છે તે બધા.'' વિઠ્ઠલ કાંઈ બોલ્યો નહીં, પણ પોતાના વિશે થતી આવી શુભ મંગલ વાતોથી માત્ર શરમાણો અને "તમે જે કહો તે" આવું બોલી અમને લીલી ઝંડી આપી. અમે કહ્યું, "પ્રથમ તો આપણે જમણવાર યોજી, સૌ મોટા મોટાનાં મોંઢાં ભાંગી નાખીએ, જેથી જાનમાં આવવાના પ્રસંગે કોઈ આનાકાની ન કરી શકે." સ્નાનકવાસીજૈન ભોજનશાળા નક્કી કરવામાં આવી. અમરશી અને રવજી ભગતે ભોજનની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. અમારા ડાયરાએ શું બનાવવું તેની યાદી તૈયાર કરી. ત્રણ મિષ્ટાન્ન, બે શાક અને કઠોળ, દાળ, ભાત, સંભારો, પાપડ અને છેલ્લે છાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પહેલેથી છેલ્લે સુધી બધું બરાબર ગોઠવાઈ ગયું. આમંત્રણો આપવામાં આવ્યાં. જમણવારનો શુભ દિવસ આવ્યો. જમવા આવનાર સાથે સંબંધીઓને પણ વિઠ્ઠલને સારું લાગે એમ સમજી લેતા આવ્યા. મોટા મોટા માણસોને જમવા આવતા જોઈ પ્રથમ તો વિઠ્ઠલ હરખાણો, સૌને આદરસત્કાર આપવા બારણે ઊભો રહ્યો. આવનારસૌએ વિઠ્ઠલની પ્રશંસા કરી. કોઈએ તેનો ઉદાર સ્વભાવ વખાણ્યો, તો કોઈએ તેની સેવાભાવી વૃત્તિ. પરંતુ જમનારા જેમ જેમ વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલનો પ્રશંસાનો નશો ઊતરતો ગયો અને છાતીમાં પાટિયાં ભીંસાતાં હોય એવું મંડ્યાં લાગવા. પંગતો પડી, થાળીઓ મુકાણી, પીરસવાવાળા જુવાનોએ વાનગી પીરસી દીધી. ડો. મેંઢા સાહેબે શ્લોકો બોલાવ્યા. સૌ જમવાનું શરૂ કરેત્યાં વિઠ્ઠલે એવી મરણપોક મૂકી કે સૌના શ્વાસ થંભી ગયા. કોળિયા હાથમાં રહી ગયા. અમે દોડ્યા. વિઠ્ઠલને પૂછ્યું, "શું થયું? વિઠ્ઠલ શું થયું?" વિઠ્ઠલ રોતાં રોતાં કહે, "બધા ભેગા થઈ મારું ખાઇ ગયા." અમે કહ્યું, "બોલ મા મૂંગો રહે..." પરંતુ વિઠ્ઠલના વાણી અને વિલાપને રોકી શકાય તેમ નહોતો. "એ મને ઊંડા કૂવામાં ઉતારી વરત કાપી, મારી મરણમૂડી એક ટંકમાં ઉડાડી ગયા, મને ભોળાને ભરમાવ્યો." " 

વિઠ્ઠલનું હૈયું વાણીમાં ઠલવાયે જતું હતું. વિઠ્ઠલ કરતાં પણ મોટી મૂંઝવણ ભાણે બેઠેલાની થઈ. અમુકને થયું. વિઠ્ઠલની અવળવાણી સાંભળી ભાણા પરથી ઊઠી જવું, તો અમુકનો મત એવો હતો કે અજ્ઞાનીનાં ઓરતાં ન હોય એમ માની વિઠ્ઠલના બોલ્યા સામું ન જોતાં અન્નનો અનાદર કર્યા વગર શાંતિથી જમી લેવું. જ્યારે અમુકે નક્કી કર્યું કે સૌને નોતરી આવી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ. વિઠ્ઠલનો વિલાપ કોઈને જંપવા દે તેમ ન હોવાથી હું, વનેચંદ અને ઠાકરશી વિઠ્ઠલને સમજાવવાં માંડ્યા, "બોલ વિઠ્ઠલ, કેટલું ખર્ચ થયુંછે ?" વિઠ્ઠલ કહે, ત્રણ હજાર તો થઈ ગયા છે. હવે પરણીશ કઈ રીત ? તમારું..." અમે કહ્યું, "શાપ દે મા વિઠ્ઠલ વાત તો ત્રણ હજારની છે ને ? તું ધરપત રાખ, સૌ સારાં વાના થઈ જશે" ચૂંટણીના સમયે ઉમેદવારો આપે છે તેવાં આશ્વાસનો અમે આપ્યાં, પણ તેની વિઠ્ઠલ પરકોઈ અસર ન થઈ. છેવટે ઠાકરશી સાકરિયાએ હિસાબ કરી સૌ પાસેથી અગિયાર રૂપિયા ઉઘરાવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તરત પસાર થયો અને અમલ શરૂ કર્યો. 

મેં પંગત વચ્ચે ઊભા થઈ ભાષણ કર્યું, "ભાઈઓ, મુરબ્બીઓ, મિત્રો ! વિઠ્ઠલનું દુ:ખ એ તેના એકલાનું નથી. કાંઈ પણ પ્રસંગ ન હોવા છતાં તેને આપણને સૌની હાથધરણું કરી પાડવાનો છે." સૌએ પ્રસ્તાવ સ્વીકાર્યો. અમુકે અગિયારને બદલે એકાવન આપ્યા. અમુકે માત્ર પાંચ જ આપ્યા તો અમુકે વળી ડોળા કાઢી માત્ર જમવાનું ચાલુ રાખ્યું. દાળ પીરસાય તે પહેલાં નાણું એકત્રિત કરવામાં આવ્યું. સત્યાવીસસો જેવી રકમ ભેગી થઈ. મોટા મોટા પાસેથી આગ્રહ - વિનવણી કરી રૂપિયા ત્રણ હજાર ભેગા કરી સુપરત કર્યા ત્યારે તે છાનો રહ્યો. રકમ કબજે કર્યા. પછી વિઠ્ઠલ સાચો હરખાણો અને નીકળી પડ્યો પંગતમાં સૌને આગ્રહ કરવા- "જમો મારા વા'લા પ્રેમથી જમો." 

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૦૭/૦૬/૨૦૧૫ )

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2010

નજરેં બદલ ગઈ…

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : 'આ બધાં નિશાન તમે લીધા છે ?' આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, 'તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?'
યુવાને કહ્યું, 'ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.'
જનરલે કહ્યું : 'હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.' માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.
વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : 'થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.' હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.
મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?
પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, 'એલા, શું સપનું જોતો હતો ?'
મથુર કહે : 'તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.'
મેં કહ્યું : 'હાલ ફરવા.'
મથુર કહે : 'ના, મારે નથી ફરવું. તું જઈ આવ.' આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.
હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. 'ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.' દા.ત. વ્યાયામ. 'ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.' દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.'
You can make your living by what you earn,
But you can make your life by what you give.
'જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.'
આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. 'જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.' 'ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.' આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, 'ચાલો ભિખુ, ચાલો.'
હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.
હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, 'ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?' મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, 'સંઘર્ષ શક્ય નથી.'
પાછળ કાકીએ મને કહ્યું, 'ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.' મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : 'અજ્ઞાનીના ઓરતા ન હોય.'
હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?
ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.
જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, 'સાહેબ, એક અડધી ચા પાવ.' હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : 'ચા સાથે નાસ્તો કરશો ?'
એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?
હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, 'મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.' ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, 'ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.'
ભિક્ષુક કહે, 'સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.'
મેં કહ્યું, 'ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.'
ભિક્ષુક કહે, 'કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?'
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, 'જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?'

– શાહબુદ્દીન રાઠોડ