લેબલ કૃષ્ણકાંત ઉનડકટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કૃષ્ણકાંત ઉનડકટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 5 એપ્રિલ, 2013

બધા લોકોને મારામાં ખામી જ દેખાય છે



એ હવે રહી રહીને માગે છે પરિવર્તન મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
-મરીઝ

તારામાં બસ એક આ જ પ્રોબ્લેમ છે, એ તું દૂર કરી દે ને તો આખી દુનિયામાં તારા જેવું કોઈ નથી. માણસનો સ્વભાવ છે કે એને ખામી સૌથી પહેલાં દેખાશે. દુનિયામાં સૌથી સહેલું જો કોઈ કામ હોય તો એ માણસની ખામી શોધવાનું છે. કોઈ માણસ ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ નહીં હોવાનો. કોઈ ને કોઈ ખામી તો દરેક માણસમાં હોવાની જ છે.

ખામી, ભૂલ, મર્યાદા, પ્રોબ્લેમ, શોધવાની માણસને સૌથી વધુ મજા આવતી હોય છે. ક્રિટિક બનવું બહુ સહેલું છે. પ્રસંશક બનવું સૌથી અઘરું છે. બધો જ આધાર એના ઉપર છે કે તમે માણસને કઈ દૃષ્ટિથી જુઓ છો. ખામી શોધવી હોય તો બધેથી મળી આવશે. ચાંદમાં પણ ડાઘ છે અને ફૂલ સાથે પણ કાંટા હોય છે. ચાંદમાં ડાઘ જ જોઈએ તો એની રોશનીનું મૂલ્ય ક્યારેય સમજાવાનું જ નથી. સવાલ એ છે કે તમને મતલબ શેનાથી છે, ડાઘથી કે રોશનીથી? ચંદ્રમાં ભલે ડાઘ રહ્યો પણ એનો પ્રકાશ બધે એકસરખો જ પડે છે.

પ્રકૃતિનો કોઈ અંશ એકસરખો નથી. આખી પૃથ્વીને જ જોઈ લ્યોને. ક્યાંય જંગલ છે તો ક્યાંક રણ, ક્યાંક કાળઝાળ ગરમી છે તો ક્યાંક બરફ. ક્યાંક દરિયો છે તો ક્યાંક એક ટીપાંનીય હાજરી નથી. કેવું છે, આને આપણે વૈવિધ્ય કહીએ છીએ. માણસના વૈવિધ્યને આપણે સ્વીકારી શકીએ છીએ? આપણી 'માન્યતા' અને આપણા 'ગમા'માં જે વ્યક્તિ ફિટ નથી બેસતી તેને આપણે નકામી ગણી લઈએ છીએ. કોઈ વ્યક્તિને આપણે સંપૂર્ણ રીતે સ્વીકારી શકતા નથી.

બે ભાઈઓ હતા. બંનેની પોતાની કંપની હતી. બંનેમાં એકસરખો જ મેનપાવર અને એક સરખી જ સાધનસામગ્રી હતી છતાં એક ભાઈની કંપની સરસ ચાલતી હતી અને બીજા ભાઈની કંપની નબળી ચાલતી હતી. પેલા ભાઈને સમજાતું જ ન હતું કે આખરે ખામી ક્યાં છે? એક દિવસ તેને થયું કે મારા ભાઈને જ પૂછી જોઉં કે તારી સફળતાનું કારણ શું છે? તેણે પૂછયું કે આપણા બંને પાસે બધું જ સરખું હોવા છતાં હું કેમ નિષ્ફળ જાઉં છું ? ત્યારે બીજા ભાઈએ સરસ વાત કરી. તેણે કહ્યું કે માત્ર એક જ અને નાનકડો જ તફાવત છે. તારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં તું ખામી જ શોધે છે અને મારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં હું ખૂબી જ શોધું છું. હું માણસની ખામીઓની દરકાર જ નથી કરતો પણ તેનામાં ખૂબી શું છે એ શોધીને એને જ એનકરેજ કરું છે. તું ખામીઓ શોધવાનું બંધ કરી દે અને માણસની ખૂબીઓને શોધી કાઢ, પછી જો, લોકો કેવું પરિણામ આપે છે.

આપણે પણ આપણા લોકોની ભૂલ જ શોધતા હોઈએ છીએ. તું આ બરાબર નથી કરતો, તું ક્યારેય સુધરવાનો જ નથી, તારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં, તું કોઈ દિવસ સફળ જ નથી થવાનો, આવું જ આપણે શોધતા અને કહેતા હોઈએ છીએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણી સાથે જે લોકો જીવે છે કે આપણી સાથે જે લોકો કામ કરે છે તેની ખૂબી શું છે? આપણે ક્યારેય આ ખૂબીને શોધીને તેનાં વખાણ કરીએ છીએ? ના, આપણને કોઈની ભૂલ શોધવામાં જ મજા આવતી હોય છે. રોજ મોડા આવનારને આપણે ખવડાવશું પણ દરરોજ સમયસર આવનાર માટે આપણાં મોઢામાંથી વખાણના બે શબ્દો પણ નહીં નીકળે.

સંબંધોનો આધાર પણ તેના ઉપર જ છે કે તમે તમારી વ્યક્તિમાં શું જુઓ છો. તમારી પ્રિય વ્યક્તિમાંથી કોઈ એક સારી બાબત શોધીને ક્યારેક તેને કહી જોજો કે તારામાં આ એક એવી ખૂબી છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. સારી બાબતોની આપણને દરકાર જ નથી હોતી. માણસને માર્ક્સ આપવા કરતાં માર્ક્સ કાપવાની ફાવટ વધુ હોય છે. ફિલ્મમાં જશે તોપણ એ જ શોધશે કે ફિલ્મ ક્યાં નબળી છે. આ એક ગીત સાવ ભંગાર છે એમ કહેશે પણ ત્રણ ગીત સરસ છે એમ કહી નહીં શકે. ચિત્રમાં પણ ક્યાં ખોટો સ્ટ્રોક લાગી ગયો એ જ શોધશે. સંગીતમાં પણ ક્યાં રિધમ તૂટી એના પર જ ધ્યાન હશે.

એ વ્યક્તિ ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતી જે પોતાની વ્યક્તિમાં ખામી જ શોધે છે. તમારી વ્યક્તિમાં શોધશો તો એવું પણ મળી આવશે જે બીજા કોઈનામાં નહીં હોય. સારાપણું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એક પતિ-પત્ની હતાં. પત્ની દરરોજ પતિ માટે ખૂબ પ્રેમથી અને મહેનત કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે. પતિ કોઈ દિવસ તેની કદર કે વખાણ ન કરે. એક દિવસ પત્નીએ સરસ વાનગી બનાવી, બસ એમાં મીઠું ન નાખ્યું. પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં જ પતિએ કહ્યું કે આજે શાકમાં મીઠું નથી. પત્ની હસવા લાગી અને કહ્યું કે દરરોજ તો હોય છે, ત્યારે કેમ તમે નોંધ નથી લેતા. માર્ક કરજો, ઘણી બધી બાબતોમાં આપણે આવું કરતા હોઈએ છીએ.

બાળક ગણિતમાં નબળું હશે તો આપણે તેને સતત એના માટે જ ટોકતા રહીશું, ઇકોનોમિક્સ સારું હશે તો તેનાં વખાણ નહીં કરીએ. ક્યારેય એવું કહીએ છીએ કે એ નથી ફાવતુંને, ચિંતા ન કર, એમાં સારી રીતે પાસ થવાય એટલી તૈયારી કર, બાકી તારી જેમાં માસ્ટરી છે એના પર વધુ ધ્યાન દે. પર્સન્ટેજ કવર થઈ જશે. પણ આપણે ગણિતની જ એટલી બધી ખામી દેખાડીને એનું ઇકોનોમિક્સ પરનું ધ્યાન હટાવી દેશું. તમને ખબર છે કે તમારા બાળકની ખૂબી શું છે?

જે તમારી ખામીઓ જ શોધીને બતાવતા રહે તેનાથી પણ સાવચેત રહેજો. ઘણી વખત તો આપણી જ વ્યક્તિ આપણામાં એટલી બધી ખામી શોધતી રહે છે કે આપણને જ એવું લાગવા માંડે કે મારામાં કંઈ આવડત છે જ નહીં. એવું ક્યારેય નથી હોતું કે કોઈનામાં કંઈ આવડત ન હોય. દરેક વ્યક્તિ સારી હોય છે. જો તેનામાં રહેલું સારાપણું તમે જોઈ શકતા હો તો. તમારી વ્યક્તિની સારી બાબત શોધીને એનાં વખાણ કરી જોજો, પછી જો જો કે તેનામાં શું પરિવર્તન આવે છે. એક વાર કહી તો જુઓ કે યુ આર બેસ્ટ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. માણસને સારો, ઉમદા અને પ્રેમાળ બનાવવાનો જાદુ તમારી પાસે છે જ, એને ક્યારેય અજમાવી તો જુઓ. બેસ્ટ નહીં હોય એ પણ ધ બેસ્ટ થઈ જશે.

છેલ્લો સીન :
આપણે એકબીજાના જીવનને જો ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ?
-જ્યોર્જ એલિયટ

(‘સંદેશ’, તા. 31મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ  - કૃષ્ણકાંત ઉનડકટ)

ગુરુવાર, 3 મે, 2012

ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ




કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

- ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ... નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું? કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારે 'કોમ્પ્રોમાઈઝ' કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું? માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું નેપણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસ 'માય ડે' ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિને 'માય ડે' ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસ 'માય ડે' છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હું 'માય ડે' ને શા માટે બગાડું?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાં 'માય ડે' કયો છે? આપણે દુનિયાભરના 'ડે' ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈ 'ડે' નથી હોતો એટલે એ 'બર્થ ડે'ને 'માય ડે' માની લેતો હોય છે. 'બર્થ ડે' એ આપણા જન્મનો દિવસ છે અને 'માય ડે' એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ... આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજ 'માય ડે' લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું

આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો? કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમે 'માય ડે' ઊજવવાનું શરૂ કરો છો?
 
છેલ્લો સીન
પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
- હેલી બર્ટન
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   29/4/2012

મંગળવાર, 10 એપ્રિલ, 2012

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો


મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશીર બદ્ર

          સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

          આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

         એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

          પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની - નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

          પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

          એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

          માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક - બે વખત કે પાંચ - દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

         પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ટેકન ફોર ગ્રાન્ટેડલેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

          માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા - અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

         લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?
 
છેલ્લો સીન :
આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
-જ્યોર્જ એલિયટ 
 
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ  9/4/2012

બુધવાર, 18 જાન્યુઆરી, 2012

દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે


હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
 
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

- બરકત વીરાણી ‘બેફામ’

          જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો? તેમ થશે તો? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘નેચરલ લાઇફ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી, જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે? ના, આપણને ખબર નથી, તો પછી સતત ડરવાનું શા માટે?
અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે, કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડગમગો નહીં, કારણ કે આપણે તેની સાથે જ તો જીવવાનું છે.
          એક ફિલોસોફરે સરસ વાત કરી છે. માણસ એટલા માટે દુઃખી છે, કારણ કે તે સંપૂર્ણ અસલામત વિશ્વમાં સતત સલામતી શોધતો ફરે છે. એ સલામતી શોધી પણ લે છે અને પછી પાછો એ જ સલામતીની અસલામતી અનુભવે છે.
             એક યુવાન હતો. તેને સતત એવું થતું કે મને એક એવી વ્યક્તિ મળે જે મને ખૂબ જ પ્રેમ કરે. તેને એક યુવતી સાથે પ્રેમ થયો. તેને થયું કે હું જે ઇચ્છતો હતો એ મને મળી ગયું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. ધીમે ધીમે યુવાનને ડર લાગવા માંડયો કે મારો પ્રેમ મારાથી છીનવાઈ જશે તો? હું પાછો એકલો થઈ જઈશ તો? મારી પ્રેમિકા મને દગો દેશે તો? તેને થયું કે મારી આ મૂંઝવણ હું મારી પ્રેમિકાને જ કહું.
એક દિવસ તેણે આ વાત પ્રેમિકાને કરી. પ્રેમિકાને પૂછયું, કે તું મને આખી જિંદગી પ્રેમ કરીશને? પ્રેમિકા ખડખડાટ હસવા લાગી. પ્રેમિકાએ કહ્યું, મને ખબર નથી. આ પર્વતની ખીણમાં આપણે બેઠાં છીએ, ઉપરથી કોઈ મોટો પથ્થર હમણાં પડે અને હું મરી જાઉં તો? તને કાલની ખબર છે કે તું કાલે મારી સાથે હોઈશ? તો પછી આખી જિંદગીની ચિંતા શા માટે કરે છે? મને તો એટલી ખબર છે કે હું અત્યારે તારી સાથે છું અને તને પ્રેમ કરું છું. તું અત્યારે તારી સાથે નથી. તું આજમાં નથી. તું આવતી કાલમાં જીવે છે. આવતી કાલ જે તદ્દન અનિશ્ચિત છે, આવતી કાલ જે તદ્દન અસલામત છે. આજમાં જીવ. અત્યારે જીવ. ડર હટાવી દે. હવે પછીની ક્ષણની ખબર નથી અને તું આખી જિંદગીની ચિંતા કરે છે. આવું જ કરતો રહીશ તો તું ક્યારેય તારી સાચી જિંદગી જીવી નહીં શકે. કાલની મને ખબર નથી, કાલની મને ચિંતા પણ નથી. મને માત્ર એટલી ખબર છે કે અત્યારે હું છું, અત્યારે જેટલો પ્રેમ થાય એટલો પ્રેમ તને કરી લઉં.
            કેવું છે? કાલની ખબર નથી અને આપણે ‘ગેરંટી’ અને ‘વોરંટી’ શોધતા ફરીએ છીએ. બીમારીની ખબર નથી અને મેડિકલ ઇન્સ્યુરન્સ લીધે રાખીએ છીએ. કાલની ખબર નથી અને જીવનનો વીમો ઉતારીએ છીએ. એનો મતલબ એવો નથી કે કોઈ પ્લાનિંગ જ ન કરવું. પ્લાનિંગ કરવું જ જોઈએ, સલામતી વિચારવી પણ જોઈએ, છતાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અસલામતીથી ડરવાનો કોઈ જ મતલબ નથી. અને હા, ગમે તેવી અસલામતીમાં પણ જિંદગી ટકવાની જ છે. સવાલ માત્ર એટલો ચિંતનની પળે જ હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે સમજીએ છીએ.
                માણસને કઈ કઈ વાતનો ડર લાગે છે? ઘરનો, પ્રેમનો, સંબંધનો, જિંદગીનો અને નોકરી અથવા ધંધાનો. મજાની વાત એ છે કે આમાંથી કશું જ નિશ્ચિત નથી. આપણે એક વસ્તુ મેળવીએ છીએ અને પછી તેને પકડી રાખીએ છીએ. આપણે એટલા માટે જ પકડી રાખીએ છીએ, કારણ કે આપણને ડર છે કે એ આપણા હાથમાંથી છટકી જશે. એ છટકી જાય તો માણસ કંઈ જ કરી શકતો નથી, છતાં તેને જકડી રાખે છે.
માણસ સતત સલામતી માટે મથતો રહે છે. સલામતીની ચિંતામાં એ સરખું જીવતો પણ નથી. મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મારાં સંતાનોને કંઈ થઈ જશે તો?મારો દીકરો કે દીકરી પરીક્ષામાં ફેઇલ થશે તો?મારી દીકરીને સારું ઠેકાણું નહીં મળે તો?અરે, માણસ તો ત્યાં સુધી ડરતો રહે છે કે મારે કાલે વહેલી સવારે ટ્રેન કે ફ્લાઇટ પકડવાની છે એ હું મિસ કરી દઈશ તો?સવારે વહેલું ઉઠાશે નહીં તો? મોબાઇલમાં મૂકેલો એલાર્મ સવારે નહીં વાગે તો? મને કંઈક થઈ જશે તો? આ બધાંમાંથી કંઈ નિશ્ચિત નથી તો પણ આપણે ડરતાં રહીએ છીએ ને.
                   કાર્લ યુંગ નામના વિદ્વાને કહ્યું છે કે, માણસની વ્યાખ્યા દરેક માણસે સમજવી જોઈએ. માણસને તો ક્યારેય બદલવું હોતું જ નથી, પરંતુ માણસ એ માત્ર માણસ નથી. માણસ એટલે માણસ અને તેના સંજોગો. માણસ ભલે ન બદલે પણ સંજોગો તો બદલતા રહેવાના જ છે. સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે. તમે તમારા સંજોગોને તમારાથી દૂર ન કરી શકો. સંજોગો એકસરખા રહેવાના જ નથી. આપણે સંજોગોની કલ્પના અને સંજોગોની શક્યતાઓ વિચારીને જિંદગીને જીવવાની મથામણ કરતાં રહીએ છીએ અને સંજોગો બદલીને સાવ જુદાં જ રૂપે સામે આવી જાય છે. એટલે જ કહેવું પડે કે જિંદગી જીવવી હોય અને જિંદગીને પ્રેમ કરવો હોય તો સંજોગોથી ડરો નહીં પણ સંજોગો સ્વીકારો. જિંદગી પ્રશ્ન આપે છે, એ પ્રશ્નનો જવાબ પૂરો કરીએ ત્યાં જિંદગી આખું ક્વેશ્વન પેપર જ બદલાવી નાખે છે.
                માણસ આખી જિંદગી પ્લાનિંગમાં વિતાવે છે. માણસ પાસે કાલનું પ્લાનિંગ છે, માણસ પાસે આખી જિંદગીનું પ્લાનિંગ છે. માણસ પાસે માત્ર અત્યારનું પ્લાનિંગ નથી, અત્યારે કેમ જીવવું એ તેને ખબર નથી, કારણ કે એ કાલના પ્લાનિંગમાં જ અટવાયેલો છે, એવી કાલ જેની કંઈ જ ખબર નથી.
               માણસ જ આખી જિંદગી અસલામતી અને અનિશ્ચિતાથી ડરતો અને ફફડતો રહે છે. કેટલાક લોકો તો જિંદગીથી એટલા બધા ડરી જાય છે કે એ આપઘાત કરવાનું વિચારવા લાગે છે કે આપઘાત કરી લે છે. તમને ખબર છે, માણસ સિવાય કોઈ જ જીવ ક્યારેય આપઘાત કરતો નથી. તમે કોઈ પક્ષીને ગળે ફાંસો ખાતા જોયું છે? કોઈ પશુએ ઝેર પીને જીવ દીધાનું તમે સાંભળ્યું છે? ઝરણાંનો રસ્તો બંધ કરી દો તો એ છલકીને બાજુમાં નવો રસ્તો કરી વહેવા લાગે છે. માત્ર માણસ જ અટકી જાય છે. એ એવું માનવા લાગે છે કે હવે કોઈ રસ્તો જ નથી. રસ્તો તો હોય જ છે, આપણે આપણી આંખો અને બુદ્ધિ બંધ કરી દઈએ છીએ એટલે આપણને રસ્તો દેખાતો કે સૂઝતો નથી.
                અસલામતીથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને એ ઉપાય એવો છે કે અસલામતીથી ક્યારેય ડરવું નહીં. યાદ રાખો કંઈ જ સલામત નથી. આપણે જે સલામતી શોધી કે ગોઠવી છે એ સનાતન નથી. માત્ર અસલામતી જ સનાતન છે. માત્ર સલામતી પાછળ ન દોડો, અસલામતીને સ્વીકારો. કોઈ સંજોગથી થથરી ન જાવ, કોઈ વાતથી ડરી ન જાવ. તમે છો તો બધું છે. જે બદલાય છે એ માત્ર એક પરિસ્થિતિ હોય છે, જે ફરીથી બદલાવાની હોય છે.
                 દરેક માણસ જાણે છે કે આપણું ધાર્યું કંઈ થવાનું નથી, છતાં દરેક માણસ સતત એવું જ ઇચ્છતો અને કરતો રહે છે કે પોતાનું ધાર્યું થાય. કંઈ જ આપણા ‘કંટ્રોલ’માં નથી, છતાં આપણે બધું જ ‘કંટ્રોલ’ કરવું હોય છે અને આ ‘કંટ્રોલ’ની ઉપાધિમાં આપણે આપણા પરથી જ ‘કંટ્રોલ’ ગુમાવી દઈએ છીએ. સ્વીકારી લો કે કંઈ જ સલામત નથી, અસલામતીથી દુઃખી ન થાવ. આજમાં જીવો, અત્યારે જીવો, આ ક્ષણ તમારી છે અને તમે એ ક્ષણના છો? આપણે સમયથી ભાગી અને તેનાથી આગળ નીકળી જવાનો ખોટો પ્રયાસ કરતા રહીએ છીએ અને કાલની ચિંતામાં જીવીએ છીએ. મજા અત્યારે છે, આનંદ આ ક્ષણે છે, સુખ તમારી પડખે છે. જે અસલામતી લાગે છે એ અણસમજ છે. ડરતાં રહેશો તો ક્યારેય જિંદગી જીવી નહીં શકો. કોઈ વાતનો અફસોસ ન કરો, કોઈ વાતની ચિંતા ન કરો. જિંદગી જેવી છે એવી ખુલ્લા દિલે જીવો, તો જ જિંદગી જીવવાની મજા આવશે.


છેલ્લો સીન
જીવન એટલે માણસનો એવી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માગે છે.
-  સ્વામી વિવેકાનંદ

 ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

બુધવાર, 4 જાન્યુઆરી, 2012

નવા વર્ષે સંકલ્પ કરો - મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ

રોજ સાંજે ને સવારે હોય શું? એક ઇચ્છાથી વધારે હોય શું?
જો હૃદયમાં બેસી ગઈ હો પાનખર, તો બગીચે ને બહારે હોય શું?
- દિનેશ ડોંગરે ‘નાદાન’

આજથી નવું વર્ષ શરૂ થયું. માણસને શું ફેર પડે છે? વર્ષ તો આવે અને જાય. આપણે ન હતા ત્યારે પણ વર્ષ બદલાતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ વર્ષ બદલાશે. રોજ જેવી જ સવાર છે અને દરરોજ જેવી જ રાત હશે. માત્ર કેલેન્ડર બદલાય છે, બીજું કશું જ નહીં. આવું વિચારવું હોય તો વિચારી શકાય.


એ સિવાય થોડુંક જુદી રીતે પણ વિચારી શકાય. આજથી એક નવી શરૂઆત થાય છે. એક નવી કૂંપળ ફૂટે છે. આ કૂંપળમાંથી ધીમે ધીમે ફૂલ બનશે. સૂરજના પહેલા કિરણ જેવી નજાકત આ નવા વર્ષના પહેલા દિવસમાં છે. દરેક નવી શરૂઆત સાથે જિંદગીમાં પણ કંઈ નવીનતા ઉમેરાવી જોઈએ, કારણ કે જિંદગીથી ઉત્તમ અને જિંદગીથી સુંદર કંઈ જ નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, નથિંગ ઈઝ લાર્જર ધેન લાઈફ.


ગયા વર્ષની કઈ એવી ઘટના છે જે તમને મમળાવવાનું મન થાય છે? ગયા ૩૬૫ દિવસમાં કયો દિવસ તમારા માટે ‘બેસ્ટ ડે ઓફ ધ યર’ હતો? કયું દૃશ્ય તમને યાદ આવે છે? તમારી સાથે શું સારું બન્યું હતું? યાદ કરવા માટે વિચાર કરવો પડે છે, કારણ કે આપણે સારું ઝડપથી ભૂલી જઈએ છે.આપણે ચુંબનને ભૂલી જઈએ છીએ ને થપ્પડને યાદ રાખીએ છીએ.


જિંદગી કેવી છે? દોસ્તી યાદ રાખવી પડે છે અને નફરત ભુલાતી નથી. ફ્રેન્ડશિપ ‘ફ્રેશ’ નથી અને નફરતમાં ‘ગ્રેસ’ નથી. જિંદગી ‘ગ્રેસફુલ’ હોવી જોઈએ. ગમે તે થાય હું મારો ‘ગ્રેસ’ ગુમાવીશ નહીં. દરેક જિંદગીની એક ભવ્યતા છે. તમારી જિંદગી કેટલી જાજરમાન છે? તમને તમારું કેટલું ગૌરવ છે?


આજે નવા વર્ષના દિવસે તમને એમ કહેવામાં આવે કે તમારે એક વ્યક્તિને માફ કરવાની છે. તો તમે કોને માફ કરો? એક ઘટના તમારે કાયમ માટે ભૂલી જવાની છે, તો તમે કઈ ઘટના ભૂલી જાવ? એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે, માણસ દુઃખી શા માટે છે? સંતે કહ્યું કે, સાવ સરળ અને સીધું કારણ છે માણસ દુઃખી એટલા માટે થાય છે, કારણ કે જે ભૂલવાનું હોય એ ભૂલતો નથી અને જે યાદ રાખવાનું હોય એ ભૂલી જાય છે. આ ક્રમને ઉલટાવી નાખો તો સુખ જ સુખ છે.


જિંદગીએ ત્રણ પાનાંનું પુસ્તક છે. બે પાનાં તો કુદરતે અગાઉથી જ લખી નાખ્યાં છે આ બે પાનાંમાં પહેલું પાનું છે, જન્મ. અને ત્રીજું પાનું છે મૃત્યુ. માત્ર વચ્ચેનું પાનું ભગવાને આપણા માટે છોડયું છે. આ પાનું એટલે જિંદગી. તમારે આ પાનામાં શું લખવું છે? આ પાનામાં તમારે કેવું ચિત્ર દોરવું છે, સોહામણું કે બિહામણું? કેટલું રડવું છે અને કેટલું હસવું છે? કેટલો પ્રેમ કરવો છે અને કેટલી નફરત? ચોઈસ ઈઝ યોર્સ. પસંદગી તમારે કરવાની છે.


જિંદગી જીવો, કારણ કે જિંદગી બીજી વખત નથી મળવાની. આપણે ઘણા પ્રશ્નોમાં કારણ વગરના ઉલઝતા હોઈએ છીએ? ભગવાન રજનીશને એક વખત એક માણસે સવાલ કર્યો. તમારા આશ્રમમાં તો બધું જ ‘બેફામ’ છે. બધા લોકો બિન્ધાસ્ત વર્તે છે, કોઈ વાતનો છોછ નથી, ઘણું બધું એવું ચાલે છે જે યોગ્ય નથી. રજનીશે શાંતિથી ઉત્તર આપ્યો કે એમાં મારે શું? પેલા માણસે આશ્ચર્ય સાથે કહ્યું કે, તમે કેવી વાત કરો છો? આ આશ્રમ તો તમારો છે.


રજનીશે હળવાશથી કહ્યું, આશ્રમ મારો છે તો પછી એમાં તારે શું? આપણે જિંદગીના કયા પ્રશ્નને આટલી હળવાશથી લઈએ છીએ?


તમને ક્યારેય એવું લાગે છે કે આપણે જિંદગીને વધુ પડતી ગંભીરતાથી લઈએ છીએ? જિંદગી ગંભીર છે જ નહીં. જિંદગી તો સાવ હળવી છે. આપણે તેને ભારે અને ગંભીર બનાવી દઈએ છીએ. આપણે આપણો ‘ગ્રેસ’ અને ગૌરવ ગુમાવી દઈએ છીએ. ગમે તે થાય જિંદગીમાં ‘ગ્રેસ’ ન ગુમાવો. પ્રેમમાં પણ નહીં અને નફરતમાં પણ નહીં.


એક માણસે તેના મિત્રને પૂછયું પ્રેમ કરવો અઘરો છે કે નફરત? મિત્રએ જવાબ આપ્યો કે નફરત કરવી વધુ અઘરી છે, કારણ કે નફરતમાં વધુ ‘ગ્રેસ’ની જરૂર પડે છે. દોસ્તી રાખવી સહેલી છે પણ દુશ્મની નિભાવવી અઘરી છે. ગમે એવી નફરત હોય તો પણ માણસે મક્કમ રહેવું જોઈએ કે ના હું આવું તો નહીં જ કરું, હું મારું ગૌરવ ગુમાવીશ નહીં. ઘણી વખત માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં પણ નફરતમાંથી નીકળે છે.


બે પ્રેમી હતાં. બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થયું. બંને જુદાં પડી ગયાં. એક વખત પ્રેમિકાને કોઈ કહ્યું કે, એ તો તારા વિશે એલફેલ બોલતો હતો. તું સારી નથી એવું કહેતો હતો. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે આ વાત ખોટી છે એ મારા વિશે આવું બોલે જ નહીં, કારણ કે હું એ માણસને ઓળખું છું. આજે ભલે અમે જુદાં છીએ પણ એક સમયે અમે ભરપૂર પ્રેમ કર્યો હતો. તે મારા વિશે કેવું વિચારી શકે એ હું વિચારી શકું છું. ભલે અમે જુદાં થઈ ગયાં પણ મને એ માણસનું ગૌરવ છે. પેલા માણસે કહ્યું કે હું તો માત્ર થોડુંક ખોટું બોલીને તને ચકાસતો હતો. તારા જૂના પ્રેમીએ તો એવું જ કહ્યું હતું કે, તું સારી છે. અમુક બાબતે અમારે ન બન્યું પણ તેનો મતલબ એ નથી કે તે ખરાબ થઈ ગઈ. આપણા કેટલા સંબંધ આ કક્ષાના હોય છે? આપણે જુદા પડીએ પછી કેમ એકબીજાને બદનામ જ કરીએ છીએ.


બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એકે કહ્યું કે આપણો સંબંધ આજથી પૂરો. બીજા મિત્રએ કહ્યું કે, હશે. આપણો એક સંબંધ પૂરો થયો અને કદાચ નવો, જુદો અને નફરતનો સંબંધ શરૂ થાય છે. આ પણ એક સંબંધ નથી? નફરતથી પણ આપણે એક-બીજાને યાદ તો કરવાના જ છીએ. ચાલ, છૂટા પડતી વખતે એક નિર્ણય કરીએ કે જ્યારે યાદ કરીશું ત્યારે આપણે આપણાં સારા દિવસો અને સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરીશું. દોસ્ત, પૂરું તો એક દિવસ બધું જ થવાનું છે. જિંદગી પણ. નફરત સાથે શા માટે કંઈ પૂરું કરવું? અને હવે સંબંધ પૂરો જ કરવાનો છે તો પછી પ્રેમથી પૂરો કરીએ.


જિંદગીમાં કંઈ જ પરમેનન્ટ નથી. અરે, જિંદગી ખુદ ક્યાં પરમેનન્ટ છે? જે છે એ આજ છે, જે છે એ અત્યારે જ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. તમને જિંદગીથી પ્રેમ છે? તો આ ક્ષણ જીવી જાણો. નક્કી કરો કે હું મારી જિંદગી ભવ્યતાથી જીવીશ. કુદરતે આ જિંદગી દુઃખી થવા માટે નથી આપી, તેણે તો જીવવા માટે આપી છે. નવા વર્ષનો પ્રારંભ એવા સંકલ્પથી કરો કે જિંદગીની કોઈ ક્ષણ હું વેડફીશ નહીં, હું દરેક ક્ષણ જીવીશ, કારણ કે જિંદગી જીવવા માટે છે, કારણ કે જિંદગી ખૂબસૂરત છે. જિંદગી તમારી રાહ જુએ છે, તમે એને ગળે વળગાડી લો. જિંદગીને ખૂબ પ્રેમ કરો... માત્ર નવા વર્ષની જ નહીં, પૂરેપૂરી આખેઆખી, સંપૂર્ણ અને સુંદર જિંદગીની શુભકામના.


છેલ્લો સીન
Life is too short to waste time in hating anyone.

 ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ (1/1/2012)

શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન, 
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન. 
-  નિદા ફાઝલી
એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!
બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.
સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું - ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.
સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.
જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.
સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું ઈન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.
એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.
સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.
માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.
સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.
સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી ચિંતનની પળે પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે. એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને? તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.
દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા, ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે. ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
છેલ્લો સીન
મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

દોસ્તી એટલે આંસુ અને હાસ્યનો સંબંધ



બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી - મરીઝ

એક મિત્ર બીજા મિત્રને મળ્યો અને પૂછયું કે “કેમ છો?” બીજા મિત્રએ કહ્યું કે “મજામાં!” મિત્રે પછી કહ્યું, “ચાલ હવે સાચી વાત કર!” અને પછી દિલના બધા જ દરવાજા ખૂલી જાય છે, વાતો વહેતી રહે છે, દિલનો ભારે ખૂણો ધીમે ધીમે હળવો થતો જાય છે, ક્યારેક હોઠ મલકે છે અને ક્યારેક આંખો ભીની થાય છે. છેલ્લે જે હોય છે એ માત્ર અને માત્ર દોસ્તી હોય છે!

દોસ્તી લોહીનો સંબંધ નથી. દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે. જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે. મિત્ર એટલે એવી વ્યક્તિ જેને કોઈ પણ વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડતી નથી, જેને કહેવું પડતું નથી કે કોઈને આ વાત કરતો નહીં. દોસ્ત સાથેનો સંવાદ એટલે એવી જાહેર વાત જે કાયમ ખાનગી રહે છે. તમારો એવો મિત્ર કોણ છે જેને તમારી બધી જ વાત ખબર છે? મિત્ર એટલે એવી વ્યક્તિ જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે! દોસ્ત મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે. ક્યારેક પ્રેમની, ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની, ક્યારેક લફરાંની, ક્યારેક દર્દની અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો એ દોસ્તીની લક્ઝરી છે.

ગામ માટે જે રાજુ હોય છે એ દોસ્ત માટે રાજ્યો હોય છે, મનોજ મનીયો હોય છે, હરેશ હરિયો હોય છે, પરેશ પરિયો હોય છે, રીટા રીટાડી અને ગીતા ગીતુડી હોય છે. દોસ્તીમાં લિંગભેદ નથી. બે છોકરાની દોસ્તી, બે છોકરીના બહેનપણા કે એક છોકરા અને એક છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપમાં ભેદ પાડવો અઘરો છે. દોસ્ત એટલે એવી વ્યક્તિ જેને તુંકારે અને ગાળ દઈને બોલાવવાનો અધિકાર હોય. દોસ્તને આગ્રહ કરવો પડતો નથી અને દુરાગ્રહનો અવકાશ નથી. દરેક સંબંધમાં કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે, પણ દોસ્તી એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગરનો સંબંધ. દોસ્તીને કંઈ જ નડતું નથી. મોભા, દરજ્જા, અમીરી, ગરીબી અને બીજા બધાથી દોસ્તી પર છે.

દોસ્તી કોઈ શરત વગર શરૂ થાય છે. દોસ્તીનાં કોઈ જ કારણ હોતાં નથી. તમારા મિત્ર વિશે તમે વિચારજો કે એ શા માટે તમારો મિત્ર છે? તેનો જવાબ એક જ હશે, બસ એ મિત્ર છે. દોસ્ત વિશે કહેવાય છે કે એ એક એવું ઋણાનુબંધ છે, જેમાં કોઈ બંધન નથી.

દોસ્તી તૂટે ત્યારે ઘણું બધું તૂટે છે.  એક વૃદ્ધનો મિત્ર અવસાન પામ્યો ત્યારે તેણે કહ્યું કે “હવે મને તુંકારે કહેવાવાળું કોઈ ન રહ્યું. હવે હું ખરેખર એકલો પડી ગયો.” ફિલ્મ ‘ફિઝા’માં ગુલઝારે લખેલું એક ગીત છે. ન લેકે જાઓ, મેરે દોસ્ત કા જનાજા હૈ. જગાઓ ઉસકો, ગલે મિલ કે અલવિદા તો કરો, યે કૈસી રૂખસદ હૈ, યે ક્યા સલીકા હૈ? ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ...

આ જ ગીતની બીજી એક કડી છે : ઉલઝ ગઈ હૈ કહીં સાંસ ખોલ દો ઉસકી, લબો પે આઈ હૈ જો બાત પૂરી કરને દો, અભી ઉમ્મીદ ભી જિંદા હૈ, ગમ ભી તાજા હૈ... ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ... ગમે એટલી વાતો કરીએ તોપણ મિત્ર સાથેની વાતો ખૂટતી નથી. દોસ્ત સાથે હોય ત્યારે રાત ટૂંકી થઈ જાય છે અને વાત લાંબી થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ રિમેન્સ ફ્રેન્ડ્સ.

બે મિત્રની વાત છે. એક મિત્રને નોકરી માટે બીજા શહેરમાં જવાનું થયું. એ ગયો. બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર જાણે આખું શહેર તેની સાથે લઈ ગયો. તેના એક વગર લોકોથી ખીચોખીચ ભરેલું આ નગર કેમ ખાલી લાગે છે. એ એક નથી તો કેમ બધું ભારે લાગે છે. હવે સાંજ સવાલ લઈને આવે છે કે કોની સાથે વાત કરું? પાનનો ગલ્લો અને ચાની કીટલી હવે જૂનાં સ્મરણોની ખોતરાતી વેદના થઈ ગયા છે. લોંગ ડ્રાઈવ વખતે ટૂંકા લાગતા રસ્તા રાતોરાત જાણે લાંબા અને સૂના થઈ ગયા છે. મિત્ર સાથે હોય ત્યારે માણસ બાળક હોય છે, મારો મિત્ર ગયો અને મારામાં જીવતું બાળક પણ અચાનક મોટું થઈ ગયું. તું હતો ત્યાં સુધી ખબર ન હતી કે તું શું છે, પણ હવે તું નથી ત્યારે સમજાય છે કે તું શું હતો!

આપણે ભલે એવી વાતો કરીએ કે મિત્ર જાય પછી થોડો સમય આવું લાગે, પણ મિત્ર વગર એક ખાલીપો સતત કનડતો રહે છે. ગુજરાતી શાયર મરીઝના મિત્રનું મૃત્યુ થયું ત્યારે તેણે લખ્યું કે, પતિ મરી જાય તો પત્ની વિધવા કહેવાય, પત્ની મરી જાય તો પતિ વિધુર કહેવાય, પણ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? મરીઝે જવાબ આપ્યો ન હતો, પણ જવાબ આપ્યો હોત તો કદાચ એવું હોત કે એને ખાલીપો કહેવાય, એને એકલતા કહેવાય, એને શૂન્યાવકાશ કહેવાય! ભર્યુંભર્યું જંગલ જાણે અચાનક રણ થઈ જાય અને તાપ લાગવા માંડે, વગર દોડયે હાંફ ચડે અને કડકડતી ઠંડીમાંયે બાફ લાગે!

દોસ્ત એ છે જે તમને પગથી માથા સુધી ઓળખે છે અને છતાંયે તમને પ્રેમ કરે છે. મિત્રને મિત્રની દરેક ખામી, તમામ ઊણપ અને બધા જ અવગુણની ખબર હોય છે છતાં એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. હા, મિત્ર કંઈ ખોટું કરે ત્યારે દુઃખ થાય છે, પણ અંતે તો એ મિત્ર જ રહે છે. એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે વો મેરા દોસ્ત હૈ સારે જહાં કો હૈ માલૂમ, દગા કરે વો કિસીસે તો શર્મ આયે મુજે... મિત્ર ઘણી વખત કફોડી હાલતમાં મૂકી દે છે અને છતાંયે જે સંબંધમાં કંઈ ફર્ક પડતો નથી એ દોસ્તી છે. મિત્રના દરેક દોષ કોરે મૂકીને મિત્ર મિત્રને પ્રેમ કરે છે. એટલે જ કહે છે કે, સગાંઓ શરતી પ્રેમ કરે છે, પણ મિત્ર એકતરફી પ્રેમ કરે છે!

દાનવીર કર્ણ અને દુર્યોધન મિત્ર હતા. કર્ણ જ્ઞાની હતા. દુર્યોધનના દોષ તેને ખબર ન હોય એ માની ન શકાય. એક વખત કર્ણને કહેવાયું કે દુર્યોધન દુષ્ટ છે છતાં તમારો મિત્ર છે? કર્ણે કહ્યું કે મને એટલી જ ખબર છે કે એ મારો મિત્ર છે! મિત્ર કહ્યા પછી એ કેવો છે એ ગૌણ બની જાય છે.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાતો જગજાહેર છે. પછી શામળિયો બોલ્યો, તને સાંભરે રે... સુદામા કહે છે કે મને કેમ વિસરે રે... બધી વાત સાચી પણ છેક તાંદુલ લઈને સુદામા આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મુશ્કેલીમાં છે? દોસ્તની ગરીબાઈનો અંદાજ તેને અગાઉ કેમ ન આવ્યો? કે પછી ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે?

હા, બધા જ મિત્રો એક સરખા નથી હોતા. કેટલાંક ‘તાળી મિત્રો’ હોય છે, કેટલાક ‘થાળી મિત્રો’ હોય છે અને કેટલાંક ‘ખાલી મિત્રો’ હોય છે! એવું કહેવાય છે કે, સંકટ આવે ત્યારે મિત્રો પણ મોઢું ફેરવી લે છે! આ વાત સાચી નથી, કારણ કે જે મોઢું ફેરવી લે છે એ મિત્રો હોતાં જ નથી, એ તો તકસાધુઓ હોય છે! આવા મિત્રો તો વહેલા ઓળખાઈ જાય એ જ સારું છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે. દુનિયા પાગલ છે કે, આવો દિવસ ઊજવે છે. વિચાર કરો કે ફ્રેન્ડશિપ ડે ન હોય તો દોસ્તી ન ટકે? આવા વાહિયાત અને બકવાસ કન્સેપ્ટની ખરેખર કેટલી જરૂર છે એ પ્રશ્ન છે અને રહેશે, કારણ કે દોસ્તી માટે કોઈ એક દિવસ ન હોય, દોસ્તી માટે તો આખું આયખું હોય. દોસ્તી છેલ્લા શ્વાસ સુધી જીવતી રહે છે અને શ્વાસ ખૂટી જાય પછી પણ દોસ્તી હવામાં લહેરાતી રહે છે.

મિત્ર મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો પોતાની હોય છે. ઈશ્વરે જ્યારે જિંદગી બનાવી હશે ત્યારે માણસને સુખ આપવા દોસ્તીની થોડીક ક્ષણો અલગ તારવી હશે. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એક-બે ફ્રેન્ડ જ હશે, કારણ કે ફ્રેન્ડ્સનાં ટોળાં ન હોય. દોસ્તી હંમેશાં વન-ટુ-વન હોય છે. પ્રેમ કદાચ વન-ટુ-ઓલ હોઈ શકે, પણ દોસ્ત તો એક જ હોય છે, જે સૌથી નજીક હોય છે. એક મિત્ર હોય ત્યારે આખી દુનિયા ભરેલી લાગે છે અને આવા મિત્ર પાસે જ માણસ ‘ખાલી’ અને ‘હળવો’ થઈ શકતો હોય છે. દરેક પાસે આવો મિત્ર હોય છે, તમારી પાસે પણ છે. એ તમારી નજીક તો છે ને? ન હોય તો નજીક બોલાવી લો, કારણ કે એ સુખ છે, એ સારું નસીબ છે અને એ જ સાચો સંબંધ છે.

 મોબાઇલની ફોનબુકમાં હોય છે એ બધા મિત્રો નથી હોતા, ફેસબુકની તમારી યાદી જોઈ જજો, એમાં કેટલાં ખરેખર મિત્ર છે? સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે. તમારા દિલના એ હિસ્સાનું જતન કરજો, કારણ કે દિલનો એ હિસ્સો જ જિંદગીને ધબકતી રાખે છે...

છેલ્લો સીન
મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો.
- ગેટે

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

તમે કેટલાં લકી છો?

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

છેલ્લો સીન:
Everyone knows how to count but very few know ‘what to count?’

- કૃષ્ણકાંત ઉનડકટ

શુક્રવાર, 29 ઑક્ટોબર, 2010

તમારે સુખ ખરીદવું છે?



જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.
-અમૃત ઘાયલ


સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત? નાનું સુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોત? સુખની પણ સિઝન હોત? ફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેક સીઝનમાં સુખના દામ ઘટતાં હોત? સુખનું પણ સેલ નીકળત? અમારે ત્યાંથી સુખ ખરીદનાર વ્યક્તિને એક સુખ સાથે બીજું સુખ મફત મળશે, એવી જાહેરાતો થતી હોત?

જો આવું હોત તો? તો લોકો સુખના પ્રાઈઝ ટેગ જોતાં હોત! પછી ભાવ જોઈને કહેત કે, ના ના, આ સુખ આપણને પોસાય તેવું નથી. ભાવ જોઈને સુખી થવાને બદલે દુ:ખી થાત! અરછા, માણસ પોતાના દુ:ખ વેચી શકતા હોત? મારું દુ:ખ લઈ લ્યો તો તમને આટલા રુપિયા આપીશ! દુ:ખ ખરીદનારાં લોકો મન ફાવે એવા ભાવ પડાવત? અને દુ:ખ ખરીદીને મળતાં રુપિયાથી એ લોકો સુખી થઈ જાત?

દુ:ખ વેચી શકાતું હોત તો તમારું કયું દુ:ખ વેચવા કાઢત? સુખ અને દુ:ખના ધંધા પણ મોલમાં ચાલતાં હોત? સુખ અને દુ:ખના પણ સેન્સેક્સ હોત? સુખ અને દુ:ખના ભાવમાં પણ સોના-ચાંદીની જેમ દરરોજ ચડાવ-ઉતાર આવતો હોત? સુખ ખરીદવું પડતું હોત તો આપણે કેટલા દુ:ખી હોત?

ઝરણાંનું દ્રશ્ય અને ખળખળ ઘ્વનિનો ભાવ શું હોત? કોયલનો અવાજ સાંભળવાનો પણ રીંગટોનની જેમ ચાર્જ થતો હોત તો? પ્રેમ કરવાના પૈસા ચૂકવવાના થાય તો? સ્પર્શનો ખર્ચ કેટલો થાત? ટેરવું અડાડો તો એક રુપિયો અને પાંચેય આંગળીથી સ્પર્શ કરો તો પાંચ રુપિયા? હસવું પણ ચાર્જેબલ હોત! સ્મિત કરવાનો ભાવ જુદો, હાસ્ય રેલાવવાના દર અલગ અને ખડખડાટ હસવાના રેઈટ પણ જુદા!

સંપતિથી સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં. એરકન્ડીશનર ખરીદી શકો પણ એસી બેડરુમમાં ઊઘ આવશે જ એવી કોઈ ગેરન્ટી નથી. સમજવા જેવી વાત એ જ છે કે, એરકન્ડીશન એ સુખ નથી પણ ઊઘ એ સુખ છે. ઊઘ ચાર્જેબલ નથી. ઊઘનું જેને સુખ નથી એ લોકોને ઊઘની ગોળીઓ ખરીદીને ઊઘ ખરીદવી પડે છે.

ગોળીઓથી આવતી ઊઘ એ સુખ નથી, કારણ કે સુખ નેચરલ હોય છે. કુદરત કેટલી સારી છે કે નેચરલ સુખ આપતી દરેક ચીજ- વસ્તુ એ આપણને કોઈ ચાર્જ વગર આપે છે. સૂર્યના તેજ અને ચાંદનીના પ્રકાશનું લાઈટબીલ જેવું બીલ આવતું નથી. બાથરૂમમાં શાવર નખાવવો મોંઘો પડે છે અને વરસાદ તદ્દન વિનામૂલ્યે મળે છે.

કુદરતને જો ધંધો જ કરવો હોત તો એ આપણી પાસે ચાલવાનો, દોડવાનો, નાચવાનો, ગાવાનો અને ઝૂમવાનો પણ ચાર્જ લઈ શકતી હોત! કુદરત બધો જ આનંદ સાવ મફતમાં આપતી હોવા છતાં કંઈ દુ:ખ પડે એટલે આપણે તેને મનોમન કોસતા હોઈએ છીએ! એક માણસ રોજ સવારે મંદિરે જાય.
ભગવાનની સામે હાથ જોડીને પોતાની ડીમાન્ડ મૂકે, ‘હે ભગવાન! એક સારી નોકરી કે નાનકડો ધંધો, એક સરસ ઘર, કાર, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન...’ એની ઇચ્છા ક્યારેય પૂરી જ ન થતી. ધીમે ધીમે એ ભગવાન સામે જ ફરિયાદો કરવા લાગ્યો. ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી. મારે જે જોઈએ છે એ મને આપતા નથી. ભગવાન આખી દુનિયામાં મને જ અન્યાય કરે છે.

એક વખત એ માણસને એક સાધુ મળ્યા. સાધુ પાસે એ માણસે ભગવાનની ફરિયાદ કરી કે ભગવાન મારું સાંભળતા નથી. સાધુ ખડખડાટ હસવા લાગ્યા. માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે, હવે તું મારા એક સવાલનો જવાબ આપ. ભગવાને તને જે આપ્યું છે એ તે માગ્યું હતું?
આપણે કોઈ દિવસ વિચારીએ છીએ કે આપણી પાસે જે કંઈ છે અને ભગવાને આપણને જે આપ્યું છે એ બધુ આપણે માગ્યું હતું? તેનો જવાબ ના જ હશે. આપણને ભગવાને આપ્યું છે એનાથી સંતોષ નથી એટલે આપણે તેની પાસે કાયમ માગ માગ જ કરતાં રહીએ છીએ. તેનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણી જાતને કાયમ દુ:ખી જ સમજતાં રહીએ છીએ.

ભગવાન કહે છે કે, મેં તો માણસને માત્રને માત્ર સુખ જ આપ્યું છે. દુ:ખ તો માણસે પોતે પેદા કર્યું છે. સુખ માટે માણસ ચોરી કરે, પકડાય અને જેલમાં જાય પછી જેલના દુ:ખ માટે મને અને પોતાના નસીબને દોષ દે એ કેટલું વાજબી છે? સારું છે કે ભગવાન આપણી સાથે દલીલ કરવા આપણી સામે નથી આવતો, નહીંતર આપણે કદાચ તેના સવાલોના એકેય સાચા જવાબ ન આપી શકત! માણસ મોટા ભાગે પોતાના દુ:ખ પોતાની જાતે જ ઊભા કરતો હોય છે. અને હા, સુખનું પણ એવું જ છે. તમારે સુખી, મજામાં અને હસતાં રહેવું હોય તો કોઈની ત્રેવડ નથી કે તમને દુ:ખી કરી શકે.

સુખના કોઈ ભાવ નથી છતાં સુખ સસ્તું નથી. કારણ કે સુખને માણવા માટે સુખને સમજવું પડે છે. આપણે બધા જ ખૂબ સુખી છીએ, સવાલ માત્ર એટલો છે કે આપણે આપણી જાતે સુખી સમજીએ છીએ? ચલો થોડુંક હસો તો! હસ્યા? કંઈ ખર્ચ થયો? નહીંને? તો પછી હસતા રહોને! દરેક સુખનું આવું જ છે, સુખની નજીક જાવ, સુખ તો તમારી પડખે જ છે!‘

છેલ્લો સીન:
જેની પાસે ફકત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.
-એડવિન યુગ

કૃષ્ણકાંત ઉનડકટ ની કોલમ"ચિંતનની પળે"માંથી સાભાર
દિવ્ય ભાસ્કર તા ૦૩ મે ૨૦૧૦