લેબલ સુવાક્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સુવાક્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 7 માર્ચ, 2011

‘બાવન ફૂલડાંનો બાગ’

ભારત સરકારે કવિ તરીકે એમને વધામણા આપતો પદ્મશ્રીનો ઈલ્કાબ સને ૧૯૬૨માં એનાયત કર્યો. સને ૧૯૯૮માં કવિના ગામ મજાદરને પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્તે ‘કાગધામ’ નામાભિધાન કરાયું. શ્રી બળવંત જાની લખે છે કે ‘કવિના નામથી કોઈ ગામનું નામ સ્થપાયું હોય અને કોઈ યોગી સંસ્કારપુરુષના હસ્તે તે થાય એ ઘટના દુનિયામાં કદાચ વિરલ હશે. કાગવાણી જેટલા કોઈ ગુજરાતી કવિના સંગ્રહો નહીં વેચાયા હોય.’ મારે અહીં કાગવાણીની નહીં પણ કાગવાણીના ચાર મણકા પછી ભગતબાપુએ પાંચમો મણકો ‘બાવન ફૂલડાંનો બાગ’ આપ્યો છે એની વાત અહીં કરવી છે. એમાં કાવ્યો નથી પણ લોકો વ્યવહારમાં અને આચરણમાં મૂકી શકે એવાં ૨૬૦૦ જેટલાં સૂત્રાત્મક વાક્યોનો ફૂલ બગીચો આપ્યો છે. જેની ત્રીજી આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ હતી. ત્રણેય આવૃત્તિઓની ૭ હજાર નકલો પ્રગટ થયા પછી આજે એ અપ્રાપ્ય છે. કવિતા લખનારા કવિએ સુવાક્યોની સફરે અકસ્માત ચડી ગયા. વાત એમ હતી કે કાગબાપુ ભણેલા ઓછું છતાં પત્રવ્યવહાર નિયમિત કરતા. સ્વજનોને પત્રો લખતાં એમાં સુવાક્યો ટાંકવાની એમને ટેવ. આમ તેઓ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠિ નાનજીભાઈ કાલિદાસ મહેતાને પત્રો લખતાં એમાં આવા પ્રેરક સુવાક્યો ટાંકતા. શ્રી નાનજીભાઈને આ સુવાક્યો કંિમતી કણ જેવા લાગ્યાં. એમણે કાગબાપુને આનો સંગ્રહ પ્રગટ કરવા વિનંતિ કરી. એના સુફળરૂપે ‘બાવન ફૂલડાંનો બાગ’ સંગ્રહ પ્રગટ થયો.
એની પ્રસ્તાવનામાં પંિગળશીભાઈ લખે છે કે ‘આ પુસ્તકમાં જીવનને સ્પર્શતા સૂત્રોનો એમણે સંગ્રહ કર્યો છે. એમાં સનાતન સત્યથી ભરપુર મહાવાક્યો છે. વ્યવહાર નીતિની અનેક શિખામણો છે. ઐતિહાસિક સત્યોની વિવિધ તારવણી છે. રાજનીતિના બોધપાઠો છે. માનવ સ્વભાવના વિવિધ પાસાંઓનું વિશ્વ્લેષણ છે. એમાં ધર્મોપદેશ છે, સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. અહીં ગ્રંથકાર વિદ્વત્તાનો ઝભ્ભો પહેરી પોતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આંજી નાખતાં નથી. એમની કહેવાની શૈલી એવી સીધી અને સરળ છે કે આપણા મનને વાંચનનો થાક લાગતો નથી, પણ પ્રસન્નતા મળે છે. સત્યવક્તા ચારણ તરીકે દુલા ભગતે ગોળમાં વીંટીને કેટલાક કડવાં સત્યો પણ આપણને સંભળાવ્યાં છે. આપણી નબળાઈઓ તરફ મિત્રભાવે આંગળી ચીંધી છે. આપણા મિથ્યાભિમાનને ચીમકી આપી છે, પરંતુ આ બઘું પ્રાસાદિક રીતે મુલાયમ સ્પર્શથી કર્યું છે.’ આવો આપણે આ બાવન ફૂલડાંના બાગમાં એક લટાર મારીએ.
૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.
૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.
૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.
૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.
૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.
૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.
૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.
૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.
૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.
૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.
૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.
૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.
૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.
૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.
૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.
૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.
૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.
૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.
૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.
૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.
૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.
૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.
૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.
૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.
૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.
૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.
૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.
૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.
૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.
૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.
૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.
૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.
૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.
૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.
૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.
સ્વાતિબંિદુએ છીપમાંથી પ્રગટેલાં સાચાં મોતીડાં જેવા ૨૬૦૦ જેટલાં વિચારમૌક્તિકોથી ‘બાવન ફૂલડાંનો બાગ’ મહેંકી રહ્યો છે. સમાજ એની સુવાસને પારખે એ જ કાગબાપુને સાચી શ્રઘ્ધાંજલિ છે.

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

ઝિંગ થિંગ !

‘નમ્રતા એટલે સિફતથી છૂપાવેલું અભિમાન !’
(નસીમ નિકોલસ તાલેબ)

અનાવૃત - જય વસાવડા

રવિવાર, 23 જાન્યુઆરી, 2011

પાઘડીનો વળ છેડે

પ્રેમ અને ચંદ્ર વચ્ચે એક બાબત સરખી છે. જ્યારે પ્રેમ વધતો ન હોય, ત્યારે એ જરૂર ઘટતો હોય છે. ચંદ્રની કળાનું પણ એવું જ!-
- એક પોર્ચુગીઝ કહેવત

શનિવાર, 1 જાન્યુઆરી, 2011

ફાસ્ટ ફોરવર્ડ


‘જે સમાજ પોતાના નાયકનું સમયસર સન્માન કરતો નથી, સમય એ સમાજને અપમાનને લાયક ગણે છે.’

મંગળવાર, 28 ડિસેમ્બર, 2010

સુવાક્ય

પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને….
કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

રવિવાર, 26 ડિસેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

‘અઢાર ભાષા આવડતી હોય તો પણ પુરૂષ એમાંની એક પણમાં સ્ત્રીને ના પાડી શકતો નથીં!’
(ડોરોથી પાર્કર)

શનિવાર, 27 નવેમ્બર, 2010

સુવાક્ય

આવક પ્રમાણે નહિ,
પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.

– રત્નસુંદરવિજયજી

ઓનબીટ

બુદ્ધિ એક પ્રસાધન (કોસ્મેટિક્સ) છે અને પ્રસાધનનું કામ છે સંતાડવાનું...

- નિત્શે

ગુજરાત સમાચાર ઓફબીટ - અંકિત ત્રિવેદી માંથી

મંગળવાર, 16 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

‘ચંદ્ર સ્ત્રી જેવો છે. એ પૃથ્વીથી આવવું જોઈએ, તેથી વઘુ નજીક આવે છે- અને માણસને દીવાનો બનાવીને દૂર સરકી જાય છે!’
- વિલિયમ શેક્સપીયર

શનિવાર, 13 નવેમ્બર, 2010

ફાસ્ટ ફોરવર્ડ

સંવત બદલાય છે,
પણ સંબંધ નહિ !
(સુરેશ કોઠારીની પંક્તિઓ સંગાથે હેપી ન્યુ ઈયર!)

શુક્રવાર, 12 નવેમ્બર, 2010

સુવાક્ય

તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી.
બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.
-હક્સલે

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

સુવાક્ય

(૧) કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.


(૨) કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ।

(૩) જે માણસ બૂરું કામ કરે છે, છતાં તે બહાર પડી જાય તેથી ડરે છે – તેની બુરાઈમાં પણ હજુ સારપનો અંશ છે પરંતુ જે સારું કામ કરે છે, પણ તે ચોમેર જાણીતું થાય તે માટે આતુર રહે છે – તેની તો સારપમાંયે બુરાઈનો અંશ છે.


(૪) તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો।

(૫) તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી


(૬) દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું। બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે

(૭) પુસ્તકનો એકમાત્ર સાચો ઉપયોગ માણસને જાતે વિચારતો કરવામાં રહેલો છે જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.


(૮) બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ – એ એક જ્યોત છે, જેને પેટાવવાની છે।

(૯) બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત। આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.


(૧૦) મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી;તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો !


(૧૧) રમવા જતાં બાળકોને અને ચોરે બેસવા જતાં ઘરડાંઓને રોકી રાખી શકે, એનું નામ વારતા।

(૧૨) રોટલો કેમ રળવો તે નહિ – પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો, તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે


(૧૩) વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે।’

(૧૪) શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી


(૧૫) સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં,પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે।

(૧૬) હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે;હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે


(૧૭) હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે,ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે।

[ શ્રી ગોપાલભાઈ મેઘાણી દ્વારા સંપાદિત કરેલ ખિસ્સાપોથી ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર.]

ફાસ્ટ ફોરવર્ડ

ગુજરાતી અનુવાદ થયો હોવા છતાં 'ફાઈવ પોઈન્ટ સમવન'નો ઓરિજીનલ ટેસ્ટ ઈંગ્લીશમાં જ છે। બુકનું ધ બેસ્ટ ક્વોટ અનુવાદિત થઈ શકે તેમ નથી

But that is when life really screws you। Right at moments when you feel you have got it all figured out
(મતલબ, આ છે જીંદગી... જ્યારે તમે માનો કે તમે એને કાબૂમાં કરી લીધી, ત્યારે જ એ તમારી પત્તર રગડી નાખે છે!)


(પ્રખ્યાત કટાર લેખક જય વસાવડા ના 24 June 2007 લેખ નુ ફાસ્ટ ફોરવર્ડ)

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

ઓશો

યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.

બુધ્ધિશાળી વ્યક્તિ પરંપરાગત બની શકે નહિ, તે સતત ભૂતકાળની પૂજા કરી શકતી નથી, ભૂતકાળમાં પૂજવા જેવું કશું નથી. બુધ્ધિશાળી વ્યક્તિ; ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે. વર્તમાનમાં જીવવા માંગે છે. તેનું વર્તમાનમાં જીવવું એ જ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની રીત છે.

વૃધ્ધિ પામવાની ઝંખના જેટલી મોટી હશે, એટલા વધુ ને વધુ ખતરાઓ હશે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. સાચો મનુષ્ય; પોતાની જીવનશૈલીની માફક, પોતાની વૃધ્ધિની આબોહવાની માફક, ખતરાઓને સ્વીકારે છે.

સુવાક્ય

“જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન.”

— જે.એચ.ફિલ્ડ

“માણસોના મનમાં જેવા વિચાર હોય છે તેવું જ તેનાં વર્તન અને વાણીમાં પ્રતિબિંબિત થાય છે.”

— રામકૃષ્ણ પરમહંસ

“સુખ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે.”

— એસ. ભટાચાર્ય

ગુરુવાર, 21 ઑક્ટોબર, 2010

સુવાક્ય

હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું

– સુન્દરમ


બુધવાર, 20 ઑક્ટોબર, 2010

સુવાક્ય

કોઈ કોઈનો મિત્ર કે શત્રુ નથી હોતો,વ્યવહારથી જ મિત્ર કે શત્રુ બને છે.

- હિતોપદેશ

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

કહેવત

‘તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો અને કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.’

- ચીની કહેવત