(૧) કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.
(૨) કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ।
(૩) જે માણસ બૂરું કામ કરે છે, છતાં તે બહાર પડી જાય તેથી ડરે છે – તેની બુરાઈમાં પણ હજુ સારપનો અંશ છે પરંતુ જે સારું કામ કરે છે, પણ તે ચોમેર જાણીતું થાય તે માટે આતુર રહે છે – તેની તો સારપમાંયે બુરાઈનો અંશ છે.
(૪) તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો।
(૫) તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી
(૬) દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું। બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે
(૭) પુસ્તકનો એકમાત્ર સાચો ઉપયોગ માણસને જાતે વિચારતો કરવામાં રહેલો છે જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.
(૮) બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ – એ એક જ્યોત છે, જેને પેટાવવાની છે।
(૯) બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત। આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
(૧૦) મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી;તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો !
(૧૧) રમવા જતાં બાળકોને અને ચોરે બેસવા જતાં ઘરડાંઓને રોકી રાખી શકે, એનું નામ વારતા।
(૧૨) રોટલો કેમ રળવો તે નહિ – પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો, તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે
(૧૩) વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે।’
(૧૪) શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી
(૧૫) સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં,પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે।
(૧૬) હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે;હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે
(૧૭) હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે,ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે।
[ શ્રી ગોપાલભાઈ મેઘાણી દ્વારા સંપાદિત કરેલ ખિસ્સાપોથી ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર.]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો