બુધવાર, 27 ઑક્ટોબર, 2010

સૂફી ક્થા

બોખારા નામનો એક શ્રીમંત અને ઉદાર માણસ.અદૃશ્ય સૃષ્ટિમાં પણ એની હકૂમત ચાલે એવો. જીવનનો સાર પામી ચૂકેલો. જાણે સમગ્ર વિશ્વનો પ્રમુખ હોય એમ પ્રસિદ્ધિ પામેલો. રોજ ને રોજ એ સોનું આપે, અમુક પ્રકારન જ માણસોને. કોઇ માંદું હોય, કોઇ વિધવા હોય, કોઇને અપાર દુ:ખ હોય, પણ એની શરત એકમાત્ર એ કે કોઇએ માગવાનું નહીં અને મોઢું ખોલવાનું નહીં.You have to keep your mouth shut.

એક દિવસ વકીલોનો વારો આવ્યો. એક વકીલ પોતાની જાતને અને વાતને રોકી શક્યો નહીં અને એણે શક્ય એટલી પૂર્ણ અરજી ઘડી કાઢી. એની અરજી અને બોખારોની નામરજી. એને કશું આપવામાં આવ્યું નહીં.

વકીલ પણ હારે એવો નહોતો. એણે પ્રયત્ન છોડ્યા નહીં. બીજે દિવસે અપંગોને સોનું આપવાનું હતું. એણે એવો દેખાવ કર્યો કે એ પોતે અપંગ છે. બોખારા પામી ગયા કે આ ઢોંગ છે. ન આપ્યું કશું. વકીલ ત્રીજે દિવસે સ્ત્રી હોય એમ બુરખો ઓઢીને આવ્યા, પણ કાંઇ ન વળ્યું.છેવટે વકીલે ડાઘુઓ શોધી કાઢ્યા. એણે શબનું સ્વરૂપ લીધું. કેમ જાણે એને દાટવાનો ન હોય એ રીતે એને ઊંચકીને લઇ જતા હોય એવો દેખાવ કર્યો. ડાઘુઓને કહ્યું હતું કે મને જે કાંઇ મળશે તેમાંથી ભાગ આપીશ.

કફન ઓઢાડેલું એનું શબ બોખારા પાસેથી પસાર થયું. બોખારાએ સુવર્ણમહોર ફેંકી. વકીલને થયું કે આ ડાઘુઓમાંથી કોઇક આ સુવર્ણમહોર લઇ લેશે એટલે ભયમાં ને ભયમાં પોતાનો હાથ બહાર કાઢ્યો અને પછી એણે બોખારાને કહ્યું કે જુઓ અત્યાર સુધી તમે મને કશું જ નહોતા આપતા અને છેવટે મેં સુવર્ણમહોર મેળવી. બોખારાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તને મારી પાસેથી કશું ન મળે.માણસે મરતાં પહેલાં મરવું જોઇએ અને મરણ પછી જ સોગાત મળે અને મરણ પણ મદદ વિના મળતું નથી.દેખીતીરીતે આ કથા માત્ર આટલી જ છે.

રજનીશજી આ કથાને બહેલાવીને દોહરાવીને કહે છે. બોલ્યા વિના રહે એ વકીલ નહીં. કાવાદાવા ન કરે તો એ વકીલ નહીં. પહેલાં જ વાક્યમાં એ કટાક્ષ કરે છે. કહે છે કે શ્રીમંત અને ઉદાર માણસ બંને સાથે ન હોઇ શકે. શ્રીમંતો જેટલા લોભી કોઇ નથી હોતા અને માણસો ઉદાર રહે તો શ્રીમંતો થઇ નથી શકતા. વચ્ચે વચ્ચે કોઇ દૃષ્ટાંતો પણ ક્યારેક આપતા જાય. ક્યાંક એમણે દૃષ્ટાંત આપ્યું કે ચીનમાં એક સ્પર્ધા હતી. સ્પર્ધાનો વિષય હ્તો કે કોઇ પણ માણસ માન્યામાં ન આવે એવી વિચિત્ર વાત કહે એને મસમોટું ઇનામ મળે. એક માણસે કહ્યું કે એક બાગમાં એક બાંકડા પર બે સ્ત્રીઓ બેઠી હતી અને કલાકો સુધી કશું જ બોલી નહી .આવું કહેનારને ઇનામ મળ્યું. કારણકે એક બાંકડા પર બે સ્ત્રીઓ બેસે તે વિચિત્ર ઘટના છે અને બેસે તો બોલે નહીં તે માન્યામાં ન આવે તેવી વાત છે.

પણ આપણે મૂળકથા તર્ફ જઇએ. છેલ્લે વકીલ મરે છે કહો કે મરવાનો ઢોંગ કરે છે. આવાતને રજનીશજી કહે છે, કે મરણ તો તમારા અહમ્ નું થવું જોઇએ.

અહમ્ નું મરણ થાય તો જ સર્વસમર્પણ શક્ય છે. સર્વસમર્પણ એ બીજું કશું જ નથી પણ તમારું મરણ છે. તમારે માટે સોગાત તો તૈયાર જ છે. આ સોગાત તમારી પોતાની છે પણ એ પ્રાપ્ત ત્યારે થાય, જ્યારે તમે તમારું સારસર્વસ્વ સોંપી દો. તો જ તમે તમને પામી શકશો. તમારું મરણ—તમારું સર્વસમર્પણ એ તમારા નવા જન્મનું બીજ છે અને આ બીજમાંથી જ ચૈતન્યનો વિકાસ થશે. કુંઠિત થયેલી ચેતના કશું પામી શકતી નથી. જેની સંવેદનાને લકવો થયો છે એની બાથમાં જિંદગીનો પડછાયો આવશે, ખુદ જિંદગી કદી નહીં આવે.


ઓશોનું જીવનદર્શન/સુરેશ દલાલ/ઇમેજ/પાના:19 થી 22

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો