આદરણીય મોરારિબાપુ રામભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે રામભક્ત નથી. મૌલાના વહિદુદ્દીન ખાન સાચા ઇસ્લામના ઉપાસક છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસ્લામના આલિમ નથી. ફાધર વાલેસ ઇસુભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસુના ભક્ત નથી. બધા રામભક્ત મોરારિબાપુ નથી હોતા. બધા મૌલવી મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. બધા પાદરી ફાધર વાલેસ નથી હોતા. ધર્મનો મર્મ ભુલાઇ જાય ત્યારે બાહ્યાચાર લોકોમાં એવી ડંફાસ મારતા ફરે છે કે પોતે જ ધર્મ છે. ધર્મના ક્ષેત્રમાં જે પિત્તળ હોય તે પોતાને સોનું ગણાવતું રહે છે. બિચારું સોનું છોભીલું પડી જાય છે, કારણ કે ઘણાખરા લોકો પિત્તળને જ સોનું માનનારા હોય છે. જલાલુદ્દીન રુમી કહે છે કે જગતમાં બનાવટી સોનું છે તે બાબત એટલું સાબિત કરે છે કે ક્યાંક અસલી સોનું હોવું જ જોઇએ.
દિવ્ય ભાસ્કર તા. ૧૦.૧૦.૨૦૧૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો