જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : 'આ બધાં નિશાન તમે લીધા છે ?' આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, 'તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?'
યુવાને કહ્યું, 'ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.'
જનરલે કહ્યું : 'હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.' માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.
વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : 'થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.' હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.
મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?
પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, 'એલા, શું સપનું જોતો હતો ?'
મથુર કહે : 'તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.'
મેં કહ્યું : 'હાલ ફરવા.'
મથુર કહે : 'ના, મારે નથી ફરવું. તું જઈ આવ.' આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.
હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. 'ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.' દા.ત. વ્યાયામ. 'ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.' દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.'
You can make your living by what you earn,
But you can make your life by what you give.
'જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.'
આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. 'જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.' 'ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.' આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, 'ચાલો ભિખુ, ચાલો.'
હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.
હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, 'ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?' મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, 'સંઘર્ષ શક્ય નથી.'
પાછળ કાકીએ મને કહ્યું, 'ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.' મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : 'અજ્ઞાનીના ઓરતા ન હોય.'
હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?
ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.
જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, 'સાહેબ, એક અડધી ચા પાવ.' હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : 'ચા સાથે નાસ્તો કરશો ?'
એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?
હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, 'મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.' ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, 'ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.'
ભિક્ષુક કહે, 'સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.'
મેં કહ્યું, 'ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.'
ભિક્ષુક કહે, 'કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?'
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, 'જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?'
– શાહબુદ્દીન રાઠોડ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો