શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

વો મેરે નજદીક આતે આતે હયા સે ઇક દિન લિપટ ગયે થે મેરેં ખ્યાલો મેં આજતક વો બદન કી ડાલી લટક રહી હૈ!


ખુદા જાણે તમે કેવી જગા પર જઇને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા!
તમે પાછા કદી વળશો, એ આશામાં જ વર્ષોથી
ઉભો છું ત્યાં જ, જયાંથી આપણા રસ્તાઓ બદલાયા
સમજદારીએ શંકાઓ ઉભી એવી કરી દીધી,
હતા જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા!
જીગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તા કંઇ નથી આ રાહમાં અજવાળા પથરાયા.
કરી જોયા ઘણાં રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઇ રોકાયા!
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી'તી
અમસ્તા કંઇ નથી 'કાયમ' અમે સસ્તામાં વેંચાયા
(કાયમ હઝારી)
 
વિશ્વ વિખ્યાત ફ્રેન્ચ લેખક આલ્બેર કામૂ. ભારેખમ, એબ્સર્ડ, આધુનિક રચનાઓનો સર્જક. એક પત્રકારે એક વખત કામૂને પૂછયું 'તમારે સમાજ ઉપર પુસ્તક લખવાનું હોય, તો તમે લખો ખરા?'
'ચોક્કસ.' કામૂએ કહ્યું. એ કિતાબ સો પાનાની હશે. જેમાં ૯૯ પાના કોરા હશે. કારણ કે બીજું કંઇ કહેવા જેવું નથી. પણ સોમા અંતિમ પાના પર હું છેલ્લે લખીશઃ 'માનવજાતનું એકમાત્ર કર્તવ્ય છેઃ ચાહવું!'
* * *
૨૦૦૪માં અંગ્રેજી ભાષાના બીજી ભાષામાં અનુવાદ કરવામાં અઘરા પડે, એવા ટોપ ટેન શબ્દોનું એક સર્વેક્ષણ થયું હતું. એમાંનો એક શબ્દ છેઃ સેરેન્ડિપિટી. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે એ શબ્દનું કનેકશન ભારત સાથે છે! અંગ્રેજી ભાષામાં એ શબ્દ આવ્યો ઇટાલીમાં મધ્યયુગમાં થયેલા એક સંપાદનમાંથી. એ સંપાદનમાં હતી મૂળ પર્શિયન (ઇરાનિયન) પરીકથા. જેમાં 'સેરન્ડીપ' નામના ટાપુના ત્રણ રાજકુમારોના પરાક્રમોની વાર્તા હતી. આ અરેબિક શબ્દ સેરન્ડીપ શબ્દ કયાંથી આવ્યો? સંસ્કૃતમાંથી! સેરન્ડિપ એટલે સંસ્કૃત 'સિંહલદ્વીપ' યાને આજના શ્રીલંકાનું અપભ્રંશ પામેલું મૂળ નામ!
એની વે, પરીકથાના રાજકુમારો સાથે 'હેપી એકસીડેન્ટસ' યાને સુખદ અકસ્માતો થતાં. અચાનક જ કોઇ એવી અણધારી ઘટના બને કે જેનું કશુંક મીઠું પરિણામ આવે. 'પ્લેઝન્ટ સરપ્રાઇઝ' જેવા આ યોગાનુયોગ એટલે સેરેન્ડિપિટી!
આ નામથી એક સ્વીટ ફિલ્મ બનેલી. જોન કુસૈકની સેરેન્ડિપિટી! હીરો અકસ્માતો હીરોઇનને મળે છે. બંનેને કુછ કુછ થાય છે. પણ હીરોઇન ઇલુ ઇલુ કરતા વધારે ફોરચ્યુન (ભાગ્ય)ની રમતમાં ભરોસો રાખે છે. એ 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' નામનું પુસ્તક લઇ એમાં પોતાનું નામ અને નંબર લખે છે. હીરો ૫ ડોલરની એક નોટમાં પોતાનું નામ અને નંબર લખે છે. અચાનક, અકસ્માતે ભાગ્યમાં હોય તો ખોવાઇ ગયા પછી પણ જડી આવવા વિશે એને અનહદ શ્રદ્ધા છે. એ પછી કહે છે કે જો કિસ્મત કનેકશન હશે, તો એક દિવસ હીરો પાસે હીરોઇનના નામ- નંબરવાળી બુક ફરતી ફરતી આવશે, અને હીરોઇન પાસે ૫ ડોલરની નોટ! (એની નબળી નકલ જેવી હિન્દી ફિલ્મ એટલે શાહીદ- કરીનાની આખરી 'મિલેંગે મિલેંગે!')
ફિલ્મી? મેલોડ્રામામાં ન માનતા હોલીવૂડમાં ય આ થીમ પરથી 'વ્હેન હેરી મેટ શેલી' ('હમ તુમ' જેવી અનેક યશરાજ ફિલ્મોની ગંગોત્રી!) અને અદ્દભૂત રોમેન્ટિક ફિલ્મ એવી પર્સનલ ફેવરિટ 'ડેફિનેટલી, મે બી' બની ચૂકી છે. જેમાં હીરો- હીરોઇન વારંવાર અકસ્માતે ફરી ફરી અલગ અલગ સ્થળે, અવનવા અનુભવો પછી મળતા રહે છે. સેરેન્ડિપિટી, યુ નો.
ફયુચરનો આધાર ફોરચ્યુન પર? હમમમ્. સેરેન્ડિપિટીમાં એક ખૂબસુરત સંવાદ છેઃ ગ્રીક લોકો કયારેય ઓબિચ્યુરિઝ એટલે શ્રધ્ધાંજલિઓ લખતા નહિં. કોઇ ગુજરી જાય, તો બસ આટલું જ પૂછતાં- 'ડિડ હી (ઓર શી) હેવ પેશન?'
મલલબ, શું એ ઝિંદાદિલ ઝનૂનથી, ધોધમાર પ્યારથી જીવ્યા હતા? પ્રેમ એટલે પેશનના રૃંવાડે રૃંવાડે લેવાતા ચલતીના રાસડા.
* * *
અમેરિકામાં ચાર્લ્સ ફ્રેઝરે એક વિખ્યાત નવલકથા લખી, કોલ્ડ માઉન્ટન. ૨૦૦૩માં એના પરથી બનેલી અદ્દભૂત, જીગરને ખળભળાવી નાખે તેવી જયુડ લો, નિકોલ કિડમેન અભિનિત ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચેલી. આજના ફાસ્ટ કિસથી ડિચ થથાં જમાનાને બદલે અમેરિકામાં સિવિલ વોર ચાલતી એ શતાબ્દીમાં એણે કહાની સેટ કરેલી.
ગામમાં બાપ સાથે એક માસૂમ નજાકતથી ભરપૂર યુવતી આવે છે. નામ છેઃ અદા. અને એક જુવાનિયો ઇન્મેન સિટ્ટીનો હીંચકો બનાવી ઝૂલવા લાગે છે. બકૌલ રમેશ પારેખ ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે સાંજે ફુલ લઇને એવો ઉભો રહે છે કે એનું સાનભાન ચરી ગયું ઘોડું રે! હજુ ધીમે ધીમે જરા જરા અદા એની મીઠી વાતો પર યકીન કરે, ત્યાં તો યુદ્ધમાં જોડાવાનું તેડું આવે છે.
બહુ ગાઢ પરિચય નથી, પણ ઇન્મેનના હૃદયની શિરા-ધમનીઓમાં અદા ભળી જાય છે. યુદ્ધની ભીષણ હિંસા અને ક્રૂરતા વચ્ચે એ અદાનો ફોટો જોઇ લે છે, અને એને બસ શાંતિ થઇ જાય! આ બાજુ બાપ ગુજરી જતાં (અને ગામના બધા ભડભાદરો લડવા જતા) અદા મોટા ખેતર વચ્ચેના પહાડી મકાનમાં સાવ નોંધારી થઇ જાય છે. પરદેશ ગયેલા પિયુની વાટ તાકતી આંસુડા પાડે છે. માંડ એને એક ખેતમજૂરણ સ્ત્રીનો સહારો સાંપડે છે. એક દિવસે ઇન્મેન આવશે, એ આશાએ અદા ઠંડા બરફીલા પર્વતો વચ્ચે દિવસો વીતાવે છે.
અને ઇન્મેન પણ યુદ્ધ ખતમ થતાં ઘાયલ અવસ્થામાં અદાનો ફોટો લઇ અથડાતો કૂટાતો રીતસર ચાલતો સેંકડો માઇલોનો પથ કેવળ અદાને ફરી મળવાની આશાના પાતળા તંતુ પર લટકતો લટકતો કાઢે છે. મારગમાં બીજી સ્ત્રીઓ મળે છે, પણ એને અદા ખપે છે. મરણતોલ બીમાર થાય છે, પણ જરાક સાજો થતાં ફરી ડગુમગુ ચાલતો નીકળે છે.
કોચવાતી અદાને પેલી મજૂરણ મેડી કહે છે. લૂક, આ કુદરતની ડિઝાઇનમાં બધાને માટે કશોક પ્લાન છૂપાયેલો છે. પંખી પાંખો ફફડાવી કયાંક ઉડે છે. બિયું ચણે છે. હગારમાં બિયું નીકળે છે, નવો છોડ ઉગે છે. જનમ-મરણની માફક. બર્ડ હેઝ ગોટ એ જોબ. સીડ હેઝ ગોટ અ જોબ. ઇવન શીટ (હગાર) હેઝ ગોટ અ જોબ. યુ હેવ ગોટ અ જોબ.
બધાને કશુંક કર્મ કર્યા જવાનું છે. ઘટમાળમાં કશુંય નકામું ચાલતું નથી. ગ્રીક લોકો સમગ્ર બ્રહ્માંડ સાથે સંવાદિતા (હાર્મની વિથ યુનિવર્સ) સાધવા 'ફેટમ' શબ્દનો પ્રયોગ કરતાં. એમાંથી આવ્યું ફેટ. યાને ડેસ્ટિની. નિયતિ.
અંતે રઝળપાટથી થાકેલો ઇન્મેન અદાને મળવા પહોંચે છે, અને ઇન્તેઝારમાં કંતાઇ ગયેલી અદા પણ.... બંને મળે છે. કેવળ ચંદ પત્રો અને થોડી ક્ષણોના ટેકે ટકાવી રાખેલી પ્રતીક્ષાની જયોત ઝળહળે છે. ઇન્મેન કહે છે 'કેટલીયે અંધારી જગ્યાઓમાં બસ તારી મનમાં રહેલી તસ્વીરના અજવાળે   ચાલ્યો છું.'  અદા કહે છે - આપણે તો પહેલા બહું ઓછું મળેલા. અને ઈન્માન કહે છે ઃ પણ એમાં ય હજારો ક્ષણો હતી. જાણે કાળા મખમલમાં ઝગમગતા હીરા જેવી એ ક્ષણો. મનમાં તને ચૂમતો હું યુધ્ધમાંથી આ પહાડો સુધી ચાલ્યો છું રોજેરોજ... અને અદા કહે છે - અને હું બળી છું રોજેરોજ તારી રાહ તાકવામાં!
ખેતરમાં પ્રવેશેલા લૂંટારાઓનો સામનો કરતા આ મિલન પછી અદાની ગોદમાં ઈન્મેન મરે છે, અને એની યાદોના સહારે પહાડોના બરફને તાકતી અદા જીંદગી જીવે છે... યુધ્ધના જખ્મોથી દૂર રમણીય ઘાટીમાં...
કોલ્ડ માઉન્ટન, ધેટ ઈઝ.
* * *
વિલિયમ શેક્સપીઅરનું વિશ્વવિખ્યાત સોનેટ નંબર-૧૧૬ છે. શેક્સપીઅર એમાં છાતી ઠોકીને કહે છે કે, ખરેખર પેશનથી એકબીજાને ચાહતા બે મન એકબીજામાં પરોવાય નહિ, તો એમણે લગ્ન કરવા જ ન જોઈએ. બર્નિંગ ફીલિંગ વિનાના મેરેજ બોજ બની જાય છે. સાચો પ્રેમ જો મળે, તો પછી બીજા કોઈ વિકલ્પોની તલાશ હોતી નથી. એ હોય છે અડીખમ ઉભેલી દીવાદાંડી જેવો. જે પોતાના કાંઠે દરિયાના અનેક તોફાનો જોવા છતાં સ્થિર ઉભી રહે છે. દરેક ખોવાયેલી નૌકાને અંધારામાં રસ્તો બતાવતા અવિચળ ધુ્રવના તારા જેવો હોય છે એ પ્રેમ. જેની ઉંચાઈઓ જોઈ શકાય છે, પણ મૂલ્ય માપી શકાતું નથી. એ ગુલાબી ગાલો અને લાલચટ્ટક હોંઠોથી શરૃ થઈને અઠવાડિયાઓ જ નહિ, મહિનાઓ જ નહિ, પ્રલય સુધી વિસ્તરે છે. છેલ્લે આ કલમનો જાદૂગર, માણસજાતનો મરમી પડકાર ફેંકે છે ઃ ઈફ ધિસ બી એરર એન્ડ અપોન મી પ્રૂવ્ડ, આ નેવર રિટ, નોર નો મેન એવર લવ્ડ! જો કોઈ મને ખોટો પાડે કે દુનિયામાં આવા સાચા પ્રેમનું અસ્તિત્વ જ નથી, તો કાં જગતમાં કોઈ ખરો પ્રેમ કર્યો નથી, ને કાં મેં કશું જ લખ્યું નથી! (મતલબ, પ્રેમની બાબતે હું ખોટો હોઉં તો લખવાનું છોડી દઉં, ને આગલું લખ્યું તે બધું ફોક!)
આઈ લવયુ કહેવામાં બે - ચાર સેકન્ડ લાગે, પણ પુરવાર કરવામાં આખી જીંદગી! લોકો શું કહેવાયું છે એ કાળક્રમે ભૂલી જતા હોય છે, પણ કેવું કોની સાથે ફીલ થયું એ યાદ રાખતા હોય છે. ઘણા લોકોને આ ફેસબૂક અને ફેક એકાઉન્ટસથી ઉભરાતી, સ્કેન્ડલ્સ અને સ્કેમ્સથી છલકાતી, એટેન્શન સીકીંગ અને પ્રિન્ટેન્ડિંગમાં ગૂંચવાતી દુનિયામાં રિયલ લવ કોઈ એલિયન જેવો લાગે છે. પણ એમણે કોરી આંખો જોઈ છે  દિવસની. મધરાતના પલળેલા ઓશિકાં કદી જોયા છે? મહોબ્બતમાં કાળજું ચીરી નાખે એવું સૌથી કરપીણ રૃદન કયું હોય છે ખબર છે?
મૌન. ખામોશી. સાયલન્સ.
* * *
દરેક સર્જનાત્મક અને સંવેદનશીલ ઈન્સાન થોડોઘણો સનકી હોય છે. કારણ કે, એ પોતાની કળાને પેશનેટલી ચાહે છે. જયાં ઈશ્ક છે, ત્યાં ઈલ્મનું બાષ્પીભવન થઈ જાય છે. હજુ યે સાચો પ્રેમ તો હોય છે. વ્યક્તિ માટેનો પણ, અભિવ્યક્તિ માટેનો પણ.
કમનસીબે, દિવસે દિવસે આપણે આ બંને ગુમાવતા જઇએ છીએ. ફોનના જવાબો અને નફાના હિસાબોમાં! ઇન્ટરનેટ પર એટ્રેકશન, અંતરનેટમાં કેલ્કયુલેશન! આનંદ અને આવેગની ક્ષણે મુક્તવિહારી થઇને કોઇની સાથે સૂઇ જવું પાપ નથી. પણ સ્પર્શ પણ કર્યા વિના ચાહતા ન હો તો ય 'આઇ લવ યુ' એવું કમિટમેન્ટ આપી દેવું જરૃર પાપ છે. સેકસ મસ્તી છે, અને પ્રેમ ભકિત.  બંને ભળે તો શક્તિ! અને પ્રેમ કેવળ છોકરા- છોકરીનો જ નહિં. પ્રેમ જીંદગીને જાણવાનો, એના રહસ્યોને માણવાનો, મહોબ્બત સંગીત સાથેની, કવિતા સાથેની, રોમાંચક અનુભવો સાથેની, લવ ફોર એકસપ્લોરિંગ ધ ટ્રાવેલ, લવ ફોર લિટરેચર.... એટેચમેન્ટ ઓફ આર્ટ!
બિઝનેસ માઇન્ડેડ લોકો ટૂચકા સાંભળી હીંચકા ખાતા રહે છે. શ્રુડ પીપલ સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ ગણતા રહે છે. છે કોઇ પેશન? કેમ કદી કોઇ ઉમદા નજાકતવાળા મ્યુઝિકમાં, મદહોશ કરી તે તેવી આર્ટમાં, નશો ચડાવી દે તેવા લિટરેચરમાં ઇન્ટરેસ્ટ નથી પડતો? જાણે મોબાઇલના સ્મૂધ સ્ક્રીનને ટચ કરતાં જીંદગીના ઠહરાવની, શાંત સૌંદર્યના વૈભવની આપણને શરીરે લાલ ચાંઠા પાડી દેતી એલર્જી થઇ ગઇ છે! આપણું દિલ બે દિવસ ભેજમાં પડી રહેલી બળેલી રોટલી જેવું ચવ્વડ થઇ ગયું છે.
શરીર પર ઓપરેશન પછી રહી ગયેલા ઘાવ પર આવેલી ચામડી જોઇ છે. ઘણી વખત એટલો હિસ્સો હંમેશ માટે સુન્ન પડી ગયો હોય. જડ, સંવેદનહીન થઇ ગયો હોય, ત્યાં ન વાળ હોય, ન કોષ. પણ ત્યાં મરેલી ચામડી સૌથી વધુ લિસ્સી અને ચમકતી લાગે દૂરથી. પણ સ્પર્શો તો કશી ખબર જ ન પડે! બસ આવી કમ્ફર્ટેબલ ગ્લેમરસ લાઇફ જીવવી છે, જીંદગીમાં સેટલ થઇને, સલામત થઇને, પારિવારિક ખીચડીની ચમચીઓ ચાટીને! બાહરથી ચળકતી, અંદરથી બુઠ્ઠી!
અને એમાં ઉમદા અભિનેતા પંકજ કપૂર એક ફિલ્મ બનાવે છેઃ મૌસમ. દિલ સે અને સાંવરિયાની માફક માસ તો શું, કહેવાતા કલાસ ઓડિયન્સને ય બાઉન્સર જાય તેવી! ઇટ્સ રિસ્કી. ડિજીટલ ઘોંઘાટમાં વળી તે ટહૂકો કોણ સાંભળે? પબ્લિકને રીપેટેટિવ લાગે છે. બોરિંગ લાગે છે. કારણ કે, આપણે કદી લાઇફની મોમેન્ટસ માણતા શીખ્યા જ નથી. આપણે બારમાના, ડિગ્રીના, ઘરના, મેરેજના, એવોર્ડના સકસેસના સ્ટેશન ટુ સ્ટેશન ઠેકડા જ લગાવીએ છીએ. કવોલિટી લિટરેચર, સિનેમા, મ્યુઝિક કશાનો 'સત્સંગ' આપણા માળાફેરઉ મનને થયો જ નથી.
મૌસમ ઇઝ ઓલ એબાઉટ પોએટિક મોમેન્ટસ. નામ જ કેવું છે સોનમનું એમાં- આયત! (સોનમ- અઠંગ સાહિત્યરસિક છે. વાંચી વાંચીને વજન નેવું કિલો થયેલું એનું! પહેલી ફિલ્મ દોસ્તોવ્યસ્કીની કૃતિ પરથી સાંવરિયા, પછી જેન ઓસ્ટીનની કૃતિ પરથી આયેશા અને દિલ્હી સિકસ પણ પ્રયોગશીલ નાટક જેવી!) ફિલ્મની કેટકેટલી કયુટ મોમેન્ટસ છતના નેવાં પરથી મધરાતે ટપકતાં પાણીના ટીપાંની જેમ હૃદયમાં રીસતી રહે છે. દૂરબીનથી ગમતી છોકરીને તાકતા રહેવું, મેંદી અને શાહીથી લખીને થતો શાયરીના મુકાબલા જેવો સંવાદ અને પાણીમાં ઓગળતી ચિઠ્ઠીઓમાંથી લહેરાતા રંગો! ઇન્તેજારમાં બળતી મીણબત્તી સાથે ઓગળતી અને ઝાંખી થતી નાયિકાની એ રાત. વરસાદ વચ્ચે ભૂંગળામાં થતું ભીનું ચુંબન.
ભૂખરી સ્કોટિશ દીવાલો પર લાલ થાપા. નાયિકાએ જેનાથી હોંઠ લૂછયા છે, એ રૃમાલ હળવેકથી સેરવીને સુવેનિઅર બનાવી લેતો નાયક, પંજાબના ખેતરથી સ્કોટલેન્ડની ગોથિક ઇમારતો બધું જાણે બિનોદ પ્રધાનના કેમેરાના સ્પર્શે સજીવન થઇ જાય છે. પાંદડા વચ્ચે પડતાં બંધ પરબીડિયામાં અને આગ વચ્ચે ખુલતી વર્ષોની ચુપ્પી... અંબોડામાં ગૂંથાયેલું પીળું ગુલાબ અને લાલ સ્કર્ટ.... પાનખર ઓઢીને ઉભેલા વૃક્ષો અને ઇન્સાનો... આ સિનેકાવ્ય છે! જેમાં દાનવ બનતાં માનવોના ઓપરેશન બ્લુસ્ટાર, કાશ્મીરી પંડિતોની કત્લેઆમ, બાબરી ધ્વંસ પછીના બોમ્બવિસ્ફોટ, કારગીલ યુદ્ધ, નાઇન ઇલેવન, ગુજરાતના ગોધરાકાંડના રમખાણ એ બધુ જ પ્રેડિકટેબલ, રીપિટેટિવ બેકડ્રોપમાં છે.
જે યાદ દેવડાવે છે કે આપણે કેવા ભયાનક સમય વચ્ચે શ્વાસ લઇએ છીએ, આવા આ સમયમાં જયારે તમામ આસુરી અજગરો માણસને ગળી રહ્યા છે, ત્યારે શુદ્ધ પવિત્ર પ્રેમ શકય છે ખરો?
છે. નહિં તો આવી સાહિત્યકૃતિ જેવી ફિલ્મ આટલું ખર્ચીને કોણ બનાવે. ચાહત. પેશન. એમાં નબળા કલાઇમેકસ અને એડિટિંગથી લઇ કેટલીક હોરિબલ ખામીઓ છે. માફ ન થઇ શકે એવી!
પણ ખામીઓ સ્વીકારીને જ તો કોઇને સંપૂર્ણ ચાહી શકાય છેને! તેરા મેરા હોના તો ભી એક મૌસમ હૈ... પૂરે સે જરા સા કમ હૈ!
(શીર્ષક ઃ તસ્લીમ ફઝલી)
ઝિંગ થિંગ
હો રે રંગ ઝીલો લોચનિયામાં, રંગ ઝીલો રે
હો સૂર ઝીલો જોબનિયામાં, સૂર ઝીલો રે!
(વેણીભાઇ પુરોહિતની પંકિતઓ સંગ, વિશ યુ હેપ્પી ક્રેઝી વાઇલ્ડ નવરાત્રિ ધમાલ!)

 - જય વસાવડા  (અનાવૃત , 28/9/2011)

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

શેર

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

- ભગવતીકુમાર શર્મા

વરસાદ એટલે

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

– ગુણવંત શાહ