શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રેમમાં તો એવું યે થાય છે

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

પ્રાર્થના


સવારના પહોરમા એલાર્મ ઘડીયાળના અવાજથી હુ સખત ચિડાઈ જાઉ છુ.
સવારના પહોરમા મને આ અવાજ સહુ થી કર્કશ અને ખરાબ લાગે છે.
- " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ સાંભળી તો શકુ છુ!
દુનિયામા એવા હજારો લોકો જે સાંભળી પણ નથી શકતા... "

સવારમા ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશ મા કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે !
એ વેળા હુ એ જોવાની પરવા કર્યા વગર ઉંઘતો હોવ છુ.-
" છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જોઈ તો શકુ છુ!
જગતમા એવા હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા... "

સવારમા ઉઠી ગયા પછી પથારી છોડતા મને ખૂબ જ આળસ આવે છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ ઉભો તો થઈ શકુ છુ !
ચાલી તો શકુ છુ ...જગતમા હજારો માણસો એવા છે જે વર્ષોથી પથારીવશ છે.
જે પોતાના પગ પર ઉભા પણ થઈ શકતા નથી ..."

ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે.
બાથરુમ મા ઘુસેલુ બાળક જલદીથી બહાર ના નિકળે,
નાસ્તો તૈયાર ના હોય,
પત્નીની બૂમાબૂમ,
ઘરડા મા-બાપના આરોગ્યની ફરિયાદો વગેરે ...વગેરે ... -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને એક કુટુંબ તો આપ્યુ છે!
કંઈ કેટ્લાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જીવવુ પડતુ હોય છે. "

મારુ ઘર આમ તો સાવ સામાન્ય ઘર છે,
ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. -
"છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે મારે મારુ પોતાનુ ઘર તો છે
હજારો માણસો ને ઓઢવા માટે આભ ને પાથરવા માટે પ્રુથ્વી સિવાય કંઈ પણ મળતુ નથી.
એ લોકો કરતા તો હુ કેટ્લો ભાગ્યશાળી છુ! "

મારા ઘરે બનતુ ભોજન પણ સાવ સાદુ જ હોય છે,
મિષ્ટાન્ન પણ ભાગ્યેજ બને છે પણ છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તુ મને ભોજન તો આપે છે!
અસંખ્ય માણસો તો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. "

મારુ કામ પણ રોજ એનુ એ જ - મોનોટોનસ - અકળાવનારુ હોય છે. છતાં-
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને બેકાર તો નથી બનાવ્યો !! "

અને અંતમા
હે પ્રભુ !
મારુ જીવન મારા સપનાના જીવન જેવુ તો નથી જ.
મેં જેવુ કલ્પ્યુ હતુ તેવુ મારુ જીવન જરાક પણ નથી. છતાં -
" હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જીવુ તો છું .... !!!
મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ ...! "

" તારો આભાર હું માનુ એટ્લો ઓછો છે પ્રભુ !
તેં મને કેટલુ બધુ આપ્યુ છે ! જોવા ને ગણવા બેસુ છુ તો તેં મને બધુ જ આપ્યુ છે.
તારો ખૂબ ખૂબ આભાર! "
- ડો.આઈ.કે. વીજળીવાળા

સ્ત્રી,પુરુષની વ્યાખ્યા

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.

- ગુણવંત શાહ

ગુરુવાર, 3 માર્ચ, 2011

નેતૃત્વ કેળવી શકાય?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી.

આજથી ૨૩૫૦ વર્ષ પહેલાંની વાત છે. મગધ સામ્રાજ્યના એક નાનકડા ગામડાની સીમમાં કેટલાંક બાળકો ઢોર ચરાવી રહ્યાં હતાં અને રમત રમી રહ્યાં હતાં.

વગડાઉ માર્ગ પરથી પસાર થઇ રહેલો એક બ્રાહ્મણ બાળકોની રમત જોઇને થંભી ગયો. આઠ વર્ષનો એક બાળક રમતમાં રાજા બન્યો હતો. અન્ય ભરવાડ બાળકોને તેણે પોતાના દરબારીઓ અને અરજદારોની ભૂમિકા સોંપી હતી અને પોતે એક પથ્થર પર, જાણે સિંહાસન પર બેઠો હોય તે રીતે બેસીને રાજવીની અદાથી ન્યાય તોળી રહ્યો હતો. આઠ વર્ષના બાળકની પ્રતિભા જોઇને બ્રાહ્મણ દિગ્મુઢ બની ગયો.

બાળકમાં રહેલી નેતૃત્વશક્તિને બ્રાહ્મણ સારી રીતે ઓળખી ગયો. પોતાના ઘ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય માણસ મળી ગયો છે તેની બ્રાહ્મણને જાણે ખાતરી થઇ. ખડતલ દેહ અને લાંબી શિખા ધરાવતો આ તેજસ્વી બ્રાહ્મણ સીધો પેલા બાળકના પિતા પાસે પહોંરયો. બાળકને પોતે લઇ જવા માગે છે એવી દરખાસ્ત મૂકી ત્યારે જાણ થઇ કે બાળક તો અનાથ હતો આ ભરવાડ તેનો પાલક પિતા હતો. ભરવાડે એક હજાર સોનામહોર આપીને બાળક ખરીદી લીધો. આ બ્રાહ્મણ તે ચાણક્ય! પેલું બાળક આગળ જતાં ચંદ્રગુપ્ત મોર્ય બન્યો, જેણે આખાં મગધ સામ્રાજ્યને આખાં હિન્દુસ્તાનનાં સામ્રાજ્ય તરીકે વિસ્તાર્યું...

સુપરસોનિક ઝડપે સફળતા મેળવનાર ઉધોગ-લીડર્સની સકસેસ સ્ટોરીની શ્રેણી વાચકો માટે પ્રેરણારૂપ બની રહી છે. સાથે જ, દરેક હપ્તે વાચકો દ્વારા એક પ્રશ્ન તો ચોક્કસ પુછાય છે: શું હું પણ આ રીતે સફળ બની શકું? જવાબ ‘હા’ જ હોય એ સ્વાભાવિક છે. જયંતીભાઇ ચાંદ્રા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શૈલેશ માકડિયા, કેતન મારવાડી કે ખોડીદાસ પટેલ સહિતના જેટલા સાહસિકોની મુલાકાતો લેવાઇ છે અને આધુનિક મેનેજમેન્ટ થિયરીના આધારે તેમનાં કાર્યોમાંથી મેનેજમેન્ટ ફંડા તારવવામાં આવ્યા છે તેમાં સાવ સામાન્યથી પણ નીચેની આર્થિક સ્થિતિમાંથી આગળ આવવા બદલ બે બાબતો મુખ્ય છે: દિર્ઘદ્રષ્ટિ અને લીડરશિપ કવોલિટી.

દિર્ઘદ્રષ્ટિ કદાચ ઇનસાઇટ છે, પણ લીડરશિપનો ગુણ તો કેળવી શકાય તેવો છે. હવે વિશ્વ એવું નથી કહેતું કે લીડર જન્મે છે, બનતા નથી. લીડર બની શકાય છે, જો જુસ્સાથી મહેનત કરવામાં આવે તો. એ હકીકત છે કે કેટલાક લોકોમાં લીડરશિપનાં ગુણો જન્મજાત અથવા સ્વભાવગત હોય છે. જરા ઝીણી નજરે જોશો તો બધા જ માણસો, જીવનમાં ક્યાંક ને ક્યાંક તો લીડર તરીકે કામ કરે જ છે. શરૂઆતમાં આપણે ચંદ્રગુપ્ત મોર્યની જે દંતકથા જોઇ તેમાં ચાણક્યને બાળકમાં જન્મજાત લીડરશિપનાં ગુણો દેખાયા હતા.

ધનનંદની સામે વેર વાળવા માટે જેને રાજા તરીકે પ્રસ્થાપિત કરી શકાય એવા માણસની ચાણક્યને જરૂર હતી. આ જરૂરિયાત ચંદ્રગુપ્તમાં પૂરી થઇ હતી. ધારી લો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય મળ્યા ન હોત તો? ચંદ્રગુપ્ત કદાચ આટલો મહાન ન બન્યો હોત, પણ તે નિષ્ફળ ભરવાડ પણ ન જ રહ્યો હોત. તેનામાં જે હીર હતું તે તેને આગળ લઇ જ ગયું હોત. આપણે સકસેસ સ્ટોરીમાં જે ઉદાહરણો જોયાં તેમાંના કોઇને ચાણક્ય જેવો પારખુ મળ્યો નહોતો, જેણે હાથ ઝાલીને સફળતા અપાવી હોય. દરેક માણસમાં નેતૃત્વની શક્તિ હોય જ છે, કેટલાક તેનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકે છે.

અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.

સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.

આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.

અહીં ફરી આપણી આસપાસ નજર કરીએ તો સામાન્ય માણસમાંથી જ ઉદાહરણો મળી આવશે. ચાની લારી પર સવારના પહોરમાં ચુસકી મારતા હોઇએ ત્યારે એ નાકકડા ટોળામાં પણ એકાદ માણસ એવો હોય છે જેની વાતો અન્ય ચા-રસિયા ઘ્યાનથી સાંભળતા હોય. તે માણસ પાસે કોઇ પોઝિશનલ પાવર હોતો નથી. પણ, તે પોતાની જાણકારી, ઇન્ફર્મેશન ઇફેકિટવલી પ્રેઝન્ટ કરી રહ્યો હોય છે. આપણામાંના ઘણા પોતાના નાનકડા વર્તુળમાં, ઘરમાં અને મિત્રોની વચ્ચે બહુ જ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકતા હોય છે પણ, બહાર એ જ બાબત એટલી અસરકારકર રીતે રજૂ કરી શકતા નથી.

દરેક પુરુષ પોતાના ઘરમાં લીડર છે, નિણાર્યક છે અને તેની વાતને, બાય ડિફોલ્ટ, ઘ્યાનથી સાંભળવામાં આવે છે. એ લીડરશિપ નથી? ઝૂંપડીમાં રહેતા મજૂરથી માંડીને ઉધોગપતિ સુધીના બધા જ પોતાના ઘરમાં તો લીડર છે જ. તો પછી આ લીડરશિપ બહાર કેમ દેખાતી નથી? કઇ રીતે તેને બહાર લાવી શકાય? આ જાણવા માટે સફળ લીડરના ગુણ કયા હોઇ શકે તેને જાણવા પડે.

કોઇપણ સફળ લીડરનો સૌથી મોટો ગુણ વિઝન છે. વિઝન જેટલું સ્પષ્ટ અને લાંબા ગાળાનું હોય એટલો લીડર વધુ ઇફેકિટવ. આવનારા સમયમાં શું થઇ શકે, કેવી તક આવી શકે અને કેવી સમસ્યાઓ ઊભી થઇ શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપતું વિઝન હોય તો માણસ વધુ સારી રીતે નેતૃત્વ કરી શકે. જે લોકોની પ્રોફાઇલ આપણે સકસેસ સ્ટોરીમાં જોઇ તેમાંના તમામનું વિઝન ક્લીયર હતું. દુનિયા જે તક જોઇ શકતી નહોતી તે તેમણે જોઇ લીધી હતી. અને, એટલે તેઓ સફળ થયા.

સામાન્ય માણસ વિઝનનો ઉપયોગ નથી કરતો. મારા કે તમારામાં વિઝન નથી? તમે ના નહીં પાડી શકો. વિઝન તો છે જ, તેના તરફ ઘ્યાન નથી અપાતું. તેને સ્પષ્ટ નથી કરાતું. તેના માટે મહેનત નથી થતી. ચશ્માં પહેર્યા પછી પણ જો ઝાંખું દેખાતું હોય તો બની શકે કે તમારાં ચશ્માંનાં ગ્લાસ પર ડાઘ લાગી ગયા હોય. નવા ચશ્માં લાવવાને બદલે કાચ સાફ કરી નાખો તો વિઝન કલીયર થઇ જાય. પણ, ડાઘ સાફ કરવાનું જ્ઞાન જરૂરી થવું જરૂરી છે. ડાઘ છે એની જાણ જરૂરી છે અને એ ડાઘ સાફ કરવાની રીત જાણવી જરૂરી છે.

તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.

નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.

ડિયર રિડર, તમે કદાચ પૂછશો કે અમે પણ નિષ્ઠાથી જ કામ કરીએ છીએ છતાં ઇરિછત પરિણામ મળતાં નથી. વેલ, તમારાં કામથી લોકોને સ્પષ્ટ થવું જોઇએ કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે. એટલું જ નહીં, તેમાં તમે તમારો જીવ રેડી રહ્યા છો. જ્યારે બીજાઓને એવી ખાતરી થાય કે તમે સાચા છો, સાચું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. તે તમને પોતાના લીડર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. વિશ્વાસ વગર લીડર ન બની શકાય. અને, આ વિશ્વાસમાં અન્ય લોકો સાથેના તમારા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે.

સંબંધો બાંધવાની કળા લીડરને સફળતા અપાવે છે. નિષ્ઠા, વિશ્વાસ અને સંબંધ જ્યારે એક તાંતણે જોડાય છે ત્યારે અન્યોને અનુસરણ કરવાની ફરજ પડે છે. અને જેને અન્ય અનુસરે છે તે લીડર છે. તમે ફરી ઘરમાં જ જુઓ. જ્યારે તમે વ્યાવહારિક વાતને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવો છો ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને અનુસરે જ છે. કારણ કે તેમને તમારામાં અને તમારી નિષ્ઠામાં શ્રદ્ધા છે અને તમારો તેમની સાથેનો વ્યવહાર એવો છે જેનાથી તેમને ખાતરી હોય છે કે તમે તેમને નુકસાન પહોંચાડશો નહીં.

જો તમે આ કામ પરિવારમાં હંમેશાં કરતા જ હો, તો તે બહાર કેમ ન થઇ શકે! પ્રયત્ન કરો, થોડી મહેનત પડશે પણ થઇ જશે તે ચોક્કસ. વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પણ, થાય છે ખરો. કોઇને જાહેરમાં અપમાનિત કરવાથી તેની પાસેથી વધુ સારું કામ લઇ શકાય? આવું કરનાર વધુ અસરકારક લીડર ગણાય? દુનિયાના ઘણા ભાગમાં ન જ ગણાય પણ, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે.

આરબ રાષ્ટ્રોમાં માગ્યા વગર જો નમ્રતા બતાવવામાં આવે તો તેને નબળાઇ ગણવામાં આવે છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? કરો જ છો. તો એ માનવીય વ્યવહારને વધુ વિસ્તારી ન શકાય? પરિવારમાં તે જે માયાળુપણે વર્તોતે રીતે બહાર પણ વર્તી શકાય. કદાચ, આપણે નબળા ગણાઇ જવાના ડરે, છેતરાઇ જવાના ડરે એ રીતે વર્તતા નથી. પણ, માનવીય અભિગમના મુદ્દે તમારામાં અને સફળ ઉધોગપતિમાં કોઇ બેઝિક ફરક નથી હોતો એટલું તો સ્વીકારવું પડે કે નહીં?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી. કોઇપણ સફળ માણસનું ઉદારણ લો, તેનામાં પેશન ભરપૂર જોવા મળશે. તમારામાં પણ પેશન તો હોય જ છે. દરેક માણસમાં હોય છે. પણ, તેનો ઉપયોગ યોગ્ય દિશામાં થતો નથી. નિષ્ઠા (ઇન્ટેગ્રિટી) અને જુસ્સો (પેશન)ને અહીં સમજી લેવાની જરૂર છે. જુસ્સો પોઝિટિવ અને નેગેટિવ બન્ને હોઇ શકે છે. વાલિયો નેગેટિવ જુસ્સાથી કામ કરતો તો ત્યારે લૂંટારો હતો અને એ જ જુસ્સાથી પોઝિટિવલી રામનામનો જપ કરવા માંડયો ત્યારે તે વાલ્મીકિ બની ગયો. જરૂર માત્ર દિશા બદલવાની જ હતી. પણ, પ્રવાહ પલાટવવો, દિશા બદલવી સહેલાં નથી. બહુ જ ચોકસાઇપૂર્વક પ્રયત્ન કરવો પડે.

પ્રયત્ન કરી જોજો રિડર રાજા, દુનિયા બદલાઇ જશે. તમે પોતાનામાં પરિવર્તન લાવશો તો દુનિયામાં પરિવર્તન આવશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ રૂઢિપ્રયોગ ખોટો નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરની વાર્તા તમને યાદ હશે. કૃષ્ણએ દુર્યોધનને આખા રાજયમાંથી એક સારો માણસ શોધી લાવવાનું કહ્યું, દુર્યોધનને કોઇ સારો માણસ ન મળ્યો. તેની દ્રષ્ટિ જ નેગેટિવ હતી. યુધિષ્ઠિરને એક ખરાબ માણસ શોધવા મોકલ્યા, તેને કોઇ ખરાબ માણસ ન મળ્યો. તમારી નજર કેવી છે તેના પર આધાર છે, દુનિયા કેવી છે તેનો.

અગાઉ આપણે ચર્ચી લીધું કે જેના પર વિશ્વાસ બેસે તેને લોકો અનુસરે છે. આ વિશ્વાસ માટે જરૂરી એક અન્ય બાબત છે, પ્રેરક વ્યક્તિત્વ દ્વારા ઉદારણ પૂરું પાડવું. આપણે બધા આ બાબતે બહુ જ બેઘ્યાન હોઇએ છીએ. આપણું વ્યક્તિત્વ બીજાને માટે પ્રેરક બને તે માટે પ્રયત્નો કરતા નથી. કારણ કે આપણી માનસિકતા ટોળામાં ખોવાઇ જવાની છે, ટોળાંથી અલગ તરી આવવાની નહીં. સભાનતાપૂર્વક પ્રયત્ન કરીએ તો નાની નાની બાબતોમાં પ્રેરક ઉદારણ પૂરાં પાડી શકીએ.

તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઇ કલાર્ક, કોઇ પટાવાળો પણ સમયપાલન, કાર્યનિષ્ઠા વગેરેમાં પ્રેરણારૂપ કામ કરતો જોઇ શકાશે. જો તે પોતાની આ કવોલિટીનું વિસ્તરણ કરે તો તે પણ સફળ વ્યક્તિ બની શકે. અને સાવ નાના માણસમાંથી અગ્રણી બની ગયા હોય એવા માણસના અનેક દાખલા આપણે જોયા છે. જો એ સામાન્ય માણસ આટલી ઊચાઇ પર પહોંચી શકતો હોય તો તમે તો તેનાથી ઘણા આગળ છો. પેશનેટલી ઘ્યેય માટે મંડી પડો, દુનિયા ઝૂકી જશે.

સફળ લીડરશિપની આ કવોલિટીઓ છે. તેમાં ઉમેરા કે ઘટાડા કરી શકાય તેમ છે. પણ, મૂળ પ્રશ્ન એ હતો કે અમે આટલા સફળ થઇ શકીએ? તેનો જવાબ આમાં આવી જાય છે. એટલું તો સાબિત થઇ ગયું છે કે તમારામાં પણ આ બધી કવોલિટી છે અને તમે તેનો ઘરમાં કે નાના વર્તુળમાં ઉપયોગ પણ કરો છો. હવે જરૂર છે માત્ર તેને વિસ્તારવાની. પાંખો ફેલાવી દો, આકાશ તમારું જ છે. અને, આકાશને કોઇ સીમા નથી. ગરૂડ જેવું શક્તિમાન પક્ષી પણ પોતાની પાંખો બીડેલી રાખીને ઊડી શકતું નથી. તેણે પણ ઊડવા માટે પાંખો વિસ્તારવી પડે છે. તમે પણ ઉઘાડો પાંખો. ઊડવાનું બહુ સહેલું છે.

મેનેજમેન્ટ ફંડા, કાના બાંટવા

'મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૧

-તમામ ધર્મગુરૂઓ અને ધર્મગ્રંથોને નવી નજરથી જોવાની જરૂર

-મુસ્લિમ સમુદાયે જ નહીં, તમામ નાગરિકોએ પયગંબરસાહેબ પાસેથી શીખવાની જરૂર

ભેટ

જ્યારે કોઈ ખેડૂતનો ફાલ પાકતો ત્યારે તે પહેલા પયગંબર સાહેબને આપવા માટે લાવતો હતો. પયંગબર સાહેબ તેને ગ્રહણ કરતા અને પછી તેને આજુબાજુના લોકોમાં વહેંચી દેતા હતા.

એક વખત એક નાનકડી વાડીનો ગરીબ ખેડૂત માત્ર એક ફળ લઈને આવ્યો અને તેને પયગંબર સાહેબને આપ્યું. પછી તેમણે કહ્યુંકે, તે ફળ પૂરી રીતે પાક્યું ન હતું. જો, મેં તમને ખાવા આપ્યું હોત, તો કદાચ તમારામાંથી કોઈએ ચોક્કસપણે આ વાત કરી હોત. જેનાથી પેલો ખેડૂત નિરાશ થઈ જાત.

પયગંબર સાહેબે તેને ચાખ્યું અને પોતે જ ખાવા લાગ્યા. ત્યારે તેમના અનેક સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાંથી એકે પૂછી લીધું, "પયગબંર સાહેબ, તમે અન્ય કોઈને ભાગ ન આપ્યો."પયગંબર સાહેબે સ્મિત આપ્યું અને પેલો ગરીબ ખેડૂત ગયો નહીં, ત્યાર સુધી રાહ જોઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી: કદી પણ તમારા સાથીની ભાવનાની ઉપેક્ષા ન કરો. જો, કોઈ કર્મચારીની લાગણીના કારણે, તમારે ઉપરી મેનેજમેન્ટના હળવા કડવા ઘૂંટ પીવા પડે તો પી લો. તમારા કર્મચારીનું જાહેરમાં અપમાન ન થાય, તેની ખાસ કાળજી રાખો.

બુધવાર, 2 માર્ચ, 2011

મનઃ સા... થી શરુ કરીને સા... સુધી !

પૃથ્વી પરના દરેક માણસના હાથની રેખાઓ જુદી હોય છે. પૃથ્વી પરના દરેક માણસના અંગૂઠાનું નિશાન જુદું હોય છે. પૃથ્વી પરના દરેક માણસના લખાયેલા અક્ષરો જુદા હોય છે. પૃથ્વી પરના દરેક માણસના મનોભાવ જુદા હોય છે. રેખાઓ, નિશાનો, અક્ષરો આપણે જોઈ શકીએ છીએ, પણ મનની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને આપણી નગ્ન આંખોથી સમજાતું નથી.

મન હજી પણ એક રહસ્યમય પ્રદેશ રહ્યો છે. મન વિશેનાં ઘણા ગૃહિતો પૂર્ણત: વ્યકિતગત હોય છે. મનનું વિજ્ઞાન, સાઇકોલોજી અથવા માનસશાસ્ત્ર હજી વિસ્મયનો પ્રાંત છે, અનુમાન શાસ્ત્ર છે, જેને વારંવાર આંકડાઓનો ટેકો લેવો પડે છે, અચોક્કસ વિદ્યા છે. ઘણાના મતે સાઇકોલોજી હજી વિજ્ઞાન બની નથી.

માનસશાસ્ત્ર પ્રમાણિત વિજ્ઞાન ન હોય તો પણ અત્યંત રોચક વિધા છે અને એનાં સાધનો-ઉપકરણોમાં એક તાજગી છે. કેટલાય એવા વિષયો છે જેમાં માનસશાસ્ત્રએ પ્રથમ વાર પ્રકાશ ફેંક્યો છે અને એમને ફોકસમાં લાવ્યા છે.

નાના હતા ત્યારે સ્કૂલોની બહાર અદ્રશ્ય વોટરમાર્ક ચિત્રો મળતાં હતાં, જે સફેદ કાગળ જેવાં જ લાગતાં હતાં. આને જલછબિ કહેતા હતા, એ વોટરમાર્ક ચિત્ર હતું. કાગળને પાણીમાં ડુબાડો એટલે વોટરમાર્ક કરેલી આકૃતિ કે ચિત્ર ઊભરી આવે, પછી એ જલછબિ બદલી શકાતી ન હતી.
ઢળતી ઉંમરે માણસ વિચારતો હોય છે કે જલછબિ એ જિંદગીનું વોટરમાર્ક ચિત્ર હતું. જીવાઈ ગયેલી જિંદગી, જે હવે બદલી શકાવાની ન હતી. માનસશાસ્ત્રીમાં આ પ્રયોગનું એક મહત્વ છે.

આનાથી વિપરીત ગેસ્ટાલ્ટ છે, જે જર્મન ભાષાનો શબ્દ છે. ગેસ્ટાલ્ટમાં પાછા ફરો તો ચિત્ર બદલાતું જાય છે. ધીરે ધીરે જૂનું ચિત્ર પાછું ખડું થઈ જાય છે. ગેસ્ટાલ્ટમાં એક ચિત્ર હોય છે. તમે આગળ વધતા જાઓ એટલે ઊભી લીટીઓ આવતી જાય, ફેલાતી જાય, જૂનું ચિત્ર ગાયબ થતું જાય અને એને સ્થાને એક તદ્દન નવું જ ચિત્ર ઊભરીને આવી જાય.

પાછા ફરતા જાઓ ત્યારે નવું ચિત્ર ડૂબતું જાય અને પાછળથી જૂનું ચિત્ર ફરીથી ઊભરી આવે. કેટલાકની જિંદગી જલછબિ જેવી છે. કેટલાક ગેસ્ટાલ્ટ જીવતા હોય છે. કેટલાક બીજી જિંદગી જીવીને ફરીથી પહેલી જિંદગીમાં પાછા ફરી શકતા હોય છે.

અને કેટલાક સંગીતની સ્વરલિપિની જેમ ‘સા’થી શરૂ કરીને રે, ગ, મ, પ, ધ, નિ સુધી જીવનને ખેંચીને ફરીથી એ જ ‘સા’ પર આવીને વિરામ લઈ શકે છે. જીવન એક વર્તુળાકાર પ્રવૃત્તિ બની જાય છે. કદાચ આ સ્વરલિપિ એ માત્ર એક રૂપક બની જાય છે. વૃદ્ધત્વને બીજું બાળપણ કહ્યું છે ને?

સ્વરલિપિનો આરંભનો ‘સા’ અને અંતિમ ‘સા’, આ બેમાં કેટલી સમાનતા છે? માનસશાસ્ત્ર જીવનના અંધારખંડો પર પ્રકાશ ફેંકનારું શાસ્ત્ર છે.
સાઇકોલોજીની એક પ્રશાખા છે બિહેવીઅરીઝમ અથવા વર્તણૂકશાસ્ત્ર, જે દર્શાવે છે કે અમુક વ્યકિતઓ શા માટે અમુક રીતે જ પેશ આવે છે. એક સ્થિતિને ડોગ-કાર સિન્ડ્રોમ કહેવાય છે. આમાં મોટરકાર દોડે છે, એની સાથે સાથે કૂતરો પણ દોડે છે. મોટરકાર વધારે ઝડપથી દોડે છે, કૂતરો પણ એ ઝડપથી સાથે રહેવા માટે વધારે ઝડપથી દોડે છે. અંતે મોટરકાર ઊભી રહી જાય છે. કૂતરો પણ ઊભો રહી જાય છે.
કૂતરા માટે બધું જ નિરુદ્દેશ્ય છે, અકારણ છે. પછી શું કરવાનું? જીવનમાં ઘણા માણસો આ ડોગ-કાર સિન્ડ્રોમથી પીડાતા હોય છે અને આવા માણસો આપણા દૈનિક જીવનમાં આપણને અથડાતા રહે છે.

એક પ્લેસીબો ઇફેક્ટ હોય છે.
માત્ર વિશ્વાસથી અને સકારાત્મક અભિગમથી તબિયત સારી થઈ જવાનાં ભરપૂર દ્રષ્ટાંતો મેડિકલ ઇતિહાસમાં છે. ડોકટરો સવારે હોસ્પિટલમાં દર્દીઓને જોવા માટે રાઉન્ડ પર નીકળતા હોય છે.

રાતભરની ઊંઘ થઈ ગઈ હોય, નિત્યકર્મોપતી ગયાં હોય, રૂમમાં સવારનો પ્રથમ પ્રકાશ આવી ગયો હોય અને મોટા ડોકટર નર્સો સાથે રૂમમાં પ્રવેશે, તમારો ચાર્ટ જુએ, પછી તમારો હાથ પકડીને સસ્મિત કહે : આજે તો તમે બહુ ફ્રેશ લાગી રહ્યા છો? કેમ, ઘરે જવાની બહુ ઉતાવળ છે? તમે પ્લેસીબો ઇફેક્ટ નીચે આવી જાઓ છો!

બોલો, કોઈ કમ્પ્લેઇન્ટ? ડોકટરના હાથનો સ્પર્શ, ડોકટરની સહાનુભૂત ભાષા, ડોકટરનું અર્ધ-સ્મિત અને દવારૂપે લેવાયેલી સફેદ ગોળી કે દ્વિરંગી કેપ્સ્યૂલ.. તબિયત સારી છે અથવા સુધરી રહી છે એમ જ ફીલ થાય!

વિશેષમાં, દરેક દર્દીને સવારે વધારે સ્વસ્થતા લાગે અને સાંજે મુલાકાતીઓ ગયા પછી અને ભોજન લઈ લીધા પછી, મનહૂસ એકલતાનો અહેસાસ થાય જ છે. પ્લેસીબો ઇફેક્ટ એક પ્રકારની માનસિકતા છે. ચાકનો ભૂકો પણ પાણી સાથે ગળી જવા માટે જો વિશેષજ્ઞ ડોક્ટર આપી દે તો પણ દર્દીને સારું થઈ ગયું હોય એવાં દ્રષ્ટાંતો મોજૂદ છે.

સંસ્કૃતની પ્રસિદ્ધ ઉકિત, મન: એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો: તદ્દન સાચી છે. મન એ જ કારણ છે, સુખનું અને દુ:ખનું અને એની અસર અદ્રશ્ય હોય છે.

આપણને ઘણી વાર સમજાતું નથી કે આપણે ઘણી વાર તદ્દન પરિચિત નામો અથવા શબ્દોને એકદમ ભૂલી જઇએ છીએ અને દિમાગમાં કામચલાઉ બ્લેકઆઉટ થઈ જાય છે. ગુજરાતીમાં એ માટે કહેવત છે : હૈયે છે, પણ હોઠે નથી. બીજી તરફ એવું પણ થાય છે કે યાદ કરવાની કોઇ જ કોશિશ કર્યા વિના તદ્દન અન્યમનસ્ક હોઇએ તો પણ બધું જ એક પછી એક, ક્રમબદ્ધ યાદ આવતું રહે છે.

આપણે રાષ્ટ્રગીત જનગણમન… ગાતા હોઇએ અથવા આંખો ખુલ્લી રાખીને નવકારમંત્ર બોલતા હોઇએ ત્યારે યાદ રાખીને બોલવું પડતું નથી, મગજમાં કંઇક એવી સૂક્ષ્મ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે કે બધું એક પછી એક, પર્ત પછી પર્ત ખૂલતી હોય એમ આવતું રહે છે. સિગમંડ ફ્રોયડે સાઇકો-એનેલિસિસના સંશોધન પહેલાં આ સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

માનસશાસ્ત્રી મનુષ્યના મનસ્તલ સુધી જવાનો પ્રયાસ કરે છે. રોશાર્શ પ્રયોગ નામની એક વિધિ હોય છે, જેમાં એક કાગળ પર શાહી ઢોળવામાં આવે છે, પછી એ કાગળને વાળીને ચારેક ભાગમાં કરવામાં આવે છે. પછી કાગળ ખોલાય છે અને દબાણને કારણે ફેલાયેલી શાહીના આકારને જોઇને પૂછવામાં આવે છે કે તમને શું દેખાય છે?

આ આકાર સિમેટ્રિકલ અથવા ડિઝાઇનદાર હોય છે. કોઇને એરોપ્લેનનો આકાર દેખાય છે, કોઇને અગ્નિની શિખા દેખાય છે, કોઇને હસતો વાંદરો દેખાય છે. દરેક વ્યકિતના પ્રતિભાવ ઉપરથી એની માનસિકતાનું અનુમાન કરવામાં આવે છે.
એક સ્ટોકહોમ સિન્ડ્રોમ હોય છે. અપહરણ કરનાર જે વ્યકિતનું અપહરણ કરે છે એ વ્યકિત કાલક્રમે પોતાનું અપહરણ કરનારના જ પ્રેમમાં પડી જાય છે અને આને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે.

અકબર ઇલાહાબાદીએ એક જૂની ગઝલમાં આ સિન્ડ્રોમ વધારે સાફ રીતે પ્રસ્તુત કર્યો છે : મેરે સૈયાદ કી તાલિમ કી હૈ ધૂન ગુલશનમેં / યહાં જો આજ ફંસતા હૈ વહ કલ સૈયાદ બનતા હૈ…! માનસશાસ્ત્ર પ્રાચીન સત્યો શોધવાનું અર્વાચીન વિજ્ઞાન છે…

કલોઝ અપ
કાક: કૃષ્ણ: પિક: કૃષ્ણ: કો ભેદ: કાકપિક્યો વસન્ત સમયે પ્રાપ્તે કાક: કાક: પિક: પિક:
- સુભાષિત
(અર્થ : કાગડો કાળો અને કોયલ પણ કાળી, કોઈ ભેદ નથી બંનેમાં. પણ વસંત આવે છે ત્યારે ખબર પડી જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે.)

- ચંદ્રકાંત બક્ષી

October 13, 2009

મંગળવાર, 1 માર્ચ, 2011