વરસાદી દિવસોની ભીનાશ છે પ્રેમ પાસે. વરસાદ આવે છે ત્યારે યાદ આવે છે પ્રેમ! અને પ્રેમમાં પડીએ છીએ ત્યારે બધા જ દિવસો વરસાદી બની જાય છે. ખાલી ફોટો ફ્રેમમાં લગાડવાનો બાકી રહી ગયેલો ફોટો હસવા માંડે છે. પાણી આપણી ગમતી વ્યક્તિ પીવે અને તરસ આપણી બુઝાય છે. વાત થયા વગર વાત થાય છે. વાત થયા પછી પણ વાતો અધુરી રહી જાય છે. અરીસો ગમતી ક્ષણોને આવકારતું બારણું બની જાય છે. ગમતો ચહેરો જોવા માટે આંખો બંધ નથી કરવી પડતી. બધામાં બધું જ ગમવા માંડે છે. જવાબદારીનું ભાન થવા માંડે છે. ઊંમર કરતા નાના થઇ જવાય છે. કવિતાઓ સાચી લાગવા માંડે છે. મિત્રોને મળતી વખતે એક જ વાતની ચર્ચા થવા માંડે છે. ફેસબુકની ઢગલાબંધ ફ્રેન્ડસ્ રીક્વેસ્ટમાં પોતાની ગમતી રીકવેસ્ટની રાહ જોવાય છે. પ્રેમ ઉંમર પ્રમાણે પોતાનું કામ કરે છે.
સપનામાં દેખાતી પરીઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. પિકચરની દરેક સ્ટોરીમાં પોતાની life દેખાય છે. પ્રેમનો સ્કેચ જીવનની આછી પાતળી આઉટલાઇન વડે આજીવન કંડારાઇ જાય છે એવું ચિત્ર બનાવે છે. આ ચિત્ર દરેકને પોતાની આંખોથી જુદું જુદું દેખાય છે. તમે બીજાને એના વિશે કહી શકો છો. તમારી કહેવાની વાતો રસપ્રદ બની શકે છે પરંતુ નખશિખ વર્ણન અધુરુ રહી જાય છે. S.M.S. ની બદલાયેલી ભાષા પ્રેમને આભારી છે. ચેટીંગની આંગળીઓ હથેળીઓના સ્પર્શનું અનુસંધાન બને છે. પ્રેમ નવી આબોહવાને સર્વપ્રથમ આવકારે છે.
પ્રેમને રૃટીન નથી ગમતું. એટલે જ એને વર્તમાનમાં રસ પડે છે. ચઢતા ક્રમમાં પ્રેમ ગોઠવાય છે ખરો પણ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હોય છે. પ્રેમને કરચલીઓ નથી નડતી! એને તો સુગંધનો છાંયડો ધબકારાના વનમાં ખિલવવો હોય છે. તમે પ્રેમમાં પડો છો પછી તમારું અસ્તીત્વ પ્રેમમય બને છે. કૃષ્ણને એટલે જ ભગવાન પછી પણ પ્રેમી તરીકે સ્વીકારી લેવાય છે. ચાંદની ગુલાબની પાંકડીઓ પર થાક ખાય છે ત્યારે ગમતો ચહેરો આકાશમાં ઊગે છે. એને કરમાઈ કે આથમી જવાનો ભય નથી લાગતો! પ્રેમ ગમે તેટલો વૃધ્ધ થાય આપણા સપનાનો ચહેરો ક્યારેય ઘરડો નહીં થવા દે! આંખોની ચમક આપણા પ્રેમને આભારી છે. ફરિયાદ નથી ગમતી પ્રેમને! એટલે જ સ્મૃતિને વાગોળે છે ત્યારે ખંડિત થયેલા સંબંધોને પણ ડંખ મારવાનું એને નથી ગમતું! પ્રેમ ખોટો હોઇ જ ના શકે. કેવળ પ્રેમને સાબિત કરવા મથતો સંબંધ એની ઉપર 'હાવી' થવા માંગતો હોય છે.
પ્રેમની પરિભાષા બદલાઇ ગઇ છે. 'ચીક' અને 'ડૂડ વાળી પેઢી સમજીને ઊતાવળ નથી કરતી! પ્રેમમાં તરત પડે છે! ગઇકાલ અને આવતીકાલના હિંચકાની વચ્ચે એનો પગ ઠેસ બને એ પહેલાં ઠોકર બને છે. એ પોતાને જાતને સંભાળતા આપોઆપ શિખે છે એટલે જ એને છોલાઇ જવાની મઝા આવે છે. એને પ્રેમ ઉપર ઓછો, મિત્રો ઉપર વધારે વિશ્વાસ મૂકવાનું મન થાય છે.
વિચારીને મૂલ્યાંકન કરીને ટાઇમ ટેબલ પ્રમાણે વર્તીને પ્રેમમાં નથી પડાતું. નવી પેઢીને આ વાતની ખબર છે એટલે 'મઝા' નામના શબ્દનો ઉપયોગ વારંવાર ખોટી રીતે થાય છે.
પ્રેમ કેવો છે? એનો જવાબ કેવી રીતે આપી શકાય? પ્રેમ ખુલ્લા આકાશ નીચે જીવતા બે અલગ અલગ શહેર જેવો છે. ફેસબુક પર બ્લોગ લખનારો દરેક જણ કવિ હોય છે તેમ જ પ્રેમમાં પડનારો દરેક જણ દુનિયા કરતા અલગ હોય છે! પ્રેમ ચશ્માના નંબરને નહીં આરપારની દ્રષ્ટિને જોવે છે. બધી જ દિશાઓ એક તરફી કરી આપે છે. ફોટાને ફ્રેમની જરૃર નથી પડતી. આપણે દુનિયાના 'ખાસ' વ્યક્તિ બની જઇએ છીએ. બીજા બધા જ કામમાં કંટાળો આવે છે. મળવાની મુલાકાતો પહેલાંનો અને પછીનો સમય SMS માં વિતે છે. મળતી વખતે બોલવા જેવું બધું જ બાજુ પર રહી જાય છે. વરસાદ મોસમનો એક ભાગ છે એવું નથી લાગતું! આપણી માલિકીનો બની જાય છે. અક્કડ રહેતો ચહેરો મરમાળું સ્મિત આપે છે. હોઠોને મૌન મળવા આવે છે. ચૂપકીદી ખુલાસાઓનો સામનો કરે છે. સાંજ ગમવા માંડે છે. સંગીતનું સરનામું શોધતા શોધતા કાન લટાર મારે છે અણસારાની આંગળી ઝાલીને... પ્રેમને હારવાનો શોખ હોય છે એટલે મૃત્યુને જીતાડે છે. મૃત્યુ સંબંધનું પણ હોઇ શકે છે. પ્રેમ હારીને મૃત્યુની અદબ જાળવે છે. મૃત્યુ જન્મદિવસથી લઇને અનંત સુધી સપનું ઓઢાડીને આપણને તેડીને ચાલી નીકળે છે... મૃત્યુ નિશ્ચિત છે માટે પ્રેમ શાશ્વત છે... ઈશ્વરની ગેરહાજરીમાં માણસ તરીકે જીવાડવાનું મોટું કામ કરે છે પ્રેમ... અનંતની ચરમસીમા નક્કી નથી કરી શકાતી. શિખર અને ખીણ પાસપાસે જ હોય છે...
ઓનબીટ
''દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે''
મરીઝ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો