શનિવાર, 20 ઑગસ્ટ, 2011

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો) ભાગ ૨


‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’
(ગતાંકથી)
હવે શ્રીઅરવંિદ માટે જેલ એ જેલ ન રહી. પણ એ જેલ તેમના માટે યોગાશ્રમ બની ગઈ. આ વિષે તેમણે લખ્યું છે; ‘મારા હૃદયમાં તીવ્ર ભાવના થયા કરતી હતી કે જગદાધાર પુરુષોત્તમને બંઘુભાવથી અથવા પ્રભુભાવથી પ્રાપ્ત કરું. પણ સંસારની હજારો વાસનાઓનું બળ, અનેક કામની જંજાળ, અને અજ્ઞાનરૂપી અંધકારને લીધે સફળતા મળી શકતી ન હતી. અંતે પરમકૃપાળુ મંગલમૂર્તિ ભગવાને એ સર્વ શત્રુઓનો એક સામટો જ અંત લાવીને મારો માર્ગ ખુલ્લો કરી દીધો. પ્રભુએ મને યોગાશ્રમ બતાવ્યો અને ગુરુ રૂપે, સખા રૂપે તે કંગાળ કોટડીમાં આવીને પ્રત્યક્ષ થયા. તે યોગાશ્રમ એટલે અંગ્રેજોની જેલ.’
હવે ભગવાને પણ અંગ્રેજોની એ જેલમાં આવીને ચમત્કાર સર્જ્યો. શ્રીઅરવંિદને પોતાના ઘરેથી કપડાં અને પુસ્તકો મંગાવવાની મંજૂરી મળી. એમને પીવાના પાણી માટેનું માટલું મળ્યું. પણ આ બઘું મળ્યું ત્યારે તો તેમણે પોતાની જાત સાથે ઘોર યુદ્ધ કરીને તરસને જીતી લીધી હતી, એકાંતને પણ જીતી લીઘું હતું. જેલના ડૉક્ટર ડાલી અને સુપ્રીન્ટેન્ડન એમર્સનને પણ વગર ગુનાએ જેલનાં આકરાં કષ્ટોને ચૂપચાપ સહન કરતા અને એકાંત ઘ્યાનમાં મગ્ન રહેતા શ્રી અરવંિદ પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેઓ દરરોજ શ્રીઅરવંિદ પાસે આવતા અને વાતો કરતા. ડૉક્ટર ડાલીએ શ્રીઅરવંિદને કોટડીની બહાર ખુલ્લા ચોગાનમાં ફરવાની પરવાનગી મેળવી આપી. તેથી પછી તેઓ અર્ધા કલાકથી બે કલાક સુધી ખુલ્લામાં ફરવા લાગ્યા. ઘરેથી મંગાવેલા બે પુસ્તકો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા અને ઉપનિષદ આવી જતાં તેમનો પણ ગહન અભ્યાસ તેઓ કરવા લાગ્યા. તેઓ જ્યારે ખુલ્લામાં ચાલતા ત્યારે ગીતા અને ઉપનિષદોના મંત્રોનું સતત રટણ કરતા રહેતા. માત્ર રટણ જ નહીં, પણ એ મંત્રોના સત્યનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. અને પછી તો એમને સર્વત્ર પરમાત્માના જ દર્શન થવા લાગ્યા.
ઉત્તરપાડામાં આપેલા વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જોયું કે મારી ચોતરફ ઊભેલી જેલની ઊંચી ઊંચી દિવાલો એ કંઈ દિવાલો ન હતી. એ તો વાસુદેવ પોતે મને ઘેરીને ઊભા હતા. ચોકમાં હું જે વૃક્ષ નીચે ચાલતો હતો, તે કંઈ વૃક્ષ નહોતું, મેં જોયું કે આ વૃક્ષ વાસુદેવ પોતે જ છે અને મારા ઉપર છાયા ઢાળી રહ્યા છે. મેં કોટડીના સળિયા અને બારણાની જાળી તરફ નજર નાંખી અને ત્યાં પણ મેં વાસુદેવને જોયા. નારાયણ પોતે જ મારી રક્ષા કરતા, મારા ઉપર પહેરો ભરતા ત્યાં ઊભા હતા. હવે મને સૂવા માટે આપેલા ખરબચડા ધાબળા ઉપર હું સૂતો ત્યારેપણ હું અનુભવવા લાગ્યો કે શ્રીકૃષ્ણના બાહુઓ, મારા સુહૃદ અને પ્રિયતમના બાહુઓ મને વીંટળાઈ વળ્યા છે. પ્રભુએ મને જે ગહન દ્રષ્ટિ આપી તેનો પહેલો ઉપયોગ આ જોવાનો હતો. હું જેલના કેદીઓને, ચોરોને, ખૂનીઓને, ઉઠાઉગીરોને જોવા લાગ્યો અને મને ત્યાં સર્વત્ર વાસુદેવ દેખાવા લાગ્યા.’ હવે શ્રીઅરવંિદનું સમગ્ર જગત બદલાઈ ગયું. હવે તેમને માટે જેલ એ જેલ ન રહી. એકાંત સજા પ્રભુની સમીપ લાવનાર બની રહી. તેમને ખાતરી થઈ ગઈ કે ભગવાન એમને સાક્ષાત્કાર કરાવવા માટે જ જેલમાં લઈ આવ્યા છે.
હવે ભગવાને એમની સમક્ષ જેલજીવનના એકાંતનું રહસ્ય ખોલ્યું કે, ‘જે બંધનો તોડવાનું બળ તારામાં નહોતું, તે બંધનો તારે ખાતર અને તારે બદલે મેં તોડી આપ્યાં છે. મારી એવી ઇચ્છા નહોતી અને આશય પણ નહોતો કે તું એ બંધનમાં પડ્યો રહે. મારે તારી પાસે એક બીજું કાર્ય કરાવવાનું છે, એ માટે હું તને અહીં લાવ્યો છું. એ કાર્ય તું જાતે શીખી શકે તેમ નથી, એ હું તને શીખવીશ. મારે મારા કાર્ય માટે તને તૈયાર કરવાનો છે.’ આમ પ્રભુએ પોતે જ શ્રીઅરવંિદ સમક્ષ એમની ધરપકડ પાછળના કારણને પ્રગટ કર્યું. બધી જ બાહ્ય જંજાળોથી મુક્ત, જનસમાજથી અલિપ્ત અને બીજી કોઈપણ પ્રવૃત્તિ ન હોય એવી સંપૂર્ણ નિવૃત્તિની સ્થિતિમાં ભગવાનને શ્રી અરવંિદ જેલની એકાંત કોટડી સિવાય બીજે ક્યાં મળવાના હતા ? એ એકાંત કોટડીમાં ભગવાન હવે શ્રીઅરવંિદ સમક્ષ હંિદુ ધર્મના ગહન રહસ્યો દિનપ્રતિદિન પ્રગટ કરવા લાગ્યા. આ વિષે પણ તેમણે ઉત્તરપાડાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, ‘હવે દરરોજ મારા ચિત્તમાં, મારા હૃદયમાં, મારા દેહમાં હંિદુધર્મના સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને એ સત્યો મારા માટે જીવતા જાગતા અનુભવો બની રહ્યા. મારી સામે એવી વસ્તુઓ પ્રગટ થઇ જેના ખુલાસા ભૌતિક વિદ્યા આપી શકે નહીં.’’
શ્રીઅરવંિદ ગહન સાધનામાં ડૂબી ગયા. કોર્ટમાં મુકદમો ચાલી રહ્યો હોય, ત્યારે પણ તેઓ ઘ્યાનમાં જ ડૂબેલા રહેતા. બ્રિટિશ સરકારે તેમની વિરૂઘ્ધ ચારસો જેટલા પુરાવાઓ અને બસ્સો છ જેટલા ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હતા. શ્રીઅરવંિદનો બચાવ કરવા માટે કોઇ બાહોશ વકીલ ન હોવાથી કેસનો ચુકાદો તેમની વિરૂઘ્ધમાં જાય તેવી પૂરી શક્યતા હતી. પણ તેમના બચાવ માટે દેશબંઘુ ચિત્તરંજનદાસ આવી પહોંચ્યા. તેમણે પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રાત-દિવસ એક કરીને શ્રીઅરવંિદના કેસના કાગળિયાં તૈયાર કર્યા. શ્રીઅરવંિદને થયું કે તેઓ તેમને માહિતી આપી વાકેફ કરે તો દેશબંઘુને સરળતા રહેશે. આથી તેઓ મુદ્દાઓ લખાવવા બેઠા, ત્યારે ફરી ભગવાને એમના અંતરમાં કહ્યું ઃ ‘‘આ બધાં કાગળિયાં બાજુએ મૂકી દે. તારા વકીલને સલાહ આપવાનું કામ તારું નથી. એ હું કરીશ. આ માણસ તારી આસપાસ બિછાવાયેલી જાળમાંથી તને મુક્ત કરશે. નિર્ભય રહેજે. જે કાર્ય માટે હું તને જેલમાં લાવ્યો છું. એના તરફ જ ઘ્યાન આપ.’’ એ પછી શ્રી અરવંિદે કેસ અંગે વિચાર પણ કર્યો નહીં. અને ગહન સાધનામાં ડૂબી ગયા. એકાંત કોટડીમાં હોય કે ચોકમાં ટહેલતા હોય કે કોર્ટના કોલાહલોની વચ્ચે હોય કે પછી શક્તિથી ઉછળતા ક્રાન્તિકારી યુવાન કેદીઓની વચ્ચે હોય, પણ તેમના ઘ્યાન અને સાધના અવિરત ચાલતાં રહ્યાં.
ઘ્યાનમાં એમને અનેક સૂક્ષ્મદર્શનો થવા લાગ્યાં. ઘ્યાનમાં એમને પંદર દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો અવાજ માર્ગદર્શન આપતો રહ્યો. સ્વામી વિવેકાનંદે એમને બુઘ્ધિજન્ય વિચાર અને પ્રજ્ઞા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. જેલમાં તેમણે અગિયાર દિવસના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસથી તેમની શક્તિમાં ઘટાડો થયો ન હતો, પણ દસ પાઉન્ડ વજન ઘટી ગયુ હતું. બીજીવાર તેમણે પોંડિચેરીમાં ત્રેવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસના આ અનુભવો દ્વારા એમણે જાણી લીઘું હતું કે આઘ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસની ઉપયોગીતા ઘણી જ મર્યાદિત છે. જેલના નોકરે તેમને કોટડીમાં જમીનથી અઘ્ધર રહેલા જોયા હતા અને તેણે બધાંને વાત કરી હતી. તેથી દેશભરમાં એ વાત પ્રસરી ગઇ હતી કે ‘અરવંિદબાબુ જમીનથી અઘ્ધર રહે છે.’ પાછળથી આ વિષે પ્રશ્ન પૂછાતાં શ્રી અરવંિદે પોતે જ જણાવ્યું હતું કે, ‘‘તે વખતે મારી સાધના ખૂબ સઘનપણે પ્રાણની ભૂમિકા પર ચાલતી હતી. હું ઘ્યાનમાં બેઠો હતો. મને પ્રશ્ન થયો કે ઉત્થાપન જેવી શારીરિક સિદ્ધિઓ શક્ય છે ખરી? થોડીવારમાં મેં મારું શરીર એવી રીતે ઊંચકાયેલું જોયું કે હું મારા પોતાના સ્નાયુઓના પ્રયત્નથી એ પ્રમાણે ઊંચકી શકું નહીં. શરીરનો એક ભાગ (ધૂંટણ) જમીનને જરાક અડકેલો હતો અને બાકીનું શરીર ભીંતની સામે ઊંચકાયેલું હતું. જેલમાં એવા અસાધારણ અનુભવો મને થયા હતા.’’
શ્રીઅરવંિદને જેલમાં માનવમન અને પ્રાણમાં ઊઠતા શંકા, વિરોધ અને ઈન્કારના સઘળા પરિબળો ઉપર વિજય મેળવવો પડ્યો. તે માટે તેમને ઘણા પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર પણ થવું પડ્યું. જ્યારે તેમણે પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપી દીધી ત્યારે પ્રભુએ એમને માનવમનની સાંકડી સીમાઓમાંથી ઉપર ઉઠાવીને વૈશ્વિક ચેતનામાં તદ્રુપ કરી દીધા ને પોતાના ભાવિ કાર્ય માટે સજ્જ કરી દીધા. શ્રીઅરવંિદને જેલમાં લાવવાનો ભગવાનનો હેતુ પૂર્ણ થયો અને પછી તેમના કેસમાં બઘું જ આશ્ચર્યકારક રીતે બદલાવા લાગ્યું. ચિત્તરંજનદાસને ક્યાંય ક્યાંયથી એવી એવી માહિતીઓ મળવા લાગી કે જે શ્રીઅરવંિદની તરફેણમાં હોય. તેમનો કેસ નીચલી સેશન્સ કોર્ટમાંથી ઉપલી સેશન્સ કોર્ટમાં ગયો. અને ત્યાં ન્યાયાધીશ બ્રીચ ક્રોફ્‌ટ હતા, જેઓ કેમ્બ્રિજમાં શ્રીઅરવંિદના સહાઘ્યાયી હતા અને શ્રીઅરવંિદની બુઘ્ધિ પ્રતિભાને સારી રીતે ઓળખતા હતા. શ્રી અરવંિદનો કેસ ચાલ્યો. ચિત્તરંજનદાસ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા કેમકે તેમના મુખમાં એક પછી એક એવા શબ્દો આવતા હતા કે જેમનો તેમણે ક્યારેય વિચાર સુઘ્ધાં કર્યો ન હતો. તેઓએ ભરચક કોર્ટમાં રણકતા અવાજે, હૃદયંગમ વાણીમાં શ્રી અરવંિદ વિષે જે વાણી ઉચ્ચારેલી તેમાં શ્રીઅરવંિદના વિરાટ વ્યક્તિત્વનું સ્પષ્ટ ચિત્ર પ્રગટી રહ્યું હતું. તેમણે કહ્યું, ‘‘આથી મારે આપની સમક્ષ એ કહેવાનું છે, કે એમના જેવો પુરુષ, જેમના ઉપર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે કેવળ આ અદાલતની સમક્ષ જ નહીં, પરંતુ માનવ ઈતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. જ્યારે આ વાદવિવાદના પડઘા શમી ગયા હશે, આ ઉત્પાત અને આંદોલનો પૂરાં થઇ ગયાં હશે, તેઓ સ્વયં પણ મૃત્યુ પામીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હશે, ત્યાર પછી પણ ઘણા લાંબા સમય બાદ એમને દેશપ્રેમના કવિ તરીકે, રાષ્ટ્રવાદના પયગંબર તરીકે, અને માનવતાના ચાહક તરીકે બિરદાવવામાં આવશે. તેઓ જ્યારે આપણી વચ્ચે નહીં હોય, ત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ દૂરસુદૂરના સાગરપારના પ્રદેશોમાં પણ એમની વાણીના પડઘા પડતા હશે અને તે ફરી ફરીને સંભળાતી હશે.’’ ખીચોખીચ ભરેલી કોર્ટમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી શાંતિમાં જ્યારે આ વાણી વિરમી ગઇ ત્યારે કોર્ટમાં એક સન્નાટો છવાઇ ગયો. ન્યાયાધીશ બ્રીચક્રોફટ પણ સ્તબ્ધ બની ગયા. આ કેસમાં શ્રીઅરવંિદની વિરૂઘ્ધમાં હતું, તે બઘું તરફેણમાં પલ્ટાઇ ગયું. ન્યાયાધીશે એમના ઐતિહાસિક ચુકાદામાં શ્રીઅરવંિદને નિર્દોષ જાહેર કર્યા. ૫મી મે ૧૯૦૮ના રોજ જેલમાં ગયેલા શ્રીઅરવંિદ ૬ઠ્ઠી મે ૧૯૦૯ના રોજ પૂરા એક વરસ બાદ જેલમાંથી બહાર નીકળ્યા. જેલમાં ગયેલા શ્રી અરવંિદ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા હતા, પણ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગીપુરુષ બની ગયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, હંિદુધર્મના રહસ્યોના જ્ઞાતા, પ્રભુના ભાવિ કાર્યની તાલીમ પામેલા એ યોગીપુરુષની આંતરચેતના સમગ્રપણે બદલાઇ ગઇ હતી. એક વરસના જેલજીવનની ફલશ્રુતિની વાત કરતાં તેમણે પોતે જ કહ્યું હતું; ‘‘બ્રિટિશ સરકારની કોપદ્રષ્ટિનું ફળ એ આવ્યું કે મને ભગવાન મળ્યા.’’

- જ્યોતિબેન થાનકી
ગુજરાત સમાચાર તા.૧૪/૦૮/૨૦૧૧ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો