મંગળવાર, 1 નવેમ્બર, 2011

આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઇ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઇ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ગિફ્ટમાં મળે છે પાછા ઢ્રોણ !
ઊધઇની સામે કાંઇ લાકડાની તલવારે લડવાની હોઇ ના લડાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


રેશનની લાઇનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દીવાસળી , ને ચાંપો.
ઇ બહાને તો ઇ બહાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!


- કૃષ્ણ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો