બુધવાર, 3 એપ્રિલ, 2013

પ્રેમ સુખની સેજ નહીં, દુ:ખના ડુંગર ખડકે છે


- સાયન્સ ઓફ લવનાં બે પુસ્તકોઃ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે

મહાન ફિલસૂફ પ્લેટો પ્રેમને સિરિયસ મેન્ટલ ડિસીઝ કહેતા. એરિસ્ટોટલ પ્રેમને ઊંચું રૂપ આપી કહેતા કે બે શરીરમાં એક આત્મા હોય તે પ્રેમ, પણ કોઈ લેખક તે ગુજરાતી હોય તે 'પ્રેમ’ શબ્દ વાંચે ત્યાં તેના હોર્મોન લેવલ ઊંચાં ચઢે છે. પ્રેમ વિશે સતત લખાતું જ આવ્યું છે અને હજી લખાતું જ રહેશે. ફેબ્રુઆરી-૨૦૧૩માં જ અમેરિકાના એક પ્રકાશકે 'લવ’ ઉપર ૨૦ પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. હોલિવૂડની ફિલ્મ સ્ટાર ટીના ટર્નરે પ્રેમને 'સેકન્ડ હેન્ડ ઈમોશન’ કહીને તેનું અવમૂલ્યન કરેલું. સંજયલીલા ભણસાળી અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે અનુક્રમે પ્રેમની ફિલ્મોમાંથી અઢળક કમાણી કરેલી, બીજાએ નામના (ભણસાળી) કાઢેલી.

દા.ત દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ, સરસ્વતીચંદ્ર નામની નવલકથા ટી.વી. ઉપર લાં...બા સમય સુધી દેખાવાની છે ત્યારે લેખકોને મસાલો મળી રહે તેવું એક પુસ્તક હાલમાં જ પ્રગટ થયું છે. તેનું નામ છે. ''સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ’’ લેખક બ્રિટિશર છે. તેમણે યુરોપ-અમેરિકાના સંસ્કાર પ્રમાણે પ્રેમની સાથે વિજ્ઞાનને જોડીને થોડોક સ્વાદ બગાડયો છે. ઉપરાંત તેણે પ્રેમમાં બિટ્રેયલ એટલે કે બેવફાઈ, વિશ્વાસઘાત, કપટ દ્રોહ કે ધોખા જેવા શબ્દને જોડયો છે તે પણ પ‌શ્ચિ‌મનો વિરોધભાસી શબ્દ છે. સૌપ્રથમ તો પ્રેમ થયો એટલે ભારતમાં એ જનમો જનમનો પ્રેમ ગણાય છે. તેમાં બિટ્રેયલ આવતું જ નથી. તમને પ્રેમ કરનારી યુવતી કે યુવક પરણવાને બદલે ભારતીય સંસ્કાર અને રૂઢિ પ્રમાણે બીજે પરણે તો તેમાં બિટ્રેયલ શબ્દ તદન ફાલતું અને ભૌતિક તેમજ ભારતીય સંસ્કારોની વિરુદ્ધ છે. પ્રેમ એટલે પ્રેમ અને તે અમર હોય છે.

છતાં ૨૧મી સદી આવી છે. રોબીન ડનબાર જેવા માનવવિકાસના ઈતિહાસના અભ્યાસી અને નૃવંશશાસ્ત્રી (એનથ્રો પોલોજિસ્ટ) અને માનવ વિજ્ઞાની પ્રેમના વિજ્ઞાન વિશે લખે તો તેણે ઊંડો અભ્યાસ કરીને દેશે દેશમાં ફરીને પ્રેમનાં પરિમાણો જોયાં હશે જ એટલે તેના પુસ્તકમાં શું નવીન અને જાણવા યોગ્ય લખ્યું છે તે જાણવું જ જોઈએ. તેની પાકટ એટલે કે ૬૬ વર્ષની વયે તે પ્રેમની વાત કરી છે તો તે જવાબદાર હશે જ. અત્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિ‌ટીમાં પ્રોફેસર ઓફ ઈવોલ્યુશનરી સાયકોલોજીનો હોદ્દો ધરાવે છે. વિજ્ઞાનનું ઘરઘરણું પ્રેમ સાથે કરીને આ પ‌શ્ચિ‌મી પંતુજી બેસી રહ્યાં નથી.

રોબીન ડનબારે મનોવિજ્ઞાનીઓ પાસે યુવક-યુવતીનાં માનસ તપાસરાવીને તેમનામાં પ્રેમ કરવાની કેટલી ક્ષમતા છે, પ્રેમમા વફાદાર રહેવાની કેટલી તમન્ના છે. વગેરે વગેરે આંક (ઈન્ડેક્સ) કાઢીને એક આંકડો નક્કી કર્યો છે. જુદાં જુદાં પ્રમાણો-ધોરણોના આંકડા મૂકી બંને પ્રેમીઓ ૧પ૦ના આંકે પહોંચે તો બંને પરફેક્ટ પાર્ટનર બનશે તેવું નક્કી થાય છે
જો એમ આંકડા મૂકવા જાઓ કે ઝાઝી પંચાત કરવા જઈએ તો પ્રેમ થાય જ નહીં તેવું ઓશો રજનીશ પણ કહી ગયા છે.
રોબીન ડરબારની વાતને તડકે મૂકીને આપણા ગુજરાતીઓને જ્યાં આકર્ષણ થાય ત્યાં મારી સલાહ છે કે પ્રેમમાં ખાબકવું.

વફાદારી, લગ્નમાં બંધાવાની તલબ વગેરેને ઈશ્વર ભરોસે મૂકી પ્રેમ કરતાં રહેવું. પ્રેમને એક ધર્મ માનવો. એ ધર્મ ઓશો રજનીશની થિયરી પ્રમાણે એક બે કે ત્રણ વ્યકિતને પ્રેમ કરવાથી લાંછિત થતો નથી. આ આપણા ગુજરાતીઓની મારી-તમારી વાત થઈ. રોબીન ડનબાર શું કહે છે? રોબીન ડનબાર તો રજનીશને આંટી જાય તેવી વાત પણ કરે છે. આજે ફેસબુક, ઈન્ટરનેટ અને બીજી સોશિયલ બેવસાઈટને કારણે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારે ડઝનબંધ સંબંધો બંધાય છે. તેમાં અડધોડઝન તો ''પ્રેમથી’’ બંધાય છે.

''ધ સાયન્સ ઓફ લવ એન્ડ બિટ્રેયલ વિશે હું લખત નહીં પણ લંડનના આર્થિ‌ક સાપ્તાહિ‌ક ''ધ ઈકોનોમિસ્ટ’’ અને લંડનના '' ધ ટાઈમ્સ લીટરરી સીલીમેન્ટ’’ જેમાં માત્ર સહિ‌ત્યને લગ કે મનોવિજ્ઞાનને લગતાં ગંભીર પુસ્તકોના જ રિવ્યુ આવે છે. તેમાં સાયન્સ ઓફ લવ...ના રિવ્યુ છપાયો એટલે મારે લખ્યા વગર છૂટકો નથી. પ્રેમમાં પડવામાં જોખમ છે અને જોખમ ઉઠાવવું તે માનવનો સ્વભાવ છે એટલે જો તમે પ્રેમમાં પડો પછી વછૂટી જાઓ તો તેમાં કોઈ બિટ્રેયલ આવતું નથી. આ પુસ્તકની હારોહાર એક બીજું પુસ્તક પણ ફ્રેન્ચ ફિલોસોફર અલેન બાદુએ પણ પ્રગટ કર્યું તે અફલાતૂન છે. પુસ્તકનું નામ છે ''ઈન પ્રેઈઝ ઓફ લવ’’ એમણે કદાચ કોઈ બંગાળી છોકરી સાથે પ્રેમ કર્યો હશે તે પ્રેમનું બહુમાન કરે છે અને મને તમને ચગાવે છે કે ''પ્રેમ કરતા રહો... બાકીનું કીરતાર સંભાળી લેશે.’’ તેમણે સુંદર વાક્ય લખ્યું છે. રિસ્ક ઈઝ સેન્ટ્રલ ટુ લવ’’ પ્રેમનો સ્વભાવ છે કે તે તમને જોખમ ઉઠાવવા ફરજ પાડે.

ફ્રેન્ચ ફિલોસોફર ખૂબ વાસ્તવવાદી છે. તમને 'કાદમ્બરી’ સાથે પ્રેમ થયો? 'કાદમ્બરી’ ર૧મી સદીની રોમેન્ટિક યુવતી છે. તે સ્કૂલમાં જ પ્રેમ કરતી થઈ છે, પછી કોલેજમાં વધુ રોમેન્ટિક થઈ છે. પછી ગૂગલ, ફેસબુક વગેરે વગેરેમાં તે મલ્ટિપલ સંબંધોમાં આવે છે. એટલે જો તમારે ૨૧મી સદીના પ્રેમી થવું હોય તો તમારા પ્રેમી કે પ્રેયસીના મલ્ટિપલ સંબંધોને પચાવ્યા વગર છૂટકો નથી. ડો. અલને બાદુ એક સરસ શબ્દ વાપરે છે તમારા બંનેનો શેર્ડ-પરસ્પેક્ટિવ હોવા જોઈએ. જો તમે તમારા પ્રેમીપાત્રના જીવનના પરસ્પેક્ટિવ ને સમજી લો તો વફાઈ કે બેવફાઈ શબ્દ જ રહેતો નથી. પરસ્પેક્ટિવ એટલે જીવનસંદર્ભ તમારા બંનેની વિચારશ્રેણી તમારો દૃષ્ટિકોણ તમે આ સમજી લો તો ભલે તમારી પ્રેમિકા બીજે પરણી જાય. ભલે પ્રેમી બીજી બીજી યુવતીને પ્રેમ કરે પણ તમારાથી તે અલગ થવાના નથી. (મનથી-લાગણીથી વિચારશ્રેણીથી) તેનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. સાચું?

ડો. અલેન બાદુ કહે છે કે જે પ્રેમમાં પડીને ઘવાઈ જવા તૈયાર નથી તે પ્રેમ માટે લાયક નથી... તે પ્રેમને નામે કાઠિયાવાડી ભાષામાં ''હાલી મળેલો’’ છે. ટૂંકમાં પ્રેમમાં પડો એટલે તમામ જોખમો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમિકાનો બાપ કે ભાઈ ગુંડા પાસે માર ખવરાવે તો તે માટે તૈયાર રહો... અહીં ડો. અલેન બાદુની પ્રેમની વાત પૂરી થાય છે. આપણે જેને ખંધોલે ચઢી પ્રેમની આ કથા માંડી તે ''સાયન્સ ઓફ લવ’’ની વાતને હવે સંક્ષેપમાં સારરૂપે પૂરી કરીએ.

… લખી લો કે આજે પરફેકટર - જીવનસાથી એ માત્ર ભ્રમણા છે. ખાસ કરીને આજના ગ્લોબ-લાઈઝેશનના યુગમાં. આપણે આજે આઈડિયલ-દુનિયામાં જીવતા નથી. એ આદર્શવાદનો જમાનો ગયો આપણે માર્કેટની દુનિયામાં આવી પુગ્યા છીએ … લેખક રોબીન ડનબાર કહે છે કે તમારી પસંદગીનાં ધોરણ જ વિરોધાભાસી છે. તમને સ્વરૂપવાન પત્ની જોઈએ અને તે ગુણિયલ પણ જોઈએ. ઘર સંભાળે અને કવચિત કમાય તેવી પણ પત્ની જોઈએ. શકય છે? બોલો. ઈન્ટરનેટ-ડેટિંગ ભારતનાં શહેરોમાં વધ્યું છે તે સાથે પ્રેમ ભંગતા વધી છે. તમારી બી લવેડ ટેઈલર મેઈડ મળે તે માત્ર અને માત્ર નસીબ ઉપર છે.

ગાડાનાં ગાડાં ભરાય તેટલું લખી શકાય પણ જુવાનીમાં કે પ્રેમલગ્ન કર્યાં પછી પણ આજે નવા પ્રેમમાં પડી શકો છો. વિજ્ઞાની કહે છે કે લવ ઈઝ મેની થિંગ સ્પ્લેન્ડર્ડ એન્ડ બ્લડ થસ્ર્ટી થિંગ એક બાજુ પ્રેમમાં પડવું તે ગૌરવવાળી વાત છે. વિશાળ હૃદયની દ્યોતક છે. જીવન ઉજ્જવળ થવાની વાત છે. પણ પણ સાથે તે લોહી ચૂસનારી વસ્તુય છે.

કાંતિ ભટ્ટ -  દિવ્ય ભાસ્કર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો