રવિવાર, 27 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી? ભાગ - ૨

યાદી ભરી ત્યાં આપની....લેખાંકઃ૨
રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને પણ પદ્યથી નવરાવેલું છે !
એમના પ્રકૃતિ વર્ણનો એટલે કોઈ ચિત્રકારે પીંછીથી દોરેલું ચિત્ર !
ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, જન્મશંકર બુચ ‘‘લલિત’’ જેવા ગુજરાતી સાહિત્યના કલગીરૂપ મુગટો લાઠીમાં કલાપીના મહેમાન તરીકે મહિને બે મહિને જઈને રહેતા
કલાપીના જીવનના ૧૮૯૪ થી ૧૮૯૮ સુધીના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષના હતા અને વ્યથાના દરિયામાં વીતેલા


network.gif ગુજરાતની પ્રજાએ જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી કવિઓને વહાલા ગણીને કંઠે કર્યા છે એમાં નર્મદ, કલાપી અને મેઘાણી મુખ્ય છે. એ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મી તારીખે આવે છે. (જન્મ ૨૬-૧-૧૮૭૪ અને અવસાન ૧૦-૬-૧૯૦૦)એ નિમિત્તે લખાયેલા ત્રણ લેખોમાંનો આ બીજો લેખ છે.

કલાપીએ ગદ્યસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપ્યું છે. કવિત્વમય પ્રકૃતિવર્ણનો, ચિંતન અને સરળ ગદ્યપ્રવાહવાળો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય અને ધાર્મિક દંતકથાઓના આધારે તેમણે લખેલા ચાર સંવાદનો જેમાં જેસલતોરલ, જાલોધંરનાથ, મેનાવતી, ગોપીચંદ વગેરે પાત્રરૂપે આવે છે તે આજે પણ વાંચવા ગમે તેવા છે. ‘નારીહૃદય’ સહિતની તેમની બે અનુવાદિત નવલકથાઓ છે.

‘સ્વીડનબોર્ગના ધર્મવિચારો’ તે તેમનો ચિંતનગ્રંથ છે. આ બધામાં શિરમોરરૂપ તેમના આઠસો જેટલા પત્રો છે જે ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. તેમને પત્રરૂપે લખવાનું એટલું બઘું ગમતું કે સંવાદો સિવાયના તેમના કેટલાક ગદ્યગ્રંથો પત્રરૂપે લખાયા છે. પત્રોમાં તેઓ સાહિત્ય કે અન્ય વિષયની ચર્ચાઓ ધારદારરૂપે કરે છે અથવા પ્રકૃતિનાં દ્રશ્યો ચિત્રકારની પીંછીની જેવી સુરેખતાથી આલેખે છે. અંગત પત્રોમાં તેઓ હળવા વિનોદો કરે છે, લાગણીઓ વહાવે છે અને ક્યારેક તો એક બે લીટીમાં ગદ્યાત્મક ઊર્મિકાવ્ય રચી દે છે.

જેમકે ઃ ‘વ્હાલા ભાઈ, વર્ષાદ થયો - હવે આપ પણ વર્ષો - પધારો. આપનો સુરસિંહ.’ વળી લખે છે ઃ ‘‘આજે કલમ આનંદમાં ઊછળે છે. ઓહોહો ! હવે તો અમારા સદુભા ખચારીિ થયા. વધામણી તો મ્હેં આપી છે. શું આપશો ? હું માગું તે-તેમાં ‘હા’ ના ચાલે નહિ. શું માગીશ ? બસ. રજામાં અહીં આવો. બીજું કાંઈ જ નહિ એ જ હાલ તો. (સદુભા એટલે સહાઘ્યાયી, મિત્ર, અને સંબંધી એવા મહાન ક્રાંતિકાર એટલે લિંબડીના રાજવી સરદારસિંહજી રાણા).


બ્રિટિશ વહીવટના શિરસ્તા પ્રમાણે સુરસિંહજીને એકવીસ વર્ષની વયે રાજ્ય સોંપાયું (૨૧-૧-૧૮૯૫). નાના રાજ્ય લાઠીનાં ગામ ૧૨ પણ તે ઉપરાંતનાં ઘોઘા તાલુકામાં અત્યારે છે તે વાળુકડ, ભીકડા, લાખણકા વગેરે ગામોની જાગીર પણ હતી જે રાજ્ય કરતાં ય વઘુ આવક આપતી. કલાપીએ રાજ્યવહીવટ પણ સક્ષમતાથી અને પ્રજાવત્સલતાથી કર્યો. પોતાના આદર્શ ચિંતનશીલ રાજવીની છબી કલાપીના ‘ગ્રામ્યમાતા’’’ કાવ્યમાં જોઈ શકાશે. વહીવટ માટે ઉપયોગી કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ લાઠીના ન્યાયાધીશ કેશવરામ ફકીરભાઈ પાસે કરતા અને બધા વિભાગોની મુલાકાત લઈ રાજકામ અને ન્યાયમાં ઘણા બધા સુધારા કરેલા. ઓફિસોમાં ઓચિંતા પહોંચી જાય, દવાખાનાં, નિશાળો અને છેક ખેતરોમાં પટેલો પાસે પહોંચી જઈ સૌનાં દુઃખો, અગવડો, અપેક્ષાઓની વાતો સાંભળતા, સૌને સંતોષવા પ્રયાસો કરતાં.


કલાપીના મિત્રો અને સાહિત્યકારોનો દરબાર ઘણો વિશાળ હતો. ‘જટિલ’ ઉપરાંત રૂપશંકર ઓઝા ‘સંચિત’ મિત્ર હતા અને નાયબ કારભારી તરીકે સેવા આપતા. મિત્ર કવિ ત્રિભુુવન પ્રેમશંકર મસ્તકવિ તરીકે ઓળખાતા અને કલાપી સાથે રહેતા. જનમશંકર બુચ ‘લિલત’ પણ લાઠીમાં લાંબો સમય નિવાસ કરતાં. મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને મહિનો બે મહિના લાઠી રાજ્યના મહેમાન તરીકે નિમંત્રતા. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનાં કેટલાંક પ્રકરણો લાઠીમાં લખેલાં. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંતે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે મોટા ભાગના સંબંધીઓ-મિત્રો મોઢું ફેરવી ગયા હતા.

અત્યંત કોમળ હૃદયના લાગણીશીલ કાંત વિષાદમાં હતાં. ત્યારે માત્ર કલાપી તેમની સાથે ઊભા રહ્યા હતા. તાર કરી કાન્તને લાઠી બોલાવી લીધા અને મહિનો રોકયા હતા. મસ્તકવિ કોઈ કારણે નારાજ થઈ લાઠી છોડી ગયા ્યારે મહારાજા ભાવસિંહજીને ભાવનગર કાગળ લખી કવિ માટે ભલામણ કરી હતી જે માન્ય કરી ભાવસિંહજીએ અંત સુધી મસ્તકવિને સેવામાં રાખીને તથા અન્ય ઘણી રીતે સાચવ્યા હતા. હડાળા દરબાર વાજસુરવાળા, બાવાવાળા સરદારસિંહ વગેરે તો કલાપીના અભ્યાસ સમયના સહાઘ્યાયીઓ અને અંતરંગ મિત્રો હતાં.


આ બધાને મળવાનું ન થાય ત્યારે વિગતે પત્રવ્યવહાર ચાલતો અને પોતાનાં કાવ્યોની નકલો સૌને મોકલાતી. અભિપ્રાયો મળતાં કાવ્યોમાં ફેરફાર પણ થતા. મળતી વિગતો પ્રમાણે જટિલે ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય માટે માળખું રચી આપ્યું હતું અને મસ્તકવિએ વઘુ મદદ કરી હતી. રૂપશંકર ઓઝા ‘સંચિતે’ ઘણાં કાવ્યોમાં સુધારાવધારા કરી આપેલા . ડૉ. રમેશભાઈ શુકલે ‘કલાપી અને સંચિત’ નામનો મહાનિબંધ લખી આપી ઘણી વિગતો રજૂ કરી છે. જેમાં તેઓ સંચિત તરફ વઘુ ઢળ્યા હોવાનું પણ કહેવાયું છે. જો કે કલાપી વઘુ જીવ્યા હોત તો સૌમિત્રોનો ઋણસ્વીકાર ખુલ્લા દિલથી કરત. મિત્રો કાવ્યરચનાઓ મઠારી આપે, ઉમેરા કરી આપે તે બિના સાહિત્યજગતમાં નવી નથી.

પરંતુ એ બધી વિગતોને ઘ્યાનમાં લેતાં પણ કલાપીની પ્રતિભા મૂઠી ઊંચેરી હતી તે સૌ સ્વીકારશે. જે સક્ષમ હોય તેની ઉપર જ વઘુ પ્રહારો થતા હોય છે અને તે પ્રહારો સહન કરીને પણ પોતાનું ખમીર અવિચળ દર્શાવી આપે છે. કલાપીએ તો ગુજરાતી સાહિત્ય જગતના ૧૦૦ જેટલાં સાક્ષરોની યાદી કરી હતી અને તેનું સંમેલન લાઠીમાં બોલાવવાની યોજના વિચારી હતી. તેમના અકાળ અવસાનથી તે યોજના પાર ન પડી. પણ તેમના જવા પછીથી પાંચ જ વર્ષમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ગો.મા. ત્રિપાઠીના પ્રમુખસ્થાને આરંભ થયો. જેનું ૧મું સંમેલન ૧૯૩૩-૩૪માં લાઠી, મુકામે યોજાયું હતું.


જેના પ્રત્યે બાળક કે શિષ્યા તરીકેનો વત્સલ ભાવ હતો તે દાસી મોંઘી-શોભના પ્રત્યે કલાપીને પોતાની વીસ વર્ષની ઉંમરે પ્રણયભાવ જન્મ્યો (૧૮૯૪). શોભનાની ઉંમર ત્યારે ૧૨-૧૩ વર્ષ. પટરાણી આનંદીબાને પોતાનાં વસ્ત્રો અલંકારો અને કુટુંબ વ્યવાહરોમાં વઘુ રસ હતો જેમાં સુરસિંહજીનો સહકાર મળી રહેતો. રમાબાને રાજખટપટ, કાવાદાવા અને પોતાનું જ વર્ચસ જળવાઈ રહે તેવી મહત્ત્વાકાંક્ષામાં જ વઘુ ઘ્યાન પડતું. જે અધિકારી કે નોકર પર તેમને વિશ્વાસ ન હોય તેને દૂર કરાવવા કે અંતે પરેશાન કરવા અથવા પોતાના મેળમાં લાવવા તેઓ પ્રયત્ન કરતાં. સુરસિંહજીને રાજસત્તામાં જ રસ ન હતો. એટલે આવી ખટપટો ગમતી નહિ. રાજ્ય છોડી વાચન-લેખન માટે નિવૃત્ત થઈ જવા ઘણીવાર વિચારણા કરેલી. રમાને આ વિચાર પસંદ નહોતો. શોભનાને સુરસિંહજીની સેવામાં રમા જ વઘુ મોકલતાં જેવી તેના નિમિત્તે પતિ પર પોતાનું પ્રભુત્વ વધે.


દેશી રાજાઓ અન્ય જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન વગર સંબંધો રાખે તેવું બહુ ચાલતું. પરંતુ સુરસિંહજીનો શોભના પ્રત્યે વધતો રહેલો પ્રણયભાવ એ ચીલાચાલુ બાબત ન રહ્યો. પોતે કેન્દ્રમાં ન હોય અને અન્ય સ્ત્રી તરફ ભાવ વધે તે રમાને મંજૂર ન હતું. સુરસિંહજીએ તો ‘ચાહું છું’ તો તો ચાહીશ બેયને હું એવો મક્કમ નિર્ધાર કરી શોભના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. પણ તેમનો તો નિશ્ચય હતો કે પોતાના પ્રેમને મોભો આપવા તેઓ શોભના સાથે લગ્ન કરશે. રમા પોતાની જ દાસીને શોક્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. અતિ આગ્રહે સંબંધ રાખવા દેવા પૂરતી સંમતિ આપી જે વાત સુરસિંહજીને માન્ય ન હતી. તેઓ ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય લખવા મહાબળેશ્વર ગયા હતા. એ દિવસોમાં રમાએ શોભનાનાં લગ્ન તેના જ્ઞાતિના એક યુવક ગાંભા સાથે કરાવી દીધાં. કલાપીને તારથી તેની જાણ કરી. તેઓ ક્ષુબ્ધ તો થયા, પણ પ્રેમપાત્ર અન્યત્ર સુખી થાય તો મન વાળી લેવા પ્રયત્નશીલ હતા. પણ શોભનાનો પત્ર આવ્યો કે તેનો પતિ અત્યંત ત્રાસ આપે છે, તે આપઘાત કરે તેમ છે, બચાવવા આજીજી કરે છે.


કલાપીના જીવનનાં ૧૮૯૪ થી ૧૮૯૮ના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષનાં હતાં. કલાપીને પ્રણયમાં બંધન સ્વીકાર્ય ન હતાં. તેમ પ્રેમપાત્ર દુઃખી થાય તે મંજૂર ન હતું. વાજ સુરવાળા, સંચિત વગેરે મિત્રોએ મણિલાલ નભુભાઈ સાથે ચર્ચા કરો. પણ કલાપીએ અન્ન ત્યાગ કર્યો, લાઠી-રાજગાદી છોડી દેવા વિચારણા કરી, હૃદયથી ખૂબ વ્યથિત હતાં. અંતે પતિની હૃદયદ્રાવક સ્થિતિ જોઈ રમાએ કચવાતે મને લગ્ન માટે હા કહી. કલાપીએ શોભનાને બોલાવી લઈ અલગ બંગલામાં રાખી તે પોતાની સાથે લગ્ન માટે ખરેખર સંમત છે કે નહિ તે જાણી લીઘું. અંતે ૧૮૯૮ના સપ્ટેમ્બરમાં પુસ્તકની સાક્ષીએ લગ્ન થયાં. શોભનાને ત્રાસ આપનાર પૂર્વ પતિ ગાંભાના નિભાવખર્ચ માટે કલાપીએ ઉદારદિલે વ્યવસ્થા કરી આપી હતી.


દરમ્યાન કલાપીની એક શંકા મજબૂત બની કે રમાથી થયેલા તેમના કુમાર પ્રતાપસિંહજીના જન્મ સમયે બ્રિટિશ પ્રથા અનુસાર અંગ્રેજ નર્સને હાજર રાખવા રમા સંમત થયાં ન હતાં. આથી તેમને જણાયું કે કુમાર ભલે રાજબીજ હતા પણ પોતાના પુત્ર નહોતાં. આથી તેમને લાગ્યું કે રાજગાદીના ખરા વારસ આનંદીબાના પુત્ર જોરાવરસિંહજી ગણાય. એટલે પોતે પ્રતાપસિંહજીને યુવરાજ ઠરાવી જોરાવરસિંહજીને અન્યાય કર્યો છે. કોઈને પણ અન્યાય થાય તે કલાપીને માન્ય ન હતું. આથી અંગ્રેજ એજંસીને લખીને તથા પોલિટિકલ એજંટને રૂબરૂ મળીને તેઓ જણાવવા માગતા હતા કે તેઓ લાઠી રાજ્ય સંભાળી લે અથવા સાચા વારસ જોરાવરસિંહજીને યુવરાજ જાહેર કરે.


શોભના સાથે લગ્ન થતાં કલાપી સંતોષ અને આનંદ સાથે રહેતા હતા. આગળના વિરહના સમયમાં વેદનાભર્યા કાવ્યો લખાયાં. હવે સંતોષ સાથે પ્રભુપરાયણતાનો ભાવ ઉપસ્યો. ઃ ‘‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’’ એ વિચાર ધૂંટાતો રહ્યો. રમાની ખટપટથી કંટાળીે સંચિત લાઠી છોડી ગયા, કારમા દુષ્કાળનું વરસ હતું, મનમાં શંકાઓ ઘોળાતી હતી. તેમ છતાં સ્વસ્થ રહીને રાજકાજમાં ઘ્યાન આપતા હતા, કવિતાઓ લખાતી હતી. તે સાથે ગાદીત્યાગનું આયોજન અંતિમ સ્તરે પહોંચી ચૂક્યું હતું.

ગુરુવાર, 24 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી?

મારા પ્રિય લેખક ગુણવંત છો. શાહ નો કલાપી વિષે ૩ ભાગમાં બહુ સરસ લેખ તબક્કા વાર મુકું છું.

ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

network-27.JPG કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે.

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘...ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.


ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.


સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.


લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.


તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)


આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.


આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.


પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય.

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.


સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.

સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.


સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.

તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.


છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.
 
જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
- ગુણવંત છો. શાહ

આપની યાદી

જ્યાં જ્યાં નઝર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને!

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્શાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બઘું.

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

- કલાપી

શનિવાર, 19 માર્ચ, 2011

રાજેન્દ્ર શુક્લ

પરિચય:રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.

તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. 

 

પોત અલગ છે!

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

- રાજેન્દ્ર શુક્લ

 
તું ય છે સાવ સમીપે,
મંજુ મંજુ પદરવ છલકે છે

મસ્ત મળ્યાં તો મસ્તી જ મસ્તી,
રોમ રોમ આસવ છલકે છે

તારું ય એશ્વર્ય અનેરું,
મારો ય વૈભવ છલકે છે.

લંબાયેલો હાથ ગ્રહી લે,
ચાલ  બતાવું,  ભવ છલકે છે. 
 
 - રાજેન્દ્ર શુક્લ

મંગળવાર, 15 માર્ચ, 2011

જીવન જીવવાની રીત

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગરીબ લોકો કેવી રીતે જીવે છે તે બતાવવા નાનકડા ગામડામાં લઈ ગયા.ત્યાં એક અતિ ગરીબ કહેવાય તેવા કુટુંબ સાથે તેમણે કેટલાક દિવસો પસાર કર્યા.પોતાને ઘેર પાછા ફરતાં રસ્તામાં
પિતાએ પુત્રને પૂછ્યું;”આપણો આ પ્રવાસ કેવો લાગ્યો?”
પુત્રે કહ્યું;”પિતાજી,આપણો પ્રવાસ અદભૂત રહ્યો.”
પિતાએ કહ્યું;”તેં જોયું ગરીબ માણસો કેવી રીતે જીવે છે?”
પુત્ર બોલ્યો;”હા,હા,ચોક્કસ મેં જોયું”
પિતાએ પૂછ્યું;”તને તેમાંથી શું શીખવા મળ્યું?”
પુત્રે જવાબ આપ્યો;”આપણી પાસે એક જ કૂતરો છે અને તેમની પાસે ચાર કૂતરા હતા આપણી પાસે એક સ્વીમીંગ પુલ છે જે આપણા બગીચાના મધ્યમાં આવેલો છે જ્યારે તેમની પાસે ક્યાંય અંત ન હોય તેવી નદી છે.આપણી પાસે બગીચામાં પરદેશથી લાવેલા દીવા છે જ્યારે તેમની પાસે આખી રાત ચમકતા તારાઓ છે.આપણી નજર ઘરની કમ્પાઉન્ડની દીવાલો સુધીની  છે જ્યારે તેમની નજર સામે આખી ધરતી છે.આપણી પાસે રહેવા માટે જમીનનો એક નાનકડો ટૂકડો છે જ્યારે તમની પાસે અમાપ ખેતરો છે.આપણી પાસે આપણી સેવા કરવા નોકરો છે જ્યારે તેઓ તો બીજાની સેવા કરે છે.આપણે આપણા માટે અનાજ ખરીદીયે છીયે જ્યારે તે પોતાના માટે અનાજ ઉગાડે છે.આપણું રક્ષણ કરવા આપણે મકાનની ફરતે દીવાલ ચણાવી છે જ્યારે તેમને અનેક મિત્રો છે જે તેમનું રક્ષણ કરે છે.
પુત્રની આ વાત સાંભળીને પિતા ચૂપ થઈ ગયા.
હવે  
પુત્ર બોલ્યો;”પિતાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણી વખત આપણે આપણી પાસે શું છે તે ભૂલી જઈએ છીએ અને શું નથી તેનો  વિચાર કરીએ છીએ.આપણી પાસે જે છે તે કેટલું અદભૂત છે તે આપણે માણી શકતા નથી.કારણકે સંતોષ નથી.કેટલીક  વખત આપણી પાસે જે છે તેનો આપણને અહંકાર હોય છે અને તેથી બીજા પાસે જે હોય તે આપણને વામણું લાગે છે….ક્યારેક આપણે તેની મજાક પણ ઉડાવીએ છીએ.
આ આપણા વલણ પર આધાર રાખે છે.
આપણે યાદ રાખવું જોઈએ કે આપણામાં રહેલી શક્તિઓ નહીં પણ આપણું વલણ જ આપણી જીવન  જીવવાની રીત નક્કી કરતું હોય છે.

સોમવાર, 14 માર્ચ, 2011

રાજનીતિની અનીતિ

નાના કે મોટા તમામ રાજનેતા એક ચોક્કસ પ્રકારનો નશો કરે છે. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે. આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી.

સાંભળ્યું છે કે હિટલરે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર લખ્યું હતું: ટ્રુથ ઇઝ ધ ઓનલી લો, અર્થાત્ સત્ય એક માત્ર નિયમ છે. હિટલરને ત્યાં એનો મિત્ર આવીને રહ્યો હતો. એણે હિટલરને પૂછ્યું કે આવું શા માટે લખ્યું છે? તે પોતે આ નિયમને માન્ય રાખ્યો છે? તું ખુદ આ સત્યનું કેટલું પાલન કરે છે?

તમે જાણો છો, હિટલરે શું જવાબ આપ્યો? એણે કહ્યું: હું તારી સામે જૂઠું નહીં બોલું, બલકે વ્યવહારુ સત્ય સમજાવીશ. હું સત્યને એકમાત્ર નિયમ નથી માનતો, પણ જેણે જૂઠ્ઠું બોલવાનું હોય છે એણે આ જાહેરાત કરવી પડે છે કે સત્ય જ કેવળ એકમાત્ર નિયમ છે. આ રાજનીતિનો નિયમ છે. એનું હું પાલન કરું છું. આ દુનિયામાં રાજનીતિમાં નીતિ ભાગ્યે જ હોય છે. વ્યવહારુ ધોરણે રાજનીતિ હંમેશાં અનીતિ પર જ આધારિત છે, પણ જાહેરાત તો હંમેશાં નીતિની જ કરવી પડે. આ જાહેરાતોના આધાર પર તો રાજનેતાઓની પસંદગી કરાય છે. જે રાજનેતા નીતિની જાહેરાત કરવામાં જેટલો વધુ કુશળ અને પ્રભાવશાળી રહે છે, એટલો જ તે વધુ સફળ થાય છે.

રાજનેતા ગમે તેટલું ખોટુ આચરણ કે અનીતિથી ભરેલું જીવન જીવતો હોય છતાં કયાંક ને કયાંક તો એણે સત્ય ઉચ્ચારવું જ પડે છે. પોતાનું હૃદય ખોલવું જ પડે છે. હિટલરે પણ એના મિત્ર આગળ સત્ય બોલવું પડ્યું. આ રાજનેતાઓ શરાબનો નશો કરતા હોય કે નહીં તેની ખબર નથી, પણ બીજો એક નશો ચોક્કસ કરે છે. પછી ભલેને એ હિટલર જેવો રાજનેતા હોય કે કોઇ નાના-મોટા પ્રાંતનો આગેવાન. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશો જ એમની પાસે બધું કરાવે છે. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે.

આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી. જોવા જઇએ તો હિટલર એકદમ પવિત્ર આત્મા હતો. દારૂ નહોતો પીતો, માંસ નહોતો ખાતો. શુદ્ધ શાકાહારી હતો. બીડી-સિગારેટને પણ નહોતો અડતો. સવારના બ્રાહ્મમુહૂર્તમાં જાગી જતો. આત્મગૌરવથી જીવતો હતો. એક યોગીનું હોય એવું જ અનુકરણીય એનું જીવન હતું. કઠોર જીવન જીવનારને નશાની સખત જરૂર પડે છે. અને એણે બીજો કોઇ નશો નહીં, ફક્ત પદનો નશો જીવ્યો. આ પદના નશામાં એણે એક બુદ્ધિમાન કોમની બુદ્ધિને પૂરેપૂરી ભ્રષ્ટ કરવામાં મોટી સફળતા મેળવી.

લાખો યહૂદીઓની હત્યા કરી શક્યો અને છતાં એને એનું દુ:ખ ન થયું! તમે કોઇ બેકસૂર વ્યક્તિની હિંસા કરો, અરે, કોઇ નિર્દોષને ફકત થપ્પડ પણ મારી દો તો ય તમને દુ:ખ થાય છે, પસ્તાવો થાય છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ માનવીય છે... પણ હિટલર જેવા લોકો લાખો નિર્દોષોને મરાવી દે છે. નાના-મોટા રાજનેતા ઓછી-વત્તી સંખ્યામાં આવું કૃત્ય કરે છે. એમને કોઇ પણ પ્રકારનો કોઇ અફસોસ નથી થતો. આ છે પદનો નશો!

રાજનીતિમાં ફક્ત રાજનીતિનો નશો હોત તો જુદી વાત હતી. વળી રાજનીતિનો આ નશો ધર્મ અને અઘ્યાત્મમાં પણ ખૂબ પ્રચલિત છે. આજે પણ ધર્મને નામે ઘણી રાજનીતિઓ ખેલાય છે. ખૂબ નશો થાય છે. આ થવાનું કારણ છે કે ધર્મમાં રાજનૈતિક વૃત્તિવાળા લોકો મોટી સંખ્યામાં ઘૂસી જાય છે. એમનો ઉદ્દેશ આત્માના કલ્યાણનો નથી હોતો, ઊલટાનું, બીજાનું શોષણ કરવાનો હોય છે. તેઓ ધર્મને નામે લોકોને છૂટા પાડે છે. સંપ્રદાયો ઊભા કરે છે અને લડાવી મારે છે. તેઓ મનુષ્યને સાર્વભૌમ ધાર્મિકતાનું શિક્ષણ નથી આપતા. એને બદલે હિંદુ, મુસલમાન, બૌદ્ધ, જૈન તથા એનાથી પણ નાની નાની જાતિઓની નીતિનું શિક્ષણ આપે છે. આ જ અત્યારસુધીની જૂની નૈતિકતા રહી છે.

ઓશો એક નવી નૈતિકતા સ્થાપે છે : એક નવી નૈતિકતા બીજી રીતે વિકસશે. જૂની નૈતિકતા સ્થાનિક હતી. નવી નૈતિકતા આંખ ખોલનારી હશે. યુનિવર્સલ હશે. જૂની નૈતિકતા કહેતી કે આ તમારી ચામડી છે - તારી કાળી, મારી ગોરી. હું અલગ છું, તું અલગ છે. તું હિંદુ છે, હું મુસલમાન છું. નવી નૈતિકતા કહેશે મનુષ્યમાત્ર એક છે. કોઇ માનવ બીજાથી અલગ નથી. બધા મનુષ્ય એક છે.

માયા, શ્રી માતાજી નિર્મલાદેવી

શુક્રવાર, 11 માર્ચ, 2011

ન્યાયતંત્ર, ગુનેગાર અને સજા!




સુપ્રીમ કોર્ટે હમણાં ખેદ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર માટે બજેટમાં સરકારે એક ટકા કરતાં પણ ઓછી ફાળવણી કરી છે. કોઈ પણ સરકાર મજબૂત ન્યાયતંત્ર ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી સાથે સુસંગત થાય એવી ટોલ્સ્ટોયની એક અમર વાર્તા છે. ન્યાયતંત્ર અને એના અમલ માટે પૂરતા ખર્ચની જોગવાઈ ન હોય ત્યારે ન્યાયની કેવી વલે થઈ જાય છે એ એમની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.

વાર્તા માટેની જરૂરી પાર્શ્વભૂમિ માટે મોનાકો નામના ખૂબ જ નાનકડા દેશને પસંદ કરીને ટોલ્સ્ટોયે આ વાર્તા લખી છે. વાર્તા લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં લખાયેલી છે.

આજે પણ મોનાકો એક સ્વતંત્ર નાનકડો દેશ છે, જ્યાં તેના પ્રિન્સનું રાજ ચાલે છે. દેશનો વિસ્તાર માત્ર બે ચોરસ કિલોમીટર જેટલો છે અને વસતિ પૂરી તેત્રીસ હજારની પણ નથી. ફ્રાંસની સરહદે આવેલા આ દેશની રાષ્ટ્રભાષા પણ ફ્રેંચ જ છે.

વાર્તામાં ટોલ્સ્ટોયે એ વખતના મોનાકો રાજ્ય વિશે લખ્યું છે કે એ નાનકડા રાજ્યમાં પણ બીજાં મોટાં રાજ્યો જેવી જ બધી વ્યવસ્થા હતી. રાજા હતો. પ્રધાનો હતા. રાજદરબાર પણ ભરાતો હતો. ધર્માધિકારી પાદરી હતો અને લશ્કર પણ હતું. જોકે, લશ્કરમાં માત્ર સાઠનું જ સંખ્યાબળ હતું. કાયદાઓ હતા અને ન્યાયાલય પણ હતું. વસતી ઘણી ઓછી હતી - માત્ર સાતેક હજાર. રાજ્યના કારોબારને ચલાવવા માટે આવક પણ ઘણી ઓછી હતી. માત્ર દારૂ અને તમાકુ ઉપરનો કર એ જ રાજ્યની મુખ્ય આવક હતી. ખર્ચને પહોંચી વળવા માટે રાજાએ નવો કર નાખ્યા વિના છૂટકો નહોતો. ઘણા મનોમંથનને અંતે રાજાએ જુગારખાનાંઓ (કેસિનો) ઉપર કર નાખીને નવી આવક ઊભી કરી. રાજા જાણતો હતો કે જેમ દારૂ અને તમાકુ ઉપર કર વધારવો એ સારી બાબત નથી એ જ રીતે જુગારખાનાની આવક એ પણ સારી વસ્તુ નથી, પરંતુ પરસેવાની કમાણીથી રાજ્યનો કારોબાર ચાલે એવું નહોતં અને રાજના ઠાઠમાઠ તો એ કમાણી ઉપર સહેજે પોસાય એવા નહોતા. યુરોપના બીજા દેશોમાં એ વખતે જુગારખાનાં ચલાવવાની મનાઈ હતી. એટલે જુગારના શોખીનો જુગાર રમવા માટે મોનાકો આવવા લાગ્યા. રાજાની આવક વધવા માંડી. પરંતુ, એક દિવસ જુગારખાનામાં બે જુગારીઓ ઝઘડી પડયા અને એક જુગારીએ બીજાનું ખૂન કરી નાખ્યું. રાજ્યની પ્રજા શાંતિપ્રિય હતી એટલે અગાઉ ક્યારેય આવો ખૂનનો બનાવ બન્યો નહોતો. ખૂની પર અદાલતમાં ધોરણસર કામ ચલાવવામાં આવ્યું. ખટલો ચાલી જતા ન્યાયાધીશે આરોપીને ગુનેગાર ઠરાવીને દેહાંતદંડની સજા ફટકારી. ગુનેગારને ‘ગિલોટીન’ પર ચડાવી તેનું માથું ધડથી જુદું કરી નાખવું એવો ચુકાદો જાહેર કર્યો. બીજા દિવસે રાજાએ ચુકાદા પર મહોર મારી. હવે મુશ્કેલી શરૂ થઈ, કારણ કે રાજ્ય પાસે તો નહોતું કોઈ વધસ્થળ કે નહોતું શિરચ્છેદ કરવાનું કોઈ સાધન, એટલું જ નહીં શિરચ્છેદ કરી શકે તેવો કોઈ અનુભવી જલ્લાદ પણ રાજ્ય પાસે નહોતો.

પ્રધાનોની સલાહ મુજબ રાજાએ ફ્રાંસને ગિલોટીન અને જલ્લાદ ભાડે આપવા માટે લખ્યું. ફ્રાંસે જવાબમાં લખ્યું કે તે મશીન અને જલ્લાદ મોકલી આપશે, પરંતુ એ બદલ ૧૬૦૦૦ ફ્રાંકનો ચાર્જ થશે. પત્ર રાજાને બતાવવામાં આવ્યો એટલે રાજાએ પ્રધાનોને કહ્યું કે જો આવા કામમાં આપણે સોળ હજાર ફ્રાંક ખરચી નાખીશું તો દરેક નાગરિક પાસેથી વધારાના બબ્બે ફ્રાંક કર પેટે વસૂલ કરવા પડશે. પણ એથી તો લોકોમાં ઘણો અસંતોષ થશે એટલે આ માટે કોઈક ઓછો ખર્ચાળ ઉપાય શોધી કાઢો.

એક પ્રધાનની સલાહ મુજબ પાડોશી દેશ ઈટાલીને પણ, ફ્રાંસને લખ્યો હતો એવો જ પત્ર લખવામાં આવ્યો. ઈટાલીએ જવાબમાં લખ્યું કે મશીન તથા જલ્લાદના ખર્ચ ઉપરાંત મશીનને લાવવા-લઈ જવાનું ભાડું તથા જલ્લાદના આવવા જવાનું ભાડું, બધું મળીને કુલ ખર્ચ ૧૨૦૦૦ ફ્રાંક થશે.

આ ખર્ચ પણ રાજાને ઘણો વધારે લાગ્યો. એક પ્રધાને સૂચન કર્યું કે માણસને મારી જ નાખવો છે તો એમાં ‘ગિલોટીન’અને જલ્લાદની શી જરૂર? રાજ્યના કોઈક સૈનિકને જ એ કામ સોંપી દેવું જોઈએ. ખોટા ખર્ચથી બચવા માટેનું આ સૂચન સારું હતું. સૈન્યના વડાને બોલાવવામાં આવ્યા અને અદાલતના ચુકાદાનો અમલ કરવા માટે માણસનું માથું ધડથી અલગ કરી શકે એવા એક સૈનિકની માંગણી કરવામાં આવી. સૈનિકો આવું કામ સરળતાથી કરી શકે છે, કારણ કે એમને તો હિંસાની જ તાલીમ આપવામાં આવે છે. સૈન્યના વડાએ સૈનિકો સાથે વાત કરી પણ એકેય સૈનિક આ કામ કરવા તૈયાર ન થયો. સૈનિકોએ કહ્યું કે તેમને લડવાની તાલીમ આપવામાં આવે છે, પરંતુ આજ સુધી તેઓ કોઈ લડાઈ લડયા નથી એટલે આ કામ તેઓ કરી નહીં શકે.

સૈન્યના વડાએ પ્રધાનોને કહી દીધું કે તેમની જરૂરિયાત પૂરી કરી શકે તેવો એક પણ સૈનિક લશ્કરમાં નથી. મૂંઝવણના ઉકેલ માટે બધાએ મળીને એવો રસ્તો કાઢયો કે ગુનેગારને દેહાંતદંડને બદલે જન્મટીપની જ સજા કરવી. સજા હળવી કરવાથી રાજા દયાળુ ગણાશે અને ખર્ચમાંથી બચી જવાશે.

રાજ્યનો ખર્ચ ઓછો થાય એવા કોઈ પણ સૂચનનો અમલ કરવા રાજા તો તૈયાર જ હતો. એણે ખૂનીની સજા ઘટાડી દીધી.

હવે બીજી મુશ્કેલી આવી. રાજ્યમાં જન્મટીપના ખૂનીને રાખી શકાય એવી જેલ નહોતી. એક કોટડીમાં જેલ ઊભી કરી દેવામાં આવી. ચોકીદારને બેસાડી દેવામાં આવ્યો અને કેદી માટે જેલમાં સવાર-સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

આમ ને આમ એક વરસ પસાર થઈ ગયું. રાજાએ હિસાબ જોયો. ભાડું, ભોજન, ચોકીદાર વગેરેનો ખર્ચ છસ્સો ફ્રાંકથી વધુ થઈ ગયો હતો. અને કેદી તો એવો હટ્ટોકટ્ટો હતો કે હજી કેટલાં વર્ષ કાઢશે એ કહી શકાય એમ નહોતું! કેદીની જન્મટીપની સજા પણ રાજાને ફાયદાકારક ન લાગી એટલે રાજાએ પોતાના પ્રધાનોને બીજો ઈલાજ શોધવાનું કહ્યું.

ત્રણ-ચાર મિટિંગ પછી એક પ્રધાને સૂચવ્યા પ્રમાણે ચોકીદારને છૂટો કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું જેથી તેનો ખર્ચ બચી જાય અને એમ કરતાં જો કદી ભાગી જાય તો વધારે સારું. એનો ખર્ચ પણ બચી જાય!

પરંતુ ભાગી જવાની પૂરી સગવડ હોવા છતાં કેદી ભાગી તો ન ગયો પણ જમવાના સમયે જેલમાંથી પોતાની જાતે બહાર નીકળીને સરકારી રસોડામાં જમી આવ્યો અને જેલમાં પાછો આવી ગયો. કેદીએ રોજ આમ કરવા માંડયું. હવે રાજા અને એના પ્રધાનો બધા મૂંઝાયા.

કેદી ભાગી જાય એવું લાગતું નહોતું. એટલે એને ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે, “અમે તને રાખવા માગતા નથી. તને ગમે ત્યાં તું ભાગી જઈ શકે છે!”

જવાબમાં થોડો વિચાર કરીને કેદીએ સામો પ્રશ્ન કર્યો કે, “હુ જેલ છોડી દઉં તો રહેવા ક્યાં જાઉં? શું કરું તમે મને ફાંસીની સજા કરી એટલે મારી તો આબરૂ ધૂળમાં મળી ગઈ. લોકોમાં મારી ઈજ્જત રહી નથી. આટલો સમય કેદમાં રહ્યો એટલે હવે મને કામકાજ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તમે મને દેહાંતદંડની સજા કરી તો પછી તમારે મને ગિલોટીન પર ચડાવી દેવો હતો. તમે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. સવાર-સાંજનું મારું ખાવાનું લાવનાર ચોકીદારને પણ તમે છૂટો કરી દીધો. અત્યારે મારે જાતે જ સરકારી રસોડે જવું પડે છે. હવે તમારી ઇચ્છા એવી છે કે મારે ભાગી જવું, પરંતુ હું જેલ છોડીને ક્યાંય ભાગી જવાનો નથી. તમારે જે કરવું હોય તે કરો.”

આખરે થાકીને પ્રધાનો અને રાજાએ તેને છસ્સો ફ્રાંકનો વાર્ષિક દરમાયો બાંધી આપવાનું નક્કી કર્યું, જો એમ કરતાં પણ એ બલાથી છુટાતું હોય તો!

કેદી પણ ઓછો નહોતો. વાટાઘાટને અંતે રાજ્ય પાસેથી ત્રીજા ભાગની રકમ તેણે એડવાન્સમાં લીધી. અને જીવે ત્યાં સુધી એને નિયમિત વર્ષાસન મળશે એવી બાંયધરી પણ તેણે રાજ્ય પાસેથી લીધી.
જેલ છોડીને કેદી બાજુના રાજ્યમાં ચાલ્યો ગયો. મોનાકો રાજ્યે આપેલા પૈસામાંથી સરહદ પાસે જ થોડી જમીન ખરીદીને, ખેતી કરીને એ રહેવા લાગ્યો. હા, મોનાકો રાજ્ય તેને જે વર્ષાસન આપે છે તેમાંથી મોનાકોના જુગારખાનામાં ત્રણ-ચાર ફ્રાંક હજુએ એ હોડમાં મૂકીને ક્યારેક હારે છે કે ક્યારેક જીતે છે!
ટોલ્સ્ટોય છેલ્લે એમ લખે છે કે “એ માણસ એટલો નસીબદાર હતો કે ખર્ચની પરવા ન હોય એવા (મોટા) દેશમાં તેણે ગુનો કર્યો નહોતો.”

હવે વિચારવાનું એ છે કે જે દેશ પાસે ન્યાયતંત્ર હોય, એમાં વર્ષો સુધી કેસ ચાલતા હોય અને કેદીઓને સાચવવા માટે પૂરતો ખર્ચ કરવાની સગવડ હોય અને કરવેરા નાખવા માટે ‘બજેટ’ જેવું સાધન હોય, એ દેશમાં ન્યાયતંત્ર અને ગુનેગારની સ્થિતિ કેવી હોય?

ગુરુવાર, 10 માર્ચ, 2011

સુખી થવાની રમૂજી ચાવી

ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે...

સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, ત્યાં પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


આપણી પાસે ઘાસ અને છાપાંથી ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. ‘હું સુખી નથી, મારી પાસે આ નથી’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’


આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશને ડરાવતી ટ્રકો જેવી હોય છે.


બબ્બે વર્ષથી દિનેશ જેટલી ટ્રકથી ડરતો રહ્યો એમાંની એકમાં પણ ડ્રાઈવર પત્ની પરત કરવા નહોતો આવી રહ્યો, છતાં દિનેશ તો ફફડતો જ રહ્યો ને! તો પછી હવે ક્યારેક અમુક સંકેતોને કારણે કશુંક અમંગળ બનવાનો ડર લાગે ત્યારે પહેલા તો શાંતિથી એટલું વિચારી લેવું કે આ ક્યાંક ‘દિનેશને ડરાવતી ટ્રક’વાળો મામલો તો નથી ને!


*** *** ***


ચમન નદીકાંઠે બેઠો હતો. સામે કાંઠેથી મગને બૂમ પાડી, ‘હું સામા કાંઠે કઈ રીતે આવી શકું?’ચમન કહે, ‘આવવાની શી જરૂર છે? તું સામા કાંઠે જ છે.’ આ પણ એકદમ પૂઅર જોક છે, છતાં એક ખાસ એંગલથી જોઈએ તો એમાં ઘણી મહાનતા છુપાયેલી છે. વાત જાણે એમ છે કે આપણે સૌ ક્યાંક સામા કાંઠે પહોંચવા ઉત્સુક હોઈએ છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો.


કોઈ પણ કાંઠે બેસો તો સામે નદી વહેતી દેખાવાની છે, પણ માણસ એક નોકરી કરતો હોય તો એને સામા કાંઠાની નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની પત્ની કે પડોશણનો પતિ વધુ સદ્ગુણી લાગે. આવી લાગણી ક્યારેક સાચી પણ હોય છે, પરંતુ સવાલ એ છે કે મોટે ભાગે માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ શા માટે રહે છે? મૂળ તો, સુખને આપણે હંમેશાં ભવિષ્ય પર શા માટે મુલતવી રાખતા હોઈએ છીએ.


જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો મજા પડી જાય... દીકરી પરણી જાય પછી ભાર હળવો થશે... મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં રહે... પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે અમીર જીવનની લાલસામાં ડૂબી જતું હોય છે. પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ...


આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી મહત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી?


*** *** ***એક ચિત્રકારની મચ્છરદાનીમાં નાનકડું કાણું પડ્યું. ભાઈને સીવવાનું ફાવે નહીં. એટલે એણે મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું એની બરાબર સામેની બાજુએ એવડું જ બીજું કાણું કાતરથી પાડ્યું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એને એક કાણામાં ઘુસાડીને સામેના કાણામાંથી પસાર કરી, જેથી મચ્છર એક બાજુથી પ્રવેશીને ભૂંગળીમાંથી પસાર થઈને બીજી બાજુએ બહાર નીકળી જાય. મચ્છર આખી મચ્છરદાનીમાંથી પસાર થાય, પણ નીચે સૂતેલા ચિત્રકારને અડી ન શકે, એનું લોહી ન પી શકે.


જરા વિચારો, આવી એક ભૂંગળી મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો, દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી લોહી પીનારી, કનડનારી હોય એને મગજમાં ઘૂસવા જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને, મગજને સ્પશ્ર્યા વિના, બીજા છેડેથી બહાર. ટ્રિક સારી છે.


એમાં કરવાનું ફક્ત આટલું જ છે: સતત યાદ રાખો કે તમે જે સાંભળો, વિચારો, અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ, મગજમાંની ભૂંગળીના એક છેડેથી પ્રવેશીને, બણબણાટ કરતી, બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી કલ્પના કરો. આવું કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી મગજને ઉકરડો બનવામાંથી બચાવે છે.


*** *** ***


રેલવે ફાટકના સિગ્નલ મેનની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘માની લો કે એક જ પાટા પર તમને બે ટ્રેન સામસામે આવતી દેખાય તો તમે શું કરો?’ઉમેદવારે કહ્યું, ‘હું લાલટેન લઈને દોડું.’‘તમારી પાસે લાલટેન ન હોય તો?’‘તો લાલ શર્ટ કે પછી બીજું જે કોઈ લાલ કપડું હાથમાં આવે એ લઈને દોડું.’


‘તમારી પાસે લાલ કપડું પણ ન હોય તો?’‘તો લાલ જેવું, કેસરી રંગનું કપડું લઈને દોડું.’ ‘પણ ત્યારે રાત હોય તો?’‘અં... તો હું મારા પાંચ વર્ષના ભત્રીજાને બોલાવું.’ ‘કેમ? અકસ્માત અટકાવવામાં એ શું કરી લેવાનો?’ ‘એ કંઈ નહીં કરી શકે પણ એણે ક્યારેય બે ટ્રેન અથડાતી જોઈ નથી. આ બહાને એને જોવા મળે.’


આપણે સૌ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યા ડાચું ફાડીને ઊભી હોય, પણ એનો ઉકેલ કોઈ ન હોય. ત્યારે કરવું શું? માની લો કે ઓફિસનું એક કવર કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ છ વાગ્યે બંધ થઈ જાય છે. કવર તમારા હાથમાં છમાં પાંચ મિનિટે આવે છે. તમારી પાસે વાહન નથી. રિક્ષાવાળાઓની સ્ટ્રાઈક ચાલી રહી છે. બસ સ્ટેન્ડ ચાલતા દસ મિનિટના અંતરે છે. ટૂંકમાં, તમે કવર સમયસર પહોંચાડી શકો તેવો કોઈ રસ્તો ન દેખાતો હોય તો તમે શું કરો?


અથવા તો, એક ઉત્સાહી મમ્મી ત્રીજા ધોરણમાં ભણતી એની દીકરીને ગણિતના પેપર માટે રાત્રે મોડે સુધી જાગીને અને સવારે વહેલા ઊઠીને બરાબર તૈયારી કરાવે પણ પરીક્ષાના અડધા કલાક પહેલાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડે કે આજે ગણિતનું નહીં, સમાજશાસ્ત્રનું પેપર છે. આવા સમયે પેલી મમ્મીએ શું કરવું જોઈએ?


આવી ઉકેલ વિનાની લાગતી પરિસ્થિતિઓમાં ‘ભત્રીજાને અકસ્માત દેખાડવાનો લહાવો લૂંટવો’ એ અભિગમ હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં ખોટો તો નથી જ. કડકડતી ઠંડીવાળી કોઈ રાત્રે ઘરે પહોંચતાં સામે બળીને ખાક થઈ ગયેલું ઘર નજરે ચડે ત્યારે ભાંગી પડાય એ માનવસહજ છે, પણ રાખના ઢગલામાંથી આવતા થોડા થોડા તાપમાં હાથ શેકીને ઠંડી ઉડાડી લે એ માણસને સાચો સ્થિતપ્રજ્ઞ જ નહીં, સૌથી પ્રજ્ઞાવાન પણ ગણવો પડે. આટલી સ્થિતપ્રજ્ઞતા ન કેળવાય તો પણ, હવે ક્યારેક લાંબા અંતરની ટ્રેન દસ-પંદર મિનિટ મોડી પડવાને કારણે ચૂકી જાઓ અને ટેક્સીમાં પણ આગલા સ્ટેશને ટ્રેનને આંબી નહીં શકાય એવી ખાતરી હોય ત્યારે આજુબાજુના લોકોને સૌથી પહેલો આ સવાલ પૂછવો, ‘બોસ, આટલામાં સારામાં સારી ચા ક્યાં મળે છે?’


*** *** ***


મુલ્લાનો એક દોસ્ત ગામ છોડીને જઈ રહ્યો હતો. બધાએ એને ભેટમાં કંઈક ને કંઈક આપ્યું. છેલ્લે એ મુલ્લાને મળવા આવ્યો. એ કહે, ‘દોસ્ત મુલ્લા, તું મને ભેટમાં વીંટી આપ, જેથી જ્યારે પણ વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ કરીશ કે મુલ્લાએ આ વીંટી આપેલી.’મુલ્લા કહે, ‘તું મને યાદ જ કરવા માગે છે ને? તો હું તને વીંટી નથી આપતો, જેથી જેટલી વાર તું આંગળી જોઈશ એટલી વાર તને યાદ આવશે કે મુલ્લાએ વીંટી ન આપી.’


હવે પછી જ્યારે તમને એવું લાગે કે મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો નથી... ત્યારે એમ વિચારવું કે એ મુલ્લાની વીંટી જેવી ઇશ્વરની બક્ષિસ છે, જે એણે આપણને આપી ભલે નથી, પણ એ બહાને તેને યાદ કરવાની તક તો આપી જ રહ્યો છે. સુખી થવાનો આ સરળ રસ્તો છે, આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’ ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.


*** *** ***


થોડાક દેડકા ફરવા નીકળ્યા. રસ્તામાં આવ્યો મોટો ખાડૉ. બે દેડકા એમાં પડી ગયા. બંને કૂદીને બહાર આવવા મથ્યા, પણ ખાડો બહુ ઊંડો હતો. બહારના દેડકાઓ રાડો પાડવા લાગ્યા, ‘આ બહુ ઊંડો ખાડો છે. આમાંથી તમે બહાર નહીં આવી શકો. બહેતર છે કે તમારા નસીબને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને ભેટો.’ બેમાંના એક દેડકાને વાત ગળી ઊતરી ગઈ. એણે ખાડામાં લાંબી સોડ તાણી લીધી, પણ બીજા દેડકાએ કોશિશો ચાલુ જ રાખી.


બહારના દેડકાઓ એને જોરજોરથી કહેતા-સમજાવતા રહ્યા કે તું નાહકનો હેરાન થાય છે, પણ એમની સમજાવટને ગણકાર્યા વિના બીજો દેડકો કૂદતો રહ્યો અને છેવટે એણે એક છલાંગ એટલી ઊંચી મારી કે એ ખાડામાંથી બહાર આવી ગયો. બહારના દેડકાઓએ પૂછ્યું, ‘તેં કૂદવાનું ચાલુ કેમ રાખ્યું? તને અમારી વાત સંભળાઈ નહીં?’


બચેલા દેડકાએ બહારના દેડકાઓને સમજાવ્યું કે એ પોતે બહેરો છે એટલે એણે કંઈ સાંભળ્યું નહોતું. ઊલટાનું બહારના દેડકાઓને જોઈને તેણે એવું માની લીધેલું કે તેઓ એને વધુ ઊંચો કૂદકો મારીને બહાર આવવાની પ્રેરણા આપી રહ્યા હતા. આ વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈ વાતે આપણે સાચા રસ્તે છીએ એવું લાગતું હોવા છતાં આસપાસના લોકો જો આપણી જોરશોરથી ટીકા કરે અને હાર સ્વીકારી લેવા કહે તો સમજવું કે એમની બૂમરાણ વાસ્તવમાં આપણને વધુ દિલથી, વધુ જોરથી પ્રયત્નો કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અને એક આડવાત: આમ તો બહેરા હોેવું એ શ્રાપ જ છે, પણ ક્યારેક અમુક શ્રાપ આડકતરા આશીર્વાદ પણ સાબિત થઈ શકે.


*** *** ***


એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’


મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’


આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારુંં લાગે. આવું શા માટે?


એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’


આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.


જેમ કે, આવો સરસ મજાનો ‘ઉત્સવ’ વિશેષાંક તમે ખરીદીને વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી, તમારા હાથ મેગેઝિન પકડવાનું કામ કરી શકે છે, તમારી આંખ મેગેઝિન વાંચવાનું કામ કરી શકે છે.


ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલું મસ્ત ‘ઉત્સવ’ મેગેઝિન તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.


દીપક સોલિયા