સુપ્રીમ કોર્ટે હમણાં ખેદ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર માટે બજેટમાં સરકારે એક ટકા કરતાં પણ ઓછી ફાળવણી કરી છે. કોઈ પણ સરકાર મજબૂત ન્યાયતંત્ર ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી સાથે સુસંગત થાય એવી ટોલ્સ્ટોયની એક અમર વાર્તા છે. ન્યાયતંત્ર અને એના અમલ માટે પૂરતા ખર્ચની જોગવાઈ ન હોય ત્યારે ન્યાયની કેવી વલે થઈ જાય છે એ એમની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.
વાર્તા માટેની જરૂરી પાર્શ્વભૂમિ માટે મોનાકો નામના ખૂબ જ નાનકડા દેશને પસંદ કરીને ટોલ્સ્ટોયે આ વાર્તા લખી છે. વાર્તા લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં લખાયેલી છે.
આજે પણ મોનાકો એક સ્વતંત્ર નાનકડો દેશ છે, જ્યાં તેના પ્રિન્સનું રાજ ચાલે છે. દેશનો વિસ્તાર માત્ર બે ચોરસ કિલોમીટર જેટલો છે અને વસતિ પૂરી તેત્રીસ હજારની પણ નથી. ફ્રાંસની સરહદે આવેલા આ દેશની રાષ્ટ્રભાષા પણ ફ્રેંચ જ છે.
વાર્તામાં ટોલ્સ્ટોયે એ વખતના મોનાકો રાજ્ય વિશે લખ્યું છે કે એ નાનકડા રાજ્યમાં પણ બીજાં મોટાં રાજ્યો જેવી જ બધી વ્યવસ્થા હતી. રાજા હતો. પ્રધાનો હતા. રાજદરબાર પણ ભરાતો હતો. ધર્માધિકારી પાદરી હતો અને લશ્કર પણ હતું. જોકે, લશ્કરમાં માત્ર સાઠનું જ સંખ્યાબળ હતું. કાયદાઓ હતા અને ન્યાયાલય પણ હતું. વસતી ઘણી ઓછી હતી - માત્ર સાતેક હજાર. રાજ્યના કારોબારને ચલાવવા માટે આવક પણ ઘણી ઓછી હતી. માત્ર દારૂ અને તમાકુ ઉપરનો કર એ જ રાજ્યની મુખ્ય આવક હતી. ખર્ચને પહોંચી વળવા માટે રાજાએ નવો કર નાખ્યા વિના છૂટકો નહોતો. ઘણા મનોમંથનને અંતે રાજાએ જુગારખાનાંઓ (કેસિનો) ઉપર કર નાખીને નવી આવક ઊભી કરી. રાજા જાણતો હતો કે જેમ દારૂ અને તમાકુ ઉપર કર વધારવો એ સારી બાબત નથી એ જ રીતે જુગારખાનાની આવક એ પણ સારી વસ્તુ નથી, પરંતુ પરસેવાની કમાણીથી રાજ્યનો કારોબાર ચાલે એવું નહોતં અને રાજના ઠાઠમાઠ તો એ કમાણી ઉપર સહેજે પોસાય એવા નહોતા. યુરોપના બીજા દેશોમાં એ વખતે જુગારખાનાં ચલાવવાની મનાઈ હતી. એટલે જુગારના શોખીનો જુગાર રમવા માટે મોનાકો આવવા લાગ્યા. રાજાની આવક વધવા માંડી. પરંતુ, એક દિવસ જુગારખાનામાં બે જુગારીઓ ઝઘડી પડયા અને એક જુગારીએ બીજાનું ખૂન કરી નાખ્યું. રાજ્યની પ્રજા શાંતિપ્રિય હતી એટલે અગાઉ ક્યારેય આવો ખૂનનો બનાવ બન્યો નહોતો. ખૂની પર અદાલતમાં ધોરણસર કામ ચલાવવામાં આવ્યું. ખટલો ચાલી જતા ન્યાયાધીશે આરોપીને ગુનેગાર ઠરાવીને દેહાંતદંડની સજા ફટકારી. ગુનેગારને ‘ગિલોટીન’ પર ચડાવી તેનું માથું ધડથી જુદું કરી નાખવું એવો ચુકાદો જાહેર કર્યો. બીજા દિવસે રાજાએ ચુકાદા પર મહોર મારી. હવે મુશ્કેલી શરૂ થઈ, કારણ કે રાજ્ય પાસે તો નહોતું કોઈ વધસ્થળ કે નહોતું શિરચ્છેદ કરવાનું કોઈ સાધન, એટલું જ નહીં શિરચ્છેદ કરી શકે તેવો કોઈ અનુભવી જલ્લાદ પણ રાજ્ય પાસે નહોતો.
પ્રધાનોની સલાહ મુજબ રાજાએ ફ્રાંસને ગિલોટીન અને જલ્લાદ ભાડે આપવા માટે લખ્યું. ફ્રાંસે જવાબમાં લખ્યું કે તે મશીન અને જલ્લાદ મોકલી આપશે, પરંતુ એ બદલ ૧૬૦૦૦ ફ્રાંકનો ચાર્જ થશે. પત્ર રાજાને બતાવવામાં આવ્યો એટલે રાજાએ પ્રધાનોને કહ્યું કે જો આવા કામમાં આપણે સોળ હજાર ફ્રાંક ખરચી નાખીશું તો દરેક નાગરિક પાસેથી વધારાના બબ્બે ફ્રાંક કર પેટે વસૂલ કરવા પડશે. પણ એથી તો લોકોમાં ઘણો અસંતોષ થશે એટલે આ માટે કોઈક ઓછો ખર્ચાળ ઉપાય શોધી કાઢો.
એક પ્રધાનની સલાહ મુજબ પાડોશી દેશ ઈટાલીને પણ, ફ્રાંસને લખ્યો હતો એવો જ પત્ર લખવામાં આવ્યો. ઈટાલીએ જવાબમાં લખ્યું કે મશીન તથા જલ્લાદના ખર્ચ ઉપરાંત મશીનને લાવવા-લઈ જવાનું ભાડું તથા જલ્લાદના આવવા જવાનું ભાડું, બધું મળીને કુલ ખર્ચ ૧૨૦૦૦ ફ્રાંક થશે.
આ ખર્ચ પણ રાજાને ઘણો વધારે લાગ્યો. એક પ્રધાને સૂચન કર્યું કે માણસને મારી જ નાખવો છે તો એમાં ‘ગિલોટીન’અને જલ્લાદની શી જરૂર? રાજ્યના કોઈક સૈનિકને જ એ કામ સોંપી દેવું જોઈએ. ખોટા ખર્ચથી બચવા માટેનું આ સૂચન સારું હતું. સૈન્યના વડાને બોલાવવામાં આવ્યા અને અદાલતના ચુકાદાનો અમલ કરવા માટે માણસનું માથું ધડથી અલગ કરી શકે એવા એક સૈનિકની માંગણી કરવામાં આવી. સૈનિકો આવું કામ સરળતાથી કરી શકે છે, કારણ કે એમને તો હિંસાની જ તાલીમ આપવામાં આવે છે. સૈન્યના વડાએ સૈનિકો સાથે વાત કરી પણ એકેય સૈનિક આ કામ કરવા તૈયાર ન થયો. સૈનિકોએ કહ્યું કે તેમને લડવાની તાલીમ આપવામાં આવે છે, પરંતુ આજ સુધી તેઓ કોઈ લડાઈ લડયા નથી એટલે આ કામ તેઓ કરી નહીં શકે.
સૈન્યના વડાએ પ્રધાનોને કહી દીધું કે તેમની જરૂરિયાત પૂરી કરી શકે તેવો એક પણ સૈનિક લશ્કરમાં નથી. મૂંઝવણના ઉકેલ માટે બધાએ મળીને એવો રસ્તો કાઢયો કે ગુનેગારને દેહાંતદંડને બદલે જન્મટીપની જ સજા કરવી. સજા હળવી કરવાથી રાજા દયાળુ ગણાશે અને ખર્ચમાંથી બચી જવાશે.
રાજ્યનો ખર્ચ ઓછો થાય એવા કોઈ પણ સૂચનનો અમલ કરવા રાજા તો તૈયાર જ હતો. એણે ખૂનીની સજા ઘટાડી દીધી.
હવે બીજી મુશ્કેલી આવી. રાજ્યમાં જન્મટીપના ખૂનીને રાખી શકાય એવી જેલ નહોતી. એક કોટડીમાં જેલ ઊભી કરી દેવામાં આવી. ચોકીદારને બેસાડી દેવામાં આવ્યો અને કેદી માટે જેલમાં સવાર-સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.
આમ ને આમ એક વરસ પસાર થઈ ગયું. રાજાએ હિસાબ જોયો. ભાડું, ભોજન, ચોકીદાર વગેરેનો ખર્ચ છસ્સો ફ્રાંકથી વધુ થઈ ગયો હતો. અને કેદી તો એવો હટ્ટોકટ્ટો હતો કે હજી કેટલાં વર્ષ કાઢશે એ કહી શકાય એમ નહોતું! કેદીની જન્મટીપની સજા પણ રાજાને ફાયદાકારક ન લાગી એટલે રાજાએ પોતાના પ્રધાનોને બીજો ઈલાજ શોધવાનું કહ્યું.
ત્રણ-ચાર મિટિંગ પછી એક પ્રધાને સૂચવ્યા પ્રમાણે ચોકીદારને છૂટો કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું જેથી તેનો ખર્ચ બચી જાય અને એમ કરતાં જો કદી ભાગી જાય તો વધારે સારું. એનો ખર્ચ પણ બચી જાય!
પરંતુ ભાગી જવાની પૂરી સગવડ હોવા છતાં કેદી ભાગી તો ન ગયો પણ જમવાના સમયે જેલમાંથી પોતાની જાતે બહાર નીકળીને સરકારી રસોડામાં જમી આવ્યો અને જેલમાં પાછો આવી ગયો. કેદીએ રોજ આમ કરવા માંડયું. હવે રાજા અને એના પ્રધાનો બધા મૂંઝાયા.
કેદી ભાગી જાય એવું લાગતું નહોતું. એટલે એને ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે, “અમે તને રાખવા માગતા નથી. તને ગમે ત્યાં તું ભાગી જઈ શકે છે!”
જવાબમાં થોડો વિચાર કરીને કેદીએ સામો પ્રશ્ન કર્યો કે, “હુ જેલ છોડી દઉં તો રહેવા ક્યાં જાઉં? શું કરું તમે મને ફાંસીની સજા કરી એટલે મારી તો આબરૂ ધૂળમાં મળી ગઈ. લોકોમાં મારી ઈજ્જત રહી નથી. આટલો સમય કેદમાં રહ્યો એટલે હવે મને કામકાજ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તમે મને દેહાંતદંડની સજા કરી તો પછી તમારે મને ગિલોટીન પર ચડાવી દેવો હતો. તમે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. સવાર-સાંજનું મારું ખાવાનું લાવનાર ચોકીદારને પણ તમે છૂટો કરી દીધો. અત્યારે મારે જાતે જ સરકારી રસોડે જવું પડે છે. હવે તમારી ઇચ્છા એવી છે કે મારે ભાગી જવું, પરંતુ હું જેલ છોડીને ક્યાંય ભાગી જવાનો નથી. તમારે જે કરવું હોય તે કરો.”
આખરે થાકીને પ્રધાનો અને રાજાએ તેને છસ્સો ફ્રાંકનો વાર્ષિક દરમાયો બાંધી આપવાનું નક્કી કર્યું, જો એમ કરતાં પણ એ બલાથી છુટાતું હોય તો!
કેદી પણ ઓછો નહોતો. વાટાઘાટને અંતે રાજ્ય પાસેથી ત્રીજા ભાગની રકમ તેણે એડવાન્સમાં લીધી. અને જીવે ત્યાં સુધી એને નિયમિત વર્ષાસન મળશે એવી બાંયધરી પણ તેણે રાજ્ય પાસેથી લીધી.
જેલ છોડીને કેદી બાજુના રાજ્યમાં ચાલ્યો ગયો. મોનાકો રાજ્યે આપેલા પૈસામાંથી સરહદ પાસે જ થોડી જમીન ખરીદીને, ખેતી કરીને એ રહેવા લાગ્યો. હા, મોનાકો રાજ્ય તેને જે વર્ષાસન આપે છે તેમાંથી મોનાકોના જુગારખાનામાં ત્રણ-ચાર ફ્રાંક હજુએ એ હોડમાં મૂકીને ક્યારેક હારે છે કે ક્યારેક જીતે છે!
ટોલ્સ્ટોય છેલ્લે એમ લખે છે કે “એ માણસ એટલો નસીબદાર હતો કે ખર્ચની પરવા ન હોય એવા (મોટા) દેશમાં તેણે ગુનો કર્યો નહોતો.”
હવે વિચારવાનું એ છે કે જે દેશ પાસે ન્યાયતંત્ર હોય, એમાં વર્ષો સુધી કેસ ચાલતા હોય અને કેદીઓને સાચવવા માટે પૂરતો ખર્ચ કરવાની સગવડ હોય અને કરવેરા નાખવા માટે ‘બજેટ’ જેવું સાધન હોય, એ દેશમાં ન્યાયતંત્ર અને ગુનેગારની સ્થિતિ કેવી હોય?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો