સ્ત્રી ડરે છે, એકલી રહેવાથી
એ ડરે છે - અંધકારથી,
ને દિવસના અજવાળાથી.
પરિચિત - અપરિચિત પડોશીથી
ભરબપોરે વાગતી ડોરબેલથી
અડધી રાત્રે રણકી ઉઠતા ટેલિફોનથી
ને ટેલિગ્રામના નામમાત્રથી...
સ્ત્રી ડરે છે, તેના સુંદર દેખાવથી
રસ્તા પર પસાર થતા પુરૃષથી
સાસુ, પતિ, પુત્રથી
વાંદા, ઉંદર, ને ઘરમાં ફરતી ગરોળીથી
સ્ત્રીને જોઈએ છે, સુરક્ષિતતા
ટેકો - ભલે તે કોઈનો પણ હોય,
કુમકુમથી માંડીને કૂખ-
એવી તો લાખ વસ્તુઓથી
તે સજાવી લે છે પોતાના સ્ત્રીત્વને
પોતાની શક્તિને બાંધી લેતી
એ તમામ વસ્તુઓનું તે જીવથીયે વધુ જતન કરે છે.
આકરા અવાજથી
તે શિથિલ બની જાય છે.
બારી બારણા બંધ કરી લઈને
પવન, વરસાદ કે સૂર્યપ્રકાશ
ઇન્દ્રિયોના દરેક ઉઘાડને તે રોકી લે છે.
સ્ત્રી ડરે છે,
તેના પોતાના મનથી, વિચારથી,
માગણી કરતાં શરીરથી.
સ્ત્રી ડરે છે,
તેના પોતાથી
અંત સુધી !
કવિતા મહાજનની એક મર્મવેધક રચનાનો આ ગુજરાતી અનુવાદ મનીષા જોશીએ કર્યો છે. વાત અહીં કેવળ સાહિત્યિક નથી, વાસ્તવિક છે. સ્ત્રીનું સદીઓથી એક ચિત્રણ જ 'ગભરું અબળા' એવું થયું છે. મનુ મહારાજ 'ન સ્ત્રી સ્વાતંત્રમર્હતિ' એવું ફરમાન બહાર પાડે કે, મોહમ્મદ સાહેબના અનુયાયીઓ 'બે નારીની સાક્ષી બરાબર એક નરની સાક્ષી'નો ફતવો ચલાવે, ને મસીહા (જીસસ)ના કેટલાંક શિષ્યો વળી સ્ત્રી સાથેના સંબંધને જ 'ઓરિજીનલ સીન' (પાયાનું પાપ) ગણે - ત્યાં સ્ત્રી પુરુષની કેદમાં અને સમાજની નાગચૂડમાં નખશિખ પકડાયેલી અને દબાયેલી રહેતી. ધીરે ધીરે યુરોપમાં રેનેસાં (નવજાગરણ)ની લ્હેરખીઓ આવી, આધુનિક શિક્ષણે સ્ત્રીઓને સ્વતંત્ર પહેચાન માટે પ્રવૃત્તિ કરી. પછી બે પ્રકારનાં આંદોલનો ચાલ્યા. એક સ્ત્રીઓ તરફ થતા અન્યાય અને અત્યાચારને રોકી સામાજિક-ધાર્મિક કુરિવાજો કે કાયદો હટાવવાની ઝુંબેશ ચાલી. જેમકે, ભારતમાં વિધવાવિવાહ, પશ્ચિમમાં છૂટાછેડા પછી ભરણપોષણ વગેરે. બીજી નારીવાદી ચળવળ ચાલી. મજાકમાં જેને 'બ્રા-બર્નિંગ' કહેવામાં આવે છે, એવી આ ક્રાંતિમાં ખાસ્સો કોલાહલ થયો અને થાય છે. આ મથામણનાં હેતુઓ ઉમદા હતા. નારીને પોતાનું આગવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય એ વાતનો સ્વીકાર કરી, એને ખુદની મરજી મુજબ જીવવા દેવાની વાત હતી. ઘરકામના ઢસરડા કે જરીપુરાણી માનસિકતા કે પુરુષના ત્રાસના બોજમાંથી આઝાદ કરવાની વાત હતી. સ્ત્રીને પોતાની રીતે પગભર બની પોતાની મરજીથી સુખી કે આનંદિત થવાની વાત હતી.
પણ ધીરે ધીરે રાજકીય ચળવળોની જેમ નારીવાદ માત્ર નિવેદનોમાં સીમિત થઈ ગયો. છતાંય, ઘણા ફેમિનિસ્ટસ આજે સંતોષની નીંદર લે છે કે પહેલાના પ્રમાણમાં સ્ત્રીઓ ખાસ્સી મુક્ત થઈ છે. નોકરી કરે છે, બહાર નીકળે છે. પોતાના સંબંધોના નિર્ણય જાતે લે છે. લગ્ન પછી પણ કઠપૂતળી બનતી નથી. સ્વતંત્ર આવક મેળવે છે. સ્વતંત્ર રીતે 'એન્ટરટેઈન' થવાની એની પાસે ચોઈસ છે. એના કપડાં અને કોસ્મેટિક્સની રેન્જ પણ વધુ વેરાયટીવાળી થઈ છે. ટીવીનું રિમોટ એના હાથમાં છે. યુનિવર્સિટીઝની ડિગ્રીઝ પણ!
સરસ, પણ આમાં ફેમિનિસ્ટસના ફાળા કરતાં સાયન્ટિસ્ટસનો ફાળો વધુ છે. તેનું શું ? સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક અભિગમ સ્ત્રીસંસ્થાઓને લીધે થોડોક (રિપિટ, થોડોક) બદલાયો હશે - પણ સ્ત્રીની સ્વતંત્રતાની જ વાત કરતા હોઈએ તો એ વિજ્ઞાાને અપાવી છે !
બાત હજમ નહીં હુઈ ? ચાલો, પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. નારીમુક્તિની ચળવળ શરૃ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે - સ્ત્રીને શ્રમવિભાજનના અન્યાયી ભાગરૃપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડયું છે. ઘરની 'લક્ષ્મી'ના નામે એની શબ્દોથી પૂજા થાય છે, પણ વાસ્તવમાં એ ઘરની 'દાસી' બની જાય છે. માત્ર માનસિક અકળામણ જ નહિ. શારીરિક થાક અપાવે એટલું 'ઘરકામ' રોજેરોજ નિરંતર, આજીવન (કે બહુ સાસ ન બને તબ તક!) એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઊઠીને કૂવેથી પાણી ભરવા જતી પનિહારીઓના ગીતો રચાતા.
કવિઓ તો 'પાણી ભરવા ગ્યા'તા', કરીને પનિહારીના રસિક ગીતો લખે... પણ ક્યારેય વિચાર કર્યો છે કે સવારના પહોરમાં સૂરજ ઊગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કૂવે જવું, જાડું રાંઢવું (દોરડું) લઈ એને કૂવામાં નાંખી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ 'હાશ' કરીને નિરાંતે આરામ ન કરવાનો હોય - ગામડું હોય તો છાણ-વાસીદું કે દૂધ દોહવાનું ચાલું થાય... શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય... અને આ બધા વચ્ચે ચૂલો તો સળગી જ જાય!
કલાકારો કે મહિલા મોરચાઓએ આ રોજીંદી જાત નિચોવી દેતી ઘટમાળ સામે બૂમરાણો તો ખૂબ કરી... પણ ઉકેલ શું આપ્યો ? કેવળ ચિત્કાર, સહાનુભૂતિ કે બહુ બહુ તો બળવાખોરી ? ચાલો, બળવો કરીને સ્ત્રી (પુખ્ત હોય તો) એકલી રહેવા જતી રહી. પછી? પછી કપડાં-રસોઈ-પાણીની કડાકૂટ એના માથે નહિં આવે ? જસ્ટ ઈમેજીન, ફલશ - ટોઈલેટને બદલે જૂના જાજરૃ રહ્યા હોત તો કોની માથે સમાજ એનો ભાર નાખત?
આ ઉકેલ વિજ્ઞાાને આપ્યો. નળની પાઈપલાઈન્સ આવી! પાણીની મોટર કે ડીપવેલ આવી! ઘેર બેઠાં ફટાફટ પાણી ભરાઈ જાય! (ગેરવહીવટને લીધે પાણી આવે જ નહિં - એ અલગ મુદ્દો થયો!) ચૂલા સામે બેસીને રાખ ઉડતી હોય ત્યારે ધમણની જેમ છાતીઓ ફૂલાવી ફૂંક મારી આગ પેટાવવી પડે - એ વખતે આંખમાંથી પાણી નીકળ્યા વિના રહે જ નહિ ! એ આંસુ ટેકનોલોજીની શોધથી હવે ઘેર ઘેર પહોંચેલા ગેસના સ્ટવ કે કૂકિંગ રેન્જ જેવા ગેસના ચૂલાએ આપ્યો. દિવાસળીનું સ્થાન લાઈટરે લીધું. કિચનમાં જઈને જરા મોડર્ન હોમ એપ્લાયન્સીસ તો નિહાળો! એકે એકમાં તમને સ્ત્રીની નિરાંતનો અહેસાસ થશે. તપેલામાં ઉકળતા પાણીમાં શાક બાફવું પડતું અને ગરમ પાણીમાં હાથ નાખીને ચકાસવું પડતું. ત્યાં પ્રેશર કૂકરની સિટીઓ નારીનિરાંતની સાઈરનની જેમ વાગવા લાગી!
નોકરી કરતી સ્ત્રીએ ઘેર આવીને ફટાફટ ખાવાનું ગરમ કરવાનું છે ? કુછ ફિકર નહિ. બસ, દો મિનટ ! માઈક્રોવેવ ઓવનમાં રાખી દો! ચા બનાવવાની છે? ઈન્સ્ટંટ ટીમેકર કે ટીબોક્સ હાજર ! ઢોકળાં-ગુલાબજાંબુ બનાવવા છે? ઈન્સ્ટંટ મિક્સ ઈઝ રેડી, મેડમ ! આ કશું જ નથી કરવું ? બહારથી પિઝાની હોમ ડિલિવરી મંગાવી લો. એ કેવી રીતે ઘેર બેઠા મંગાવશો ? નેચરલી, ટેલિફોનથી ! એ દેવા માટે ડિલિવરીબોય ચાલીને આવશે ? ના, વાન કે સ્કૂટર કે બાઈક પર આવશે ! સાયન્સે કોમ્યુનિકેશન કે ટ્રાન્સપોર્ટેશનની ક્રાંતિ ન કરી હોત તો ?
કપડાંને ચોકડીમાં ધોકે ધોકે ધોઈને બાવડાં દુઃખાડવાને બદલે વોશિંગ મશીન આવી ગયા. રોજેરોજ દૂધ કે શાકભાજી લેવાની દોડધામમાંથી 'વેલકમ બ્રેક' અપાવતા રેફ્રિજરેટર્સ આવી ગયા. ગળણે ગાળીને પાણી ભરવા કે ચોખ્ખાં પીવાના પાણી માટે બે શેરી દૂર પદયાત્રા કરવાની જગ્યાએ વોટર પ્યુરિફાયર્સ આવી ગયા. વાંકા વળીને કચરો સાફ કરવાને બદલે વેક્યુમ કિલનર્સ આવી ગયા. 'રેડી ટુ સર્વ' ડ્રિન્કસ કે આઈસ્ક્રીમ પેક આવી ગયા. શરબત બનાવવાની મહેનતને સ્થાને સોફ્ટ ડ્રિન્કસ આવ્યા. ચટણી પીસવાના પથ્થરો કે ખાંડણી-દસ્તાની ઉપર મૂઠ્ઠીઓ ભીંસવાને બદલે સ્વિચ દાબીને મિક્સર ચાલુ કરવાનું રહ્યું. આંગળા દાબીને જ્યુસ કાઢવાને સ્થાને જ્યુસર આવ્યું. સ્ત્રીને લાડમાં બધાં 'રસોડાની રાણી' ભલે કહે. ખરા અર્થમાં એ 'કિચન ક્વીન' વૈજ્ઞાાનિક આવિષ્કારોથી જ બની છે. આ બધી નાની-નાની લાગતી ક્રિયાઓમાં સાથી પુરુષ (પતિ, પિતા કે પુત્ર) મદદ કરે પણ ખરો, અને ન પણ કરે... પણ સાયન્સે તો અનકન્ડિશનલ 'હેલ્પિંગ હેન્ડ' લંબાવી જ દીધો છે ! હવે વાંદા-મચ્છર મારવા હાથ નહીં, સ્પ્રે કે મોસ્કિટો મેટ ચલાવવી પડે છે!
છોડો રસોડાને... નારીને તો એમાંથી બહાર લઈ આવવી છે ને ? ચાલો, સ્ત્રીને આર્થિક રીતે પગભર કરીએ. માત્ર રાહતકાર્યોમાં મળતી મજૂરીની જેમ દયાભાવથી નહિ - ખરા અર્થમાં એને પોતાની - પસંદગી મુજબ જીવવા મળે એવી સારી કમાણી સાથે... તો, એમાં એક જમાનો એવો હતો કે ખાસ પ્રકારના ટેકનિકલ કામો કે મહેનતના, યુદ્ધના કામોની બોલબાલા હતી. આજે વિજ્ઞાાનની પ્રગતિને લીધે સ્ત્રી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીના સોફટવેર ડેવલપ કરી શકે છે ! સાયન્સને લીધે ઉદ્યોગ અને શિક્ષણના કેટકેટલા ક્ષેત્રોના દરવાજા ખુલ્યા જ્યાં સ્ત્રીઓની કર્મચારીઓ તરીકે જરૃર પડી ! અને એવા રોજિંદા કામકાજમાં પણ સ્ત્રીને સુરક્ષા અને સગવડતા આપવા વિજ્ઞાાન વ્હારે આવ્યું જ! અગાઉની નર્સે કપડું ફાડીને પાટો બાંધવો પડતો, આજે બેન્ડ એઈડ લઈને ચોંટાડવાની રહે છે - એવું જ કંઈક ! સ્ત્રીઓની સાથેના વર્તન-વ્યવહારમાં વધુ પારદર્શકતા રાખવી જ પડે એવી 'સ્ટિંગ ઓપરેશન' ટાઈપની કેમેરા કે વોઈસ રેકોર્ડરની ભેટ પણ વિજ્ઞાાને જ આપી છે ને ! જાતીય સતામણીને ઓફિસમાં થતી રોકી, રંગે હાથ 'ઇન્ડિસન્ટ પ્રપોઝલ મેકર'ને પકડવો હોય, તો એ માટેનું ફોરેન્સિક સાયન્સ પણ 'સાયન્સ' જ છે !
બળાત્કાર કે જાતીય શોષણના ગુનાઓની ફરિયાદી સ્ત્રી સિમેન ટેસ્ટ કે ડી.એન.એ. ટેસ્ટ વિના કેટલી પાંગળી થઈ જતી હોત ? સ્ત્રીને આવા અપરાધો છતાં પણ પ્રાકૃતિક રીતે સ્વરૃપવાન દેખાવું ગમે છે. પહેલાં આમાં પણ એણે પુરુષની રહેમનજર નીચે રહેવું પડતું. વિજ્ઞાાને સ્ત્રીને બ્રા આપી છે, ફેશને નહિ ! પછી અન્ડરગાર્મેન્ટસનું માર્કેટિંગ ફેશન ઈન્ડસ્ટ્રીએ કર્યું, એ ખરું ! લેટેસ્ટ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટસથી નારીને ત્વચા, આંખ, હોઠ, શરીર, વાળનું સૌંદર્ય વધારવા અને જાળવવામાં (અને એના જોરે જગતને ઝૂકાવવામાં) વૈજ્ઞાાનિક સહાય મળતી રહી છે. ચામડીના દાગને લીધે અગાઉ વગર વાંકે છોકરીનું ભવિષ્ય અમાસના ચંદ્ર જેવું થઈ જતું. આજે સિમ્પલ કોસ્મેટિક સર્જરીમાં એનો ઉકેલ છે. બોટોક્સના કરચલી હટાવતા ઈન્જેકશનથી લઇને સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટસ સુધી નારીની નમણી નજાકતને નિખાર વિજ્ઞાાન આપતું રહ્યું છે. કુદરતે અધૂરા મૂકેલા વળાંકો મઠારતું રહ્યું છે.
મુદ્દો એકદમ ડિબેટેબલ છે. પણ નિર્ણય પુરુષને બદલે સ્ત્રીને સોંપો તો ક્યારેક બળાત્કાર જેવી મજબૂરીમાં ગર્ભપાત પણ સ્ત્રી માટે જ આશીર્વાદરૃપ બની શકે - કારણ કે, બાળઉછેરની સઘળી જવાબદારી આપણે ત્યાં મા પર જ ઢોળી દેવાય છે. એ સળગતા અંગારાને ન પકડો તો પણ કોન્ડોમ કે બર્થ કંટ્રોલ પિલ્સને લીધે સ્ત્રી કેટલી સુખી થઈ છે! માતૃત્વ અણધાર્યું કે અનિચ્છિનીય આવે ત્યારે બંધન અને પીડા બને છે. હવે સ્ત્રી સેક્સ માણી શકે છે, પણ મુમતાઝની જેમ પ્રેમની પાછળ આવતી પ્રસૂતિપીંડામાં શહીદ થઈ મકબરાના પાત્ર બનવાનો ભય એને સતાવતો નથી. મુશ્કેલ સ્થિતિમાં વિજ્ઞાાન પ્રસૂતિ પણ સિઝેરિયનથી કરીને એનો જીવ બચાવે છે. માસિક સ્ત્રાવને લીધે કામ કર્યા વિના પિંજરે પૂરાયેલા પંખીની જેમ 'ખૂણો પાળતી' સ્ત્રીને સેનેટરી નેપકિને કે બચ્ચાના બાળોતિયાં બદલાવતી થાકેલી માતાને ડાઈપર્સે કેટલી મોકળાશ અપાવી છે - એ તો સ્ત્રીના ખોળિયામાં પ્રવેશ કરો તો જ પૂરું સમજી શકો ! વિમેન ફિગરને શેપમાં રાખતા જીમ્નેશ્યિમ ડાયેટ પ્લાન્સ પણ સાયન્ટિફિક ગિફ્ટ છે !
... અને સ્ત્રીમુક્તિ એટલે સ્ત્રીના સ્વતંત્ર નિર્ણયના અધિકાર અને અંગત જિંદગીના એકાંતનો આદર એવું માનો, તો યાદ રાખજો કે સેલફોન અને ઈન્ટરનેટના જોરે સાયન્સે એ શસ્ત્રો સ્ત્રીને આપ્યા છે, જેની સામે રિવોલ્વર કે તલવાર પણ કંઈ વિસાતમાં નથી. સ્ત્રીને કોઈ કાળે (અને આજે પણ) મિલકત ગણવામાં કોઈને શરમ નથી આવતી! માટે બુરખા કે લાજની નીચે સ્ત્રીને ચાર દીવારીમાં ચૂપ કરી રખાતી. હવે સ્ત્રી કોઈ પણ ખૂણેથી જગતના કોઈ પણ ખૂણે પળવારમાં ફોન, મેઈલ, ચેટ કે એસએમએસ કરી શકે છે. પોતાના બિઝનેસનો વિસ્તાર કરી શકે છે. મુંઝાય તો મદદ માટે પોકાર કરી શકે છે... અને કોઈનીયે ચોકીદારી છતાં ય મનગમતા સંબંધો બાંધી શકે છે. અત્યાર સુધી બહાર નીકળવાની મોકળાશને લીધે આ એકાધિકાર પુરુષોનો હતો. સાયન્સે સ્ત્રીને જ્ઞાાન જ નથી આપ્યું, પ્રાઈવસી પણ આપી છે ! ખરા અર્થમાં આઝાદ એ જ કહેવાય જેની પાસે પોતાનો ટાઈમ અને સ્પેસ હોય ! ખુદની મરજીથી ચાલતી ચોઈસ હોય. ઈન્ટરનેટ પર ફેસબુક જેવા નેટવર્ક નારીને સ્વધીન કરે છે.
કોમ્યુનિકેશન ક્રાંતિએ એકલી પડતી સ્ત્રીઓને કંપની આપી છે. ટેલિવિઝન, મોબાઈલ કે ઈન્ટરનેટ/કોમ્પ્યુટર માત્ર મનોરંજન નથી એક સથવારો છે. સામી માંગણીઓ મૂક્યા વિના મળતો આનંદ અને તાજગીભર્યો સહારો છે. ગોગલ્સથી શૂઝ અને પર્સથી લિપસ્ટિક સુધીની તો વાત આપણે છેડી જ નથી. પણ હજુ યે વિજ્ઞાાને નારી મુક્તિની પાંખોમાં પૂરેલા પવન અંગે મનડું ડામાડોળ હોય તો જરાક વિચારજો - સિલાઈ મશીન ન શોધાયું હોત તો ? આજના ડ્રેસિંગ કેવી રીતે બનત ? અને વાહનો ન શોધાયા હોત તો ? જેને કામિની નહિ પણ માનુની બનવું છે એવી બાળાઓ શાળા-કોલેજ કેવી રીતે જાત ? ઝાંસીની રાણી ભલે તલવાર ને અશ્વ લઈને ક્રાંતિની ચિંગારી લઈને ચાલી, ૨૧મી સદીની લક્ષ્મીઓ સ્કૂટી પર સવાર થઈ સેલફોન કમરે ઝૂલાવીને જગતને પડકારવાની છે ! ૮ માર્ચનો મહિલા દિન પસાર થઈ જાય પછી પણ સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે !
ઝિંગ થિંગ
''જીંદગી ઔરતો માટે કેટલી હસીન હોત... જો મચ્છર લોહીને બદલે ચરબી ચૂસી લેતા હોત !''
(સેજલ શાહ)
અનાવૃત - જય વસાવડા 9/3/2011
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો