કોલેજોમાં અભ્યાસ કરતાં છોકરાઓ અને છોકરીઓની પોતાની એક ભાષા હોય છે, જેને વિશે મોટી ઉંમરના માણસો અનભિજ્ઞા છે. જો કોઈ પણ વ્યક્તિ કોલેજો સાથે સંકળાયેલી નહીં હોય તો ઘણી વાર એમની ભાષા નહીં સમજે અથવા દૈનિક વ્યવહારની ભાષા કંઈક વિચિત્ર લાગશે. આ ભાષા એક જીવતી ભાષા છે. એમાં શબ્દો આવતા જાય છે. જૂના અથવા રૂઢ થતા જાય છે. ભુલાતા જાય છે. એટલે એ વસ્તુનું નામ જે પ્રથમ યુવા પેઢી કરે અને આપણે એ માટે ગાળો બોલીએ અને પછી આપણે ચૂપચાપ કરવા માંડીએ, જ્યારે આપણને સમજાય કે આપણે ખોટા હતા અને એ લોકો સાચા હતા, બેલ-બોટમ ટ્રાઉઝર્સ હોય કે લાંબા વાળ હોય, આપણને જવાનો જ ફેશન શીખવે છે, બગાડે છે. આપણે બગડવા માટે પણ પોતાનો સમય લઈએ છીએ, અને પછી ચૂપચાપ સિફતથી બગડી જઈએ છીએ!
શબ્દોનું પણ એવું જ છે. ‘લફરાં’ શબ્દ પહેલાં સભ્ય ગણાતો ન હતો. આપણને વાપરતાં હિચકિચાહટ થતી હતી. રમતાં રમતાં એ શબ્દ સંસ્કારી વાતચીતમાં પ્રવેશી ગયો, આપણે પણ નિસંકોચ વાપરતા થઈ ગયા. એ શબ્દ ક્યાંથી આવ્યો એ વિશે કોઈએ સંશોધન કર્યું હોય તો ખબર નથી પણ મને લાગે છે કે મૂળ ફ્રેંચ ‘લ અફેર’ પરથી ‘લા-ફર’ થયું છે અને ક્રમશઃ એ લફરાં બની ગયું. અફેર કોની સાથે થાય એ પણ લફરાનો જ એક પ્રકાર છે. એક અંગ્રેજી ચિત્ર વર્ષો પૂર્વે આવ્યું હતું ‘એન અફેર ટુ રિમેમ્બર’. એના પરથી એક નાના સિનેમા હાઉસની બહાર ગુજરાતીમાં રાખેલું બોર્ડ તથા એનો અનુવાદ વાંચેલાં ‘યાદગીરી કા લફરા’. વ્યુત્પત્તિશાસ્ત્રનું આ જ્ઞાન એ બોર્ડ પરથી મળેલું!
કોલેજની કેન્ટીનોમાં ઘણાં શબ્દો જન્મતા હોય છે. એવો જ એક શબ્દ હતો - ‘મેન!’ મેન બેફામ બોલીમાં વાપરવામાં આવતું. પ્રથમ છોકરાઓ વાપરતા પછી છોકરીઓ પણ આપસની વાતચીતમાં ‘મેન’ વાપરવા માંડી! સાંભળવામાં કંઈક રોમેન્ટિક પણ લાગતું હતું. કોઈ કોલેજની છોકરી જ્યારે આદતના પ્રવાહમાં અને વાતની ગતિમાં ‘મેન’ કહી દેતી ત્યારે જુવાન હોવાનો ખોટો અહસાસ પણ થઈ જતો, આપણી રુચિને માફક હોય તો ખોટી વસ્તુ પણ ગમે છે, સ્વીકાર્ય બની જાય છે. હવે એમાં થોડો ફેરફાર થયો છે. છોકરીઓ મેન તો વાપરે જ છે પણ બીજો શબ્દ જે વિશેષ પ્રચલન પામ્યો છે એ છે - ‘યાર!’ કોલેજમાં વારંવાર આ સંભળાય છે : કમ ઓન યાર! લૂક યાર! હોપ ઈન, યાર! છોકરાઓને યાર શબ્દે એકાએક એક અપનિયત આપી છે. બહુ આત્મીયતા લાગે છે. પણ હવે મેનને સ્થાને આવેલો યાર શબ્દ છોકરીઓમાં પણ આવી ગયો છે - કમ ઓન યાર! યાર શબ્દ ચલણી શબ્દ બન્યો છે. છોકરીઓ કોલેજની માત્ર નહીં, સ્કૂલની ઉચ્ચ વર્ગોની છોકરીઓ પણ એ નિઃસંકોચ સ્વાભાવિક્તાથી વાપરી નાખે છે. એ શબ્દમાં એક બિરાદારીની ખૂશ્બુ છે. યુવા કરવાની બાબતમાં ઘણી ઝડપી છે.
અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી કોલેજમાં ગયેલા વિદ્યાર્થીઓની પોતાની ભાષા છે. બાથરૂમ જવું હોય તો - ‘ટુ-પી’ વપરાય છે. એવો એક શબ્દ છે ‘લુ’. આ શાબ્દિક શોર્ટ હેન્ડ સમજવી જેવા તેવાનું કામ નથી! સંસર્ગમાં રહેતા હોય તો જ સમજાય. જેમ શરાબીઓની મહેફિલમાં એક જુદી તહઝીબી ભાષા વપરાય એવું જ આ છે. ‘બોટમ્સ અપ’ કે ‘વન ફોર ધ રોડ’ કે ‘ચિયર્સ’ વિના પીવું કંઈક જામતું નથી. આ પ્રજા પણ પોતાની અભિવ્યક્તિ માટે પોતાની ભાષા પ્રકટાવી લે છે. ‘સ્ક્વેયર’ અને ‘હિપ’ શબ્દો એમણે જ આપ્યા છે, ‘હેવિંગ અ ડીગ એટ લાઈફ’. અથવા ખુશખુશાલ થઈ ગયા હો તો કહેવાય ‘ટર્નડ ઓન!’ આ ટર્ન ઓન સમજવા માટે એ ઉંમર જોઈએ. તોફાનીમસ્તી માટે કોલેજિયનોમાં એક અન્ય શબ્દ વપરાય છે - ‘ભંકસ’ આની ઉત્પત્તિ, બિન્દાસ શબ્દની જેમ, મરાઠી લાગે છે. ‘ભંકસ કરુ નકા’ એમ વાપરી શકાય. તોફાન નહીં, યાર! યારબાઝીની દુનિયાના આ શબ્દો છે. એવો જ એક શબ્દ છે - ‘રોડા’. એનો અર્થ ‘રાયટ’ અથવા હુલ્લડ. મારામારીને માટે એ વપરાય છે.
હા, મારામારી વિના કોલેજજીવન અપૂર્ણ છે. અને ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે છે - કેટલીક કોલેજો વધારે તોફાની શા માટે હોય છે? સ્વાભાવિક રીતે, કોમર્સ કોલેજો વધારે તોફાની હોય છે. આર્ટ્સ કોલેજોમાં તોફાની તત્ત્વ ઓછું હોય છે. જે તોફાન હોય છે એ જુદા પ્રકારનું હોય છે. પણ કોમર્સ કોલેજમાં છોકરાઓનું પ્રમાણ ૬૪થી ૭૦ ટકા સામાન્યતઃ હોય છે. એ કારણ હશે? કે પછી વાણિજ્ય વિષય અત્યંત અરસિક હોવાને કારણે તોફાનનું કારણ મળી જતું હશે? માત્ર છોકરીઓની કોલેજમાં બિલકુલ તોફાન નહીં થતું હોય? કોઈ પણ છોકરીઓની કોલેજ વિશે આવો અભિપ્રાય એ કોલેજની વિદ્યાર્થિનીઓને ગમતો નથી. આજના જમાનામાં કોઈના વિશે એમ કહીએ કે એનું બિચારાનું લગ્નજીવન એકદમ સુખી છે તો એ બહુ મોડર્ન કે ગમે એવી વાત નથી હોતી. એના જેવી જ આ કંઈક સમસ્યા છે!
અને અંતે એક અત્યંત વિચિત્ર શબ્દ-’બન્ક’ છે. બન્ક એટલે ક્લાસમાં ન જવું, બહાર રખડવું. કોલેજોમાં એક બહુ મોટા સમુદાયની આ પ્રવૃત્તિ હોય છે ક્લાસ ‘બન્ક’ કરવાની. બન્ક કર્યા વિના કોલેજજીવનની મજા પણ શું? પણ અહીં બીજા એક શબ્દ વિશે નિર્દેશ કરવાનો છે અને એ શબ્દ છે ‘બોરિંગ’. આજકાલ આ શબ્દનો ઉપયોગ વધી ગયો છે. ક્લાસ બહુ બોરિંગ છે. પ્રોફેસર ‘બોર’ છે. બોરિંગ શબ્દ એના શબ્દકોશના અર્થની બહાર નીકળી ગયો છે. સવારથી સાંજ સુધી ક્યારેક દરેક લેક્ચરર બોરિંગ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે કોલેજ, અભ્યાસક્રમ, પ્રોફેસર, વર્ગો, લેક્ચરરો બધું જ બોરિંગ હોય છે. ત્યારે કદાચ એક વિચાર થઈ આવે છે, કદાચ આ પેઢીનો પણ દોષ નહીં હોય? વિદ્યાર્થી કોલેજમાં શા માટે આવતો હોય છે? ભણવા. એ એનું પહેલું અને છેલ્લું કર્તવ્ય છે. આવા વિદ્યાર્થીઓ કોલેજો છોડે છે ત્યારે એમને જીવન, પત્ની કે નોકરી કે ધંધો, સંતાનો, મિત્રો બધાં જ બોરિંગ લાગવાનો ભય છે... બોરિંગ એક રોગ બની જાય છે.
સફરનામા - ચંદ્રકાન્ત બક્ષી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો