શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

બંધબેસતી પાઘડી ઓઢી લેવાની છૂટ છે!


જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે
લખવા સિવાય મને બીજું કશું આવડતું નથી. મારા એક નજીકના મિત્રે મને કહ્યું કે “દુઃખમાં હોઈએ ત્યારે દુઃખ ન વધે એવું લખવું.” અહીં લખેલા પ્રસંગો વાંચીને કોઈને દુઃખની લાગણી તો નહીં જ થાય એમ હું માનું છું.
ખ્ત ગુજરાતમાં જુદા જુદા પ્રકારના ખેડૂતો છે. એમાં પાટીદાર અને દેસાઈ બે જાણીતા છે. દેસાઈ વિશે હું બહુ જાણતો નથી, કારણ કે નાગરથી માંડીને અનેક કોમમાં દેસાઈ છે અને એ બધા ખેડૂતો હોય એમ લાગતું નથી. અહીં લખેલી વાત અકબરના જમાનામાં બની છે. એ વાતમાં સત્ય કેટલું હશે એની ખબર નથી, કારણ કે અકબર વિશેની જે વાતો પ્રચલિત છે, એમાંની આ પણ એક છે.
ગુજરાતના અફઘાન બાદશાહો પાસેથી અકબરે ગુજરાત જીતી લીધું પછી એ અમદાવાદ આવ્યો ત્યારે હુકમ કર્યો કે જેમને અઘાટ જમીન મળી હોય એમણે દસ્તાવેજો બતાવવા. નહીં બતાવે એની જમીન ખાલસા કરવામાં આવશે. ઘણા લોકોએ દસ્તાવેજો બતાવ્યા. એમાંના ઘણા ખરા તાંબાના પતરા ઉપર લખેલા હતા, પરંતુ એક દેસાઈએ કહ્યું કે એની પાસે દસ્તાવેજ નથી. એની પાસેની જમીન પાંચ પેઢીથી એની પાસે છે અને એના દસ્તાવેજોની નકલ દિલ્હીમાં છે. સૂબાએ અકબરને વાત કરી. એણે કહ્યું કે, “દિલ્હીમાં કઈ જગ્યાએ ક્યાં છે, એ કહો તો તપાસ કરવામાં આવશે.”
દેસાઈએ કહ્યું, “જહાંપના, આપને મળેલા દિલ્હીના તખ્તનો જે દસ્તાવેજ તાંબાના પત્રમાં છે એની પાછળ જ મારી જમીનનો દસ્તાવેજ છે.” એ સાંભળતાં જ અકબર હસી પડયો અને એ દેસાઈ પાસે હતી એટલી જ બીજી જમીન એને ઈનામમાં આપી.
(આમાં સમજવાનું એ છે કે રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, જે કોઈ જીતી શકે એ તખ્ત ઉપર બેસી શકે છે અને એ તખ્ત કોઈ પાસે રહેતો નથી. મુઘલો પાસે ચારસો જેટલાં વર્ષો શાસન રહ્યા પછી પણ એ ચાલ્યું ગયું. અંગ્રેજોએ છીનવી લીધું અને એમની પાસેથી પણ એ ચાલ્યું ગયું. કોઈ કાયમી પૃથ્વીપતિ છે જ નહીં.)
* અકબરની જ એક બીજી વાત.
અમદાવાદમાં અકબરનો મુકામ હતો ત્યારે કાઠિયાવાડના એક નાના ગામમાંથી એક વૃદ્ધા અકબર પાસે ફરિયાદ કરવા આવી. એની ફરિયાદ હતી કે એના જુવાન દીકરાએ એને માર મારનાર એક ધનવાન વિરુદ્ધ જમાદારને ફરિયાદ કરી તો જમાદારે એને જ મારી મારીને કોટડીમાં પૂરી દીધો. ફોજદારને ફરિયાદ કરી તો એણે એ સાંભળી નહીં. બાદશાહ અમદાવાદ આવ્યા છે એવું સાંભળીને એ એમને ફરિયાદ કરવા આવી હતી. અકબર એની વાત ધીમેથી સાંભળી રહ્યો હતો. એ જવાબ આપે એ પહેલાં જ અકબરને નમન કરીને એક દરબારીએ વૃદ્ધાને કહ્યું, “બાદશાહ સલામત દિલ્હીમાં રહે છે. એ આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન આપે તો બીજું કામકાજ કરી જ ન શકે.” રાજદરબારમાં હંમેશાં ચમચાઓ હાજર હોય જ છે.
માજી દાઝેલાં હતાં. એમણે કહ્યું, “હું ક્યાં કહું છું કે બાદશાહ સલામત આવું નાનું કામ કરે. દિલ્હીમાં બેઠાં બેઠાં એમનાથી પોતાની વસતીની ફરિયાદ ઉપર ધ્યાન ન આપી શકાતું હોય તો જે કોઈ ધ્યાન આપી શકે એને ગાદી આપી દે.”
હાજર હતા એ બધા સડક થઈ ગયા!
બાદશાહ અકબરે સૂબાને કહ્યું, “માજીના દીકરાને તાત્કાલિક જ છોડી દેવાનો હુકમ કરો. જમાદાર અને ફોજદારને એના હોદ્દા ઉપરથી દૂર કરીને આકરામાં આકરી સજા કરો અને આ ઘરડી સ્ત્રી જીવે ત્યાં સુધીના એના ભરણપોષણની વ્યવસ્થા કરો. આવી ફરિયાદ ફરીથી આવવી ન જોઈએ.”
(દરેક રાજકર્તાઓએ આ વાત યાદ રાખવા જેવી છે. લોકોની વાજબી ફરિયાદ જો એ સાંભળી ન શકે, અમલદારો અન્યાયી વર્તન કરે, તો વહેલા મોડા એનો ભોગ રાજકર્તાએ જ બનવું પડે છે.)
* આજકાલ ફતવાઓ વિશે બહુ લખાય છે. અહીં હું એક ફતવાની વાત કરું છું. લોકો જેમાંથી પીવાનું, નહાવાધોવાનું પાણી ભરતા હતા એ કૂવાઓ હવે લગભગ નકામા થઈ ગયા છે. હવે નળ અને ડંકી થઈ ગયાં છે. આ ફતવાની વાત મસ્જિદમાં અને બીજી જગ્યાએ કૂવા હતા ત્યારની છે.
એક કૂવામાં એક ગલૂડિયું પડી ગયું અને માણસોને એની ખબર પડી ત્યારે તો એ મરી ગયું હતું. એનું શરીર ફૂલીને ફાટી ગયું હતું. પાણીમાં ગંધ આવવા માંડી હતી. લોકો મૌલવી પાસે ગયા અને એ પાણી પાક ક્યારે થઈ શકે એ માટે પૂછયું.
મૌલવીએ કહ્યું કે,”એ કૂવામાંથી બધું જ પાણી કાઢી નાખવાથી કૂવાનું પાણી પાક થઈ જશે. એ વખતે પાણી ખેંચવા માટે એન્જિનનો ઉપયોગ થતો નહોતો. ઘડાથી પાણી ખેંચવામાં આવતું હતું. એટલે લોકોએ ઘડે ઘડે કરીને કૂવામાંથી બધું પાણી ખેંચી લીધું, નવી સરવાણીઓ આવી ને કૂવો ભરાઈ ગયો, પરંતુ કૂવાના પાણીમાંથી ગંધ દૂર ન થઈ. લોકોએ મૌલવી પાસે જઈને વાત કરી એટલે મૌલવીએ ફરી પાણી ઉલેચી લેવાનું કહ્યું. ફરી પાણી ઉલેચી લીધું, ફરી કૂવો ભરાવા લાગ્યો. પાણીમાંથી ગંધ દૂર ન થઈ તે ન જ થઈ. મૌલવીને નવાઈ લાગી. એમણે પ્રશ્ન કર્યો, “કૂવામાંથી મરી ગયેલાં ગલૂડિયાને તો કાઢયું છે ને કે પાણી જ ઉલેચ્યા કરો છો?”
હાજર હતા એ લોકો એક બીજા સામે જોવા લાગ્યા. ગલૂડિયું તો કોઈએ કૂવામાંથી કાઢયું જ નહોતું.
(રાજકારણ કે સમાજમાંથી મૂળ ગંદકી દૂર કર્યા વિના એને શુદ્ધ કરવાની ચર્ચા એ માત્ર એકબીજા ઉપર દોષ ઢોળવાથી વિશેષ કશું જ નથી.)
* આજે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો થાય છે, ત્યારે રાજકર્તાઓને ઉપયોગી થાય એવી એક વાત, શેખ સાદીના બુસ્તાન (બોસ્તાન)માંથી અહીં નોંધું છું.
ઈરાનનો શહેનશાહ દારાયસ એક વાર શિકારે ગયો હતો ત્યારે એના કાફલાથી છૂટો પડી ગયો. એને જોઈને એક માણસ દોડતો એના તરફ આવ્યો. દારાયસને થયું કે એને એકલો જોઈને એના તરફ આવનાર માણસ દુશ્મન જ હોવો જોઈએ. તરત જ પોતાના ધનુષ ઉપર તીર ચડાવીને એણે પણછ ખેંચી આવનાર માણસે બૂમ મારી “હું દુશ્મન નથી. મને મારશો નહીં. હું તો તમારા ઘોડાઓનો રખેવાળ છું અને આ વીડમાં એને ચરાવું છું.”
દારાયસે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરી, હસીને કહ્યું, “ઈશ્વરે તને બચાવ્યો નહીં તો આજે તું મારા તીરનો ભોગ બની જાત.”
એ માણસ શહેનશાહના ઘોડાઓનો મુખ્ય રખેવાળ હતો. એણે હાથ જોડીને કહ્યું, “શહેનશાહ, માફ કરજો, પરંતુ જે રાજા પોતાનો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એ જાણી ન શકે તે જરૂર ખત્તા ખાય છે. આપે મને ઘણી વાર જોયો છે અને ઘોડાઓ વિશે પૂછપરછ કરી છે. છતાં આપ મને ઓળખી ન શકયા. આપના હજારો ઘોડામાંના દરેક ઘોડાને હું ઓળખી શકું છું.
એ સાંભળી દારાયસ વિચારમાં પડી ગયો ઘોડાના રખેવાળની વાત ખોટી નહોતી.
(જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે.)
શેખ સાદીનાં બે વિખ્યાત પુસ્તક ‘ગુલિસ્તાન’ અને ‘બુસ્તાન’ (બોસ્તાન)માં સામાન્ય માણસથી લઈને રાજકર્તાઓ, દરવેશો, ઉમરાવો અને ગરીબો બધાને ઉપયોગી થાય એવી કથાઓ અને કાવ્યો છે. એની વાત ક્યારેક કરીશું.
* હવે હું એક ખેડૂતની વાત કરું છું.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના પિતા ખેડૂત હતા. એમને સ્થળાંતર કરવાનું હોવાથી પોતાનું ખેતર વેચી નાખવાની એમણે જાહેરાત કરી. સારા ગ્રાહકની રાહ જોવા લાગ્યા, પરંતુ એવો ગ્રાહક તરત મળ્યો નહીં એટલે એ પોતાનું ખેતર ખેડવા લાગ્યા.
એમને ખેતર ખેડતાં જોઈને એક માણસે પૂછયું, “કાકા, તમે ખેતર વેચી નાખવા માંગો છો એ વાત સાચી છે?”
“હા” ખેતર ખેડતાં ખેડતાં એમણે માથું હલાવ્યું.
“તો પછી ખેતર ખેડવાની મહેનત શા માટે કરો છો?”
પ્રમુખ લિંકનના પિતાએ કહ્યું, “હું ખેતર વેચવાની વાત મારા ખેતરને કહેવા નથી માંગતો.”
(આ વાત ઘણું કહી જાય છે. પ્રમુખ લિંકનમાં એમના પિતાનો આ ગુણ બરાબર ઊતર્યો હતો. પોતાના સામે આવેલું કામ એ ક્યારેય કર્યા વિના છોડતા નહોતા.)
* હવે મેં સાંભળેલી એક કાગડાની વાત.
એક પ્રદેશમાં એક વાર દુષ્કાળ પડયો. દુષ્કાળમાં પશુ પક્ષીઓ પણ મરવા લાગ્યાં. એ વખતે એક કાગડાએ એક શિવાલયમાં મુકામ કર્યો. દુષ્કાળમાં પણ ભારતના માણસો ધર્મ કર્મ કરવાનું છોડતા નથી. લોકો મંદિરમાં જતા અને કોઈ ને કોઈ ખાવાનું કે રોકડ મૂકી જતા. કાગડો એ ખાવાનું ખાઈને જીવવા લાગ્યો.
ઉનાળો પૂરો થયો. વરસાદ થયો. દુષ્કાળ પૂરો થયો. હવે કાગડો અકળાવા લાગ્યો. હવે મંદિરમાં રહીને ટુકડા ખાવાની જરૂર નહોતી. દરરોજ એ ભગવાનની મૂર્તિ પર ચરકવા લાગ્યો. એને હતું કે ભગવાન એના ઉપર નારાજ થશે તો એ બહાને એનો આશરો છોડીને પોતે ઊડી જઈ શકશે, પરંતુ એવું બન્યું નહીં એટલે એક દિવસ મંદિરમાં કોઈ નહોતું ત્યારે એણે ભગવાનને કહ્યું, “હું રોજ તમારા ઉપર ચરકું છું એટલે તમને નહીં ગમતું હોય એ હું જાણું છું. તમે મને શાપ આપો તો હું અહીંથી જવા માંગું છું.”
“અરે, કાગડાભાઈ” ભગવાને કહ્યું, “તમે ચરકો છો એ તો મને ગરમ હૂંફાળું લાગે છે.”
“એમ? મારું ચરક તને ગરમ લાગે છે?” કાગડાએ કહ્યું, “તો હવે જેનું ચરક ઠંડું લાગે એને બોલાવજે” એમ કહીને એ ઊડી ગયો.
(આ બાબતમાં વિશેષ કશું લખવાની જરૂર નથી. જેને આ બંધબેસતું લાગે એણે એ ઓઢી લેવું, અને પોતાની જાતને સુધારવા જેવું લાગે તો સુધારવી. જેને ન લાગે એનું શું કહી શકાય?)
-

કેલિડોસ્કોપ  મોહમ્મદ માંકડ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો