સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

ઘર...

જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. 
બસ થોડામાં રાજી! 
બસ થોડામાં રાજી! 
આખ્ખુંયે આકાશ અમે ક્યાં માગ્યું? 
- નાજી - નાજી! 
અમે તો બસ થોડામાં રાજી... 
આ ધરતી પર કોઈ વૃક્ષનું જોઈ લીલુંછમ હેત, 
પામ્યા પળમાં કેટકેટલા મર્માળા સંકેત! 
અવ્વલ તો મોસમની સાથે મેળવતા રહો બાજી! 
અમે તો બસ, થોડામાં રાજી... 
આ કહેતા કે કાંઈ નથી ને તે કહેતા કે ખૂબ! 
અમને જીવતર લાગ્યું અવસર જેવું આબેહૂબ! 
જીવશું થોડી સમજણ પ્હેરી, થોડાં સપનાં આંજી, 
અમે તો બસ, થોડામાં રાજી... 
- કિરીટ ગોસ્વામી 
સંતોષનું સરનામું 
જીવનમાં કેટલું બધું જીવવા જેવું છે! આ જીવવાનો અર્થ ઉંમર પ્રમાણે અને અનુભવ પ્રમાણે બદલાતો જાય છે. પરિવર્તન અને પડકાર એ જીવનના સિક્કાની એવી બાજુ છે જ્યાંથી બધી જ દશા-દિશા ખૂલતી-ઊઘડતી જાય છે. જીવનમાં કેટલું મેળવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કેવું મેળવવું એ પણ આપણે જ નક્કી કરવું પડે છે. કેવી રીતે મેળવવું એ સહુથી પહેલાં નક્કી કરવાનું હોય છે. આપણી મહત્ત્વાકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓ આકાશ જેટલી હોય એ સ્વાભાવિક છે. અનંતને છેવાડો નથી હોતો. સમજુ માણસ એટલે જ થોડામાં રાજી રહીને ઘણું બધું જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. કોની પાસે માંગવું એ પણ અગત્યનું છે અને કેટલું રાખવું એ વધારે અગત્યનું છે. 
કવિ એટલે જ અહીંયાં થોડામાં રાજી રહેવાની વાત કરે છે. વળી કુદરત પાસે પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. બહાર ફરવા જવાનાં સ્થળોમાં આપણને હમેશાં મોબાઈલનાં નેટવર્ક વગરનાં કુદરતી સ્થળો ગમતાં હોય છે. એનું કારણ એક જ છે કે આપણે ખૂબ થાકીએ છીએ ત્યારે આપણા થાક ઉપર જે મર્માળુ હેત ફરકાવે છે એ કુદરત છે. એને ફૂલોની ભાષામાં બોલતાં આવડે છે. એને છાંયડાનો કક્કો ઘૂંટતા આવડે છે. આપણે મુસાફર જેવા છીએ એની ખબર સમજણા થયા ત્યારથી પડી છે. પણ વટેમાર્ગુને ક્યાં વિસામો લેવો એની સમજણ જાતે જ પડવી જોઈએ. કેટલું બધું જાણીએ છીએ અને અજાણ્યા રહી જઈએ છીએ. કેટલું બધું સમજીએ છીએ અને બેખબર બની જઈએ છીએ. આટલું ભાન છે એનાથી વધારે શું જોઈએ? 
'જીવન' ભગવાનના અવસરનું બીજું નામ છે. સંબંધીને ત્યાં પ્રસંગ હોય ત્યારે આપણને કેટલો બધો હરખ થાય છે. આપણે કેવા એ પ્રસંગમાં જોડાઈ-જોતરાઈ જઈએ છીએ. આપણું જીવન એ ઇશ્વરના ઉત્સવમાં સહભાગી થવા માટે આપણને મળેલું છે. થોડીક સમજણ હોય અને થોડીક સપનાં જોવાની બેચેની હોય તો જીવનને વધારે સારી રીતે સજાવી શકાય છે. ઘરનું ફર્નિચર વરસો પછી મરામત માંગે છે. નવા વિચારો-ધીરજથી કેળવાયેલી સમજણ એ જીવતરના મરામતનો ઉકેલ છે. થોડામાં રાજી રહેતાં આવડે તો વધારે મળશે ત્યારે છકી જવાનું મન નહિ થાય. સ્થિતપ્રજ્ઞાનાં લક્ષણો ધર્મશાસ્ત્રોએ સારું અને સાચું જીવવા માટે આલેખ્યાં છે. એનો સરળ અનુવાદ કવિ કિરીટ ગોસ્વામીએ કરેલો છે. 
જીવનનો હકાર પળે-પળે આપણામાં પ્રગટવા તૈયાર હોય છે. આપણે આવી પડેલી આપત્તિને ઉત્સવમાં પલટી નાંખવા માટે તડામાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત રહીએ છીએ ત્યાં જ ચૂકી જવાય છે. આપત્તિ સામે લડવાની તૈયારી કરવી એના કરતાં આપત્તિ સાથે યારી કરવી વધારે સારી... ''જે દર્દ જેનું એની મને સારવાર છે'' આ વાત પીડાથી લઈને દુઃખતી રગ સુધી સાચી પડી શકે છે. સવાલ એ છે કે તમે કયા એપ્રોચથી એને સમજી શકો છો. જીવનના હકારની આ કવિતા રાતોરાત બધું જ કમાઈ લેવા મથતા આપણા જીવને સંતોષનું સરનામું આપે છે.


 - અંકિત ત્રિવેદી (જીવનના હકારની કવિતા 5/2/2012)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો