જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું!
કોઇપણ વાચકને ઝટ ન સમજાય અને વળી પાંચ વાર વાંચ્યા પછી પણ ન સમજાય એવી કવિતા (કે અકવિતા) પ્રગટ કરવી એ કંઇ પ્રશંસનીય પરાક્રમ નથી. કદાચ એ કવિતા નામના પદાર્થની કુસેવા છે. અત્યંત દુર્બોધ ગદ્ય લખવાનું માનીએ તેટલું મુશ્કેલ નથી. વાચકોને બિલકુલ ન સમજાય એવી ભાષામાં લખનાર આપોઆપ વિદ્વાનમાં ખપી જાય તે તો વાચકોની ઉદારતા ગણાય. એવી ભાષામાં લખનારની માનસિક રુગ્ણતા પણ તપાસવી પડે. મૂળે આ રોગની શરૂઆત સદીઓ પહેલાં સંસ્કૃતના પંડિતોએ કરી હતી.
પંડિતોને શાસ્ત્રાર્થનો જબરો શોખ હતો. પંડિતોના જ્ઞાનક્ષેત્રમાં સામાન્ય માણસને પ્રવેશની છુટ ન હતી. ભારતીય સંતોએ અને ભક્ત કવિઓએ અપાર કરુણા બતાવી અને શાસ્ત્રાર્થને બદલે સત્સંગનો મહિમા વધાર્યો. આ એક એવી ક્રાંતિ હતી જેની શરૂઆત કદાચ જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાએ કરી હતી. આવતા ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન નરસૈંયાની નગરી જૂનાગઢમાં યોજાવાનું છે.
તેમાં એક બેઠક ‘ભાષાકીય કટોકટી’ પર યોજાવાની છે. દુનિયાની બીજી કોઇપણ ભાષામાં પ્રભાતિયાં રચાયાં નથી. પ્રભાતિયાંની પંક્તિએ પંક્તિએ ઉપનિષદ ટપકે છે. ઊંડું તત્વજ્ઞાન આટલી સરળ ભાષામાં! આદરણીય મોરારિબાપુ પરિષદમાં પૂરા સમય માટે ઉપસ્થિત રહેવાના છે. પરિષદનો પ્રારંભ પ્રભાતિયાંના ગાનથી ભલે થતો.
સંત તુકારામના ગામ દેહૂ જવાનું થયું ત્યારે આગ્રહપૂર્વક પાસે આવેલી ઇન્દ્રિયાણી નદીનાં દર્શને ગયો. ગામના બ્રાહ્નણોએ સંત તુકારામે રચેલા અભંગને ઇન્દ્રિયાણી નદીમાં પધરાવી દેવાની ફરજ પાડી હતી. નદીમાં પધરાવેલી પોથી જળમાં વિલીન થઇ, પરંતુ લોકજીભે તુકારામની પંક્તિઓ જીવતી રહી તેથી આજે પણ તુકારામના અભંગ જીવંત છે. પંડિતાઇ સાથે સદીઓથી જોડાઇ ગયેલી ‘અકરુણા’ આજના કેટલાક સાહિત્યકારોનો સથવારો છોડવા તૈયાર નથી.
તુકારામનું ઘર હજી જળવાયું છે અને તુકારામના વંશજોને મળવાનું પણ બનેલું. તુકારામના ઘરના એક પાટિયા પર લખ્યું છે : ‘ઉમરાજ બી. મોરે, એડ્વોકેટ.’ ગામના મંદિરમાં સંત તુકારામના હસ્તાક્ષરમાં લખાયેલા અભંગની હસ્તપ્રત પણ જોવા મળી હતી. તુકારામ જ્ઞાતિએ કણબી હતા. અબ્રાહ્નણ એવો તુકારામ ઉપદેશ આપે તેથી બ્રાહ્નણો તેમના પર તૂટી પડ્યા. રાંદેરના લોકસેવક શ્રીકાંત આપટેજીએ ‘સંત તુકારામ’ નાટક તૈયાર કરેલું અને તે જમાનામાં ટિકિટ પણ રાખેલી.
એ નાટકમાં તુકારામના દીકરા મહાદુ (મહાદેવ)નું પાત્ર મેં ભજવેલું. એ નાટક ટિકિટના પૈસા ખર્ચીને જોનારા કેટલાક લોકો હજી રાંદેર-સુરત વિસ્તારમાં જીવે છે. જૂનાગઢને સમાંતર એવી આ ક્રાંતિ મહારાષ્ટ્રના દેહ ગામમાં થઇ હતી. નરસૈંયા અને તુકારામ વચ્ચે એક તફાવત હતો. નરસૈંયો ભણવામાં ઠોઠ હતો, જ્યારે તુકારામ વિદ્યાર્થી તરીકે હોશિયાર હતા, એવું કેદારનાથજીએ નોંધ્યું છે. સંતોની કરુણાએ સમાજને સત્સંગ દ્વારા બચાવી લીધો છે. તુલસીદાસજી ઊંચા ગજાના પંડિત હતા, તોય એમને કોઇએ ‘પંડિત તુલસીદાસ’ નથી કહ્યા. તેઓ ‘સંત તુલસીદાસ’ જ કહેવાયા. ‘રામચરિતમાનસ’ એમની કરુણાનો મધુર પ્રસાદ છે. પંડિત આદરણીય છે, સંત વંદનીય છે.
થોડાક મહિનાઓ પર એક જોખમકારક પ્રયોગ કરવાનું સાહસ કર્યું હતું. ‘કુમાર’ માસિકનો હજારમો અંક પ્રગટ થયો તેનું લોકાર્પણ એક સમારંભમાં થયું. આપણા લાડકા હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રમુખ હતા અને હું અતિથિ હતો. મારા પ્રવચન દરમિયાન સુજ્ઞ શ્રોતાઓને એક એવો ‘મગજતોડ’ ગદ્યખંડ વાંચી સંભળાવ્યો, જે પાંચ વખત વાંચો તોય ન સમજાય. જે વિદ્વાને એ દુર્બોધ અને ક્લિષ્ટ ગદ્યખંડ લખ્યો હતો, તે મહાશય સભામાં ન હોય એની ખાતરી મેં કરી લીધી હતી.
ધીમી ગતિએ અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એ ગદ્યખંડ સભામાં વાંચી સંભળાવ્યો પછી સુજ્ઞ શ્રોતાઓને પૂછ્યું : ‘કોઇને સમજ પડી?’ જવાબ મળ્યો ન હતો. પછી પ્રમુખશ્રી વિનોદ ભટ્ટને પૂછ્યું: ‘તમને કશુંક સમજાયું?’ પ્રમુખશ્રીએ લોકો સાંભળે એટલા મોટા સાદે ‘ના’ પાડી હતી. આને કહેવાય ‘ભાષાકીય કટોકટી’!
‘‘‘
કલ્પના કરી જુઓ. કોઇ રાજા વૈરાગ્યપૂર્વક પોતાના રાજ્યનો ત્યાગ કરે ત્યારે તેની રાણીઓ એની સાથે જવા તૈયાર થાય? ઇ.સ. ૧૪૨૫માં રાજપૂતાનામાં આવેલા રોહગઢના રાજાએ રામાનંદનો ભક્તિમાર્ગ સ્વીકાર્યો ત્યારે આવી ઘટના બની હતી. રાજા (પીપાજી) રાજી ન હતા, પરંતુ ગુરુ રામાનંદે કહ્યું : ‘રાજ્યનું ઐશ્ચર્ય છોડીને તમારી સાથે સહજભાવે આવે તો તેમને રોકવાથી શો ફાયદો?’ છેવટે પીપાજીની સાથે નાનાં રાણી સીતા પણ સાથે ગયાં.
કહેવાય છે કે પીપાજીએ સમુદ્રમાં ઝંપલાવ્યું ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પાછલું બધું જીવન દ્વારકામાં વીત્યું. કહેવાય છે કે દ્વારકાને માર્ગે ચિઘડ ભકતો એટલા ગરીબ હતા કે પોતાનાં વસ્ત્રો વેચીને પણ તેઓ પીપાભગતની સેવા કરતા. પીપાભગતે સારંગ વગાડીને અને સીતાએ નૃત્ય કરીને ભકતોને મદદ પહોંચાડેલી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી એવા આચાર્ય ક્ષિતિમોહન સેને એવું પણ નોંધ્યું છે કે: ‘દ્વારકાને માર્ગે પીપાવડ પાસે તેમનો એક મઠ છે. આ મઠ અતિથિ સેવા માટે જાણીતો છે. શીખોના ધર્મઉત્સવમાં પીપાનાં ગાન ગવાય છે. ગ્રંથસાહેબમાં તેમનાં ભજન છે.’ (‘સાધનાત્રયી’, પાન ૨૬૭).
પીપાભગતનું હળવુંખમ અધ્યાત્મ કેવું હતું? એમની પંક્તિઓ હૈયે ચોંટી જાય તેવી છે.
પીપા પાપ ન કીજિયે,
તો પુણ્ય કિયો સો બાર!
કિસીકા કછુ ન લીજિયે,
તો દાન દિયો અપાર!
જેમ ભાષામાં સરળતાનો મહિમા થાય, તેમ સરળ અધ્યાત્મનો મહિમા પણ થવો જોઇએ. બધા લોકો માટે મોક્ષ નથી. જેઓ મોક્ષાર્થી હોય તે ભલે રહ્યા, પરંતુ બાકીના કરોડો લોકો ‘જીવનાર્થી’ બને તોય ઘણું! પીપાભગતની પંક્તિઓમાં ઉપનિષદનું ઊંડાણ છે, પરંતુ સરળતા ઓછી નથી. માણસ પાપ ન કરે એટલે પુણ્ય આપોઆપ ચાલ્યું આવે! એ હરામનું કશુંય ન લે, તો તેને જ મહાદાન ગણવાનું રાખવું! પુણ્ય પ્રાપ્ત કરવા માટે ફાંફાં મારવાનાં ન હોય.
આજની સવાર ધન્ય થઇ ગઇ! નરસિંહ મહેતા, સંત તુકારામ અને પીપાભગતનું સ્મરણ એક્સાથે થયું. આવી થોડીક સવાર જીવનમાં મળી જતી હોય, તો હાર્ટ એટેક જખ મારે છે!‘
પાઘડીનો વળ છેડે
હે શિવ! મારાં ત્રણ મોટાં પાપ
બદલ મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો,
ત્યારે ભૂલી ગયો કે : તમે સર્વવ્યાપી છો!
હું સતત તમારો વિચાર કરું છું,
કારણ કે હું ભૂલી જ ગયો કે :
તમે તો વિચારથી પર છો!
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભૂલી ગયો કે :
તમે તો શબ્દોથી પર છો!
- શંકરાચાર્ય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો