"ગુજરાતી ભાષામાં ગાંઠિયા તથા એનાં વિવિધ સ્વરૂપો માટે સેવ, પાપડી, ફાફડા, રતલામી, ભાવનગરી વગેરે કુલ દોઢ ડઝન કરતાં વધુ વિકલ્પો છે. આપણી પાસે ધન, લક્ષ્મી, પૈસા, રૂપિયા, દામ વગેરે માટે એથીય વધુ શબ્દો છે, પણ આપણી માતૃભાષામાં હિંમત, સાહસ, કસરત, તાકાત, થાક કે પરસેવા માટે શાબ્દિક માંડ બે-ત્રણ પર્યાયો છે."
આ શબ્દો મેં એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યા હતા. એવરેજ ગુજરાતીની ફિઝિકલ ફિટનેસનો સ્તર, એનું શૌર્ય અને એની શારીરિક તાકાતનો ઇન્ડેક્સ અન્ય ભારતીયોની સરખામણીએ કેટલો મૂકી શકીએ? તમને ખબર છે.
ગુજરાતી પ્રજા શારીરિક દૃષ્ટિએ માયકાંગલી છે એવી છાપ શું કામ છે? મોટાભાગના ગુજરાતીઓ શાકાહારી છે એટલે? ભારતની બીજી પ્રજાઓ આપણને 'દાળભાત ખાઉ' તરીકે ઓળખે છે. શરીર સુદૃઢ કરવા માંસાહાર જરૂરી છે એવા ભ્રમમાં તો ગાંધીજી પણ એક ઉંમરમાં હતા. એમના દોસ્તોના કહેવાથી એમણે માંસાહાર ટ્રાય કર્યો હતો, એવી કબૂલાત કરેલી છે.
શારીરિક સ્વાસ્થ્યને કે તાકાતવર શરીરને માંસાહાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબા રામદેવ સંપૂર્ણપણે શાકાહારી છે. ફોર્ટી પ્લસની ઉંમરે કુશ્તીમાં એમના કરતાં અનેકગણા મજબૂત દેખાતા યુવાનને હરાવી શકે છે. શરીરના સુદૃઢપણાને ખોરાક કરતાં વધારે નિસબત ખોરાકની આદતો સાથે છે, લાઇફસ્ટાઇલ સાથે છે.
નાસ્તામાં ગાંઠિયા-ચેવડા ખાઈને શરીર સુદૃઢ બનતું નથી. આખો દિવસ બાઇક પર રખડીને કે ખુરશીમાં બેસીને બોડી બિલ્ડિંગ થતું નથી. ગુજરાતીઓમાં જ નહીં, ભારતની મોટાભાગની પ્રજાઓમાં શારીરિક સ્વાસ્થ્ય માટેની સભાનતા ખૂબ મોડી આવી. અમેરિકા-બ્રિટનની પ્રજાઓ જ્યારે આ બાબતમાં ખૂબ આગળ નીકળી ગઈ હતી ત્યારે ભારતના આમ આદમીઓ આ ક્ષેત્રે પહેલું ડગલું ભરતા થયા. રાજા-મહારાજાઓના કાળમાં અખાડા અને વ્યાયામશાળાઓ હતાં તે સિલેક્ટેડ ફ્યુ માટે, રાજ્યના મલ્લ અને સૈનિકો માટે,આમ પ્રજા માટે નહીં.
૧૯૬૦ના દાયકામાં ભારતમાં કસરત માટેનું એક સાધન વેચાતું 'બુલવર્કર'. રીડર્સ ડાયજેસ્ટમાં એની એડ આવતી. વી.પી.પી.થી ઘેરબેઠાં મંગાવી શકાતું. નાની ઉંમરે 'બુલવર્કર'ના બેઉ છેડા એકબીજા સાથે પ્રેસ કરીને એક ઇંચ પણ સરકાવી શકાતું નહીં. એની બેઉ બાજુના પ્લાસ્ટિકમાં દોરડાં ગમે એટલાં ખેંચો, સહેજ પણ ખસકતાં નહીં અને પાડોશના તાકાતવર મહારાષ્ટ્રીયન ગેઝેટેડ ઓફિસર છ-છ ઇંચ જેટલું દબાવતા ત્યારે એમના બેઉ હાથના ગોટલા ઉપસી આવતા.
વર્કઆઉટ કરવા માટે તે વખતે નાની-મોટી વ્યાયામશાળાઓ રહેતી. શહેરોમાં જિમ્નેશિયમનો ટ્રેન્ડ મુંબઈના 'તલવલકર્સ'થી શરૂ થયો. ૧૯૭૦ના અરસામાં એની પહેલી શાખા ઘરની સામેના જ મકાનમાં ખૂલી ત્યારે હું એ જિમનો સૌથી નાની ઉંમરનો મેમ્બર હોઈશ. આજે તો હવે તમામ શહેરોમાં ડઝનથી વધુ જાણીતી ફ્રેન્ચાઇઝીવાળાં જિમ ખૂલી ગયાં છે. વિદેશથી મંગાવેલાં આધુનિક સાધનો પર પરસેવો પાડીને ફિટનેસ જળવાય છે.
આ તમામ જિમને, એના ટ્રેનર્સને અને રેગ્યુલરલી જિમિંગ કરતા તમામ લોકોને સલામ, પણ એક વખત, માત્ર એક જ વખત જિમ છોડીને ઘરમાં વ્યાયામ કરી જુઓ. ભારતના સૌથી જાણીતા નેચરોપથી સ્વ ડો. મહેરવાન ભમગરા જિમ્નેશિયમના વિરોધી હતા. ઘરમાં બારસાખ સાથે એક દાંડો ફિટ કરીને તમે જિમ જેટલી જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ કરી શકો છો એવું એ કહેતા અને શિખવાડતા પણ ખરા. જિમના બંધિયાર અને ક્યારેક પ્રદૂષિત વાતાવરણમાં શરીરને લાભ થવાને બદલે નુકસાન થઈ જતું હોય છે. પ્રોપર ટ્રેનિંગ ન હોય તો વેઇટ્સ ઊંચકતી વખતે કમર, ગરદન, સાંધાઓને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
યોગાસન આપણે દુનિયાને આપેલી ભેટ છે. ભારતમાં આમ પ્રજા યોગસાન કરતી થઈ એ પહેલાં આપણા યોગગુરુઓ વિદેશોમાં જઈને ત્યાંની પ્રજાને એનું ઘેલું લગાડી આવ્યા. ગુજરાતમાં વડોદરા નજીકના કાયાવરોહણમાં સ્વામી કૃપલાનંદજીનો નાનકડો આશ્રમ. કૃપાલુ મહારાજ તરીકે સૌ કોઈ ઓળખે. આજે તો ઘણું મોટું તીર્થસ્થળ બની ગયું છે. કૃપાલુ મહારાજે લખેલું યોગાસન વિશેનું એક સચિત્ર પુસ્તક અમારા ઘરમાં. 'તલવલકર્સ' શરૂ થયું એ જ ગાળામાં આ પુસ્તકનાં પાનાં ફેરવતો. કૃપાલુ મહારાજે પોતે તમામ યોગાસનો કરીને પડાવેલા ફોટા એમાં બતાવેલા. અસંખ્ય તસવીરો છપાવેલી. આજે સમજાય છે કે ઓફસેટ પ્રિન્ટિંગ નહોતું એ જમાનામાં ઝિંકના બ્લોક્સ વડે છાપેલી આટલી બધી તસવીરોને કારણે છપાઈ કેટલી મોંઘી થઈ હશે.
કૃપાલુ મહારાજથી લઈને બાબા રામદેવ સુધીના અનેક અધ્યાત્મ ગુરુઓએ ભારતમાં અને ભારતની બહાર યોગનો પ્રચાર કર્યો છે. જિમિંગની સામે કોઈ મોટો વિરોધ નથી, પણ એક વાર ઘરમાં સૂર્યનમસ્કાર કરી જુઓ. પદ્ધતિસર શીખવા માટે યુ-ટયૂબ પર સર્ચ કરી શકો છો. માત્ર ચાર (યસ, માત્ર ચાર) સૂર્યનમસ્કાર જો પદ્ધતિસર અને પૂરતો સમય આપીને કર્યા હશે તો શરીરમાંથી એટલો જ પરસેવો છૂટશે જેટલો અડધો કલાકના રિગરસ જિમિંગ પછી તમને થતો હોય છે.
યોગાસન ધીરજ માગી લે છે. મનની શાંતિ માગી લે છે. કાનમાં અવાજનાં પૂમડાં ભેરવીને જિમિંગ થઈ શકે. કેટલાક આધુનિક જિમમાં હજુ મુખ્ય દરવાજો ખોલો ત્યાં જ ડિસ્કોમાં પ્રવેશતા હો એવું ધડામધુડુમ મ્યુઝિક સંભળાય. એવા સંગીત સામે પણ વ્યાયામ કરવાની મજા આવી શકે, પણ મન તદ્દન નીરવ શાંતિ મહેસૂસ કરતું હોય એવા ઘરના પોતીકા વાતાવરણમાં યોગાસન કરી જુઓ. સૂર્યનમસ્કારથી શરૂ કરવું. શરીર જ નહીં મન પણ રિલેક્સ થઈ જશે.
યોગગુરુ બાબા રામદેવની ઘણી મિમિક્રીઓ થાય છે. જેમની લોકપ્રિયતા વધતી જાય એમની મજાકો તો થવાની જ. ભલે, પણ એક દાયકા પહેલાં ખુદની ટીવી ચેનલ કરીને એમણે યોગનો સૌથી વધુ પ્રચાર કર્યો છે આ દેશમાં. આનો અર્થ એ નથી કે ભારતના બીજા યોગગુરુઓનું પ્રદાન આપણે ગણકારતા નથી, પણ આટલા મોટા પાયે અને તદ્દન સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એવો પ્રચાર કરવામાં બાબા રામદેવ પ્રથમ સ્થાને છે.
આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ભારત માટે આ ઘણો મોટો દિવસ છે. ભારતની સંસ્કૃતિ હવે ધીરે ધીરે પણ મક્કમ પગલે દુનિયાભરમાં આદર પામતી થઈ ગઈ.
આપણે ગુજરાતીઓ પૈસા તો બનાવીએ, ખૂબ બધા બનાવીએ, પણ એ પૈસાથી મળતાં સુખ-સગવડોને માણવા બોડી પણ બનાવીએ. કોઈ રોગિષ્ઠ શરીરવાળી વ્યક્તિ ભોગી નહીં બની શકે. ભોગી બનવા માટે પહેલાં યોગી બનવું પડે, તો જ ભોગ ભોગવવાની મજા આવે. બરાબર એક અઠવાડિયું બાકી છે. હવે આ છાપું બાજુએ મૂકીને યોગાસન કેવી રીતે કરવાં એ માટે ગૂગલ સર્ચ કરીએ. વિશ્વ યોગ દિવસને હજુ અઠવાડિયાની વાર છે. મને ખાતરી છે કે સાત દિવસ પછી તમે કમ સે કમ પહેલાં માળના તમારા ફ્લેટ સુધી પહોંચવા માટે લિફટની આદત તો છોડી જ દેવાના.
પાન બનાર્સવાલા
અદોદળા અને સ્થૂળ માણસો હસમુખા સ્વભાવના હોય છે, કારણ કે ન તો તેઓ લડી શકે છે, ન દોડી શકે છે.
- થિયોડોર રૂઝવેલ્ટ
(ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ)
તડકભડક : સૌરભ શાહ
(sandesh 14/6/2014)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો