રવિવાર, 14 જૂન, 2015

જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય રીતે આવે જ છે


મૈં વિજેતા ઓર મુઝે જીત લિયા ગયા હૈ
મૈંને છુઆ હૈ, ઔર મૈં છુઆ ગયા હૂં
મૈંને ચુમા હૈ, ઔર મૈં ચુમા ગયા હૂં
મૈં વિજેતા હૂં ઔર મુઝે જીત લિયા ગયા હૈ
મૈં મિટા હૂં, મૈં પરાભૂત હૂં મૈં આત્મસાત્ હૂં
અમત્ય કાલજિત હૂં
- કવિ અજ્ઞય
(કાવ્યસંગ્રહ : ‘કીતની નાવો મેં કીતની બાર’)

‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ અદભુત ગુનેગારીનું પુસ્તક, જેના પરથી 30 ફિલ્મો ઊતરી છે. રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ ફિલ્મ બનાવેલી. ફયોદોર દોસ્તોયવસ્કીના જીવન અને કથનને જાણો- માનવીના જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય (ઈન એવિટેબલ) રીતે આવે જ છે. ‘માનવીએ આ રંગબેરંગી જિંદગીની મોજ માણવી હોય તો અનિવાર્ય રીતે (ઈન એવિટેબલી) પીડા અને દુ:ખો (પેઈન એન્ડ સફરિંગ) સહન કરવાં જોઈએ જ. અને તે માટે એવું હૃદય રાખવું જેમાં તે બધું સમાવી શકે. માન, અપમાન અને ધિક્કાર વગેરે- ‘ગ્રેટ મેન મસ્ટ હેવ ગ્રેટ સેડનેસ.’ મોટા માણસ ગણાવું હોય તો તમારે જિંદગીની જબ્બર ગમગીનીના ડુંગરામાં દટાવું પડે છે. મહાન રશિયન લેખક ફયોડોર દોસ્તોયવસ્કીએ તેની નવલકથા નામે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’માં આ કીમતી સૂત્રો લખ્યાં છે.
 
આજની મે, 2015ની નવી પેઢીના યુવાનો અને 50ને વટાવી ગયેલા વડીલો ફયોડોર દોસ્તોયવસ્કીનું નામ જાણતા હોય તો એમને હું ભાગ્યશાળી ગણું છું. 19મી સદીમાં જન્મેલા દોસ્તોયવસ્કીને ઊંચા મોભાવાળી અને પગારવાળી મિલિટરી- ડોક્ટર તરીકેની નોકરી હતી પણ તેણે તે બધું છોડીને કલમને પકડી. માત્ર 20 વર્ષની ઉંમરથી જ દોસ્તોયવસ્કીએ વાર્તા લખવાનું શરૂ ર્ક્યુ. 11-12-1821ના જન્મેલા (અને 9-2-1881મા મરેલા) દોસ્તોયવસ્કીએ લગભગ દોઢસો વર્ષ પહેલાં તેણે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ નવલકથા લખી અને તેના ઉપરથી હોલિવૂડમાં કોઈ કહે કે 30 તો કોઈ કહે કે 80 ફિલ્મો ઊતરી છે. પરંતુ આપણે તો ઘણી ઘણી હિન્દી ફિલ્મો પણ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ ઉપરથી ઊતરી તેમાં રાજ કપૂર અને માલાસિંહાની ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ જ યાદ છે.
 
આ ફીર સુબહ હોગી ફિલ્મનાં ગીતો યાદ છે. આખા હિન્દુસ્તાનને તેના સાવ કંઠસ્થ કરવા જેવાં ગીતોમાં મુકેશને ગળે ગાયેલું ‘વોહ સુબહ કભી તો આયેગી’ ગીત સતત આપણા કાનમાં 57 વર્ષથી ગુંજે છે. ભારતમાં સૌથી વધુ વકરો કરીને આ ફિલ્મે રૂ. 18000000 ભેગા કરેલા. ખૈયામ સાહેબે (મોહમ્મદ ઝાહુર ખૈયામ) આ ફિલ્મનું સંગીત આપેલું. આ ફિલ્મમાં ‘સારે જહાસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ એ ગીત ઉપરથી બીજું ગીત ‘ચીનો-આરબ-હમારા- હિન્દોસ્તાં હમારા’ રચાયેલું. તમે જુઓ કે દોસ્તોયવસ્કી સાહેબ તો તેની દિવ્યદૃષ્ટિથી 2015ની દુનિયા જોઈ ગયેલા પણ રાજ કપૂર અને તેના ગીતકારે પણ ચીન અને અરબસ્તાનને સત્તાવન વર્ષ પહેલાં આપણાં ગણ્યાં છે.
 
આપણા ભાજપના બુઝુર્ગ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તેમના સાથીદાર અટલબિહારી વાજપેયી (ભારતના ભૂ. પૂ. વડાપ્રધાન) સાથે આ ફિલ્મ જોઈ આવેલા. એટલે કે 1958માં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સખત પરાજય પામ્યા પછી દોસ્તોયવસ્કીની આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવેલી કે ‘ફીર સુબહ હોગી.’ આજે ભાજપને આંગણે એ સુબહ પાછી ઊગીને અાવી છે. વાજપેયીએ પોતે પણ કહેલું કે દોસ્તોયવસ્કીની વાર્તા ઉપરથી રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ એ ટાઇટલ કેટલું બધું પ્રોફેટિક છે! (ભાજપ) અરે માત્ર ભાજપ માટે જ નહીં પણ મારે તમારે સૌને માટે દોસ્તોયવસ્કીની આ વાર્તા સંદેશો આપે છે કે જિંદગીની પછડાટથી કદી જ કાયમ માટે હતાશ ન થવું-ફીર સુબહ આયેગી! દોસ્તોયવસ્કીનું જીવન મારા પોતાનાં સતત દુ:ખ-સુખની છાયાવાળા જીવનમાં પ્રેરણાદાયી છે અને તેના જીવનની વાર્તા કહેવાની આ કલમને પણ ખૂબ ખૂજલી છે. પણ મને દોસ્તોયવસ્કીની વાર્તા કરતા તેનાં કથનને કહેવાની વધુ ઉતાવળ છે. તેનાં કેટલાંક સુવર્ણ અક્ષરે લખવા જેવાં કથનો લખીને પછી તેમનાં સુખ દુ:ખના આટાપાટાવાળા જીવનને જોશું.
 
-    ‘હે માનવબંધુ! હંમેશાં ઘોર નિરાશામાં પણ આશા સાથે તું જીવ આ આશા વગર જીવવું તે જીવવાનું અટકાવી દેવા જેવું કામ છે.’
-    (મારા તરફથી હવે પછી લખેલા કથનમાં ટિપ્પણી મૂકું છું કે તમે જેને ચાહો તે વ્યક્તિમાં ઈશ્વરત્વ જુઓ- ખુદાનું તત્ત્વ જુઓ. તમારો પ્રેમ સફળ થશે). દોસ્તોયવસ્કીએ કહેલું કે- ‘તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો ત્યારે તેનામાં ઈશ્વરનુ તત્ત્વ જુઓ છો!’
-    ‘તમારે તમારા આત્માને લાગેલો ડાઘ કે આત્માની મૂંઝવણ ટાળવી છે? તો ઝાઝો સમય બાળકો સાથે રહો.’
-    ‘મારી આ વાત પ્લીઝ યાદ રાખો કે તમને તમારાં દુ:ખો, તકલીફો, કષ્ટો અને બીજા તરફથી થયેલા અન્યાયને વારંવાર યાદ કરવાની ટેવ છે તે સારી નથી. ખરેખર તો આપણે આપણા પોતાના સુખનું એક લિસ્ટ બનાવવું જોઈએ. હી મસ્ટ કાઉન્ટ હિઝ જોયઝ.’ (મને આ 85ની ઉંમરે આ સૂત્ર કામ લાગ્યું છે. મને પડેલી તકલીફોને હું યાદ કરતો નથી કે તેને માટે બીજાને જવાબદાર ગણતો નથી. દુ:ખ પલટાઈ જાય છે. ક્ષમાનું સુખ અનુભવાય છે).
- દોસ્તોયવસ્કીની આ સલાહ ઉપર વિચાર કરજો. હું પોતે એશિયામણવાળો છું. ‘આ જગતમાં હોશિયારમાં હોશિયાર કે ચતુરમાં ચતુર એ જ માણસ છે જે મહિનામાં એકાદ વખત પોતે સાવ મૂરખ છે તેમ માનતો હોય! મહિનામાં તમારે એક વખત તો મૂરખ જેવું કામ કરવું કે તમને પોતાને જ મૂરખ કહેવા.’
- દોસ્તોયવસ્કીનું આ કથન એકદમ ચોટડુક છે કે ‘માનવીની અડધી જિંદગીમાં બીજું કાંઈ હોતું નથી પણ તેની પ્રથમ અડધી જિંદગીમાં જે ટેવો પાડી હોય તેને બીજી અડધી જિંદગીમાં રિપીટ કરે છે.
દોસ્તોયવસ્કીનાં મૂલ્યવાન કથનો હવે થોડીવાર મુલતવી રાખીએ. તેના જીવનને જાણીએ.
-    દોસ્તોયવસ્કીનાં રશિયન માતા-પિતાને સાત બાળકો હતાં. દોસ્તોયવસ્કી બીજો દીકરો હતો. પિતા ગરીબ હતા એટલે દોસ્તોયવસ્કી ધર્માદાની હોસ્પિટલમાં 11-11-1821ના રોજ જન્મ્યા. એ પછી એક અનાથાલયમાં ઊછર્યા. પછી ત્યાંથી તેને કાઢી મુકાયા તો માત્ર એક પાગલખાનામાં જગ્યા હતી ત્યાં દોસ્તોયવસ્કીને રહેવું પડ્યું. આ બધી જગ્યામાં તેણે બચપણમાં જે જે કષ્ટો વેઠ્યાં તે તમામ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’મા વાર્તારૂપે વાપર્યાં છે.
-    તેનાં માતા-પિતા જીવતાં હતાં ત્યાં સુધી તેમની સાથે દોસ્તોયવસ્કીને બનતું નહીં. પિતા સાથે ઝઘડીને તે પાગલની હોસ્પિટલ અને યતિમખાનામાં જઈ ત્યાંના લોકોને ખૂબ ખૂબ ગમે તેવી વાતો અને વાર્તા કહેતા. નવ વર્ષની ઉંમરે તેમને વાઈ-ફેફરુંનું દર્દ થયું તેના અનુભવો પણ વાર્તામાં દોસ્તોયવસ્કીએ લખ્યા છે (ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ).
-    મિલટિરી એન્જિનિયરિંગ સંસ્થામાં 16ની ઉંમરે ભણતા હતા ત્યારે માતા મરી ગયાં. માતાને ટીબી થયો હતો. મહાન મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રાેઈડે કહેલું કે ‘કોઈ પણ પુત્ર કે પુત્રીને પિતા (અગર) માતા તરફથી બાળકને કડવા અનુભવો થાય તેના જેવું કોઈ કષ્ટ નથી અને તે તમને કવિ કે લેખક બનાવે છે. જેને ખુદ પિતા તરફથી કષ્ટ વેઠવું પડે છે તે વ્યક્તિ જરૂર કથાકાર કે કવિ બને છે.
-    સ્કૂલમાં હતા ત્યારે દોસ્તોયવસ્કીએ વિલિયમ શેક્સપિયર, ટી. એ. હોફમેન, વિક્ટર હ્યુગો, બ્લેઝ પાસ્કલ વગેરે ધુરંધર લેખકોને વાંચી કાઢેલા. એટલે જ હું મારા દિવ્ય ભાસ્કરના વાચકોને કહું છું કે દુ:ખથી ભાગો નહીં અને ખાસ તો સતત સતત ખૂબ વાચન રાખો. લાઈબ્રેરીને તમારા મનના ખોરાકની ‘રેસ્ટોરાં’ બનાવો!
-    સત્તરમી સદીમાં (1623થી 1662) થઈ ગયેલા મેથેમેટિશિયન અને ફિલસૂફ સંત બ્લેઈઝ પારકલે કહેલું કે ‘કોઈની સાથે વાત કરો તો માયાળુ બની પ્રેમાળ વાક્યો જ બોલો. માયાળુ બનવામાં કાંઈ જ ખર્ચવું પડતું નથી. પણ ઘણું બધું મેળવાય છે. આ સૂત્રને દોસ્તોયવસ્કી પાળતા. દોસ્તોયવસ્કી પ્રત્યે કડવા કે ક્રૂર થનાર પ્રત્યે પણ દોસ્તોયવસ્કી માયાળુ રહેતા. અરે ઊલટાની મદદ કરતા.
-    1849માં દોસ્તોયવસ્કીના ક્રાંતિકારી વિચારો માટે તેને જેલમાં નખાયા. ત્યાં માત્ર રાબ પીને જીવ્યા. છૂટ્યા પછી પણ તે રશિયાના ઝાર નિકોલસના સરમુખત્યારીના ટીકાકાર રહેવા લાગ્યા એટલે ફરી જેલમાં નાખ્યા. આ ચાર વર્ષની જેલ અને તેમાં હાર્ડલેબરને કારણે તેનું શરીર કથળી ગયું અને 60ની ઉંમરે તેનો દેહાંત થયો.
-    તેના જીવનની આ ઘટના તેને માટે પણ દુ:ખદાયી છે કે 1864માં 43 વર્ષની ઉંમરે તેનાં પત્ની મરી ગયાં ત્યારે શરીરથી જ નહીં પણ આર્થિક સ્થિતિમાં કથળી ગયા. તેના ખોટા ઈલાજ તરીકે તે જુગાર રમવા માંડ્યા અને હારી જ જતા એટલે ડિપ્રેશનમાં આવી જતા. અને કમાલ જોઈ લો કે દેવાનો ભાર અને ગેમ્બલિંગથી આવેલા ડિપ્રેશનમાં તે વધુ સારું લખી શકતા! લેણદારોના સકંજામાંથી છૂટવા તે યુરોપ ભાગી ગયા અને ત્યારે 46 વર્ષની ઉંમરે તે 20 વર્ષની સાહિત્યપ્રેમી સુંદરી અન્ના તેના પ્રેમમાં પડ્યાં અને અન્નાના પ્રેમે તેને ચૌદ વર્ષ જિવાડ્યા. તેમનું અંતિમ વાક્ય હતું પ્રેમ તમને માણસ બનાવે છે. પ્રેમ નથી મળતો ત્યારે તમે કંઈ હોતા નથી.
દોસ્તોયવસ્કીનો સંદેશો હતો કે ગુનેગારને સજા કરતાં પહેલાં તેને ક્યા સંયોગોએ ગુનેગાર બનાવ્યો તેના ઉપર ઊંડો વિચાર કરો. સમાજ તેને માટે કેટલો જવાબદાર છે? તે વિચારો

ચેતના ની ક્ષણે - કાંતિ ભટ્ટ
( દિવ્ય ભાસ્કર ૦૭/૦૬/૨૦૧૫) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો