રવિવાર, 14 જૂન, 2015

જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય રીતે આવે જ છે


મૈં વિજેતા ઓર મુઝે જીત લિયા ગયા હૈ
મૈંને છુઆ હૈ, ઔર મૈં છુઆ ગયા હૂં
મૈંને ચુમા હૈ, ઔર મૈં ચુમા ગયા હૂં
મૈં વિજેતા હૂં ઔર મુઝે જીત લિયા ગયા હૈ
મૈં મિટા હૂં, મૈં પરાભૂત હૂં મૈં આત્મસાત્ હૂં
અમત્ય કાલજિત હૂં
- કવિ અજ્ઞય
(કાવ્યસંગ્રહ : ‘કીતની નાવો મેં કીતની બાર’)

‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ અદભુત ગુનેગારીનું પુસ્તક, જેના પરથી 30 ફિલ્મો ઊતરી છે. રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ ફિલ્મ બનાવેલી. ફયોદોર દોસ્તોયવસ્કીના જીવન અને કથનને જાણો- માનવીના જીવનમાં પીડા અને દુ:ખો અનિવાર્ય (ઈન એવિટેબલ) રીતે આવે જ છે. ‘માનવીએ આ રંગબેરંગી જિંદગીની મોજ માણવી હોય તો અનિવાર્ય રીતે (ઈન એવિટેબલી) પીડા અને દુ:ખો (પેઈન એન્ડ સફરિંગ) સહન કરવાં જોઈએ જ. અને તે માટે એવું હૃદય રાખવું જેમાં તે બધું સમાવી શકે. માન, અપમાન અને ધિક્કાર વગેરે- ‘ગ્રેટ મેન મસ્ટ હેવ ગ્રેટ સેડનેસ.’ મોટા માણસ ગણાવું હોય તો તમારે જિંદગીની જબ્બર ગમગીનીના ડુંગરામાં દટાવું પડે છે. મહાન રશિયન લેખક ફયોડોર દોસ્તોયવસ્કીએ તેની નવલકથા નામે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’માં આ કીમતી સૂત્રો લખ્યાં છે.
 
આજની મે, 2015ની નવી પેઢીના યુવાનો અને 50ને વટાવી ગયેલા વડીલો ફયોડોર દોસ્તોયવસ્કીનું નામ જાણતા હોય તો એમને હું ભાગ્યશાળી ગણું છું. 19મી સદીમાં જન્મેલા દોસ્તોયવસ્કીને ઊંચા મોભાવાળી અને પગારવાળી મિલિટરી- ડોક્ટર તરીકેની નોકરી હતી પણ તેણે તે બધું છોડીને કલમને પકડી. માત્ર 20 વર્ષની ઉંમરથી જ દોસ્તોયવસ્કીએ વાર્તા લખવાનું શરૂ ર્ક્યુ. 11-12-1821ના જન્મેલા (અને 9-2-1881મા મરેલા) દોસ્તોયવસ્કીએ લગભગ દોઢસો વર્ષ પહેલાં તેણે ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ નવલકથા લખી અને તેના ઉપરથી હોલિવૂડમાં કોઈ કહે કે 30 તો કોઈ કહે કે 80 ફિલ્મો ઊતરી છે. પરંતુ આપણે તો ઘણી ઘણી હિન્દી ફિલ્મો પણ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ ઉપરથી ઊતરી તેમાં રાજ કપૂર અને માલાસિંહાની ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ જ યાદ છે.
 
આ ફીર સુબહ હોગી ફિલ્મનાં ગીતો યાદ છે. આખા હિન્દુસ્તાનને તેના સાવ કંઠસ્થ કરવા જેવાં ગીતોમાં મુકેશને ગળે ગાયેલું ‘વોહ સુબહ કભી તો આયેગી’ ગીત સતત આપણા કાનમાં 57 વર્ષથી ગુંજે છે. ભારતમાં સૌથી વધુ વકરો કરીને આ ફિલ્મે રૂ. 18000000 ભેગા કરેલા. ખૈયામ સાહેબે (મોહમ્મદ ઝાહુર ખૈયામ) આ ફિલ્મનું સંગીત આપેલું. આ ફિલ્મમાં ‘સારે જહાસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ એ ગીત ઉપરથી બીજું ગીત ‘ચીનો-આરબ-હમારા- હિન્દોસ્તાં હમારા’ રચાયેલું. તમે જુઓ કે દોસ્તોયવસ્કી સાહેબ તો તેની દિવ્યદૃષ્ટિથી 2015ની દુનિયા જોઈ ગયેલા પણ રાજ કપૂર અને તેના ગીતકારે પણ ચીન અને અરબસ્તાનને સત્તાવન વર્ષ પહેલાં આપણાં ગણ્યાં છે.
 
આપણા ભાજપના બુઝુર્ગ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તેમના સાથીદાર અટલબિહારી વાજપેયી (ભારતના ભૂ. પૂ. વડાપ્રધાન) સાથે આ ફિલ્મ જોઈ આવેલા. એટલે કે 1958માં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સખત પરાજય પામ્યા પછી દોસ્તોયવસ્કીની આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવેલી કે ‘ફીર સુબહ હોગી.’ આજે ભાજપને આંગણે એ સુબહ પાછી ઊગીને અાવી છે. વાજપેયીએ પોતે પણ કહેલું કે દોસ્તોયવસ્કીની વાર્તા ઉપરથી રાજ કપૂર ‘ફીર સુબહ હોગી’ એ ટાઇટલ કેટલું બધું પ્રોફેટિક છે! (ભાજપ) અરે માત્ર ભાજપ માટે જ નહીં પણ મારે તમારે સૌને માટે દોસ્તોયવસ્કીની આ વાર્તા સંદેશો આપે છે કે જિંદગીની પછડાટથી કદી જ કાયમ માટે હતાશ ન થવું-ફીર સુબહ આયેગી! દોસ્તોયવસ્કીનું જીવન મારા પોતાનાં સતત દુ:ખ-સુખની છાયાવાળા જીવનમાં પ્રેરણાદાયી છે અને તેના જીવનની વાર્તા કહેવાની આ કલમને પણ ખૂબ ખૂજલી છે. પણ મને દોસ્તોયવસ્કીની વાર્તા કરતા તેનાં કથનને કહેવાની વધુ ઉતાવળ છે. તેનાં કેટલાંક સુવર્ણ અક્ષરે લખવા જેવાં કથનો લખીને પછી તેમનાં સુખ દુ:ખના આટાપાટાવાળા જીવનને જોશું.
 
-    ‘હે માનવબંધુ! હંમેશાં ઘોર નિરાશામાં પણ આશા સાથે તું જીવ આ આશા વગર જીવવું તે જીવવાનું અટકાવી દેવા જેવું કામ છે.’
-    (મારા તરફથી હવે પછી લખેલા કથનમાં ટિપ્પણી મૂકું છું કે તમે જેને ચાહો તે વ્યક્તિમાં ઈશ્વરત્વ જુઓ- ખુદાનું તત્ત્વ જુઓ. તમારો પ્રેમ સફળ થશે). દોસ્તોયવસ્કીએ કહેલું કે- ‘તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો ત્યારે તેનામાં ઈશ્વરનુ તત્ત્વ જુઓ છો!’
-    ‘તમારે તમારા આત્માને લાગેલો ડાઘ કે આત્માની મૂંઝવણ ટાળવી છે? તો ઝાઝો સમય બાળકો સાથે રહો.’
-    ‘મારી આ વાત પ્લીઝ યાદ રાખો કે તમને તમારાં દુ:ખો, તકલીફો, કષ્ટો અને બીજા તરફથી થયેલા અન્યાયને વારંવાર યાદ કરવાની ટેવ છે તે સારી નથી. ખરેખર તો આપણે આપણા પોતાના સુખનું એક લિસ્ટ બનાવવું જોઈએ. હી મસ્ટ કાઉન્ટ હિઝ જોયઝ.’ (મને આ 85ની ઉંમરે આ સૂત્ર કામ લાગ્યું છે. મને પડેલી તકલીફોને હું યાદ કરતો નથી કે તેને માટે બીજાને જવાબદાર ગણતો નથી. દુ:ખ પલટાઈ જાય છે. ક્ષમાનું સુખ અનુભવાય છે).
- દોસ્તોયવસ્કીની આ સલાહ ઉપર વિચાર કરજો. હું પોતે એશિયામણવાળો છું. ‘આ જગતમાં હોશિયારમાં હોશિયાર કે ચતુરમાં ચતુર એ જ માણસ છે જે મહિનામાં એકાદ વખત પોતે સાવ મૂરખ છે તેમ માનતો હોય! મહિનામાં તમારે એક વખત તો મૂરખ જેવું કામ કરવું કે તમને પોતાને જ મૂરખ કહેવા.’
- દોસ્તોયવસ્કીનું આ કથન એકદમ ચોટડુક છે કે ‘માનવીની અડધી જિંદગીમાં બીજું કાંઈ હોતું નથી પણ તેની પ્રથમ અડધી જિંદગીમાં જે ટેવો પાડી હોય તેને બીજી અડધી જિંદગીમાં રિપીટ કરે છે.
દોસ્તોયવસ્કીનાં મૂલ્યવાન કથનો હવે થોડીવાર મુલતવી રાખીએ. તેના જીવનને જાણીએ.
-    દોસ્તોયવસ્કીનાં રશિયન માતા-પિતાને સાત બાળકો હતાં. દોસ્તોયવસ્કી બીજો દીકરો હતો. પિતા ગરીબ હતા એટલે દોસ્તોયવસ્કી ધર્માદાની હોસ્પિટલમાં 11-11-1821ના રોજ જન્મ્યા. એ પછી એક અનાથાલયમાં ઊછર્યા. પછી ત્યાંથી તેને કાઢી મુકાયા તો માત્ર એક પાગલખાનામાં જગ્યા હતી ત્યાં દોસ્તોયવસ્કીને રહેવું પડ્યું. આ બધી જગ્યામાં તેણે બચપણમાં જે જે કષ્ટો વેઠ્યાં તે તમામ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’મા વાર્તારૂપે વાપર્યાં છે.
-    તેનાં માતા-પિતા જીવતાં હતાં ત્યાં સુધી તેમની સાથે દોસ્તોયવસ્કીને બનતું નહીં. પિતા સાથે ઝઘડીને તે પાગલની હોસ્પિટલ અને યતિમખાનામાં જઈ ત્યાંના લોકોને ખૂબ ખૂબ ગમે તેવી વાતો અને વાર્તા કહેતા. નવ વર્ષની ઉંમરે તેમને વાઈ-ફેફરુંનું દર્દ થયું તેના અનુભવો પણ વાર્તામાં દોસ્તોયવસ્કીએ લખ્યા છે (ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ).
-    મિલટિરી એન્જિનિયરિંગ સંસ્થામાં 16ની ઉંમરે ભણતા હતા ત્યારે માતા મરી ગયાં. માતાને ટીબી થયો હતો. મહાન મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રાેઈડે કહેલું કે ‘કોઈ પણ પુત્ર કે પુત્રીને પિતા (અગર) માતા તરફથી બાળકને કડવા અનુભવો થાય તેના જેવું કોઈ કષ્ટ નથી અને તે તમને કવિ કે લેખક બનાવે છે. જેને ખુદ પિતા તરફથી કષ્ટ વેઠવું પડે છે તે વ્યક્તિ જરૂર કથાકાર કે કવિ બને છે.
-    સ્કૂલમાં હતા ત્યારે દોસ્તોયવસ્કીએ વિલિયમ શેક્સપિયર, ટી. એ. હોફમેન, વિક્ટર હ્યુગો, બ્લેઝ પાસ્કલ વગેરે ધુરંધર લેખકોને વાંચી કાઢેલા. એટલે જ હું મારા દિવ્ય ભાસ્કરના વાચકોને કહું છું કે દુ:ખથી ભાગો નહીં અને ખાસ તો સતત સતત ખૂબ વાચન રાખો. લાઈબ્રેરીને તમારા મનના ખોરાકની ‘રેસ્ટોરાં’ બનાવો!
-    સત્તરમી સદીમાં (1623થી 1662) થઈ ગયેલા મેથેમેટિશિયન અને ફિલસૂફ સંત બ્લેઈઝ પારકલે કહેલું કે ‘કોઈની સાથે વાત કરો તો માયાળુ બની પ્રેમાળ વાક્યો જ બોલો. માયાળુ બનવામાં કાંઈ જ ખર્ચવું પડતું નથી. પણ ઘણું બધું મેળવાય છે. આ સૂત્રને દોસ્તોયવસ્કી પાળતા. દોસ્તોયવસ્કી પ્રત્યે કડવા કે ક્રૂર થનાર પ્રત્યે પણ દોસ્તોયવસ્કી માયાળુ રહેતા. અરે ઊલટાની મદદ કરતા.
-    1849માં દોસ્તોયવસ્કીના ક્રાંતિકારી વિચારો માટે તેને જેલમાં નખાયા. ત્યાં માત્ર રાબ પીને જીવ્યા. છૂટ્યા પછી પણ તે રશિયાના ઝાર નિકોલસના સરમુખત્યારીના ટીકાકાર રહેવા લાગ્યા એટલે ફરી જેલમાં નાખ્યા. આ ચાર વર્ષની જેલ અને તેમાં હાર્ડલેબરને કારણે તેનું શરીર કથળી ગયું અને 60ની ઉંમરે તેનો દેહાંત થયો.
-    તેના જીવનની આ ઘટના તેને માટે પણ દુ:ખદાયી છે કે 1864માં 43 વર્ષની ઉંમરે તેનાં પત્ની મરી ગયાં ત્યારે શરીરથી જ નહીં પણ આર્થિક સ્થિતિમાં કથળી ગયા. તેના ખોટા ઈલાજ તરીકે તે જુગાર રમવા માંડ્યા અને હારી જ જતા એટલે ડિપ્રેશનમાં આવી જતા. અને કમાલ જોઈ લો કે દેવાનો ભાર અને ગેમ્બલિંગથી આવેલા ડિપ્રેશનમાં તે વધુ સારું લખી શકતા! લેણદારોના સકંજામાંથી છૂટવા તે યુરોપ ભાગી ગયા અને ત્યારે 46 વર્ષની ઉંમરે તે 20 વર્ષની સાહિત્યપ્રેમી સુંદરી અન્ના તેના પ્રેમમાં પડ્યાં અને અન્નાના પ્રેમે તેને ચૌદ વર્ષ જિવાડ્યા. તેમનું અંતિમ વાક્ય હતું પ્રેમ તમને માણસ બનાવે છે. પ્રેમ નથી મળતો ત્યારે તમે કંઈ હોતા નથી.
દોસ્તોયવસ્કીનો સંદેશો હતો કે ગુનેગારને સજા કરતાં પહેલાં તેને ક્યા સંયોગોએ ગુનેગાર બનાવ્યો તેના ઉપર ઊંડો વિચાર કરો. સમાજ તેને માટે કેટલો જવાબદાર છે? તે વિચારો

ચેતના ની ક્ષણે - કાંતિ ભટ્ટ
( દિવ્ય ભાસ્કર ૦૭/૦૬/૨૦૧૫) 

ભોગી બનવા માટે પહેલાં યોગી બનવું પડે


"ગુજરાતી ભાષામાં ગાંઠિયા તથા એનાં વિવિધ સ્વરૂપો માટે સેવ, પાપડી, ફાફડા, રતલામી, ભાવનગરી વગેરે કુલ દોઢ ડઝન કરતાં વધુ વિકલ્પો છે. આપણી પાસે ધન, લક્ષ્મી, પૈસા, રૂપિયા, દામ વગેરે માટે એથીય વધુ શબ્દો છે, પણ આપણી માતૃભાષામાં હિંમત, સાહસ, કસરત, તાકાત, થાક કે પરસેવા માટે શાબ્દિક માંડ બે-ત્રણ પર્યાયો છે."
આ શબ્દો મેં એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યા હતા. એવરેજ ગુજરાતીની ફિઝિકલ ફિટનેસનો સ્તર, એનું શૌર્ય અને એની શારીરિક તાકાતનો ઇન્ડેક્સ અન્ય ભારતીયોની સરખામણીએ કેટલો મૂકી શકીએ? તમને ખબર છે.
ગુજરાતી પ્રજા શારીરિક દૃષ્ટિએ માયકાંગલી છે એવી છાપ શું કામ છે? મોટાભાગના ગુજરાતીઓ શાકાહારી છે એટલે? ભારતની બીજી પ્રજાઓ આપણને 'દાળભાત ખાઉ' તરીકે ઓળખે છે. શરીર સુદૃઢ કરવા માંસાહાર જરૂરી છે એવા ભ્રમમાં તો ગાંધીજી પણ એક ઉંમરમાં હતા. એમના દોસ્તોના કહેવાથી એમણે માંસાહાર ટ્રાય કર્યો હતો, એવી કબૂલાત કરેલી છે.
શારીરિક સ્વાસ્થ્યને કે તાકાતવર શરીરને માંસાહાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબા રામદેવ સંપૂર્ણપણે શાકાહારી છે. ફોર્ટી પ્લસની ઉંમરે કુશ્તીમાં એમના કરતાં અનેકગણા મજબૂત દેખાતા યુવાનને હરાવી શકે છે. શરીરના સુદૃઢપણાને ખોરાક કરતાં વધારે નિસબત ખોરાકની આદતો સાથે છે, લાઇફસ્ટાઇલ સાથે છે.
નાસ્તામાં ગાંઠિયા-ચેવડા ખાઈને શરીર સુદૃઢ બનતું નથી. આખો દિવસ બાઇક પર રખડીને કે ખુરશીમાં બેસીને બોડી બિલ્ડિંગ થતું નથી. ગુજરાતીઓમાં જ નહીં, ભારતની મોટાભાગની પ્રજાઓમાં શારીરિક સ્વાસ્થ્ય માટેની સભાનતા ખૂબ મોડી આવી. અમેરિકા-બ્રિટનની પ્રજાઓ જ્યારે આ બાબતમાં ખૂબ આગળ નીકળી ગઈ હતી ત્યારે ભારતના આમ આદમીઓ આ ક્ષેત્રે પહેલું ડગલું ભરતા થયા. રાજા-મહારાજાઓના કાળમાં અખાડા અને વ્યાયામશાળાઓ હતાં તે સિલેક્ટેડ ફ્યુ માટે, રાજ્યના મલ્લ અને સૈનિકો માટે,આમ પ્રજા માટે નહીં.
૧૯૬૦ના દાયકામાં ભારતમાં કસરત માટેનું એક સાધન વેચાતું 'બુલવર્કર'. રીડર્સ ડાયજેસ્ટમાં એની એડ આવતી. વી.પી.પી.થી ઘેરબેઠાં મંગાવી શકાતું. નાની ઉંમરે 'બુલવર્કર'ના બેઉ છેડા એકબીજા સાથે પ્રેસ કરીને એક ઇંચ પણ સરકાવી શકાતું નહીં. એની બેઉ બાજુના પ્લાસ્ટિકમાં દોરડાં ગમે એટલાં ખેંચો, સહેજ પણ ખસકતાં નહીં અને પાડોશના તાકાતવર મહારાષ્ટ્રીયન ગેઝેટેડ ઓફિસર છ-છ ઇંચ જેટલું દબાવતા ત્યારે એમના બેઉ હાથના ગોટલા ઉપસી આવતા.
વર્કઆઉટ કરવા માટે તે વખતે નાની-મોટી વ્યાયામશાળાઓ રહેતી. શહેરોમાં જિમ્નેશિયમનો ટ્રેન્ડ મુંબઈના 'તલવલકર્સ'થી શરૂ થયો. ૧૯૭૦ના અરસામાં એની પહેલી શાખા ઘરની સામેના જ મકાનમાં ખૂલી ત્યારે હું એ જિમનો સૌથી નાની ઉંમરનો મેમ્બર હોઈશ. આજે તો હવે તમામ શહેરોમાં ડઝનથી વધુ જાણીતી ફ્રેન્ચાઇઝીવાળાં જિમ ખૂલી ગયાં છે. વિદેશથી મંગાવેલાં આધુનિક સાધનો પર પરસેવો પાડીને ફિટનેસ જળવાય છે.
આ તમામ જિમને, એના ટ્રેનર્સને અને રેગ્યુલરલી જિમિંગ કરતા તમામ લોકોને સલામ, પણ એક વખત, માત્ર એક જ વખત જિમ છોડીને ઘરમાં વ્યાયામ કરી જુઓ. ભારતના સૌથી જાણીતા નેચરોપથી સ્વ ડો. મહેરવાન ભમગરા જિમ્નેશિયમના વિરોધી હતા. ઘરમાં બારસાખ સાથે એક દાંડો ફિટ કરીને તમે જિમ જેટલી જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ કરી શકો છો એવું એ કહેતા અને શિખવાડતા પણ ખરા. જિમના બંધિયાર અને ક્યારેક પ્રદૂષિત વાતાવરણમાં શરીરને લાભ થવાને બદલે નુકસાન થઈ જતું હોય છે. પ્રોપર ટ્રેનિંગ ન હોય તો વેઇટ્સ ઊંચકતી વખતે કમર, ગરદન, સાંધાઓને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
યોગાસન આપણે દુનિયાને આપેલી ભેટ છે. ભારતમાં આમ પ્રજા યોગસાન કરતી થઈ એ પહેલાં આપણા યોગગુરુઓ વિદેશોમાં જઈને ત્યાંની પ્રજાને એનું ઘેલું લગાડી આવ્યા. ગુજરાતમાં વડોદરા નજીકના કાયાવરોહણમાં સ્વામી કૃપલાનંદજીનો નાનકડો આશ્રમ. કૃપાલુ મહારાજ તરીકે સૌ કોઈ ઓળખે. આજે તો ઘણું મોટું તીર્થસ્થળ બની ગયું છે. કૃપાલુ મહારાજે લખેલું યોગાસન વિશેનું એક સચિત્ર પુસ્તક અમારા ઘરમાં. 'તલવલકર્સ' શરૂ થયું એ જ ગાળામાં આ પુસ્તકનાં પાનાં ફેરવતો. કૃપાલુ મહારાજે પોતે તમામ યોગાસનો કરીને પડાવેલા ફોટા એમાં બતાવેલા. અસંખ્ય તસવીરો છપાવેલી. આજે સમજાય છે કે ઓફસેટ પ્રિન્ટિંગ નહોતું એ જમાનામાં ઝિંકના બ્લોક્સ વડે છાપેલી આટલી બધી તસવીરોને કારણે છપાઈ કેટલી મોંઘી થઈ હશે.
કૃપાલુ મહારાજથી લઈને બાબા રામદેવ સુધીના અનેક અધ્યાત્મ ગુરુઓએ ભારતમાં અને ભારતની બહાર યોગનો પ્રચાર કર્યો છે. જિમિંગની સામે કોઈ મોટો વિરોધ નથી, પણ એક વાર ઘરમાં સૂર્યનમસ્કાર કરી જુઓ. પદ્ધતિસર શીખવા માટે યુ-ટયૂબ પર સર્ચ કરી શકો છો. માત્ર ચાર (યસ, માત્ર ચાર) સૂર્યનમસ્કાર જો પદ્ધતિસર અને પૂરતો સમય આપીને કર્યા હશે તો શરીરમાંથી એટલો જ પરસેવો છૂટશે જેટલો અડધો કલાકના રિગરસ જિમિંગ પછી તમને થતો હોય છે.
યોગાસન ધીરજ માગી લે છે. મનની શાંતિ માગી લે છે. કાનમાં અવાજનાં પૂમડાં ભેરવીને જિમિંગ થઈ શકે. કેટલાક આધુનિક જિમમાં હજુ મુખ્ય દરવાજો ખોલો ત્યાં જ ડિસ્કોમાં પ્રવેશતા હો એવું ધડામધુડુમ મ્યુઝિક સંભળાય. એવા સંગીત સામે પણ વ્યાયામ કરવાની મજા આવી શકે, પણ મન તદ્દન નીરવ શાંતિ મહેસૂસ કરતું હોય એવા ઘરના પોતીકા વાતાવરણમાં યોગાસન કરી જુઓ. સૂર્યનમસ્કારથી શરૂ કરવું. શરીર જ નહીં મન પણ રિલેક્સ થઈ જશે.
યોગગુરુ બાબા રામદેવની ઘણી મિમિક્રીઓ થાય છે. જેમની લોકપ્રિયતા વધતી જાય એમની મજાકો તો થવાની જ. ભલે, પણ એક દાયકા પહેલાં ખુદની ટીવી ચેનલ કરીને એમણે યોગનો સૌથી વધુ પ્રચાર કર્યો છે આ દેશમાં. આનો અર્થ એ નથી કે ભારતના બીજા યોગગુરુઓનું પ્રદાન આપણે ગણકારતા નથી, પણ આટલા મોટા પાયે અને તદ્દન સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એવો પ્રચાર કરવામાં બાબા રામદેવ પ્રથમ સ્થાને છે.
આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ભારત માટે આ ઘણો મોટો દિવસ છે. ભારતની સંસ્કૃતિ હવે ધીરે ધીરે પણ મક્કમ પગલે દુનિયાભરમાં આદર પામતી થઈ ગઈ.
આપણે ગુજરાતીઓ પૈસા તો બનાવીએ, ખૂબ બધા બનાવીએ, પણ એ પૈસાથી મળતાં સુખ-સગવડોને માણવા બોડી પણ બનાવીએ. કોઈ રોગિષ્ઠ શરીરવાળી વ્યક્તિ ભોગી નહીં બની શકે. ભોગી બનવા માટે પહેલાં યોગી બનવું પડે, તો જ ભોગ ભોગવવાની મજા આવે. બરાબર એક અઠવાડિયું બાકી છે. હવે આ છાપું બાજુએ મૂકીને યોગાસન કેવી રીતે કરવાં એ માટે ગૂગલ સર્ચ કરીએ. વિશ્વ યોગ દિવસને હજુ અઠવાડિયાની વાર છે. મને ખાતરી છે કે સાત દિવસ પછી તમે કમ સે કમ પહેલાં માળના તમારા ફ્લેટ સુધી પહોંચવા માટે લિફટની આદત તો છોડી જ દેવાના.
પાન બનાર્સવાલા
અદોદળા અને સ્થૂળ માણસો હસમુખા સ્વભાવના હોય છે, કારણ કે ન તો તેઓ લડી શકે છે, ન દોડી શકે છે.
થિયોડોર રૂઝવેલ્ટ
(ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ)

તડકભડક : સૌરભ શાહ
(sandesh 14/6/2014)

શુક્રવાર, 12 જૂન, 2015

જ્ઞાની સમજીને આચરણ કરે છે, અજ્ઞાની જે આચરણ કરે છે એને સાચું માને છે

આ જગતમાં જ્ઞાની પુરુષો ખૂબ સ્વસ્થતાથી જીવે છે, કારણ કે તેઓ સમજીને, વિચારીને, જે સાચું હોય તેનું આચરણ કરતા હોય છે. જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે, કારણ કે તેઓ જે આચરણ કરે તેને સાચું માનતા હોય છે. 

એક પિતાને ત્રણ પુત્રો હોય તેમાં જે સૌથી વધુ સમજદાર હોય તે સૌથી વધુ દુ:ખી હશે. નાના ભાઈને ભણાવવાની, બહેનને પરણાવવાની, પરિવારના સભ્યોની જીવન જરૂરિયાતની તેને ચિંતા હશે. બાકી તમાકુપાન ગલોફે ચડાવી, બીડીની સટ મારી પોતાનું ખમીસ મિત્રોને સોંપી અંડરવેર વરાણીએ સિનેમાથિયેટર પર સ્ટન્ટ ફિલ્મની ટિકિટ લેવા ભીડમાં જે મર્દાનગી બતાવતો હોય તેને કાંઈ ચિંતા ન હોય. પિતા વૃદ્ધ થયા છે, હવે બધુ ઢસરડો કરી શકે તેમ નથી. સંયુક્ત કુટુંબના ગાડાના આ બેલને હવે આંબલીને છાંયે બેસીને આરામ કરવાની જરૂર છે. નીરણની જરૂર છે. વીતી ગયેલી જિંદગીના અતીતને હવે તો તેને વાગોળવા દ્યો. આવું ભાન મૂર્ખાના પુત્રને નથી હોતું. અમારે મથુરનો દીકરો દામોદર આવો મૂર્ખ હતો : જે આચરણ કરતો તેને સાચું માનતો. 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો પણ દામોદર ભણે તો ને? એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો, ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી ભટકાડીને બારણાં તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો, અલીફ-બે-પે-તે શીખે થે વહી કુરાન પઢને કો, અલીફ-બે-પે-તે તો કુરાને શરીફ પઢવા માટે શીખ્યા હતા, કખગઘનું ભણતર તો સુવાક્યો લખવા માટે ભણ્યા હતા. એબીસીડી શેલી અને કીટ્સનાં કાવ્યો વાંચવા શીખ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યાં નહીં. 

એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો હરિભાઇને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદર નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો હવે મગન પણ વિઠ્ઠલ માથે પછાડો તો ઘોબો ન પડે તેવો. મગન કહે, "હું પહેલો દરવાજામાંથી નીકળું" અને દામોદર કહે, "વાતમાં માલ શું છે?" 

બંને વાદે ચડ્યા પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોભમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું "બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે કે "હું પહેલો નીકળું." તે બાપા, એમ કોઈને મારગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું." મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, "તું ઘરે જા લાવ તપેલી. હું ઊભો રહું છું." મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, "તારો બાપ ભલેને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાધિ લે, પણ ઘી તો ઘરે સળગાવવું'તું." દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે. તેમાં ઘી જરૂરી નથી એટલે તે પાછો દરવાજે આવ્યો અને અને બોલ્યો. "બાપા હવે તમે ઘી લઈ ઘરે જાઓ, હું અહીં ઊભો છું. " ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો. 

આવો ઉદ્દંડ, તોફાની, માર ખાઈખાનૈ કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ ૯-ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો,આંખોમાં કોઈ શરારત - કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, "કેમ મોડો આવ્યો ?" દામોદરે કહ્યું "સાહેબ, રાંધવામાં મોડું થઇ ગયું." મેં કહ્યું, "તારે રાંધવાનું કામ કરવું પડે છે ?" દામોદરે કહ્યું, "હા, સાહેબ." મેં કહ્યું, "હા સાહેબ," મેં કહ્યું, "પણ શા માટે? તારી બા નથી રાંધતાં?" મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. "સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી મા મને મૂકીને ચાલી ગઈ." મેં કહ્યું, "અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું?" દામોદર કહે, "દાઝી જવાથી, અહીં દવાખાને લઇ ગયા. પછી રાજકોટ લઇ ગયા, પણ સાહેબ મારી માતા ન બચી શકી." આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો. પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું, "મરતાં કરતાં તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, "હા મો કહ્યું "બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે." 

દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અને બંને રડ્યા, દામોદર નવમા ધોરણમાં છઠ્ઠે નંબરે પાસ થયો અને એસ.એસ.સીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું, માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલાઈ અને વર્તન બદલાઈ ગયું. પરંતુ વિઠ્ઠલના પુત્ર મગનના જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટી, તેથી તે એમનો એમ રહ્યો, વિઠ્ઠલની જેમ જ. 

અમારા ગામમાં વીર વિક્રમની વાતો એટલી વિઠ્ઠલની વાતો. એ વખતે વિઠ્ઠલ હજી વાંઢો, પીળા હાથ નહીં થયેલા.કન્યાની તલાશમાં વિઠ્ઠલે આજુબાજુની ભોમકા ધમરોળી નાખેલી, પણ ક્યાંય મેળ પડેલો નહીં. વિઠ્ઠલનું રડ્યુંખડ્યું બધું કન્યાપ્રાપ્તિના પ્રયાસમાં ખર્ચ થઈ જતું. વિઠ્ઠલની લગ્નોત્સુક અવસ્થાનો લાભ લઈ કોઈ ચા પી જતું, કોઈ પાન-સિગારેટનો જલસો મારી જતા, કોઈ વળી મોટી લાલચમાં નાસ્તાનો વેત કરતા તો અમુક તો વિઠ્ઠલને આંબા-આંબલી દેખાડી દૂરના ગામના ભાડાના આવવા-જવાના પૈસા મેળવી પોતાનાં કામ કરી આવતા. અમારો પણ આમાં સમાવેશ થતો, પણ એક દિવસ અમે જરાક વધુ પડતી મશ્કરી કરી નાખી. અમે ભેગા થઈ પ્રથમ તો વિઠ્ઠલને સમજાવ્યો. "જો વિઠ્ઠલ, સગપણ થશે કે તરત જ જાડી જાન જોડવી પડશે. કન્યાવાળા ઉતાવળ કરશે, એટલે આપણાથી આનાકાની નહીં થાય, જાનમાં ગામના પ્રતિષ્ઠિત માણસો જોશે જે કાયમ બધાના ફુલેકામાં હોય છે તે બધા.'' વિઠ્ઠલ કાંઈ બોલ્યો નહીં, પણ પોતાના વિશે થતી આવી શુભ મંગલ વાતોથી માત્ર શરમાણો અને "તમે જે કહો તે" આવું બોલી અમને લીલી ઝંડી આપી. અમે કહ્યું, "પ્રથમ તો આપણે જમણવાર યોજી, સૌ મોટા મોટાનાં મોંઢાં ભાંગી નાખીએ, જેથી જાનમાં આવવાના પ્રસંગે કોઈ આનાકાની ન કરી શકે." સ્નાનકવાસીજૈન ભોજનશાળા નક્કી કરવામાં આવી. અમરશી અને રવજી ભગતે ભોજનની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. અમારા ડાયરાએ શું બનાવવું તેની યાદી તૈયાર કરી. ત્રણ મિષ્ટાન્ન, બે શાક અને કઠોળ, દાળ, ભાત, સંભારો, પાપડ અને છેલ્લે છાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. પહેલેથી છેલ્લે સુધી બધું બરાબર ગોઠવાઈ ગયું. આમંત્રણો આપવામાં આવ્યાં. જમણવારનો શુભ દિવસ આવ્યો. જમવા આવનાર સાથે સંબંધીઓને પણ વિઠ્ઠલને સારું લાગે એમ સમજી લેતા આવ્યા. મોટા મોટા માણસોને જમવા આવતા જોઈ પ્રથમ તો વિઠ્ઠલ હરખાણો, સૌને આદરસત્કાર આપવા બારણે ઊભો રહ્યો. આવનારસૌએ વિઠ્ઠલની પ્રશંસા કરી. કોઈએ તેનો ઉદાર સ્વભાવ વખાણ્યો, તો કોઈએ તેની સેવાભાવી વૃત્તિ. પરંતુ જમનારા જેમ જેમ વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલનો પ્રશંસાનો નશો ઊતરતો ગયો અને છાતીમાં પાટિયાં ભીંસાતાં હોય એવું મંડ્યાં લાગવા. પંગતો પડી, થાળીઓ મુકાણી, પીરસવાવાળા જુવાનોએ વાનગી પીરસી દીધી. ડો. મેંઢા સાહેબે શ્લોકો બોલાવ્યા. સૌ જમવાનું શરૂ કરેત્યાં વિઠ્ઠલે એવી મરણપોક મૂકી કે સૌના શ્વાસ થંભી ગયા. કોળિયા હાથમાં રહી ગયા. અમે દોડ્યા. વિઠ્ઠલને પૂછ્યું, "શું થયું? વિઠ્ઠલ શું થયું?" વિઠ્ઠલ રોતાં રોતાં કહે, "બધા ભેગા થઈ મારું ખાઇ ગયા." અમે કહ્યું, "બોલ મા મૂંગો રહે..." પરંતુ વિઠ્ઠલના વાણી અને વિલાપને રોકી શકાય તેમ નહોતો. "એ મને ઊંડા કૂવામાં ઉતારી વરત કાપી, મારી મરણમૂડી એક ટંકમાં ઉડાડી ગયા, મને ભોળાને ભરમાવ્યો." " 

વિઠ્ઠલનું હૈયું વાણીમાં ઠલવાયે જતું હતું. વિઠ્ઠલ કરતાં પણ મોટી મૂંઝવણ ભાણે બેઠેલાની થઈ. અમુકને થયું. વિઠ્ઠલની અવળવાણી સાંભળી ભાણા પરથી ઊઠી જવું, તો અમુકનો મત એવો હતો કે અજ્ઞાનીનાં ઓરતાં ન હોય એમ માની વિઠ્ઠલના બોલ્યા સામું ન જોતાં અન્નનો અનાદર કર્યા વગર શાંતિથી જમી લેવું. જ્યારે અમુકે નક્કી કર્યું કે સૌને નોતરી આવી જટિલ સમસ્યા સર્જાઈ ગઈ. વિઠ્ઠલનો વિલાપ કોઈને જંપવા દે તેમ ન હોવાથી હું, વનેચંદ અને ઠાકરશી વિઠ્ઠલને સમજાવવાં માંડ્યા, "બોલ વિઠ્ઠલ, કેટલું ખર્ચ થયુંછે ?" વિઠ્ઠલ કહે, ત્રણ હજાર તો થઈ ગયા છે. હવે પરણીશ કઈ રીત ? તમારું..." અમે કહ્યું, "શાપ દે મા વિઠ્ઠલ વાત તો ત્રણ હજારની છે ને ? તું ધરપત રાખ, સૌ સારાં વાના થઈ જશે" ચૂંટણીના સમયે ઉમેદવારો આપે છે તેવાં આશ્વાસનો અમે આપ્યાં, પણ તેની વિઠ્ઠલ પરકોઈ અસર ન થઈ. છેવટે ઠાકરશી સાકરિયાએ હિસાબ કરી સૌ પાસેથી અગિયાર રૂપિયા ઉઘરાવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તરત પસાર થયો અને અમલ શરૂ કર્યો. 

મેં પંગત વચ્ચે ઊભા થઈ ભાષણ કર્યું, "ભાઈઓ, મુરબ્બીઓ, મિત્રો ! વિઠ્ઠલનું દુ:ખ એ તેના એકલાનું નથી. કાંઈ પણ પ્રસંગ ન હોવા છતાં તેને આપણને સૌની હાથધરણું કરી પાડવાનો છે." સૌએ પ્રસ્તાવ સ્વીકાર્યો. અમુકે અગિયારને બદલે એકાવન આપ્યા. અમુકે માત્ર પાંચ જ આપ્યા તો અમુકે વળી ડોળા કાઢી માત્ર જમવાનું ચાલુ રાખ્યું. દાળ પીરસાય તે પહેલાં નાણું એકત્રિત કરવામાં આવ્યું. સત્યાવીસસો જેવી રકમ ભેગી થઈ. મોટા મોટા પાસેથી આગ્રહ - વિનવણી કરી રૂપિયા ત્રણ હજાર ભેગા કરી સુપરત કર્યા ત્યારે તે છાનો રહ્યો. રકમ કબજે કર્યા. પછી વિઠ્ઠલ સાચો હરખાણો અને નીકળી પડ્યો પંગતમાં સૌને આગ્રહ કરવા- "જમો મારા વા'લા પ્રેમથી જમો." 

હાસ્ય યાત્રા   
શાહબુદ્દિન રાઠોડ
(નવ ગુજરાત સમય  ૦૭/૦૬/૨૦૧૫ )

"જે માર્ગે જવું ત્યાં સહેજ પણ ખચકાટ વિના જવું"

પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કન્ફ્યૂશ્યસ કરતા નહીં
કોઈ પણ ચબરાકીભર્યું તત્ત્વચિંતન ધરાવતું વાક્ય કોણે લખ્યું છે એ શોધવાની તમારે મહેનત ન કરવી હોય ત્યારે એ ક્વોટેશનની નીચે કન્ફ્યૂશ્યસનું નામ લખી દેતા ઘણાને મેં જોયા છે. કન્ફ્યૂશ્યસ, બર્નાર્ડ શો, ર્ચિચલ, માર્ક ટ્વેન કે ગાંધીજીના નામે ચડેલાં અડધોઅડધ સુવાક્યો એમનાં પોતાનાં નહીં હોય. સોર્સ જાણ્યા વિના આડેધડ આ કે અન્ય મહાપુરુષોને ટાંકવા અપરાધ છે.
કન્ફ્યૂશ્યસની અનેક સૂક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું? ચીનના આ વિચારક, તત્ત્વચિંતકની અટક ક્યુ હતી. અઢી હજાર વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે ૫૫૧માં એમનો જન્મ અને ૭૩ વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ૪૭૯માં એમનું અવસાન. ચાણક્યની જેમ કન્ફ્યૂશ્યસ રાજનીતિના પણ અચ્છા જાણકાર હતા. શિક્ષણશાસ્ત્રના જ્ઞાાતા તો હતા જ. ચીનમાં સૌ પ્રથમ વાર એમણે ખાનગી (અર્થાત્ પ્રાઇવેટ, સિક્રેટ નહીં) કે શાસનની મહેરબાની વિના ચાલતી શાળાઓમાં વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા શરૂ કરી.
પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. કન્ફ્યૂશ્યસે પોતે બાળપણમાં કુટુંબમાં ગરીબી હતી એટલે કિશોર અવસ્થામાં જ ખપ પૂરતી એક સરકારી નોકરી લઈ લીધી હતી. વર્ષો સુધી રાજ્યમાં ઊંચાં પદો શોભાવ્યાં પછી પચાસેક વર્ષની ઉંમરે લુ રાજ્યના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડયું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુ રાજ્યના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા.
કન્ફ્યૂશ્યસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું, ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ. આ ગ્રંથો હતાઃ ૧ 'કાવ્યગ્રથ' જેમાં કવિતાઓ, ગીતો તેમજ ચીની ભજનોનું સંકલન છે. ૨. 'ઇતિહાસગ્રંથ' જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. 'કર્મકાંડનો ગ્રંથ' જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૪. 'વસંત અને પાનખરની તવારીખ'ના નાામે પ્રચલિત છે, જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. 'પરિવર્તન વિશેનો ગ્રથ' જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્વ વિશેના કાયમી તેમજ બદલતાં તત્ત્વોની, વિચારોની છણાવટ છે.
આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં કન્ફ્યૂશ્યસના મૌલિક વિચારો દ્વારા થતાં વિશ્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. કન્ફ્યૂશ્યસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારો એકત્રિત કરીને 'કન્ફ્યૂશ્યસનાં બોધવચનો' નામનો ગ્રંથ તૈયાર કર્યો. કન્ફ્યૂશ્યસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બેહજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઇતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.
કન્ફ્યૂશ્યસની અવલોકન શક્તિ અદ્ભુત હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી તેઓ શીખતા રહેતા અને કહેતાં, "જો હું બે માણસની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું અને બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં."
ચિંતકો-વિચારકોમાં સામાન્યતઃ જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો કન્ફ્યૂશ્યસમાં અભાવ છે. એ કહે છેઃ "હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્વરીય વિદ્વત્તા છે કે હું સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાનું હોય તો માત્ર હું એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું, તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!"
કન્ફ્યૂશ્યસના આ વચન વિશે એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણી કરી, "પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો અસમર્થ છીએ."
કેટલાય લોકોની ફરિયાદ હોય છે, "મને કોઈ સમજી શકતું નથી." આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને કન્ફ્યૂશ્યસની આ વાત યાદ રાખવા જેવી છે. "બીજાઓ મને ન ઓળખે તેનું દુઃખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુઃખ થાય."
શિષ્યોનાં ટોળેટોળાં ભેગાં કરવામાં માનનારા મહારાજો-પંડિતો એવો વિવેક દાખવતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં.
કન્ફ્યૂશ્યસ આ બાબતમાં તદ્દન સ્પષ્ટ છે. "જેઓ બોધ ગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી, પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી, અમુક વિષયની એક દિશા હું દેખાડુું એ પછી બાકીની ત્રણ દિશાને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતી નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી."
એક વખત કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ સ્થાનિક માણસે બૂમ પાડીને વ્યંગમાં કહ્યું, "મહાન કન્ફ્યૂશ્યસ આવા તે વળી કેવા ફિલસૂફ! પોતે મહાપંડિત હોવા છતાં ખૂબ બધી આમદની મળે એવી નોકરી દ્વારા કીર્તિ હાંસલ કરી શકે એવી એમનામાં કોઈ લાયકાત નથી!"
આ સાંભળી કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો તરફ વળ્યા અને બોલ્યા, "હું શું કામ નોકરી કરું? કાં તો હું સારથિ બનીને રથ હાંકું, કાં પછી યોદ્ધો બની જાઉં અને ધનુષ્ય લઈને બાણ છોડવા માંડું. હું તો રથ હાંકવાનું જ કામ કરીશ. કન્ફ્યૂશ્યસે શ્રીકૃષ્ણ, મહાભારત અને ભગવદ્ગીતા વિશે સાંભળ્યું હશે?"
લુ રાજ્યના રાજાએ જ્યારે એમને ન્યાયમંત્રીની જવાબદારી સોંપી હતી, ત્યારે કન્ફ્યૂશ્યસે પોતાની ફરજ બજાવતાં એક વખત કહ્યું હતું, "મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચઢિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે."
ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. કન્ફ્યૂશ્યસે કહ્યું, "મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસ કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે."
ડાયો માણસ બોલવામાં ધીમો અને કામ કરવામાં ઉતાવળો હોય છે એવું કન્ફ્યૂશ્યસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યનું નામ ફેન ચિહ. આ શિષ્યે પૂછયું, "ડહાપણ શેમાં રહેલું છે?" કન્ફ્યૂશ્યસે જવાબ આપ્યો, "મનુષ્યો સાથેના વહેવારમાં પ્રામાણિકતાને તમારું ધ્યેય બનાવો અને સઘળાં અલૌકિક તત્ત્વો પ્રત્યે આદર દાખવો, પણ તેમનાથી અળગા રહો ત્યારે તમે ડાયા કહેવાઓ."
રાજ્યના શાસકને કન્ફ્યૂશ્યસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છેઃ "ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયાસ ન કરો, એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો,એને કારણે મોટાં મોટાં કામ વણઉકેલ્યાં રહી જાય છે."
નૈતિક ગુણ વિશે એક શિષ્યે પૂછયું ત્યારે ગુરુ કન્ફયૂશ્યસે જવાબ આપ્યો, "જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે, એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય." લાગે છે કે કન્ફયૂશ્યસે ગીતા ચોક્કસ વાંચી છે.
માનવીના સદ્ગુણો વિશે વધુ ચિંતન કરતાં કન્ફ્યૂશ્યસે કહ્યું, "ઉચ્ચતર માનવી શાંત અને સ્વસ્થ હોય છે, નીચો માનવી જ સતત સંક્ષુબ્ધ અને ચિંતાગ્રસ્ત રહે છે."
ત્ઝુ કુંગ નામના એક અન્ય શિષ્યે ગુરુ કન્ફયૂશ્યસને મિત્રતા વિશે પૂછયું. ગુરુએ કહ્યું, "તમારા મિત્રની સાથે વાતચીત કરવામાં પ્રામાણિકતા રાખો, પણ એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતી વખતે સાવચેતી રાખજો. એ પ્રયાસ નિષ્ફળ જાય તો થોભી જજો,પણ તમારી સલાહનો એ સીધો અસ્વીકાર કરે એટલે સુધી વાત વધવા દેશો નહીં."
દોસ્તોમાં દોસ્તી ટકી રહે એ માટે કન્ફયૂશ્યસની આ સોનેરી સલાહ છેે: "કોઈનેય શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો."
મિત્રો વિશેની ગુરુજીની બીજી એક સૂક્તિઃ ત્રણ પ્રકારના મિત્ર હિતકારક છે. - પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે.-
ડોળઘાલુઓ, ગર્ભિત સૂચનો કરનારાઓ અને વાચાળ.
આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને ગુરુ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક - શિષ્ટ આચાર અને સંગીતની મજા મણવી,બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા
મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે, પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ આવી મજા આપે છે એમ માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એમ માનવું હાનિકારક છે.
રાજ્યશાસન વિશેની વધુ એક વાતઃ "પ્રજા સંતોષમાં રહે એ માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચઢાવવા અને સઘળાં દુષ્કૃત્ય કરનારાઓને રુખસદ આપવી.
શિષ્ય ફેન સિંહના બીજા એક પ્રશ્નના ઉકેલમાં કન્ફયૂશ્યસે કહ્યું હતું, "બીજાઓની સામેના વ્યવહારમાં પ્રામાણિક અને અંતરના અવાજને અનુસરો. જંગલી માણસોની વચ્ચે તમે હો ત્યારે પણ આ નિયમોને વળગી રહો."
આ ઉત્તરનો ઉત્તરાર્ધ વધારે ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે તો ભાઈ, જેવા સાથે તેવા થઈએ એવું સૂત્ર આજકાલ સૌની જીભે સાંભળવા મળે છે. એ જેટલો ખરાબ થશે એટલા ખરાબ થતાં મને પણ આવડે છે એવું માનીને વ્યવહાર કરનારાઓ ભૂલી જતાં હોય છે કે એના ખરાબ વ્યવહારનો આ ઇલાજ નથી. બહુ બહુ તો તમે એની સામેનો સંબંધ અટકાવી દો, પણ મામૂલી વાતોમાં વેર લેવાની ભાવના માણસમાં એટલી પ્રબળ હોય છે કે આજે નહીં તો કાલે, લાગ મળે એને જરૂર બતાવી દઈશ એવો ભાવ મનમાં ઘૂંટાયા કરે છે. આ ભાવને કારણે જીવનની મકસદ ભુલાઈ જાય છે, મંજિલ બદલાઈ જાય છે.
કન્ફ્યૂશ્યસનાં બે અંતિમ વચનઃ૧. શીખવું અને શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવે અમલમાં મૂકવું એ જ શું ખરેખર આનંદની વાત નથી? ૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાાન અને સાચદિલી વિનાની સાદાઈ- આવાં લક્ષણો મારી સમજણમાં ઊતરતાં નથી!
સાયલન્સ પ્લીઝ
કશુંક કૃત્ય કરવા બદલ શરમ આવવી એ નૈતિકતાની નિશાની છે.
કોલિન ટોવેલ
(અમેરકન આર્મીના ભૂતપૂર્વ જનરલ)
લાઉડમાઉથ : સૌરભ શાહ
( સંદેશ - ૧૧/૦૬/૨૦૧૫)

જીવનમાં જેટલી એકાગ્રતા વધુ રાખો એટલી સફળતા વધુ મળે

પશ્ચિમના મહાન ચિંતક ઈમર્સન કહે છે, 'સફળતાનું રહસ્ય તો છે, એકાગ્રતા. યુદ્ધમાં, વેપારમાં, બધા જ પ્રકારની બાબતોમાં.' જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા એકાગ્રતા અનિવાર્ય છે. આ અંગે હવે યુરોપ-અમેરિકામાં પ્રયોગો પણ થઈ રહ્યા છે: હોલેન્ડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ વિશે એક પ્રયોગ કરવામાં આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆ દ્વારા એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ આપવામાં આવ્યું. પછી તેમણે જે સિદ્ધાંતો મેળવી સિદ્ધિઓ મેળવી હતી તેની સરખામણી અન્ય વિદ્યાર્થીઓ સાથે કરતાં એ જણાયું કે એકાગ્રતાનું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ ઇતર, પ્રવૃત્તિઓ, ખેલકૂદ વગેરેમાં પણ આગળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે શાળાઓમાં
અપાઈ રહ્યું છે.

ચીનના સંતા ચાઉંગ ત્ઝુ કહે છે કે જે વ્યક્તિઓ એકાગ્રતાપૂર્વક પોતાનું કાર્ય કરે છે, તેમને સફળતા નિષ્ફળતા મળે છે. એનું દૃષ્ટાંત આપતાં તેઓ જણાવે છે કે એક વૃદ્ધ એંશી વર્ષની ઉંમરે પણ તલવારની ધાર કાઢવામાં આવી, ત્યારે તેણે કહ્યું કે, 'આખી જિંદગી તેણે આ કાર્ય પર જ પોતાનું ધ્યાન
એકાગ્ર કર્યું હતું.'

ચાર્લ્સ કિંગલી કહે છે કે 'જ્યારે હું કોઈ પણ કાર્યને હાથમાં હોઉં છું ત્યારે એવી રીતે કરું છું કે જાણે સંસારમાં બીજું કંઈ છે જ નહીં.' બધા પરિશ્રમી વ્યક્તિઓનું આ જ રહસ્ય છે.
જૈન શાસ્ત્રો પ્રમાણે એકાગ્રતા દ્વારા જ મન સ્થિર થઈ શકે, જેવી રીતે સંગીતના વાજિંત્રને ટ્યૂન કરવું પડે છે, તેવી રીતે મનને પણ એકાગ્રતા દ્વારા ટ્યૂન કરવું પડે છે.
સૂર્યનાં કિરણો જ્યારે લેન્સ પર પડીને કેન્દ્રીભૂત થાય છે, ત્યારે તેની નીચે રાખેલા કાગળને તે બાળી નાખે છે. તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે, ત્યારે તેમાં અદભૂત શક્તિ
પ્રગટ થાય છે.

એકાગ્રતાની શક્તિને કારણે જ અર્જુન મહાન ધનુર્ધર બન્યો. ગુરુ દ્રોણે બધાને નાપાસ કર્યા પણ અર્જુનને પાસ કર્યો, કારણ કે તેણે કહ્યું કે હું ફક્ત પક્ષીની આંખ જ જોઉં છું અને ખરેખર તેણે પછી પક્ષીની આંખ વિંધી. તેવી જ રીતે દ્રૌપદીના સ્વયંવરમાં પાણીમાં પડતો માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વીંધી હતી.
માનવ પશુ કરતાં એની એકાગ્રતાને કારણે જ ચડિયાતો છે.

એક નાનકડો મહાવત મોટા હાથીને અંકુશમાં રાખી શકે છે, એ આ એકાગ્રતાને કારણે જ પશુ-પક્ષીઓમાં મનની એકાગ્રતા બહુ જ અલ્પ હોય છે. એટલે એમને સરકસમાં તાલીમ આપવી અઘરી પડે છે. એક સાધારણ વિદ્યાર્થી અને હોંશિયાર વિદ્યાર્થીમાં અંતર શેનું છે? એકાગ્રતાનું જ. જે વ્યક્તિમાં જેટલી એકાગ્રતા વધે તેટલી તે મહાન બને છે. દરેક મહાન વ્યક્તિની સફળતાનું રહસ્ય છે, એકાગ્રતા. એક મહાન કવિ, મહાન લેખક, મહાન કલાકાર, મહાન સંગીતકાર, મહાન વૈજ્ઞાનિક, મહાન વેપારી, મહાન વિદ્યાર્થી, આ બધા મનની એકાગ્રતા દ્વારા જ મહાનતાના શિખરે પહોંચ્યા છે.

ટેસ્ટમેચોમાં સહુથી વધુ રન કરી વિશ્વ રેકોર્ડ કરનાર સુનીલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં કહ્યું હતું કે તે બચપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો - તેનું એક જ ધ્યેય હતું મહાન ક્રિકેટ પ્લેયર બનવું. સાધનોના અભાવમાં તે શેરીમાં જ સાધારણ બેટથી રમતો. આમ રમતાં તેણે પડોશીઓના ઘરની બારીના કેટલાય કાચ તોડ્યા હતા!

--- સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ આશ્રમ)
(નવ ગુજરાત સમય  - બોધિવૃક્ષ - ૨૧/૦૬/૨૦૧૫ )