નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી.
અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી.
જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે.
માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી.
ખબર છે કે કરુણાને લિટરમાં માપવાનું શક્ય નથી, તોય પ્રશ્ન થાય કે: આ દુનિયાના ગરીબોનાં આંસુ લૂછવા માટે કુલ કેટલા અબજ લિટર કરુણાની જરૂર પડે? ખબર છે કે પ્રેમને વજન નથી હોતું, છતાંય પૂછવાનું મન થાય કે: આ દુનિયાને યુદ્ધથી મુક્ત કરવા માટે કુલ કેટલા અબજ ટન પ્રેમની જરૂર પડે? આપણે બુદ્ધ અને ઇસુને હરાવી દીધા છે. એ જ રીતે આપણે મહાવીર અને ગાંધીને ગાંઠીએ તેમ નથી. એવો આક્ષેપ મૂકવાનું મન થાય છે કે આ નાદાન દુનિયા સુખી થવા માટે પણ તૈયાર નથી.
જે સ્વયં દુ:ખી હોય તે માણસ પ્રેમ અને કરુણા વહેવડાવી શકે ખરો? જે સ્વયં ભૂખ્યો હોય, તે બીજાને ખવડાવી શકે ખરો? જે સ્વયં આનંદવિહોણો હોય, તે અન્યને આનંદદીક્ષા આપી શકે ખરો? પૃથ્વીમાતા કરુણાવાન છે અને પ્રેમાળ છે, પરંતુ એના ખોળામાં રમતી દુનિયા ભારે મતલબી છે. વાત એમ છે કે આજની બદમાશ દુનિયા માતૃત્વથી છલકાતી પૃથ્વીને (ગેઇઆને) ખૂબ પજવે છે. એવી પજવણીનાં બે ઉપસ્થાનો છે: યુદ્ધ અને ગરીબી. બંનેમાં ભારોભાર હિંસા ભરેલી છે.
નાતાલના પવિત્ર દિવસો દરમિયાન રોજ પરોઢિયે હીંચકા સામે લટકતા તારામાં સચવાયેલી ઇસુની છબી જોતી વખતે પ્રાર્થના કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. એ છબીમાં માતા મેરી બેથલહેમના ઘરની કોઠારમાં જન્મેલા બાળક ઇસુને નીરખી રહી છે. આજે એ કોઠારની જગ્યાએ ભવ્ય ચર્ચ જોવા મળે છે. એ પવિત્ર દેવળને ‘ચર્ચ ઓફ નેટિવિટી’ કહે છે.
નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી. અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી. જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે. માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી. આ દુનિયા પ્રેમમૂર્તિ ઇસુને ક્યારે સમજશે?
પશ્ચિમની ગોરી ખ્રિસ્તી પ્રજા માટે મને જબરો પક્ષપાત છે. એ પ્રજાએ જગતને મેગ્નાકાટૉની ઘટના પછીની સદીઓમાં લોકતંત્ર, સેક્યુલરિઝમ, ન્યાયતંત્ર અને માનવ-અધિકારો જેવી ઉમદા બાબતોની ભેટ ધરી છે. પશ્ચિમમાં પાંગરેલી ખ્રિસ્તીધર્મીય ઉદારતાની વ્યાપક અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બનેલા સમગ્ર ભારતીય ઉપખંડ પર પડી છે. ભારતને પ્રાપ્ત થયેલી ખ્રિસ્તી લઘુમતીની માનસિકતા પર પણ એ ઉદારતાની ઊંડી અસર જોવા મળે છે.
એથી ઊલટું સાઉદી અરેબિયાના (વહાબી) પછાતપણાની નકારાત્મક અસર ભારતીય ઉપખંડની મુસ્લિમ પ્રજા પર પડી છે. મારા સ્વજનની દીકરી ત્યાં નોકરી કરતા પતિ સાથે રહેવા ગઇ ત્યારે એણે બુરખો પહેરવો પડ્યો હતો. આતંકવાદી સંગઠનોને આર્થિક ટેકો સાઉદી અરેબિયા તરફથી પ્રાપ્ત થાય છે. ભારતમાં હિંદુ-ખ્રિસ્તી હુલ્લડો નથી થયાં તે વાતનો જશ ખ્રિસ્તીધર્મીય માનસિકતાને પણ જાય છે.
ધમાઁતર જેવી ઇસુવિરોધી બાબત પણ હવે ક્ષીણ થતી ચાલી છે. દૂર દૂરના પછાત વિસ્તારોમાં નિશાળો અને દવાખાનાં ઉપરાંત થોડું થોડું વિજ્ઞાન પહોંચાડવામાં ખ્રિસ્તી મિશનરીઓનો ફાળો ઓછો નથી. ‘મિશન’ની સંકલ્પના સ્વામી વિવેકાનંદને ખ્રિસ્તી પરંપરા પાસેથી મળી હતી. હવે સાંભળો:
સ્વામી વિવેકાનંદને ઇસુ પ્રત્યે ઘણો આદર હતો. અંતપુર ગામે બાબુરામના ઘરે રામકૃષ્ણ પરમહંસના સૌ શિષ્યો મોડી રાતે તાપણું કરીને બેઠા હતા. માથે આકાશના વિરાટ ચંદરવામાં અસંખ્ય તારા ટમટમી રહ્યા હતા. ધ્યાનનો પ્રારંભ થયો. એ રાતે યુવાન વિવેકાનંદે ઇસુની કરુણાનો મહિમા કર્યો. એમણે ભાવપૂર્વક માતા મેરીનું સ્મરણ કર્યું. ઇસુ વધસ્તંભ પર મૃત્યુને વર્યા તેની વાત કરી ત્યારે સૌ ગુરુબંધુઓ ભાવસમાધિમાં ડૂબી ગયા. વિવેકાનંદે એ સૌને સંન્યાસ માટે પ્રેરણા આપી. એ હતી નાતાલની રાત.
આ પ્રસંગનું સમાપન કરતાં રોમા રોલાં લખે છે: ‘આ વાત વાંચીને યુરોપમાં કોઇ ગેરસમજ ન થવી જોઇએ. આવું બન્યું તેમાં જોર્ડન નદી ભણી પાછાં વળવાની વાત ન હતી. એમાં તો ગંગા અને જોર્ડનના સંગમની સુગંધ હતી.’ આ ઘટનાની નોંધ રોમા રોલાંના પુસ્તક ‘Life of Ramkrishna’માં વાંચવા મળે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘હું કોઇ એક પંથનો વધારો કરવા નથી આવ્યો.’ રામકૃષ્ણ મિશન આજે જે સેવાકાર્ય કરી રહ્યું છે તેના આરંભમાં સ્વામી વિવેકાનંદનો ઇસુપ્રેમ પ્રગટ થતો દીસે છે. મધર ટેરેસાની જન્મશતાબ્દીના આ વર્ષમાં એક વાત પાકી કરી રાખવાની છે અને તે એ કે ભગવાનને માનવસ્વરૂપે જોવાની મિશનરી દ્રષ્ટિ ન હોય તો સેવાકાર્ય પણ પ્રદૂષિત થાય છે.
‘ભગવાન મૃત્યુ પામ્યો છે,’ એવું તોફાની વિધાન કરનારો ચિંતાક નિત્શે ક્યાંક ‘નવા માનવી’ની વાત કરે છે. નિત્શે કહે છે કે: એ નવો માનવી આપણી વચ્ચે જ હયાત હોય છે, પરંતુ લોકો માટે અદ્રશ્ય હોય છે. ‘નવો માનવી’ બનવા માટે માણસે પેલે પાર જવું (go beyond) પડશે. આ માટે કરવું શું? નિત્શે ત્રણ પ્રશ્નો રજૂ કરે છે: (૧) પેલે પાર જવું એટલે શું? (૨) પેલે પાર જવાનું શરૂ શી રીતે થાય? (૩) પેલે પાર જવામાં ક્યાં પહોંચાય? નિત્શે આગળ વધીને કહે છે કે સામાન્ય માણસ (છેલ્લો માણસ) તો પશુ અને નવા માનવી વચ્ચેના તાણેલા દોરડાના સેતુ જેવો છે. જે છેલ્લો જૂનો માણસ છે, તે તો વેરભાવનાથી ભરેલો છે.
એ છેલ્લો માણસ તે આજનાં આપણે સૌ છીએ. નિત્શે કહે છે: ‘માણસ વેરભાવથી મુક્ત થાય એ જ મારે મન ઊંચી આશા છે.’ વેરભાવ આવે છે ક્યાંથી? એ તો સમય પ્રત્યેની ઘૃણામાંથી એટલે કે ‘it was પ્રત્યેની નફરતમાંથી જન્મે છે. ઇચ્છાશક્તિ (will) ને સમય સામે નફરત હોય છે. આ વાત નિત્શે કરે છે, પણ આપણને ઝટ સમજાતી નથી. ઇસુ ક્રોસ પર ચડ્યા ત્યારે ઇસુના ચિત્તમાં અપાર પીડા પહોંચાડનારા લોકો પ્રત્યે જરા જેટલો પણ વેરભાવ ન હતો.
નિત્શેની વાતના સંદર્ભે આપણે કહી શકીએ કે ઇસુ ‘પેલે પાર’ પહોંચેલા મહામાનવ હતા. નિત્શેની કલ્પનાના ‘નવા માનવી’ ઇસુ આપણા માર્ગદર્શક બની શકે. આપણે (જૂનો) ‘છેલ્લો માણસ’ ભલે હોઇએ, પરંતુ આપણે ‘પેલે પાર’ જવાનું છે. We have to go beyond. એકવીસમી સદીનો આ નૂતન ધર્મ છે: ‘going beyond.’
લિયુ ઝિયાબો જેવા માનવ-અધિકારવાદી ચીની નાગરિકને નોબેલ પારિતોષિક મળ્યું, પરંતુ સ્ટોકહોમ ખાતે જે સમારંભ થયો તેમાં ખુરસી ખાલી રાખવામાં આવી હતી. ચીનના વિકાસ માટે ભારતના વિકાસની સરખામણી ન હોય. ત્યાં માનવી ગુલામ છે. ગમે તેવો નિર્દોષ નાગરિક ચીનમાં ગમે ત્યારે ગુનેગારમાં ખપી જાય છે. શું એ સમારંભમાં ખાલી દેખાતી ખુરસી ખરેખર ખાલી હતી? ના, એ ખુરસી પર સૂક્ષ્મ શરીરે સાક્ષાત્ ઇસુ બેઠા હતા! એમને આપણે વંદન કરીએ.
પાઘડીનો વળ છેડે
સિસ્ટર નિવેદિતા (અમદાવાદની) પોળ સાફ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યાં, પરંતુ એ નિરાશ થયાં નહીં. એક દિવસ સવારના ચાર વાગ્યે એ ઊઠ્યાં. સાવરણી હાથમાં લીધી. બીજા હાથમાં ફાનસ લીધું અને ખૂણેખાંચરેથી ખણી-ખોતરીને આખી પોળ વહાણું વાતામાં તો વાળીને સાફ કરી નાખી… ‘આ ભલી મેડમ આપણો કચરો સાફ કરે છે’ એવી ખબર તરત પડી ગઇ.
આખી પોળના માણસો ત્યાં ભરાઇ ગયા. પુરુષો એમની ક્ષમા માગવા લાગ્યા. સ્ત્રીઓ રોઇ ગઇ અને કેટલાકે એમના હાથમાંથી સાવરણી ખેંચી લઇ જાતે બાકીનો ભાગ વાળી નાખ્યો. તે દિવસથી એ પોળ, દીવાનખાના જેવાં સ્વચ્છ રહે છે તેવી, સાફ રહેવા લાગી. પાસેની પોળના માણસો ઘણી વાર આ પોળ જોવા આવતા.- હરિપ્રસાદ વ્રજરાય દેસાઇ
નોંધ : મો. ક. ગાંધીને તંત્રીપદે છપાતા સાપ્તાહિક ‘નવજીવન’ (૨૮-૯-૧૯૧૯)માં લેખમાં સ્વામી વિવેકાનંદનાં શિષ્યા સિસ્ટર નિવેદિતા અંગે પ્રગટ થયેલી વાત.
- ગુણવંત શાહ
Divya bhasker 26/12/2010
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો