રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સૂર્યોદય પહેલાં ઊઠીને પીવું. તેને ઉષ:પાન કહે છે. તે આખી સિસ્ટમને ગળાથી આંતરડાં સુધી સાફ કરે છે.
પંચમહાભૂત કેવો ભારેખમ અને અઘરો શબ્દ છે! પણ લેખકોનું કામ જ એ છે કે દરેક જટીલ વિષયને સરળ બનાવે. વિષયને સહેલો બનાવવા માટે પણ બુદ્ધિશક્તિ અને ખાસ તો ઉમંગ જોઈએ. ઉમંગને અંગ્રેજીમાં ઝેસ્ટ (Zest) કહે છે. પશ્વિમના લોકો આપણી જેમ એનર્જી શબ્દનો આઘ્યાત્મિક અર્થ કરતા નથી છતાં ક્રિશ્વિયન ડિયોર નામની બ્યુટિશિયનનું આ સૂત્ર થોડું કામનું છે: Zest is the secret of all beauty. There is no beauty that is attractive without zest. માનવીમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, થનગનાટ હોય ત્યારે જ તેનું સૌંદર્ય પેદા થાય છે. આ ઉમંગ અને ઉત્સાહ માનવીમાં ક્યારે પેદા થાય? તેનું મન શાંત હોય, આત્મા પ્રસન્ન હોય અને શરીર સ્વસ્થ હોય... પણ શરીર ક્યારે પૂર્ણ રીતે સ્વસ્થ હોય?
આ સવાલનો જવાબ મને સત્તાવન વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાંથી મળેલો. આશ્રમમાં જે સૂત્ર હતું તે તમે જાણશો તો લાગશે કે પંચમહાભૂતનો અર્થ તો તમારી ગઠરીમાં જ છે. નિસર્ગોપચાર જ નહીં પણ આયુર્વેદ પણ પંચમહાભૂત, એટલે કે પાંચ કુદરતી તત્વો વિશે વાત કરે છે. માનવીનું શરીર પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે: (૧) પૃથ્વી - ભૂમિ કે માટી (૨) જળ - પાણી અગર સંસ્કૃતમાં ચાપ (૩) તેજસ, એટલે કે અગ્નિ અને સાદા અર્થમાં સૂર્યનાં કિરણો (૪) વાયુ, પવન (૫)આકાશ - સ્પેસ. ઈશ્વરે આપણને પેદા કર્યા ત્યારે આ પાંચેય તત્વોનું બેલેન્સ આપ્યું હતું પણ મોટા થઈને અયોગ્ય આહારવિહારથી આપણે આ પાંચ તત્વોમાં ઊથલપાથલ કરીને ઈમ્બેલન્સ પેદા કરીએ છીએ. જો તમે સાચા વૈધ પાસે અગર નિસર્ગોપચારક પાસે જાઓ તો આ પાંચ તત્વોનું બેલેન્સ સરખું કરી સમતોલ બનાવવાનું કહે છે. કુદરતી તત્વોની મદદથી જ તમે પોતે જ તમારા શરીરને સારું કરી શકો છો. આયુર્વેદમાં પંચમહાભૂતનો જે મૂળભૂત સાર છે તે અથર્વવેદમાંથી પકડવામાં આવ્યો છે. આ સાર તમને અંગ્રેજીમાં આપું છું-
The earth is the essence of the elements. Water is the essence of the earth, the herbs are the essence of the water, flowers are the essence of herbs, fruits are the essence of the flowers and energy is the essence of man. છેલ્લે આખો સાર એનર્જીમાં છે, જે એનર્જી કે શક્તિ તમે પોતે પાંચેય તત્વોને સમતોલ રાખીને કેળવી શકો છો. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે પંચમહાભૂત શબ્દ લોકોને અઘરો લાગશે એમ સમજી એનર્જીની જ વાત કરી કે આ આખું વિશ્વ એક ગુપ્ત શક્તિથી ભરેલું પડયું છે અને ઈશ્વરે તે એનર્જી માનવીમાં આપી છે. એ એનર્જી માનવીમાં ક્યારે આવે? જ્યારે તેનામાં થનગનાટ (Zest) હોય અને શ્રદ્ધા હોય. આ થનગનાટ અને શ્રદ્ધા ક્યારે પેદા થાય? જ્યારે શરીરનાં પાંચેય તત્વો (પંચમહાભૂત) સમતોલ હોય. પણ આપણે શું કરીએ છીએ? પાંચ તત્વોનું સંતુલન બગાડી નાખીએ છીએ અને તેને સુધારવાનું સાવ સસ્તું કામ નિસર્ગોપચાર કરે છે.
ગાંધીજીએ કહેલું કે આ શરીર પૃથ્વી-માટીનું બનેલું છે. શરીરમાં બીમારી આવે, પેટનો રોગ થાય, આંતરડાંમાં ગરમી આવે, શરીરની ચામડીમાં રોગ આવે ત્યારે ઉરૂલીકાંચનમાં ખાતર વગરની અને કુદરતી જમીનમાંથી માટી લાવીને પછી તે માટીનો લેપ શરીરે કરાતો. તમે જો ઉરૂલીકાંચનના આશ્રમમાં જશો તો તમામ દર્દી વહેલી સવારે કુમળા સૂર્યનો તાપ લેવા બેસીને સૂર્યસ્નાન કરતા હશે. સ્ત્રીઓને ઊંચી અગાશીમાં તમામ વસ્ત્રો કાઢીને સૂર્યસ્નાન કરાવાય છે. ચોથું વાયુનું તત્વ છે.
તેના માટે તમારે ખુલ્લે શરીરે ફરવા જવાનું. પ્રાણાયામ કરીને પ્રાણશક્તિ વધારવાની. છેલ્લે, આકાશ તત્વ એટલે કે સ્પેસ. તમને થશે કે આ આકાશ તત્વને વળી સ્વાસ્થ્ય કે ઉપચાર સાથે શું સંબંધ? પણ ઈસ્લામ, જૈન કે કોઈપણ ધર્મમાં, ખાસ કરીને હિન્દુ ધર્મમાં આકાશ તત્વને ખૂબ મહત્વ અપાયું છે. નિસર્ગોપચારના શાસ્ત્રમાં આકાશ તત્વનું અર્થઘટન તમારાં શરીર-મનમાં એક અવકાશ ઊભો કરવો એમ થાય છે. સાદા શબ્દમાં કહીએ તો, ઉપવાસ કરવો. ઈસ્લામમાં તેથી જ રોજા રખાય છે. આખા વર્ષમાં પેટ ઉપર જે જુલમ કર્યો હોય તે ‘પાપ’નું પ્રાયશ્વિત્ત કરવા ઉપવાસ કરવા, ઉપરાંત જમતી વખતે પેટ ઊણું રાખીને - અવકાશ રાખીને જ જમવું, પેટ ફાટફાટ થાય તે રીતે નહીં.
ઈશ્વરે બક્ષેલી એનર્જી એટલે કે સ્ફૂર્તિ, આંતરબળ, ઊર્જા, ઓજસ, તેજ, કર્મશક્તિ, વીર્ય, કર્મઠતા અને ક્રિયાશીલતાને ખોટા આહારવિહારથી આપણે કલુષિત કરીએ છીએ. માત્ર આહાર જ નહીં પણ નકારાત્મક વિચારો, ડર તેમ જ નિરાશા થકી આ ઊર્જાને હણીએ છીએ. જે. કૃષ્ણમૂર્તિએ તેમના ચાહક પુપુલ જયકરને ૧૯૭૨માં એક સવાલના જવાબમાં અમારી હાજરીમાં કહેલું: ‘આપણે આપણા ખોટા ભય થકી કે સતત શંકા થકી એનર્જીનો વ્યય કરીએ છીએ. ખરેખર તો ઈશ્વરે આપેલી શક્તિનો સંચય કરીને તેના ઉપર જ ઘ્યાન ફોક્સ કરવું જોઈએ. એ ફોક્સ ક્યારે મળે? તમે યોગ કરો ત્યારે.’ ચાણક્યે કહેલાં તે પાંચ નેગેટિવ તત્વોને પણ આપણે જાણવાં જોઈએ. ચાણક્યે માનવીને ચેતવેલા કે પરાન્ન, પરવસ્ત્ર, પરશૈયા, પરિસ્ત્રય: પરવેશ્મનિવાસશ્ચ શક્રસ્થાપિત શ્રિયં હરેત. અર્થાત્ પારકું અન્ન (હરામનુ ખાધેલું), પારકું વસ્ત્ર, પારકી પથારી અને પારકી પત્નીનું સેવન અગર પરાયા ઘરનો વાસ કરે તો ઈન્દ્ર જેવા શક્તિશાળી પુરુષનો મહિમા નષ્ટ થાય છે. તેથી માનવીએ આ પાંચ વાતોથી દૂર રહેવું!
જો કે આપણે આ લેખમાં પંચમહાભૂતની જે પોઝિટિવ વાત છે તેને જ વળગી રહીએ. પશ્વિમના લોકો પર્યાવરણની વાત કરતા ત્યારે તેમને ખબર નહોતી કે તે પંચમહાભૂતની વાત કરે છે. હવે આ પંચમહાભૂતની સમતુલા માટે મોડેમોડે એ લોકો મિથ્યા પ્રયાસ કરે છે. આપણે અતિભોગથી શરીર અને સૃષ્ટિમાં અસમુતલા લાવ્યા છીએ. અબ પછતાયે કયા હોવત હૈ જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. ખેર, હજી માનવીના હાથમાં વાત બાકી છે તે એ કે માનવ કમસેકમ પોતાનાં શરીર-મનને પાંચ તત્વોથી સમતોલ કરીને દુરસ્ત રાખે.
ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ તો કહે છે કે હવે યજ્ઞમાં શ્રદ્ધા રાખીને પર્યાવરણને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દેવદિવાળી જાય અને માગશર મહિનો બેસવા આવે છે ત્યારે પણ કમોસમી વરસાદ આવે છે. ચોમાસું પૂરું થાય એટલે જૈન સાધુઓ પગ તળે જીવો ન ચગદાય તે ખાતર ચોમાસામાં ગામતરાં કરતા નહીં. ચાતુર્માસ પૂરો થાય પછી જ વિહાર કરતા. આખી સૃષ્ટિમાં કમેળ આવ્યો છે ત્યારે અથર્વવેદના શ્લોકને અનુસરીને શરીર-મનની શાંતિ માટે યોગ્ય મંત્રોનું રટણ કરવું જોઈએ. અથર્વવેદનો આ શ્લોક જુઓ –
ઉત્પાતા : પાર્થિવાંત રિક્ષાછં નો દિવિચરા ગ્રહા :
શંનો ભૂમિર્વેપમાના શમુલ્કા નિર્હતંચયાત્ –
અર્થાત્ હે જગન્નિયંતા, કેટલાક ગ્રહો-ઉપગ્રહો અવકાશ અને પૃથ્વી ઉપર સંકટ લાવે છે, તે ઉપગ્રહોને શાંત કરો. આ ધબકતી - ઊર્જાવાળી પૃથ્વીને પીડા આપનારાં મિટીઓર (તૂટેલા તારા, ઉલ્કા) અસર ન કરે તેવી કૃપા કરો. આ બધા મિટીઓર પણ શાંત થાઓ. સૂર્ય અને રાહુની જે હાનિકારક યુતિ છે તે પણ શાંત થાઓ. Let there be peace from death, comet and terrible celestial light. આમ અથર્વવેદમાં પણ વટકેલાં અને વછૂટેલાં તમામ આકાશી તત્વોથી માનવજાતને બચાવવા માટેના મંત્રો છે અને તે તમામ પંચમહાભૂતને સમતોલ કરનારા મંત્રો છે!
એક વાત, જે મને નિસર્ગોપચાર આશ્રમમાંથી જાણવા મળી છે, તે મુજબ તમે શરીરને સ્વસ્થ રાખવા અવારનવાર ઉપવાસ કરજો. રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સૂર્યોદય પહેલાં ઊઠીને પીવું. તેને ઉષ:પાન કહે છે. તે આખી સિસ્ટમને ગળેથી આંતરડાં સુધી સાફ કરે છે. શિયાળો આવ્યો છે તો સૂર્યસ્નાન કરજો. હું રોજ અડધું ટબ ભરીને કટીસ્નાન કરીને જળતત્વનો લાભ લઉં છું. તે લેવાય તો લેજો અને વાયુનો લાભ લેવા બની શકે તો ખુલ્લા શરીરે લાંબું વોકિંગ કરજો.
અન્ય સંસ્કૃતિમાં ચાર કે પાંચ તત્વોનો ઉલ્લેખ
આરબ મહારસાયણશાસ્ત્રી જબીર બીને ચાર તત્વોનો ઉલ્લેખ કર્યો છે તેમાં વાયુ, પૃથ્વી, અગ્નિ અને પાણીનાં એમ ચાર તત્વો છે. જાપાની સાધુઓ જોકે પાંચ તત્વોમાં માનતા હતા. બૌદ્ધધર્મીઓ પણ અર્થ, વોટર, ફાયર, એર અને હેવન (આકાશ) એમ પાંચ તત્વોને માનતા હતા. ચીનાઓ વળી અગ્નિ, પૃથ્વી, જળ, ધાતુ અને કાષ્ટને પાંચ તત્વો માને છે. તેનું સમીકરણ આવું છે : કાષ્ટ અગ્નિ પેદા કરે છે. અગ્નિ પૃથ્વી અગર રાખ પેદા કરે છે. પૃથ્વીમાં જ ધાતુ હોય છે. આ ધાતુ જળને એકઠું કરે છે અને જળ વૃક્ષોને પુષ્ટ કરે છે.
આ પણ મનમાં વસી જાય તેવું અર્થઘટન છે. આખરે બધાં જ તત્વો એકબીજાં સાથે જોડાયેલાં છે એટલે પાંચેય તત્વને માણસે સમતોલ રાખવાં જોઈએ. ચીનાઓનાં પાંચ તત્વો સાથે મેળ ખાતો અથર્વવેદનો શ્લોક છે, જે કહે છે કે ઔષધીય વનસ્પતિઓમાં જળનું તત્વ હોય છે અને વનસ્પતિઓમાં ફૂલો અને ફળ આવી જાય છે. માનવે શરીરનાં પાંચ તત્વને સમતોલ રાખવા આજે ફળ-શાકભાજીનો ઉપયોગ મહત્તમ કરવો અને બીમારીમાં આયુર્વેદનો જ ઉપચાર કરવો.
- કાન્તિ ભટ્ટ
અહા! જિંદગી મેગેજીન માંથી
January 01, 2011
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો