એક ફિલ્મી કહાની લાગે એવી સત્યકથા છેઃ
ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાંઓના એકીકરણનો પડકાર ઉભો થયો હતો, એ વાત તો જાણે જૂની થઈ ગઈ છે. રસિક સુજ્ઞજનો હૈદ્રાબાદ કે જૂનાગઢની તવારિખી દાસ્તાનો વાગોળતા થાકતા નથી.
પણ કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવાની ખુજલી ઉપડી હોય એવા બીજા કેટલાક ારજ્યો જ હતા. એક હતું રાજસ્થાનનું અલ્વર. અલ્વરના મહારાજાએ ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો ઈન્કાર કરીને પોતાનો જ પચરંગી ઘ્વજ ફરકાવવાનો ચાલુ રાખ્યો હતો. મહારાજા પાર્લામેન્ટમાં નોમેની હતા, પણ ભારત સરકારની નીતિઓ વિરૂઘ્ધ ઝેર ઓકતા. અલ્વરના દીવાન આ જ પ્રવૃત્તિ રાજ્યમાં કરતા. કહેવાય છે કે પાકિસ્તાનને વિવાદનો મુદ્દો મળે એ માટે મહારાજાએ કોમવાદી વલણ શરૂ કરી, લધુમતીઓને રંજાડવાનું શરૂ કરેલું. શુઘ્ધિ અભિયાન અંતર્ગત કબ્રસ્તાનોનો સફાયો બોલાવી દેવાયો હતો.
સરદાર પટેલ દિલ્હી બેઠે બેઠે બસ તમાશો ચૂપચાપ જોતા હતા. રજવાડાની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી કરે, તો બીજા રાજાઓ નારાજ થઈ જાય. એવામાં અચાનક ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. દેશ જ નહિ, સરદાર પણ ખળભળી ઉઠયા. સરદારપ્રેમીઓએ ગાંધીજીએ નેહરૂ ખાતર કરેલા અન્યાયની સાથોસાથ ન્યાય પુરતું એ ય યાદ રાખવું જોઈએ કે ગાંધી ન હોત તો વલ્લભભાઈ પટેલ એક વિલાયતી બેરિસ્ટર જ રહ્યા હોત, સરદાર નહિ. જૈફ ઊંમરે સરદાર માટે ગાંધીની વિદાય એવો વ્યક્તિગત ઝટકો હતો કે થોડા સપ્તાહો પછી એમને જબરો હાર્ટ એટેક આવેલો!
ગાંધીજીના અવસાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં બધા દેશોના ઘ્વજ અડધી કાઢીએ ફરક્યા, પણ અલ્વરે તુમાખીથી પોતાનો ઝંડો નીચે ન કર્યો. લોકોમાં સ્વાભાવિક ગણગણાટ થયો. ત્રીજી ફેબુ્રઆરીએ દેખાવ ખાતર મહારાજાએ એક શોકસભા ગોઠવી. જેમાં એ હાજર રહ્યા, પણ બોલવાથી કતરાતા રહ્યા. બીજે દિવસે સવારે સરદારે મહારાજાને દિલ્હી તેડાવ્યા. એ જ રાત્રે ૯ વાગે ઓલ ઈન્ડિયા રેડિયો પર હેડલાઈન ન્યુઝ હતાઃ ગાંધીજીની હત્યામાં હાથ ધરાવતા કાવતરાંખોર તરીકે અલવરના મહારાજા શકમંદ સાબિત થયા છે. એમને દિલ્હી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહખાતાએ આ મામલે મહારાજા અને દીવાનની સંડોવણીની તપાસ શરૂ કરાવી છે, અને અન્ય રજવાડાઓની સંમતિથી અલ્વરના એડમિનિસ્ટ્રેશન માટે ભારત સરકારના એક પ્રતિનિધિની નિયુક્તિ થઈ છે!
૧૦ દિવસ પછી દિલ્હીથી નિમાયેલા વહીવટદારે અલ્વરના મંત્રાલય પર તિરંગો ફરકાવ્યો, અને નિવેદન જાહેર કર્યું કે ‘આ તો છ મહીના પહેલા જ થઈ જવાની જરૂર હતી!’ એ ઘટનાના પાંચ દિવસ પછી સરદાર પટેલ ખુદ અલ્વર પહોંચ્યા. ૧૯૪૦માં સ્ટેટની મુલાકાતે આવેલા બ્રિટિશ વાઈસરોયનું જે દબદબાથી મહારાજાએ સ્વાગત કરેલું, એથી યે વઘુ ભપકાદાર રીતે સરદારનું સ્વાગત થયું. સાંજે રાજ રિશિ કોલેજના ગ્રાઉન્ડમાં સરદારે પોતાની લાક્ષણિક કટાક્ષમિશ્રિત ધારદાર બાનીમાં પ્રવચન આપ્યું. પુરૂં કરતાં પહેલા ઉધામા કરવા માંગતા મહારાજાપ્રેમી તત્વોને ચીમકી પણ આપી દીધી ‘‘તમારામાંના ઘણાય પાસે ચકચકતી તલવારો હશે, પણ હવે એનું મહત્વ ઝાડૂ જેટલું ય રહ્યું નથી. સાવરણીથી કમ સે કમ કચરો તો વળાય, તલવારથી તો એ ય ન થાય!’’
અલ્વર વિમાની મથકે ઉતરતાવેંત સરદારે મહારાજાના સાળાને બોલાવ્યા હતા. કહેલું કે ‘તમારા બહેન (મહારાણી)ને કહેજો, એમના પતિની ચિંતા ન કરે. એ સુરક્ષિત છે.’ પછીના થોડાક દિવસોમાં બે ઘટનાઓ બની. હજુ ગાંધીહત્યાની જાંચ ચાલુ હતી, ત્યાં જ ૧૮ માર્ચે અલ્વરના મહારાજાએ ભરતપુર, ધોલપુર અને કરૌલીના બનેલા ‘મત્સ્ય’ યુનિયન (જેમ જામનગર, ભાવનગર, ગોંડલ, મોરબી વગેરેને ભેળવીને એક સૌરાષ્ટ્ર રચવામાં આવેલું તેમ!) સાથે ભળી જઈને ભારત સાથે જોડાણ કરતાં દસ્તાવેજ પર સહી કરી આપી હતી! એ પછી તરત જ એવી જાહેરાત થઈ હતી કે ગાંધી હત્યામાં અલ્વરના મહારાજાની કોઈ સંડોવણી નથી, એવું તપાસ કરતા જાણવા મળ્યું છે. એટલે એમને નિર્દોષ ઠેરવી મુક્ત કરાયા છે!
આજે, અલ્વર રાજસ્થાન ટુરિઝમની જાહેરાતોમાં વિદેશી સહેલાણીઓને ભારતમાં આકર્ષે છે! ત્યાં ભારતીય વાઘોનું સારિસ્કા અભ્યારણ્ય છે.
* * *
પાઠ પુરો થાય અને વિદ્યાર્થીઓને સ્વાઘ્યાય મળે, એમ અહીં કેટલીક શીખ લેવા જેવી છે. સરદારે અલ્વરને ભારતમાં ભેળવવા માટે કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું. ૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અન્ય રાજાઓને આપેલા વચન મુજબ એ આંતરિક મામલામાં દખલ કરીને માંડ એકઠા થયેલા અન્ય રજવાડાઓમાં ચણભણ કરવા માંગતા નહોતા. પણ દેશહિતને ખાતર ગાંધીહત્યા જેવી અંગત આઘાત આપતી ટ્રેજડીમાંથી પણ તત્કાળ સ્ટ્રેટેજી બનાવતા એમને ખચકાટ થયો નહોતો! (આભિજાત્ય, સિઘ્ધાંતો, સૌજન્ય આ બઘું ડાઈનિંગ ટેબલ પરની ડિબેટ્સ કે બ્લોગ પરના બખાળાઓમાં શોભે- કૃષ્ણ, ચાણક્ય કે સરદાર એવી સુંવાળી સૂફિયાણી સલાહોની ચિંતા કરે તો પરિત્રાણાય સાઘુનામ, વિનાશાય ચ દુષ્ક્રિતામનું કામ ક્યારે કરે?) શોક-વિષાદની એ પળોમાં પણ સરદાર સ્વસ્થ ચિત્તે એક અખંડ ભારત અંગેની વ્યૂહરચના કોઠાસૂઝથી વિચારી શક્યા હતા. આકસ્મિક ઘટનાનું તકમાં રૂપાંતર કરી શક્યા હતા.
લુચ્ચાઈ અને વ્યૂહાત્મકતા વચ્ચેની પાતળી ભેદરેખા ઈરાદાની હોય છે. સરદારે પોતાના ફાયદા માટે નહિ, પણ સમગ્ર દેશના ભવિષ્ય ખાતર ગાંધીજીની લાશનો પણ ઉપયોગ કરવામાં લગીરે શરમ રાખી નહોતી. એમનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પર્સનલ રિલેશન્સ પર હતું, પગાર પર નહિ. એટલે મહારાજાને ભીડવવા પુરતી- ભેદી માહિતી એમની પાસે તૈયાર પડી હતી. ગાંધીહત્યા પછીના રાષ્ટ્રીય સ્તબ્ધતાના વાતાવરણમાં મહારાજા કંઈ પણ આડુંઅવળું કરે, તો પ્રજા જ એમને જોખી લે. ટાઈમિંગ પરફેક્ટ હતું. ફ્રેકચર થયું હોય તો ય ઘર-ઓફિસના કામ ભૂલી જવાય એવી આપણી પરિસ્થિતિ વચ્ચે સરદાર સગા બાપથી વિશેષ ગાંધીના નિધન સમયે દેશ માટેના એમના એજેન્ડામાં ફોકસ્ડ હતા. વેવલાઈ એમની નક્કર પટલાઇ સાથે ટકી ન શકે. એટલે સ્તો ભારત વિભાજન અનિવાર્ય છે, એ લાગણીશીલ ગાંધીની પહેલાં એ તત્કાલીન સ્થિતિ મુજબ સમજી ગયા હતા, અને કઠોરતાથી ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી દેશના બે ઉભા ફાડિયા થાય એને બદલે સરહદી ચોથિયાં પ્રદેશો ગુમાવીને પણ બાકીના વિરાટ ભારતને વિકસીત કરવા બચાવવામાં સફળ થયા હતા.
પણ આ મક્કમતા પાછળ એક નિર્મળ સંવેદનશીલતાની સરવાણી સૂકાઇ નહોતી. આ પારાવાર ટેન્શન અને ધમાલ વચ્ચે એ અલ્વરના એક યુવાન મહારાણીની માનસિક પરેશાની અને એમને કોઠે ટાઢક આપતો સંદેશો પહોંચાડવાની કાળજી ભૂલ્યા નહોતા ! આવી ચોકસાઇપૂર્વકની ચીવટને લીધે સ્તો બ્યૂરોક્રેટ્સ પણ સરદારનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા.
સરદારને સગવડ મુજબ હિન્દુવાદી (કોમી રમખાણોમાં સંડોવાયેલા મુસ્લીમો સાથે કડક હાથેકામ લેવા કે સોમનાથના જીર્ણોઘ્ધાર બદલ) કે લધુમતીવાદી (આરએસએસની ઉગ્ર ટીકા કરનાર, બંધારણમાં માઇનોરિટીઝ માટેની કલમો રજૂ કરનાર) કે પછી મૂડીવાદી (બિરલાઓના દોસ્ત, ઉદાર આર્થિક નીતિના ચુસ્ત હિમાયતી, લાયસન્સરાજના ચુસ્ત વિરોધી, સામ્યવાદી મજૂર આંદોલનને ઉગતા જ ડામી દેનાર)ના લેબલ લગાડી જોવામાં જોનારને કદાચ સરળતા થાય છે. પણ સરદાર માત્ર એક જ વાદમાં માનતા હતા. રાષ્ટ્રવાદ ! એ માટે જે કંઇ જરૂરી હતું એ એમણે સ્વીકાર્યુ અને તીનપાટિયાઓની ટીકા કે ચુગલખોરીની પરવા વિના કરી બતાવ્યું !
જસ્ટ થિંક, હાડોહાડ ‘જેહાદી’ પ્રકૃતિના અને પાકિસ્તાન સાથે ભળી હિન્દુઓને પરેશાન કરનાર હૈદ્રાબાદના નિઝામ કે ભગવા રંગે રંગાયેલા ગણાતા અલ્વરના મહારાજાને સરદારે એક જ દવાનો ડોઝ પીવડાવ્યો. બંને પાસેથી યુક્તિપૂર્વક એમના રાજ્યો ખાલસા કરાવ્યા. પોતાના માટે ? હિન્દુ કાર્ડ કે મુસ્લીમ કાર્ડ માટે ? જી ના. સ્વતંત્ર સાર્વભૌમ સંવૈધાનિક ભારત માટે ! હિન્દુ-મુસ્લિમ સેન્ટીમેન્ટસની રાજકીય પરવા વિના રોકડું પરખાવી દેવાનો એમનો સ્પષ્ટ વક્તા સ્વભાવ હતો !
એટલે જ જો સરદાર જીવતા હોત અને ભારતના સુકાની બન્યા હોત, તો આર્થિક ઉદારીકરણ ૪૦ વર્ષ પહેલાં થયું હોત. આજે જે ચીન કરે છે, એ ક્યારનુંય ભારત લેબર ઓરિયેન્ટેડ એક્સપોર્ટથી કરી ચૂક્યું હોત અને સામ્યવાદી રશિયાને બદલે વાજબી રીતે મૂડીવાદી અમેરિકાની સાથે જોડાણ કરી ચુક્યું હોત, એવા ઉદ્યોગપતિઓના મિત્ર અને મહારાજાઓના રાઝદાર ગણાતા સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા. આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!
* * *
બાઉન્ડ્રી લાઇન પર બેટસમેનને ઝીલાવી દેવા માટે ઉસ્તાદ બોલર લલચામણો ફૂલટોસ નાખે અને બુદ્ધુ બેટસમેન એ ટ્રેપમાં આઉટ થાય, એમ ગુજરાતમાં ચૂંટણીટાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાતટે વિશ્વનું સૌથી ઊંચુ સરદાર પટેલનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાની ઘોષણા કરી અને સરદારની મૌન રહેવાની વિચક્ષણતા ભૂલી ચૂકેલા વિપક્ષી આગેવાનો એની સામે ફરિયાદ કરવામાં કોટ એન્ડ બોલ્ડ થઇ ગયા! ઓનેસ્ટલી સ્પીકિંગ, બંગાળ માટે સ્વામી વિવેકાનંદનું હોય કે મહારાષ્ટ્રમાં શિવાજીનું હોય- એથી અનેકગણું મહાન પ્રદાન સમગ્ર દેશ માટે સરદાર પટેલનું છે. પણ એમની સાદાઇ એટલી કે આ ખબર મોટે ભાગે ગુજરાતીઓને જ હોય છે. જે ભારત માટે સરદારે લોહીપાણીવીર્યપસીનો એક કર્યા એ ભારતને ખાસ છે નહિં! જગતમાં તો સરદાર ભારતના બિસ્માર્ક કહેવાય છે, પણ બંનેના કામનો સ્કેલ અને ચેલેન્જ સરખાવો તો જર્મનીના ઓટો વાન બિસ્માર્કને યુરોપના સરદાર પટેલ એમ કહેવું જોઇએ. ગીતાથી ગાંધી સુધીની મેનેજમેન્ટ થિયરીઝ સ્ટડી કરતા અભ્યાસુઓ સરદારના લીડરશિપ ફન્ડા પર કદી કોર્પોરેટ વર્કશોપ કરતા નથી!
ઇનફ. જયારે જે ભાષામાં દુનિયા સમજતી હોય, એમાં એને સમજાવવી જોઇએ. ગાંધીજીએ પણ કોમ્યુનિકેશન ખાતર રામઘૂનથી ચરખા સુધીનું ‘મોકટેલ’ (બાપુમાં કોકટેલ તો ન કહેવાય ને!) મોડેલ બનાવ્યું હતું, અને લોકોને આકર્ષ્યા હતાં. ડફોળેશ્વરો સરદારનું સૌથી ઉંચુ પૂતળુ ગુજરાતમાં બને એ વિચારમાત્રથી ‘આગબબૂલા’ થઇને એને ડિઝનીલેન્ડના કાર્ટુન સાથે સરખાવે છે! છેલ્લાં ૫૪ વર્ષમાં ૬૦ અબજ (દુનિયાની કુલ વસતિના ૧૦ ગણા!) લોકો ડિઝનીલેન્ડની મુલાકાતે આવી ચૂકયા છે! સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર પૂતળું નથી. અમેરિકન પ્રજાના મિજાજની ઓળખ છે. અમેરિકનો શેરીએ શેરીએ લિંકનના પૂતળા નથી મુકતા, પણ લાર્જર ધેન લાઇફ લિંકન મેમોરિયલ બનાવવાનું ચૂકયા નથી. લિબર્ટી જેટલી જ ઇન્ટરનેશનલી અપીલિંગ ફીલિંગ યુનિટીની છે. એ નામનો પ્રાસ મળે, તો આપોઆપ જ રેડીમેઇડ બ્રાન્ડિંગ થતું જાય!
ગુજરાત સરદારની એક પ્રચંડ પ્રતિમા બનાવે, એમાં અને માયાવતી શેરીએ શેરીએ પોતાના પર્સવાળા પૂતળાઓ ખડકી દે- તેમાં બુનિયાદી ફર્ક છે. કોઇનું ઋણ ચૂકવવાનું ભુલાઇ જાય, તો ખાનદાન માણસ સામે ચાલીને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એ પાછું વાળે. ઇતિહાસ બોધ ન ધરાવતાં ભારતીયો પૂતળા પર્યટનના બહાને પણ રજવાડાંની એકતા અને રાષ્ટ્ર નિર્માણ વિશે જાણે, કે પરદેશીઓ સોવેનિયર તરીકે સરદારનું મિનીએચર સાથે લઇ જાય એ તો રળિયામણી ઘડી છે. જગત આજે બ્રાન્ડિંગ અને માર્કેટિંગની ભાષા સમજે છે. એ ઝંઝાવાત સામે ઉખડી જવાને બદલે એ જ પવન સઢમાં ભરી વ્હાણને મંજિલે પહોંચાડનાર કસબી કપ્તાન ગણાય! હજાર કરોડ તો પાણીદાર ગુજરાતીઓ પાટું મારીને ઉભા કરી લેશે, પણ હજાર કરોડ માનવીઓમાં બીજો સરદાર પટેલ વાયડા વિવેચનોથી પેદા નહિં થાય!
ફાસ્ટ ફોરવર્ડ
‘જે સમાજ પોતાના નાયકનું સમયસર સન્માન કરતો નથી, સમય એ સમાજને અપમાનને લાયક ગણે છે.’
સ્પેકટ્રોમીટર- જય વસાવડા
Gujarat samachar 31/10/2010
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો