જીવનનાં મહાનતમ સત્યોની જેમ સુખી થવાની અને દુખી થવાની રીત પણ સૌથી સરળ છે... જો તેને યોગ્ય રીતે આત્મસાત્ કરવામાં આવે તો!
‘મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એનાથી દૂર ભાગી જવું સહેલું છે.’ એવું ઘણાનું માનવું છે.
‘સત્યને ઢાંકવા પ્રયત્ન કરવાનો વિચાર પણ ન કરો, કારણ કે સત્ય બહાર આવ્યા વગર રહેવાનું નથી.’
દુ:ખી થવાની દશ રીત
મનની માન્યતા જુદી અને સિદ્ધાંતો જુદા. સિદ્ધાંતો હંમેશાં સાચા હોય છે અને આપણા જીવનને ઘડી આપે છે. માન્યતા સાચી હોય કે ખોટી અને શરૂઆતમાં સાચી હોય તોય કોઈ વાર જતે સમયે જડ બની જાય અને નુકસાન પણ કરે. મનને જેમ સાફ રાખીએ તેમ આંતરિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસશાસ્ત્રી આલ્બર્ટ એલિસ એની થોડી અયોગ્ય માન્યતા નોંધે છે અને એમાંથી મુકત થવા સૌને અનુરોધ કરે છે.
૧.‘મારે બધાનો પ્રેમ જોઈએ અને બધાનો આદર જોઈએ.’ ઘણા લોકો ઊંડે ઊંડે એવું માને છે અને ઝંખે છે. સૌનો પ્રેમ અને સૌનો આદર. તે વગર કેમ જીવી શકાય? હકીકતમાં જીવી શકાય છે. સુખેથી અને આનંદથી, અને હકીકતમાં પણ સૌનો પ્રેમ અને આદર સંપાદન કરવાનું તો અશક્ય હોય છે. માટે જે કોઈ એ આવશ્યક ગણે તે દુ:ખ જ નોતરે છે. કેટલાકની કદર તો મળશે અને કેટલાકનો પ્રેમ મળશે અને એ ઘણું છે. સૌનો પ્રેમ અને સૌનો આદર તો માનવજાતના ઈતિહાસમાં કોઈને પણ મળ્યો નથી અને મળવાનો પણ નથી. લોકો આપણી તરફ માનથી જુએ તો ઘણું સારું અને ન જુએ તોય કોઈ વાંધો નથી. બધાને હંમેશાં પસંદ પડવાની કોઈ જરૂર નથી.
૨.‘મારું સ્વમાન સાચવવું હોય તો મારે દરેક બાબતમાં કાર્યદક્ષતા, નિપુણતા, સફળતા બતાવવાં જોઈએ.’ હા, મારે સ્વમાન તો જોઈએ પણ સ્વમાન જાળવવા માટે હંમેશાં હાથ ધરેલાં દરેક કાર્યમાં નિપુણતા અને સફળતા જોઈએ એવું કંઈ નહીં. સાચી દ્રષ્ટિ એ છે કે હું તો મર્યાદિત છું અને મારી મર્યાદામાં મારો આનંદ ને મારી સાર્થકતા છે. મારાથી બને એ જરૂર કરું અને એથી મારું સ્વમાન જરૂર સચવાય. પછી પરિણામ જેવું આવે તેવું ખરું. મારી શક્તિ મર્યાદિત - અને મારું સ્વમાન અખંડ.
૩.‘મારા હાથનું કામ બગડે એ અસહ્ય આપત્તિ છે.’ ના, આપત્તિ પણ નહીં અને અસહ્ય પણ નહીં. સ્વાભાવિક, સહજ અને અનિવાર્ય ઘટના છે. કામ બગડે એટલે અગવડ પડે એ કબૂલ પણ અગવડ તે કોઈ આફત નથી. રજનું ગજ કરવાનો કોઈ અર્થ નથી. કામ બગડ્યું તો ફરીથી શરૂ કરો. આપત્તિઓ તો જિંદગીમાં પૂરતી હોય છે. એમાં આપણે હાથે કરીને ઉમેરો તો ન કરીએ.
૪.‘મારી ઊર્મિઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. હું લાચાર છું.’ ખોટું. ઊર્મિઓ તે ઊર્મિઓ છે એ વાત સાચી. ઊઠે ત્યારે ઊઠે અને બેસે ત્યારે બેસે. પરંતુ એ ઊર્મિઓની પાછળ મનના વિચારો પણ છે અને એ વિચારો જો બરાબર ચલાવીએ તો એની અસર લાગણીઓ ઉપર પડે, જે ખોટા ખયાલો ઉપરથી એવી લાગણીઓ ઉદ્ભવી હતી એ ખયાલો ઉઘાડા થઈ જાય અને લાગણી શમી જાય. લાગણી ઊઠે ત્યારે ઊઠે એમ આપણે કહીએ છીએ.
(મેં હમણાં એવું જાણી જોઈને લખ્યું છે) પરંતુ જરા ઊંડાણથી વિચાર કરીશું તો જણાશે કે લાગણી ઊઠે તે મનમાં અમુક ખયાલો આવી ગયા છે એને લીધે ઊઠે. એવો ખયાલ છે કે આમ થાય તો મારે ગુસ્સે થવું જોઈએ, આમ થાય તો નિરાશ થવું જોઈએ, આમ થાય તો ભયભીત થવું જોઈએ. તો ખયાલ બદલો એટલે લાગણી શાંત થાય. યોગ્ય વિચારો કરવાથી લાગણીઓ કાબૂમાં આવી જાય.
૫.‘કેટલાક લોકોનું વર્તન હું ચલાવી શકતો નથી.’ એને બદલે ચલાવી લો, એટલી જ વાર. એ વર્તન તમને નહીં ગમે એ જુદું. અયોગ્ય લાગે એ જુદું, તમને અનુકૂળ ન આવે એ જુદું પણ ચલાવી તો જરૂર શકો છો. હવે ચલાવી લેવું હોય તો ચલાવી લો અને ન ચલાવી લેવું હોય તો ન ચલાવો, પણ ‘ચલાવી ન શકું’ એ લાચારીનું બહાનું તો ન કાઢો.
૬.‘મારા નાનપણના અનુભવોથી મારું બાકીનું જીવન ઘડાયું છે એટલે એમાંથી છૂટવા હું હવે કંઈ કરી શકું એમ નથી.’ નાનપણની અસર આખા જીવન ઉપર પડે છે એ વાત સાચી. સાચો પ્રેમ અને હૂંફ મળ્યાં હોય તો વિશ્વાસ અને આનંદ આવે, વિરોધ ને કલેશ મળ્યા હોય તો અવિશ્વાસ અને અસ્થિરતા આવે. એ સાચું છે પણ એથી આખું જીવન અનિવાર્યપણે નિર્ધારિત થયું હોય એટલે અંશે તો નહીં. ખરાબ અસર મટાડી શકાય અને શ્રઘ્ધાથી ને પુરુષાર્થથી જીવનમાં વિશ્વાસ અને આનંદ લાવી શકાય.
૭.‘મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એનાથી દૂર ભાગી જવું સહેલું છે.’ એવું ઘણાનું માનવું છે. ભાગી જવું સહેલું. સામે થવું અઘરું પણ ભાગી જવાથી મુશ્કેલીઓ તો ટળતી નથી. છેવટે એનો સામનો કરવો પડશે અને મોડો સામનો કરવા કરતાં વહેલો સામનો કરવો સહેલો હોય છે. વિલંબમાં સુખ નથી, વહેલા જાગવું સારું.
૮.‘મારી ભૂલો અને અપરાધોને લીધે મારે હીનતાનો ભાવ અનુભવવો જોઈએ.’ ગુનાની ગ્રંથિ ખૂબ સામાન્ય હોય છે. મેં ખોટું કર્યું હોય તો ઓછું તો લાગવું જોઈએ ને? ખોટું તો આપણે બધા જ કરીએ છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. પછી ભૂલ જાણીને, સ્વીકારીને, એ કેમ થઈ એની તપાસ કરીને સુધારો કેમ લાવી શકાય અને એ ભૂલ ફરીથી ન થાય માટે શું કરી શકાય એ જરૂર જોઈ લઈએ પણ એથી ઓછું ન લગાડીએ, અને કોઈ પણ જાતની હીનતાનો ભાવ ન લાવીએ. ભૂલનું ઉત્તમ પ્રાયિશ્ચત્ત ઉમંગથી ફરીથી શરૂ કરવું એ જ છે.
૯.‘મારા જીવનમાં નિરાશા આવી ગઈ છે, એ હવે કદી જવાની નથી.’ નિરાશા તો આવે જ, પણ જેવી આવે તેવી જાય. જેના મનમાં કોઈ વાર નિરાશા આવી ન હોય એવો કોઈ માણસ પૃથ્વી ઉપર નહીં હોય. જેના મનમાં હંમેશાં ફક્ત નિરાશા જ હોય એવું પણ કોઈ નથી હોતું. ભરતી-ઓટ હોય છે. અત્યારે કસોટી છે એનો અર્થ એ નથી કે કાયમ રહેશે, પસાર થઈ જશે. નિરાશાનું વાદળ જશે. આકાશ ખુલ્લું થશે. આનંદ આવશે અને શ્રઘ્ધા આવશે. માણસ અંધકારમાં આવે ત્યારે કદાચ પ્રકાશ આવવાનો નથી એમ ગભરાઈને માને. ખોટી બીક છે. સૂરજ ફરીથી ઊગશે અને જીવનને અજવાળી દેશે.
૧૦.‘જીવનનો અર્થ મને બરાબર ન સમજાય ત્યાં સુધી હું મારું જીવન બરાબર જીવી ન શકું.’ કહેવાનું મન થાય કે જો એમ હોય તો કોઈ પણ એનું જીવન બરાબર જીવી ન શકે, કારણ કે એનો સ્પષ્ટ, ચોક્કસ, નિર્વિવાદ અર્થ તો હજી કોઈને સમજાયો નથી. એના વિશે ઘણું ઘણું લખાયું છે અને એ જ બતાવે છે કે એ સ્પષ્ટ વાત નથી, કારણ કે સ્પષ્ટ હોત તો આટલું બધું લખવાની જરૂર ન હોત. સ્પષ્ટ નથી એટલે જ ચર્ચા ચાલે છે. તોય જીવન સુખેથી જીવી શકાય છે અને મજા કરી શકાય છે, એવું કરીએ છીએ ને! આવી દશ માન્યતાઓ છે. માનપૂર્વક સૌને વિદાય.
સ્વસ્થ જીવનના દશ નિયમો
બર્ટ્રાડ રસેલની પ્રામાણિક વ્યવહારની ‘દશ આજ્ઞા’ માનસિક સ્વાસ્થ્યની રૂપરેખા ગણી શકાય. સત્યમય વર્તન અને અંતરની શાંતિ સાથેસાથે ચાલે છે, એ સાચા માણસના દિલને હરખાવે એવી હકીકત છે. ચારિત્ર્ય શુદ્ધ હોય તો મન સ્થિર રહે. મનની ઉત્તમ દવા જીવનની પવિત્રતા હોય છે. એ દશ આજ્ઞામાં વિનોદ પણ છે અને માનવસ્વભાવનું ઊંડું જ્ઞાન પણ છે એટલે જાણવા જેવી છે.
૧.‘કોઈ વાતની પૂરી ખાતરી ન રાખો’ એવું બોલનાર પ્રબળ પ્રજ્ઞાવાન-પ્રતિભાશાળી વિભૂતિ છે. ખાતરી રાખવા કોઈને અધિકાર હોય તો એને જ હતો. તોય વિનોદમાં ને મર્યાદામાં ખાતરી ન રાખવા માટે ચેતવણી આપે છે. અભ્યાસ જરૂર કરીએ, સંશોધન, તપાસ અને વિચાર કરીએ અને આપણું માનવું, આપણો અભિપ્રાય, આપણી પસંદગી તો જરૂર જાણીએ અને જણાવીએ પરંતુ આ બાબતમાં પૂર્ણ સત્ય છે એ મારી પાસે છે અને કોઈ બીજું કહે તો ભૂલ ખાય છે એ તો કદી બોલીએ પણ નહીં અને વિચારીએ પણ નહીં. નમ્રતા એ સત્યનો એક અંશ છે.
૨.‘સત્યને ઢાંકવા પ્રયત્ન કરવાનો વિચાર પણ ન કરો, કારણ કે સત્ય બહાર આવ્યા વગર રહેવાનું નથી.’ સત્ય અપ્રિય હોય તો એ ઢાંકી દેવાની લાલચ કોઈને પણ થાય પણ ખાલી લાલચ છે. સહેજ થોડો વિચાર કરીએ તો ખબર પડે કે આજે સત્યને દબાવીશું તો કાલે એ નીકળશે ત્યારે એથી જે અગવડ પડવાની હતી એ પડશે અને તે ઉપરાંત સત્યને દબાવ્યાની શરમ હશે. અગવડ નહીં તો શરમ તો જરૂર ટાળી શકીએ - સત્યને પહેલેથી જ સ્વીકારીએ તો એમાં ડહાપણ છે.
૩.‘લોકો વિચાર કરતા બંધ થાય માટે એમને પ્રોત્સાહન ન આપો - કારણ કે એ પ્રોત્સાહન સફળ થશે જ!’ આમાં કટાક્ષ છે. લોકો વિચાર તો કરતા જ નથી. કદાચ માનવજાતનો મોટો રોગ એ જ હોય. વિચારશૂન્યતા. લોકો માની લે, સ્વીકારી લે, ગળી જાય, ગોખી જાય પણ જાતે વિચારતા નથી. લોકો વિચાર ન કરવા માટે બહાનાં શોધે છે, માટે જો એમને કહીશું કે ચિંતા ન કરો, તમારે કોઈ વિચાર કરવાનો નહીં, અમે બધું ઠીક કરી આપીશું, તમારે ફક્ત અમે કહીએ તેમ કરવાનું - તો લોકો જરૂર એમ કરશે અને વિચાર કરતા બંધ થઈ જશે. ખરો ધર્મ ઊલટો છે: લોકોને વિચાર કરતા કરી મૂકવાનો.
૪.‘તમને પતિ, પત્ની, દીકરા કે બીજા કોઈની પાસેથી વિરોધ મળે તો એનો ઉપાય અધિકારને જોરે નહીં પણ તર્કને જોરે કરજો, કારણ કે ખાલી અધિકારથી મળેલો વિજય ક્ષણિક અને ભ્રાંતિકારક છે.’ હું કહું એટલે એમ જ કરવાનું. બસ, હુકમ છૂટયો અને દીકરો કે પત્ની અથવા હાથ નીચે કામ કરનારા દબાઈ જાય અને એમ જ કરે. એને છૂટકો નથી એટલે એમ કરવું પડે, સહકાર નહીં - જુલમ છે. એથી આજે કામ પત્યું, પણ વિરોધ હતો. વધારે પ્રબળ થયો. તો કાલે એનો પરચો દેખાશે અને અધિકારનો મોરચો તૂટી પડશે. હુકમથી કામ નહીં ચાલે. સમજૂતી થવી જોઈએ.
૫.‘તમારા મતની તરફેણમાં બીજાનાં અવતરણો નહીં ટાંકો, કારણ કે એના વિરોધમાં એટલાં જ અવતરણો ટાંકી શકાય.’ ફલાણાએ આમ કહ્યું. હા, અને ઢીંકણાએ કહ્યું, શાસ્ત્રમાં આવું કહ્યું છે અને બીજા શાસ્ત્રમાં બીજું. વાત પોતાની યોગ્યતાથી સિદ્ધ થાય, બહારની ચૂંટણીથી નહીં.
૬.‘બીજાઓના મત તમને હાનિકારક લાગે તોય સત્તા વાપરીને એનો નાશ નહીં કરો, નહીં તો એ મત તમારો નાશ કરશે.’ વાત ભલે તમને અયોગ્ય લાગે અને એ દૂર કરવા તમારાથી બને એટલા પ્રયત્ન કરો પણ સરમુખત્યાર સત્તાથી એનો સામનો ન કરો. વિચારોની અદભૂત શક્તિ છે. એ દબાવાથી દબાય નહીં. તમે એનો નાશ કરવા જશો તો એ તમારો નાશ કરશે. ઇતિહાસનો ન્યાય છે.
૭.‘તમારાં દ્રષ્ટિબિંદુ જરા વિચિત્ર લાગે તો એની ચિંતા ન કરો; આજે સ્વીકારેલાં તમામ દ્રષ્ટિબિંદુ એક દિવસ તો વિચિત્ર લાગતાં હતાં.’ વિજ્ઞાન અને ધર્મ એમાં સાક્ષી છે. જ્યારે જ્યારે સમાજમાં કોઈ નવી વાત આવી ત્યારે શરૂઆતમાં એની ટીકા થઈ, નિંદા થઈ, વિરોધ થયો. સાહિત્યમાં પણ અને કલામાં પણ એવું થાય. નવી શૈલી હાસ્યાસ્પદ લાગે, નવી વિચારસરણી અમાન્ય બની જાય. પછી સમય પસાર થઈ જાય અને એ વિચારસરણી એક અદભૂત પ્રતિભાશાળી પ્રજ્ઞાની હતી અને એ સાહિત્ય એક પ્રથમ પંક્તિના કલાકારનું સર્જન હતું એમ સિદ્ધ થઈ જાય. મૌલિકતામાં જોખમ છે ખરું અને શરૂઆતમાં બધાને નવાઈ લાગે, અવિશ્વાસ થાય, પ્રતિકાર થાય પણ મૌલિકતામાં ખરો આનંદ છે, સર્જનાત્મકતા છે, પ્રગતિનું બીજ છે માટે નવું કરવાથી ડરીએ નહીં, નવું વિચારવા અચકાઈએ નહીં. આજે આપણે જાણીએ, કાલે બધા જાણશે અને તાળીઓ પાડશે.
૮.‘નિષ્ક્રિય સંમતિ કરતાં પ્રામાણિક વિરોધ પસંદ કરો, કારણ કે જો તમારી પાસે બુદ્ધિની કદર હશે તો પ્રામાણિક વિરોધમાં ખરી અને ઊંડી સંમતિ દેખાશે.’ ઘણી વાર કોઈ મિત્રની વાતને આપણે શાંત રહીને મૂગી સંમતિ આપીએ. એમાં સગવડ હશે, પણ હિંમત અને સરચાઈ નથી અને ખરું જોતાં મિત્રતાની કદર પણ નથી. સાચા મિત્રની સાથે સંબંધ ગાઢ બનાવવો હોય તો એની સાથે મન જેમ ચોખ્ખું રાખીએ તેમ સારું. જૂઠું બોલવાથી પડદો પડે અને અંતર વધે. મતભેદ હોય તો તે બતાવવાના. ભલે મનની સંમતિ ન હોય, પણ એવી નિખાલસતા બતાવવાથી હૃદયની સંમતિ સ્થપાય અને એ વધારે કીમતી છે.’
૯.‘પૂરી ચોકસાઈથી હંમેશાં સત્ય બોલો. એમાં અગવડ આવે તો પણ.’ સત્ય બોલવામાં લાંબા ગાળે વધારે સગવડ હોય છે. સત્ય બોલવાની અગવડ એક જ વખતે પતી જાય; જ્યારે અસત્યની અગવડ તો ફરીફરીને આવ્યા જ કરે અને કદી મટી ન જાય. સત્યનો રસ્તો ટૂંકો ને સાચો હોય છે.
૧૦.‘જે લોકો મૂર્ખાઓના સ્વર્ગમાં રહે એમનાં સુખની ઇર્ષ્યા ન કરો, કારણ કે ફક્ત મૂર્ખાઓ જ એને સુખ માને છે.’ મૂર્ખાઓનું સ્વર્ગ એટલે જીવનની વાસ્તવિક્તા જોયા વગર દરેક પ્રસંગમાં બનાવટી આનંદ જોઈને અને જોવડાવીને કૃત્રિમ સુખ માણવા વ્યર્થ પ્રયત્ન કરનારા લોકોનો સમૂહ. ખરું સુખ શોધવા માટે દુ:ખનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. સારું સારું કહેવાથી બધું સારું તો નહીં બને. દુનિયામાં ખરાબ પણ ઘણું છે અને એની આગળ આંખમિચામણાં કરવાથી એ દૂર તો થતું નથી. કોઈને એ ખોટા સ્વર્ગમાં રહેવું હોય તો ભલે રહે પણ એની ઇર્ષ્યા તો કોઈએ કરવાની નહીં. સાચું સ્વર્ગ જીવનની વાસ્તવિકતા હોય છે. આવા સરળ, રમૂજી, માર્મિક નિયમોમાં જીવનની પ્રામાણિકતા અને અંતરની શાંતિ છે.
અંશ, ફાધર વાલેસ
(સંજય વૈધ સંપાદિત અને તેમની જ પ્રકાશન સંસ્થા ૩૫ એમએમ દ્વારા પ્રકાશિત ‘ફૂલિગેન્સ’માંથી સાભાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો