રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

નામ વગરના સંબંધો

કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે.

સંબંધ વિશે અનેક લોકોએ અનેક ગણું લખ્યું છે. એક વિચારકે લખ્યું છે: 'સંબંધોની બાબતમાં સૌથી મોટો પડકાર ત્યારે ઊભો થાય છે, જ્યારે લોકો બીજી વ્યક્તિ પાસેથી કશુંક ને કશુંક મેળવવા માટે સંબંધ બાંધે છે. (એ 'મેળવવું' ભૌતિક પણ હોઇ શકે અને લાગણી વિષયક પણ હોઇ શકે.) ખરેખર કશું મેળવવાનો નહીં, પણ કશુંક 'આપવા'નો હેતુ હોય તે સંબંધો જ દ્રઢ ભૂમિકાએ ઊભા રહી શકે છે.'

જ્યારે લોકો સામેની વ્યક્તિમાં શું ખૂટે છે તેના વિશે જ વિશેષ સભાન બને છે ત્યારે સંબંધોના સંદર્ભમાં સમસ્યા ઊભી થાય છે. સંબંધના પાયામાં વિશ્વાસ મહત્વનો ભાગ ભજવે છે. જો સામેની વ્યક્તિ પર પૂરો વિશ્વાસ મૂકવામાં આવે તો તે વ્યક્તિ આપણને પોતાનું શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કરે છે. માર્ટિન વોલ્સ નામના વિચારકે કહ્યું છે: 'જો તમે બીજાઓની સારી બાજુઓ તરફ ધ્યાન આપશો તો તમારી અંદર રહેલી ઉત્તમ બાજુઓ પણ આપોઆપ પ્રગટ થવા લાગશે.'

માણસ જ્યારે માત્ર પોતાની જાતને જ સર્વશ્રેષ્ઠ માની લે છે ત્યારે એ સંબંધોમાં નિષ્ફળ જાય છે, એ જિંદગીમાં કશું નવું શીખી પણ શકતો નથી. દરેક માણસ બીજા માણસ પાસેથી કશુંક ને કશુંક નવું શીખી શકે છે. તમે બીજી વ્યક્તિ માટે પૂર્વગ્રહ રાખીને જ ચાલશો તો સાચા સંબંધની કોઇ ગુંજાશ રહેશે નહીં. કોઇએ કહ્યું છે: 'દરેક માણસ એક નવો દરવાજો હોય છે. તમે એમાં પ્રવેશ કરીને કોઇ ભિન્ન દુનિયાને જોઇ શકો છો.' એવા જ મતલબનું બીજું એક સુવાક્ય છે: 'તમારી આસપાસનું બધું જ અને તમારી આસપાસ રહેલા બધા જ લોકો તમારા શિક્ષક બની શકે છે.'

મધર ટેરેસા સંબંધને સમસ્તના સંદર્ભમાં જોવાની શીખ આપતા કહ્યું છે: 'તમે જગતના વિશાળ પરિપ્રેક્ષ્યમાં દાખલ થાઓ અને તમને જે માણસો મળે તે બધાને પ્રેમ કરવા લાગો. તમારી હાજરી માત્રથી એવો ઉજાસ ફેલાવો કે બીજા લોકોના હૃદયના દીવા આપોઆપ પ્રકાશિત થઇ ઊઠે.' કેટલાક સંબંધો માત્ર એકાદ નાનીસૂની ઘટનાથી પણ જિંદગીભર આપણી સાથે રહે છે. મારા નાનપણમાં ગાભાભાઇ નામના દેરાસરના પૂજારી હતા. અમે તે વખતે દેરાસરની શેરીમાં રહેતાં હતાં. ગાભાભાઇ સાથે અમારો કૌટુંબિક નાતો જરાસરખો પણ નહોતો, છતાં કોણ જાણે કેમ એ મને ખૂબ વહાલ કરતા.

બોલતા કશું નહીં, એમના ચહેરા પરથી પણ એમનો મારા પ્રત્યેનો વિશેષ ભાવ કળી શકાતો નહીં. એ એમનો વહાલભર્યો સંબંધ દર્શાવવા મારા માટે દરરોજ એક ફળ સાચવી રાખતા. હું શાળાએથી પાછો આવતી વખતે દેરાસર પાસેથી પસાર થતો હોઉં ત્યારે એ તે ફળ મને આપતા. આ એમનો દૈનિક ક્રમ હતો. હું એમને કદી વીસરી શક્યો નથી. બીજો એક પ્રસંગ યાદ આવે છે. એક રજાના બપોરે આપણા ગઝલસમ્રાટ અમૃત ઘાયલ ભુજમાં મારે ઘેર આવી ચઢ્યા. તે વખતે તે ભુજમાં નોકરી કરતા હતા. મને કહે, બહાર ચાલ. અમે ભરબપોરે ભુજના નાકા બહાર ગયા. તડકામાં ચાલતા રહ્યા. એ ખૂબ ઉદાસ હતા.

એક બહારની મોટી સંસ્થાએ મુશાયરાના સંદર્ભમાં એમને રુચે નહીં તેવું વર્તન એમની સાથે કર્યું હતું. એ આડીઅવળી વાતો કરતા રહ્યા. પછી એમને અકળાવનારી ઘટના વિશે વાત કરવા લાગ્યા. મારે માત્ર સાંભળવાનું હતું. મને કહ્યું: 'હું કોઇની પાસે હળવો થવા માગતો હતો.' મને લાગે છે એ ખરેખર હળવા થઇ શક્યા હતા. હળવા થવા માટે મનની વાતો કરવી અને તે વાતોને સમભાવપૂર્વક સાંભળવી એ પણ સંબંધની મોટી સમજ છે. પ્રખ્યાત નગારા(નોબત) વાદક સુલેમાન જુમ્માને મારા પર પ્રેમ હતો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પર રોકોર્ડિંગ માટે આવ્યા હોય ત્યારે ખાસ સમય કાઢીને મારી સાથે વાતો કરવા બેસતા. મારી નાની બહેનના લગ્નપ્રસંગે મેં એમને મુરબ્બી અતિથિ તરીકે નિમંત્રયા હતા. આવ્યા. માંડવામાં બેઠા, પણ તરત નારાજ થઇ ગયા. તે વખતે બીજો એક ઢોલી ઢોલ વગાડતો ત્યાં બેઠો હતો. સુલેમાન બાપાએ મને કહ્યું: 'તેં મને ઢોલ સાથે લાવવાનું કેમ કહ્યું નહીં?' હું કલ્પી જ શક્યો નહીં કે આવો મોટો કળાકાર મારી બહેનના માંડવામાં ઢોલ વગાડવા માગતો હતો.

આવા અને એ પ્રકારના બીજા કેટલાય સંબંધોને કોઇ નામ આપી શકાતું નથી. કશી જ અપેક્ષા વિનાના સંબંધોમાં, લોહીના સંબંધોમાં આવી જતી, લોહીની ખારાશ હોતી નથી. એ સંબંધોમાં સ્વાર્થને સ્થાન હોતું નથી. એ સંબંધો માત્ર હોય છે. એવા કારણ વિનાના સંબંધો હોય છે. તકલીફ એક જ વાતની છે કે સંબંધોનું યુગ્મ સ્ત્રી અને પુરુષ હોવાથી એના વિશે સમાજની માન્યતા જુદા પ્રકારની હોય છે. વાર્તાકાર ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો 'એ સંબંધો ખરાબની ગંધ આવે એટલા બધા સારા હોય છે.'


ડૂબકી, વીનેશ અંતાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો