શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

લર્ન ફ્રોમ લાઇફ : વિશ્વ એ જ આપણું વિદ્યાલય....

5SPECT1.gif‘થ્રીઇડિયટસ’ની નબળી ગુણવત્તાથી જેટલું આશ્ચર્ય થયું એટલું એની પ્રચંડ સફળતાથી નથી થયું. પાત્ર લેખન કોને કહેવાય, એની પણ ખબર ન હોય એવા સમાજને ગુણવત્તા કરતા ગુણની કદર વઘુ છે, એ તો શાળા- કોલેજો- કોચિંગ કલાસોમાં સદાકાળ ઝૂલતા હાઉસફુલના પાટિયાથી જ નક્કી થઇ જાય છે! ‘થ્રી આઇ’માં જે કંઇ ઉત્તમ, સારૂં, રસપ્રદ અપનાવવા જેવું છે, એ બઘું દેખીતી રીતે ચેતન ભગતની ‘ફાઇવ પોઇન્ટ સમવન’ પરથી પ્રેરિત છે. પણ આ દેશમાં વાચકો કરતાં પ્રેક્ષકોની સંખ્યા અનેકગણી છે. એટલે સ્તો ‘મૂળ વાર્તાનું ૫% પણ અમે નથી લીઘું’ એવું હડહડતું જૂઠાણું બોલનારા સર્જકોની સદાચારના ઉપદેશવાળી ફિલ્મો ચાલી જાય છે. બરાબર છે. ઢોંગી બાબાઓ અને નાલાયક નેતાઓને ચલાવી લેતાં દેશમાં આની નવાઇ જ હોવી જોઇએ.

નવાઇ તો એ પણ ન લાગવી જોઇએ કે પુસ્તકની દુનિયામાં જે-તે સમયે ‘ફાઇવ પોઇન્ટ સમવન’ અને ફિલ્મોની દુનિયામાં ‘થ્રી ઇડિયટસ’ને અસાધારણ સફળતા શી રીતે મળી? કારણ સાફ છે. જે હાઇવે પર એક પણ રેસ્ટોરાં ન હોય, ત્યાં કોઇ કવોલિટી હોટલ ખૂલે તો ધમધોકાર જ ચાલવાની છે. મૂળભૂત રીતે દાયકાઓથી સતત પ્રજાનો રેઢિયાળ, જડ, વાહિયાત અને નકામી શિક્ષણ પદ્ધતિ (ખરેખર તો પરીક્ષા પદ્ધતિ) પ્રત્યેનો હતાશામિશ્રિત રોષ વધતો જ જાય છે. ડિજીટલ યુગમાં મિડિયા એકસપ્લોઝન પછી તો આ એજયુકેશન સીસ્ટમની કથળતી તબિયતનો બ્લડ ટેસ્ટ આસાનીથી થઇ શકે છે. બધા જ શિક્ષણ પદ્ધતિ બદલાવવાની મસમોટી વાતો કર્યા કરે છે, પણ સમખાવા પૂરતી યે એ બદલાવી બતાવતા નથી. પછી ભારત છોડીને ભાગી જનારા નોબલ પ્રાઇઝ વિનર વિજ્ઞાનીનો લીંબડજશ ખાવા હરખપદૂડા થાય છે, અને ખુદ વડાપ્રધાને કબૂલ કરવું પડે છે કે આપણે ત્યાં શિક્ષણમાં મૌલિકતા, સંશોધન, રસ-રૂચિની ખીલવણી, સંદર્ભ સાહિત્યનું વાંચન આવું કશું જ નથી, ફકત વેપારી માનસની તુમારશાહી (રેડ ટેપિઝમ) છે!
એટલે જ વાત એફપીએસની જેમ અસરકારક રીતે કહેવાઇ હોય કે થ્રીઆઇની માફક નફાકારક રીતે કહેવાઇ હોય, કાળી કોટડીમાં બંધ કેદીને તાજી હવાની લ્હેરખી આકર્ષે, તેમ શિક્ષણમાં ક્રાંતિની વાતો લોકોના હૃદયને સ્પર્શી જાય છે. એક સમયે ગુંડાઓ સામે લડતો અમિતાભ ગમી જતો હતો તેમ જ! બધા જ એજયુકેશન સીસ્ટમથી ત્રસ્ત છે, છતાં કોઇ એ છોડતું નથી. કિતાબ કે સિનેમામાં તો કાલ્પનિક વાત છે. પણ આ નાચીઝ બદતમીઝે તો એ દાયકાઓ અગાઉ જીવી બતાવી છે. શાળાએ ગયા વિના (એટલે જ વઘુ સારી રીતે!) ભણવાનું, કોલેજને ચેલેન્જ આપી મસ્તીથી ડિગ્રી મેળવવાની !
* * *
માણસ ભણે છે શા માટે?
હાથીના દાંતની માફક આપણે ત્યાં આ સવાલના બે જવાબો હોય છે. ચાવવાના અને દેખાડવાના. દેખાડવાના જવાબોમાં માતા સરસ્વતીની જ્ઞાનસાધનાથી લઇને ગાંધીજી- વિવેકાનંદ- આઇન્સ્ટાઇન સુધીના કવોટેશન્સ આવી જાય છે. ચાવવાનો જવાબ છેઃ કારકિર્દી બનાવવા. મતલબ પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા.
વેલ, આ વાત સ્વીકારો તો પણ ભણતર એ ઘડતર સાથે જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષણ એટલે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની પ્રક્રિયા. એજયુકેશન મીન્સ નેચર પ્લસ નયેર. પ્રતિભાને પ્રભાવશાળી બનાવવાની પ્રક્રિયા. લાઇફ સ્કિલ્સ યાને જીવનજરૂરી કૌશલ્યો અને ‘સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ’વાળી વેલ્યૂ સીસ્ટમના મૂલ્યો શીખવા, સમજવા, કેળવવાની પ્રક્રિયા. પસંદગીની પુખ્તતા પામવા નવું નવું શીખવાનું સતત રહેતું કુતૂહલ! મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભુ ચાવલા સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં એક સરસ વાત કહી હતી. કોઇ કશું બનવા માંગે તો એ બહુ કરી શકતો નથી. પણ જો એ મન લગાવીને કશુંક કરવા લાગે તો ધીરે ધીરે પરિસ્થિતિ આપોઆપ એને કશુંક બનાવી દે છે!

આવું જ શિક્ષણ- કેળવણીનું છે. જો એ સાચી અને સારી રીતે પાર પડે, અને વ્યકિત સજજ બને તો સફળતા આપોઆપ મળવાની! સકસેસ ઇઝ બાયપ્રોડકટ! પણ આપણે જોઇએ છીએ કે ગોખણપટ્ટીથી મળતા માર્કસના ફુગાવા પછી પણ આપણી પાસે જેટલા ટોપર્સ, ડિગ્રીહોલ્ડર્સ છે, તેટલા સકસેસફુલ પીપલ નથી! કયોં? કેમ બધા જ એમબીએ સફળ મેનેજર નથી હોતા? બધા જ ડોકટર એકસરખા એકસપર્ટ નથી બનતાં? બધા જ એમએપીએચડી સર્જક નથી હોતા? ફોર એકઝામ્પલઃ ગુજરાતી અખબારો- મેગેઝીન્સના કોઇ સફળ માલિકો, સંચાલકો, તંત્રીઓ કે કટારલેખકો ભાગ્યે જ જર્નાલિઝમનો કોર્સ કરીને સફળ થયા છે. અને ટોચના ઉદ્યોગપતિઓની પહેલી પેઢી જવલ્લે જ બિઝનેસ મેનેજમેન્ટ ભણવા ગઇ છે!


મતલબ, કશુંક કયાંક ખૂટે છે. શાળામાં અપાતું શિક્ષણ અને કોલેજમાં અપાતી કેળવણી પૂરતી નથી! આસપાસ નજર કરો તો કેટલાય પરીક્ષાઓમાં સારા માર્કસે પાસ થયેલા ભણેશરી છોકરા - છોકરાઓ કાળની કસોટીમાં વારંવાર ભૂંડે હાલ નાપાસ થતા રહેતા દેખાશે! લાખ્ખો રૂપિયા ખર્ચીને બેસ્ટ કોર્સ કરાવ્યા પછી પણ ભાવિ નાગરિકો પાયાની કેટલીક બાબતો શીખ્યા હોતા નથી! શિખર ચણાઇ જાય છે, પણ ઓટલા વગર મંદિર બને કઇ રીતે! પછી એવું બને કે સૂર્યમાં રહેલા હિલિયમ વાયુની ખબર હોય પણ સૂરજનો તાપ લાગે ત્યારે કેવી છાશ કે લીંબુ પાણી પીવું તેની ગતાગમ ન હોય! (અમસ્તી કંઇ પ્રોફેશનલ જોબ માટે કંપનીઓ માર્કશીટનો ભરોસો કર્યા વિના પર્સનલ ઇન્ટરવ્યૂ રાખે છે?)


અપવાદો જરૂર હશે- પણ આપણા મસમોટાં થોથાંઓ ધરાવતા પ્રખર વિદ્વાનોએ તૈયાર કરેલા સિલેબસ ભણાવતા શાળા- કોલેજોના શિક્ષણમાં જન્મજાત ન આવડી શકે, અને સમાજમાં ટકવા માટે અનિવાર્ય હોય એવી કેટલીય બાબતોને ભણાવવામાં- કેળવવામાં જ આવતી નથી! સાઇન થીટા અને પૂર્ણ આંતરિક પરાવર્તન શીખીએ, ઘટતા જતા સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત અને બહુવ્રીહિ સમાસ શીખીએ.... પણ કેટકેટલું આ બધા કરતાં વહેલું અને પહેલું જરૂરી આપણે શીખતા નથી! (જે શીખો છો, એ સાવ નકામું છે એમ નહિં પણ જે કામનું છે એ તો કયાંય છે જ નહિં!)


જેમ કે, કચરો વાળતા-પોતાં કરતાં શીખવવાનો કોઇ સિલેબસ નથી. કપડાં ધોવા- સૂકવવા (એમાં ય ઊનના હોય તો જુદી રીત હોય ને રેશમી હોય તો અલગ પદ્ધતિ હોય) શીખવાડવાના વર્ગો નથી. દીવો લાંબો સમય ચલાવવો હોય તો વાટ કેવી રાખવી એની તાલીમ મળે છે કયાંય? અનાજ- કરિયાણું- શાકભાજી -ફળો ખરીદતા અને સાચવતા શીખવવામાં આવે છે? ફકત સ્કૂલ- કોલેજના ‘ફોર્મલ એજયુકેશન’થી કંઇ ચોપડી પર પૂંઠુ ચડાવતા, ટોયલેટ- બાથરૂમ સાફ કરતાં, ફૂલોની માળા- તોરણ બનાવતા, ફયુઝ સાંધતા, રસોઇ બનાવતા, વઘાર કરતાં, ઇન્મટેકસ રિટર્ન ફાઇલ કરતાં, રેલવેનું ટાઇમટેબલ જોતાં, એરપોર્ટ પર ચેકઇન કરતા, બેન્કમાંથી ડ્રાફટ કઢાવતા, પંચાંગ જોતાં, કપડાંને ગડી કરતા, ચાદર પાથરતા, બૂટપોલિશ કરતાં, ટપકતો નળો બંધ કરતાં, પંચરવાળુ ટાયર બદલાવતા, નકશો જોતાં, દીવાલો પર રંગ કરતાં, સ્વબચાવ માટે લાઠી- રિવોલ્વર ચલાવતા કે કરાટે જેવી માર્શલ આર્ટસનો પ્રયોગ કરતાં આવડે છે?


જીમ્નેશિયમના સ્ટ્રેચિંગ- કાર્ડિયોવસ્કયુલર જેવી એકસરસાઇઝના પેપર્સ છે? ઘોડેસવારી કે ડ્રાઇવિંગના માર્કસ મળે છે? સોપારી કાતરતા કે દીવાલમાં ખીલી નાખતા ફાવે છે? દોરીમાં ગાંઠ પાડતા કે છોડ ઉછેરતા આવડે? શેવિંગ કે વેકિસંગ કોઇ સ્કૂલ કોલેજના સિલેબસનો હિસ્સો હોઇ શકે? ઇમેઇલ એકાઉન્ટ ખોલતા કે સર્ફંિગ કરતા શીખવાડાય? શેરડીનો સાંઠો છોલતાં કે માંડવીના ઓળા શેકતા કયાં શીખવાનું? શાકભાજીની છાલ ઉતારવાની હોય કે હિસાબોની નોંધ લખવાની હોય, અરજીમાં બાયોડેટા લખવાનો હોય કે ડિજીટલ કેમેરામાં ફોટોગ્રાફી કરવાની હોય, મોબાઇલના એસએમએસ કે કાગળોના ફેકસ- આમાનું કશું શાળા- કોલેજના વર્ગખંડોમાં ભણાવાય છે ખરૂ?


જરા વિચારજો. શું અહીં લખી એ બાબતો આપણે ત્યાં જીંદગી જીવવા માટે જરૂરી નથી? અરે, અનિવાર્ય છે. ડગલે ને પગલે ઉપયોગમાં આવે તેવી છે. ક્ષેત્રફળ કે ઘનફળ, અર્થવિસ્તાર કે સૂર્યમાળા કરતાંય આ ‘લાઇફ સ્કિલ્સ’ની આવશ્યકતા વઘુ હોય છે. પણ ભાગ્યે જ આમાંની કોઇ વાત સ્કૂલ- કોલેજમાં શીખવાડાયા છે, અભ્યાસક્રમમાં સમાવાય છે. જયારે જવાબદાર નાગરિકની વાત તો જવા દો, અસ્તિત્વ ટકાવવા માટે પણ આ બઘુ આવડવું ફરજીયાત જેવું છે.


અને આ બઘુ લોકો શીખી પણ જતાં હોય છે. પણ ઘરમાંથી. દોસ્તો પાસેથી, જોઇ જોઇને. અનુભવે ‘ટ્રાયલ એન્ડ એરર’ મેથડથી ઘડાઇને. જરૂર પડે (કૂકિંગ, ડ્રાઇવિંગ વગેરે) કયારેક પ્રાઇવેટ કોચિંગ લઇને...! મુદ્દો એ છે કે સ્કૂલ- કોલેજમાં ભણાવાતું ન હોય એવું ય ઘણું બઘું છે, જે આપણે શીખતા હોઇએ છીએ. એટલે શાળા- કોલેજના માર્કસ કે ડિગ્રીમાં જ સર્વાંગી વિકાસ કે સંપૂર્ણ જ્ઞાન હોય એમ માની લેવું એ ભયાનક ભ્રમ છે!


માર્ક ટ્વેઇન નિશાળે ગયા નહોતા. અને મજાકમા એમ કહેતાં કે ‘હું શાળાએ ન ગયો. કારણ કે શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પહોંચાડે એમ ઇચ્છતો નહોતો!’ આ લખનારને પણ સદ્દનસીબે આવો જાતઅનુભવ છે. સમગ્ર પ્રાથમિક શિક્ષણ કોઇ અભ્યાસક્રમ વિના માતા-પિતા અને કુદરત પાસેથી ઘેર લેવામાં જે ફાયદાઓ થયા છે, તેની હેસિયતથી તો આ કલમ, આ જબાન, આ દિમાગ ચાલે છે. સ્કૂલ નહોતી. પણ શિક્ષણ હતું. કેળવણી હતી. લાદી પર ચીતરાયેલા આંકડાઓ પર ઠેકડા મારીને અંક શીખવાના રહેતાં. કોમિકસ વાંચીને હિન્દી અને ફિલ્મ સ્ટાર્સના ઇન્ટરવ્યૂઝ વાંચીને અંગ્રેજી આવડયું. જેમ્સ વોટનું વરાળ એન્જીન સ્ટેશને જઇને નિહાળ્યાના આનંદ પછી એના પ્રયોગ વિશે વાંચવાનું રહેતું. પૂંઠા વચ્ચે પેન્સિલ ભરાવી, ફરતે ગોળાકારમાં ચોંટાડેલી ચિત્રપટ્ટીઓથી ‘ઘરગથ્થુ’ બાયોસ્કોપને સીડી-રોમ ગણવાનું હતું. પોપટને પુસ્તકમાં ચીતરાયેલો નહિં, પણ ઘરની પાળીએ મગફળી ખાતો જોઇને લીલા રંગના પીંછા અને લાલ રંગની ચાંચની માહિતી મેળવવાની રહેતી. કવિતાઓ માર્કસ માટે નહિં, મોજ માટે વાંચવાની- લલકારવાની હતી અને ટેકસ્ટ બુકમાં કયાંય ન હોય એવી વિજ્ઞાનની સાહસની કથાઓ વાંચી વાંચીને ‘વિષય પ્રવેશ’ કરવાનો હતો! એટલે અજ્ઞાનીઓના ટોળામાં જ્ઞાની થવાનું દુઃખ લલાટે લખાયું, અને એટલે જ આ ‘દેશની નરી આંખે ન દેખાતી ફોલ્ટલાઇન ફોર્માલિટીના અભાવે ઝટ જડી ગઇ છે!


મોટેભાગે માતા-પિતાઓ માની લે છે કે સંતાનનું સારા કોર્સમાં, સારી સ્કૂલમાં એડમિશન થયું કે ઇતિ સિદ્ધમ્! પાઠય પુસ્તકોના ભણતરની બહાર પણ જે ઘડતર છે, તેનું શું? શિક્ષિત ડિગ્રી હોલ્ડર્સને ટ્રાફિકની તો શું પાર્કંિગની પણ સેન્સ નથી હોતી! કારણ કે એવું કંઇ તો એ યાદ રાખીને ભણ્યા જ નથી! નાગરિક શિસ્તની વાત તો જવા દો, પણ સુશિક્ષિત માનવીનું મૂળભૂત લક્ષણ કહેવાય, એ કમ્યુનિકેશન પણ કયાં બીંબાઢાળ ઔપચારિક શિક્ષણમાં શીખવાડાય છે? શૈક્ષણિક સંસ્થાઓ આપણે ત્યાં વકતૃત્વ સ્પર્ધાઓ કરે છે, પણ વકતૃત્વકળા શીખવાડતા નથી! પબ્લિક સ્પીકિંગ તો જવા દો, ફોન પર કેમ વાત કરવી... કેવી રીતે અજાણ્યા માણસનો એપ્રોચ કરવો... કેમ સારા શ્રોતા બનવું, કેવી રીતે મુદ્દાસર પત્ર લખવો- એ ય કયાં એકઝામ- સિલેબસનો ભાગ છે?! સવાલો પૂછવાની સ્વતંત્રતા અને એ પેદા કરવાની જીજ્ઞાસા જેવી બુનિયાદી બાબત જ ભણતરનો ભાગ નથી, ત્યાં દિવ્યતા તો ઠીક, ભવ્યતાનું ય શું ચણતર થાય?


એક સિમ્પલ એકઝામ્પલ. કોલેજકાળમાં હોર્મોન સીઝનના પ્રતાપે લગભગ દરેક યુવક- યુવતીઓ પ્રેમમાં પડે છે. (હા, પ્રગટ બહુ ઓછા કરે છે!) આકર્ષણના આટાપાટાની અસર ઘણી વખત વૈચારિક પરિપકવતા કે કાયમી કારકિર્દી પર પડે છે. છતાંય, સંબંધોની વાતો કયાંય શિક્ષણમાં શીખવાડાય છે ખરી? એ તો સરવાળા- બાદબાકી જેવું જ ‘બેઝિક નોલેજ’ છે. અને તારૂણ્ય શિક્ષણ કહેવાતું ‘સેકસ એજયુકેશન’ તો એનું પહેલું પગથિયું છે, એકમાત્ર કે છેલ્લું પગથિયું નથી! છતાં ય એ અંગેની સઘળી તાલીમ જીંદગીના અનુભવો જ આપે છે, એકેડેમિક એજયુકેશન નહિ! અરે, બિઝનેસ લેટર્સ આપણે જે ઊંમરે કોલેજોમાં શીખવાડીએ છીએ, ત્યાં ખરી જરૂર તો લવલેટર્સ શીખવાડવાની હોય છે! પ્રેમપત્રો (ઓકે ઓકે ઇમેઇલ, એસએમએસ બસ!) લખતાં કઇ યુનિવર્સિટી શીખવાડે છે?


એક મજાની પંકિત હતીઃ નકશાડાળ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજ લીલા! જો વર્તમાન ગોખણપટ્ટીના થિઅરોટિકલ શિક્ષણને અપ્રાકૃતિક ઇમારત કહો તો યે, એનો તો નકશો જ ઢંગધડા વગરનો, અઘૂરો છે એવું નથી લાગતું?

શેકસપિયરે અંગ્રેજી સાહિત્યની અને ગાલિબે ઉર્દુ સાહિત્યની ડિગ્રી કયાંથી લીધી? અનુભવ. વિસ્મય, જગતના આ બે મહાન શિક્ષકો છે. જે અભ્યાસ ક્રમમાં નથી, એ કિતાબો, ફિલ્મો , ઇન્ટરનેટ, મેગેઝીન્સ, દોસ્તો, માહોલમાંથી મેળવી શકાય છે. આપણે ત્યાં બધા જ ‘ભણે’ છે. ‘શીખે’ છે કેટલા?

ફાસ્ટ ફોરવર્ડ ઃ


‘જે હું ભણ્યો છું, એ ભૂલાઇ ગયું છે, જે હું જાણું છું, એ યાદ રહી જાય છે!’ (ચાર્લ્સ ટેલીરેન્ડ)

- જય વસાવડા

"સ્પેકટ્રોમીટર" 08 જાન્યુઆરી 2010

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો