શનિવાર, 13 ઑગસ્ટ, 2011

ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો

પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે સઘન અહંકારને લઈને પ્રેમના જગતમાં પ્રવેશ કરે છે તો સ્વાભાવિક છે કે નિષ્ફળ થઈ જાય છે.

રહિમન મૈન તુરંગ ચઢિ, ચલિબો પાવક માહિં| પ્રેમપંથ ઐસો કઠિન, સબ કોઈ નિબહત નાહિં||

પ્રસિદ્ધ કવિ રહિમ કહે છે કે જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ ઘોડા પર બેસી એમાંથી પસાર થાય એવો જ કઠિન પ્રેમપંથ છે, એટલે એને બધા નથી નિભાવી શકતા. રહિમની સાથે આપણે સૌ સંમત થઈશું, કેમકે આપણો અનુભવ પણ એ જ છે. પ્રેમ એ તત્વ છે જેના વિશે વિશ્વમાં સૌથી વધુ રચના થઈ છે. કવિતા, વાર્તા, નવલકથા, ફિલ્મ, ચિત્ર - બધાં પ્રકારનાં સર્જન પ્રેમ ફરતે થયાં છે અને થાય છે. પ્રેમ તમામ સર્જકોને હંમેશાં પ્રેરણા આપતો રહ્યો છે, પરંતુ તમે કદી વિચાર કર્યો છે કે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે જેના માટે દરેક માણસ તરસે છે, પણ બધા એ કરી કે મેળવી શકતા નથી.

એટલે એક યા બીજાં સ્વરૂપે પ્રેમનાં સપનાં જોઈ-બતાવી સંતોષ મેળવી લે છે. પ્રેમમાં એવી શી મુશ્કેલી છે કે લોકો એમાં ઊંડા ઊતરી નથી શકતા? મુશ્કેલી છે અહંકાર. મનુષ્યનું સમગ્ર શિક્ષણ અને સંસ્કૃતિ અહંકારને મજબૂત કરે છે. સમાજ પણ અહંકારનું પોષણ કરે છે અને પછી વ્યક્તિ જ્યારે અહંકાર સાથે પ્રેમજગતમાં પ્રવેશ કરે છે ત્યારે સ્વાભાવિકપણે જ નિષ્ફળ જાય છે.

પ્રેમને માટે શબ્દપ્રયોગ છે : પ્રેમમાં પડવું - ફોલિંગ ઈન લવ. પ્રેમમાં પડવાનું શા માટે હોય છે? આ સુંદર ઘટનાને પડવાનું લેબલ શા માટે લગાડાય છે? આ અને આવા શબ્દો બુદ્ધિના દ્રષ્ટિકોણથી ઊપસી આવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેમ થાય છે હૃદયમાં અને માણસ જીવે છે મગજથી. શરીરમાં મગજ હોય છે ઉપર અને હૃદય હોય છે નીચે, એટલે કહે છે ‘પડવું’. વળી માનસિક રીતે પણ પ્રેમનો અનુભવ પડવા જેવો જ હોય છે.

કોઈના પર દિલ આવી ગયું હોય તો એવું લાગે છે જાણે કેળાંની છાલ પર પગ લપસીને પડી ગયા. તમારી બુદ્ધિ કહે છે કે તમે તો સમજદાર માણસ હતા, આવી નાદાની ક્યાં કરી બેઠા? પ્રેમની નાદાનીથી બુદ્ધિજીવી માણસ બચીને રહે છે, કેમકે પ્રેમમાં એની સ્વાયત્તતા ખોવાઈ જાય છે, પોતાપણું ખોવાઈ જાય છે. એને લાગે પોતે બીજાનો ગુલામ બની ગયો છે. હવે તમે એ પુરુષ કે સ્ત્રી વગર રહી શકતાં નથી. એ વ્યક્તિ તમારી હવે અનિવાર્યતા બની ગઈ. એના વગર તમને ખૂબ મુશ્કેલી લાગશે, જીવવું વ્યર્થ લાગશે, એકલતા લાગશે, ખાલીપણું અનુભવાશે.

એક અર્થમાં તમને જેને માટે પ્રેમ થયો એ વ્યક્તિ તમારી માલિક બની ગઈ અને કોઈ તમારું માલિક બની જાય એ ‘ઇચ્છનીય’ લાગણી તો નથી જ. આમ, પ્રેમના બધા જ સંબંધો દુ:ખમાં, કલેશમાં લઈ જાય છે. અલબત્ત, આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. એના માટે ‘પ્રેમમાં પડવું’ શબ્દપ્રયોગ વપરાતો નથી. એને આપણે કહીશું, પ્રેમમાં હોવું - બીઈંગ ઈન લવ. એનો સ્વભાવ મૈત્રીનો છે. આ પ્રેમનું વર્ણન કરતાં ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાચો પ્રેમી મંદિરના બે સ્તંભ જેવો હોય છે.

બહુ જ પાસે પણ નહીં, કેમ કે એ બહુ નજીક હોય તો મંદિર પડી જાય. તે જ પ્રમાણે, બહુ દૂર પણ નહીં, કેમકે એ અંતર બહુ વધે તોય મંદિર પડી જાય. સાચા પ્રેમી એકબીજાંથી ન તો બહુ નજીક હોય છે, ન બહુ દૂર. થોડું અંતર વચ્ચે જરૂર રાખે છે, જેથી બન્નેની સ્વતંત્રતા જીવિત રહે અને એકમેકની સીમામાં અકારણ હસ્તક્ષેપ ન થાય.

ઓશોએ પ્રેમનાં ત્રણ સ્તર કહ્યા છે –

પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે.

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે.

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે.

ઘ્યાન , અમૃત સાધના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો