શનિવાર, 1 ઑક્ટોબર, 2011

પસ્તાવો વિપુલ ઝરણું ખરું પણ પછી પુણ્યશાળી બનો છો?

 
રિપેન્ટન્સ (પસ્તાવો)ને જીવનની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો, પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ. જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે.

હા! પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે...
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છુટ્યો તે ને અરર! ફાળ પડી હૈયા મહી તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
-રાજકવિ સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

લાઠીના કવિએ પસ્તાવાને વિપુલ ઝરણું કહ્યું છે. આ વિપુલ ઝરણામાં ૨૧મી સદીમાં જો ખરેખર પાપીઓ ડૂબકી મારવા માંડે તો ઝરણું જ ગંદું થઈ જાય એટલાં પાપ થાય છે. સારું છે કે પણ પાપી કરતાં દુનિયામાં પુણ્યશાળીની બહુમતી છે. ઓશો રજનીશ, ગાંધીજી સ્વિડિશ ફિલસૂફ સ્વિડન બોર્ગ અને સૌથી વધુ ઈસ્લામમાં રિપેન્ટન્સ-પસ્તાવા અને તોબાહુ ઉપર સૌથી વધુ ભાર છે.

આટલાન્ટિક મેગેઝિનમાં એડમન્ડ કેમ્ડલરે (જુલાઈ ૧૯૨૨) લખ્યું છે કે ૨૪-૧૧-૧૯૧૯ના રોજ સ્વામી શ્રદ્ધાનંદ જામા મસ્જિદના વ્યાખાન મંચ ઉપરથી ઊતર્યા અને હિન્દુ-મુસ્લિમોને સંબોધ્યા હતા. તેમણે કહેલું કે ઈસ્લામમાં પસ્તાવો કરી પાપ માટે માફી માગવાનો આદર્શ સૌથી મહત્વનો છે. સ્વામી શ્રદ્ધાનંદે આટલાન્ટિકમાં કહેવા પ્રમાણે અલ્લાહુ અકબર અને ઓમ્ એ સરખા ઉદ્ગારો છે! મહાત્મા ગાંધીજી વિશે પ્યારેલાલે ‘લાસ્ટ ફેઝ’ નામના થોથાં લખ્યાં છે તે નવજીવન પ્રેસમાંથી સાવ સસ્તા મળે છે તે વસાવવા જેવા છે. તેમાં બીજા ભાગમાં ૧૦૧મે પાને મહાત્મા ગાંધીજીએ લખેલું કે મારી અહિંસા તકલાદી નથી.

મારું મૃત્યુ જ એ વાત પુરવાર કરશે. જો કોઈ મારું ખૂન કરશે તો મરતાં મરતાં હું મારા ખૂની માટે તેને માફી બક્ષવા ઈશ્વરને પ્રાર્થના કરીશ. આ બતાવે છે કે ગાંધીજીએ નાથુરામ અને ગોપાલ ગોડસેને તેમના ખૂન પહેલાં જ માફ કરી દીધા પણ તાજેતરમાં ગોપાલ ગોડસે ૮૪ની વયે મર્યા ત્યારે તેણે કડક રીતે કહ્યું કે ‘એ કૃત્ય માટે હું રિપેન્ટન્સ-પસ્તાવો કરવા તૈયાર નથી! આવા ઘણા લોકો છે જે સભાન રીતે અમુક અનિવાર્ય પાપ’ કરે છે.

મહેરબાબાએ એક પસ્તાવા ઉપરનું જ કાવ્ય લખ્યું હતું. નવેમ્બર ૧૯૫૧માં મહેરબાબાએ ‘ઓ પરવર દિગાર-ઓહ બીલવેડ ગોર્ડ’ નામની પ્રાર્થના રચેલી. તેના અંગ્રેજી શબ્દો છે

વી રિપન્ટ ઓહ ગોડ મોસ્ટ મર્સીફુલ
ફોર ઓલ અવરસીન્સ
ફોર એવરી થોટ ધેટ ઈઝ ફોલ્સ ઓર
અનજસ્ટ ઓર અનકલીન
ફોર એવરી વર્ડ સ્પોકન ધેટ ઓટ નોટ
ટુ હેવ બીન સ્પોકન
ફોર એવરી પ્રોમિસ ગિવન બટ નોટ ફુલફીલ્ડ
વી રિપન્ટ ફોર એવરી એકશન
ધેટ હેઝ બ્રોટ રુઈન ટુ અધર્સ
ફોર એવરી વર્ડ એન્ડ ફીડ ધેટ
હેઝ ગિવન અધર્સ પેઈન
ઈન યોર અનબાઉન્ડેડ મર્સી
વી આસ્ક યુ ટુ ફરગિવ ઓ ગોડ!

ખરેખર તમે અલ્લાતાલા-ઈશ્વરની માફી માગતી આવી મહેરબાબા જેવી પ્રાર્થના ભાગ્યે જ સાંભળી હશે. બેનમૂન છે. ઈશ્વર પાસે તો દરેક ખરાબ વિચાર માટે દરેક કટુ વાક્ય માટે અને દરેક ન પાળેલા વચન માટે અને પોતાની વર્તણૂંકથી બીજાને પીડા થઈ હોય તે માટે પણ મને પસ્તાવો થાય છે. હે ઈશ્વર અલ્લા મને માફ કર. કુરાનમાં જે વાક્યો છે તેનું અંગ્રેજી એક વેબસાઈટમાં છે.

ડુ નોટ ડીસ્પેર ઓફ ગોડ્ઝ મર્સી હી વિલ ફરગિવ યુ ઓલ યોર સીન્સ (૩૯.૫૩) તાજેતરમાં લંડનના મારા વાચક મોહમ્મદભાઈનો ફોન મક્કા-મદીનાથી આવ્યો. તેમણે મારી બીમારીની વાત ત્યાં સાંભળેલી. તેમણે કહ્યું કે હું હજ પઢતી વખતે તમે સારા થઈ જાઓ તેની દુવા માગીશ. આજે હું પૂર્ણ સ્વાસ્થતાથી લખતો થયો છું આ બધા મિત્રોની દુવા અને મારી શ્રદ્ધાથી સારો થયો છું. હજ પઢીને જ્યારે પણ મુંબઈના ઈભુભાઈ ઘાંચી આવે છે ત્યારે પ્રસાદીની કાળી ખજૂર લાવે છે.

લંડન જઈને મોહમ્મદભાઈ મક્કાનું પવિત્ર જળ મોકલશે. અહીં વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે એક અતિ રોચક નવી વાત કહેવી છે. પોલ થોરો નામના વિખ્યાત ટ્રાવેલ લેખક જેણે આખી દુનિયા જોઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને હિમાલય સુધી, પણ તેને મક્કા મદીનામાં જવાની છુટ ન મળી તેનું પુસ્તક પ્રગટ થવાનું છે તેમાં તે લખવાના છે તે વાત વાંચો. આવનાર પુસ્તકનું નામ છે ‘પોલ થોરો : ધ તાઓ ઓફ ટ્રાવેલ.’

આ પુસ્તકમાં ‘પર્સનલ નેરેટીવ્ઝ ઓફ પીલગ્રીમેજ ટુ અલ-મદીના એન્ડ મક્કા’ (૧૮૫૫-૫૬)માં સર રિચાર્ડ બર્ટને લખ્યું છે કે તે એક માત્ર યુરોપિયન છે જેણે મક્કા-મદીનાની હજયાત્રા કરી છે. તેણે આખા કુરાનને કંઠસ્થ કરેલું. પોતે અફઘાન બનીને મીરઝા અબ્દુલ્લા નામ રાખેલું. આ વાત તો જાણે સમજ્યા પણ પછી તેણે કાબા પાસે શું જોયું? જગતભરના મુસ્લિમો ત્યાં માથા પછાડી પછાડીને જોર જોરથી આક્રાંત કરીને ખુદા પાસે પોતાનાં કર્મોની માફી માગતા હતા અને જે રિપેન્ટન્સ કરતા હતા તે ર્દશ્ય હૃદયદ્રાવક હતું.

દરેક ધર્મમાં રિપેન્ટન્સ માટે ઉલ્લેખ છે. યહૂદી ધર્મ કે હિબ્રુ બાઇબલમાં ‘નીચામ’ શબ્દ છે-અફસોસ કરવો. પ્રશ્વાત્તાપ કરવો. તમે પસ્તાવો કરો ઈશ્વર માફ કરશે જ. હા આ ધર્મોએ કહ્યું છે કે તમારે તમારા મન અને હૃદયને ઉદાર કરીને બીજાને પણ માફ કરવા જોઈશે.પરંતુ સૌથી ક્રાંતિકારી વિચારો ઓશો રજનીશના છે. ઓશો રજનીશ આપણે ખોઈ નાખેલા એક કમાલના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. તેણે રિપેન્ટન્સ-પસ્તાવા ઉપર વિસ્તારથી પ્રવચન આપેલું તો તેના જ ઉદાત્ત શબ્દોમાં અહી રજૂ કરું છું.

‘રિપેન્ટન્સ તમારા જીવનની અતિ મહત્વની અસરકારક ઘટના બનાવવી હોય અને જવાબદારીપૂર્વક પસ્તાવો કરવો હોય તો નાની વાતમાં પણ પસ્તાવો કરવો. પણ તે માત્ર દેખાડા માટે નહીં. સપાટી ઉપરનો પોલો પસ્તાવો નહીં. તમારે દિલ-દિમાગથી પસ્તાવો કરવો જોઈએ. તમે પૂરેપૂરા હલબલિ જવા જોઈએ અને આંસુ આવવાં જોઈએ. માત્ર તમારી આંખનાં જ આંસુ નહીં તમારા શરીરના એકેએક કોષને પસ્તાવાની પ્રસાદી મળવી જોઈએ.’ જો આવું કરો તો ઈશ્વર માફ કરે જ છે.

યોગાનુયોગ રજનીશ ભક્તે ઓશોને સવાલ પૂછેલો ‘બીલવેડ માસ્ટર વોટ ઈઝ ટ´ રિપેન્ટન્સ.’ સાચો પસ્તાવો કોને કહેવો? ઓશો આનો બહુ ચોંકાવનારો બેધડક જવાબ આપે છે. ‘તમામ ધર્મોએ પસ્તાવા વિશે બહુ ઘોંઘાટ અને પિષ્ટપેષણ કર્યું છે. ઈસુ ખ્રિસ્ત વારંવાર આ વાત રટ્યા કરતા. રિપન્ટ, રિપન્ટ બીકોઝ ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ કલોઝ! રિપન્ટ બીકોઝ ડે ઓફ જજમેન્ટ ઈઝ કમિંગ કલોઝ... મારે કહેવું જોઈએ (રજનીશ કહે છે) કે ધર્મો જ તમને અપરાધભાવ આપે છે. રસ્તે ચાલી જતી સુંદર સ્ત્રીને જુઓ છો. તમારું હૃદય થડકવા માંડે છે પણ તમે પરણેલા છો એક ડઝન બાળકના પિતા છો. તમે ખ્રિસ્તી છો. એટલે તમને રૂપાળી સ્ત્રીની અબળખા માટે અપરાધ સાલે છે. શું આ રિપેન્ટન્સ છે? આ કોઈ પાપ પણ નથી. સુંદર ચીજ જોઈને હલબલિ જવા માટે જ છે.

‘પાપ અને પુણ્યની વાત ધર્મગુરુઓ અને ખાસ કરીને પાદરીઓએ વધુ પડતી ચગાવી છે. તેમના શિષ્યોને ગુલામ કે નમ્ર બનાવવા માટે વાપરી છે. હિન્દુઓ માટે બહુ સરળ રસ્તો છે. ઘણા પવિત્ર થવા અને પાપમુક્ત થવા ગંગામાં ડૂબકી મારવા જાય છે. શ્રદ્ધા સાથે કે તેનાં પાપ ધોવાઈ જશે. રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના યાદ આવે છે. એક ભક્ત તેની પાસે ગયો.

તેણે રામકૃષ્ણજીને પૂછ્યું ‘એ સાચું છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે?’ રામકૃષ્ણજીએ કહ્યું ‘હા સાચી વાત છે. તું ડૂબકી માર એટલે પાપ ધોવાઈ જાય છે. ભક્ત ખુશ થયો અને કહ્યું ‘હું જાઉં છું.’ રામકૃષ્ણજીએ કહ્યું ઊભો રહે! મારી વાત પૂરી થઈ નથી. તું જ્યારે ગંગામાં ડૂબકી મારીશ ત્યારે તારાં પાપ કૂદકો મારીને ગંગા નદી નજીક એક ઝાડ છે તેની ઉપર ચડી જશે. એટલે બહાર નીકળીને ધ્યાન રાખજે કે ઝાડ ઉપર ચઢેલાં પાપ પાછા તારા ખંધોલે ન આવી જાય?

કેટલી માર્મિક અને વેધક વાત છે! પસ્તાવો કરો. હૃદયથી કરો અને ફરી કદી પાપ કે ગલતી નહીં જ કરો તેનો દઢ સંકલ્પ રાખો. ખાસ કરીને કલાપીની શિખામણ માની તમે પ્રેમી કે પ્રેમિકાનું મન દુભવ્યું હોય તો દિલથી માફી માગો, હૃદયથી પસ્તાવો કરો. ‘

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ (25/9/2011)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો