શનિવાર, 13 ઑગસ્ટ, 2011

દોસ્તી એટલે આંસુ અને હાસ્યનો સંબંધ



બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી - મરીઝ

એક મિત્ર બીજા મિત્રને મળ્યો અને પૂછયું કે “કેમ છો?” બીજા મિત્રએ કહ્યું કે “મજામાં!” મિત્રે પછી કહ્યું, “ચાલ હવે સાચી વાત કર!” અને પછી દિલના બધા જ દરવાજા ખૂલી જાય છે, વાતો વહેતી રહે છે, દિલનો ભારે ખૂણો ધીમે ધીમે હળવો થતો જાય છે, ક્યારેક હોઠ મલકે છે અને ક્યારેક આંખો ભીની થાય છે. છેલ્લે જે હોય છે એ માત્ર અને માત્ર દોસ્તી હોય છે!

દોસ્તી લોહીનો સંબંધ નથી. દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે. જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે. મિત્ર એટલે એવી વ્યક્તિ જેને કોઈ પણ વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડતી નથી, જેને કહેવું પડતું નથી કે કોઈને આ વાત કરતો નહીં. દોસ્ત સાથેનો સંવાદ એટલે એવી જાહેર વાત જે કાયમ ખાનગી રહે છે. તમારો એવો મિત્ર કોણ છે જેને તમારી બધી જ વાત ખબર છે? મિત્ર એટલે એવી વ્યક્તિ જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે! દોસ્ત મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે. ક્યારેક પ્રેમની, ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની, ક્યારેક લફરાંની, ક્યારેક દર્દની અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો એ દોસ્તીની લક્ઝરી છે.

ગામ માટે જે રાજુ હોય છે એ દોસ્ત માટે રાજ્યો હોય છે, મનોજ મનીયો હોય છે, હરેશ હરિયો હોય છે, પરેશ પરિયો હોય છે, રીટા રીટાડી અને ગીતા ગીતુડી હોય છે. દોસ્તીમાં લિંગભેદ નથી. બે છોકરાની દોસ્તી, બે છોકરીના બહેનપણા કે એક છોકરા અને એક છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપમાં ભેદ પાડવો અઘરો છે. દોસ્ત એટલે એવી વ્યક્તિ જેને તુંકારે અને ગાળ દઈને બોલાવવાનો અધિકાર હોય. દોસ્તને આગ્રહ કરવો પડતો નથી અને દુરાગ્રહનો અવકાશ નથી. દરેક સંબંધમાં કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે, પણ દોસ્તી એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગરનો સંબંધ. દોસ્તીને કંઈ જ નડતું નથી. મોભા, દરજ્જા, અમીરી, ગરીબી અને બીજા બધાથી દોસ્તી પર છે.

દોસ્તી કોઈ શરત વગર શરૂ થાય છે. દોસ્તીનાં કોઈ જ કારણ હોતાં નથી. તમારા મિત્ર વિશે તમે વિચારજો કે એ શા માટે તમારો મિત્ર છે? તેનો જવાબ એક જ હશે, બસ એ મિત્ર છે. દોસ્ત વિશે કહેવાય છે કે એ એક એવું ઋણાનુબંધ છે, જેમાં કોઈ બંધન નથી.

દોસ્તી તૂટે ત્યારે ઘણું બધું તૂટે છે.  એક વૃદ્ધનો મિત્ર અવસાન પામ્યો ત્યારે તેણે કહ્યું કે “હવે મને તુંકારે કહેવાવાળું કોઈ ન રહ્યું. હવે હું ખરેખર એકલો પડી ગયો.” ફિલ્મ ‘ફિઝા’માં ગુલઝારે લખેલું એક ગીત છે. ન લેકે જાઓ, મેરે દોસ્ત કા જનાજા હૈ. જગાઓ ઉસકો, ગલે મિલ કે અલવિદા તો કરો, યે કૈસી રૂખસદ હૈ, યે ક્યા સલીકા હૈ? ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ...

આ જ ગીતની બીજી એક કડી છે : ઉલઝ ગઈ હૈ કહીં સાંસ ખોલ દો ઉસકી, લબો પે આઈ હૈ જો બાત પૂરી કરને દો, અભી ઉમ્મીદ ભી જિંદા હૈ, ગમ ભી તાજા હૈ... ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ... ગમે એટલી વાતો કરીએ તોપણ મિત્ર સાથેની વાતો ખૂટતી નથી. દોસ્ત સાથે હોય ત્યારે રાત ટૂંકી થઈ જાય છે અને વાત લાંબી થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ રિમેન્સ ફ્રેન્ડ્સ.

બે મિત્રની વાત છે. એક મિત્રને નોકરી માટે બીજા શહેરમાં જવાનું થયું. એ ગયો. બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર જાણે આખું શહેર તેની સાથે લઈ ગયો. તેના એક વગર લોકોથી ખીચોખીચ ભરેલું આ નગર કેમ ખાલી લાગે છે. એ એક નથી તો કેમ બધું ભારે લાગે છે. હવે સાંજ સવાલ લઈને આવે છે કે કોની સાથે વાત કરું? પાનનો ગલ્લો અને ચાની કીટલી હવે જૂનાં સ્મરણોની ખોતરાતી વેદના થઈ ગયા છે. લોંગ ડ્રાઈવ વખતે ટૂંકા લાગતા રસ્તા રાતોરાત જાણે લાંબા અને સૂના થઈ ગયા છે. મિત્ર સાથે હોય ત્યારે માણસ બાળક હોય છે, મારો મિત્ર ગયો અને મારામાં જીવતું બાળક પણ અચાનક મોટું થઈ ગયું. તું હતો ત્યાં સુધી ખબર ન હતી કે તું શું છે, પણ હવે તું નથી ત્યારે સમજાય છે કે તું શું હતો!

આપણે ભલે એવી વાતો કરીએ કે મિત્ર જાય પછી થોડો સમય આવું લાગે, પણ મિત્ર વગર એક ખાલીપો સતત કનડતો રહે છે. ગુજરાતી શાયર મરીઝના મિત્રનું મૃત્યુ થયું ત્યારે તેણે લખ્યું કે, પતિ મરી જાય તો પત્ની વિધવા કહેવાય, પત્ની મરી જાય તો પતિ વિધુર કહેવાય, પણ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? મરીઝે જવાબ આપ્યો ન હતો, પણ જવાબ આપ્યો હોત તો કદાચ એવું હોત કે એને ખાલીપો કહેવાય, એને એકલતા કહેવાય, એને શૂન્યાવકાશ કહેવાય! ભર્યુંભર્યું જંગલ જાણે અચાનક રણ થઈ જાય અને તાપ લાગવા માંડે, વગર દોડયે હાંફ ચડે અને કડકડતી ઠંડીમાંયે બાફ લાગે!

દોસ્ત એ છે જે તમને પગથી માથા સુધી ઓળખે છે અને છતાંયે તમને પ્રેમ કરે છે. મિત્રને મિત્રની દરેક ખામી, તમામ ઊણપ અને બધા જ અવગુણની ખબર હોય છે છતાં એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. હા, મિત્ર કંઈ ખોટું કરે ત્યારે દુઃખ થાય છે, પણ અંતે તો એ મિત્ર જ રહે છે. એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે વો મેરા દોસ્ત હૈ સારે જહાં કો હૈ માલૂમ, દગા કરે વો કિસીસે તો શર્મ આયે મુજે... મિત્ર ઘણી વખત કફોડી હાલતમાં મૂકી દે છે અને છતાંયે જે સંબંધમાં કંઈ ફર્ક પડતો નથી એ દોસ્તી છે. મિત્રના દરેક દોષ કોરે મૂકીને મિત્ર મિત્રને પ્રેમ કરે છે. એટલે જ કહે છે કે, સગાંઓ શરતી પ્રેમ કરે છે, પણ મિત્ર એકતરફી પ્રેમ કરે છે!

દાનવીર કર્ણ અને દુર્યોધન મિત્ર હતા. કર્ણ જ્ઞાની હતા. દુર્યોધનના દોષ તેને ખબર ન હોય એ માની ન શકાય. એક વખત કર્ણને કહેવાયું કે દુર્યોધન દુષ્ટ છે છતાં તમારો મિત્ર છે? કર્ણે કહ્યું કે મને એટલી જ ખબર છે કે એ મારો મિત્ર છે! મિત્ર કહ્યા પછી એ કેવો છે એ ગૌણ બની જાય છે.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાતો જગજાહેર છે. પછી શામળિયો બોલ્યો, તને સાંભરે રે... સુદામા કહે છે કે મને કેમ વિસરે રે... બધી વાત સાચી પણ છેક તાંદુલ લઈને સુદામા આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મુશ્કેલીમાં છે? દોસ્તની ગરીબાઈનો અંદાજ તેને અગાઉ કેમ ન આવ્યો? કે પછી ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે?

હા, બધા જ મિત્રો એક સરખા નથી હોતા. કેટલાંક ‘તાળી મિત્રો’ હોય છે, કેટલાક ‘થાળી મિત્રો’ હોય છે અને કેટલાંક ‘ખાલી મિત્રો’ હોય છે! એવું કહેવાય છે કે, સંકટ આવે ત્યારે મિત્રો પણ મોઢું ફેરવી લે છે! આ વાત સાચી નથી, કારણ કે જે મોઢું ફેરવી લે છે એ મિત્રો હોતાં જ નથી, એ તો તકસાધુઓ હોય છે! આવા મિત્રો તો વહેલા ઓળખાઈ જાય એ જ સારું છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે. દુનિયા પાગલ છે કે, આવો દિવસ ઊજવે છે. વિચાર કરો કે ફ્રેન્ડશિપ ડે ન હોય તો દોસ્તી ન ટકે? આવા વાહિયાત અને બકવાસ કન્સેપ્ટની ખરેખર કેટલી જરૂર છે એ પ્રશ્ન છે અને રહેશે, કારણ કે દોસ્તી માટે કોઈ એક દિવસ ન હોય, દોસ્તી માટે તો આખું આયખું હોય. દોસ્તી છેલ્લા શ્વાસ સુધી જીવતી રહે છે અને શ્વાસ ખૂટી જાય પછી પણ દોસ્તી હવામાં લહેરાતી રહે છે.

મિત્ર મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો પોતાની હોય છે. ઈશ્વરે જ્યારે જિંદગી બનાવી હશે ત્યારે માણસને સુખ આપવા દોસ્તીની થોડીક ક્ષણો અલગ તારવી હશે. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એક-બે ફ્રેન્ડ જ હશે, કારણ કે ફ્રેન્ડ્સનાં ટોળાં ન હોય. દોસ્તી હંમેશાં વન-ટુ-વન હોય છે. પ્રેમ કદાચ વન-ટુ-ઓલ હોઈ શકે, પણ દોસ્ત તો એક જ હોય છે, જે સૌથી નજીક હોય છે. એક મિત્ર હોય ત્યારે આખી દુનિયા ભરેલી લાગે છે અને આવા મિત્ર પાસે જ માણસ ‘ખાલી’ અને ‘હળવો’ થઈ શકતો હોય છે. દરેક પાસે આવો મિત્ર હોય છે, તમારી પાસે પણ છે. એ તમારી નજીક તો છે ને? ન હોય તો નજીક બોલાવી લો, કારણ કે એ સુખ છે, એ સારું નસીબ છે અને એ જ સાચો સંબંધ છે.

 મોબાઇલની ફોનબુકમાં હોય છે એ બધા મિત્રો નથી હોતા, ફેસબુકની તમારી યાદી જોઈ જજો, એમાં કેટલાં ખરેખર મિત્ર છે? સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે. તમારા દિલના એ હિસ્સાનું જતન કરજો, કારણ કે દિલનો એ હિસ્સો જ જિંદગીને ધબકતી રાખે છે...

છેલ્લો સીન
મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો.
- ગેટે

1 ટિપ્પણી: