રવિવાર, 23 જાન્યુઆરી, 2011

પાઘડીનો વળ છેડે

પ્રેમ અને ચંદ્ર વચ્ચે એક બાબત સરખી છે. જ્યારે પ્રેમ વધતો ન હોય, ત્યારે એ જરૂર ઘટતો હોય છે. ચંદ્રની કળાનું પણ એવું જ!-
- એક પોર્ચુગીઝ કહેવત

બુધવાર, 5 જાન્યુઆરી, 2011

ઉમંગ, ઉત્સાહ, થનગનાટ...

ઈશ્વરે બક્ષેલી એનર્જી એટલે કે સ્ફૂર્તિ, આંતરબળ, ઊર્જા, ઓજસ, તેજ, કર્મશક્તિ, વીર્ય, કર્મઠતા અને ક્રિયાશીલતાને ખોટા આહારવિહારથી આપણે કલુષિત કરીએ છીએ. માત્ર આહાર જ નહીં, પણ નકારાત્મક વિચારો, ડર તેમ જ નિરાશા થકી આ ઊર્જાને હણીએ છીએ.

રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સૂર્યોદય પહેલાં ઊઠીને પીવું. તેને ઉષ:પાન કહે છે. તે આખી સિસ્ટમને ગળાથી આંતરડાં સુધી સાફ કરે છે.

પંચમહાભૂત કેવો ભારેખમ અને અઘરો શબ્દ છે! પણ લેખકોનું કામ જ એ છે કે દરેક જટીલ વિષયને સરળ બનાવે. વિષયને સહેલો બનાવવા માટે પણ બુદ્ધિશક્તિ અને ખાસ તો ઉમંગ જોઈએ. ઉમંગને અંગ્રેજીમાં ઝેસ્ટ (Zest) કહે છે. પશ્વિમના લોકો આપણી જેમ એનર્જી શબ્દનો આઘ્યાત્મિક અર્થ કરતા નથી છતાં ક્રિશ્વિયન ડિયોર નામની બ્યુટિશિયનનું આ સૂત્ર થોડું કામનું છે: Zest is the secret of all beauty. There is no beauty that is attractive without zest. માનવીમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, થનગનાટ હોય ત્યારે જ તેનું સૌંદર્ય પેદા થાય છે. આ ઉમંગ અને ઉત્સાહ માનવીમાં ક્યારે પેદા થાય? તેનું મન શાંત હોય, આત્મા પ્રસન્ન હોય અને શરીર સ્વસ્થ હોય... પણ શરીર ક્યારે પૂર્ણ રીતે સ્વસ્થ હોય?

આ સવાલનો જવાબ મને સત્તાવન વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાંથી મળેલો. આશ્રમમાં જે સૂત્ર હતું તે તમે જાણશો તો લાગશે કે પંચમહાભૂતનો અર્થ તો તમારી ગઠરીમાં જ છે. નિસર્ગોપચાર જ નહીં પણ આયુર્વેદ પણ પંચમહાભૂત, એટલે કે પાંચ કુદરતી તત્વો વિશે વાત કરે છે. માનવીનું શરીર પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે: (૧) પૃથ્વી - ભૂમિ કે માટી (૨) જળ - પાણી અગર સંસ્કૃતમાં ચાપ (૩) તેજસ, એટલે કે અગ્નિ અને સાદા અર્થમાં સૂર્યનાં કિરણો (૪) વાયુ, પવન (૫)આકાશ - સ્પેસ. ઈશ્વરે આપણને પેદા કર્યા ત્યારે આ પાંચેય તત્વોનું બેલેન્સ આપ્યું હતું પણ મોટા થઈને અયોગ્ય આહારવિહારથી આપણે આ પાંચ તત્વોમાં ઊથલપાથલ કરીને ઈમ્બેલન્સ પેદા કરીએ છીએ. જો તમે સાચા વૈધ પાસે અગર નિસર્ગોપચારક પાસે જાઓ તો આ પાંચ તત્વોનું બેલેન્સ સરખું કરી સમતોલ બનાવવાનું કહે છે. કુદરતી તત્વોની મદદથી જ તમે પોતે જ તમારા શરીરને સારું કરી શકો છો. આયુર્વેદમાં પંચમહાભૂતનો જે મૂળભૂત સાર છે તે અથર્વવેદમાંથી પકડવામાં આવ્યો છે. આ સાર તમને અંગ્રેજીમાં આપું છું-

The earth is the essence of the elements. Water is the essence of the earth, the herbs are the essence of the water, flowers are the essence of herbs, fruits are the essence of the flowers and energy is the essence of man. છેલ્લે આખો સાર એનર્જીમાં છે, જે એનર્જી કે શક્તિ તમે પોતે પાંચેય તત્વોને સમતોલ રાખીને કેળવી શકો છો. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે પંચમહાભૂત શબ્દ લોકોને અઘરો લાગશે એમ સમજી એનર્જીની જ વાત કરી કે આ આખું વિશ્વ એક ગુપ્ત શક્તિથી ભરેલું પડયું છે અને ઈશ્વરે તે એનર્જી માનવીમાં આપી છે. એ એનર્જી માનવીમાં ક્યારે આવે? જ્યારે તેનામાં થનગનાટ (Zest) હોય અને શ્રદ્ધા હોય. આ થનગનાટ અને શ્રદ્ધા ક્યારે પેદા થાય? જ્યારે શરીરનાં પાંચેય તત્વો (પંચમહાભૂત) સમતોલ હોય. પણ આપણે શું કરીએ છીએ? પાંચ તત્વોનું સંતુલન બગાડી નાખીએ છીએ અને તેને સુધારવાનું સાવ સસ્તું કામ નિસર્ગોપચાર કરે છે.

ગાંધીજીએ કહેલું કે આ શરીર પૃથ્વી-માટીનું બનેલું છે. શરીરમાં બીમારી આવે, પેટનો રોગ થાય, આંતરડાંમાં ગરમી આવે, શરીરની ચામડીમાં રોગ આવે ત્યારે ઉરૂલીકાંચનમાં ખાતર વગરની અને કુદરતી જમીનમાંથી માટી લાવીને પછી તે માટીનો લેપ શરીરે કરાતો. તમે જો ઉરૂલીકાંચનના આશ્રમમાં જશો તો તમામ દર્દી વહેલી સવારે કુમળા સૂર્યનો તાપ લેવા બેસીને સૂર્યસ્નાન કરતા હશે. સ્ત્રીઓને ઊંચી અગાશીમાં તમામ વસ્ત્રો કાઢીને સૂર્યસ્નાન કરાવાય છે. ચોથું વાયુનું તત્વ છે.

તેના માટે તમારે ખુલ્લે શરીરે ફરવા જવાનું. પ્રાણાયામ કરીને પ્રાણશક્તિ વધારવાની. છેલ્લે, આકાશ તત્વ એટલે કે સ્પેસ. તમને થશે કે આ આકાશ તત્વને વળી સ્વાસ્થ્ય કે ઉપચાર સાથે શું સંબંધ? પણ ઈસ્લામ, જૈન કે કોઈપણ ધર્મમાં, ખાસ કરીને હિન્દુ ધર્મમાં આકાશ તત્વને ખૂબ મહત્વ અપાયું છે. નિસર્ગોપચારના શાસ્ત્રમાં આકાશ તત્વનું અર્થઘટન તમારાં શરીર-મનમાં એક અવકાશ ઊભો કરવો એમ થાય છે. સાદા શબ્દમાં કહીએ તો, ઉપવાસ કરવો. ઈસ્લામમાં તેથી જ રોજા રખાય છે. આખા વર્ષમાં પેટ ઉપર જે જુલમ કર્યો હોય તે ‘પાપ’નું પ્રાયશ્વિત્ત કરવા ઉપવાસ કરવા, ઉપરાંત જમતી વખતે પેટ ઊણું રાખીને - અવકાશ રાખીને જ જમવું, પેટ ફાટફાટ થાય તે રીતે નહીં.

ઈશ્વરે બક્ષેલી એનર્જી એટલે કે સ્ફૂર્તિ, આંતરબળ, ઊર્જા, ઓજસ, તેજ, કર્મશક્તિ, વીર્ય, કર્મઠતા અને ક્રિયાશીલતાને ખોટા આહારવિહારથી આપણે કલુષિત કરીએ છીએ. માત્ર આહાર જ નહીં પણ નકારાત્મક વિચારો, ડર તેમ જ નિરાશા થકી આ ઊર્જાને હણીએ છીએ. જે. કૃષ્ણમૂર્તિએ તેમના ચાહક પુપુલ જયકરને ૧૯૭૨માં એક સવાલના જવાબમાં અમારી હાજરીમાં કહેલું: ‘આપણે આપણા ખોટા ભય થકી કે સતત શંકા થકી એનર્જીનો વ્યય કરીએ છીએ. ખરેખર તો ઈશ્વરે આપેલી શક્તિનો સંચય કરીને તેના ઉપર જ ઘ્યાન ફોક્સ કરવું જોઈએ. એ ફોક્સ ક્યારે મળે? તમે યોગ કરો ત્યારે.’ ચાણક્યે કહેલાં તે પાંચ નેગેટિવ તત્વોને પણ આપણે જાણવાં જોઈએ. ચાણક્યે માનવીને ચેતવેલા કે પરાન્ન, પરવસ્ત્ર, પરશૈયા, પરિસ્ત્રય: પરવેશ્મનિવાસશ્ચ શક્રસ્થાપિત શ્રિયં હરેત. અર્થાત્ પારકું અન્ન (હરામનુ ખાધેલું), પારકું વસ્ત્ર, પારકી પથારી અને પારકી પત્નીનું સેવન અગર પરાયા ઘરનો વાસ કરે તો ઈન્દ્ર જેવા શક્તિશાળી પુરુષનો મહિમા નષ્ટ થાય છે. તેથી માનવીએ આ પાંચ વાતોથી દૂર રહેવું!

જો કે આપણે આ લેખમાં પંચમહાભૂતની જે પોઝિટિવ વાત છે તેને જ વળગી રહીએ. પશ્વિમના લોકો પર્યાવરણની વાત કરતા ત્યારે તેમને ખબર નહોતી કે તે પંચમહાભૂતની વાત કરે છે. હવે આ પંચમહાભૂતની સમતુલા માટે મોડેમોડે એ લોકો મિથ્યા પ્રયાસ કરે છે. આપણે અતિભોગથી શરીર અને સૃષ્ટિમાં અસમુતલા લાવ્યા છીએ. અબ પછતાયે કયા હોવત હૈ જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. ખેર, હજી માનવીના હાથમાં વાત બાકી છે તે એ કે માનવ કમસેકમ પોતાનાં શરીર-મનને પાંચ તત્વોથી સમતોલ કરીને દુરસ્ત રાખે.

ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ તો કહે છે કે હવે યજ્ઞમાં શ્રદ્ધા રાખીને પર્યાવરણને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દેવદિવાળી જાય અને માગશર મહિનો બેસવા આવે છે ત્યારે પણ કમોસમી વરસાદ આવે છે. ચોમાસું પૂરું થાય એટલે જૈન સાધુઓ પગ તળે જીવો ન ચગદાય તે ખાતર ચોમાસામાં ગામતરાં કરતા નહીં. ચાતુર્માસ પૂરો થાય પછી જ વિહાર કરતા. આખી સૃષ્ટિમાં કમેળ આવ્યો છે ત્યારે અથર્વવેદના શ્લોકને અનુસરીને શરીર-મનની શાંતિ માટે યોગ્ય મંત્રોનું રટણ કરવું જોઈએ. અથર્વવેદનો આ શ્લોક જુઓ –

ઉત્પાતા : પાર્થિવાંત રિક્ષાછં નો દિવિચરા ગ્રહા :
શંનો ભૂમિર્વેપમાના શમુલ્કા નિર્હતંચયાત્ –


અર્થાત્ હે જગન્નિયંતા, કેટલાક ગ્રહો-ઉપગ્રહો અવકાશ અને પૃથ્વી ઉપર સંકટ લાવે છે, તે ઉપગ્રહોને શાંત કરો. આ ધબકતી - ઊર્જાવાળી પૃથ્વીને પીડા આપનારાં મિટીઓર (તૂટેલા તારા, ઉલ્કા) અસર ન કરે તેવી કૃપા કરો. આ બધા મિટીઓર પણ શાંત થાઓ. સૂર્ય અને રાહુની જે હાનિકારક યુતિ છે તે પણ શાંત થાઓ. Let there be peace from death, comet and terrible celestial light. આમ અથર્વવેદમાં પણ વટકેલાં અને વછૂટેલાં તમામ આકાશી તત્વોથી માનવજાતને બચાવવા માટેના મંત્રો છે અને તે તમામ પંચમહાભૂતને સમતોલ કરનારા મંત્રો છે!

એક વાત, જે મને નિસર્ગોપચાર આશ્રમમાંથી જાણવા મળી છે, તે મુજબ તમે શરીરને સ્વસ્થ રાખવા અવારનવાર ઉપવાસ કરજો. રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સૂર્યોદય પહેલાં ઊઠીને પીવું. તેને ઉષ:પાન કહે છે. તે આખી સિસ્ટમને ગળેથી આંતરડાં સુધી સાફ કરે છે. શિયાળો આવ્યો છે તો સૂર્યસ્નાન કરજો. હું રોજ અડધું ટબ ભરીને કટીસ્નાન કરીને જળતત્વનો લાભ લઉં છું. તે લેવાય તો લેજો અને વાયુનો લાભ લેવા બની શકે તો ખુલ્લા શરીરે લાંબું વોકિંગ કરજો.

અન્ય સંસ્કૃતિમાં ચાર કે પાંચ તત્વોનો ઉલ્લેખ

આરબ મહારસાયણશાસ્ત્રી જબીર બીને ચાર તત્વોનો ઉલ્લેખ કર્યો છે તેમાં વાયુ, પૃથ્વી, અગ્નિ અને પાણીનાં એમ ચાર તત્વો છે. જાપાની સાધુઓ જોકે પાંચ તત્વોમાં માનતા હતા. બૌદ્ધધર્મીઓ પણ અર્થ, વોટર, ફાયર, એર અને હેવન (આકાશ) એમ પાંચ તત્વોને માનતા હતા. ચીનાઓ વળી અગ્નિ, પૃથ્વી, જળ, ધાતુ અને કાષ્ટને પાંચ તત્વો માને છે. તેનું સમીકરણ આવું છે : કાષ્ટ અગ્નિ પેદા કરે છે. અગ્નિ પૃથ્વી અગર રાખ પેદા કરે છે. પૃથ્વીમાં જ ધાતુ હોય છે. આ ધાતુ જળને એકઠું કરે છે અને જળ વૃક્ષોને પુષ્ટ કરે છે.

આ પણ મનમાં વસી જાય તેવું અર્થઘટન છે. આખરે બધાં જ તત્વો એકબીજાં સાથે જોડાયેલાં છે એટલે પાંચેય તત્વને માણસે સમતોલ રાખવાં જોઈએ. ચીનાઓનાં પાંચ તત્વો સાથે મેળ ખાતો અથર્વવેદનો શ્લોક છે, જે કહે છે કે ઔષધીય વનસ્પતિઓમાં જળનું તત્વ હોય છે અને વનસ્પતિઓમાં ફૂલો અને ફળ આવી જાય છે. માનવે શરીરનાં પાંચ તત્વને સમતોલ રાખવા આજે ફળ-શાકભાજીનો ઉપયોગ મહત્તમ કરવો અને બીમારીમાં આયુર્વેદનો જ ઉપચાર કરવો.

- કાન્તિ ભટ્ટ
અહા! જિંદગી મેગેજીન માંથી
January 01, 2011

સુખનો સ્વાદ અને દુખની રેસિપી


જીવનનાં મહાનતમ સત્યોની જેમ સુખી થવાની અને દુખી થવાની રીત પણ સૌથી સરળ છે... જો તેને યોગ્ય રીતે આત્મસાત્ કરવામાં આવે તો!

‘મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એનાથી દૂર ભાગી જવું સહેલું છે.’ એવું ઘણાનું માનવું છે.

‘સત્યને ઢાંકવા પ્રયત્ન કરવાનો વિચાર પણ ન કરો, કારણ કે સત્ય બહાર આવ્યા વગર રહેવાનું નથી.’

દુ:ખી થવાની દશ રીત

મનની માન્યતા જુદી અને સિદ્ધાંતો જુદા. સિદ્ધાંતો હંમેશાં સાચા હોય છે અને આપણા જીવનને ઘડી આપે છે. માન્યતા સાચી હોય કે ખોટી અને શરૂઆતમાં સાચી હોય તોય કોઈ વાર જતે સમયે જડ બની જાય અને નુકસાન પણ કરે. મનને જેમ સાફ રાખીએ તેમ આંતરિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસશાસ્ત્રી આલ્બર્ટ એલિસ એની થોડી અયોગ્ય માન્યતા નોંધે છે અને એમાંથી મુકત થવા સૌને અનુરોધ કરે છે.

૧.‘મારે બધાનો પ્રેમ જોઈએ અને બધાનો આદર જોઈએ.’ ઘણા લોકો ઊંડે ઊંડે એવું માને છે અને ઝંખે છે. સૌનો પ્રેમ અને સૌનો આદર. તે વગર કેમ જીવી શકાય? હકીકતમાં જીવી શકાય છે. સુખેથી અને આનંદથી, અને હકીકતમાં પણ સૌનો પ્રેમ અને આદર સંપાદન કરવાનું તો અશક્ય હોય છે. માટે જે કોઈ એ આવશ્યક ગણે તે દુ:ખ જ નોતરે છે. કેટલાકની કદર તો મળશે અને કેટલાકનો પ્રેમ મળશે અને એ ઘણું છે. સૌનો પ્રેમ અને સૌનો આદર તો માનવજાતના ઈતિહાસમાં કોઈને પણ મળ્યો નથી અને મળવાનો પણ નથી. લોકો આપણી તરફ માનથી જુએ તો ઘણું સારું અને ન જુએ તોય કોઈ વાંધો નથી. બધાને હંમેશાં પસંદ પડવાની કોઈ જરૂર નથી.

૨.‘મારું સ્વમાન સાચવવું હોય તો મારે દરેક બાબતમાં કાર્યદક્ષતા, નિપુણતા, સફળતા બતાવવાં જોઈએ.’ હા, મારે સ્વમાન તો જોઈએ પણ સ્વમાન જાળવવા માટે હંમેશાં હાથ ધરેલાં દરેક કાર્યમાં નિપુણતા અને સફળતા જોઈએ એવું કંઈ નહીં. સાચી દ્રષ્ટિ એ છે કે હું તો મર્યાદિત છું અને મારી મર્યાદામાં મારો આનંદ ને મારી સાર્થકતા છે. મારાથી બને એ જરૂર કરું અને એથી મારું સ્વમાન જરૂર સચવાય. પછી પરિણામ જેવું આવે તેવું ખરું. મારી શક્તિ મર્યાદિત - અને મારું સ્વમાન અખંડ.

૩.‘મારા હાથનું કામ બગડે એ અસહ્ય આપત્તિ છે.’ ના, આપત્તિ પણ નહીં અને અસહ્ય પણ નહીં. સ્વાભાવિક, સહજ અને અનિવાર્ય ઘટના છે. કામ બગડે એટલે અગવડ પડે એ કબૂલ પણ અગવડ તે કોઈ આફત નથી. રજનું ગજ કરવાનો કોઈ અર્થ નથી. કામ બગડ્યું તો ફરીથી શરૂ કરો. આપત્તિઓ તો જિંદગીમાં પૂરતી હોય છે. એમાં આપણે હાથે કરીને ઉમેરો તો ન કરીએ.

૪.‘મારી ઊર્મિઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. હું લાચાર છું.’ ખોટું. ઊર્મિઓ તે ઊર્મિઓ છે એ વાત સાચી. ઊઠે ત્યારે ઊઠે અને બેસે ત્યારે બેસે. પરંતુ એ ઊર્મિઓની પાછળ મનના વિચારો પણ છે અને એ વિચારો જો બરાબર ચલાવીએ તો એની અસર લાગણીઓ ઉપર પડે, જે ખોટા ખયાલો ઉપરથી એવી લાગણીઓ ઉદ્ભવી હતી એ ખયાલો ઉઘાડા થઈ જાય અને લાગણી શમી જાય. લાગણી ઊઠે ત્યારે ઊઠે એમ આપણે કહીએ છીએ.

(મેં હમણાં એવું જાણી જોઈને લખ્યું છે) પરંતુ જરા ઊંડાણથી વિચાર કરીશું તો જણાશે કે લાગણી ઊઠે તે મનમાં અમુક ખયાલો આવી ગયા છે એને લીધે ઊઠે. એવો ખયાલ છે કે આમ થાય તો મારે ગુસ્સે થવું જોઈએ, આમ થાય તો નિરાશ થવું જોઈએ, આમ થાય તો ભયભીત થવું જોઈએ. તો ખયાલ બદલો એટલે લાગણી શાંત થાય. યોગ્ય વિચારો કરવાથી લાગણીઓ કાબૂમાં આવી જાય.

૫.‘કેટલાક લોકોનું વર્તન હું ચલાવી શકતો નથી.’ એને બદલે ચલાવી લો, એટલી જ વાર. એ વર્તન તમને નહીં ગમે એ જુદું. અયોગ્ય લાગે એ જુદું, તમને અનુકૂળ ન આવે એ જુદું પણ ચલાવી તો જરૂર શકો છો. હવે ચલાવી લેવું હોય તો ચલાવી લો અને ન ચલાવી લેવું હોય તો ન ચલાવો, પણ ‘ચલાવી ન શકું’ એ લાચારીનું બહાનું તો ન કાઢો.

૬.‘મારા નાનપણના અનુભવોથી મારું બાકીનું જીવન ઘડાયું છે એટલે એમાંથી છૂટવા હું હવે કંઈ કરી શકું એમ નથી.’ નાનપણની અસર આખા જીવન ઉપર પડે છે એ વાત સાચી. સાચો પ્રેમ અને હૂંફ મળ્યાં હોય તો વિશ્વાસ અને આનંદ આવે, વિરોધ ને કલેશ મળ્યા હોય તો અવિશ્વાસ અને અસ્થિરતા આવે. એ સાચું છે પણ એથી આખું જીવન અનિવાર્યપણે નિર્ધારિત થયું હોય એટલે અંશે તો નહીં. ખરાબ અસર મટાડી શકાય અને શ્રઘ્ધાથી ને પુરુષાર્થથી જીવનમાં વિશ્વાસ અને આનંદ લાવી શકાય.

૭.‘મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં એનાથી દૂર ભાગી જવું સહેલું છે.’ એવું ઘણાનું માનવું છે. ભાગી જવું સહેલું. સામે થવું અઘરું પણ ભાગી જવાથી મુશ્કેલીઓ તો ટળતી નથી. છેવટે એનો સામનો કરવો પડશે અને મોડો સામનો કરવા કરતાં વહેલો સામનો કરવો સહેલો હોય છે. વિલંબમાં સુખ નથી, વહેલા જાગવું સારું.

૮.‘મારી ભૂલો અને અપરાધોને લીધે મારે હીનતાનો ભાવ અનુભવવો જોઈએ.’ ગુનાની ગ્રંથિ ખૂબ સામાન્ય હોય છે. મેં ખોટું કર્યું હોય તો ઓછું તો લાગવું જોઈએ ને? ખોટું તો આપણે બધા જ કરીએ છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. પછી ભૂલ જાણીને, સ્વીકારીને, એ કેમ થઈ એની તપાસ કરીને સુધારો કેમ લાવી શકાય અને એ ભૂલ ફરીથી ન થાય માટે શું કરી શકાય એ જરૂર જોઈ લઈએ પણ એથી ઓછું ન લગાડીએ, અને કોઈ પણ જાતની હીનતાનો ભાવ ન લાવીએ. ભૂલનું ઉત્તમ પ્રાયિશ્ચત્ત ઉમંગથી ફરીથી શરૂ કરવું એ જ છે.

૯.‘મારા જીવનમાં નિરાશા આવી ગઈ છે, એ હવે કદી જવાની નથી.’ નિરાશા તો આવે જ, પણ જેવી આવે તેવી જાય. જેના મનમાં કોઈ વાર નિરાશા આવી ન હોય એવો કોઈ માણસ પૃથ્વી ઉપર નહીં હોય. જેના મનમાં હંમેશાં ફક્ત નિરાશા જ હોય એવું પણ કોઈ નથી હોતું. ભરતી-ઓટ હોય છે. અત્યારે કસોટી છે એનો અર્થ એ નથી કે કાયમ રહેશે, પસાર થઈ જશે. નિરાશાનું વાદળ જશે. આકાશ ખુલ્લું થશે. આનંદ આવશે અને શ્રઘ્ધા આવશે. માણસ અંધકારમાં આવે ત્યારે કદાચ પ્રકાશ આવવાનો નથી એમ ગભરાઈને માને. ખોટી બીક છે. સૂરજ ફરીથી ઊગશે અને જીવનને અજવાળી દેશે.

૧૦.‘જીવનનો અર્થ મને બરાબર ન સમજાય ત્યાં સુધી હું મારું જીવન બરાબર જીવી ન શકું.’ કહેવાનું મન થાય કે જો એમ હોય તો કોઈ પણ એનું જીવન બરાબર જીવી ન શકે, કારણ કે એનો સ્પષ્ટ, ચોક્કસ, નિર્વિવાદ અર્થ તો હજી કોઈને સમજાયો નથી. એના વિશે ઘણું ઘણું લખાયું છે અને એ જ બતાવે છે કે એ સ્પષ્ટ વાત નથી, કારણ કે સ્પષ્ટ હોત તો આટલું બધું લખવાની જરૂર ન હોત. સ્પષ્ટ નથી એટલે જ ચર્ચા ચાલે છે. તોય જીવન સુખેથી જીવી શકાય છે અને મજા કરી શકાય છે, એવું કરીએ છીએ ને! આવી દશ માન્યતાઓ છે. માનપૂર્વક સૌને વિદાય.

સ્વસ્થ જીવનના દશ નિયમો

બર્ટ્રાડ રસેલની પ્રામાણિક વ્યવહારની ‘દશ આજ્ઞા’ માનસિક સ્વાસ્થ્યની રૂપરેખા ગણી શકાય. સત્યમય વર્તન અને અંતરની શાંતિ સાથેસાથે ચાલે છે, એ સાચા માણસના દિલને હરખાવે એવી હકીકત છે. ચારિત્ર્ય શુદ્ધ હોય તો મન સ્થિર રહે. મનની ઉત્તમ દવા જીવનની પવિત્રતા હોય છે. એ દશ આજ્ઞામાં વિનોદ પણ છે અને માનવસ્વભાવનું ઊંડું જ્ઞાન પણ છે એટલે જાણવા જેવી છે.

૧.‘કોઈ વાતની પૂરી ખાતરી ન રાખો’ એવું બોલનાર પ્રબળ પ્રજ્ઞાવાન-પ્રતિભાશાળી વિભૂતિ છે. ખાતરી રાખવા કોઈને અધિકાર હોય તો એને જ હતો. તોય વિનોદમાં ને મર્યાદામાં ખાતરી ન રાખવા માટે ચેતવણી આપે છે. અભ્યાસ જરૂર કરીએ, સંશોધન, તપાસ અને વિચાર કરીએ અને આપણું માનવું, આપણો અભિપ્રાય, આપણી પસંદગી તો જરૂર જાણીએ અને જણાવીએ પરંતુ આ બાબતમાં પૂર્ણ સત્ય છે એ મારી પાસે છે અને કોઈ બીજું કહે તો ભૂલ ખાય છે એ તો કદી બોલીએ પણ નહીં અને વિચારીએ પણ નહીં. નમ્રતા એ સત્યનો એક અંશ છે.

૨.‘સત્યને ઢાંકવા પ્રયત્ન કરવાનો વિચાર પણ ન કરો, કારણ કે સત્ય બહાર આવ્યા વગર રહેવાનું નથી.’ સત્ય અપ્રિય હોય તો એ ઢાંકી દેવાની લાલચ કોઈને પણ થાય પણ ખાલી લાલચ છે. સહેજ થોડો વિચાર કરીએ તો ખબર પડે કે આજે સત્યને દબાવીશું તો કાલે એ નીકળશે ત્યારે એથી જે અગવડ પડવાની હતી એ પડશે અને તે ઉપરાંત સત્યને દબાવ્યાની શરમ હશે. અગવડ નહીં તો શરમ તો જરૂર ટાળી શકીએ - સત્યને પહેલેથી જ સ્વીકારીએ તો એમાં ડહાપણ છે.

૩.‘લોકો વિચાર કરતા બંધ થાય માટે એમને પ્રોત્સાહન ન આપો - કારણ કે એ પ્રોત્સાહન સફળ થશે જ!’ આમાં કટાક્ષ છે. લોકો વિચાર તો કરતા જ નથી. કદાચ માનવજાતનો મોટો રોગ એ જ હોય. વિચારશૂન્યતા. લોકો માની લે, સ્વીકારી લે, ગળી જાય, ગોખી જાય પણ જાતે વિચારતા નથી. લોકો વિચાર ન કરવા માટે બહાનાં શોધે છે, માટે જો એમને કહીશું કે ચિંતા ન કરો, તમારે કોઈ વિચાર કરવાનો નહીં, અમે બધું ઠીક કરી આપીશું, તમારે ફક્ત અમે કહીએ તેમ કરવાનું - તો લોકો જરૂર એમ કરશે અને વિચાર કરતા બંધ થઈ જશે. ખરો ધર્મ ઊલટો છે: લોકોને વિચાર કરતા કરી મૂકવાનો.

૪.‘તમને પતિ, પત્ની, દીકરા કે બીજા કોઈની પાસેથી વિરોધ મળે તો એનો ઉપાય અધિકારને જોરે નહીં પણ તર્કને જોરે કરજો, કારણ કે ખાલી અધિકારથી મળેલો વિજય ક્ષણિક અને ભ્રાંતિકારક છે.’ હું કહું એટલે એમ જ કરવાનું. બસ, હુકમ છૂટયો અને દીકરો કે પત્ની અથવા હાથ નીચે કામ કરનારા દબાઈ જાય અને એમ જ કરે. એને છૂટકો નથી એટલે એમ કરવું પડે, સહકાર નહીં - જુલમ છે. એથી આજે કામ પત્યું, પણ વિરોધ હતો. વધારે પ્રબળ થયો. તો કાલે એનો પરચો દેખાશે અને અધિકારનો મોરચો તૂટી પડશે. હુકમથી કામ નહીં ચાલે. સમજૂતી થવી જોઈએ.

૫.‘તમારા મતની તરફેણમાં બીજાનાં અવતરણો નહીં ટાંકો, કારણ કે એના વિરોધમાં એટલાં જ અવતરણો ટાંકી શકાય.’ ફલાણાએ આમ કહ્યું. હા, અને ઢીંકણાએ કહ્યું, શાસ્ત્રમાં આવું કહ્યું છે અને બીજા શાસ્ત્રમાં બીજું. વાત પોતાની યોગ્યતાથી સિદ્ધ થાય, બહારની ચૂંટણીથી નહીં.

૬.‘બીજાઓના મત તમને હાનિકારક લાગે તોય સત્તા વાપરીને એનો નાશ નહીં કરો, નહીં તો એ મત તમારો નાશ કરશે.’ વાત ભલે તમને અયોગ્ય લાગે અને એ દૂર કરવા તમારાથી બને એટલા પ્રયત્ન કરો પણ સરમુખત્યાર સત્તાથી એનો સામનો ન કરો. વિચારોની અદભૂત શક્તિ છે. એ દબાવાથી દબાય નહીં. તમે એનો નાશ કરવા જશો તો એ તમારો નાશ કરશે. ઇતિહાસનો ન્યાય છે.

૭.‘તમારાં દ્રષ્ટિબિંદુ જરા વિચિત્ર લાગે તો એની ચિંતા ન કરો; આજે સ્વીકારેલાં તમામ દ્રષ્ટિબિંદુ એક દિવસ તો વિચિત્ર લાગતાં હતાં.’ વિજ્ઞાન અને ધર્મ એમાં સાક્ષી છે. જ્યારે જ્યારે સમાજમાં કોઈ નવી વાત આવી ત્યારે શરૂઆતમાં એની ટીકા થઈ, નિંદા થઈ, વિરોધ થયો. સાહિત્યમાં પણ અને કલામાં પણ એવું થાય. નવી શૈલી હાસ્યાસ્પદ લાગે, નવી વિચારસરણી અમાન્ય બની જાય. પછી સમય પસાર થઈ જાય અને એ વિચારસરણી એક અદભૂત પ્રતિભાશાળી પ્રજ્ઞાની હતી અને એ સાહિત્ય એક પ્રથમ પંક્તિના કલાકારનું સર્જન હતું એમ સિદ્ધ થઈ જાય. મૌલિકતામાં જોખમ છે ખરું અને શરૂઆતમાં બધાને નવાઈ લાગે, અવિશ્વાસ થાય, પ્રતિકાર થાય પણ મૌલિકતામાં ખરો આનંદ છે, સર્જનાત્મકતા છે, પ્રગતિનું બીજ છે માટે નવું કરવાથી ડરીએ નહીં, નવું વિચારવા અચકાઈએ નહીં. આજે આપણે જાણીએ, કાલે બધા જાણશે અને તાળીઓ પાડશે.

૮.‘નિષ્ક્રિય સંમતિ કરતાં પ્રામાણિક વિરોધ પસંદ કરો, કારણ કે જો તમારી પાસે બુદ્ધિની કદર હશે તો પ્રામાણિક વિરોધમાં ખરી અને ઊંડી સંમતિ દેખાશે.’ ઘણી વાર કોઈ મિત્રની વાતને આપણે શાંત રહીને મૂગી સંમતિ આપીએ. એમાં સગવડ હશે, પણ હિંમત અને સરચાઈ નથી અને ખરું જોતાં મિત્રતાની કદર પણ નથી. સાચા મિત્રની સાથે સંબંધ ગાઢ બનાવવો હોય તો એની સાથે મન જેમ ચોખ્ખું રાખીએ તેમ સારું. જૂઠું બોલવાથી પડદો પડે અને અંતર વધે. મતભેદ હોય તો તે બતાવવાના. ભલે મનની સંમતિ ન હોય, પણ એવી નિખાલસતા બતાવવાથી હૃદયની સંમતિ સ્થપાય અને એ વધારે કીમતી છે.’

૯.‘પૂરી ચોકસાઈથી હંમેશાં સત્ય બોલો. એમાં અગવડ આવે તો પણ.’ સત્ય બોલવામાં લાંબા ગાળે વધારે સગવડ હોય છે. સત્ય બોલવાની અગવડ એક જ વખતે પતી જાય; જ્યારે અસત્યની અગવડ તો ફરીફરીને આવ્યા જ કરે અને કદી મટી ન જાય. સત્યનો રસ્તો ટૂંકો ને સાચો હોય છે.

૧૦.‘જે લોકો મૂર્ખાઓના સ્વર્ગમાં રહે એમનાં સુખની ઇર્ષ્યા ન કરો, કારણ કે ફક્ત મૂર્ખાઓ જ એને સુખ માને છે.’ મૂર્ખાઓનું સ્વર્ગ એટલે જીવનની વાસ્તવિક્તા જોયા વગર દરેક પ્રસંગમાં બનાવટી આનંદ જોઈને અને જોવડાવીને કૃત્રિમ સુખ માણવા વ્યર્થ પ્રયત્ન કરનારા લોકોનો સમૂહ. ખરું સુખ શોધવા માટે દુ:ખનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. સારું સારું કહેવાથી બધું સારું તો નહીં બને. દુનિયામાં ખરાબ પણ ઘણું છે અને એની આગળ આંખમિચામણાં કરવાથી એ દૂર તો થતું નથી. કોઈને એ ખોટા સ્વર્ગમાં રહેવું હોય તો ભલે રહે પણ એની ઇર્ષ્યા તો કોઈએ કરવાની નહીં. સાચું સ્વર્ગ જીવનની વાસ્તવિકતા હોય છે. આવા સરળ, રમૂજી, માર્મિક નિયમોમાં જીવનની પ્રામાણિકતા અને અંતરની શાંતિ છે.


અંશ, ફાધર વાલેસ


(સંજય વૈધ સંપાદિત અને તેમની જ પ્રકાશન સંસ્થા ૩૫ એમએમ દ્વારા પ્રકાશિત ‘ફૂલિગેન્સ’માંથી સાભાર)

સફળતા મેળવવાનાં ૧૦ પગથિયાં

સફળ થવા માટે નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા માટે ખૂબ બધી પોઝિટિવ વાતો થાય છે. પરંતુ એ માટે ખરેખર કેવાં નક્કર પગલાં લેવા જોઇએ એની વાત ભાગ્યે જ થાય છે. નવા દાયકાના પહેલા અઠવાડિયે પેશ છે સફળતા મેળવવાના દસ દમદાર પગથિયાં...

એકવીસમી સદીનો બીજો દાયકો વિશાળ તકો લઇને આવ્યો છે. આ દાયકામાં ભારત વિશ્વનું સૌથી યુવાન રાષ્ટ્ર બનવાનું છે અથૉત્ યુવાનોની સંખ્યા ભારતમાં સૌથી વધુ રહેવાની છે. વિકાસની ગાડી પાટે ચઢી ગઇ છે અને હવે પુરપાટ દોડવા તૈયાર છે. તમે જો સજ્જ નહીં હો તો આ ગાડી તમારી રાહ જોઇને થોભવાની નથી. કેવી સજ્જતા જોઇશે આ નવા દાયકામાં સફળ થવા માટે? નવી વિચારધારામાં ફીટ થવા માટે? નવી મેનેજમેન્ટ થિયરીઓને અનુસરવા માટે? હજારો વર્ષમાં વિશ્વએ એકઠા કરેલા ડહાપણના સમુદ્રમાંથી મોતી જેવા બાર ગુણ અહીં પસંદ કર્યા છે, યાદી બાવીસ, બેંતાલીસ કે બોંતેર સુધીયે લંબાવી શકાય તેમ છે, પણ થોડામાં ઘણું સમજો ડિયર વાચક.

લક્ષ્ય

પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.- ભગવાન બુદ્ધ

લક્ષ્ય, ધ્યેય, ટાર્ગેટ. ગળાકાપ અને ટાંટિયાખેંચ સ્પર્ધાના આ જમાનામાં લક્ષ્ય નક્કી કરવા જેટલું મહત્વનું બીજું કશું જ નથી. તમે શું પ્રાપ્ત કરવા માગો છો, તમારો ગોલ શું છે તે સ્પષ્ટ કરી લેવું જરૂરી છે. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે. ભગવાન બુદ્ધે કહ્યું છે, ઈશ્વરે દરેકને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ આપી જ છે. લક્ષ્ય ક્યારેય અશક્ય હોતું નથી, તેને અશક્ય બનાવે છે આપણી ઇચ્છા અથવા આપણી જાતનું ઓછું આકલન. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું કહેનાર સ્વામી વિવેકાનંદે પોતાના જીવનનું લક્ષ્ય કિશોરાવસ્થામાં જ નક્કી કરી લીધું હતું અને યુવાનીમાં તે પ્રાપ્ત પણ કરી લીધું હતું. આજે ૩૯ વર્ષની ઉંમરે કેટલાય લોકો પોતાનું ધ્યેય નક્કી કરી શક્યા હોતા નથી, એ ઉંમરે તો સ્વામીજીએ આ લોકને છોડી દીધો હતો. સેટ યોર ગોલ, નાઉ.

આયોજન

નસીબનાં દ્વાર ત્યારે ઉઘડે છે જ્યારે માણસ પ્લાનિંગ સાથે, આયોજનબદ્ધ રીતે ઉધ્યમ કરે. શાકુંતલમાં કહેવાયું છે, નસીબનાં દ્વાર તો સર્વત્ર હોય છે. પણ, આ દ્વાર સુધી પહોંચવા માટે, તેને ઉઘાડવા માટે આયોજન જરૂરી છે.તમારું ધ્યેય નક્કી કર્યા પછી તે ધ્યેય સુધી પહોંચવાનું આયોજન જરૂરી છે. એન્ટની ડી’ સેન્ટે કહ્યું છે, ‘આયોજન વગરનું પ્લાનિંગ એક આશા માત્ર છે.’ પીટર ડ્રકરે પણ એવું જ કહ્યું છે, ‘આયોજનને ઝડપથી અમલમાં ન મૂકવામાં આવે તો તે માત્ર એક સારો ઉદ્દેશ બનીને રહી જાય છે.’ પ્લાન પરફેક્ટ હોવો જોઇએ એવું કહેવાય છે પણ, હકીકતમાં કોઇ પ્લાનિંગ ફુલપ્રૂફ હોતું નથી. ખરાબ પ્લાનિંગ જ એકમાત્ર એવી ચીજ છે, જેને બદલી શકાય નહીં. સારા પ્લાનિંગમાં સતત સુધારા-વધારા આવશ્યક અને આવકાર્ય હોય છે. આપણે આપણાં એંસી ટકા કામ એવાં કરીએ છીએ જે લક્ષ્યની સિદ્ધિ તરફ લઇ જતાં નથી. સો, પ્લાન યોર સેલ્ફ.

થિંક બિગ

થિંક બિગ. આજના જમાનામાં સફળતાનો આ મૂળ મંત્ર છે. હિતોપદેશમાં કહેવાયું છે, ‘જે સમર્થ છે, તેના માટે કોઇ લક્ષ્ય મોટું નથી. જેને ધંધો કરવો છે, તેના માટે કોઇ સ્થળ દૂર નથી.’ કલાઉડ બિસ્ટ્રોલે કહ્યું છે, ‘મોટા બનવા માટે મોટું વિચારવું પડે.’ તમારી સફળતાની સાઇઝ તમારા વિચારને અનુરૂપ હશે. નાનું વિચારીને ક્યારેય મોટી સફળતા મળી શકતી નથી. પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેએ કહ્યું હતું, ‘સફળતાની સંભાવનાઓનાં દ્વાર ખોલવા માટે મોટું અને અલગ વિચારવું પડે.’ મોટું વિચારનાર પ્રજા મહાન બને છે. સફળ માણસ કે સફળ પ્રજાની સફળતા પાછળ તેનું બિગ થિંકિંગ પડેલું હોય છે. મોટું વિચારનાર આઉટ ઓફ ધી બોક્સ વિચારી શકે. બીજાથી અલગ વિચારી શકે, પરંપરાને તોડી શકે. સો, થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર.

આળસ ત્યજો

આલસ્ય મહા બલમ્ એવું કહેવાય છે. ચાણકયએ કહ્યું છે, ‘આળસુ વ્યક્તિ પોતાને મળેલી વસ્તુની પણ રક્ષા કરી શકતો નથી.’ માણસ હંમેશાં કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેમાંથી બહાર આવવાનું મુશ્કેલ છે, અશક્ય નથી. આળસ અને આજનું કામ કાલે કરવાની ઠેલણવૃત્તિ સફળતાનો સૌથી મોટો શત્રુ છે. ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’ એવું સૂત્ર આપણે ગોખી લીધું છે પણ તેનો અમલ કરવામાં આળસ કરતા રહીએ છીએ. સફળતા મેળવવી હોય તો રાત-દિવસ જોયા વગર મંડી પડવું પડે. સફળ વ્યક્તિ કરોડો કમાયા પછી પણ પગ વાળીને બેસતો નથી કારણકે આળસ તેમના સ્વભાવમાં હોતી નથી. એટલે, સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય. સો, કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન.

રિલેશનશીપ

‘મને મિત્રોથી ભય ન રહે, મને શત્રુઓથી ભય ન રહે.’ અદભૂત વાક્ય છે આ અથર્વવેદનું. શત્રુઓથી ભય ન રહે એવું વરદાન તો સામાન્ય છે, મિત્રોથી ભય ન રહે એવું કહેવું તે અસામાન્ય છે. નવા યુગના મેનેજમેન્ટમાં રિલેશનશીપ સૌથી વધુ મહત્વની બાબત છે. તમારા સાથી કર્મચારીઓ અને તમારી નીચેના કર્મચારીઓ સાથેની રિલેશનશીપ, તમારા કલાયન્ટ્સ અને તમારા વેન્ડર્સ સાથેની રિલેશનશીપ અને ગ્રાહકો સાથેની રિલેશનશીપ ધંધામાં પ્રગતિ માટે અનિવાર્ય પરિબળ છે. સંબંધો પર દુનિયા ટકેલી છે એ વાક્ય અત્યારે કદાચ સૌથી વધુ રિલેવન્ટ છે. પછી તે સંબંધો સામાજિક હોય કે વ્યાવસાયિક. એટલે, ડેવલપ ગુડ રિલેશનશીપ.

હાર્ડવર્ક

સિંહ સામર્થ્યમાં અતુલ્ય છે. છતાં સૂતેલા સિંહના મુખમાં હરણાં આપોઆપ પ્રવેશી જતાં નથી, સિંહે પણ શિકાર માટે ઉધ્યમ કરવો પડે છે. માત્ર મનના ઘોડા ઘડવાથી કાર્ય પૂરા થતાં નથી, તેના માટે હાર્ડવર્ક જરૂરી છે. જે માણસ પોતાનું કામ નિષ્ઠાથી કરતો નથી તે નસીબને દોષ દે છે. ‘મર્દ કા નસીબ ઉન કે હાથોં કી લકીરોં મેં નહીં, ઉનકી બાહુઓ મેં હોતા હૈ’ એવો ફિલ્મી ડાયલોગ પણ સુભાષિતથી કમ નથી. કોઇ વ્યક્તિ તમારી નિંદા કરીને તમારું નામ બગાડી શકે પણ, તમારું કામ બગાડી શકતો નથી. તમારું કામ એક જ વ્યક્તિ બગાડી શકે, અને એ છે, તમે પોતે. તમે મહેનત કરો, પુરુષાર્થ કરો તો કોઇ કામ અશક્ય નથી. હોમરે કહ્યું છે, ‘પુરુષાર્થ બધી બાબતો પર વિજય મેળવી શકે છે’. ઐતરેય બ્રાહ્નણમાં લખાયેલું સુભાષિત છે: ‘સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે, જે ચાલતો રહે છે તેનું ભાગ્ય ગતિશીલ રહે છે’. સો, બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ.

ડિસિઝન

કુમાર સંભવમાં કાલીદાસે કહ્યું છે, જે દ્રઢ નિર્ણય કરે છે તેના મનને અને ઢાળ તરફ વહેતા પાણીને કોણ રોકી શકે? નિર્ણય લેવાની કળા, ડિસિઝન મેકિંગ કોઇપણ વ્યવસાયની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે. એક ખોટો નિર્ણય, એક મોડો નિર્ણય ધંધાની, નોકરીની દિશા બદલી નાખી શકે. નિર્ણય મોડો કે વહેલો નહીં, યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે. ભવિષ્યની તકોનું આકલન કરીને, વર્તમાન પરિસ્થિતિનું ગણિત માંડીને લેવાયેલો પરપિકવ નિર્ણય જ લાભકારી નિવડે છે. માણસે જીવનમાં, ધંધામાં, નોકરીમાં વારંવાર નિર્ણયો લેવા પડે છે અને તે નિર્ણયો તેની સફળતા નક્કી કરતા હોય છે. શતરંજની રમતમાં જેમ વિવિધ પાસાં વિચાર્યા પછી સૌથી સારી ચાલ ચાલવાની હોય તે જ રીતે નિર્ણયો લેવાની પ્રક્રિયા થવી જોઇએ. નાઉ, મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ.

નબળાઇઓને જાણો, નિવારો

પોતાની નબળાઇઓની જાણ બીજાને ન કરવી એવું ચાણકયએ કહ્યું છે. પણ, તે પહેલાં પોતાની નબળાઇઓ જાણવી જરૂરી છે. પોતાના ધંધાની નબળી કડીઓ જાણવી જરૂરી છે. આ જમાનામાં નબળાઇઓને છુપાવી શકાય એવું રહ્યું નથી એટલે, ચાણકયથી થોડું આગળ વધીને એવું કહેવું પડે કે પોતાની નબળાઇઓને છુપાવવાને બદલે સુધારો. જે માણસ પોતાની નબળાઇઓને જોઇ શકતો નથી તે સફળ થતો નથી. ધંધામાં કે વ્યક્તિગત જીવનમાં, નબળાઇઓ શોધતા આપણે ડરીએ છીએ. પણ, એ પલાયનવૃત્તિ છે. પોતાની નબળાઇઓ સફળતા સામે જોખમ બનીને ઊભી રહે તેના કરતાં તો તેને ઓળખીને દૂર કરવી વધુ યોગ્ય છે. લેટ્સ, હેવ અ લૂક વિધિન.

નેવર ગિવ અપ

વિન્સ્ટન ચર્ચિલ એક શાળામાં ભાષણ કરવા ગયા ત્યારે બધાને હતું કે તેઓ રાજકીય વાતો કરશે અને બાળકોને કશું સમજાશે નહીં. ચર્ચિલે તે સભામાં કહ્યું, નેવર ગિવ અપ. નેવર નેવર નેવર. અને આ સભાને આજ દિવસ સુધી યાદ રાખવામાં આવે છે. નીતિ શતકમાં ભર્તુહરિએ લખ્યું છે, ઉત્તમ પુરુષો આરંભેલા કાર્યને ક્યારેય છોડતા નથી. પડકારો આવે, ક્યારેક પીછેહઠ કરવી પડે એવું જીવનમાં વારંવાર બનશે. પણ, પોતાનું ધ્યેય ન છોડવું. મોટાભાગે એવું બને છે કે નાનકડી પછડાટ, નાનકડી પીછેહઠ, નાનકડો પરાજય મળતાં જ માણસ હતોત્સાહ થઇને કામ છોડી દે છે. જે આવા વિપરિત સંજોગોમાં પણ કામ છોડતા નથી તેઓ સફળ માણસોની યાદીમાં બિરાજે છે. સો, નેવર ગિવ અપ, નેવર નેવર નેવર.

બી એનજેઁટિક

નિરુત્સાહથી માણસનું જ નહીં, તેના ભાગ્યનું પણ પતન થાય છે. ઉત્સાહથી ભરપુર, એનજેઁટિક માણસ પોતાની આજુબાજુના વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. કોઇપણ કામ ઉત્સાહથી કરવામાં આવે તો તેનું પરિણામ અદભૂત મળે છે. વર્કપ્લેસ ઉત્સાહથી થિરક્તી હોય એવું વાતાવરણ દરેક કંપની ઇચ્છતી હોય, દરેક અધિકારી ઇચ્છતો હોય. ઉત્સાહ માટે અનેક પરિબળો જરૂરી છે. સારું વળતર, સારી રિલેશનશીપ, સારી સંભાળ, સારું વાતાવરણ, સારી પ્રસંશા વગેરે વગેરે. પણ, વાસ્તવમાં ઉત્સાહ માણસના મનમાંથી જન્મે છે. કામ પ્રત્યે જેને પ્રેમ હોય એ ગમે તેવા વાતાવરણમાં ઉત્સાહથી કામ કરતો રહે છે. એટલે જ, કોઇપણ ઓફિસમાં એવા એક-બે જ માણસ હોય છે, જે ઉત્સાહથી થનગનતા હોય છે. સો, બી એનજેઁટિક, ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

૧-સેટ યોર ગોલ નાઉ. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે.

૨-પ્લાન યોર સેલ્ફ. ધ્યેય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવાનું આયોજન જરૂરી છે.

૩-થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર. બીજાથી અલગ વિચારો.

૪-કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય.

૫-ડેવલપ ગુડ રિલેશનશીપ. સંબંધો પર દુનિયા ટકેલી છે.

૬-બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ. તમે પુરુષાર્થ કરો તો કંઇ અશક્ય નથી.

૭-મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ. નિર્ણય યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે.

૮-હેવ અ લૂક વિધિન. પોતાની નબળાઇઓ છુપાવવાને બદલે સુધારો.

૯-નેવર ગિવ અપ, નેવર. ભલે ક્યારેક પીછેહઠ કરવી પડે પણ ધ્યેય ન છોડવું.

૧૦-બી એનજેઁટિક. ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.

(કાના બાંટવા)
દિવ્ય ભાસ્કર વિહાર કોલમ માંથી


શનિવાર, 1 જાન્યુઆરી, 2011

સરદારઃ ઊંચેરી પ્રતિભા, ગગનચુંબી પ્રતિમા!

સરદાર પટેલની યશકલગીમાં કેવી રીતે ઉમેરાયું હતું અલ્વર રાજ્યનું પીંછુ?

એક ફિલ્મી કહાની લાગે એવી સત્યકથા છેઃ
ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાંઓના એકીકરણનો પડકાર ઉભો થયો હતો, એ વાત તો જાણે જૂની થઈ ગઈ છે. રસિક સુજ્ઞજનો હૈદ્રાબાદ કે જૂનાગઢની તવારિખી દાસ્તાનો વાગોળતા થાકતા નથી.
પણ કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવાની ખુજલી ઉપડી હોય એવા બીજા કેટલાક ારજ્યો જ હતા. એક હતું રાજસ્થાનનું અલ્વર. અલ્વરના મહારાજાએ ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો ઈન્કાર કરીને પોતાનો જ પચરંગી ઘ્વજ ફરકાવવાનો ચાલુ રાખ્યો હતો. મહારાજા પાર્લામેન્ટમાં નોમેની હતા, પણ ભારત સરકારની નીતિઓ વિરૂઘ્ધ ઝેર ઓકતા. અલ્વરના દીવાન આ જ પ્રવૃત્તિ રાજ્યમાં કરતા. કહેવાય છે કે પાકિસ્તાનને વિવાદનો મુદ્દો મળે એ માટે મહારાજાએ કોમવાદી વલણ શરૂ કરી, લધુમતીઓને રંજાડવાનું શરૂ કરેલું. શુઘ્ધિ અભિયાન અંતર્ગત કબ્રસ્તાનોનો સફાયો બોલાવી દેવાયો હતો.
સરદાર પટેલ દિલ્હી બેઠે બેઠે બસ તમાશો ચૂપચાપ જોતા હતા. રજવાડાની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી કરે, તો બીજા રાજાઓ નારાજ થઈ જાય. એવામાં અચાનક ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. દેશ જ નહિ, સરદાર પણ ખળભળી ઉઠયા. સરદારપ્રેમીઓએ ગાંધીજીએ નેહરૂ ખાતર કરેલા અન્યાયની સાથોસાથ ન્યાય પુરતું એ ય યાદ રાખવું જોઈએ કે ગાંધી ન હોત તો વલ્લભભાઈ પટેલ એક વિલાયતી બેરિસ્ટર જ રહ્યા હોત, સરદાર નહિ. જૈફ ઊંમરે સરદાર માટે ગાંધીની વિદાય એવો વ્યક્તિગત ઝટકો હતો કે થોડા સપ્તાહો પછી એમને જબરો હાર્ટ એટેક આવેલો!
ગાંધીજીના અવસાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં બધા દેશોના ઘ્વજ અડધી કાઢીએ ફરક્યા, પણ અલ્વરે તુમાખીથી પોતાનો ઝંડો નીચે ન કર્યો. લોકોમાં સ્વાભાવિક ગણગણાટ થયો. ત્રીજી ફેબુ્રઆરીએ દેખાવ ખાતર મહારાજાએ એક શોકસભા ગોઠવી. જેમાં એ હાજર રહ્યા, પણ બોલવાથી કતરાતા રહ્યા. બીજે દિવસે સવારે સરદારે મહારાજાને દિલ્હી તેડાવ્યા. એ જ રાત્રે ૯ વાગે ઓલ ઈન્ડિયા રેડિયો પર હેડલાઈન ન્યુઝ હતાઃ ગાંધીજીની હત્યામાં હાથ ધરાવતા કાવતરાંખોર તરીકે અલવરના મહારાજા શકમંદ સાબિત થયા છે. એમને દિલ્હી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહખાતાએ આ મામલે મહારાજા અને દીવાનની સંડોવણીની તપાસ શરૂ કરાવી છે, અને અન્ય રજવાડાઓની સંમતિથી અલ્વરના એડમિનિસ્ટ્રેશન માટે ભારત સરકારના એક પ્રતિનિધિની નિયુક્તિ થઈ છે!
૧૦ દિવસ પછી દિલ્હીથી નિમાયેલા વહીવટદારે અલ્વરના મંત્રાલય પર તિરંગો ફરકાવ્યો, અને નિવેદન જાહેર કર્યું કે ‘આ તો છ મહીના પહેલા જ થઈ જવાની જરૂર હતી!’ એ ઘટનાના પાંચ દિવસ પછી સરદાર પટેલ ખુદ અલ્વર પહોંચ્યા. ૧૯૪૦માં સ્ટેટની મુલાકાતે આવેલા બ્રિટિશ વાઈસરોયનું જે દબદબાથી મહારાજાએ સ્વાગત કરેલું, એથી યે વઘુ ભપકાદાર રીતે સરદારનું સ્વાગત થયું. સાંજે રાજ રિશિ કોલેજના ગ્રાઉન્ડમાં સરદારે પોતાની લાક્ષણિક કટાક્ષમિશ્રિત ધારદાર બાનીમાં પ્રવચન આપ્યું. પુરૂં કરતાં પહેલા ઉધામા કરવા માંગતા મહારાજાપ્રેમી તત્વોને ચીમકી પણ આપી દીધી ‘‘તમારામાંના ઘણાય પાસે ચકચકતી તલવારો હશે, પણ હવે એનું મહત્વ ઝાડૂ જેટલું ય રહ્યું નથી. સાવરણીથી કમ સે કમ કચરો તો વળાય, તલવારથી તો એ ય ન થાય!’’
અલ્વર વિમાની મથકે ઉતરતાવેંત સરદારે મહારાજાના સાળાને બોલાવ્યા હતા. કહેલું કે ‘તમારા બહેન (મહારાણી)ને કહેજો, એમના પતિની ચિંતા ન કરે. એ સુરક્ષિત છે.’ પછીના થોડાક દિવસોમાં બે ઘટનાઓ બની. હજુ ગાંધીહત્યાની જાંચ ચાલુ હતી, ત્યાં જ ૧૮ માર્ચે અલ્વરના મહારાજાએ ભરતપુર, ધોલપુર અને કરૌલીના બનેલા ‘મત્સ્ય’ યુનિયન (જેમ જામનગર, ભાવનગર, ગોંડલ, મોરબી વગેરેને ભેળવીને એક સૌરાષ્ટ્ર રચવામાં આવેલું તેમ!) સાથે ભળી જઈને ભારત સાથે જોડાણ કરતાં દસ્તાવેજ પર સહી કરી આપી હતી! એ પછી તરત જ એવી જાહેરાત થઈ હતી કે ગાંધી હત્યામાં અલ્વરના મહારાજાની કોઈ સંડોવણી નથી, એવું તપાસ કરતા જાણવા મળ્યું છે. એટલે એમને નિર્દોષ ઠેરવી મુક્ત કરાયા છે!
આજે, અલ્વર રાજસ્થાન ટુરિઝમની જાહેરાતોમાં વિદેશી સહેલાણીઓને ભારતમાં આકર્ષે છે! ત્યાં ભારતીય વાઘોનું સારિસ્કા અભ્યારણ્ય છે.
* * *
પાઠ પુરો થાય અને વિદ્યાર્થીઓને સ્વાઘ્યાય મળે, એમ અહીં કેટલીક શીખ લેવા જેવી છે. સરદારે અલ્વરને ભારતમાં ભેળવવા માટે કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું. ૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અન્ય રાજાઓને આપેલા વચન મુજબ એ આંતરિક મામલામાં દખલ કરીને માંડ એકઠા થયેલા અન્ય રજવાડાઓમાં ચણભણ કરવા માંગતા નહોતા. પણ દેશહિતને ખાતર ગાંધીહત્યા જેવી અંગત આઘાત આપતી ટ્રેજડીમાંથી પણ તત્કાળ સ્ટ્રેટેજી બનાવતા એમને ખચકાટ થયો નહોતો! (આભિજાત્ય, સિઘ્ધાંતો, સૌજન્ય આ બઘું ડાઈનિંગ ટેબલ પરની ડિબેટ્સ કે બ્લોગ પરના બખાળાઓમાં શોભે- કૃષ્ણ, ચાણક્ય કે સરદાર એવી સુંવાળી સૂફિયાણી સલાહોની ચિંતા કરે તો પરિત્રાણાય સાઘુનામ, વિનાશાય ચ દુષ્ક્રિતામનું કામ ક્યારે કરે?) શોક-વિષાદની એ પળોમાં પણ સરદાર સ્વસ્થ ચિત્તે એક અખંડ ભારત અંગેની વ્યૂહરચના કોઠાસૂઝથી વિચારી શક્યા હતા. આકસ્મિક ઘટનાનું તકમાં રૂપાંતર કરી શક્યા હતા.
લુચ્ચાઈ અને વ્યૂહાત્મકતા વચ્ચેની પાતળી ભેદરેખા ઈરાદાની હોય છે. સરદારે પોતાના ફાયદા માટે નહિ, પણ સમગ્ર દેશના ભવિષ્ય ખાતર ગાંધીજીની લાશનો પણ ઉપયોગ કરવામાં લગીરે શરમ રાખી નહોતી. એમનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પર્સનલ રિલેશન્સ પર હતું, પગાર પર નહિ. એટલે મહારાજાને ભીડવવા પુરતી- ભેદી માહિતી એમની પાસે તૈયાર પડી હતી. ગાંધીહત્યા પછીના રાષ્ટ્રીય સ્તબ્ધતાના વાતાવરણમાં મહારાજા કંઈ પણ આડુંઅવળું કરે, તો પ્રજા જ એમને જોખી લે. ટાઈમિંગ પરફેક્ટ હતું. ફ્રેકચર થયું હોય તો ય ઘર-ઓફિસના કામ ભૂલી જવાય એવી આપણી પરિસ્થિતિ વચ્ચે સરદાર સગા બાપથી વિશેષ ગાંધીના નિધન સમયે દેશ માટેના એમના એજેન્ડામાં ફોકસ્ડ હતા. વેવલાઈ એમની નક્કર પટલાઇ સાથે ટકી ન શકે. એટલે સ્તો ભારત વિભાજન અનિવાર્ય છે, એ લાગણીશીલ ગાંધીની પહેલાં એ તત્કાલીન સ્થિતિ મુજબ સમજી ગયા હતા, અને કઠોરતાથી ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી દેશના બે ઉભા ફાડિયા થાય એને બદલે સરહદી ચોથિયાં પ્રદેશો ગુમાવીને પણ બાકીના વિરાટ ભારતને વિકસીત કરવા બચાવવામાં સફળ થયા હતા.
પણ આ મક્કમતા પાછળ એક નિર્મળ સંવેદનશીલતાની સરવાણી સૂકાઇ નહોતી. આ પારાવાર ટેન્શન અને ધમાલ વચ્ચે એ અલ્વરના એક યુવાન મહારાણીની માનસિક પરેશાની અને એમને કોઠે ટાઢક આપતો સંદેશો પહોંચાડવાની કાળજી ભૂલ્યા નહોતા ! આવી ચોકસાઇપૂર્વકની ચીવટને લીધે સ્તો બ્યૂરોક્રેટ્સ પણ સરદારનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા.
સરદારને સગવડ મુજબ હિન્દુવાદી (કોમી રમખાણોમાં સંડોવાયેલા મુસ્લીમો સાથે કડક હાથેકામ લેવા કે સોમનાથના જીર્ણોઘ્ધાર બદલ) કે લધુમતીવાદી (આરએસએસની ઉગ્ર ટીકા કરનાર, બંધારણમાં માઇનોરિટીઝ માટેની કલમો રજૂ કરનાર) કે પછી મૂડીવાદી (બિરલાઓના દોસ્ત, ઉદાર આર્થિક નીતિના ચુસ્ત હિમાયતી, લાયસન્સરાજના ચુસ્ત વિરોધી, સામ્યવાદી મજૂર આંદોલનને ઉગતા જ ડામી દેનાર)ના લેબલ લગાડી જોવામાં જોનારને કદાચ સરળતા થાય છે. પણ સરદાર માત્ર એક જ વાદમાં માનતા હતા. રાષ્ટ્રવાદ ! એ માટે જે કંઇ જરૂરી હતું એ એમણે સ્વીકાર્યુ અને તીનપાટિયાઓની ટીકા કે ચુગલખોરીની પરવા વિના કરી બતાવ્યું !
જસ્ટ થિંક, હાડોહાડ ‘જેહાદી’ પ્રકૃતિના અને પાકિસ્તાન સાથે ભળી હિન્દુઓને પરેશાન કરનાર હૈદ્રાબાદના નિઝામ કે ભગવા રંગે રંગાયેલા ગણાતા અલ્વરના મહારાજાને સરદારે એક જ દવાનો ડોઝ પીવડાવ્યો. બંને પાસેથી યુક્તિપૂર્વક એમના રાજ્યો ખાલસા કરાવ્યા. પોતાના માટે ? હિન્દુ કાર્ડ કે મુસ્લીમ કાર્ડ માટે ? જી ના. સ્વતંત્ર સાર્વભૌમ સંવૈધાનિક ભારત માટે ! હિન્દુ-મુસ્લિમ સેન્ટીમેન્ટસની રાજકીય પરવા વિના રોકડું પરખાવી દેવાનો એમનો સ્પષ્ટ વક્તા સ્વભાવ હતો !
એટલે જ જો સરદાર જીવતા હોત અને ભારતના સુકાની બન્યા હોત, તો આર્થિક ઉદારીકરણ ૪૦ વર્ષ પહેલાં થયું હોત. આજે જે ચીન કરે છે, એ ક્યારનુંય ભારત લેબર ઓરિયેન્ટેડ એક્સપોર્ટથી કરી ચૂક્યું હોત અને સામ્યવાદી રશિયાને બદલે વાજબી રીતે મૂડીવાદી અમેરિકાની સાથે જોડાણ કરી ચુક્યું હોત, એવા ઉદ્યોગપતિઓના મિત્ર અને મહારાજાઓના રાઝદાર ગણાતા સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા. આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!
* * *
બાઉન્ડ્રી લાઇન પર બેટસમેનને ઝીલાવી દેવા માટે ઉસ્તાદ બોલર લલચામણો ફૂલટોસ નાખે અને બુદ્ધુ બેટસમેન એ ટ્રેપમાં આઉટ થાય, એમ ગુજરાતમાં ચૂંટણીટાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાતટે વિશ્વનું સૌથી ઊંચુ સરદાર પટેલનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાની ઘોષણા કરી અને સરદારની મૌન રહેવાની વિચક્ષણતા ભૂલી ચૂકેલા વિપક્ષી આગેવાનો એની સામે ફરિયાદ કરવામાં કોટ એન્ડ બોલ્ડ થઇ ગયા! ઓનેસ્ટલી સ્પીકિંગ, બંગાળ માટે સ્વામી વિવેકાનંદનું હોય કે મહારાષ્ટ્રમાં શિવાજીનું હોય- એથી અનેકગણું મહાન પ્રદાન સમગ્ર દેશ માટે સરદાર પટેલનું છે. પણ એમની સાદાઇ એટલી કે આ ખબર મોટે ભાગે ગુજરાતીઓને જ હોય છે. જે ભારત માટે સરદારે લોહીપાણીવીર્યપસીનો એક કર્યા એ ભારતને ખાસ છે નહિં! જગતમાં તો સરદાર ભારતના બિસ્માર્ક કહેવાય છે, પણ બંનેના કામનો સ્કેલ અને ચેલેન્જ સરખાવો તો જર્મનીના ઓટો વાન બિસ્માર્કને યુરોપના સરદાર પટેલ એમ કહેવું જોઇએ. ગીતાથી ગાંધી સુધીની મેનેજમેન્ટ થિયરીઝ સ્ટડી કરતા અભ્યાસુઓ સરદારના લીડરશિપ ફન્ડા પર કદી કોર્પોરેટ વર્કશોપ કરતા નથી!
ઇનફ. જયારે જે ભાષામાં દુનિયા સમજતી હોય, એમાં એને સમજાવવી જોઇએ. ગાંધીજીએ પણ કોમ્યુનિકેશન ખાતર રામઘૂનથી ચરખા સુધીનું ‘મોકટેલ’ (બાપુમાં કોકટેલ તો ન કહેવાય ને!) મોડેલ બનાવ્યું હતું, અને લોકોને આકર્ષ્યા હતાં. ડફોળેશ્વરો સરદારનું સૌથી ઉંચુ પૂતળુ ગુજરાતમાં બને એ વિચારમાત્રથી ‘આગબબૂલા’ થઇને એને ડિઝનીલેન્ડના કાર્ટુન સાથે સરખાવે છે! છેલ્લાં ૫૪ વર્ષમાં ૬૦ અબજ (દુનિયાની કુલ વસતિના ૧૦ ગણા!) લોકો ડિઝનીલેન્ડની મુલાકાતે આવી ચૂકયા છે! સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર પૂતળું નથી. અમેરિકન પ્રજાના મિજાજની ઓળખ છે. અમેરિકનો શેરીએ શેરીએ લિંકનના પૂતળા નથી મુકતા, પણ લાર્જર ધેન લાઇફ લિંકન મેમોરિયલ બનાવવાનું ચૂકયા નથી. લિબર્ટી જેટલી જ ઇન્ટરનેશનલી અપીલિંગ ફીલિંગ યુનિટીની છે. એ નામનો પ્રાસ મળે, તો આપોઆપ જ રેડીમેઇડ બ્રાન્ડિંગ થતું જાય!
ગુજરાત સરદારની એક પ્રચંડ પ્રતિમા બનાવે, એમાં અને માયાવતી શેરીએ શેરીએ પોતાના પર્સવાળા પૂતળાઓ ખડકી દે- તેમાં બુનિયાદી ફર્ક છે. કોઇનું ઋણ ચૂકવવાનું ભુલાઇ જાય, તો ખાનદાન માણસ સામે ચાલીને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એ પાછું વાળે. ઇતિહાસ બોધ ન ધરાવતાં ભારતીયો પૂતળા પર્યટનના બહાને પણ રજવાડાંની એકતા અને રાષ્ટ્ર નિર્માણ વિશે જાણે, કે પરદેશીઓ સોવેનિયર તરીકે સરદારનું મિનીએચર સાથે લઇ જાય એ તો રળિયામણી ઘડી છે. જગત આજે બ્રાન્ડિંગ અને માર્કેટિંગની ભાષા સમજે છે. એ ઝંઝાવાત સામે ઉખડી જવાને બદલે એ જ પવન સઢમાં ભરી વ્હાણને મંજિલે પહોંચાડનાર કસબી કપ્તાન ગણાય! હજાર કરોડ તો પાણીદાર ગુજરાતીઓ પાટું મારીને ઉભા કરી લેશે, પણ હજાર કરોડ માનવીઓમાં બીજો સરદાર પટેલ વાયડા વિવેચનોથી પેદા નહિં થાય!
ફાસ્ટ ફોરવર્ડ
‘જે સમાજ પોતાના નાયકનું સમયસર સન્માન કરતો નથી, સમય એ સમાજને અપમાનને લાયક ગણે છે.’

સ્પેકટ્રોમીટર- જય વસાવડા
Gujarat samachar 31/10/2010

ફાસ્ટ ફોરવર્ડ


‘જે સમાજ પોતાના નાયકનું સમયસર સન્માન કરતો નથી, સમય એ સમાજને અપમાનને લાયક ગણે છે.’

આ દુનિયા ઇસુને ક્યારે સમજશે?

નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી.

અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી.

જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે.

માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી.

ખબર છે કે કરુણાને લિટરમાં માપવાનું શક્ય નથી, તોય પ્રશ્ન થાય કે: આ દુનિયાના ગરીબોનાં આંસુ લૂછવા માટે કુલ કેટલા અબજ લિટર કરુણાની જરૂર પડે? ખબર છે કે પ્રેમને વજન નથી હોતું, છતાંય પૂછવાનું મન થાય કે: આ દુનિયાને યુદ્ધથી મુક્ત કરવા માટે કુલ કેટલા અબજ ટન પ્રેમની જરૂર પડે? આપણે બુદ્ધ અને ઇસુને હરાવી દીધા છે. એ જ રીતે આપણે મહાવીર અને ગાંધીને ગાંઠીએ તેમ નથી. એવો આક્ષેપ મૂકવાનું મન થાય છે કે આ નાદાન દુનિયા સુખી થવા માટે પણ તૈયાર નથી.

જે સ્વયં દુ:ખી હોય તે માણસ પ્રેમ અને કરુણા વહેવડાવી શકે ખરો? જે સ્વયં ભૂખ્યો હોય, તે બીજાને ખવડાવી શકે ખરો? જે સ્વયં આનંદવિહોણો હોય, તે અન્યને આનંદદીક્ષા આપી શકે ખરો? પૃથ્વીમાતા કરુણાવાન છે અને પ્રેમાળ છે, પરંતુ એના ખોળામાં રમતી દુનિયા ભારે મતલબી છે. વાત એમ છે કે આજની બદમાશ દુનિયા માતૃત્વથી છલકાતી પૃથ્વીને (ગેઇઆને) ખૂબ પજવે છે. એવી પજવણીનાં બે ઉપસ્થાનો છે: યુદ્ધ અને ગરીબી. બંનેમાં ભારોભાર હિંસા ભરેલી છે.

નાતાલના પવિત્ર દિવસો દરમિયાન રોજ પરોઢિયે હીંચકા સામે લટકતા તારામાં સચવાયેલી ઇસુની છબી જોતી વખતે પ્રાર્થના કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. એ છબીમાં માતા મેરી બેથલહેમના ઘરની કોઠારમાં જન્મેલા બાળક ઇસુને નીરખી રહી છે. આજે એ કોઠારની જગ્યાએ ભવ્ય ચર્ચ જોવા મળે છે. એ પવિત્ર દેવળને ‘ચર્ચ ઓફ નેટિવિટી’ કહે છે.

નાતાલ દરમિયાન રોજ ઇસુલલ્લાને નીરખતી વખતે આંખને ધરવ થતો નથી. અયોધ્યાના રામલલ્લા અને બેથલહેમના ઇસુલલ્લા વચ્ચે મને કોઇ તફાવત જણાતો નથી. જેઓ કૌશલ્યા અને મેરીના માતૃત્વ વચ્ચે પણ ભેદની દ્રષ્ટિ કાયમ રાખી શકે, તેમને લોકો ધર્મગુરુ કહેવાની ભૂલ કરે છે. માતૃત્વથી ચઢિયાતા કોઇ ધર્મની મને જાણ નથી. આ દુનિયા પ્રેમમૂર્તિ ઇસુને ક્યારે સમજશે?

પશ્ચિમની ગોરી ખ્રિસ્તી પ્રજા માટે મને જબરો પક્ષપાત છે. એ પ્રજાએ જગતને મેગ્નાકાટૉની ઘટના પછીની સદીઓમાં લોકતંત્ર, સેક્યુલરિઝમ, ન્યાયતંત્ર અને માનવ-અધિકારો જેવી ઉમદા બાબતોની ભેટ ધરી છે. પશ્ચિમમાં પાંગરેલી ખ્રિસ્તીધર્મીય ઉદારતાની વ્યાપક અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બનેલા સમગ્ર ભારતીય ઉપખંડ પર પડી છે. ભારતને પ્રાપ્ત થયેલી ખ્રિસ્તી લઘુમતીની માનસિકતા પર પણ એ ઉદારતાની ઊંડી અસર જોવા મળે છે.

એથી ઊલટું સાઉદી અરેબિયાના (વહાબી) પછાતપણાની નકારાત્મક અસર ભારતીય ઉપખંડની મુસ્લિમ પ્રજા પર પડી છે. મારા સ્વજનની દીકરી ત્યાં નોકરી કરતા પતિ સાથે રહેવા ગઇ ત્યારે એણે બુરખો પહેરવો પડ્યો હતો. આતંકવાદી સંગઠનોને આર્થિક ટેકો સાઉદી અરેબિયા તરફથી પ્રાપ્ત થાય છે. ભારતમાં હિંદુ-ખ્રિસ્તી હુલ્લડો નથી થયાં તે વાતનો જશ ખ્રિસ્તીધર્મીય માનસિકતાને પણ જાય છે.

ધમાઁતર જેવી ઇસુવિરોધી બાબત પણ હવે ક્ષીણ થતી ચાલી છે. દૂર દૂરના પછાત વિસ્તારોમાં નિશાળો અને દવાખાનાં ઉપરાંત થોડું થોડું વિજ્ઞાન પહોંચાડવામાં ખ્રિસ્તી મિશનરીઓનો ફાળો ઓછો નથી. ‘મિશન’ની સંકલ્પના સ્વામી વિવેકાનંદને ખ્રિસ્તી પરંપરા પાસેથી મળી હતી. હવે સાંભળો:

સ્વામી વિવેકાનંદને ઇસુ પ્રત્યે ઘણો આદર હતો. અંતપુર ગામે બાબુરામના ઘરે રામકૃષ્ણ પરમહંસના સૌ શિષ્યો મોડી રાતે તાપણું કરીને બેઠા હતા. માથે આકાશના વિરાટ ચંદરવામાં અસંખ્ય તારા ટમટમી રહ્યા હતા. ધ્યાનનો પ્રારંભ થયો. એ રાતે યુવાન વિવેકાનંદે ઇસુની કરુણાનો મહિમા કર્યો. એમણે ભાવપૂર્વક માતા મેરીનું સ્મરણ કર્યું. ઇસુ વધસ્તંભ પર મૃત્યુને વર્યા તેની વાત કરી ત્યારે સૌ ગુરુબંધુઓ ભાવસમાધિમાં ડૂબી ગયા. વિવેકાનંદે એ સૌને સંન્યાસ માટે પ્રેરણા આપી. એ હતી નાતાલની રાત.

આ પ્રસંગનું સમાપન કરતાં રોમા રોલાં લખે છે: ‘આ વાત વાંચીને યુરોપમાં કોઇ ગેરસમજ ન થવી જોઇએ. આવું બન્યું તેમાં જોર્ડન નદી ભણી પાછાં વળવાની વાત ન હતી. એમાં તો ગંગા અને જોર્ડનના સંગમની સુગંધ હતી.’ આ ઘટનાની નોંધ રોમા રોલાંના પુસ્તક ‘Life of Ramkrishna’માં વાંચવા મળે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘હું કોઇ એક પંથનો વધારો કરવા નથી આવ્યો.’ રામકૃષ્ણ મિશન આજે જે સેવાકાર્ય કરી રહ્યું છે તેના આરંભમાં સ્વામી વિવેકાનંદનો ઇસુપ્રેમ પ્રગટ થતો દીસે છે. મધર ટેરેસાની જન્મશતાબ્દીના આ વર્ષમાં એક વાત પાકી કરી રાખવાની છે અને તે એ કે ભગવાનને માનવસ્વરૂપે જોવાની મિશનરી દ્રષ્ટિ ન હોય તો સેવાકાર્ય પણ પ્રદૂષિત થાય છે.

‘ભગવાન મૃત્યુ પામ્યો છે,’ એવું તોફાની વિધાન કરનારો ચિંતાક નિત્શે ક્યાંક ‘નવા માનવી’ની વાત કરે છે. નિત્શે કહે છે કે: એ નવો માનવી આપણી વચ્ચે જ હયાત હોય છે, પરંતુ લોકો માટે અદ્રશ્ય હોય છે. ‘નવો માનવી’ બનવા માટે માણસે પેલે પાર જવું (go beyond) પડશે. આ માટે કરવું શું? નિત્શે ત્રણ પ્રશ્નો રજૂ કરે છે: (૧) પેલે પાર જવું એટલે શું? (૨) પેલે પાર જવાનું શરૂ શી રીતે થાય? (૩) પેલે પાર જવામાં ક્યાં પહોંચાય? નિત્શે આગળ વધીને કહે છે કે સામાન્ય માણસ (છેલ્લો માણસ) તો પશુ અને નવા માનવી વચ્ચેના તાણેલા દોરડાના સેતુ જેવો છે. જે છેલ્લો જૂનો માણસ છે, તે તો વેરભાવનાથી ભરેલો છે.

એ છેલ્લો માણસ તે આજનાં આપણે સૌ છીએ. નિત્શે કહે છે: ‘માણસ વેરભાવથી મુક્ત થાય એ જ મારે મન ઊંચી આશા છે.’ વેરભાવ આવે છે ક્યાંથી? એ તો સમય પ્રત્યેની ઘૃણામાંથી એટલે કે ‘it was પ્રત્યેની નફરતમાંથી જન્મે છે. ઇચ્છાશક્તિ (will) ને સમય સામે નફરત હોય છે. આ વાત નિત્શે કરે છે, પણ આપણને ઝટ સમજાતી નથી. ઇસુ ક્રોસ પર ચડ્યા ત્યારે ઇસુના ચિત્તમાં અપાર પીડા પહોંચાડનારા લોકો પ્રત્યે જરા જેટલો પણ વેરભાવ ન હતો.

નિત્શેની વાતના સંદર્ભે આપણે કહી શકીએ કે ઇસુ ‘પેલે પાર’ પહોંચેલા મહામાનવ હતા. નિત્શેની કલ્પનાના ‘નવા માનવી’ ઇસુ આપણા માર્ગદર્શક બની શકે. આપણે (જૂનો) ‘છેલ્લો માણસ’ ભલે હોઇએ, પરંતુ આપણે ‘પેલે પાર’ જવાનું છે. We have to go beyond. એકવીસમી સદીનો આ નૂતન ધર્મ છે: ‘going beyond.’

લિયુ ઝિયાબો જેવા માનવ-અધિકારવાદી ચીની નાગરિકને નોબેલ પારિતોષિક મળ્યું, પરંતુ સ્ટોકહોમ ખાતે જે સમારંભ થયો તેમાં ખુરસી ખાલી રાખવામાં આવી હતી. ચીનના વિકાસ માટે ભારતના વિકાસની સરખામણી ન હોય. ત્યાં માનવી ગુલામ છે. ગમે તેવો નિર્દોષ નાગરિક ચીનમાં ગમે ત્યારે ગુનેગારમાં ખપી જાય છે. શું એ સમારંભમાં ખાલી દેખાતી ખુરસી ખરેખર ખાલી હતી? ના, એ ખુરસી પર સૂક્ષ્મ શરીરે સાક્ષાત્ ઇસુ બેઠા હતા! એમને આપણે વંદન કરીએ.

પાઘડીનો વળ છેડે

સિસ્ટર નિવેદિતા (અમદાવાદની) પોળ સાફ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યાં, પરંતુ એ નિરાશ થયાં નહીં. એક દિવસ સવારના ચાર વાગ્યે એ ઊઠ્યાં. સાવરણી હાથમાં લીધી. બીજા હાથમાં ફાનસ લીધું અને ખૂણેખાંચરેથી ખણી-ખોતરીને આખી પોળ વહાણું વાતામાં તો વાળીને સાફ કરી નાખી… ‘આ ભલી મેડમ આપણો કચરો સાફ કરે છે’ એવી ખબર તરત પડી ગઇ.

આખી પોળના માણસો ત્યાં ભરાઇ ગયા. પુરુષો એમની ક્ષમા માગવા લાગ્યા. સ્ત્રીઓ રોઇ ગઇ અને કેટલાકે એમના હાથમાંથી સાવરણી ખેંચી લઇ જાતે બાકીનો ભાગ વાળી નાખ્યો. તે દિવસથી એ પોળ, દીવાનખાના જેવાં સ્વચ્છ રહે છે તેવી, સાફ રહેવા લાગી. પાસેની પોળના માણસો ઘણી વાર આ પોળ જોવા આવતા.- હરિપ્રસાદ વ્રજરાય દેસાઇ

નોંધ : મો. ક. ગાંધીને તંત્રીપદે છપાતા સાપ્તાહિક ‘નવજીવન’ (૨૮-૯-૧૯૧૯)માં લેખમાં સ્વામી વિવેકાનંદનાં શિષ્યા સિસ્ટર નિવેદિતા અંગે પ્રગટ થયેલી વાત.

- ગુણવંત શાહ

Divya bhasker 26/12/2010