સોમવાર, 3 ઑક્ટોબર, 2011

વૈષ્ણવજન તો તેને રે કહીએ

યાદ  કરો, પરાણે કાનમાં પડતું હોઇને જેના શબ્દો પર ધ્યાન ન અપાતું હોય એવા આ પોપ્યુલર ભજનમાં છુપાયેલા નાગરિક ધર્મને!
* * *
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે
પીડ પરાઇ જાણવી એટલે? સાયકોલોજીની ભાષામાં 'એમ્પથી'. કેવળ અરરરની પીડાનું દર્દ થાય, એ સહાનુભૂતિ. પણ બીજાને જે પીડા થાય એ પોતે પણ એટલી જ અનુભવી શકે, એ એમ્પથી, સમાનુભૂતિ. બીમાર સંતાનને થતું દર્દ મા-બાપના પણ કાળજામાં ઉઠે, પ્રેમિકાનું ડિપ્રેશન પ્રેમીને ઉદાસ બનાવી દે તે! જાહેર જવાબદારીના કામ આવો સંવેદનશીલ માણસ જ ઉપાડી શકે, જે 'પીડ પરાઇ'ને પોતીકી કરી શકે. આવો જ માણસ પરિવારમાં પ્યારો થાય. આ વાત તો જૂગજૂની છે, પણ નવી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ ટાળવા બીજી લીટી મહત્વની છે. બીજાનું ભલું કરવા જતાં , કોઇના દર્દને જીરવવા જતાં જો મનમાં 'મેં એનું આમ કર્યું' એવો ઉપકારભાવ આવ્યો, તો ગયા કામથી! કારણ કે એક તો એમાં બીજાને બદલે ખુદ પર ફોકસ વધવાનું. અને પછી એ અભિમાનમાંથી કોઇ બદલામાં સારૃં વર્તન ન કરે તો અપેક્ષાભંગ થતાં ક્રોધ કાં હતાશામાં શેકાવું પડવાનું! બી ગુડ, ડુ ગુડ... એન્ડ ફરગેટ ઇટ. કરેલા કામોની યાદીનો બાયોડેટા જીવાતી જીંદગીની સાહજીક મોજ કરતાં મોટો નથી હોતો!
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
નો પરમેનન્ટ રિવેન્જ વિથ એનીવન. લોર્ડ વોલ્ડેમોર્ટની જેમ નફરતની આગમાં અંતે જાતે ભસ્મ ન થવું. હેરી પોટરની જેમ બધા સાથે ફ્રેન્ડલી રહેવાનો પ્રયત્ન કરવો. કોઇની પીઠ પાછળ ગાળો દેવાનું કે એની ખટપટ કરી ટાંટિયાખેંચ કરવાનું લુચ્ચાઇ ભરેલું કૃત્ય કરવા કરતાં મોંએ સ્પષ્ટ સત્ય ચોપડાવી દેવું. બધા પોતપોતાના સંજોગો - આવડત- લાયકાત મુજબ જીવે છે. સતત એમની નિંદામાં જ ખોવાયેલ રહેશો તે ખુદના સંજોગો સામે ઝઝુમવાનો, પોતાની લાયકાત કે આવડત  બહેતર બનાવવાનો સમય જ નહિં રહે. કોન્ટ્રોવર્સીમાં પડયા રહેવા કરતાં અમિતાભ જેવા મીઠાબોલા થઇ,  સહુને પ્રેમથી બોલાવવાનો પ્રયત્ન કરવો. વાચ યાને ખુદની વાત, વિચાર,  શબ્દો કોઇનાથી દોરવાયા વિના અંદરથી જે આવે એમ રાખવા. કાછનો એક અર્થ  કચ્છ યાને લંગોટ થાય. મતલબ સેકસ્યુઆલિટીના અર્થમાં પણ છે. બીજો  અર્થ કર્મ, કર્તવ્ય પણ કેટલાક વિદ્વાનો કરે છે. મતલબ અહીં એ જ  પકડવાનો છે કે આપણા શબ્દો, કર્તવ્યો, કે જાતીયતા વિશે લોકો શું  કહેશે એ ટીકાઓથી નિશ્ચલ યાને અલિપ્ત, અનટચ્ડ રહેવું. જૂના જમાનામાં  ભલે કેવળ ડાહ્યું ડાહ્યું બોલવું એવા અર્થઘટનો થતાં હોય, વાત પોલાં  પોપટિયાં બનવાની નરસિંહ નથી કરતા. 'તું રામ સુમર જંગ લડવા દે'ના  અર્થમાં આપણે કોઇના ભરમાવ્યા બોલવામાં કે કશું કરવામાં ન પડવું અને  ટીકા-પ્રશંસાથી આપણા શબ્દો કે કર્તવ્યો દૂષિત ન થાય, તેનું ધ્યાન  રાખવું. ગમે તેની ભાટાઇ કરતા કે જયાં ટેમ્પટેશન દેખાય ત્યાં લાળ  ટપકાવતાં (જેમ કે મલ્લિકાનું પોસ્ટર જોઇ ભંગાર ફિલ્મ જોવા થિયેટરમાં  જવું! કે ચળકતું રેપર જોઇ સાબુ લેવો!) ધસી જનારા નાગરિકો ન બની શકે.
સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

પર-સ્ત્રી તો મહેતાજી- ગાંધીજી પુરૃષ એટલે કહે. સ્ત્રીઓ માટે પર-પુરૃષ. હવે આનો ય પ્રાચીન અર્થ કાઢવા જાવ તો રાસલીલાના માદક વર્ણનો લખવાવાળા નરસિંહને જ ત્યારે ભ્રષ્ટ કહેવાયા હતા. એનું સમર્થન કરવું પડે. ગાંધીજીની નિખાલસ કબૂલાત મુજબ એ પણ લંડનમાં પાના રમવાથી લઇ સરલાદેવી સુધી પર-સ્ત્રીના આકર્ષણમાંથી મુક્ત નહોતા જ. સાયકોલોજીની ભાષામાં એમને ગિલ્ટ હતો એનો. એ બંને તો જવા દો. તો-તો પછી રોમેન્ટિક રાસેશ્વર કૃષ્ણ જ વૈષ્ણવજન ન કહેવાય! ન રાધા-કૃષ્ણ, કાન-ગોપી કે એક સિવાયની કોઇ શ્યામતણી રાણીની વાત કરાય! મુદ્દો કમિટમેન્ટ ફોર લવનો છે. પ્રેમ કરો, એને પરણો પછી વગર કારણે ભરોસો તોડવાનો નહિં! જાત સાથેની વફાદારીનો છે.
માટે, પર-સ્ત્રી એટલે બળાત્કાર. સુપ્રિમ કોર્ટ પણ કહે છે, તેમ પરસ્પરની સંમતિ વિના બળજબરીથી, હિંસા- ધાકધમકી, બ્લેકમેઇલિંગથી બંધાયેલો સંબંધ. પરસ્ત્રી એટલે બિપાશાના પોસ્ટરને લીધે ઘરની આશા પર પાણી ફેરવવું. પરસ્પર ભાવ હોય, એકબીજા માટે લાગણીનું બોન્ડિંગ હોય ત્યાં પરસ્ત્રી કે પરપુરૃષ નથી. કન્સેન્ટિંગ એડલ્ટસ છે. પણ વાત સેકસને નહિં, એના વળગણને છોડવાની છે. ચોવીસે કલાક સેકસ એબ્સેસ્ડ, વિકૃત એડિકટ, સાયકો બનવાની છે. માટે જ આગળની લીટી મહત્વની છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી. સહજ ઉમળકાથી પ્રેમ કરવો, પણ સતત એના જ વિચારોમાં ન રહેવું. નિર્ણયો લેતી વખતે આ મારી વ્હાલી ને આ મારો છોકરો જેવા મમત્વને આડે નહિં લઇ આવવાના. તટસ્થભાવે વિચારવું અને કોઇ બાબતની તૃષ્ણા યાને લાલચ પાછળ પાગલ નહિં બનવાનું. શેરબજારના સટ્ટાખોરો નાગરિક ન બની શકે. ચૂંટણી વખતે સમદ્રષ્ટિને બદલે જ્ઞાાતિવાદી- લાભાલાભની તૃષ્ણામાં દોરવાઇ જાય. બાકી, જૂઠાડા દંભ અને પારકા પૈસા પર નજર બગાડી છેતરપિંડી કે કૌભાંડો કરીને બીજાના હકનું ધન ટેસથી જમી જનારા અંગે ૨૧મી સદીમાં વધુ કંઇ સમજાવવાની જરૃર ખરી? ભારતમાં પરધન જમી જનારો મહાત્મા ગણાય છે, ને દુરાત્માની સઘળી ગાળો ફકત પરસ્ત્રીવાળાને જ ખાવી પડે છે! નાણાંકીય ગોબાચારી ચકચારી ગુનો જ નથી.
મોહ માયા વ્યાપે નહિં જેને, દ્દઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે
વણલોભીને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયોં તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.
તીરથ, રામનામ, કુળ તાર્યા અને એબાઉ ઓલ વૈરાગ્ય જેવો શબ્દ આવે, એટલે આપણે સીધા સંસારત્યાગી બાવા બની જવાનું જ વિચારીએ. એ તો કૃષ્ણ, નરસિંહ કે ગાંધી પણ નહોતા. જરાક, સંસારના સ્પિરિચ્યુઅલ નહિં, સોશ્યલ કોન્ટેકસ્ટમાં સમજીએ. દ્દઢ વૈરાગ્ય એટલે પૂજાપાઠ નહિં, એટલે પોતાના 'ગોલ' માટેની સ્ટેબિલિટી. એટલે રાહુલ દ્રવિડની જેમ રમતા હો ત્યારે એના સિવાય બીજા કોઇ પ્રલોભન પર ધ્યાન ન જાય, એવું અડગ ફોકસ. શાહરૃખ એકટિંગ કરતા કરતાં કેટરીનાના કપડા તરફ જુએ તો ડાયલોગ ભૂલાઇ જાય! ગુસ્સામાં આવીને તડ-ફડ કર્યા પછી ગુસ્સો ઉતરે ત્યારે સંતાપ થાય, અને પાંચ મિનિટની વાત માટે પાંચ વરસ, સોરી કહેવું પડે. કોઇ દંડો લઇને ઉભું ન હોય, માટે રસ્તા પર કચરો ફેંકી દેવો એ કપટ છે. ફકત પોતાના જ ફાયદા માટે બીજાઓને પગથિયાં બનાવી કોર્પોરેટ યુઝ કરવો એ લોભ છે. અંગત સ્વાર્થમાં આંધળાભીંત થઇ ચાલાકી કરવી, લોભ છે! કોઇને પૂરા જાણ્યા- સમજ્યા વિના એના પર જજમેન્ટલ બનીને એની જીંદગીમાં દખલગીરી કરવી એ વૈષ્ણવજનનું લક્ષણ નથી. પ્રકૃતિમાં રહેલા પ્રભુની સાથે હાથ મિલાવો પછી, બાકીના દુઃખદર્દ સહન કરવાની તાકાત આવી જશે.
ગાંધીજીના જન્મદિને આ આધુનિક નાગરિક બનવાની દિશામાં એકાદ ડગલું ય ચાલીએ, એથી મોટી ગિફટ કઇ હોય રાષ્ટ્રપિતાને?

ફાસ્ટ ફોરવર્ડ
'દરેક માનવી ચંદ્ર જેવો હોય છે. એની એક કાળી બાજુ હોય છે, જે એ કોઇને બતાવતો નથી!' (માર્ક ટ્વેઇન)

 - જય વસાવડા (સ્પેકટ્રોમીટર 2/10/2011)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો