શુક્રવાર, 23 ઑગસ્ટ, 2019

સખ્યં મધુરમ્: માધવની મૈત્રીના ગ્લોબલ ફ્રેન્ડશિપ ફન્ડા


કૃષ્ણચરિત્રમાં આ જ જાદૂ છે. બધા એને ભરપૂર પ્રેમ કરે. એ આમ તો રાગદ્વેષથી પર એવું વિરાટ ચૈતન્ય એટલે મોહ ન કરે, પણ એ મુરલીધર પ્રેમપૂર્ણ એટલો છે કે, દરેકને એવો ભાસ થાય કે એની પ્રેમલહરમાં પોતે તરબોળ થઈને ભીંજાય છે




















है सबका खु़दा सब तुझ पे फ़िदा 
अल्लाहो ग़नी अल्लाहो ग़नी 

हे कृष्ण कन्हैयानंद लला! 
अल्लाहो ग़नीअल्लाहो ग़नी 

इसरारे हक़ीक़त यों खोले
तोहीद के वह मोती रोले 
सब कहने लगे  सल्ले अला 
अल्लाहो ग़नीअल्लाहो ग़नी 

सरसब्ज हुए वीरानए दिल
इस में हुआ जब तू दाखिल
गुलज़ार खिला सहरा-सहरा
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

फिर तुझसे तजल्ली ज़ार हुई
दुनिया कहती तीरो तार हुई
 जल्वा फ़रोजे बज़्मे-हुदा
 सल्ले अला
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

मुट्ठी भर चावल के बदले
दुख दर्द सुदामा के दूर किए
पल भर में बना क़तरा दरिया
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

जब तुझसे मिला ख़ुद को भ्ला
हैरान हूं मैं इंसा कि खु़दा
मैं यह भी हुआमैं वह भी हुआ
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

खुर्शीद में जल्वा चांद में भी
हर गुल में तेरे रुख़सार की बू
घूंघट जो खुला सखियों ने कहा
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

दिलदार ग्वालोंबालों का
और सारे दुनियांदारों का
सूरत में नबी सीरत में खु़दा
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

इस हुस्ने अमल के सालिक ने
इस दस्तो जबलए के मालिक ने
कोहसार लिया उंगली पे उठा
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

मन मोहनी सूरत वाला था
 गोरा था  काला था
जिस रंग में चाहा देख लिया
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी

तालिब है तेरी रहमत का
बन्दए नाचीज़ नज़ीर तेरा
तू बहरे करम है नंद लला
 सल्ले अला,
अल्लाहो ग़नीअल्लाहो ग़नी 

૧૮ મી સદીમાં લખાયેલું આ હિન્દુસ્તાની ઉર્દૂ શાયર નઝીર અકબરાબાદીનું આલાતરીન કૃષ્ણકાવ્ય છે. ઘણા શબ્દો અટપટા લાગે, તો ય ઝટ ગમી જાય એવું છે. અઘરા લાગે એ શબ્દો માટે ઉર્દૂનો ક્રેશ કોર્સ કરી લઈએ. સલ્લે અલા ઈસ્લામમાં ડિવાઈન બ્લેસિંગ્સ માટેનો માનસૂચક શબ્દ છે. ગની એટલે નિઃસ્પૃહ. અનાસક્ત અલ્લાહ-ઈશ્વર. ડિટેચ્ડ, બેપરવાહ, સ્થિતપ્રજ્ઞા.

ઈસરાર એટલે ભેદ, તૌહીદ એટલે એકેશ્વરવાદ (બહુ ભગવાનોને કેવળ એકમાં માનવું તે), ગુલઝાર એટલે બગીચો, સહરા-સહરા એટલે જંગલ-જંગલ, તઝલ્લી એટલે ગેબી દેવતાઈ પ્રકાશ, નૂર, જાર યાને ભરપૂર, ફેરોઝે એટલે રોશન કરવાવાળા, બઝ્મે હુદા એટલે સચ્ચાઈની મહેફિલ, સત્યનો ઉત્સવ, ખુરશીદ યાને સૂરજ, રૂખસાર મતલબ ગાલ, નબી યાને પયગમ્બર, સીરત અર્થાત સ્વભાવ, અમય મતલબ કામ, સાલિક અર્થાત સાધક, દસતો જબબએ યાને પહાડ અને જંગલ, કોહસાર મતલબ પર્વત, તાલિબ એટલે ઈચ્છુક અને બહરેકરમ એટલે દયાના સાગર.
હવે કૂદાવી દીધેલી રચના ફરીથી વાંચો. આ કોઈ કવિતા નથી, આ તો ભારતીયતાની સુગંધનો દસ્તાવેજ છે. કેવું અદ્ભુત છે કૃષ્ણનું ચૈતન્ય, જે મઝહબની વાડાબંધીને પાર પણ ભુવનમોહિની બંસરીના સૂર રેલાવી શકે છે! આજના ઘણા અધૂરિયા ધર્મજડસુઓ માને છે કે ઈસ્લામમાં બીજાની ભક્તિ ન થાય, અલ્લાહ સાથે કોઈ સરખામણી ન હોય. આજે આ રચના લખાઈ હોત તો કદાચ નઝીર અકબરાબાદીએ અન્ડરગ્રાઉન્ડ થઈ જવું પડે એવું ટ્રોલિંગ થયું હોત! આ છે સેક્યુલરિઝમ શબ્દ ય નહોતો સાંભળ્યો ત્યારે સાંસ્કૃતિક મિલનથી એથી ય આગળ વધેલું હિન્દુસ્તાન. હિન્દુ અને મુસ્લિમ જેવી બે સાવ અલગ અને ભાગલામાં પરિણમે એવી નફરત સુધી પહોંચી ગયેલી આસ્થા વચ્ચે ય કેવી ફાઈન ફ્રેન્ડશિપ થઈ શકે, એનો જીવતોજાગતો સબૂત. બેઉ પક્ષે રહેલા વોટ્સએપ વિષવિદ્યાલયના અભણ અજ્ઞાાની એવા કટ્ટરવાદીઓને ગાલે પડેલો સણસણતો સટ્ટાક તમાચો છે. પણ કૃષ્ણનો છે ને એટલે એમાં બાંસુરીની તાનની મીઠાશ છે.
અને કેવો જાદૂ કિશનકન્હૈયાનો! કવિ મદહોશ થઈને એને સૂરતમાં નબી પણ સીરતમાં ખુદા કહી દે છે! સબકા ખુદા કહીને ખુદને નાચીઝ કહી દે છે! જગતમાં ક્યાંય ઈસ્લામ આમ અન્ય ધર્મ તરફ ઓગળ્યો નથી. આ કમાલ ભારતવર્ષનો છે. એના અનેકાન્તવાદનો, એની વિશ્વવ્યાપી સર્વસમાવેશક માનવતાનો છે. કૃષ્ણચરિત્રમાં આ જ જાદૂ છે. બધા એને ભરપૂર પ્રેમ કરે. એ આમ તો રાગદ્વેષથી પર એવું વિરાટ ચૈતન્ય એટલે મોહ ન કરે, પણ એ મુરલીધર પ્રેમપૂર્ણ એટલો છે કે, દરેકને એવો ભાસ થાય કે એની પ્રેમલહરમાં પોતે તરબોળ થઈને ભીંજાય છે. જેની સમક્ષ તનમન હારવું ગમે એ જ હરિ!
અને નઝીરસાહેબ આ કૃષ્ણગુણાનુવાદમાં ય કૃષ્ણ-સુદામાની દોસ્તી ભૂલ્યા નથી. આમ તો મહાભારતમાં મૈત્રીના ડાર્ક શેડ્સ છે. ગ્રે એરિયા છે. કુરૂક્ષેત્ર પર એના ઓછાયા છે. એક દોસ્તી દ્રુપદ અને દ્રોણની છે. એક રાજા છે, બીજો વિદ્વાન પણ દરિદ્ર શિક્ષક છે. પોતાના દીકરા અશ્વત્થામાને પત્ની કૃપી દૂધના અભાવે ચોખાના લોટનું પાણી પીવડાવે છે, એ જોઈ દ્રોણ મિત્ર રાજવી દ્રુપદ પાસે ગાય માંગવા જાય છે. બિઝી અને પાવરફુલ બનેલ દ્રુપદ ભૂતકાળની યારીદોસ્તારીની ગોઠડી ભૂલીને જૂના મિત્રની ઉપેક્ષા કરે છે. ફરિયાદ કરતાં એને હડધૂત અપમાનિત કરે છે.
ગિન્નાયેલા દ્રોણાચાર્ય દ્રુપદને પાઠ શીખવાડવા ગાંઠ મારે છે. એટલે હસ્તિનાપુર રાજ્યમાં આશ્રય લઈને શિષ્યો પાસેથી ગુરૂદક્ષિણામાં દ્રુપદનો પરાજય માગે છે. એ જ દ્રુપદની દીકરી દ્રૌપદી કુરૂક્ષેત્રનું એક કારણ બને છે, અને એના દીકરા દ્યુષ્ટદ્યુમ્નના હાથે જ દ્રોણવધ થાય છે! મૈત્રીનો પાયો અપેક્ષા હોય, ત્યાં ઉપેક્ષામાં અપમાન અને આચરણમાં ગુમાન ખૂંચે જ.

દેખાડી દેવાની ભાવના, બદલો લેવાની ભાવનામાં પ્રગટેલી આગમાં ખુદે ખાક થઈ જવું પડે. દુર્યોધન કર્ણની કદરરૂપે રાજ્ય આપે અને ઉપકારવશ કર્ણ આજીવન દુર્યોધનના પક્ષે જીવ અને ઐશ્વર્ય સિંહાસનના ભોગે ય લડે, એમાં ય ક્યાંક કોઈક ગણતરીથી થયેલી શરૂઆત છે. અલબત્ત, એ વધુ ઉદાત્ત છે કારણ કે શરૂઆતનું પહેલું પગથિયું સ્વાર્થ હોય એ માનવસહજ છે, પણ છેલ્લું પગથિયું ય સ્વાર્થ હોય તો એ દોસ્તી ટકતી નથી, એનો અંત દગામાં આવે છે!
ગુજરાતી ભાષાને 'મિત્રઘાત' જેવો શબ્દ આપનાર ચંદ્રકાંત બક્ષીનું દિલદાર ક્વૉટ છે: ''જગતનો સૌથી હોશિયાર પુરૂષ કે સૌથી સ્વરૂપવાન સ્ત્રી આપણી ઘનિષ્ઠતમ મિત્ર નથી. મારા જેટલો જ મૂર્ખ, ખરાબ, હિંમતવાન કે બેહિંમત, દિલદાર કે બેદિલ, ખુશહાલ કે મનહૂસ માણસ જ મારો મિત્ર બની શકે. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે, અને કુર્તાના ખિસ્સામાંથી બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે!''
આ હતી કૃષ્ણ-સુદામાની ફ્રેન્ડશિપ. વારંવાર મળવાનું નહોતું. સામાજીક દરજ્જાનો ગેપ હતો. પણ એમાં કહ્યા વગર સઘળું સમજી જતાં સગપણનું ગળપણ હતું. ખાલી હાથે કેમ જવાનો સુદામાનો ભાવ, અને તાંદૂલની પોટલી જોઈ મિત્રની મુશ્કેલી પારખવાનો શ્યામસુંદરનો સ્વભાવ અને એ અભાવ ઉપકાર જતાવ્યા વિના, સ્વમાનભંગ વિના દૂર કરવાનો પ્રેમભાવ! એટલે જ અર્જુનને ગીતાજ્ઞાાન એ બંધુ, સખા સમજીને મિત્રભાવે 'ડાયલોગ' કરીને આપે છે. બોરિંગ ટીચરની જેમ નહિ! ભલે એ જ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ એકલા જ આવગમનના આ સંસારચક્રનું અંતિમ સત્ય ઉચ્ચારે છે ઃ આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાભૈવ રિપુરાત્મનઃ । માણસ પોતે જ પોતાનો મિત્ર છે, અને પોતે જ પોતાનો શત્રુ છે!
પણ અમદાવાદ વ્યાખ્યાનમાં સેલિબ્રિટી પોલિટિકલ પ્રવક્તા સંબિત પાત્રાએ અદ્ભુત દાર્શનિક વાત કહી હતી ઃ બાંકેબિહારી સ્વરૂપમાં શ્રીકૃષ્ણ એક પગ ઉંચો રાખીને કેમ વાંસળી વગાડે છે? શું બેસીને કે નોર્મલ ટટ્ટાર ઉભા રહીને મુરલી ન વાગે? વાગે જ. પણ સિમ્બોલિક સંદેશ એ છે કે એક ચરણ જમીન પર, દુન્યવી બાબતોમાં રાખો. પણ એક હવામાં યાને કળા, કલ્પના, સાહિત્ય, સર્જકતા, રસિકતાના ક્રિએટિવ ઈમેજીનેશન અને આંતરિક તત્વદર્શનમાં ય રાખો. માણસે આ બેઉ પરિમાણ/ડાયમેન્શનમાં રહેવાનું છે!
તો આ કૃષ્ણ પાસેથી કયા ફ્રેન્ડશિપ ફન્ડા આપણને મળે, આધુનિક સમયમાં? એ ય દેશ-ધર્મની ઉપરવટ યુનિવર્સલ?













(૧) શેરિંગ-કેરિંગ: ગોવર્ધન પર્વત ઉંચક્યો કૃષ્ણએ એમની એકલી ટચલી આંગળીએ. બધું વજન એકલા લીધું. પણ એકલા ઉભા ન રહ્યા. ગોપાલે બધા જ ગોવાળિયાઓને ય લાકડીના ટેકાની તક આપવાનો ભ્રમ આપીને ય જોડે લીધા! ધેટ્સ ફ્રેન્ડશિપ. અલ્ટીમેટલી, કંપની ગમે કોઈની. તો એની સાથે પોતાની શક્તિઓ-ખુશી શેર કરવાની. સામેથી બોલાવીને ભાગ આપવાનો. અને સંભાળ લેવાની. 
કાલીનાગ પાસે દડો ગયો, ત્યારે મિત્રોને જોખમમાં મૂકવાને બદલે કૃષ્ણ આગળ રહ્યા. એ ફ્રેન્ડ શું કામના જે ક્રાઈસીસમાં આપણા પ્રોટેક્ટર ન બને?
(૨) કોમ્યુનિકેશન: કૃષ્ણ સર્વજ્ઞા છે. ત્રિલોક-ત્રિકાલ જાણે છે. છતાં વાતો કરે છે. અને કાયમ 'થ્રીચિંગ મોડ'માં રહીને શિખામણો નથી આપતા. એ વાતો કરે છે પ્રેમભરી, મસ્તીભરી. નટખટ નંદકિશોર યુ નો. ડાયલોગ કરે છે. મિત્રો સાથે અસહમત થઈ શકાય. એને સવાલ પૂછી શકાય. ફેરવી ફેરવીને. અધરાત-મધરાતે પણ. કૃષ્ણ ગીતા 'સંભળાવી' નથી દેતા.

એ અર્જુનને સખ્યભાવે 'સમજાવી' દે છે. ઉદાહરણ આપીને, એનો કોન્ફિડન્સ બૂસ્ટ કરીને અને એના સવાલોના સસ્મિત શાંતિથી જવાબો આપીને. વર્બલ ઉપરાંત નોનવર્બલ કોમ્યુનિકેશન કરે. ગોપીઓ સાથે નાચે. વાંસળી વગાડે. વ્હાલથી ભેટે. માખણ ચોરે. ભાગે. ધમાલ મચાવી દે. અને પ્રેમથી છલોછલ સ્પર્શ પણ કરે. હગ્સ. આ લિંક તૂટી જાય તો ફ્રેન્ડસ ખાલી સેવ્ડ ફોટો ફોલ્ડરમાં જ રહી જાય!
(૩) સપોર્ટ: કૃષ્ણે જેની સાથે ભાવ રાખ્યો છે, એના ટેકામાં સરેઆમ ઉભા રહ્યા છે. અર્જુનને સુભદ્રા સાથે પ્રેમ થયો, તો બલરામની સામે જઈને ય સખા સહિયારા એવા અર્જુનને ટેકો કર્યો, એનો પોતાના સગાસંબંધીઓ સામે બચાવ કર્યો! ખાંડવદહન કામ ઇન્દ્રપ્રસ્થનું, પાંડવોનું હતું. પણ પોતાનું ઘર છોડીને એમાં મદદ કરવા અને માર્ગદર્શન આપવા કૃષ્ણ ગયા.

આપણને કામ પડે ને દોડીને આવી ન શકે, એ મિત્ર ઘસીને ગુમડે ચોપડવાનો? ઘરમાં વરસાદના પાણી ભરાયા હોય ને ઘરવખરી ગોઠવવાની હોય કે બ્લડટેસ્ટ કરાવવા જવાનું હોય, ત્યારે જેની પાસે ટાઈમ નથી, એવા મિત્રો પ્રાઈમ નથી. અને સપોર્ટ એટલે રણમેદાનમાં જીવનું જોખમ હોય ત્યાં પણ. અનકન્ડીશનલ એન્ડ ટોટલ. સુદામાની ગરીબાઈ હોય કે દ્રૌેપદીનો ગુસ્સો. કૃષ્ણ કદી માઠું લગાવ્યા વિના પ્રોબ્લેમ સોલ્વ કરે. અર્જુનનો જુસ્સો મોટિવેટ કરી વધારે, મામા શલ્યે કર્ણનો ઘટાડેલો એવું દોસ્તીમાં કૃષ્ણ ન કરે. એટલે એમનું સખ્ય મધુર લાગે. સકારાત્મક!
(૪) બીએફ-જીએફ: વિજાતીય મૈત્રી. એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહિ હો સકતે, એ વાક્યનો ભારતીય પરંપરામાં અધિકારપૂર્વક કૃષ્ણ છેદ ઉડાડી દે છે. બધી ગોપીઓ સાથે રોમેન્ટિક રિશ્તા નથી. પણ દોસ્તી છે. રાધાની આઠ સખીઓના ય પુરાણોમાં નામ છે. લલિતા, વિશાખા, રંગદેવી, ચિત્રા, ઇંન્દ્રલેખા, ચંપકલતા, સુદેવી, તુંગવિદ્યા.

કૃષ્ણને એમની સાથે ય મસ્તીમજાકનો સખ્યભાવ છે. રૂઠેલી રાધિકાને મનાવવા એમને કહે છે. દ્રૌપદી યાને 'કૃષ્ણા' એ બહેન નથી, પ્રિયા-પત્ની નથી. પણ ક્લોઝ બડી ગણાય એવી બીએફએફ બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર છે. ઈન્ટીમસી એવી છે કે ખભે માથું ઢાળી વ્યથા વર્ણવી શકાય. કૃષ્ણે ધરમના ભાઈ-બેન બનાવવાના દેશમાં આ ક્રાંતિકારી ચીલો ચાતર્યો છે.

કોઈ છોકરી તમને ભાઈ-ભાઈ કહે કે તમે એને બેન-બેન કરો, એ રિસ્પેક્ટ કરતા વધુ સામાના મનમાં ડર બતાવે છે. એટલે એ લાઈન દોરે છે. કોઈ રાવણ હોય ત્યાં લક્ષ્મણરેખા જરૂર દોરો, પણ બાકી કૃષ્ણની જેમ ફર્સ્ટ નેમથી, વ્હાલના તુંકારે બોલાવી શકાય. ઇટ્સ નોર્મલ, ઇટ્સ નેચરલ. એમાં નવીનવાઈ નથી, સહજતાનું સૌંદર્ય અને આત્મીયતાનો આનંદ છે. બેન બેન બહુ કરો તો ટીચર જેવું લાગે ને ભાઈ-ભાઈ કરો તો માફિયા ડોન જેવું ભાસે. બી જસ્ટ ફ્રેન્ડસ. સખા-સખી.
(૫) એક્સેપ્ટન્સ: સ્વીકાર. સંપૂર્ણ સ્વીકાર. જેને ભાઈબંધ કે બેનપણી માનો, એની કોઈ નબળાઈ કે ખામી એના ખુદના જીવનવિકાસ કે સુખમાં બાધારૂપ હો તો ફ્રેન્ડ તરીકે જરૂર ટકોર કરો. પણ એને પબ્લિકલી ઉતારી ન પાડો. સામાન્ય ભેદ તો બધે હોવાના. એવરીવન ઈઝ ડિફરન્ટ. એટલે કંઈ ભાવ ઘટાડી ન દેવાય. કૃષ્ણે કુબ્જા જેવી ખૂંધ નીકળેલી કુરૂપ સ્ત્રીને ભેટીને એને સુંદર બનાવી હોવાની વાત છે. એમાં ચમત્કાર કરતાં સ્વીકારનો જાદૂ વધુ છે. સતત રીજેક્ટ થયેલા કોઈને મૈત્રીભાવથી વ્હાલ કરો, વખાણ કરીને ભેટો તો એને જ અંદરથી અપૂર્વ સુંદરતાનો અનુભવ થાય! ધેટ્સ ક્રિષ્નાથેરાપી.

બધાને ઊંચ-નીચ, શેઠ-નોકર, સ્ત્રી-પુરૂષ, અમીર-ગરીબ વિના સ્વીકારીને પ્રેમરસાયણમાં પરોવી દો. એમને જ કોઈનો આવો સ્નેહ મળે, ત્યારે અંદર અજવાળું થતાં સારું લાગતું હોય છે. પ્રસન્ન માણસને પોઝિટિવ વાયબ્રેશન મળે છે, ને એ ફેલાવે પણ છે. કૃષ્ણ આમ એકાંતપ્રિય છે, નિજાનંદી છે. છતાં બીજાઓને હડસેલી તોછડાઈથી તરછોડતા નથી. એમને સ્વીકારે છે, જેવા હોય એવા ટોટાલિટીમાં. પછી સુધાર આપોઆપ થવા લાગે. વનવાસી જાંબુવતી કે અસુરપુત્રી ઉષાય કૃષ્ણવર્તુળમાં સ્વાગત પામે છે. લર્ન સ્માઈલ. કૃષ્ણસ્મિત. મંદ, મૃદુ છતાં મનોરમ, મક્કમ.
(૬) ફિલ્ટર્સ: કૃષ્ણ માણસપારખુ છે. મોટે ભાગે પરખ કરીને મૌન રહે છે. એવી ઘડી ન આવે, ત્યાં સુધી હૈયું ખોલતા નથી. આદર આવકાર મનોમન શત્રુ લાગે, એમના માટે ય અકબંધ રાખે છે. પણ એમને કોને નજીક આવવા દેવા છે, એની ખબર છે. દુર્યોધનને છેલ્લે ય મનાવવા જાય, કર્ણને ખાનગીમાં મળે. સામી છાવણીમાં ય વિદૂર, ભીષ્મ સાથે સંપર્ક રાખે.

પણ રથ તો અર્જુનનો ચલાવે. શિશુપાલને સો નેગેટિવ કોમેન્ટનો ચાન્સ આપી પછી બ્લોક કરે. અને કૃષ્ણ બરાબર જાણે છે કે ક્યારે કંટ્રોલ કરી કોઈ મિત્રને વારવાના છે, અને ક્યારે જુસ્સો વધારી કોઈને પાનો ચડાવવાનો છે. કૃષ્ણપ્રીતિમાં એટલે જ કોઈને અન્યાય નથી. સર્વનો સમાવેશ છે. પણ નરસિંહ-મીરાં મહાપ્રભુ વગેરેની ભક્તિ એ પોંખે છે!
(૭) ગ્રોથ: જેમ સમય જાય એમ કૃષ્ણ વૃદ્ધિ પામે છે કેવળ વૃદ્ધ જ નથી થતાં. એમની મૈત્રી મુક્ત છે, આસક્ત નથી. એ પ્રેમ કરે, સંબંધ બાંધે, પણ ડિટેચ્ડ રહીને. હોય ત્યારે પુરું આપે, પણ સમય આવ્યે ગોકુળ-વૃંદાવન-મથુરા બધું છોડી શકે. પછી પાછું ફરી ન જુએ. સ્વજનો સાથે ય યાદવાસ્થળી કરી શકે. એમને ય એમના સ્વજનો તરફથી દુઃખ હતું.

મહાભારતના શાંતિપર્વમાં કૃષ્ણ નારદ સાથેની વાતમાં જે અલ્ટીમેટ ફ્રેન્ડશિપ ટિપ આપે છે, એનું રિવિઝન કરવા જેવું છે: 'જે સુહૃદય યાને લાગણીશીલ દિલવાળો ન હોય, સુહૃદય હોય પણ પંડિત (જ્ઞાાની, સમજદાર ન હોય, અને પંડિત હોય પણ આત્મીય, દ્રઢ યાને મનને નિયંત્રણમાં રાખનારો વિશ્વાસપાત્ર ન હોય એવા મિત્રને દુઃખ કે આવેશ કે ઉત્સાહમાં ય ગુપ્તવાત ન કહેવી!' પામવા જેટલું જ અગત્યનું છે, સમયસર છોડવું. કૃષ્ણ બધે છે, છતાં ક્યાંય નથી. નિજમસ્ત છે. ખુદમુખ્તાર છે. મિત્રો ગમે છે, પણ મિત્રો પર જ આધારિત નથી રહેતા!
વેલ રીડરબિરાદર, મોહનનું આ મૈત્રીમેઘધનુષ એવું તો સોહામણું છે, કે એમના તો લવ એન્ડ મેરેજમાં ય પહેલા ફ્રેન્ડશિપ છે. રાધા હોય કે રૂકિમણી !
ઝિંગ થિંગ
દિલમાં મઢીને રાખજે સરનામું દોસ્તનું,
કાશી-મથુરા માનજે સરનામું દોસ્તનું.

ઘરથી વિશાળ લાગશે સરનામું દોસ્તનું,
કપરી પળે તું માપજે સરનામું દોસ્તનું.

થોડાક શ્વાસ પાછા દેવા પડે તો દેજે,
પણ ઈશ કને માંગજે સરનામું દોસ્તનું.

સોનાની ખાણ અંગે સ્નેહીજનો પૂછે તો,
હળવેકથી જણાવજે સરનામું દોસ્તનું.

તું હો ઉદાસ ત્યારે ગઝલો ''મધુ''ની છોડી,
દિલ દઈને ગુનગુનાવજે સરનામું દોસ્તનું.

(મધુસૂદન પટેલ ''મધુ'')

- અનાવૃત - જય વસાવડા .

( સાભાર ગુજરાત સમાચાર ,૨૨/૦૮/૨૦૧૯ બુધવાર શતદલ પૂર્તિ )

રવિવાર, 18 ઑગસ્ટ, 2019

તું કૌરવ, તું પાંડવ :મનવા !

‘તું કૌરવ, તું પાંડવ :મનવા !તું રાવણ, તું રામ !
હૈયાના આ કુરૂક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

કદી હાર કે જીત : કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ અચિંતુ સંવાદી સંગીત,

ભીષણ તું તાંડવમાં : મંજુલ લાસ્ય મહીં અભિરામ ;
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ, તું રામ !

ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ ;
તું તારૂં છે બંધન, મનવા ! તું તારું નિર્વાણ !

તું તારો શત્રુ ને બાંધવ : તું ઉજ્જવલ : તું શ્યામ !
તું કૌરવ, તું પાંડવ : તું રાવણ, તું રામ !'

- સુરેશ દલાલ.