ગુરુવાર, 24 માર્ચ, 2011

કલાપી કવિ હતા કે સ્નેહી?

મારા પ્રિય લેખક ગુણવંત છો. શાહ નો કલાપી વિષે ૩ ભાગમાં બહુ સરસ લેખ તબક્કા વાર મુકું છું.

ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

network-27.JPG કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે.

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘...ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.


ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.


સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.


લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.


તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)


આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.


આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.


પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય.

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.


સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.

સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.


સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.

તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.


છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.
 
જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
- ગુણવંત છો. શાહ

આપની યાદી

જ્યાં જ્યાં નઝર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને!

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્શાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બઘું.

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

- કલાપી

2 ટિપ્પણીઓ:

  1. ⛅છંદ - પૃથ્વિ કવિ કલાપીની યાદ માં⛅

    પ્રસુન વરસાવશું ચમનમાં તમે આવજો ,
    શશાંક પર છો,વસો પવન વેગથી આવજો

    વસંત વરસાવતી તડપ પ્રેમની રાત-દિ,
    અષાઢ ગરજે હવે ચરણ માંડવા આવજો

    ચકોર અમને કહો નિરખશું તમોને સદા ,
    મયંક પરથી મને નિરખવા તમે આવજો

    સુગંધ ધરતી મથે 'નિર્મલ'આપની વેદના
    મયૂર વરસાદને તડપ આપની આવજો.
    ������������ - નિર્મલ ભાવસાર -

    જવાબ આપોકાઢી નાખો
  2. પર્વતોને ભેદી ને પાર ન જઈ શકાયુ ,
    હિરણ્ય રસ નુ પાન ન કરી શકાયું .

    મરુતોરૂપિ અશ્વ પર થયો હું અશ્વાર,
    પૃથ્વી માં જળનુ સિંચન ન કરી શકાયું.

    ચોવીસ એ તત્વો પચ્ચીસમો હું પુરુષ,
    પ્રકૃતિનુ આવરણ નિવારી ન શકાયું.

    અંતરની સૌ આસ અધુરી રહી ગઈ
    હિરણ્યગર્ભનું ભેદ જાણી ન શકાયું

    અંતરીક્ષ માંથી ઉતરી આવ્યો હું ''નિર્મલ''
    પણ સ્વ થી દુર ક્યાંય જઈ ન શકાયું.
    - નિર્લમ ભાવસાર

    જવાબ આપોકાઢી નાખો