શનિવાર, 19 માર્ચ, 2011

રાજેન્દ્ર શુક્લ

પરિચય:રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.

તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. 

 

પોત અલગ છે!

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

- રાજેન્દ્ર શુક્લ

 
તું ય છે સાવ સમીપે,
મંજુ મંજુ પદરવ છલકે છે

મસ્ત મળ્યાં તો મસ્તી જ મસ્તી,
રોમ રોમ આસવ છલકે છે

તારું ય એશ્વર્ય અનેરું,
મારો ય વૈભવ છલકે છે.

લંબાયેલો હાથ ગ્રહી લે,
ચાલ  બતાવું,  ભવ છલકે છે. 
 
 - રાજેન્દ્ર શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો