સોમવાર, 14 માર્ચ, 2011

રાજનીતિની અનીતિ

નાના કે મોટા તમામ રાજનેતા એક ચોક્કસ પ્રકારનો નશો કરે છે. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે. આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી.

સાંભળ્યું છે કે હિટલરે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર લખ્યું હતું: ટ્રુથ ઇઝ ધ ઓનલી લો, અર્થાત્ સત્ય એક માત્ર નિયમ છે. હિટલરને ત્યાં એનો મિત્ર આવીને રહ્યો હતો. એણે હિટલરને પૂછ્યું કે આવું શા માટે લખ્યું છે? તે પોતે આ નિયમને માન્ય રાખ્યો છે? તું ખુદ આ સત્યનું કેટલું પાલન કરે છે?

તમે જાણો છો, હિટલરે શું જવાબ આપ્યો? એણે કહ્યું: હું તારી સામે જૂઠું નહીં બોલું, બલકે વ્યવહારુ સત્ય સમજાવીશ. હું સત્યને એકમાત્ર નિયમ નથી માનતો, પણ જેણે જૂઠ્ઠું બોલવાનું હોય છે એણે આ જાહેરાત કરવી પડે છે કે સત્ય જ કેવળ એકમાત્ર નિયમ છે. આ રાજનીતિનો નિયમ છે. એનું હું પાલન કરું છું. આ દુનિયામાં રાજનીતિમાં નીતિ ભાગ્યે જ હોય છે. વ્યવહારુ ધોરણે રાજનીતિ હંમેશાં અનીતિ પર જ આધારિત છે, પણ જાહેરાત તો હંમેશાં નીતિની જ કરવી પડે. આ જાહેરાતોના આધાર પર તો રાજનેતાઓની પસંદગી કરાય છે. જે રાજનેતા નીતિની જાહેરાત કરવામાં જેટલો વધુ કુશળ અને પ્રભાવશાળી રહે છે, એટલો જ તે વધુ સફળ થાય છે.

રાજનેતા ગમે તેટલું ખોટુ આચરણ કે અનીતિથી ભરેલું જીવન જીવતો હોય છતાં કયાંક ને કયાંક તો એણે સત્ય ઉચ્ચારવું જ પડે છે. પોતાનું હૃદય ખોલવું જ પડે છે. હિટલરે પણ એના મિત્ર આગળ સત્ય બોલવું પડ્યું. આ રાજનેતાઓ શરાબનો નશો કરતા હોય કે નહીં તેની ખબર નથી, પણ બીજો એક નશો ચોક્કસ કરે છે. પછી ભલેને એ હિટલર જેવો રાજનેતા હોય કે કોઇ નાના-મોટા પ્રાંતનો આગેવાન. એ છે, પદનો નશો, પદનો મદ. આ નશો જ એમની પાસે બધું કરાવે છે. આ નશાના મોહમાં જ સત્યના નામે અનેક અસત્યો ઉચ્ચારાય છે.

આ નશામાં જ અનેક હત્યાઓ પણ કરાવી દેવાય છે અને તેમ છતાં કોઇ ગ્લાનિ નથી રહેતી. જોવા જઇએ તો હિટલર એકદમ પવિત્ર આત્મા હતો. દારૂ નહોતો પીતો, માંસ નહોતો ખાતો. શુદ્ધ શાકાહારી હતો. બીડી-સિગારેટને પણ નહોતો અડતો. સવારના બ્રાહ્મમુહૂર્તમાં જાગી જતો. આત્મગૌરવથી જીવતો હતો. એક યોગીનું હોય એવું જ અનુકરણીય એનું જીવન હતું. કઠોર જીવન જીવનારને નશાની સખત જરૂર પડે છે. અને એણે બીજો કોઇ નશો નહીં, ફક્ત પદનો નશો જીવ્યો. આ પદના નશામાં એણે એક બુદ્ધિમાન કોમની બુદ્ધિને પૂરેપૂરી ભ્રષ્ટ કરવામાં મોટી સફળતા મેળવી.

લાખો યહૂદીઓની હત્યા કરી શક્યો અને છતાં એને એનું દુ:ખ ન થયું! તમે કોઇ બેકસૂર વ્યક્તિની હિંસા કરો, અરે, કોઇ નિર્દોષને ફકત થપ્પડ પણ મારી દો તો ય તમને દુ:ખ થાય છે, પસ્તાવો થાય છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ માનવીય છે... પણ હિટલર જેવા લોકો લાખો નિર્દોષોને મરાવી દે છે. નાના-મોટા રાજનેતા ઓછી-વત્તી સંખ્યામાં આવું કૃત્ય કરે છે. એમને કોઇ પણ પ્રકારનો કોઇ અફસોસ નથી થતો. આ છે પદનો નશો!

રાજનીતિમાં ફક્ત રાજનીતિનો નશો હોત તો જુદી વાત હતી. વળી રાજનીતિનો આ નશો ધર્મ અને અઘ્યાત્મમાં પણ ખૂબ પ્રચલિત છે. આજે પણ ધર્મને નામે ઘણી રાજનીતિઓ ખેલાય છે. ખૂબ નશો થાય છે. આ થવાનું કારણ છે કે ધર્મમાં રાજનૈતિક વૃત્તિવાળા લોકો મોટી સંખ્યામાં ઘૂસી જાય છે. એમનો ઉદ્દેશ આત્માના કલ્યાણનો નથી હોતો, ઊલટાનું, બીજાનું શોષણ કરવાનો હોય છે. તેઓ ધર્મને નામે લોકોને છૂટા પાડે છે. સંપ્રદાયો ઊભા કરે છે અને લડાવી મારે છે. તેઓ મનુષ્યને સાર્વભૌમ ધાર્મિકતાનું શિક્ષણ નથી આપતા. એને બદલે હિંદુ, મુસલમાન, બૌદ્ધ, જૈન તથા એનાથી પણ નાની નાની જાતિઓની નીતિનું શિક્ષણ આપે છે. આ જ અત્યારસુધીની જૂની નૈતિકતા રહી છે.

ઓશો એક નવી નૈતિકતા સ્થાપે છે : એક નવી નૈતિકતા બીજી રીતે વિકસશે. જૂની નૈતિકતા સ્થાનિક હતી. નવી નૈતિકતા આંખ ખોલનારી હશે. યુનિવર્સલ હશે. જૂની નૈતિકતા કહેતી કે આ તમારી ચામડી છે - તારી કાળી, મારી ગોરી. હું અલગ છું, તું અલગ છે. તું હિંદુ છે, હું મુસલમાન છું. નવી નૈતિકતા કહેશે મનુષ્યમાત્ર એક છે. કોઇ માનવ બીજાથી અલગ નથી. બધા મનુષ્ય એક છે.

માયા, શ્રી માતાજી નિર્મલાદેવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો