ગુરુવાર, 3 માર્ચ, 2011

નેતૃત્વ કેળવી શકાય?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી.

આજથી ૨૩૫૦ વર્ષ પહેલાંની વાત છે. મગધ સામ્રાજ્યના એક નાનકડા ગામડાની સીમમાં કેટલાંક બાળકો ઢોર ચરાવી રહ્યાં હતાં અને રમત રમી રહ્યાં હતાં.

વગડાઉ માર્ગ પરથી પસાર થઇ રહેલો એક બ્રાહ્મણ બાળકોની રમત જોઇને થંભી ગયો. આઠ વર્ષનો એક બાળક રમતમાં રાજા બન્યો હતો. અન્ય ભરવાડ બાળકોને તેણે પોતાના દરબારીઓ અને અરજદારોની ભૂમિકા સોંપી હતી અને પોતે એક પથ્થર પર, જાણે સિંહાસન પર બેઠો હોય તે રીતે બેસીને રાજવીની અદાથી ન્યાય તોળી રહ્યો હતો. આઠ વર્ષના બાળકની પ્રતિભા જોઇને બ્રાહ્મણ દિગ્મુઢ બની ગયો.

બાળકમાં રહેલી નેતૃત્વશક્તિને બ્રાહ્મણ સારી રીતે ઓળખી ગયો. પોતાના ઘ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય માણસ મળી ગયો છે તેની બ્રાહ્મણને જાણે ખાતરી થઇ. ખડતલ દેહ અને લાંબી શિખા ધરાવતો આ તેજસ્વી બ્રાહ્મણ સીધો પેલા બાળકના પિતા પાસે પહોંરયો. બાળકને પોતે લઇ જવા માગે છે એવી દરખાસ્ત મૂકી ત્યારે જાણ થઇ કે બાળક તો અનાથ હતો આ ભરવાડ તેનો પાલક પિતા હતો. ભરવાડે એક હજાર સોનામહોર આપીને બાળક ખરીદી લીધો. આ બ્રાહ્મણ તે ચાણક્ય! પેલું બાળક આગળ જતાં ચંદ્રગુપ્ત મોર્ય બન્યો, જેણે આખાં મગધ સામ્રાજ્યને આખાં હિન્દુસ્તાનનાં સામ્રાજ્ય તરીકે વિસ્તાર્યું...

સુપરસોનિક ઝડપે સફળતા મેળવનાર ઉધોગ-લીડર્સની સકસેસ સ્ટોરીની શ્રેણી વાચકો માટે પ્રેરણારૂપ બની રહી છે. સાથે જ, દરેક હપ્તે વાચકો દ્વારા એક પ્રશ્ન તો ચોક્કસ પુછાય છે: શું હું પણ આ રીતે સફળ બની શકું? જવાબ ‘હા’ જ હોય એ સ્વાભાવિક છે. જયંતીભાઇ ચાંદ્રા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શૈલેશ માકડિયા, કેતન મારવાડી કે ખોડીદાસ પટેલ સહિતના જેટલા સાહસિકોની મુલાકાતો લેવાઇ છે અને આધુનિક મેનેજમેન્ટ થિયરીના આધારે તેમનાં કાર્યોમાંથી મેનેજમેન્ટ ફંડા તારવવામાં આવ્યા છે તેમાં સાવ સામાન્યથી પણ નીચેની આર્થિક સ્થિતિમાંથી આગળ આવવા બદલ બે બાબતો મુખ્ય છે: દિર્ઘદ્રષ્ટિ અને લીડરશિપ કવોલિટી.

દિર્ઘદ્રષ્ટિ કદાચ ઇનસાઇટ છે, પણ લીડરશિપનો ગુણ તો કેળવી શકાય તેવો છે. હવે વિશ્વ એવું નથી કહેતું કે લીડર જન્મે છે, બનતા નથી. લીડર બની શકાય છે, જો જુસ્સાથી મહેનત કરવામાં આવે તો. એ હકીકત છે કે કેટલાક લોકોમાં લીડરશિપનાં ગુણો જન્મજાત અથવા સ્વભાવગત હોય છે. જરા ઝીણી નજરે જોશો તો બધા જ માણસો, જીવનમાં ક્યાંક ને ક્યાંક તો લીડર તરીકે કામ કરે જ છે. શરૂઆતમાં આપણે ચંદ્રગુપ્ત મોર્યની જે દંતકથા જોઇ તેમાં ચાણક્યને બાળકમાં જન્મજાત લીડરશિપનાં ગુણો દેખાયા હતા.

ધનનંદની સામે વેર વાળવા માટે જેને રાજા તરીકે પ્રસ્થાપિત કરી શકાય એવા માણસની ચાણક્યને જરૂર હતી. આ જરૂરિયાત ચંદ્રગુપ્તમાં પૂરી થઇ હતી. ધારી લો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય મળ્યા ન હોત તો? ચંદ્રગુપ્ત કદાચ આટલો મહાન ન બન્યો હોત, પણ તે નિષ્ફળ ભરવાડ પણ ન જ રહ્યો હોત. તેનામાં જે હીર હતું તે તેને આગળ લઇ જ ગયું હોત. આપણે સકસેસ સ્ટોરીમાં જે ઉદાહરણો જોયાં તેમાંના કોઇને ચાણક્ય જેવો પારખુ મળ્યો નહોતો, જેણે હાથ ઝાલીને સફળતા અપાવી હોય. દરેક માણસમાં નેતૃત્વની શક્તિ હોય જ છે, કેટલાક તેનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકે છે.

અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.

સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.

આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.

અહીં ફરી આપણી આસપાસ નજર કરીએ તો સામાન્ય માણસમાંથી જ ઉદાહરણો મળી આવશે. ચાની લારી પર સવારના પહોરમાં ચુસકી મારતા હોઇએ ત્યારે એ નાકકડા ટોળામાં પણ એકાદ માણસ એવો હોય છે જેની વાતો અન્ય ચા-રસિયા ઘ્યાનથી સાંભળતા હોય. તે માણસ પાસે કોઇ પોઝિશનલ પાવર હોતો નથી. પણ, તે પોતાની જાણકારી, ઇન્ફર્મેશન ઇફેકિટવલી પ્રેઝન્ટ કરી રહ્યો હોય છે. આપણામાંના ઘણા પોતાના નાનકડા વર્તુળમાં, ઘરમાં અને મિત્રોની વચ્ચે બહુ જ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકતા હોય છે પણ, બહાર એ જ બાબત એટલી અસરકારકર રીતે રજૂ કરી શકતા નથી.

દરેક પુરુષ પોતાના ઘરમાં લીડર છે, નિણાર્યક છે અને તેની વાતને, બાય ડિફોલ્ટ, ઘ્યાનથી સાંભળવામાં આવે છે. એ લીડરશિપ નથી? ઝૂંપડીમાં રહેતા મજૂરથી માંડીને ઉધોગપતિ સુધીના બધા જ પોતાના ઘરમાં તો લીડર છે જ. તો પછી આ લીડરશિપ બહાર કેમ દેખાતી નથી? કઇ રીતે તેને બહાર લાવી શકાય? આ જાણવા માટે સફળ લીડરના ગુણ કયા હોઇ શકે તેને જાણવા પડે.

કોઇપણ સફળ લીડરનો સૌથી મોટો ગુણ વિઝન છે. વિઝન જેટલું સ્પષ્ટ અને લાંબા ગાળાનું હોય એટલો લીડર વધુ ઇફેકિટવ. આવનારા સમયમાં શું થઇ શકે, કેવી તક આવી શકે અને કેવી સમસ્યાઓ ઊભી થઇ શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપતું વિઝન હોય તો માણસ વધુ સારી રીતે નેતૃત્વ કરી શકે. જે લોકોની પ્રોફાઇલ આપણે સકસેસ સ્ટોરીમાં જોઇ તેમાંના તમામનું વિઝન ક્લીયર હતું. દુનિયા જે તક જોઇ શકતી નહોતી તે તેમણે જોઇ લીધી હતી. અને, એટલે તેઓ સફળ થયા.

સામાન્ય માણસ વિઝનનો ઉપયોગ નથી કરતો. મારા કે તમારામાં વિઝન નથી? તમે ના નહીં પાડી શકો. વિઝન તો છે જ, તેના તરફ ઘ્યાન નથી અપાતું. તેને સ્પષ્ટ નથી કરાતું. તેના માટે મહેનત નથી થતી. ચશ્માં પહેર્યા પછી પણ જો ઝાંખું દેખાતું હોય તો બની શકે કે તમારાં ચશ્માંનાં ગ્લાસ પર ડાઘ લાગી ગયા હોય. નવા ચશ્માં લાવવાને બદલે કાચ સાફ કરી નાખો તો વિઝન કલીયર થઇ જાય. પણ, ડાઘ સાફ કરવાનું જ્ઞાન જરૂરી થવું જરૂરી છે. ડાઘ છે એની જાણ જરૂરી છે અને એ ડાઘ સાફ કરવાની રીત જાણવી જરૂરી છે.

તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.

નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.

ડિયર રિડર, તમે કદાચ પૂછશો કે અમે પણ નિષ્ઠાથી જ કામ કરીએ છીએ છતાં ઇરિછત પરિણામ મળતાં નથી. વેલ, તમારાં કામથી લોકોને સ્પષ્ટ થવું જોઇએ કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે. એટલું જ નહીં, તેમાં તમે તમારો જીવ રેડી રહ્યા છો. જ્યારે બીજાઓને એવી ખાતરી થાય કે તમે સાચા છો, સાચું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. તે તમને પોતાના લીડર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. વિશ્વાસ વગર લીડર ન બની શકાય. અને, આ વિશ્વાસમાં અન્ય લોકો સાથેના તમારા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે.

સંબંધો બાંધવાની કળા લીડરને સફળતા અપાવે છે. નિષ્ઠા, વિશ્વાસ અને સંબંધ જ્યારે એક તાંતણે જોડાય છે ત્યારે અન્યોને અનુસરણ કરવાની ફરજ પડે છે. અને જેને અન્ય અનુસરે છે તે લીડર છે. તમે ફરી ઘરમાં જ જુઓ. જ્યારે તમે વ્યાવહારિક વાતને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવો છો ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને અનુસરે જ છે. કારણ કે તેમને તમારામાં અને તમારી નિષ્ઠામાં શ્રદ્ધા છે અને તમારો તેમની સાથેનો વ્યવહાર એવો છે જેનાથી તેમને ખાતરી હોય છે કે તમે તેમને નુકસાન પહોંચાડશો નહીં.

જો તમે આ કામ પરિવારમાં હંમેશાં કરતા જ હો, તો તે બહાર કેમ ન થઇ શકે! પ્રયત્ન કરો, થોડી મહેનત પડશે પણ થઇ જશે તે ચોક્કસ. વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પણ, થાય છે ખરો. કોઇને જાહેરમાં અપમાનિત કરવાથી તેની પાસેથી વધુ સારું કામ લઇ શકાય? આવું કરનાર વધુ અસરકારક લીડર ગણાય? દુનિયાના ઘણા ભાગમાં ન જ ગણાય પણ, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે.

આરબ રાષ્ટ્રોમાં માગ્યા વગર જો નમ્રતા બતાવવામાં આવે તો તેને નબળાઇ ગણવામાં આવે છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? કરો જ છો. તો એ માનવીય વ્યવહારને વધુ વિસ્તારી ન શકાય? પરિવારમાં તે જે માયાળુપણે વર્તોતે રીતે બહાર પણ વર્તી શકાય. કદાચ, આપણે નબળા ગણાઇ જવાના ડરે, છેતરાઇ જવાના ડરે એ રીતે વર્તતા નથી. પણ, માનવીય અભિગમના મુદ્દે તમારામાં અને સફળ ઉધોગપતિમાં કોઇ બેઝિક ફરક નથી હોતો એટલું તો સ્વીકારવું પડે કે નહીં?

પેશન! સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે. પોતાના ઘ્યેય અને કામ માટે તેઓ એટલા પેશનેટ હોય છે કે તેમને દુનિયાની પડી હોતી નથી. કોઇપણ સફળ માણસનું ઉદારણ લો, તેનામાં પેશન ભરપૂર જોવા મળશે. તમારામાં પણ પેશન તો હોય જ છે. દરેક માણસમાં હોય છે. પણ, તેનો ઉપયોગ યોગ્ય દિશામાં થતો નથી. નિષ્ઠા (ઇન્ટેગ્રિટી) અને જુસ્સો (પેશન)ને અહીં સમજી લેવાની જરૂર છે. જુસ્સો પોઝિટિવ અને નેગેટિવ બન્ને હોઇ શકે છે. વાલિયો નેગેટિવ જુસ્સાથી કામ કરતો તો ત્યારે લૂંટારો હતો અને એ જ જુસ્સાથી પોઝિટિવલી રામનામનો જપ કરવા માંડયો ત્યારે તે વાલ્મીકિ બની ગયો. જરૂર માત્ર દિશા બદલવાની જ હતી. પણ, પ્રવાહ પલાટવવો, દિશા બદલવી સહેલાં નથી. બહુ જ ચોકસાઇપૂર્વક પ્રયત્ન કરવો પડે.

પ્રયત્ન કરી જોજો રિડર રાજા, દુનિયા બદલાઇ જશે. તમે પોતાનામાં પરિવર્તન લાવશો તો દુનિયામાં પરિવર્તન આવશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ રૂઢિપ્રયોગ ખોટો નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરની વાર્તા તમને યાદ હશે. કૃષ્ણએ દુર્યોધનને આખા રાજયમાંથી એક સારો માણસ શોધી લાવવાનું કહ્યું, દુર્યોધનને કોઇ સારો માણસ ન મળ્યો. તેની દ્રષ્ટિ જ નેગેટિવ હતી. યુધિષ્ઠિરને એક ખરાબ માણસ શોધવા મોકલ્યા, તેને કોઇ ખરાબ માણસ ન મળ્યો. તમારી નજર કેવી છે તેના પર આધાર છે, દુનિયા કેવી છે તેનો.

અગાઉ આપણે ચર્ચી લીધું કે જેના પર વિશ્વાસ બેસે તેને લોકો અનુસરે છે. આ વિશ્વાસ માટે જરૂરી એક અન્ય બાબત છે, પ્રેરક વ્યક્તિત્વ દ્વારા ઉદારણ પૂરું પાડવું. આપણે બધા આ બાબતે બહુ જ બેઘ્યાન હોઇએ છીએ. આપણું વ્યક્તિત્વ બીજાને માટે પ્રેરક બને તે માટે પ્રયત્નો કરતા નથી. કારણ કે આપણી માનસિકતા ટોળામાં ખોવાઇ જવાની છે, ટોળાંથી અલગ તરી આવવાની નહીં. સભાનતાપૂર્વક પ્રયત્ન કરીએ તો નાની નાની બાબતોમાં પ્રેરક ઉદારણ પૂરાં પાડી શકીએ.

તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઇ કલાર્ક, કોઇ પટાવાળો પણ સમયપાલન, કાર્યનિષ્ઠા વગેરેમાં પ્રેરણારૂપ કામ કરતો જોઇ શકાશે. જો તે પોતાની આ કવોલિટીનું વિસ્તરણ કરે તો તે પણ સફળ વ્યક્તિ બની શકે. અને સાવ નાના માણસમાંથી અગ્રણી બની ગયા હોય એવા માણસના અનેક દાખલા આપણે જોયા છે. જો એ સામાન્ય માણસ આટલી ઊચાઇ પર પહોંચી શકતો હોય તો તમે તો તેનાથી ઘણા આગળ છો. પેશનેટલી ઘ્યેય માટે મંડી પડો, દુનિયા ઝૂકી જશે.

સફળ લીડરશિપની આ કવોલિટીઓ છે. તેમાં ઉમેરા કે ઘટાડા કરી શકાય તેમ છે. પણ, મૂળ પ્રશ્ન એ હતો કે અમે આટલા સફળ થઇ શકીએ? તેનો જવાબ આમાં આવી જાય છે. એટલું તો સાબિત થઇ ગયું છે કે તમારામાં પણ આ બધી કવોલિટી છે અને તમે તેનો ઘરમાં કે નાના વર્તુળમાં ઉપયોગ પણ કરો છો. હવે જરૂર છે માત્ર તેને વિસ્તારવાની. પાંખો ફેલાવી દો, આકાશ તમારું જ છે. અને, આકાશને કોઇ સીમા નથી. ગરૂડ જેવું શક્તિમાન પક્ષી પણ પોતાની પાંખો બીડેલી રાખીને ઊડી શકતું નથી. તેણે પણ ઊડવા માટે પાંખો વિસ્તારવી પડે છે. તમે પણ ઉઘાડો પાંખો. ઊડવાનું બહુ સહેલું છે.

મેનેજમેન્ટ ફંડા, કાના બાંટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો