બુધવાર, 2 માર્ચ, 2011

મનઃ સા... થી શરુ કરીને સા... સુધી !

પૃથ્વી પરના દરેક માણસના હાથની રેખાઓ જુદી હોય છે. પૃથ્વી પરના દરેક માણસના અંગૂઠાનું નિશાન જુદું હોય છે. પૃથ્વી પરના દરેક માણસના લખાયેલા અક્ષરો જુદા હોય છે. પૃથ્વી પરના દરેક માણસના મનોભાવ જુદા હોય છે. રેખાઓ, નિશાનો, અક્ષરો આપણે જોઈ શકીએ છીએ, પણ મનની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને આપણી નગ્ન આંખોથી સમજાતું નથી.

મન હજી પણ એક રહસ્યમય પ્રદેશ રહ્યો છે. મન વિશેનાં ઘણા ગૃહિતો પૂર્ણત: વ્યકિતગત હોય છે. મનનું વિજ્ઞાન, સાઇકોલોજી અથવા માનસશાસ્ત્ર હજી વિસ્મયનો પ્રાંત છે, અનુમાન શાસ્ત્ર છે, જેને વારંવાર આંકડાઓનો ટેકો લેવો પડે છે, અચોક્કસ વિદ્યા છે. ઘણાના મતે સાઇકોલોજી હજી વિજ્ઞાન બની નથી.

માનસશાસ્ત્ર પ્રમાણિત વિજ્ઞાન ન હોય તો પણ અત્યંત રોચક વિધા છે અને એનાં સાધનો-ઉપકરણોમાં એક તાજગી છે. કેટલાય એવા વિષયો છે જેમાં માનસશાસ્ત્રએ પ્રથમ વાર પ્રકાશ ફેંક્યો છે અને એમને ફોકસમાં લાવ્યા છે.

નાના હતા ત્યારે સ્કૂલોની બહાર અદ્રશ્ય વોટરમાર્ક ચિત્રો મળતાં હતાં, જે સફેદ કાગળ જેવાં જ લાગતાં હતાં. આને જલછબિ કહેતા હતા, એ વોટરમાર્ક ચિત્ર હતું. કાગળને પાણીમાં ડુબાડો એટલે વોટરમાર્ક કરેલી આકૃતિ કે ચિત્ર ઊભરી આવે, પછી એ જલછબિ બદલી શકાતી ન હતી.
ઢળતી ઉંમરે માણસ વિચારતો હોય છે કે જલછબિ એ જિંદગીનું વોટરમાર્ક ચિત્ર હતું. જીવાઈ ગયેલી જિંદગી, જે હવે બદલી શકાવાની ન હતી. માનસશાસ્ત્રીમાં આ પ્રયોગનું એક મહત્વ છે.

આનાથી વિપરીત ગેસ્ટાલ્ટ છે, જે જર્મન ભાષાનો શબ્દ છે. ગેસ્ટાલ્ટમાં પાછા ફરો તો ચિત્ર બદલાતું જાય છે. ધીરે ધીરે જૂનું ચિત્ર પાછું ખડું થઈ જાય છે. ગેસ્ટાલ્ટમાં એક ચિત્ર હોય છે. તમે આગળ વધતા જાઓ એટલે ઊભી લીટીઓ આવતી જાય, ફેલાતી જાય, જૂનું ચિત્ર ગાયબ થતું જાય અને એને સ્થાને એક તદ્દન નવું જ ચિત્ર ઊભરીને આવી જાય.

પાછા ફરતા જાઓ ત્યારે નવું ચિત્ર ડૂબતું જાય અને પાછળથી જૂનું ચિત્ર ફરીથી ઊભરી આવે. કેટલાકની જિંદગી જલછબિ જેવી છે. કેટલાક ગેસ્ટાલ્ટ જીવતા હોય છે. કેટલાક બીજી જિંદગી જીવીને ફરીથી પહેલી જિંદગીમાં પાછા ફરી શકતા હોય છે.

અને કેટલાક સંગીતની સ્વરલિપિની જેમ ‘સા’થી શરૂ કરીને રે, ગ, મ, પ, ધ, નિ સુધી જીવનને ખેંચીને ફરીથી એ જ ‘સા’ પર આવીને વિરામ લઈ શકે છે. જીવન એક વર્તુળાકાર પ્રવૃત્તિ બની જાય છે. કદાચ આ સ્વરલિપિ એ માત્ર એક રૂપક બની જાય છે. વૃદ્ધત્વને બીજું બાળપણ કહ્યું છે ને?

સ્વરલિપિનો આરંભનો ‘સા’ અને અંતિમ ‘સા’, આ બેમાં કેટલી સમાનતા છે? માનસશાસ્ત્ર જીવનના અંધારખંડો પર પ્રકાશ ફેંકનારું શાસ્ત્ર છે.
સાઇકોલોજીની એક પ્રશાખા છે બિહેવીઅરીઝમ અથવા વર્તણૂકશાસ્ત્ર, જે દર્શાવે છે કે અમુક વ્યકિતઓ શા માટે અમુક રીતે જ પેશ આવે છે. એક સ્થિતિને ડોગ-કાર સિન્ડ્રોમ કહેવાય છે. આમાં મોટરકાર દોડે છે, એની સાથે સાથે કૂતરો પણ દોડે છે. મોટરકાર વધારે ઝડપથી દોડે છે, કૂતરો પણ એ ઝડપથી સાથે રહેવા માટે વધારે ઝડપથી દોડે છે. અંતે મોટરકાર ઊભી રહી જાય છે. કૂતરો પણ ઊભો રહી જાય છે.
કૂતરા માટે બધું જ નિરુદ્દેશ્ય છે, અકારણ છે. પછી શું કરવાનું? જીવનમાં ઘણા માણસો આ ડોગ-કાર સિન્ડ્રોમથી પીડાતા હોય છે અને આવા માણસો આપણા દૈનિક જીવનમાં આપણને અથડાતા રહે છે.

એક પ્લેસીબો ઇફેક્ટ હોય છે.
માત્ર વિશ્વાસથી અને સકારાત્મક અભિગમથી તબિયત સારી થઈ જવાનાં ભરપૂર દ્રષ્ટાંતો મેડિકલ ઇતિહાસમાં છે. ડોકટરો સવારે હોસ્પિટલમાં દર્દીઓને જોવા માટે રાઉન્ડ પર નીકળતા હોય છે.

રાતભરની ઊંઘ થઈ ગઈ હોય, નિત્યકર્મોપતી ગયાં હોય, રૂમમાં સવારનો પ્રથમ પ્રકાશ આવી ગયો હોય અને મોટા ડોકટર નર્સો સાથે રૂમમાં પ્રવેશે, તમારો ચાર્ટ જુએ, પછી તમારો હાથ પકડીને સસ્મિત કહે : આજે તો તમે બહુ ફ્રેશ લાગી રહ્યા છો? કેમ, ઘરે જવાની બહુ ઉતાવળ છે? તમે પ્લેસીબો ઇફેક્ટ નીચે આવી જાઓ છો!

બોલો, કોઈ કમ્પ્લેઇન્ટ? ડોકટરના હાથનો સ્પર્શ, ડોકટરની સહાનુભૂત ભાષા, ડોકટરનું અર્ધ-સ્મિત અને દવારૂપે લેવાયેલી સફેદ ગોળી કે દ્વિરંગી કેપ્સ્યૂલ.. તબિયત સારી છે અથવા સુધરી રહી છે એમ જ ફીલ થાય!

વિશેષમાં, દરેક દર્દીને સવારે વધારે સ્વસ્થતા લાગે અને સાંજે મુલાકાતીઓ ગયા પછી અને ભોજન લઈ લીધા પછી, મનહૂસ એકલતાનો અહેસાસ થાય જ છે. પ્લેસીબો ઇફેક્ટ એક પ્રકારની માનસિકતા છે. ચાકનો ભૂકો પણ પાણી સાથે ગળી જવા માટે જો વિશેષજ્ઞ ડોક્ટર આપી દે તો પણ દર્દીને સારું થઈ ગયું હોય એવાં દ્રષ્ટાંતો મોજૂદ છે.

સંસ્કૃતની પ્રસિદ્ધ ઉકિત, મન: એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો: તદ્દન સાચી છે. મન એ જ કારણ છે, સુખનું અને દુ:ખનું અને એની અસર અદ્રશ્ય હોય છે.

આપણને ઘણી વાર સમજાતું નથી કે આપણે ઘણી વાર તદ્દન પરિચિત નામો અથવા શબ્દોને એકદમ ભૂલી જઇએ છીએ અને દિમાગમાં કામચલાઉ બ્લેકઆઉટ થઈ જાય છે. ગુજરાતીમાં એ માટે કહેવત છે : હૈયે છે, પણ હોઠે નથી. બીજી તરફ એવું પણ થાય છે કે યાદ કરવાની કોઇ જ કોશિશ કર્યા વિના તદ્દન અન્યમનસ્ક હોઇએ તો પણ બધું જ એક પછી એક, ક્રમબદ્ધ યાદ આવતું રહે છે.

આપણે રાષ્ટ્રગીત જનગણમન… ગાતા હોઇએ અથવા આંખો ખુલ્લી રાખીને નવકારમંત્ર બોલતા હોઇએ ત્યારે યાદ રાખીને બોલવું પડતું નથી, મગજમાં કંઇક એવી સૂક્ષ્મ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે કે બધું એક પછી એક, પર્ત પછી પર્ત ખૂલતી હોય એમ આવતું રહે છે. સિગમંડ ફ્રોયડે સાઇકો-એનેલિસિસના સંશોધન પહેલાં આ સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

માનસશાસ્ત્રી મનુષ્યના મનસ્તલ સુધી જવાનો પ્રયાસ કરે છે. રોશાર્શ પ્રયોગ નામની એક વિધિ હોય છે, જેમાં એક કાગળ પર શાહી ઢોળવામાં આવે છે, પછી એ કાગળને વાળીને ચારેક ભાગમાં કરવામાં આવે છે. પછી કાગળ ખોલાય છે અને દબાણને કારણે ફેલાયેલી શાહીના આકારને જોઇને પૂછવામાં આવે છે કે તમને શું દેખાય છે?

આ આકાર સિમેટ્રિકલ અથવા ડિઝાઇનદાર હોય છે. કોઇને એરોપ્લેનનો આકાર દેખાય છે, કોઇને અગ્નિની શિખા દેખાય છે, કોઇને હસતો વાંદરો દેખાય છે. દરેક વ્યકિતના પ્રતિભાવ ઉપરથી એની માનસિકતાનું અનુમાન કરવામાં આવે છે.
એક સ્ટોકહોમ સિન્ડ્રોમ હોય છે. અપહરણ કરનાર જે વ્યકિતનું અપહરણ કરે છે એ વ્યકિત કાલક્રમે પોતાનું અપહરણ કરનારના જ પ્રેમમાં પડી જાય છે અને આને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે.

અકબર ઇલાહાબાદીએ એક જૂની ગઝલમાં આ સિન્ડ્રોમ વધારે સાફ રીતે પ્રસ્તુત કર્યો છે : મેરે સૈયાદ કી તાલિમ કી હૈ ધૂન ગુલશનમેં / યહાં જો આજ ફંસતા હૈ વહ કલ સૈયાદ બનતા હૈ…! માનસશાસ્ત્ર પ્રાચીન સત્યો શોધવાનું અર્વાચીન વિજ્ઞાન છે…

કલોઝ અપ
કાક: કૃષ્ણ: પિક: કૃષ્ણ: કો ભેદ: કાકપિક્યો વસન્ત સમયે પ્રાપ્તે કાક: કાક: પિક: પિક:
- સુભાષિત
(અર્થ : કાગડો કાળો અને કોયલ પણ કાળી, કોઈ ભેદ નથી બંનેમાં. પણ વસંત આવે છે ત્યારે ખબર પડી જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે.)

- ચંદ્રકાંત બક્ષી

October 13, 2009

1 ટિપ્પણી: