શનિવાર, 20 ઑગસ્ટ, 2011

મને ભગવાન મળ્યા (શ્રીઅરવંિદના જેલજીવનના અનુભવો)

શ્રીઅરવંિદે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા.
શ્રીઅરવંિદને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું.

૧લી મે શુક્રવારનો એ દિવસ હતો. શ્રી અરવંિદ ‘વંદે માતરમ’ના કાર્યાલયમાં બેસીને કામ કરી રહ્યા હતા, ત્યાં શ્યામસુંદર ચક્રવર્તી આવ્યા ને શ્રીઅરવંિદના હાથમાં તાર મૂકીને કહ્યું ઃ ‘‘જરા આ વાંચી જાઓ તો.’’ શ્રીઅરવંિદે એ તાર વાંચીને બાજુએ મૂકી દીધો. તેમાં મુઝફરપુરમાં બોંબ પડ્યો અને બે ગોરી મહિલાઓના મૃત્યુ થયાં એ વાત જણાવી હતી. પણ શ્રી અરવંિદને આ વાત સાથે કોઈ જ નિસ્બત નહોતી, તેથી તેઓ પોતાના કાર્યમાં પૂર્વવત્‌ મગ્ન થઈ ગયા. અંગ્રેજી વર્તમાનપત્ર એમ્પાયરમાં પણ સમાચાર આવ્યા હતા કે પોલિસ કમિશ્નર આ બોંબકેસ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ઓળખતા હતા અને તેઓને પકડીને તેમની સાથે કડક હાથે કામ લેશે તેમ જણાવ્યું હતું. શ્રીઅરવંિદને આ સમાચાર સાથે પણ કંઈ લેવાદેવા ન હતી, આથી તેમણે ઘ્યાન આપ્યું ન હતું.
તે રાત્રે તેઓ પોતાના ઘરમાં સૂતા હતા. વહેલી સવારે એમના બહેન સરોજિની હાંફળાફાંફળા એમના ઓરડામાં ધસી આવ્યાં અને બોલી ઊઠ્યા, ‘‘ઓરોદા, ઓરોદા’’ શ્રી અરવંિદ જાગીને બેઠા થયા ત્યાં તો તેમનો આખો ઓરડો સિપાહીઓ અને પોલિસ સુપ્રીટેન્ડન્ટથી ભરાઈ ગયો. તેઓ કંઈ પૂછે એ પહેલાં તો તેમના કાને કરડો અવાજ સંભળાયો ‘‘કોણ છે, અરવંિદ ઘોષ ?’’
‘‘કેમ શું છે? હું છું અરવંિદ ઘોષ.’’
‘‘પકડી લો એને અને દોરડાથી બાંધી દો. જોજો નાસી ન જાય.’’ ‘‘પણ શા માટે મને પકડવામાં આવે છે? શું તમારી પાસે કંઈ વોરંટ છે?’’ સુપ્રીન્ટેન્ડન્ટે વોરંટ બતાવ્યું. તેમાં બોંબ ફેંકવાના આરોપસર તેમની ધરપકડ કરવાની વાત હતી. આ જોઈને શ્રી અરવંિદને આગલા દિવસના તારની અને સમાચારની વાત યાદ આવી ગઈ. જેના વિષે તેઓ કશું જ જાણતા ન હતા છતાં વોરંટને તાબે થયા વગર બીજો ઉપાય પણ નહોતો. પોલીસોએ શ્રીઅરવંિદના હાથમાં લોખંડની હાથકડી પહેરાવી દીધી અને તેમને મજબુત દોરડાથી બાંધી દીધા. ગોરો સુપ્રીન્ટેન્ડન્ટ ક્રેગન જાણે કોઈ ખતરનાક ગુનેગારને પકડી લીધો હોય એમ વિજયી સ્મિત ફરકાવતો પોલિસોને ઘરની તલાશી માટેના હુકમો આપવા લાગ્યો. સાડા છ કલાક સુધી ઘરની તલાશી લેવામાં આવી. ઘરની એક એક વસ્તુને ફંફોસવામાં આવી. અસંખ્ય પત્રો, કાગળો, પેટીઓ કબજે કરવામાં આવ્યાં. એક પૂંઠાના ખોખામાં રાખેલી દક્ષિણેશ્વરની માટીને પણ બોંબ બનાવવાની સામગ્રી માનીને તે પણ લઈ લીધી!
શ્રીઅરવંિદને લાલબજારની ચોકી પર બીજા માળના એક ઓરડામાં રાખવામાં આવ્યા. ત્યાં પોલિસ કમિશ્નરે કડક સૂચના આપી કે ‘આ માણસ સાથે બીજા કોઈને રહેવા દેવા નહીં, અને તેની સાથે કોઈને વાત કરવા દેશો નહીં.’ શ્રીઅરવંિદના જેલ જીવનની કપરી સાધનાની શરૂઆત અહીંથી જ થઈ ગઈ. વંદેમાતરમમાં આવતા શ્રી અરવંિદના લેખોએ લોકોના હૃદયમાં માતૃભૂમિ માટે બલિદાન આપવાની ભાવના જાગૃત કરી હતી. આથી બ્રિટિશ સરકાર કોઈપણ ભોગે ભારતના લોકો સાથેનો એમનો સંપર્ક તોડી નાંખવા ઈચ્છતી હતી. તેમના આગ ઝરતા લખાણોનો એક એક શબ્દ બ્રિટિશ સરકારના અત્યાચારો, અન્યાયોને પ્રગટ કરતો હતો છતાં તેઓ એવી સિફતથી લખતા કે એ રાજદ્રોહી લખાણ છે, તેમ કોઈ સાબિત કરી શકે નહીં પણ આ બોંબકાંડમાં શ્રીઅરવંિદને મુખ્ય સૂત્રધાર માનીને તેમને લોકસંપર્કથી અળગા કરવાની તક બ્રિટિશ સરકારે ઝડપી લીધી અને શ્રીઅરવંિદના જીવનનો એક નવો જ અઘ્યાય શરૂ થયો. ખૂનનો આરોપ, પોલિસ કમિશ્નરોની કઠોર વર્તણૂંક, શારીરિક કષ્ટો, માનસિક યાતનાઓ, માનવમનને પાગલ કરી મૂકે તેવું ભેંકાર એકાંત, આ અઘ્યાય સાથે જોડાયેલું હતું, જે સ્પષ્ટ રીતે દેખાતું હતું અને અનુભવાતું હતું, પરંતુ આ અઘ્યાયના પેટાળમાં જે જડાયેલું હતું, તેની તો તે સમયે શ્રીઅરવંિદને પોતાને પણ કોઈ જ ખબર ન હતી.
શ્રીઅરવંિદને જેલજીવનની કઠોરતાના અનુભવો અહીંથી જ થવા લાગ્યા. માંડ માંડ હાથ-મોઢું ધોઈ શકાય એટલું જ પાણી તેમને આપવામાં આવ્યું અને ખાવામાં ઊતરી ગયેલા દાળભાત! માંડ માંડ બે કોળિયા ખાધા પણ પછી તો મોઢામાં કંઈ નાંખી શકાયું નહીં. સવારનું પેટ ખાલી હતું, તે ખાલી જ રહ્યું. આમ ત્રણ દિવસ અહીં વીતાવવા પડ્યા પણ પછી સાર્જન્ટને દયા આવતાં ચા અને રોટી ખાવા આપ્યાં, પણ એય પૂરતાં નહોતાં. ત્યાંથી તેમને અલીપુરની જેલમાં લઈ જવામાં આવ્યા. તે સમયે તેમને એક સંબંધી મળ્યા અને કહ્યું ઃ ‘‘હવે તમને કદાચ એકાંત કેદ મળે તો તમારે ઘરે કંઈ સંદેશો આપવો છે ?’’ આ સમયે પણ શ્રી અરવંિદ શાંત અને સ્થિર હતા. તેમણે કહ્યું ઃ ‘‘કહેજો, મારી કોઈ ચંિતા ન કરે, મારી નિર્દોષતા સાબિત થઈ જશે.’’
હવે શ્રીઅરવંિદને અલીપુર જેલની નવ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા. આ ઓરડીમાં એક પણ બારી ન હતી પણ લોઢાના સળિયાવાળી એક જાળી હતી. જાણે પાંજરૂ જ જોઈ લો. કોટડીની બહાર એક પાકો ચોક હતો તે પછી ઈંટોની ઊંચી ઊંચી દિવાલો હતી. કોટડીઓની હારની બહારની સામે લાકડાનો એક મોટો દરવાજો હતો એ દરવાજામાં માણસની આંખની ઊંચાઈએ નાનાં નાનાં ગોળ કાણાં હતાં, જેમાંથી પહેરાવાળા કેદીની હિલચાલ જોઈ લેતાં. ઓરડીમાં આપેલા સામાનમાં પિત્તળનો એક વાટકો ને થાળી, પાણી ભરવા માટે લોખંડનું એક પીપ, ઓઢવા પાથરવા માટે ખરબચડા બે ધાબળા, શૌચ માટે ડામરથી રંગેલી બે ટોપલીઓ, આથી વિશેષ કશું જ નહીં.
શ્રીઅરવંિદે ‘કારાવાસની કહાની’ નામના પોતાના પુસ્તકમાં જેલજીવનની આ સમૃદ્ધિ વિષે બહુ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તેમણે પોતાના વાટકાને બ્રિટિશ સિવિલિયનની ઉપમા આપતાં વર્ણવ્યું છે કે જેમ બ્રિટિશ સિવિલિયન, ન્યાયાધીશ, કલેક્ટર, પોલિસ અમલદાર, મ્યુનિસિપાલિટીનો પ્રમુખ, શિક્ષક, ધર્મોપદેશક ફાવે તે બની શકે એ જ રીતે મારો પ્રિય વાટકો પણ હતો, તે ભેદભાવ રાખવામાં કંઈ સમજતો નહીં. જેલમાં આવતાં વેંત જ મેં તે વાટકાથી હાથપગ ધોયા, તેમાં પાણી લઈને મોઢું ધોયું અને નાહ્યો. થોડીવાર પછી જમવા બેઠો, ત્યારે એ જ વાટકામાં મને દાળ-શાક આપવામાં આવ્યા. પછી એ જ વાટકામાં મેં પાણી પીઘું. આવી જાતની અમૂલ્ય ચીજ જેનાથી સર્વ કામ થઈ શકે એ તો અંગ્રેજ સરકારની જેલમાં જ સંભવિત છે. આ વાટકો સાંસારિક બાબતમાં ઉપયોગી થવા ઉપરાંત મારી યોગસાધનાનું એક કારણરૂપ પણ હતો. સૂગ છોડાવવા માટે આવો મદદગાર કે ઉપદેશક ક્યાંથી મળી શકે? કેમકે શૌચ માટે પાણી લેવા પણ આ જ વાટકાનો એક મહિના સુધી ઉપયોગ કરવો પડ્યો હતો.
જેલમાં ચોવીસ કલાક માટે માત્ર એક જ ડોલ પાણી આપવામાં આવતું હતું. નહાવું, શૌચ જવું, વાસણ માંજવા- આ બઘું આટલા પાણીમાં જ કરવું પડતું ! ઉનાળાની ભયંકર ગરમીમાં લોખંડના પીપમાં ભરેલું પાણી ઉકળી જતું અને એ જ પાણીથી તરસ છીપાવવાની હતી!! તરસ છીપવાને બદલે વધી જતી! જેલમાં મળતો ખોરાક પણ કંઈ આસ્વાદ્ય ન હતો. જાડા મોટા ચોખાનો ભાત, એ પણ માટી, કાંકરા, મકોડા, વાળ, વગેરે જાતજાતના મસાલાથી ભરપુર. ફિક્કી દાળ, જેમાં મોટો ભાગ પાણીનો જ હોય. અને ઉબાઈ ગયેલા ઘાસ અને પાંદડાનું શાક. જેલના ખોરાક વિષે શ્રીઅરવંિદ લખે છે; ‘માણસનું ભોજન આવું બેસ્વાદ અને અસાર પણ બનાવી શકાય છે, તે મને અગાઉ બિલકુલ માલુમ ન હતું. કાળું કોલસા જેવું ભાજીનું શાક જોઈને તો હું હેબતાઈ જ ગયો. બે કોળિયા ખાઈને માનપૂર્વક તેને નવગજના નમસ્કાર કર્યા.’
ખરબચડી છોવાળી કોટડીમાં સૂવું એ પણ એક સજા જેવું જ હતું ! સૂવા માટે તેઓ એક કામળો પાથરતા અને બીજાનું ઓશીકું બનાવતા. ઉનાળાની અસહ્ય ગરમીમાં કામળા પર સૂવું એટલે તપાવેલા લોઢાની પથારી પર સૂવા જેવું હતું. જ્યારે વરસાદ આવે ત્યારે ઠંડકનો અનુભવ થતો પણ થોડીવારમાં એ અનુભવ પણ કષ્ટદાયક બની જતો. કેમકે વરસાદના પાણીથી કોટડી ભીની થઈ જતી, તેમાં પાણી ભરાઈ જતું. જો પવન હોય તો ઘૂળ, પાંદડા, ઝાંખરા ઊડી ઊડીને સળિયાની ઝાળીમાંથી અંદર આવીને પાણી પર તરવા લાગતા. એ સમયે શ્રી અરવંિદ ભીનો થઈ ગયેલો કામળો લઈને એક ખૂણામાં બેસી રહેતા. જ્યાં સુધી કોટડીની છો સૂકાય નહીં ત્યાં સુધી તેમને આમ જ બેસી રહેવું પડતું.
શ્રીઅરવંિદને તો એકાંદ કેદ હતી. આથી બીજા કોઈ કેદીઓ સાથે તેઓ વાતચીત કરી શકતા નહીં. જેલના પહેરેદારો, ડૉક્ટરો કે દારોગા સિવાય તેમને બીજા કોઈને મળવાનું થતું નહીં. શરૂઆતમાં તો એમની પાસે વાંચવા માટે એક પણ પુસ્તક ન હતું. સાથી કેદીઓ નહીં, પુસ્તક નહીં, કોઈ સાથે વાતચીત કરવાની નહીં. બંધ કોટડીમાં જાળીમાંથી દેખાતો આકાશનો એક નાનકડો ટુકડો, સામે દેખાતું લીમડાનું એક માત્ર વૃક્ષ. સાંભળવાના પહેરેગીરોના જોડાના ઠપઠપ અવાજ, અને તન અને મનને ભીંસી નાખે તેવું ભયંકર એકાંત. ઓરડીની અંદર દ્રષ્ટિ કરીને સ્થિર થવું મુશ્કેલ અને બહાર પણ એનું એ જ જોવાનું ! શ્રી અરવંિદને એકાંદ કેદનો અનુભવ થોડા દિવસમાં જ થઈ ગયો ! એ વિષે જણાવતાં તેઓ લખે છે કે, ‘મને સમજાઈ ગયું કે આ જાતના કેદખાનામાં પાકટ અને વખણાયેલી બુદ્ધિ પણ કેમ બહાર મારી જાય છે. માણસ થોડા જ દિવસોમાં ગાંડા જેવો થઈ જાય છે. પણ તે સાથે મને એમ પણ લાગ્યું કે આ જાતની એકાંદ કોટડીમાં જ માણસને ભગવાનની અપાર દયાનો અનુભવ કરવાનો અને તેની સાથે એકતા અનુભવવાનો દુર્લભ અવસર પણ મળે છે.’
શરૂઆતમાં તો શ્રીઅરવંિદનું મન બળવો કરવા લાગ્યું હતું. એ સમયે ઉનાળાના લાંબા લાંબા દિવસો પસાર કરવા માટે વિચાર કરવા સિવાય બીજું કોઈ કાર્ય જ ન હતું. વિચારો પણ કેટલાક કરવા ? પરંતુ પછી તેમણે ત્રણ દિવસ અને ત્રણ રાત ભગવાનને અવિરત પ્રાર્થના કરી કહ્યું, ‘હે ભગવાન, તમે મને અહીં શા માટે લાવ્યા છો ? જે ગુનો મેં નથી કર્યો તેની સજા તમે મને શા માટે કરી રહ્યા છો ?’ ત્રણ દિવસની સતત પ્રાર્થના પછી તેમનામાં શાંતિ અને અચલ શ્રદ્ધા પાછા આવી ગયા. આ અનુભવ વિષે તેઓ જણાવે છે કે, ‘મારા સમગ્ર અંતરમાં એક એવી શક્તિ વ્યાપી ગઈ કે મારું આખું શરીર શીતળ થઈ ગયું. મારા બળતા હૈયામાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થયો. જેમ એક બાળક નિષ્ફિકર થઈને પોતાની માની ગોદમાં સૂઈ જાય છે, તે પ્રમાણે હું જગદંબાની ગોદમાં સૂવા લાગ્યો અને તે દિવસથી મારા જેલના બધા દુઃખોનો અંત આવ્યો.’ જોકે જેલમાં કંઈ સ્થિતિ બદલાઈ ન હતી. પણ શ્રીઅરવંિદના મનની સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે જેલના દુઃખો તેમને સ્પર્શી શકતાં ન હતાં. હવે તેઓ બાહ્ય દુઃખોથી મુક્ત થઈ એકાંતમાં, મનની પેલે પારના રહસ્યો જાણવા લાગ્યા. હવેજેલમાં લઈ આવવાનો ભગવાનનો હેતુ સ્પષ્ટ રીતે તેઓ જાણી શક્યા. ભગવાને તેમને માનવદુઃખોનો, ક્રૂરતાનો અનુભવ કરાવ્યો. બીજું, તેમને એકાંતવાસમાં રહેવાની ટેવ પડાવી અને ત્રીજું, તેમને ભગવાને એ સમજાવ્યું કે તેમના એકાંત પ્રયત્નથી યોગસાધના થઈ શકશે નહીં. ભગવાનને સંપૂર્ણ સમર્પણ દ્વારા જ એ શક્ય છે. તેમણે જેલની એ અંધારી કોટડીમાં ભગવાનના ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીઘું. અને તેના પરિણામે ભગવાન વાસુદેવને જાતે જ ફરી એકવાર કારાગારમાં આવવું પડ્યું !!

- જ્યોતિબહેન થાનકી
ગુજરાત સમાચાર તા.૦૭/૦૮/૨૦૧૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો