રવિવાર, 26 ડિસેમ્બર, 2010

તમારામાં દુઃખ સહન કરવાની જેટલી શક્તિ એટલા તમે સુખી

આપણે દિવસે દિવસે વધુ ને વધુ આળા થતા જઈએ છીએ. આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. અગાઉ આવી નાની નાની તકલીફોને બહુ સહજ રીતે સ્વીકારી લેવામાં આવતી હતી. કુટુંબમાં નાની મોટી બોલાચાલી થાય તો એને, ‘વાસણ સાથે પડયાં હોય તો ખખડે’, એમ કહીને સ્વીકારી લેતા. પતિ-પત્ની વચ્ચેનાં કે માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં રિસામણાં મનામણાં સામાન્ય હતાં. ભાગીદારો વચ્ચે કુમેળ થાય તો સુમેળ કરાવવાવાળા અનેક માણસો નીકળી આવતા. કોર્ટે ચડવાની સલાહ ભાગ્યે જ કોઈ આપતા. માણસ માણસ વચ્ચે મનદુઃખ થતું, પણ એથી જિંદગીનું સમગ્ર સુખ છીનવાઈ ગયું છે એવું કોઈને લાગતું નહોતું. માણસો તરફ કડવાશ થતી અને ધોવાઈ જતી, પણ જિંદગી તરફ ભાગ્યે જ કડવાશ થતી. આજના માનવીને તો જિંદગી આખી જ કડવી લાગે છે.

આજનો માણસ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે, ટેન્શન અનુભવે છે અને ન કરવાનું કરી બેસે છે. આધુનિક માનવી એ સ્વીકારવા જ તૈયાર નથી કે અમુક દુઃખો જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલાં છે. વાત વાતમાં એ કોર્ટે ચડે છે, પાડોશીઓ સાથે અને સહકાર્યકર્તાઓ સાથે ઝઘડાઓ કરે છે. ભાગીદારો સાથે વાંધાઓ પાડે છે, દુનિયા આખીને નફરત કરે છે. ટેન્શન દૂર કરવા માટે ટીકડીઓ ખાય છે, અનેક સુખ-સગવડો વચ્ચે આપઘાત પણ કરે છે.

આધુનિક માનવીમાં બીજા સાથે સહકારથી જીવવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. સહકારથી જીવવા માટે માણસે કેટલુંક જતું કરવું પડે છે. કેટલુંક ભૂલી જવું પડે છે. આજના માનવીને એ ગમતું નથી, પરંતુ બીજી બાજુ માણસ સમાજમાં જીવે છે એટલે એકબીજા સાથે સહકાર અને સમાધાનથી જીવવાનું એના માટે અનિવાર્ય હોય છે. આવી નાનીનાની વાતોમાં એને લાગી આવે છે અને પડેલા ઘાને એ સતત કોતર્યા કરે છે અને એની સીધી ખરાબ અસર એના સહજીવન ઉપર પડે છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી કટોકટીભરી સ્થિતિમાં લગ્નસંસ્થા આવી ગઈ છે. ગૃહકંકાસ અને લગ્નજીવનને લગતા અસંખ્ય કેસો કોર્ટોમાં પડયા છે. જેમાં સહકાર અને પ્રેમની જરૂર છે ત્યાં કાયદો લડાવવામાં આવે છે. લાગણી અને પ્રેમના પ્રશ્નો કાયદો ઉકેલી શકતો નથી.

અગાઉની જિંદગી અનેક અછતોથી ઘેરાયેલી હતી. સાધનોનો મોટો અભાવ હતો. પુરુષો સવારથી કામે લાગી જતા. પગે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા. અનેક હાડમારીઓ વેઠીને જીવતા, પણ જિંદગી તરફ તેમને વારંવાર કંટાળો આવી જતો નહોતો, યુવાનો અવારનવાર ડિપ્રેશનમાં ડૂબી જતા નહોતા, આજે સુખી કુટુંબના માણસો ખાલીપો અનુભવે છે એવો ખાલીપો પણ એ અનુભવતા નહોતા.

અગાઉની સ્ત્રીઓ તો કદાચ પુરુષો કરતાંય વધારે હાડમારીવાળું જીવન જીવતી હતી. સ્ત્રીઓ વહેલા ઊઠીને દળણું દળતી, છાશ કરતી, રોટલા ઘડતી, ઢોર દોહતી અને વાસીદું પણ કરતી, છતાં એનાથી દુઃખી થઈને કૂવામાં કે તળાવમાં પડતું મૂકતી નહોતી.

એ વખતે બધું સારું હતું એમ કહેવાનો આશય નથી પણ માણસો એ વખતે વધારે ખમતીધર હતા. સ્ત્રીઓ એ વખતે પણ આપઘાત કરતી, પણ એનાં કારણો વધારે વજૂદવાળાં હતાં. વાત વાતમાં એ અંતિમ પગલું લેવા ઉશ્કેરાતી નહોતી. એ લોકો આપણા જેટલી સગવડો ભોગવતા નહોતા, પણ જે કાંઈ સગવડો એમને ઉપલબ્ધ હતી તે બરાબર ભોગવવાની ક્ષમતા એમનામાં હતી.

જો જીવનની નાનકડી તકલીફોને આપણે સ્વાભાવિકતાથી સ્વીકારી લેતા નહીં શીખીએ કે જીવનનાં નાનકડાં દુઃખોનો સામનો કરવાનું પણ જો આપણે ટાળતાં રહીશું તો મોટાં દુઃખો સામે ઝઝૂમવાની શક્તિ તો આપણે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકીએ.

આપણે જાણીએ છીએ કે જીવવા માટે જીવમાત્રમાં અમુક પ્રતિકારશક્તિ જરૂરી છે અને એ શક્તિ યોગ્ય માત્રામાં દુઃખનો કે કઠિનાઈઓનો સામનો કર્યા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. એક માણસને જિંદગીનાં પચાસ વર્ષ સુધી કદી સામાન્ય તાવ કે માંદગી આવ્યાં નહોતાં. એક દિવસ ઓચિંતો જ તેને તાવ આવ્યો અને ડોક્ટર નિદાન કરે એ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું. તેની મરણોત્તર તપાસ કરતાં જાણવા મળ્યું કે તેને આવેલ તાવ તો સામાન્ય પ્રકારનો જ હતો, પરંતુ એ માણસમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ જ નહોતી.

મોજમજા પાછળ પડેલા આપણે નાનકડી અડચણો, હાડમારીઓ કે નાની મોટી તકલીફોનો વિચાર કર્યા કરીએ છીએ, પરંતુ જીવનને વધુ માતબર બનાવવા માટેની પ્રતિકાર શક્તિનો વિચાર કરતા નથી.

સુખ મેળવવા માટે માણસે અમુક મુશ્કેલીઓ સહન કરવાનું જરૂરી હોય છે. અમુક દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ એણે કેળવવી પડે છે.

જિંદગીને આપણે સંપૂર્ણ રીતે દુઃખ અને પીડારહિત બનાવવાની કોશિશમાં પડયા છીએ, પરંતુ નવજાત શિશુને જન્મ આપતી માતાએ અમુક દુઃખ સહન કરવું પડે છે અને દરેક બાળકે દરેક મનુષ્યે જન્મ સમયે દુઃખમાંથી પસાર થવું પડે છે. એ દુઃખ એને અસહ્ય લાગે એવું હોય છે, પરંતુ એમાંથી પસાર થયા વિના જીવનના સુખ સુધી એ પહોંચી જ નથી શકતો. અને દરેક નવી પરિસ્થિતિ મનુષ્ય માટે નવો જન્મ હોય છે. દરેક સાચું સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખની કઠિનાઈઓમાંથી તેણે પસાર થવું જ પડે છે.

બાળક બેસતાં શીખે, ચાલતાં શીખે ત્યારે તેના માટે પડવા-આખડવાનું સામાન્ય હોય છે, બલકે અનિવાર્ય હોય છે. તે પડે છે, આખડે છે, છોલાય છે, ઘવાય છે, રડે છે. જીવનમાં પહેલા ડગલાં માંડતી વખતની આ તેની તાલીમ હોય છે. આપણે પડવા આખડવાથી તેનો બચાવ કરવા માટે ચાલણગાડી જેવાં સાધનો તેને આપીએ તો એમાં કશું ખોટું નથી. પીડારહિત પ્રસૂતિ કે સરળતાથી ચાલતા શીખવાની ક્રિયામાં કશું ખોટું નથી. તેમ કરવું જ જોઈએ પણ તેમ કરવાથી પીડાથી દૂર ભાગવાની વૃત્તિ માણસમાં વધારે જોર કરી ન જાય તે પણ જોવું જોઈએ. બધું સરળ અને સહેલું બનાવી દેવાની આપણી ઘેલછા નવી પેઢીને સાવ પાંગળી ન બનાવી દે એ જોવું પણ જરૂરી છે.

આધુનિક મનુષ્યને ઘણું બધું પ્રાપ્ત કરવું છે પણ કસોટીમાંથી પસાર થવું નથી. કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે એના લાભોનો વિચાર કરીએ અને એની સાથેની જવાબદારીનો વિચાર જ ન કરીએ તો એ કેવું? એમાં રહેલી ફરજો અને કસોટીઓનો વિચાર જ ન કરીએ તો કેવું? કસોટીઓ અને ફરજોથી નાસતા રહેવાથી શું વળે? આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક લાભ સાથે એવડી જ જવાબદારી સંકળાયેલી હોય છે અથવા દરેક સુખ સાથે એવડી જ કસોટી જોડાયેલી હોય છે.

કાચી માટીના ઘડામાં પાણી લાંબો સમય રહી શકતું નથી. ઘડો ફસકી જાય છે. જીવનના જામને ધારણ કરવા માટે ઘડાને ટીપાવું પડે છે અને અગ્નિમાં શેકાવું પડે છે. એ એક અનિવાર્યતા છે. એનાથી દૂર ભાગવાનું નિરર્થક છે.

ઘડા જેવું જ લાકડાનું છે. લાકડાનો ઉપયોગ કરતાં પહેલાં એને તડકામાં રાખવું પડે છે. પછી જ તે સિઝન્ડ બને છે.

દિવસે દિવસે, આપણે ‘સીઝનિંગ’ની આ સહજ પ્રક્રિયાથી દૂર નાસી રહ્યા છીએ. દુઃખમાં સામેથી કૂદી પડવાની જરૂર નથી, પરંતુ જે માણસ જીવનનાં સામાન્ય દુઃખોથી નાસતો જ રહે છે એ જીવનને સારી રીતે જીવી શકતો નથી. કેટલાંક દુઃખો આપણી જિંદગીનો જ એક ભાગ હોય છે. એનાથી દૂર ભાગનાર માણસ જિંદગીનો ભાર ઉપાડવા માટે ખમતીધર બની શકતો નથી.

સુખના સાગરમાં સતત મહાલતા રહેવાની એષણા જ માણસને પલાયનવાદી અને પાંગળો બનાવી દે છે. માણસે તો જિંદગીના અનેક તડકાછાંયામાંથી પસાર થવાનું છે, એમાં ક્યારેક ચિંતા વિના, ફરિયાદ વિના, ઉશ્કેરાટ વિના થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
Dec 25,2010

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો