શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

'વાંચો' એટલે?

             ચારેબાજુ હમણાં 'વાંચો', 'વાંચો' અને 'વાંચો'નો નારો ચાલી રહ્યો છે. સૂત્રપ્રિયોને એ સૂત્ર ગમી ગયું છે. એ નિમિત્તે નગરે નગરે ભાષણ કરવા ઉત્સુકોને મોકો મળી ગયો છે અને કેટલાક પોતે જ વાંચનવીર છે અને બીજા વાંચતા જ નથી એ ગુરુગ્રંથિ સાથે ગોષ્ઠીઓમાં પડી ગયા છે. પ્રશ્ન એ છે કે 'વાંચો' એટલે શું? કયા પ્રકારનાં પુસ્તકો વાંચવાં જોઇએ? 


         પુસ્તક વાંચી નાખ્યા પછી શું? કોરું વાંચન પરિણામગામી બની શકે? 'ના' જો ઉત્તર હોય તો પરિણામ માટે શું કરવું પડે? અંદરના બદલાવ માટે કેવા પ્રકારનું વાંચવું જોઇએ? કોઇકે નિર્ધારિત કરી આપેલાં પુસ્તકો? અન્યની રુચિને અનુકૂળ પુસ્તકો? કે પછી પોતાનાં રસ-રુચિ પ્રમાણેનાં, અંદરની અનિવાર્યતા પ્રમાણેનાં પુસ્તકો વાંચવાં જોઇએ? વળી આવાં અભિયાનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતાં હોય? જેલો પૂરતાં હોય? કે કોઇક સંસ્થાના નેજા હેઠળ થોડાક માણસો એકઠા થતાં હોય તો તેમનાં પૂરતાં હોય?

           પ્રશ્નો તો હજી આગળ પણ છે. જે ખરેખર પોતાની જાતને 'વાંચતો'માં લેખે છે એ શું વાંચે છે? કટારો લખવા? દલીલબાજી કરવા? અન્યોને થોડીક ચબરાકીભરી વાતો કરી આંજી નાખવા? શું 'વાંચવું' એવાઓને માટે સિધ્ધિ - પ્રસિધ્ધિ માટે છે? ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમવર્ગમાં પોતાની જાતને સ્થાપવા માટે? સાથે એ પણ પ્રશ્ન છે કે સાવ ઓછું વાંચનાર, નહિવત્ વાંચનાર કેટલાક ઉત્તમ પુરુષો જોવા મળે છે એ વિશે કયો ખુલાસો? વાંચે તે જ શ્રેષ્ઠ? કે વિચારે તે શ્રેષ્ઠ? બીજી તરફ ઘણું ઘણું વાંચીને બેઠેલાં હોય છતાં તેમની બદમાશીનો આંક કાઢવા બેસીએ તો ઘણો ઊંચો જાય એવાઓ માટે વાંચન વિફળ કેમ રહ્યું? આ અને આવા સંખ્યાતીત પ્રશ્નો વાંચવા વિશે કરી શકાય. આ સર્વ પ્રશ્નોના ઉત્તરો પણ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોવાના. વાંચનનું અભિયાન ચલાવનારાઓ આ બધા પ્રશ્નો નથી જાણતા તેમ નહિ પણ આપણે કહેવું જોઇએ કે આવી ચેતનાગત બાબતોને ગણિત સાથે જોડવા જેવી નથી.

      અને અભિયાન ચલાવવું જ હોય તો જેલોની સાથે મહેલોમાં પણ ચલાવો. અર્થાત્ શ્રેષ્ઠી વર્ગમાં, ઉદ્યોગપતિઓમાં, રાજકારણીઓમાં. જીવન વિશેની નાની સમજની જરૃરિયાત તો ત્યાં છે. જેલની સજા ભોગવનારાઓમાંથી કેટલાક નિર્દોષ હોય છે, કેટલાક પશ્ચાત્તાપના પાવન ઝરણામાં ઝબકોળાતા રહ્યા હોય છે પણ પેલો રાજકારણી, ઉદ્યોગપતિ કે મહેલમાં રહેનાર તો ખોટું કૃત્ય કર્યા પછી લજ્જા અનુભવતો નથી, પ્રજાની આંખે સદા પાટા જ બાંધતો રહે છે. વાચન જો માનવીમાં પરિવર્તન લાવી શકતું હોય એ માનતી હોઇએ તો 'વાંચન કે વાંચો'નું અભિયાન ત્યાંથી શરૃ કરવા જેવું છે. વાચન માણસને વિનયી, વિવેકી, શાણો અને સત્યપ્રિય બનાવે એ નેમ હોવી જોઇએ. અન્યથા ગમે તેવું વાંચન માણસને વધુ દુષ્ટ બનાવી રહે એનાં દ્રષ્ટાંતો આજના સમાજમાં બહુ દૂર ખોળવા જવું પડે તેમ નથી. વાક્વીરોની કમી નથી. સત્યને અસત્યમાં અને અસત્યને સત્યમાં ખપાવી દેનારા આપણી આસપાસ નિરંતર કસરતો કરતા હોય છે. પ્રજાના એક વર્ગનો તેવાઓને ટેકો પણ સમયે સમયે મળી રહેતો હોય છે.


           હકીકત તો એ બનવી જોઇએ કે વાંચવું એ માત્ર વાંચવું ન બનવું જોઇએ. એ નિમિત્તે આપણે ચારે તરફનું સાફસૂથરું જોતા થવું જોઇએ. વસ્તુના મર્મ સુધી પહોંચવું જોઇએ. નીતિ, ધર્મ કે સત્ય આખરે શું છે? સંસ્કાર- વિનય- સંસ્કૃતિ- પ્રેમ વગેરે શું છે? એ સર્વ વાંચનમાંથી પામતા જવાનું છે અને પામીને તે પ્રમાણે આપણા ભીતરને પણ પરિવર્તિત કરતા રહેવાનું છે. વાંચવું એટલે વિશ્વને અને એની ઘટનાઓને અંદર પ્રવેશ કરાવવો, તેના સારાસાર વિશે વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી. અને ત્રીજે તબક્કે એવી સમજ જ પછી આપણું વ્યક્તિત્વ કે અસ્તિત્વ બની રહે. કહો કે એક દીક્ષિત-શિક્ષિત વ્યક્તિ. જે પોતાને અને અન્યને પણ સમજવા સતત પ્રયત્નશીલ રહે. એવું નિરામયી વ્યક્તિત્વ અન્યોથી જુદું પડી જાય. વાંચનશીલતા એ છેવટે સંસ્કારશીલતાનો ને એમ માનવતાનો પર્યાય બની રહે એ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઇએ.


           ઉપર ઉપર વરખ લગાડવાથી કશું દળદળ ફીટાતું નથી. ઘણું વાંચીને ગમાર રહેનારા છે. સાચી વાત તો એ છે કે આપણી ચોમેર વાતાવરણ જ એવું વિધાયકરૃપે રચાતું આવે કે માણસને વાંચવાનું મન થાય, વાંચીને વિચારવાનું મન થાય, વિચારીને તેનો અમલ કરવા સંકલ્પબધ્ધ બને. આપણે ત્યાં તો પરિસ્થિતિ જ સાવ અવળી છે. મૂલ્યોનાં બધાં જ પ્રકારનાં ધોવાણોની જ્યાં હોડ બકાતી હોય ત્યાં આવો સૂત્રપ્રેમ કેટલો કારગત નીવડે? અને સૂત્ર પણ કઇ વ્યક્તિના હૈયામાંથી જન્મ્યું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે ને?
- પ્રવીણ દરજી ( ક્ષણ-ક્ષણાર્ધ, ગુજરાત સમાચાર ,૧૭/૮/૨૦૧૦ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો